Thursday, March 26, 2009

હોમાય વ્યારાવાલાનું ‘કાર નામા’, છાપાંના કારનામાં


(અહા! જિંદગીમાં બીરેનની સ્ટોરીનો આરંભ)

બે દિવસથી છાપાં રમણે ચડ્યાં છે. ‘ગુજરાત સમાચાર’ની વડોદરા આવૃત્તિમાં મંગળવારે ચોકઠાબંધ સ્ટોરી પ્રકાશિત થઇઃ ૯૬ વર્ષનાં હોમાય વ્યારાવાલાએ નેનો ખરીદવા વર્ષોજૂની ફિયાટ વેચી.

‘નેનો’ના જયજયકાર વચ્ચે આ સ્ટોરી થવી જોઇએ એવી જ હિટ થઇ! રહી ગયાની લાગણી સાથે અંગ્રેજી અખબારોએ સ્ટોરી લીધી. પી.ટી.આઇ.એ પણ સ્ટોરી લગાડી દીધીઃ ‘ટુ બાય નેનો ૯૬-યર-ઓલ્ડ વુમન ફોટોજર્નાલિસ્ટ સેલ્સ હર ફિઆટ.’ પીટીઆઇના પગલે બુધ/ગુરૂનાં રાષ્ટ્રીય અખબારોમાં પણ એ સ્ટોરી આ જ સ્વરૂપે છપાઇ.

મંગળવારે પહેલી વાર સ્ટોરી છપાઇ, ત્યારે વડોદરાથી મોટા ભાઇ બીરેન કોઠારીનો ફોન આવ્યો. ‘અહા! જિંદગી’ (માર્ચ, ૨૦૦૯)માં તેણે હોમાયબહેન અને તેમની કાર વિશે બે પાનાંની એક સરસ ફીચર લખ્યું હતું. હોમાયબહેન સાથે આઠ-દસ વર્ષના ગાઢ સંબંધના કારણે, ટુકડે ટુકડે તે હોમાયબહેનના તેમની ફિયાટ સાથેના ‘પ્રેમપ્રકરણ’ વિશે જાણતો હતો. (વખતોવખત કારના રિપેરિંગ માટે મિકેનિક પણ તે શોધતો હતો.) એટલે કારના મેઇન્ટેનન્સથી કંટાળીને આખરે હોમાયબહેને પોતાના મુંબઇ સ્થિત સંબંધીને આ કાર - અને ઉપરથી દસ હજાર રૂપિયા- આપવાનો નિર્ણય કર્યો, ત્યારે બીરેનને યોગ્ય રીતે જ લાગ્યું કે એ નિમિત્તે હોમાયબહેન અને કારના લાંબા સંબંધ વિશે લખવું જોઇએ.

આવું લખાણ લાંબું થાય. વિગતો ઉપરાંત ભાવનાત્મક અને વિશિષ્ટ પણ હોય. સારૂં તો હોય જ. એટલે કોણ છાપે એ સવાલ! એ સવાલની ચિંતા કર્યા વિના બીરેને એક દિવસ હોમાયબહેન સાથે ફક્ત કાર વિશે જ વાતો કરવાનો ઉપક્રમ રાખ્યો. ત્યાર પછી પણ કંઇક યાદ આવ્યં તો એમણે ફોન કરીને જણાવ્યું. પછી સાઇઝની ચિંતા રાખ્યા વિના બીરેને લેખ લખ્યો અને ‘અહા! જિંદગી’ના સંપાદક-મિત્ર દીપક સોલિયાને કોઇ પૂર્વભૂમિકા વિના ફક્ત વાંચવા મોકલી આપ્યો. લેખ વાંચીને દીપકે બહુ આનંદ વ્યક્ત કર્યો અને લેખને સજાવટપૂર્વક માર્ચ, ૨૦૦૯ના અંકમાં છાપ્યો.

