Thursday, April 02, 2009

ભારતીય જનતા કોંગ્રેસઃ સંભવ-અસંભવ

(સામાન્ય સંજોગોમાં હું બ્લોગ પર રાજકીય સમીક્ષા પ્રકારના લેખો મુકતો નથી. પણ આ જરા જુદા પ્રકારનો હોવાથી મુક્યો છે.)

‘રાજકારણ અશક્યને શક્ય બનાવવાની કળા છે’ એવું અવતરણ જાણીતું છે. તેનું ‘ગુજરાતી’ એટલું જ થાય કે રાજકારણમાં કંઇ પણ થઇ શકે. ‘શૂરા બોલ્યા ના ફરે’ એ રાજકારણના રણમેદાનમાં જરૂરી નથી. બલ્કે, એવી રજપૂતી ટેક રાજકીય આત્મહત્યાની રેસિપી બની શકે છે.

પવન પ્રમાણે સઢ ફેરવવાના વલણને તકવાદ કહો કે વ્યૂહરચના, વીસમી સદીના ભારતીય રાજકારણની એ તાસીર રહી છે. એ ઘ્યાનમાં રાખતાં, કોંગ્રેસ અને ભાજપના જોડાણની- ‘ભારતીય જનતા કોંગ્રેસ’ની- પહેલી નજરે અસંભવ લાગતી શક્યતા વિશે વિચારવા જેવું લાગે છે. ૨૦૦૯ની લોકસભા ચૂંટણી પહેલાં સર્જાયેલો માહોલ પણ આ તુક્કાની દિશામાં વિચારવા પ્રેરે છે. મોટા ભાગના સાથીપક્ષોએ છેડો ફાડી નાખતાં, કોંગ્રેસ અને ભાજપ આ વખતે લાગે છે એટલાં નિઃસહાય કદાચ અગાઉ ક્યારેય લાગ્યાં નહીં હોય. એક પક્ષ બિચારોબાપડો બને એ લાંબા સમય સુધી ભાજપ અને તેની પૂર્વસંસ્થાઓની નીયતી રહી. વચ્ચે ક્યારેક કોંગ્રેસનો ખરાબ સમય પણ આવ્યો. છતાં બન્ને પક્ષો ટટ્ટાર ઊભા રહેવા ટેકા માટે ફાંફા મારતા હોય- અને કહેવાય પાછા ‘રાષ્ટ્રિય પક્ષ’- એવું આ વખતે બન્યું છે.

ભાજપ-કોંગ્રેસઃ તફાવત શોધો
બે ધ્રુવ જેવા લાગતા ભાજપ અને કોંગ્રેસ ખરેખર સામસામા છેડે છે? તેમની વચ્ચેનો તફાવત એક જમાનામાં ‘સોસ્યો’ અને ‘થમ્સ અપ’ જેટલો હતો. હવે તેમની વચ્ચેનું અંતર ઘટીને ‘પેપ્સી’ અને ‘કોકાકોલા’ જેટલું થઇ ગયું છે.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું અદૃશ્ય અને અજાણ આદાનપ્રદાન ચાલુ રહેતાં બન્ને વચ્ચેનું અંતર કાળક્રમે લગભગ ભૂંસાઇ ચૂક્યું છે. આજની કોંગ્રેસ સૈદ્ધાંતિક રીતે આઝાદી પહેલાંની કોંગ્રેસ ગણાય કે નહીં એ ચર્ચાનો મુદ્દો છે, પણ ટેકનિકલ રીતે એ ગણાય છે. ભાજપે અસલ કોંગ્રેસની માલિકીની અનેક ચીજો અપનાવી લીધી છે અને કોંગ્રેસ જોતી રહી ગઇ છે. ભાજપે જાણ્યે-અજાણ્યે ઉપાડેલી કે અપનાવેલી કોંગ્રેસી ચીજોની અછડતી યાદીઃ

