Wednesday, April 15, 2009

સુવર્ણયુગનાં સહસર્જક- ગાયિકા શમશાદ બેગમ

‘જૂના’ ફિલ્મસંગીતના રસિયાઓ ગાયિકાઓના બે ભાગ પાડે છેઃ શાંત, ધીરગંભીર, અઘરાં, શાસ્ત્રીય પ્રકારનાં, મઘુરતમ ગીતો એટલે લતા મંગેશકર અને મસ્તીભર્યાં, નખરાળાં, મદીલાં ગીતો એટલે આશા ભોસલે. આ વિભાજન ખોટું છતાં પ્રચલિત છે.

ખરેખરા જૂના (૧૯૩૦-૪૦-૫૦ના) ફિલ્મસંગીતના પ્રેમીઓ માટે આવા કોઇ ભેદ નથી. ઉપર લખેલાં તમામ વિશેષણો કોઇ એક જ ગાયિકા માટે પ્રયોજવાનાં હોય તો મોટા ભાગના રસિયાઓની જીભે એક જ નામ આવેઃ શમશાદ બેગમ.

લતા મંગેશકરના ‘સૂરોદય’ પહેલાં કાનનદેવી, ખુર્શીદ, નૂરજહાં, કાનનદેવી, સુરૈયા જેવી ગાયિકા-અભિનેત્રીઓ ફિલ્મ સંગીતમાં છવાયેલી હતી. પાર્શ્વગાયન/પ્લેબેક સિંગીંગ ૧૯૩૫માં શોધાયા પછી એકાદ દાયકા સુધી ગાયિકા- અભિનેત્રીઓનું વર્ચસ્વ રહ્યું. તેમની વચ્ચેથી માત્ર પાર્શ્વગાયિકા તરીકે પોતાનું સ્થાન ઊભું કરવાનો પડકાર મોટો હતો. એટલો જ ગંભીર પડકાર સંગીતના બદલાતા સ્વરૂપ સાથે ટકવાનો પણ ખરો.

રાજકુમારી, અમીરબાઇ કર્ણાટકી, ઝોહરાબાઇ અંબાલાવાલી, પારૂલ ઘોષ જેવી ચાળીસીના દાયકાની જાણીતી પાર્શ્વગાયિકાઓ પચાસના દાયકામાં પાછી હડસેલાવા લાગી. નવા સંગીતકારોને જૂની ગાયિકાઓના દમદાર ભારે કંઠ કરતાં લતા મંગેશકરનો પોલીશયુક્ત, સંઘેડાઉતાર, અગાઉની ગાયિકાઓની સરખામણીએ કંઇક તીણો (કે ઝીણો) કંઠ વધારે માફક આવતો હતો. નિર્માતાઓનો - અને કેટલાક કિસ્સામાં ખુદ લતા મંગેશકરનો- આગ્રહ પણ બીજી ગાયિકાઓનો ઉપયોગ ન કરવાનો રહેતો. કારણ કે લતા મંગેશકરનો સિક્કો સંગીત અને વેપાર બન્નેમાં સુપરહિટ હતો.

છતાં, ત્રીસીના દાયકામાં કારકિર્દી શરૂ કરનાર શમશાદ બેગમ પચાસ અને સાઠના દાયકામાં ટકી ગયાં. માત્ર ટકવા ખાતર નહીં, પણ પોતાનાં અસલી દમદાર અવાજ-શૈલી સાથે. ‘છોડ બાબુલકા ઘર, મોહે પીકે નગર આજ જાના પડા’ કે ‘મિલતે હી આંખે દિલ હુઆ’ જેવાં ગીતોમાં શમશાદ બેગમના અવાજથી જે પ્રભાવ, જે ચોટ, જે આંદોલનો સાંભળનારના મનમાં સર્જાય થાય છે, એ બીજા કોઇથી પેદા થઇ શક્યાં હોત?

અમુક ગીત એકને બદલે બીજા ગાયકે ગાયું હોત તો? એવા સવાલો ઇતિહાસના ‘જો’ અને ‘તો’ જેવા હોય છે. દિલબહલાવ સિવાય તેનો ખાસ ઉપયોગ હોતો નથી. પરંતુ શમશાદ બેગમના કિસ્સામાં તેમણે લતા મંગેશકર અને આશા ભોસલે સાથે ઘણાં ગીત ગાયાં હોવાથી, સરખામણીની થોડી તક ઊભી થાય છે. શમશાદ બેગમના અવાજથી ઊભી થતી અસર સાથે બીજા અવાજની અસર ને કસર સરખાવી શકાય છે. અજાણ્યાં ગીતોનો ખડકલો કરીને પાંડિત્ય છાંટવાને બદલે, કેટલાંક જાણીતાં દ્વંદ્વગીતો યાદ કરવાથી મુદ્દો વધારે સ્પષ્ટ થશેઃ ‘બચપનકે દિન ભૂલા ના દેના’માં લતા સાથે શમશાદ બેગમનો સ્વર છે, તો છેક ૧૯૬૮માં ગાયેલા ‘કજરા મહોબ્બતવાલા’માં આશા ભોસલે અને શમશાદ બેગમ છે. ‘તેરી મહેફિલમેં કિસ્મત આજમાકર હમભી દેખેંગે’માં લતા-શમશાદ છે, તો ‘રેશમી સલવાર, કુરતા જાલીકા’ માં આશા-શમશાદ છે.

