Tuesday, March 24, 2009

વિનોદ મેઘાણીની યાદગાર શ્રદ્ધાંજલિ-સભા


pics : 1-2-3 Audience includes Elaben Bhatt (SEWA), Jayant Meghani, Nanak Meghani, Bholabhai Patel, Rajendra Patel, Ramesh Dave- Bharatiben Dave, Hiren Gandhi, Rupa Maheta, Shivajibhai Ashar among many other distinguished persons.
4. Meghashree Bhave sings; prof. joshi & prakash n. shah listen attentively. 5. Saumya Joshi 6. Prof. Jayant Joshi 7. Jignesh Mewani 8. Kanubhai Dantani 9. Vishal Patadia
સદગત સાહિત્યકારની પાછળ ભરાતી સભાઓ મોટે ભાગે કંટાળાજનક, ઔપચારિક અને પ્રમાણભાન વગરની પ્રશંસાથી ગંધાઇ ઉઠતી હોય છે. એવી સભાઓમાં ગયા પછી એક જ લાગણી થાયઃ આપણી પાછળ બીજું જે થવું હોય તે થાય, પણ આવી સભા તો ન જ થવી જોઇએ.

શનિવારે મિત્ર સંજય ભાવેએ કેટલીક સંસ્થાઓના સહયોગથી યોજેલી વિનોદ મેઘાણીની શ્રદ્ધાંજલિ સભા પરિષદો-અકાદમીઓ-સંસ્થાઓ માટે નમૂનારૂપ બની રહે એવી થઇ. એક સાચકલા શબ્દસેવીના નક્કર જીવનકાર્યનું સ્મરણ પૂરા પ્રમાણભાન, પ્રામાણિકતા અને લાગણીની ભીનાશ સાથે કેવી રીતે થઇ શકે તે આ સભામાં પ્રત્યક્ષ જોવા મળ્યું.

જેમના સમયપાલનના આગ્રહથી આખા વલસાડમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સમયસર શરૂ થવા લાગ્યા, એ વિનોદભાઇને પહેલી અંજલિ બરાબર સાડા પાંચ વાગ્યે કાર્યક્રમ શરૂ કરીને સંજયભાઇએ આપી. તેમનાં પત્ની અને અચ્છાં ગાયિકા મેઘશ્રી ભાવેએ મેઘાણીના એક ગીત ‘તારા નામમાં ઓ સ્વતંત્રતા’થી આરંભ કર્યો. સંજયભાઇએ પંદર-વીસ મિનીટના ચુસ્ત પ્રવચનમાં કાર્યક્રમની રૂપરેખા કહીને વિનોદભાઇના જીવનકાર્યનો સરસ ખ્યાલ આપ્યો. ગુજરાતી સામયિકોનું પ્રદર્શન હોય કે વાન ગૉગનાં ચિત્રોનો સ્લાઇડ શો, વિનોદભાઇ તમામ નમ્રતા સહિત પોતાનાં કેટલાંક ધોરણ જાળવી રાખતા હતા, એ યાદ કરીને સંજયભાઇએ કહ્યું,’મંચ પર પ્રસ્થાપિત ધર્મની વ્યક્તિ ન હોય એ તેમની શરત રહેતી. કહેતા કે એ શ્રોતાઓમાં હશે તો ચાલશે.’

સંજય ભાવે પછી સૌમ્ય જોશીએ વિનોદભાઇ સાથે ફોન પર થયેલી વાતચીતનું સંભારણું રજૂ કરીને ‘સળગતાં સૂરજમુખી’માંથી થોડું વાચન કર્યું. એ જ રીતે જિજ્ઞેશ મેવાણીએ પણ થોડી વાત, થોડું વાચન કર્યું. ડીએસઓના જયેશ પટેલે વલસાડમાં સાયકલયાત્રા દરમિયાન વિનોદભાઇ-હિમાંશીબહેને તત્પરતા અને આત્મીયતાથી આપેલા સહકારની વાત કરી.

