Thursday, April 16, 2009

છાપાંની મતદાર-જાગૃતિ ઝુંબેશોઃ બનાઓ ના દીવાના...

ચૂંટણી ટાણે જોવા મળતી કેટલીક મોસમી ચીજોમાંની એક છેઃ મતદારજાગૃતિઝુંબેશ.
એકંદરે આ પ્રવૃત્તિ નિર્દોષ છે, પણ છાપાં મતદારોને મત આપવાનાં ‘પબ્લિક ઇન્ટરેસ્ટ કેમ્પેઇન’ ચલાવે ત્યારે તે દંભી લાગે છે. કારણ કે-

  • છાપાં માટે આ બધી ઝુંબેશો મુખ્યત્વે ‘બ્રાન્ડ બિલ્ડિંગ’નો જ હિસ્સો હોય છે. ‘એ બહાને લોકો આપણી નોંધ લે અને આપણે સમાજની કેટલી ચિંતા સેવીએ છીએ તેનાથી પ્રભાવિત થઇને આપણા છાપા વિશે જાણે- કદાચ ખરીદે પણ ખરા.’
  • સાચીખોટી હસ્તીઓ (સેલિબ્રિટી) પાસે ઉપદેશના બે શબ્દો બોલાવીને, ‘કૉઝ’ના બહાને એમની પાસે પોતાની બ્રાન્ડનું મફતીયા મોડેલિંગ કરાવી શકાય.
  • છાપાં પોતે જાગૃતિનું મહત્ત્વનું અને અસરકારક માધ્યમ છે. તેની મુખ્ય કામગીરીમાંની એક સમાજમાં જાગૃતિ ફેલાવવાની છે. એ કોઇને કરવી નથી. ચૂંટણી આવે ત્યારે ફૂટપટ્ટીએ માપી માપીને રાજકીય પક્ષો ને ઉમેદવારો પાસેથી જાહેરખબરના ભાવે સમાચારના રૂપિયા ખંખેરનારાં કે બીજી રીતે ફાયદા વસૂલનારાં પ્રસાર માધ્યમો મતદારોની જાગૃતિની ઝુંબેશો ચલાવે (કે ન પણ ચલાવે) તેનો શો મતલબ?
  • મતદાન અંગેની જાગૃતિ સામાજિક-રાજકીય જાગૃતિ કરતાં અલગ ન હોઇ શકે, એટલું પણ આ કહેવાતા ઝુંબેશકારો સમજવા માગતા નથી? ઇન્ડિયન એક્સપ્રેસ જેવું અખબાર એકંદરે ધોરણસરના ચૂંટણી સમાચારો અને લેખો છાપતું હોય, પછી તેને અલગથી જાગૃતિઝુંબેશ કરવાની જરૂર રહેવી જોઇએ નહીં. પણ એક બાજુ ‘ઉંઘૃતિ’ (જાગૃતિનું વિરોધીઃ-) ફેલાવવાના ધંધા આદરનારા, લોકોની આંખમાં ધૂળ નાખવા કે તેમને મૂરખ બનાવવા મતદારજાગૃતિની ઝુંબેશો ચલાવતા હોય એવું લાગે છે.

કોઇને થશે, આ તો ‘સંદેશ’ અને ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’નાં કેમ્પેઇનની વાત છે.
હા. છે. પણ માત્ર એમની કંપનીગત કે એમનાં કેમ્પેઇનની જ વાત નથી. કાલે ઉઠીને બીજાં છાપાં કે ચેનલો આ ધંધામાં પડે અથવા ભારતના બીજા હિસ્સામાં તે પડી ચૂક્યાં હોય, તો પણ સચ્ચાઇ આ જ રહેવાની છે. સિવાય કે તેમણે પોતે પોતાનું કામ પ્રામાણિકતાથી કર્યા પછી વધારાના પગલા તરીકે જાગૃતિની ઝુંબેશ ઉપાડી હોય.

પબ્લિક ઇન્ટરેસ્ટ એડ કેમ્પેઇન કરવાનાં મુખ્ય ત્રણ કારણ હોય છે (સ્વાભાવિક છે કે તેમાં ‘પબ્લિક ઇન્ટરેસ્ટ’નો સમાવેશ થતો નથી) : છાપું પોતાની બ્રાન્ડ વિશે આશ્વસ્ત ન હોય. ‘બેસ્ટ એડ કેમ્પેઇન’ના નેશનલ-ઇન્ટરનેશનલ એવોર્ડ જીતવા હોય કે પૂરતા પ્રમાણમાં જાહેરખબરો ન મળતી હોવાથી જગ્યા બગાડવાનું પોસાણ હોય.

