Monday, April 27, 2009

મહેન્દ્ર મેઘાણી, મનમોહન સિંઘ અને મોદી

મિત્ર સંજય ભાવે થકી જાણવા મળ્યું કે ૮૬ વર્ષના મહેન્દ્રભાઇ મેઘાણી ગઇ કાલે અમદાવાદમાં યોજાયેલી વડાપ્રધાન મનમોહન સિંઘની ચૂંટણીસભામાં ગયા હતા અને એ વિશે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ને તેમણે એક પત્ર પણ લખ્યો છે.

સમાચાર ચટપટી જગાડે એવા હતા. મહેન્દ્રભાઇને ચૂંટણી વિશે, સભા વિશે, મનમોહનસિંઘ વિશે, અમદાવાદ વિશે અને ઇન્ડિયન એક્સપ્રેસ વિશે શું કહેવાનું હશે, એવી અનેકવિધ જિજ્ઞાસા સાથે કશા સત્તાવાર પ્રયોજન વિના ફક્ત એમને મળવા માટે હું ગયો. એ વખતે અનાયાસે ઓફિસે આવેલા મિત્ર ચંદુ મહેરિયા પણ સાથે થયા.

બે-ત્રણ અઠવાડિયાં ભાવનગર જઇ આવ્યા પછી અમદાવાદમાં મંજરીબહેનને ઘેર રહેતા મહેન્દ્રભાઇ ઉનાળાને અનુરૂપ, ફક્ત લેંઘો પહેરીને કમરની ઉપરના ઉઘાડા ડીલે બેઠા હતા. (એ દૃશ્ય જોઇને મને ગાંધી-સરદાર-મહાદેવભાઇનો એક ફોટો યાદ આવ્યો, જેમાં ફક્ત સરદારે જ પહેરણ પહેર્યું છે અને બાકીની બન્ને મૂર્તિઓ પહેરણ વિના ફક્ત ધોતીભેર બેઠેલી છે.)

ગઇ કાલની સભા વિશે મહેન્દ્રભાઇને પૂછપરછ કરી એટલે એમણે ઇન્ડિયન એક્સપ્રેસને લખી મોકલેલો પત્ર વાંચી સંભળ્યાવ્યો. તેનો સાર એ હતો કે ચૂંટણીની અથવા બીજી સભામાં મોડા આવવું એ રાજકારણીઓએ અફર નિયમ બનાવી દીધો છે. વડાપ્રધાન મનમોહન સિંઘ બીજા રાજકારણીઓ કરતાં જુદા અને સારા છે. છતાં એ પણ કાલની ચૂંટણીસભામાં ૭૫ મિનિટ મોડા આવ્યા. ‘૮૬ વર્ષના પત્રકાર તરીકે હું તેમાં હાજર હતો’ એવી પોતાની ઓળખ આપીને મહેન્દ્રભાઇએ લખ્યું કે સિંઘ જેવા સુજ્ઞ માણસે આ રીતે પોતાના દેશવાસીઓનો હજારો માનવકલાકનો સમય ન વેડફાય તેનું ઘ્યાન રાખવું જોઇએ.

મારા માટે પહેલી નવાઇ તો એ કે મહેન્દ્રભાઇએ સવા કલાક સુધી મનમોહન સિંઘના આવવાની રાહ જોઇ! એ વિશે પૂછ્યું એટલે મહેન્દ્રભાઇ કહે,‘હું નક્કી કરીને ગયો હતો કે મનમોહન સિંઘને સાંભળીને જ આવીશ. નહીંતર તરત પાછો આવી ગયો હોત.’

એમને ચૂંટણી કે રાજકારણમાં રસ નથી. કિશોરલાલ મશરૂવાળાના પુસ્તક ‘સમૂળી ક્રાંતિ’નું એક પ્રકરણ ટાંકીને મહેન્દ્રભાઇ પ્રજાને કૂવા સાથે અને રાજકારણીઓને હવાડા સાથે સરખાવે છે અને કહે છે,‘હું કૂવો સાફ કરવાના કામમાં છું.’

મહેન્દ્રભાઇ નેહરૂ-ઇન્દિરા ગાંધી સહિત નેતાઓને સાંભળી ચૂક્યા છે, પણ યુવાવસ્થામાં તેમની પર વક્તા તરીકે સૌથી વઘુ અસર સમાજવાદી નેતા યુસુફ મહેરઅલીની પડી હતી. મુંબઇમાં સાંભળેલાં યુસુફ મહેરઅલીનાં પ્રવચનો તેમને ‘કન્વીન્સિંગ’ અને બરાબર યુવા નેતાનાં હોય એવાં લાગ્યાં હતાં. ઇન્દિરા ગાંધી હતાં ત્યાં સુધી રાજકારણમાં મહેન્દ્રભાઇનો રસ રહ્યો.

