Wednesday, March 18, 2009

પરિષદની લેખિકા સૂચિઃ ડાબા હાથનો ખેલ

વાચનસૂચિ વિશે થોડી પોસ્ટ પહેલાં જ વાત થઇ. આજે ‘ગુજરાતી લેખિકાસૂચિ’ ૧૯૦૦-૨૦૦૮ જેવા મહત્ત્વાકાંક્ષી કામ વિશે વાત કરવાની છે. થોડા દિવસ પહેલાં પ્રકાશિત થયેલી આ સૂચિનું સંપાદન દીપ્તિ શાહે કર્યું છે.

શીર્ષક પરથી મોટી અપેક્ષાઓ જગાવતી આ સૂચિના ‘સંપાદકીય’માં સૂચિકારે આગોતરા જામીન લેતાં લખ્યું છેઃ ‘સૂચિકાર્યની એક મર્યાદા એ છે કે તે ક્યારેય પૂર્ણ થતું નથી અને સૂચિકાર ક્યારે સૂચિ પૂર્ણ થઇ છે એવું કહી શકતાં નથી...’

પણ આ સૂચિકાર્યની મર્યાદાઓ ઘણી વધારે મોટી છે. સૌથી મોટી મર્યાદા એ છે કે ૧૯૦૦ થી ૨૦૦૮ જેટલા લાંબા ગાળાની લેખિકાઓની (એમાં કવયિત્રીઓ પણ આવી જાય) માહિતી ફક્ત સાહિત્ય પરિષદમાં ઉપલબ્ધ સ્ત્રોતમાંથી જ લેવામાં આવી છેઃ સાહિત્યકોશ, સાહિત્યકાર પરિચયકોશ, પરિષદનાં ગ્રંથાલયનાં કેટલોગ કાર્ડ, ‘પરબ’માં અવલોકન માટે આવેલાં પુસ્તકો, પારિતોષિક પુસ્તિકા, વિવિધ સામયિકોમાં જાહેરખબરના પ્રતિભાવરૂપે લેખિકાઓએ સામેથી મોકલાવેલાં માહિતીપત્રકો, ક.લા.સ્વાઘ્યાય મંદિરનાં માહિતીપત્રકો.

આવી મર્યાદા સંપાદિકાએ શા માટે બાંધી હશે એ તો એ જ કે એમને કામ સોંપનાર જાણે. પણ અમદાવાદમાં જ આવેલી ગુજરાત વિદ્યાપીઠની વિશાળ લાયબ્રેરી- તેનો કોપીરાઇટ વિભાગ અને ભો.જે. ની લાયબ્રેરી જોયા વિના ૧૦૮ વર્ષની સૂચિ કેવી રીતે કરી શકાય? અને કોઇ કરે તો પણ એ કેવી રીતે મોટા ઉપાડે છાપી શકાય?

સૂચિમાં લેખિકાઓની અટકનાં કક્કો-બારાખડી પ્રમાણે ક્રમવાર નામ, શક્ય એટલી લેખિકાઓની જન્મતારીખ, તેમનાં પુસ્તકોની યાદી અને શક્ય હોય ત્યાં પ્રકાશનવર્ષ તથા છેલ્લે બધી કૃતિઓની કક્કો-બારાખડી પ્રમાણે યાદી, આટલો ઉપક્રમ છે. પણ તેમાં ગોટાળાનો અને અઘૂરપનો પાર નથી.

સૌથી શરમજનક ગોટાળો વિખ્યાત શાયર, પાજોદ દરબાર રૂસ્વા મજલૂમીને ‘લેખિકા’ તરીકે સામેલ કરવાનો છે. પુસ્તક છપાઇ ગયા પછી કોઇનું ઘ્યાન જતાં તેની પર સફેદ પટ્ટી મારવી પડી છે. પટ્ટીવાળા પાનાની તસવીર અહીં મુકી છે. સફેદ પટ્ટીની નીચે રૂસ્વાનું નામ હજુ વાંચી શકાય છે. રૂસ્વા વિશે ગયા વર્ષે રજનીકુમાર પંડ્યા અને બીરેન કોઠારીએ વિગતવાર ચરિત્ર કર્યું, તેમની ડોક્યુમેન્ટરી તૈયાર કરી, છતાં રૂસ્વાનો શુમાર લેખિકાઓમાં થઇ ગયો- અને તે પણ એમની શોકસભા જ્યાં ભરાઇ હતી એ જ પરિષદના પ્રકાશનમાં!