હવે તમે આવું કોઇ કેમ્પેઇન જુઓ ત્યારે ઉપર જણાવેલાં કારણમાંથી કયાં કારણ લાગુ પડે છે તે વિચારી જોજો.

(શીર્ષકપંક્તિ: કહીં પે નિગાહેં, કહીં પે નિશાના...ધીમે, ઓ જાલિમ, બનાઓ ના દીવાના)

3 comments:

  1. હોળી વખતે દિવ્ય ભાસ્કરે તિલક હોળીનું અભિયાન ચલાવ્યું હતું, જેમાં રોજ જુદા જુદા લોકો પોતે તિલક હોળી રમીને પાણીનો વ્યય અટકાવશે એમ કહેતા હતા. મફતમાં પબ્લીસીટી મળતી હોય તો શું કામ ન કહે? એવુંય બને કે પબ્લીસીટી માટે નહીં, પણ ખરેખર તેઓ પાણીનો વ્યય રોકવા ઇચ્છતા હોય. હોળી પત્યા પછી બે-ચાર દિવસ આ અભિયાનની સફળતા દર્શાવતા ફોટા છપાતા રહ્યા. હસવું આવે એવી વાત એ હતી કે એમાં તિલક હોળી રમતા દર્શાવાયેલા અમુક લોકોને હું ઓળખતો હતો અને મને ખબર હતી કે તેઓ તિલક હોળી નહીં, પણ પૂરેપૂરી હોળી રમ્યા છે. પહેલાં એક અભિયાન ઉપાડીને પોતે સામાજીક જાગૃતિ લાવવા કેટલા કટિબદ્ધ છે એ બતાવવાનું અને પછી પોતાનું અભિયાન કેટલું સફળ થયું છે એ વિષે દાવા કરવાના! અંગત રીતે કહું તો મારા જેવા ધૂળેટીની ઉજવણીમાં પરાણે ઢસડાતાને તિલક હોળીનો કન્સેપ્ટ ગમ્યો હતો.પણ ભારતીયોના
    જિન્સમાં ઉજવણીનું સ્થાન પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ કદી ન લઇ શકે. પાણી બચાવવાનું અભિયાન આદરતું આ જ દૈનિક ગણેશોત્સવ વખતે સ્પર્ધા યોજીને શ્રેષ્ઠ મૂર્તિઓને ઇનામથી નવાજે છે. ખરેખર તો ગણેશોત્સવથી થતું પાણીનું પ્રદૂષણ અનેકગણું છે. ધ્વનિપ્રદૂષણની વાત તો હિન્દુસ્તાનમાં રહેનાર કરી જ ન શકે. ખેર! આજકાલ હવે વોટર હારવેસ્ટીંગનું અભિયાન આ દૈનિકે ઉપાડયું છે. વિચાર ખરેખર સારો છે,પણ હેતુ જાગૃતિનો ઓછો અને પબ્લીસીટીનો વધુ હોવાથી આવાં અભિયાન ગંભીરતાથી લેવાતાં નથી, એ હકીકત છે.

    ReplyDelete
  2. રમેશ અમીન11:19:00 PM

    સંદેશે જે કરવું હોય તે કરે. જે કારણથી કરતું હોય,સારું જ કરે છે ને? એ જવા દો, ઉર્વીશભાઈ આવા લેખ નહીં પણ ફોટા સાથે તમે જે રૂબરૂ જઈને અહેવાલો લાવો છો એવા અહેવાલો લાવીને મૂકો.

    ReplyDelete
  3. Anonymous8:58:00 PM

    છાપાવાળા ભલે આ અભિયાનો થકી પ્રસિધ્ધિ પામે પણ સત્ય એ પણ છે કે ઘણા લોકો આ પ્રકારના અભિયાનોથી પ્રેરાઇને પણ મત આપવા માટે તૈયાર થતા હોય છે. પ્રથમ ચરણમાં મતદાન વખતે હૈદરાબાદમાં ઘણા લોકોએ કબૂલ્યું હતું કે તેઓ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના "લીડ ઇન્ડિયા" અભિયાન થકી કે ટાટા ગ્રુપના "જાગો રે" અભિયાન થકી મત આપવા માટે પ્રેરાયા હતા. અમુક કહેવાતા ઉચ્ચવર્ગના કોલેજીયનોએ એ પણ કબૂલ્યું કે આમીર ખાન દ્વારા વોટ આપવા માટે કરવામાં આવેલી અપીલથી તેઓ મત આપવા માટે પ્રેરાયા હતા. આવા અભિયાનો થકી પણ જો લોકો પ્રેરાતા હોય અને વિચારીને મતદાન કરતા હોય તો આવા અભિયાન ચલાવવામાં ખોટું શું છે?

    ReplyDelete