Wednesday, March 25, 2009
ભવનનું મુનશી સન્માનઃ સમાચાર નથી, એ જ સમાચાર નથી?
ફોટો ૨ : કાવ્યોત્સવઃ (ડાબેથી) વિન્દા કરંદીકર, રાજેન્દ્ર શાહ, યુ.આર.અનંતમૂર્તિ, ગુલઝાર, પુષ્પા ભારતી
ગુજરાતી સાહિત્યના એવોર્ડ જગતમાં મૌસમ, ફિલ્મી ગીતમાં કહે છે તેમ, ‘બડી બેઇમાન’ છે. એવા એવા લોકો રણજિતરામ એવોર્ડ મેળવવા ધમપછાડા કરે છે કે લરઝતા હૈ દિલ મેરા...
પરિષદ દર વર્ષે જાહેર થતા સંખ્યાબંધ એવોર્ડમાં પાંચસો-પાંચસો રૂપિયા આપે છે. હકીકતે, એક એવોર્ડ માટે ફાળવાયેલી રકમ રૂ.૧ હજાર છે, પણ તેમાંથી પાંચસો રૂપિયા વહીવટી ખર્ચ પેટે. (સંસ્થા ચલાવી તો જુઓ! ખબર પડશે!) ચૂંટાયેલા માળખા વિના સરકારી સંસ્થા જેવી અકાદમીના એવોર્ડ વિશે શું કહેવું? રકમ પાંચસો રૂપિયા કરતાં વધારે હોય છે, પણ સ્ટેજ પર આવીને પ્રતિભાવ આપવા ન મળે. પરિષદ-અકાદમીના સંખ્યાબંધ એવોર્ડ, હું ભણતો હતો હતો ત્યારે અમારી શેઠ જે.એચ. સોનાવાલા હાઇસ્કૂલમાં પ્રાર્થના પછી વિદ્યાર્થીઓને અપાતાં પેન્સિલનાં ઇનામની યાદ અપાવે છે. જે ભાવ કેન્દ્રસ્થાને હોવો જોઇએ- સન્માનનો- એ જ ભાવ સદંતર ગેરહાજર હોય છે.
ધ.કા. તરીકે ટૂંકમાં ઓળખાતા અને સરખામણીઓની દુનિયામાં ‘મિની રણજિતરામ’ કહેવાતા ‘ધનજી કાનજી ચંદ્રક’નો અર્થ છેઃ (રણજિતરામ કે લિયે) ‘કૃપયા આપ કતારમૈં હૈં. થોડી દેર પ્રતીક્ષા કરેં.’ રણજિતરામ ચંદ્રક એવા લોકોને અપાઇ ચૂક્યો છે અને હજુ તો એવા એવા લોકોને અપાવાની ભીતિ છે કે આપણને રણજિતરામની દયા આવવા લાગે. કેટલાક ભૂતપૂર્વ અને ભાવિ વિજેતાઓનાં નામ વિશે વિચારતાં એવું લાગે કે રણજિતરામ મારા પરદાદા થતા હોત, તો મેં સાહિત્યસભાને વિનંતી કરીને, જોઇએ તો સામેથી થોડા રૂપિયા આપીને, આ ચંદ્રક સાથે જોડાયેલું રણજિતરામનું નામ દૂર કરવા પ્રયાસ કર્યા હોત. પછી ચંદ્રકનું નામ શું રાખી શકાય? અનેક વિકલ્પોમાંનો એક મજબૂત અમદાવાદી વિકલ્પઃ કુમારપાળ દેસાઇ સુવર્ણચંદ્રક. મુંબઇના સજ્જનો ‘હેમરાજ શાહ સુવર્ણચંદ્રક’ જેવું નામકરણ પણ વિચારી શકે.