સ્વરસમૃદ્ધિને સૌંદર્યની ઉપમાથી અભિવ્યક્ત કરવાની હોય તો, (પ્રમાણની થોડી અતિશયોક્તિ સાથે) લતા મંગેશકરના અવાજને ઐશ્વર્યા રાય સાથે અને શમશાદ બેગમના અવાજને સ્મિતા પાટિલ સાથે સરખાવી શકાય. આમ કરવામાં લતા મંગેશકરના મઘુર અવાજને અન્યાય કરવાનો નહીં, પણ શમશાદ બેગમના રણકતા અવાજને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં- યોગ્ય સ્થાને મુકવાનો આશય છે.
***
14 એપ્રિલ, 2009ના રોજ શમશાદ બેગમને ૯૦ વર્ષ પૂરાં થયાં. આ વર્ષે મોડે મોડે અને તે પણ ‘પદ્મભૂષણ’ની યાદીમાં તેમનું નામ જાહેર થયું. લતા મંગેશકરને સંગીતના પ્રદાન બદલ ‘ભારતરત્ન’ મળી શકતો હોય તો શમશાદ બેગમને એ જ વખતે ‘પદ્મવિભૂષણ’ મળવો જોઇતો હતો. ‘દાદાસાહેબ ફાળકે’ એવોર્ડ તો એથી પણ પહેલાં! છતાં, એવોર્ડની દુનિયા સામાન્ય સંગીતપ્રેમીઓ કે સાહિત્યપ્રેમીઓની સમજણ પ્રમાણે નથી ચાલતી. તેનો વઘુ વસવસો કરવાને બદલે, શમશાદ બેગમના પ્રદાનને નવેસરથી યાદ કરવા જેવું છે.
સુરતના ફિલ્મસંશોધક હરીશ રધુવંશી ‘રિમિક્સ યુગ’ શરૂ થયો ત્યારથી કહેતા હતા,‘જૂનાં ગીતોનાં રિમિક્સમાં સૌથી વઘુ ચાલે એવાં ગીતો શમશાદ બેગમનાં છે.’ તેમની આગાહી સાચી પણ પડી. ‘સૈંયા દિલમેં આના રે’ જેવાં તેમનાં ગીતોનાં તો ભડકી જવાય એવાં વિડીયો આલ્બમ બન્યાં છે. પણ એ બહાને પોતાનાં ગીતો હજુ યાદ કરવામાં આવે છે, તેનો આનંદ શમશાદ બેગમે થોડા સમય પહેલાં એક અખબારી મુલાકાતમાં વ્યક્ત કર્યો હતો. તેમના કંઠમાં તાજગીનો એવો ધસમસતો પ્રવાહ હતો કે ‘લિરિલ’ની જાહેરખબર પચાસ વર્ષ પહેલાં બની હોત તો એમાં શમશાદ બેગમનો અવાજ વપરાયો હોત.

ઓ.પી.નૈયરે શમશાદ બેગમના અવાજને કાંસાના રણકાર જેવો ગણાવ્યો હતો. ‘કભી આર કભી પાર લાગા તીરે નજર’, ‘કહીં પે નિગાહેં, કહીં પે નિશાના’, ‘લેકે પહેલા પહેલા પ્યાર’ જેવાં શમશાદ-ઓ.પી.નૈયરનાં ગીતો પ્રચંડ લોકપ્રિયતાને કારણે ચવાઇ ગયેલાં લાગે, પણ એ ગીતો એકલદોકલ ફિલ્મનાં નહીં, આખા યુગનાં પ્રતિનિધિ બન્યાં. એસ.ડી.બર્મન, શંકર-જયકિશન, સી.રામચંદ્ર. ઓ.પી.નૈયર જેવા ચાળીસીના ઉત્તરાર્ધના કે પચાસના દાયકાના સંગીતકારોએ શમશાદ બેગમના કંઠમાં રહેલી મસ્તીનો ભરપૂર ઉપયોગ કર્યો. જ્યારે તેમને પહેલી તક આપનાર માસ્ટર ગુલામ હૈદર કે ખેમચંદ પ્રકાશ, નૌશાદ, ગુલામ મહંમદ જેવા ચાળીસીના બીજા ઘણા સંગીતકારોએ મસ્તી ઉપરાંત શમશાદના અવાજમાં રહેલી કશિશને-દર્દને સંગીતમાં ઢાળીને અસંખ્ય યાદગાર ગીતો બનાવ્યાં.

