Thursday, March 05, 2009

રસ્તો ઓળંગવાની રામાયણ

દુનિયાની કારમી વાસ્તવિકતા માટે ‘દરેકે પોતાનો ક્રોસ જાતે જ ઉપાડવો પડે છે’ એવું વિધાન વધારે પડતું ગંભીર કે અતિશયોક્તિપૂર્ણ લાગે છે? તો તેને આ રીતે પણ કહી શકાયઃ ‘સૌએ પોતાનો રસ્તો જાતે જ ક્રોસ કરવો પડે છે.’

‘ક્યાં ક્રોસ ઊંચકવાનો ત્રાસ અને ક્યાં રસ્તો ક્રોસ કરવા જેવું મામુલી કામ?’ - આવું કોઇને લાગે, તો તેમણે માનવું કે ભારતવર્ષની પ્રગતિ સાથેનો તેમનો સંબંધ કપાઇ ગયો છે અથવા પોતે ગુફાયુગમાં જીવે છે. મહાપુરૂષો માટે જેમ કોઇ કામ નાનું કે મોટું નથી હોતું, એવું સામાન્ય માણસ માટે સમસ્યાનું છે. તેના માટે કોઇ સમસ્યા નાની કે મોટી હોતી નથી. બધી સમસ્યાઓ તેમના માટે એકસરખી ત્રાસરૂપ બની શકે છે. સમસ્યા સાથે પનારો પાડવાની મોટા ભાગના લોકોની પદ્ધતિ સરખી હોય છેઃ પહેલાં સાફ ઇન્કાર, પછી મોળો ઇન્કાર, ત્યાર પછી કચવાતા મને સ્વીકાર અને છેલ્લે કકળાટ. આવું કોઇ મહાપુરૂષ કે મહાસ્ત્રીએ કહ્યું નથી, પણ એટલા માત્રથી તેની કિંમત ઓછી થતી નથી.

રસ્તો ક્રોસ કરવાની સમસ્યા અસલમાં વિદેશી હતી. કારણ કે ભારતમાં તો ઘી-દૂધની નદીઓ વહેતી હતી- અને એ નદીઓ ક્રોસ કરવાની સમસ્યા વળી જુદા પ્રકારની હતી. ભારતમાં ગણ્યાંગાંઠ્યાં શહેરોમાં જેમને ક્રોસ કરવાની તકલીફ પડે એવા રસ્તા હતા. બાકીના ભારતની લાગણી હતીઃ‘રોડ ક્રોસ કરવા માટે રોડ તો જોઇએ કે નહીં? અહીં રોડ જોયો છે જ કોણે?’ કેટલાક ભણેલા લોકો પૂછતા હતા,‘ગાયોના ટોળાને ધણ કહેવાય, એમ ખાડાના સમુહને રોડ કહેવાય, એવું કોઇ જાહેરનામું તો સરકારે બહાર પાડ્યું નથી ને?’

હવે ભારતમાં ઠેરઠેર રસ્તા બનવા લાગ્યા છે. એટલું જ નહીં, સાહિત્ય પરિષદ જેમ પન્નાલાલ પટેલના પુનઃમુલ્યાંકનના પુનઃમુલ્યાંકનનું પુનઃમુલ્યાંકન કરે છે, તેમ મ્યુનિસિપાલિટી એક વાર બની ચૂકેલા રસ્તા ઉપર થર ને તેની ઉપર થર ને વળી તેની ઉપર થર કર્યા જ કરે છે. કોણ કોને પ્રેરણા આપે છે તેની ચર્ચા વિવાદાસ્પદ હોવાથી જવા દઇએ, પણ બન્નેનું પરિણામ સરખું આવે છેઃ યોજકો અને ‘સંબંધિત પાર્ટીઓ’ સિવાય બીજા લોકોને લાંબા ગાળે સંતોષ કે ફાયદો થતાં નથી.

નવા અને સરસ રોડ બને એટલે લોકો તેનો ઉપયોગ કરે છે. બલ્કે, લોકોના ઉપયોગ માટે જ રોડ સરસ કરવામાં આવે છે. પણ ઉપયોગ વધે તેમ ભીડભાડ અને ટ્રાફિકનો ધમધમાટ થાય છે અને જોતજોતાંમાં એ રોડ ક્રોસ કરવા જેવી ગંભીર સમસ્યાઓ પેદા થાય છે. ગેરહાજરીમાં જે ‘વિકાસનો પથ’ લાગતો હતો, તે અસ્તિત્ત્વમાં આવ્યા પછી થોડા સમયમાં ‘યમદ્વારે પહોંચવાનો માર્ગ’ બની રહે છે.