રામ
ગાંધીજીનો પ્રિય શબ્દ. વાતેવાતે ગાંધીજી રામ, રામનામ, રામબાણની વાત કરતા હતા. મરતી વખતે મોમાં રામનું નામ હોય એવી તેમની ઇચ્છા હતી. ૧૯૩૪થી કોંગ્રેસના સભ્ય મટી ગયેલા ગાંધીજી પર કોંગ્રેસે પોતાનો દાવો જતો કર્યો ન હતો અને રામને કદી અપનાવ્યા નહીં. ગાંધીજીના ગણાતા ‘રામ’ ભાજપે જુદા સ્વરૂપે અપનાવી લીધા અને તેમાંથી હિંદુ મતબેન્ક ઊભી કરવાનો પ્રયાસ કર્યો.
વંદે માતરમ્ અને રાષ્ટ્રવાદ
રાષ્ટ્રિય કોંગ્રેસનાં વાર્ષિક અધિવેશનોની શરૂઆત ‘વંદે માતરમ્’ના ગાનથી શરૂ થતી હતી. ‘વંદે માતરમ્’ કોંગ્રેસ દ્વારા પ્રચલિત થયેલો રાષ્ટ્રિય નારો હતો. અંગ્રેજ સરકારના કેટલાક સ્વમાની દેશી કર્મચારીઓએ ‘વંદે માતરમ્’ બોલવા માટે સજાઓ વહોરી લીધી હતી. ‘વંદે માતરમ્’ અને ‘ભારતમાતા કી જય’ની ચીચીયારીઓ પાડનાર અત્યારના ઘણાખરા નેતાઓ ત્યારે જન્મ્યા પણ ન હતા. ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’નો એજેન્ડા ધરાવતા સંઘપરિવારના રાજકીય પક્ષ તરીકે ભાજપે આઝાદી પછી રેઢા પડેલા અને એક સમયે કોંગ્રેસની ‘બ્રાન્ડ’ ગણાતા ‘વંદે માતરમ્’ તથા રાષ્ટ્રવાદને ખપજોગા ફેરફાર સાથે અપનાવી લીધાં.
કેડરબેઝ
કોંગ્રેસની સૌથી મોટી તાકાત તેની કેડરમાં- ખૂણેખૂણે પથરાયેલા કાર્યકરોમાં હતી. કેડરબેઝ્ડ પાર્ટી તરીકે કોંગ્રેસને સરદાર પટેલે લોખંડી શિસ્તથી ઊભી કરી હતી. સત્તાના લાંબા ગાળા પછી પક્ષમાં કાર્યકરો ઓછા રહ્યા ને નેતાઓ વધી ગયા. સંઘપરિવારના સહયોગ અને તેના કાર્યકરોને કારણે ‘કેડરબેઝ્ડ પક્ષ’ની ઓળખ ભાજપે નવેસરથી ઊભી કરી- અને કોંગ્રેસ કરતાં અનેક ગણી વધારે ઝડપે ખોઇ પણ નાખી.
વંશપરંપરા
કોંગ્રેસ નેહરૂ-ગાંધી પરિવારનો પક્ષ બની રહી અને એ મુદ્દે કોંગ્રેસની ટીકા કરવાની એક પણ તક ભાજપે છોડી નહીં. હવે ભાજપી નેતાઓ હરખભેર પોતાનાં સંતાનોને રાજકારણમાં લઇ આવ્યા છે અને ટોચની નેતાગીરી સિવાય બધે ‘સનરાઇઝ’ બાબતે કોંગ્રેસ-ભાજપ વચ્ચે તફાવત રહ્યો નથી.
ભ્રષ્ટાચાર
યુપીએ અને એનડીએની સરકાર વચ્ચે- ભાજપ કે કોંગ્રેસના રાજકારણીઓ વચ્ચે આ મુદ્દે કશો તફાવત જોવા મળ્યો નથી. ‘ખાતો નથી અને ખાવા દેતો નથી’ એ રમ્ય કલ્પના છે. પોતે ન ખાવું આવકાર્ય છે, પણ પૂરતું નથી. અને બીજા- ખાસ કરીને પોતાની નિકટના- ન ખાય એવી વ્યવસ્થા ઊભી કરવાનું ભાજપ માટે પણ અશક્ય બન્યું છે.
બોલકા મઘ્યમ વર્ગનો ટેકો
કોંગ્રેસ એક સમયે સમાજના ઉજળીયાતો માટેની ‘ટાઇમપાસ’ સંસ્થા ગણાતી હતી. ગાંધીએ તેને સર્વજન સુધી પહોંચાડ્યા પછી પણ, એ વર્ગ કોંગ્રેસની પડખે રહ્યો હતો. ઈંદિરા ગાંધી પછીના યુગમાં આક્રમક- મુસ્લિમવિરોધી હિંદુત્વના રાજકારણના ઉદય પછી કોંગ્રેસપ્રેરિત ઉદારીકરણથી અસ્તિત્ત્વમાં આવેલા મઘ્યમ વર્ગને ભાજપ આકર્ષી શક્યો. કોંગ્રેસ ત્યારે પછાત વર્ગો-દલિતો-મુસ્લિમોના મત પર મુસ્તાક હતી.
ઉમેદવારો
આટલું બઘું ઓછું હોય તેમ, રહ્યોસહ્યો ફરક ભૂંસવા ભાજપે જૂના કોંગ્રેસીઓ માટે દરવાજા ખોલી નાખ્યા. આ વખતે ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં પાટણ અને દાહોદ બેઠકો પર ગુજરાતના મુખ્ય મંત્રીએ નીચા નમીને, સુફિયાણી વાતો બાજુ પર રાખીને, બે કોંગ્રેસી નેતાઓને ટિકિટ આપવી પડી. તેમાંના એક સાત વાર ચૂંટાયેલા કોંગ્રેસી સાંસદ અને બીજા ભાજપની ઓફિસે આવ્યા પછી કહે કે મને કોંગ્રેસ પાટણની ટિકીટ આપશે, તો હું કોંગ્રેસ વતી લડીશ. અપરાધી ઇતિહાસ ધરાવતા ઉમેદવારોને ટિકીટ આપવામાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે કશો તફાવત રહ્યો નથી.