***
ઇનામો-ચંદ્રકોની આ દુનિયામાં એક નવા, વજનદાર સન્માનનું ધડકતે હૈયે સ્વાગત છે. એ છે ભારતીય વિદ્યાભવને કનૈયાલાલ મુનશીની સ્મૃતિમાં સ્થાપેલું ‘મુનશી સન્માન.’ આ વર્ષથી શરૂ થયેલા સન્માનના વ્યાપમાં ગુજરાતી સાહિત્યકારો ઉપરાંત કળાકારોને આવરી લેવાયા છે. મૂળ યોજના ‘કર્મશીલો’ને પણ સામેલ કરવાની હતી. એ નિમિત્તે ભવનનો ઇરાદો કેટલાક નક્કર કામગીરી કરનારને સન્માનવાનો હતો, પરંતુ ભવન સાથે સંકળાયેલા રમેશ ઓઝા જેવા સ્પષ્ટદૃષ્ટા-સ્પષ્ટવક્તાએ ‘કર્મશીલ’ની સ્થિતિસ્થાપક વ્યાખ્યાની વાસ્તવિક બીક બતાવી હશે. આખરે સર્વાનુમતે ફક્ત સાહિત્યકારો-કળાકારોને એકંદર પ્રદાન (લાઇફટાઇમ એચીવમેન્ટ) બદલ એક લાખ રૂપિયા અને સન્માનપત્રથી સન્માનિત કરવા એવું નક્કી થયું. પહેલું મુનશી સન્માન ૯૭ વર્ષના, જ્ઞાનપીઠ વિજેતા કવિ રાજેન્દ્ર શાહને એક ભવ્ય સમારંભમાં અર્પણ કરવામાં આવ્યું.
***
૭ માર્ચ, ૨૦૦૯ની સાંજે ભારતીય વિદ્યાભવનમાં યોજાયેલા મુનશી સન્માન સમારંભના સંચાલક હતા મઘુ રાય. આરંભે ભવનના પ્રમુખ સુરેન્દ્રલાલ મહેતાએ વિદ્યાભવનની સાત દાયકાની સફરને ‘સાંસ્કૃતિક આંદોલન’ અને રાજેન્દ્ર શાહને ‘સંસ્કારતીર્થ’ તરીકે ઓળખાવ્યાં. રાજન્દ્રભાઇએ સન્માન સ્વીકારીને ભવનને સન્માનિત કર્યું છે, એવું પણ એમણે કહ્યું.
ભવનના હોમી દસ્તૂરે પોતાનાં સંભારણાં દ્વારા કનૈયાલાલ મુનશીનાં વિવિધ પાસાં ઉજાગર કર્યાં. રાજેન્દ્ર શાહ વિશે બે વક્તાઓ હતાઃ સિતાંશુ યશશ્ચંદ્ર અને ચંદ્રકાંત ટોપીવાળા. અગાઉ એક કાર્યક્રમમાં લેખનનાં ત્રણ પાસાં સંબંધે મઘુ રાયને નાટ્યકાર પીરાન્દેલો, અખો અને ??? (આવું જ કોઇ નામ) સાથે સરખાવી ચૂકેલા સિતાંશુભાઇએ આ કાર્યક્રમમાં રાજેન્દ્રભાઇને ‘કબીર કરતાં જરાય ઊણા નહીં’ એવા, સીમાહીન ગગનના કવિ તરીકે ઓળખાવ્યા. તેમના એક વિધાન મુજબ, ‘રાજેન્દ્ર શાહની સ્વતંત્રતાની ભાવના, રાજેન્દ્રની કવિતા, રાજેન્દ્ર શાહનું તત્ત્વજ્ઞાન, આ બઘું જ આપણે પોલિટિકલી વિચારસરણીથી મુક્ત થઇને જોઇએ તો આપણને પરમ આનંદ આપે છે.’ ચંદ્રકાંત ટોપીવાળાએ આ સમારંભને ‘ગમતા કવિને મળવાનું બહાનું ઊભું કરી આપતા ઉત્સવ’ ગણાવીને, રાજેન્દ્ર શાહને આઘુનિકતા વચ્ચે શાશ્વત રૂપે ઊભેલા કવિ તરીકે ઓળખાવ્યા.