ભરબપોરે જયેશભાઇ અને મિત્રો ભગતસિંહના પ્રદર્શન સાથે સાયકલો પર વલસાડ પહોંચ્યા, ત્યારે વિનોદભાઇ પણ તડકામાં ઊભા હતા. જયેશભાઇએ થોડી વાર બાજુ પર છાંયામાં પોરો ખાધા પછી કાર્યક્રમ શરૂ કરવાની વાત કરી, એટલે વિનોદભાઇ કહે, ‘તમે તાપમાં જ આવ્યા છો ને. તમારે થાક લાગ્યો હોય ને આરામ કરવો હોય તો જુદી વાત છે.’ જયેશભાઇ કહે,’થાકનો સવાલ નથી. હજુ પ્રદર્શન ગોઠવવાનું છે.’ તો વિનોદભાઇ પ્રદર્શન ગોઠવવામાં મદદ કરવા પણ તૈયાર. કાર્યક્રમ શરૂ થયો એટલે વિનોદભાઇ હાથમાં માઇક સાથે રસ્તા પર આવી ગયા અને જતાઆવતા લોકોને ઊભા રાખીને ‘ખબર છે? આ લોકો કોણ છે? ક્યાંથી આવ્યા છે? અહીં કેમ આવ્યા છે?’ એ બધું કહેતા જાય.

પત્રકાર-મિત્ર વિશાલ પાટડિયાએ સામયિક પ્રદર્શન વખતે અમદાવાદમાં બે દિવસ વિનોદભાઇ સાથે સ્વયંસેવક તરીકે કામ કર્યું હતું, તેની યાદગીરી તાજી કરીને કહ્યું કે ‘હું એમને અગાઉના (દરિયાઇ) જીવન વિશે પૂછું ત્યારે હંમેશાં ટાળી દે. થોડો એવો પણ ભાવ હોય કે તારા જેવા બહુએ પૂછ્યું છે, પણ મેં કોઇને કહ્યું નથી.’ બહુ આગ્રહ કર્યો એટલે કહે,’હું નવનીત સમર્પણમાં લખવાનો છું.’ ‘સળગતાં સૂરજમુખી’ વિશે વિશાલ કહે,’જીવન જીવવા જેવું ન લાગે ત્યારે- જોકે મારે એવું કંઇ થયું નથી પણ- એવું લાગે ત્યારે આ પુસ્તક વાંચીએ તો હતાશા દૂર થઇ જાય.’

આ સભાની સૌથી મોટી ખાસિયત એ રહી કે બોલનારા સૌએ વિનોદભાઇના આત્માને શાંતિ આપવાની ઔપચારિક પ્રાર્થના કરવાને બદલે, ચાંપલી-ચાંપલી શ્રદ્ધાંજલિ આપવાને બદલે કે ‘હું અને સદગત’ જેવી ડંફાસીયા બડાશો મારવાને બદલે દિલથી વાતો કરી. એટલે બધાનાં વક્તવ્યો અનૌપચારિક, ટૂંકાં, ચોટદાર અને બિનજરૂરી લાગણીવેડા વગરનાં છતાં હૃદયસ્પર્શી બની રહ્યાં. સિવિલ હોસ્પિટલમાં કામ કરનાર મિત્ર કનુ દંતાણીએ વિનોદભાઇ તેમની કેટલી કાળજી લેતા હતા અને કોઇ પૂર્વપરિચય વિના તેમની પર કેટલો સ્નેહ ઢોળ્યો એની વાત કરી.