ભાજપે શું ગુમાવ્યું? એ યાદીમાં સૌથી પહેલાં આવેઃ ‘પાર્ટી વીથ ડીફરન્સ’ની છબી. આંતરિક શિસ્તનું સ્થાન ઝડપથી ટાંટિયાખેંચે લીઘું. ભ્રષ્ટાચાર, રાજકારણનું અપરાધીકરણ, લાંબા ગાળાની રાષ્ટ્રિય નીતિ કે દૃષ્ટિનો અભાવ, ‘એક તક’ મળ્યા પછી વચનનો અમલ કરવામાં નિષ્ફળતા...

ભાજપની યાદી પછી હવે એ જોઇએ કે કોંગ્રેસે પોતાના સમૃદ્ધ વારસા પ્રત્યે ગાફેલિયત સેવીને, ભાજપમાંથી કે બીજેથી શું ઉપાડ્યું? કોંગ્રેસી તફડંચીની ટૂંકી છતાં મહત્ત્વની યાદીઃ
હિંદુત્વ
આક્રમક હિંદુત્વનાં મોજાં પર ભાજપને તરી જતો જોઇને કોંગ્રેસે સેક્યુલરિઝમની માળા જપતે જપતે ‘સોફ્ટ હિંદુત્વ’ સ્વીકારી લીઘું. ‘સોફ્ટ હિંદુત્વ’ એટલે શું? ચોક્કસ જવાબ અઘરો છે, પણ ગુજરાતના અનુભવ પછી સાવ બરછટ ભાષામાં કહી શકાય કે ‘સોફ્ટ હિંદુત્વ એટલે ટોળું મુસ્લિમોને મારવા જતું હોય તો આપણે ટોળામાં સામેલ થવું, પણ કોઇને ઘેરી લેવામાં આવે તો ટોળામાંથી પહેલો ઘા આપણે મારવો નહીં. બાકી જે થાય તે થવા દેવું.’
ડૉ. આંબેડકર-સુભાષચંદ્ર બોઝ
કોંગ્રેસી ચૂંટણીપ્રચારના બેનરમાં ગાંધીજીથી રાહુલ ગાંધી સુધીના ચહેરા જોવા મળે છે. તેમાં વિશેષ ઘ્યાન ખેંચતી તસવીરો ડૉ.આંબેડકર અને સુભાષબાબુની છે. ડૉ.આંબેડકર કદી કોંગ્રેસી ન હતા. એટલું જ નહીં, તે કોંગ્રેસના કટ્ટર ટીકાકાર હતા. દેશના પહેલા પ્રધાનમંડળમાં તેમનો સમાવેશ થયા પછી પણ તેમના વાંધાવિરોધમાં ઓટ આવી ન હતી. ડૉ. આંબેડકરની છબી તફડાવીને કોંગ્રેસી નેતાઓની હરોળમાં ચોંટાડી દેવી, એ દલિતોને રીઝવવાની સસ્તી અને મહદ્ અંશે નિષ્ફળ તરકીબ પુરવાર થઇ છે. સુભાષબાબુ કોંગ્રેસના સક્રિય આગેવાન અને બે વાર ચૂંટાયેલા કોંગ્રેસપ્રમુખ પણ ખરા. છતાં બીજી વાર જે રીતે તેમને કોંગ્રેસ છોડવાની ફરજ પાડવામાં આવી, ત્યાર પછી સુભાષબાબુએ ‘ફોરવર્ડ બ્લોક’ નામે નવો પક્ષ સ્થાપ્યો હતો. ડૉ.આંબેડકરની જેમ સુભાષબાબુ દેશમાં રહ્યા હોત, તો તે ચોક્કસ પણ કોંગ્રેસવિરોધી હિલચાલના અગ્રણી બની રહેત.