ઈંદિરાઘોષિત કટોકટીકાળમાં મહેન્દ્રભાઇ સંપાદિત ‘મિલાપ’માં કટોકટીના વિરોધમાં આવતા લેખો કરતાં તરફેણમાં આવતા લેખોનું પ્રમાણ વધી જવાને કારણે મનુભાઇ પંચોળી ‘દર્શક’ નારાજ થઇ ગયા હતા. તેમણે મહેન્દ્રભાઇને કહી દીઘું હતું કે ‘હવેથી મિલાપમાં મારા લેખ છાપવા નહીં.’ આ વાત પણ મહેન્દ્રભાઇ તેમની રાબેતા મુજબની, મુક્ત હાસ્યના છંટકાવ સાથેની શૈલીમાં જ કહે છે. કટોકટી વિશે મહેન્દ્રભાઇની માન્યતા વિનોબા ભાવે સ્કૂલની હતી. વિનોબાએ કટોકટીને ‘અનુશાસન પર્વ’ ગણાવી હતી.

જોકે, અત્યારે મહેન્દ્રભાઇ કહે છે કે એ ઉપમા યોગ્ય ન હતી. ‘મોટામાં મોટી (રશિયાની) ક્રાંતિ પણ સિત્તેર વર્ષમાં ભાંગી પડી અને રશિયા હવે બમણા જુસ્સાથી મૂડીવાદી બની રહ્યું છે. કારણ કે રશિયાની ક્રાંતિ લોહીથી સિંચાયેલી હતી. એટલે લોકશાહી વિના ઉદ્ધાર નથી, એવી મહેન્દ્રભાઇની દૃઢ માન્યતા છે.

નરેન્દ્ર મોદીને ભયંકર માણસ ગણાવીને મહેન્દ્રભાઇએ કહ્યું કે મોદી આખા ગુજરાતને પોતાની તરફેણમાં કરી શકશે, તો પણ એક માણસ (મ.મેઘાણી પોતે) તેની સામે બાકી રહેશે. મોદીની સાથે જોડાતા મુસ્લિમો વિશે તેમણે કહ્યું કે,‘એવી તસવીરો જોઇને ઘણી વાર મને થાય છે કે મુસ્લિમ એ છે કે હું છું? મુસ્લિમ એટલે ધર્મની રીતે નહીં, પણ અત્યાચારનો ભોગ બનનાર.’
મેં માનસશાસ્ત્રમાં સ્થાન પામેલા મનોવલણ ( સ્ટોકહોમ સિન્ડ્રોમ?) ની વાત કરી, જેમાં અપહૃત વ્યક્તિ કે સમુદાય અપહરણકર્તામાં પોતાના તારણહારનાં દર્શન કરે અને તેને સાચવી લઇશું તો પોતાની સલામતી જળવાઇ રહેશે એવું વિચારવા લાગે.

એક સમયે મહેન્દ્રભાઇ કલકત્તાથી નીકળતું ‘સ્ટેટ્સમેન’ દૈનિક લવાજમ ભરીને પોસ્ટમાં મંગાવતા હતા. ‘હવે મારા મત પ્રમાણે એનું ધોરણ પહેલાં જેવું નથી રહ્યું’ એમ કહેતા મહેન્દ્રભાઇ સ્ટેટ્સમેન મંગાવતા નથી. ‘હિંદુ’માં વાંચવા જેવું ઘણું આવે છે, પણ ફક્ત વાંચીને બેસી રહેવાનું મહેન્દ્રભાઇથી બનતું નથી. ‘સારૂં વાંચું તે બીજાને વહેંચું નહીં ત્યાં સુધી ચેન ન પડે.’ એટલે અત્યારે મહેન્દ્રભાઇ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ વાંચે છે અને ‘દિવ્ય ભાસ્કર’ ઘરે આવે છે એટલે જોઇ લે છે.

ગુજરાતનાં પખવાડિક ‘પોતાને વિચારપત્ર કહેવડાવતાં સામયિકો’ વિશે મહેન્દ્રભાઇએ કહ્યું કે ત્રણ સામયિકો પખવાડિક તરીકે નીકળતાં હોય અને મર્યાદિત- એના એ જ વર્તુળમાં ઓછી સંખ્યામાં જતાં હોય, એને બદલે એ ત્રણે ભેગા થઇને એક અઠવાડિક કાઢીને તેની ૫૦ હજાર નકલ કેમ ન છાપે?