રાજેન્દ્ર શાહને કન્નડ ભાષાના રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા સાહિત્યકાર યુ.આર.અનંતમૂર્તિએ સન્માન અર્પણ કર્યું, ત્યારે ઉપસ્થિત સૌએ ભાવપૂર્વક ઊભા થઇને આદર વ્યક્ત કર્યો. અનંતમૂર્તિએ કહ્યું કે,‘રાજેન્દ્ર શાહે ૧૯૪૭ પહેલાં જ સ્વતંત્રતા મેળવી લીધી હતી. તેમણે પોતાને જે ગમ્યું, તે જ લખ્યું.’ ઓબામા અને સર્વોદયની, ગુજરાતી ભાષાના સર્જકો પાસેથી ભાગ્યે જ સાંભળવા મળતી વાત છેડીને, અનંતમૂર્તિએ ‘આપણી સંસ્કૃતિ તરફ, આપણા સર્જન તરફ પાછા વળવાની’ વાત કરી.
પ્રતિભાવમાં રાજેન્દ્રભાઇએ કહ્યું,‘નરસિંહ મહેતાની કવિતા ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’માંથી મને જીવનમંત્ર મળ્યો છેઃ હું જ વિલસી રહું સહુ અંગ/ હું જ રહું અવશેષે’. પારિતોષિકની રકમ તેમણે એક સંસ્થાને અને શાલ ‘નવનીત સમર્પણ’ના પૂર્વ સંપાદક ઘનશ્યામભાઇ દેસાઇને અર્પણ કરી. કાર્યક્રમના આ પહેલા હિસ્સાની આભારવિધી કનૈયાલાલ મુનશીના પૌત્ર કીર્તિદેવે કરી.
બીજો હિસ્સો ‘કાવ્યોત્સવ’નો હતો. તેમાં વિન્દા કરંદીકર, યુ.આર.અનંતમૂર્તિ, ગુલઝાર, નિદા ફાઝલી, સિતાંશુ યશશ્ચંદ્ર, અનિલ જોશી, ધર્મવીર ભારતીની કવિતાના પઠન માટે પુષ્પા ભારતી જેવાં વજનદાર નામ ઉપસ્થિત રહ્યાં. વિશ્વનાથ સચદેવે સંચાલન કર્યું. દરેકે પોતાની બે-ત્રણ રચનાઓ વાંચી. આ જ કાર્યક્રમમાં ગુલઝારે પોતાના સુરત અને સિતાંશુ કનેક્શન વિશે વાત કરી હતી, જેનું એક અખબારમાં એ મતલબનું રીપોર્ટંિગ આવ્યું કે ‘ગુલઝારને લખવાની પ્રેરણા સિતાંશુએ આપી હતી’. (ગુલઝારનાં વિવેકવાક્યોનો એ વઘુ પડતો ઉદાર વિચારવિસ્તાર હતો!)
***
અખબારી અહેવાલ પરથી યાદ આવ્યું. ભવન સાથે સંકળાયેલા મિત્ર રમેશ ઓઝા પર સમારંભ નિમિત્તે એક ટોચના ગુજરાતી અખબારમાંથી ફોન આવ્યો. ફોન કરનાર પચાસી વટાવી ચૂકેલા અને એક સમયે રમેશભાઇની સાથે કામ કરી ચૂકેલા પરિચિત પત્રકાર હતા. તેમણે પૂરી નિર્દોષતાથી પૂછ્યું,‘કનૈયાલાલ મુનશીનો ફોન નંબર આપો ને!’
એમનો ઇરાદો નેક. વિચાર્યું હશે કે જેના નામનું સન્માન છે તેને જ ફોન કરીને ક્વોટ લઇએ. પણ રમેશભાઇએ તેમને નિરાશ કર્યા. કહ્યું,‘કનૈયાલાલ મુનશી તો નથી. ઘણાં વર્ષ પહેલાં એ અવસાન પામ્યા છે.’
પણ પેલા મિત્ર એમ નિરાશ થાય એવા ન હતા. તેમણે કહ્યું,‘વાંધો નહીં. રાજેન્દ્ર શાહનો ફોન નંબર આપો. એમની સાથે વાત કરી લઊં.’