સૂચિઓની લોચાલાપશી તો જોતા જઇએ એમ ખબર પડે, પણ અહીં તો પહેલા કોળિયે ઘણી કાંકરીઓ આવી. કવયિત્રી-મિત્ર મનીષા જોશીના બે કાવ્યસંગ્રહો હોવા છતાં સૂચિમાં તેનું નામ જ નથી. પાસે બેઠેલા મિત્ર સંજય ભાવેએ એશા દારૂવાલાનું નામ શોધીને કહ્યું,‘એ પણ નથી!’ ‘સેવા’નાં ઇલાબહેન ભટ્ટ કે તેમના પુસ્તક (વી આર પુઅર બટ હાઉ મેની/ ગરીબ પણ છૈયેં કેટલાં બધાં)નો પણ ઉલ્લેખ નથી. મારી સાથે ‘નોખા ચીલે નવસર્જન’ લખનાર પૂર્વી ગજ્જર તો ક્યાંથી હોય? અવંતિકા ગુણવંત અને કલ્પના જીતેન્દ્ર આ જ નામે જાણીતાં હોવા છતાં તેમની એન્ટ્રી તેમની અજાણી અટકોના નામથી જ છે. ‘મૂળસોતાં ઉખડેલાં’ ભારતના ભાગલા વખતનું વિખ્યાત પુસ્તક, પણ તેનાં લેખિકા કમળાબહેન પટેલનું જન્મવર્ષ ૧૯૬૨ છપાયેલું છે...

પરિષદને પૂછી જોઇએઃ સૂચિની ભૂલોની સૂચિનું પુસ્તક બહાર પાડવામાં રસ ખરો?

4 comments:

  1. Anonymous7:37:00 PM

    It can be understood that a suchi can't be claimed as complete but it is expected that it should be authentic.
    Ex-librarian of sahitya parishad Prakashbhai vegad has done an exemplery work on various kinds of suchis but parishad authorities has treated him so badly that he set fire to all of his suchis out of despair and disappointment in the premises of parishad.He had done it on his own interest and not assigned by anybody.
    One can even learn to make suchi from Harish Raghuvanshi of Surat who crosschecks and verify each detail minutely.He is a self -taught person but his working method is more precise than an academician.
    The purpose to mention these names is that when a task is undertaken by someone like parishad,it should be done in a proper manner.

    ReplyDelete
  2. Anonymous3:50:00 PM

    સૂચિના ‘સેક્સ-ચેન્જ ઓપરેશન’નો વઘુ એક નમૂનો, જે ગઇ કાલે જોયો હતો પણ ખાતરી કરવાની બાકી હતીઃ નીરૂ દેસાઇ.
    જાણીતા પત્રકાર, ‘વાસરિકા’ ફેઇમ ની.દે.નો સમાવેશ પણ આ યાદીમાં તેમની ૧૯૪૦ની આસપાસની બે નવલકથાઓ સાથે કરવામાં આવ્યો છે.
    કથાની પાછળની કથા એવી છે કે ની.દે.ના નામે બોલતી નવલકથાના મૂળ લેખક અશોક હર્ષ (‘ચાંદની’ના તંત્રી, પત્રકાર, લેખક, ની.દે.ના મિત્ર) હતા. અશોકભાઇએ નીરૂભાઇને પોતાની નવલકથાની મેન્યુસ્ક્રીપ્ટ જોવા આપી. નીરૂભાઇએ પોતાના નામે એ પુસ્તક છપાવી દીઘું. છપાયેલું પુસ્તક જોઇને અશોકભાઇ ઉવાચઃ‘નીરૂભાઇ, આ ચોપડી તો મારી છે.’
    ની.દે.: એમ? મને એમ કે મારી હશે.
    (આ કિસ્સો અશોક હર્ષે વિનોદ ભટ્ટને કહ્યો હતો.)
    ઉર્વીશ કોઠારી

    ReplyDelete
  3. Are Tame PARISHD pasethi aavi choksaini apexa rakho cho e jara vadhu padatu kahevay! Emane To sahityik verification sivay pan ghana kam hoy che. E pate pachi sahity-bahity to nirate thaya kare....!

    ReplyDelete
  4. Anonymous11:28:00 AM

    એશા દારૂવાલા અને એશા દાદાવાલા અલગ કે એક?

    સુરતમાં એક એશા દાદાવાલા છે, નાની વયના કવિયત્રી, શાયદ દિવ્યભાસ્કરમાં જોબ કરે છે.

    ReplyDelete