અમેરિકાતરફી વલણ
દુનિયા જ્યારે અમેરિકા અને રશિયા એમ બે મહાસત્તાઓ વચ્ચે વહેંચાયેલી હતી, ત્યારે કોંગ્રેસ- નેહરૂ અને ઈંદિરા ગાંધી- રશિયાના પલ્લે હતાં. એ વખતે ભાજપ અને તેની પૂર્વસંસ્થાઓ અમેરિકા ભણી ઢળેલી હતી. ઉદારીકરણ પછીના યુગમાં અને બદલાયેલાં વૈશ્વિક સમીકરણો પછી કોંગ્રેસ અમેરિકા સાથે સંધિ કરવા માટે ડાબેરીઓનો ટેકો ગુમાવીને પોતાની સરકારની અસ્થિરતા વહોરી લેવા જેટલી મક્કમ બની છે.

કોંગ્રેસે શું ગુમાવ્યું, એનો ટૂંકામાં ટૂંકો જવાબ છેઃ સત્તા. આઝાદી પછી ગરીબી અને ગરીબોની મતબેન્કના જોરે કોંગ્રેસનું શાસન ટક્યું હતું, પણ હિંદુત્વના અને દલિત રાજનીતિના પ્રારંભ પછી કોંગ્રેસની હાલત ખરાબ છે. (ભાજપની હાલત, આગળ જણાવ્યું તેમ, જુદી રીતે ખરાબ છે.) પરંપરાગત રીતે કોંગ્રેસની ગણાતી દલિત-મુસ્લિમ મતબેન્ક કોંગ્રેસ માટે ‘કાચી પડી છે’. પરિણામે, જે રાજ્યમાંથી દેશના વડાપ્રધાન આવતા હતા, એ ઉત્તર પ્રદેશમાં અને પાડોશી બિહારમાં કોંગ્રેસને હાજરી પુરાવવાનાં ફાંફાં છે. ઉત્તર પ્રદેશમાંથી આક્રમક હિંદુત્વની લહેરો જગાડનાર ભાજપની દશા પણ ત્યાં એટલી જ ભૂંડી છે. ઉત્તર પ્રદેશ-બિહાર જેવાં લોકસભાની બેઠકોમાંથી વીસેક ટકા જેટલો મોટો હિસ્સો ધરાવનારાં રાજ્યોમાં કોંગ્રેસ-ભાજપ શોઘ્યાં જડે એમ નથી.
કોંગ્રેસ-ભાજપઃ મજબૂરીનો મેળાપ શક્ય છે?
ખખડી ગયેલા અને સ્થાનિક પક્ષોની દયા પર જીવતા બે રાષ્ટ્રિય પક્ષો તરીકે કોંગ્રેસ-ભાજપના ઘણા નેતાઓને અને મતદારોને પણ એવો વિચાર આવતો હશે કે અનેક પક્ષો સાથે જોડાણ કરવાને બદલે આ બે પક્ષો અંદરોઅંદર જોડાણ કરી નાખે તો સારૂં નહીં?