આ કિસ્સામાં બિલકુલ અતિશયોક્તિ નથી. કેમ કે, રમેશભાઇએ પોતે આ કિસ્સો કહ્યો છે.
***
મુનશી સન્માન ચંદ્રક સ્વરૂપમાં રાખવું એવી એક વિચારણા હતી. પણ સસ્તા થઇ ગયેલા ચંદ્રકોની હરોળમાં ઉમેરાવાને બદલે, પુરસ્કાર રાશિ પણ સન્માનને અનુરૂપ હોય એ રીતે, લાખ રૂપિયાની રકમ રાખવાનું નક્કી કરવામાં આવ્યું. એ સંજોગોમાં આ સન્માન ગુજરાતી ભાષાનું અને સાહિત્યિક-વિદ્યાકીય સંસ્થા દ્વારા અપાતું સૌથી મોટું સન્માન ગણાવું જોઇએ અને આપણી ભાષામાં આવું સન્માન સ્થપાયું- તેનો પહેલો સમારંભ યોજાયો, તેની ગુજરાતભરમાં નોંધ લેવાવી જોઇએ. પરંતુ મુખ્ય કે સમાંતર, એકેય ધારાનાં પ્રસાર માઘ્યમોએ ‘મુનશી સન્માન’માં ઝાઝો રસ ન દર્શાવ્યો. બહુ થોડાએ કવરેજ કર્યું, એ પણ કરવા ખાતર. મુનશી જીવીત પ્રધાન કે બાપુ-કથાકાર હોત તો જુદી વાત હતી...
રણજિતરામ ચંદ્રક અત્યારે ‘બાય ડીફોલ્ટ’- બીજા વિકલ્પના અભાવે અને જૂની પરંપરાના પ્રતાપે ગુજરાતીનો સૌથી મોટો પુરસ્કાર ગણાય છે. સન્માનોની કદી સ્પર્ધા ન હોઇ શકે, પણ પહેલા મુનશી સન્માનનો કાર્યક્રમ જે રીતે યોજાયો એવું જ ધોરણ (કાર્યક્રમનું અને વિજેતાનું) જળવાઇ રહેશે, તો ‘મુનશી સન્માન’ ગુજરાતી સંસ્કાર જગતનું સૌથી પ્રતિષ્ઠિત સન્માન બની રહેશે
- અને એ વાતથી મુનશીના ‘ગૉડફાધર’ રણજિતરામ કરતાં વઘુ રાજી બીજું કોણ થઇ શકે?
Subscribe to:
Post Comments (Atom)
અમુક પરંપરાઓ શી રીતે શરૂ થઇ હશે એ સંશોધનનો વિષય છે,પણ તે શા માટે ચાલુ રહી છે એ આશ્ચર્યનો અને હવે તો રમૂજનો વિષય છે. આવી જ એક પરંપરા છે શાલ ઓઢાડવાની. ભારત જેવા ગરમ પ્રદેશમાં શાલ ઓઢાડવાને બદલે સદરો કે સુતરાઉ કાપડનો તાકો આપવો (ઓઢાડવો નહીં) જોઇએ. ઘણી પ્રતિષ્ઠીત વ્યકિતઓ પાસે તો એટલી બધી શાલ એકઠી થઇ જાય છે કે તેઓ દુકાન ખોલી શકે.પણ એવું કરી શકાય નહીં. તેથી પોતાને લાગણી હોય એવી વ્યકિતને આ શાલ તેઓ અર્પણ કરતા હોય છે. અલબત્ત,પૂરા સદભાવ સાથે. આ પરંપરા કયાંકથી તો અટકવી જોઇએ.( મને પણ એક વખત આવી શાલ ઇનડાયરેકટલી ઓઢાડાઇ હતી.) સન્માનિત વ્યકિત સૌજન્યની મારી વિરોધ કરી શકતી નથી એટલે તો આ પ્રથાને વધુ જોર મળે છે. શું કરવું? બિનીત મોદી જેવા ક્રીએટીવ મિત્રો કંઇક રસ્તો શોધી કાઢે તો આનંદ થશે.( અમુક આયોજકો ફૂલ કે પુસ્તકો ફટકારે છે. પોતે કોઇ નવો રીવાજ શરૂ કરે એ અલગ વાત થઇ. મૂળ સવાલ શાલ ઓઢાડવામાં આવે ત્યારે શું કરવું એનો છે.)