એ લેખમાંથી કરાયેલા કેટલાક બેઠ્ઠા ઉતારા અને કેટલાંક અનર્થઘટનોને કારણે પહેલાં ગુજરાત સમાચારમાં અને પછી પીટીઆઇના પ્રતાપે બીજે એવી સ્ટોરી પ્રકાશિત થઇ કે ‘હોમાય વ્યારાવાલાએ નેનો ખરીદવા જૂની ફિઆટ કાઢી નાખી’.

તેનાથી વિપરીત, ઇન્ડિયન એક્સપ્રેસ અને ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ આ સ્ટોરી વાંચ્યા પછી હોમાયબહેનનો સંપર્ક કરવાની તસ્દી લીધી- જે પેલી તફડંચીબાજીવાળી સ્ટોરીમાં લેવાઇ ન હતી- અને એ બન્નેએ સાચી સ્ટોરી પ્રગટ કરી. તેમાં હોમાયબહેન નેનો ખરીદવા ઇચ્છુક છે એવું જણાવાયું હતું, પણ ‘નેનો માટે ફિઆટ વેચી’ વાળી વાત ન હતી.

પીટીઆઇએ આટલી તસ્દી લીધી નહીં. એટલે એ ગોટાળો રાષ્ટ્રિય સ્તરે પહોંચ્યો અને ડીએનએ, હિંદુસ્તાન ટાઇમ્સ, બિઝનેસ સ્ટાન્ડર્ડ જેવાં દૈનિકોમાં એ સ્ટોરી ખોટી રીતે છપાઇ.

3 comments:

  1. રમેશ અમીન5:37:00 PM

    ઉર્વીશજી આ વાંચો જરા. અખબારી અહેવાલો સાચા છે. તમે સાવ ખોટુ નિદાન કર્યું છે ને ખોટું મંતવ્ય બાંધ્યું છે. કદાચ તમે જેને તમારી હથોટીનો વિષય ગણતા હશો તેમાં કોઈ બીજાએ પગપેસારો કરીને લખ્યું એટલે તમને ગમ્યું નહીં હોય ને તમે ટીકા ટીપ્પણી પર ઉતરી આવ્યા હશો.આંખનું કાજળ ગાલે કોણે ઘસ્યું એનો આ લીંક પર જઈને વાંચીને નિર્ણય લો.કોઈની ટીકા કરવા બહુ ઉંચી યોગ્યતા જોઈએ. એલફેલ ઉતાવળમાં ને દ્વેષથી કે આદતથી મજબૂર થઈને ટીકા કર્યા કરો તો આંગળી તમારા પર જ પાછી ચીંધાય.

    http://business.rediff.com/report/2009/apr/20/tata-nanogenarian-to-get-nano-on-priority-basis.htm

    ReplyDelete
  2. ભાઇ શ્રી રમેશભાઇ
    સલાહની આ જ મઝા છે. તમે મને આપી, પણ પોતે પાલન કરવાનું ભૂલી ગયા!

    મારી પોસ્ટ તમે ઘ્યાનથી વાંચી હોત તો તેમાં ‘આંખનું કાજળ ગાલે’નો મુદ્દો હતોઃ હોમાયબહેને નેનો ખરીદવા માટે ફિઆટ વેચી નથી. પોસ્ટમાં એમ પણ લખ્યું હતું કે ટાઇમ્સ-એક્સપ્રેસે તસ્દી લઇને સાચી સ્ટોરી પ્રગટ કરી હતી.
    પણ, તમને મારી પર, ખબર નહીં કયાં કારણોસર આટલો પ્રેમ ઉભરાઇ આવ્યો અને જાતે ધારી લીધેલા આરોપ મારી પર મુક્યા.

    તમે મને આપેલી સલાહ અહીં કોપી-પેસ્ટ કરવાની જરૂર જોતો નથી. જાતે જ કરી લેવા વિનંતી! અને ફરી વાર ઉશ્કેરાટ વિના, ઠંડા કલેજે વાંચીને પછી પ્રતિભાવ લખશો એવી અપેક્ષા.

    ReplyDelete