એ સંભાવના ચકાસવા માટે બન્ને પક્ષો પાસે શું બચ્યું છે, તે જોવું જોઇએ. કેમ કે, તેમની પાસે જે બચ્યું છે તે અડચણરૂપ પણ છે. ભાજપ પાસે પ્રગતિ-સુશાસનની તમામ વાતો પછી પણ મુસ્લિમ-ખ્રિસ્તીવિરોધી વલણ બચ્યું છે. એ તેના હાડમાં ઉતરેલું છે. સંઘ પરિવારનો ભાજપ પરનો પ્રભાવ ચઢાવઉતાર સાથે એકંદરે જળવાઇ રહ્યો છે. કોંગ્રેસ પાસે બિનસાંપ્રદાયિકતાની વાતો છે, પણ તેની સૌથી અડીખમ લાક્ષણિકતા ગાંધીપરિવારની ભક્તિ છે. બન્ને પક્ષો રાષ્ટ્રિય હિતને બદલે બીજા પક્ષોના ત્રાસથી કંટાળીને હાથ મિલાવવાનું વિચારે એ કલ્પના એક શક્યતા તરીકે હંમેશાં ઊભી રહે છે. એવું થાય તો મતદારો પાસે વિકલ્પો ઘટે. સાથોસાથ આ બન્નેના એક થવાથી ખરા અર્થમાં એક ‘વિરોધપક્ષ’ સર્જાવાની તક રહે. તે સત્તા હાંસલ કરનારાની સગવડીયા મંડળી નહીં, પણ સૈદ્ધાંતિક આધાર ધરાવતી યુતિ હોય, જે તફાવત ગુમાવી ચૂકેલા આ બન્ને પક્ષો કરતાં જુદી - રાષ્ટ્રહિતની, કાયદાના શાસનની, કોમવાદી બન્યા વિના આતંકનો મુકાબલો કરવાની અને મુખ્ય ધારાની ચર્ચામાંથી ઓઝલ બનેલા વર્ગની - વાત કરે.

3 comments:

 1. I AM FULLY AGREE WITH YOUR OPINION. IT IS THE INTEREST OF NATION TO GATHER IN BHARTIYA JANTA CONGRESS. IT WILL BE BETTER THAN LALLO MULAYAM AND PAWAR ETC COMBINATION.
  DEVVDUTT MAJMUDAR
  dp_majmudar@yahoo.co.in
  SURAT
  03/04/2009

  ReplyDelete
 2. Anonymous6:24:00 AM

  સિક્કિમમાં જે થયું તે ભારતીય જનતા કોંગ્રેસની શરૂઆત છે?

  ReplyDelete
 3. Bharat.zala12:50:00 PM

  Urvishbhai.U r right.congress and B.J.P are similar in many ways.both have same blood group.both parties disappointed us.their start has different,but at the end,they given us same result.Urvishbhai.U r right.congress and B.J.P are similar in many ways.both have same blood group.both parties disappointed us.their start has different,but at the end,they given us same result.

  ReplyDelete