ReplyDeleteભાઇ બિરેનની ઉત્સુક્તા જોઇ શાલની પ્રથાના મૂળમાં શું હોઇ શકે તેની હળવી કલ્પના કરી ાઆજે કોમેન્ટમાં એન્ટ્રી કરું છું જુદા જ ાઅને ગંભીર ાઆશયથી.
ReplyDeleteશક્યતા એવી ખરી કે સન્માન-શાલ મેળવનાર વ્યક્તિને ાઆયોજકો તરફથી યોગ્ય ટ્રીટમેન્ટ ના મળી હોય તો એ 'ધ્રુજારો' વ્યક્ત ના કરે તે માટેનું ાઆગોતરું સાવચેતીનું પગલું હોઇ શકે?
સોચો ઠાકુર !!
મારો હેતુ બ્લોગ વાંચવા ટેવાયેલા મિત્રોને ાઅમિતાભ બચ્ચનના છેલ્લા બે દિવસના બ્લોગ (એટલે કે દિવસ નંબર ૩૩૫ ાઅને ૩૩૬) વાંચવા ાઆગ્રહપૂર્વકની વિનંતિ કરવાનો છે.
તેમાં ાઆમિતાભ પ્રત્યેનો રાબેતા મુજબનો ગાંડો પક્ષપાત જ નથી. એક ૂઉત્ક્રુષ્ટ ાઅભિનેતા હોવા ૂઉપરાંત તે એક ૂઉમદા વ્યક્તિ હોવાનો એ એક ઓર દાખલો પણ છે જ.
કોઇને તેમાં કદાચ બચ્ચનની સ્વ- પ્રસિધ્ધીની શંકા પણ જણાય. (મને જરાપણ એવી શંકા નથી ાઅને હોય પણ નહીં )
હું ાઅમિતાભની લેખન- શક્તિની તાકાત બતાવવા ાઆ લખી રહ્યો છું. એ બે દિવસના બ્લોગ વાંચ્યા પછી લાગે કે એક કવિનો દીકરો જ ાઆટલી સંવેદનાપૂર્ણ પ્રસ્તુતિ કરી શકે.
કોઇ મેઇનસ્ટ્રીમ છાપામાં કોલમ નહીં લખતા હોવાનો ાઅને ગુજરાતી વાચકોને એક સંવેદનાત્મક રજૂઆતથી ાઅભિભૂત નહીં કરાવી શક્યાનો ાઅફસોસ ાઆજના જેટલો ાઅગાઉ કદી નથી થયો !
-સલિલ
Enter your text below. The Gujarati will appear in the box above. E.g. namaste → નમસ્તે
સલિલભાઈ -- આપના સત્ય-અફસોસના બે વિકલ્પો હોઈ શકે:
ReplyDelete(૧) "સાયમન ગો બેક" (ભારત ભણી) અને/અથવા
(૨) ડો. કોઠારીના પગલે વણથંભ્યો બ્લોગ શરૂ કરો.
વિકલ્પોને સૂચન ન ગણતાં વાચકની (કે યાચકની!) ભારપૂર્વકની વિનંતી ગણવી.
ઉર્વિશભાઈ
ReplyDeleteરમેશભાઈ એ નેક ઇન્સાનને મુનશીજીના ફોન નં ભલે ન આપી શક્યા પરંતુ એમનું "એડ્રેસ" આપ્યું હોત તો રસ્તો ચીંધ્યાનું પુણ્ય મળત ને? ! જો કે તો પણ મુન્શીજીને તો તેઓ મળી જ શક્યા ન હોત, કેમ? અરે ભાઈ મુનશીજી તો સ્વર્ગમાં હોય ને?
ગુજરાતી હોવાપણાનો ધન્યાનુભવ કરો સુજ્ઞજનો!