સરળતા ખાતર જેમની ઓળખાણ સૌમ્ય-અભિજાત જોશીના પપ્પા તરીકે આપી શકાય, એવા પ્રો. જયંત જોશીએ વિનોદભાઇ સાથે અલ્પપરિચયનાં સંભારણાં રજૂ કરીને કહ્યું કે હું તો એમને ‘સળગતાં સૂરજમુખી’ના અનુવાદક નહીં, લેખક જ ગણું છું. હળવાશથી જોશીસાહેબે એમ પણ કહ્યું કે ‘હું વિનોદભાઇને કહેતો, તમે વલસાડમાં રહો છો. વચ્ચે વચ્ચે ભાદરનું પાણી પીવાનું રાખો, જેથી કાઠિયાવાડી ઉચ્ચારો બરાબર આવે.’

અધ્યક્ષીય વક્તવ્ય પહેલાં સંજયભાઇએ શ્રોતાઓમાંથી કોઇને બોલવું હોય તો મંચ પર આવવા જણાવ્યું. પણ એકાદ અપવાદને બાદ કરતાં કોઇને બોલવાની જરૂર ન લાગી. તમામ ઉંમરના લોકોની ઉપસ્થિતિથી સભા ખાસ્સી અનૌપચારિક અને પરંપરાગત શોકસભા કરતાં અલગ લાગતી હતી. માહોલ લાગણીસભર ખરો, પણ સોગીયો બિલકુલ નહીં. કેટલાંક વક્તવ્યો વખતે ખડખડાટ હાસ્યના અવાજ ગુંજ્યા, તો પહેલા એકાદ-બે વક્તવ્યો પછી બાકીનાં વક્તવ્યો વખતે ધીમી ધીમી તાળીઓ પણ પડતી હતી.

જોશીસાહેબના વક્તવ્ય પછી સંજય ભાવેએ ઝવેરચંદ મેઘાણીની વાર્તા ‘મહેમાની’માંથી સાદ્યંત કાઠિયાવાડી છટા ધરાવતા ભોજનને લગતા ગદ્યનો વિનોદભાઇએ કરેલો પ્રાસાદિક અનુવાદ વાંચી સંભળાવ્યો. તેમણે કહ્યું કે વિનોદભાઇ ગુજરાતી શબ્દો ઇટાલિક્સમાં લખી દેવાને બદલે, મૂળને શક્ય એટલા વફાદાર રહીને અંગ્રેજી અનુવાદ કરતા હતા. ‘પરબ’માં છપાયેલો વિનોદભાઇનો એક પત્ર પણ સંજયભાઇએ વાંચ્યો. ઝવેરચંદ મેઘાણીની ટપાલટિકીટ બહાર પડી, એ નિમિત્તે લખાયેલા એ પત્રમાં વિનોદભાઇએ ટિકીટ પરના મેઘાણીના ‘બેહૂદા’ ચિત્રની ફરિયાદ કરીને ભારપૂર્વક કહ્યું હતું કે ‘અમારા પિતાજી આવા તો નહોતા જ. 51 વર્ષની વયે મૃત્યુ થયું ત્યાં સુધી એમની આંખની ચમક ઓછી થઇ ન હતી.’

અધ્યક્ષીય વક્તવ્યનો આરંભ કરતાં પ્રકાશ ન. શાહે કહ્યુ,’બે છેડે બળતી મીણબત્તી જેવું જીવીને વિનોદભાઇ ગયા.’ તેમણે કહ્યું કે 2002ના ગુજરાતમાં કોમી હિંસાના માહોલમાં આખી ચર્ચાને જ્યારે સાંપ્રદાયિકતા વિરુદ્ધ બિનસાંપ્રદાયિકતાના રવાડે ચડાવી દેવામાં આવી, ત્યારે ‘રુલ ઑફ લૉ’નો મુદ્દો સમજનારા બહુ ઓછા લોકોમાં વિનોદભાઇ હતા. લાક્ષણિક પ્રકાશીય શૈલીમાં તેમણે કહ્યું,’હું જ્યારે પણ ફોન કરું ત્યારે વિનોદભાઇ ફોન ઉપાડે, અડધું વાક્ય બોલે- ન બોલે, ને કહે, ‘હિમાંશીને આપું.’ મારા જેવા માણસ સાથે વળી એમણે શી વાત કરવાની હોય એવું, એમને એમના વિશેના કે મારા મારા વિશેના ખ્યાલ પરથી, લાગતું હશે.’
વસંત-રજબની પરિચય પુસ્તિકા નિમિત્તે પ્રકાશભાઇએ ‘લિ. હું આવું છું’નું નવેસરથી વાચન કર્યું, ત્યારે તેમાં એકાદ નોંધ એવી ઉપયોગી મળી આવી, જે બીજે ક્યાંયથી ન મળી હોત. એ યાદ કરીને પ્રકાશભાઇએ કહ્યું,’વિનોદભાઇના સંપાદનમાં-નોંધોમાંથી સિવિલ લીબર્ટી વિશેની એમની સમજણ અને એ ગાળાના આખા વાતાવરણનો- મેઘાણીએ કયા સમયમાં કામ કર્યું તેનો ખ્યાલ મળે છે. આપણે ત્યાં સાહિત્યનું વાચન સિવિલ લીબર્ટીઝની રીતે થતું નથી.’