૪ મેના રોજ અમેરિકા જતા મહેન્દ્રભાઇનો મત ભાવનગરમાં છે. એટલે ૩૦મી તારીખે ફક્ત મત આપવા માટે એ ભાવનગર જવાના નથી. ‘મતદાન પવિત્ર ફરજ છે’ વગેરે આદર્શો મેં સહેજ રમૂજ સાથે યાદ કરાવતાં મહેન્દ્રભાઇએ કહ્યું,‘એક મતથી એવો કંઇ ફેર પડતો નથી.’ ચંદુભાઇએ ઉમેર્યું,‘ભાવનગરમાં એવા કોઇ ઉમેદવાર પણ નથી, જેને મત આપવા આટલી દોડાદોડ કરવાનું મન થાય.’

8 comments:

 1. Thnx Urvish for this insight. I respect Mr Meghani for his dedication and commitment.
  Only, one thing I couldnt accept, his view
  on voting...if we all think like this then
  we do not have right to complain for the state
  we are in now!Anyway, all have right to their
  thinking.

  ReplyDelete
 2. Anonymous6:39:00 PM

  મોદીને ફક્ત ગોધરાકાંડના તોફાનો સાથે જોડીને વિચારતા ઘણા માણસોની વિચારસરણી મેં હવે બદલાતા જોઇ છે અને આશા છે કે સમય જતાં મોદી એમના કાર્યો થકી બાકી રહેલા વિરોધીઓને પણ જીતી જશે.
  મને એ નથી સમજાતું કે કેમ કોઇનું હ્રદય ગોધરામાં ડબ્બામાં સળગાવેલા લોકો માટે નથી રોતું પણ એના બાદના તોફાનોમાં માર્યા ગયેલા લોકો માટે જ રડે છે. કેમ ડબ્બામાં સળગાવેલા લોકો માણસોમાં નહોતા આવતા? મગરના આંસુ સારવા જેવી વાતો લાગે છે મને આ બધી.
  જે થઇ ગયું એ થઇ ગયું. દરેક કોમના લોકોએ એક કે બીજા સમયે સહન કર્યું છે પણ ભૂતકાળને જ યાદ રાખીને કાયમ જીવન ના જીવી શકાય.

  ReplyDelete
 3. Harnish Jani
  હું કહું છું કે " મનમોહન સિંહને કોઇ દુશ્મન જ ન હોય. કારણકે એ શું બોલે છે એ જ સમજાતું નથી."

  ReplyDelete
 4. વયોવૃધ્ધ અને વિદ્યાન માણસ હોવાથી જ એમના નિવેદનને કંઇ આખરી બળ મળી જતું નથી. આપણી ધાર્મિક કથાઓમાં પણ એવા કંઇ કેટલાયે ઉદાહરણો છે જેમાં આવા સુજ્ઞજનોએ થાપ ખાધી હોય.

  બધાએ વાંચેલ હોય એવો એક આર્ટીકલ યાદ અપાવ્યા વિના રહી શકાતું નથી અને એ લેખકની નિષ્ઠા પણ શંકાથી પર છે - સફારીમાં માનનીય શ્રી નગેન્દ્ર વિજયનો ઇન્દીરા ગાંધીના નીધન બાદ શીખ પર થયેલ સિતમ અંગેના લેખમાં આખરી લાઇન ફરી ફરીથી વાંચીને ચિંતન કરવા જેવી ખરી.

  ReplyDelete
 5. good article for read

  ReplyDelete
 6. ન.મો. અંગે ઉર્વિશભાઈ અને મહેન્દરભાઈની એકંદરમતિ જાણી.
  મને કોમેન્ટકર્તા રજની અગ્રાવતની વાત સાથે સંમત થવાનું મન થાય છે.

  ReplyDelete
 7. bhavnagar ma rajendrasinh rana kam se kam mahendrabhai na mapdand mujab gami jay uttam vachak ne saral manas to khara j...

  ReplyDelete
 8. Tushar Patel12:26:00 AM

  Dear Usvish,

  As you know every coin has two sides.
  Every matter has two angel to see and also to show.
  I think nobody is such a fool who readyour blog that can't understand this fact.
  Even you should try to do this.
  Can you please try to find the batter option then Mr. Modi..??????

  ReplyDelete