‘ધરતીકો આકાશ પુકારે’માં પ્રભાવશાળી ઓરકેસ્ટ્રાથી ઊભા થયેલા માહોલને અનુરૂપ- ફક્ત અનુરૂપ જ નહીં, તેનાથી ચાર ચાસણી ચડે એવો- શમશાદ બેગમનો અવાજ વર્ણવવા માટે શબ્દો ટાંચા પડે. (લેખમાં એવાં જ ગીતોનો ઉલ્લેખ છે, જે અત્યંત લોકપ્રિય અને સર્જનના પાંચ દાયકા પછી પણ સહેલાઇથી મળતાં હોય. સરેરાશ શ્રોતાઓએ ભાગ્યે જ સાંભળેલાં કે તે સાંભળવા ઇચ્છે તો પણ મેળવી ન શકે, એવાં ગીતોનો ઉલ્લેખ ઇરાદાપૂર્વક ટાળ્યો છે.)

મસ્તી, લહેકા, છેડછાડ, છણકાથી માંડીને વ્યથા, વિરહ, દુઃખ, શોક જેવી વિરોધી લાગણીઓ એકસરખી કાબેલિયતથી અદા કરવામાં ગીતા દત્ત અને આશા ભોસલેના અપવાદને બાદ કરતાં ભાગ્યે જ કોઇ ગાયિકાને શમશાદ બેગમની સમકક્ષ ગણી શકાય. ગીતા દત્તની કારકિર્દી પર અંગત જીવનની કરૂણતાના ઓછાયા છવાયેલા રહ્યા, જ્યારે આશા ભોસલેનો વિકાસ લતારૂપી વટવૃક્ષ નીચે લાંબા સમય સુધી રૂંધાયો અને મોટાં બેનર-નામી સંગીતકારો સાથે ગાવાનું ઓછું બન્યું. તેમની સરખામણીમાં શમશાદ બેગમની એન્ટ્રી જ ધમાકેદાર રહી.

રેકોર્ડકંપની અને રેડિયોમાં કામ કર્યા પછી લાહોરસ્થિત ગુજરાતી નિર્માતા દલસુખ પંચોલીની પંજાબી ફિલ્મ ‘યમલા જટ’માં પહેલું ગીત તેમણે ગાયું. પંચોલીની જ હિંદી ફિલ્મ ‘ખજાનચી’ (૧૯૪૧)માં પહેલી વાર ગાયેલાં હિંદી ગીતોથી શમશાદ બેગમ સ્ટાર ગાયિકા ગણાવા લાગ્યાં. આ ફિલ્મનું તેમણે ગાયેલું ગીત ‘સાવન કે નઝારે હૈ, આહા, આહા’ એટલું લોકપ્રિય થયું કે એ સમયના ફિલ્મી સામયિકોમાં આખી ફિલ્મને બદલે માત્ર એક ગીતની જાહેરખબર આખું પાનું ભરીને આવતી હતી.

છેક સાઠના દાયકાના અંત સુધી લંબાયેલી દીર્ઘ કારકિર્દીમાં તેમણે હિંદી ઉપરાંત પંજાબી, ભોજપુરી, મરાઠી, મારવાડી, આસામી જેવી ભાષાઓમાં ટોચના-જાણીતા-અજાણ્યા સંગીતકારો માટે ૧૨૦૦થી વઘુ ફિલ્મી-બિનફિલ્મી ગીત ગાયાં. તેમાંથી મોટા ભાગનાં ગીતો એવા સમયગાળામાં, જ્યારે એકબીજાને ટક્કર મારે એવી ગાયિકાઓ મોજૂદ હતી અને કોઇ એક ગાયિકાનું એકહથ્થુ-એકચક્રી શાસન ન હતું.

શમશાદ બેગમનાં ચુનંદાં ગીતોની યાદી તૈયાર કરવામાં ભારે જોખમ છેઃ એટલાં બધાં મનગમતાં ગીતો રહી જાય કે બીજા સંગીતપ્રેમીઓ સાથે તો ઠીક- સૌથી પહેલી તકરાર મારે જ મારી સાથે થાય! પણ શમશાદ બેગમ વિશે અહીં થયેલા દાવામાં ક્યાંય અતિશયોક્તિ લાગતી હોય તો, (પૂર્વગ્રહ વગરના) સંગીતપ્રેમીઓને અનુરોધ છેઃ એક વાર તસ્દી લઇને શમશાદ બેગમનાં ગીતો સાંભળી જુઓ! ફિર દેખ મઝા!
Photolines :
1. photo-graphics of young & old shamshad begum by Arvind Patel of Dhoraji
2. Shamshad begum receiving Padmbhushan
3. Aishwarya Ray greeting Shahshad Begum at Rashtrapati Bhavan
(2 & 3 courtsey : Rajanikumar Pandya)

3 comments:

 1. Very good in depth article-My fav-"Meri Nindo me Tum-Mere Khwabo me Tum" With Kishorekumar-
  U r rite in saying OP Naiyar and Naushad-used her voice effectively- Conratulations to Shamshadji.

  ReplyDelete
 2. Anonymous6:40:00 PM

  'સૂરોદય'શબ્દપ્રયોગ ગમ્યો!

  ReplyDelete
 3. The piece on ShamshadBegum is so good that I am tempted to wonder Urvishbhai would write in depth on Master Ashraf Khan, of the old Gujarati stage.
  Tushar Bhatt

  ReplyDelete