એચ.કે.આર્ટસ કોલેજે ટોકન રૂ.500નું ભાડું લઇને પોતાનો કોન્ફરન્સ હોલ આ કાર્યક્રમ માટે ભાડે આપ્યો હતો. આપણા જેવાને એવો સવાલ પણ થાય કે પોતાની સાંસ્કૃતિક પરંપરા માટે ગૌરવ લેતી એચ.કે. જેવી કોલેજ આવા કાર્યક્રમો માટે 500 રૂપરડીનાં ભાડાં લેવાને બદલે ઉલટભેર યજમાન ન બની શકે? પોતાના જ બે અધ્યાપકો સંજય ભાવે-સૌમ્ય જોશી કાર્યક્રમના આયોજન સાથે સંકળાયેલા હોય તો પણ નહીં? રૂ.500 ઓછા કહેવાય કે ‘ટોકન’- એ મુદ્દો નથી. ‘શિક્ષણનું વ્યાવસાયીકરણ’ ન દેખાતી કઇ સીમાઓ વળોટી ગયું છે તેની વાત છે.

2 comments:

 1. Ashok Meghani6:36:00 PM

  My respected friend Prof. Madhusudan Kapadia called me and asked if I had ever visited your blog, and more specifically if I had seen the article about the Vinod Meghani tribute gathering hosted by Sanjay Shripad Bhave and Soumya Joshi. Madhusudanbhai does not waste his words in praising what he doesn't really like. And, his praise for your article more than lived up to my expectations from him.

  I am no critic and won't say more about the article - that is, more than this: your writing exemplified everything you praised about Sanjay Bhave's conducted program - clarity and brevity in words that seemed to come from your heart. You have added a member to the ranks of your admirers.

  Gujarati literary world will miss Vinodbhai perhaps because he was a trailblazer in many ways. I miss Vinodbhai for all that and because he was my brother. You were right in stating how refreshing it was that no one wasted time in praying for his soul. He will not need anyone's prayers.
  Ashok Meghani

  ReplyDelete
 2. I wanted to share this experience in the meeting itself, but somehow I never did.

  In 1998, when I was a student of architecture, I had bought ‘the Agony and the Ecstasy’ by Irving Stone from my first salary as a trainee. I was looking forward to reading ‘Lust for Life’ ever since but I had no money to buy it. I found ‘Salagata Surajmukhi’ in a library and I picked it up as a replacement of the English version. I had no idea who Vinod Meghani was (so naïve of me!). I believed at that time that people who can not write become translators.

  As I started reading the book, I fell in love with it. As the book progressed, I had to change my views about translators and about Vinod Meghani. Later on, I began to know the facets of Vinod Meghani’s personality through friends like Bhave and Saumya. This book has shaped my views about art in general and life in particular. Great books do these things to you. Vinod Meghani has given me Vincent Van Gogh in Gujarati. I am forever indebted to him.

  ReplyDelete