રસ્તા પર ચાલવું એક વાત છે અને રસ્તો ઓળંગવો બીજી વાત. બન્ને વચ્ચે વિવેચન અને સર્જન જેટલો મોટો તફાવત છે. રોડ ક્રોસ કરવાની પ્રક્રિયા મુખ્યત્વે બે રીતે જોઇ શકાયઃ વાહનચાલકના દૃષ્ટિકોણથી અને રાહદારીની નજરે. રોડ ક્રોસ કરવા ઉભેલા કેટલાક રાહદારીઓ જાણે ખભે ક્રોસ લઇને ઊભા હોય તેટલી અધીરાઇ દાખવે છે. તેમને શાની બીક હશે? ‘સતત ૩૬ કલાક સુધી રોડ ક્રોસ કરવામાં નિષ્ફળ ગયેલા ઇસમનું ભૂખ-તરસ-હતાશાથી કરૂણ મૃત્યુ’ આવાં મથાળાં તેમના મનમાં તરવરતાં હશે? ઉતાવળ ધરાવતા કે ઉતાવળીયા રાહદારીઓ એવી અસલામતીથી પીડાય છે કે વાહનોનો પ્રવાહ સતત ચાલુ જ રહેશે, તો રોડ ક્રોસ કરવાના પોતાના મનસૂબાનું શું થશે?

વ્યક્તિ ઊંમરલાયક હોય તો તેને ‘રોડ ક્રોસ કરવામાં બહુ વાર લાગી’ એવું જાહેર કરવા બદલ સહાનુભૂતિ મળે, પણ જુવાનજોધ માણસ એવું કહી શકતો નથી. ‘રોડ ક્રોસ કરવામાં વાર લાગી’ એવું કહેવાથી થનારી હાંસી અને ધસમસતાં વાહનોથી ઉભરાતા રોડ પર ઝંપલાવવાનું જોખમ- આ બન્નેમાંથી હાંસીની બીક વધારે અસરકારક નીકળે છે. એટલે, ‘આ પાર કે પેલે પાર’નો મનોભાવ ધારણ કરીને તે, ટ્રાફિકગ્રસ્ત રોડ ક્રોસ કરવા મેદાને પડે છે. આરંભિક આત્મવિશ્વાસને લીધે ઘડીભર તેને એમ થઇ જાય છે કે ‘મોઝેસને જેમ દરિયાનાં મોજાંએ રસ્તો કરી આપ્યો હતો, તેમ ટ્રાફિકના દરિયામાંથી મારા માટે પણ રસ્તો નીકળી જશે. હું રસ્તા પર ડગ માંડીશ એટલે પૂરપાટ વેગે જતાં વાહનો મારા સાહસથી સ્તબ્ધ બનીને બ્રેકની ચીચુડાટી સાથે ઊભાં રહી જશે અને મને મારગ આપશે.’ ભલું હોય ને ‘અડગ મનના મુસાફરને હિમાલય નથી નડતો’ એવી એકાદ કાવ્યપંક્તિ યાદ આવી જાય એટલે જોસ્સો જળવાઇ રહે છે.

ઉંચાઇ પરથી કૂદકો મારવા માટે ગમે તેટલી માનસિક તૈયારી કરી હોય અને સાધનો સજાવ્યાં હોય, પણ ખરેખર કૂદકો મારવાનો આવે ત્યારે હાંજા કેવા ગગડી જાય? એવું જ રસ્તો ઓળંગવામાં બને છે. રોડ ક્રોસ કરવાની દિશામાં ડગ માંડ્યાં- ન માંડ્યાં કે ત્યાં તો વાહનોના કાતિલ સુસવાટથી એક ડગ આગળ માંડનાર ચાર ડગ પાછળ ખસી જાય છે. યાહોમ કરીને પડવાની વાત કરનારા નર્મદે પણ ‘ડગલું ભર્યું કે ન હટવું’ રોડ ક્રોસ કરવા માટે લખ્યું નથી, એમ વિચારીને તે આશ્વાસન લે છે, પણ રોડ ક્રોસ કર્યા વિના છૂટકો નથી, એ જીવનની અનિવાર્યતા તેનો કેડો મૂકતી નથી.

રોડ ક્રોસ કરવાનું કામ મહાભારતના પ્રખ્યાત કોઠાયુદ્ધ જેવું છે. પહેલો કોઠો રોડના સૌથી બહારના ભાગે હોય છે, જ્યાં પરચૂરણ રથીઓ ખાંડાંની જેમ સાયકલનાં સ્પેરપાર્ટ ખખડાવતા નીકળે છે. સુકલકડી સાયકલ પણ સામેથી આવતી હોય ત્યારે ખૂંખાર લાગે, તો છેલ્લા કોઠામાં આવનારાં મોટર-બસ-ખટારા જોઇને કેવા હાલ થશે? એ વિચારે રાહદારી ઘડીક ખમચાઇને ઊભો રહી જાય છે. મોટાં વાહનો દૂર હોય ત્યારે એ બહુ દૂર લાગે છે અને રાહદારી હરખભેર રોડના બીજા-ત્રીજા કોઠા (સ્કૂટર-બાઇક-રિક્ષાના) કોઠામાં પહોંચી જાય છે, પણ મોટર કે બસની ઝડપ એટલી બધી હોય છે કે પલકવારમાં તે પાસે આવી જાય છે. સાદી મોટરમાં રાહદારીને શબવાહિની દેખાવા લાગે છે.

બીજા-ત્રીજા કોઠાનાં સ્કુટર-રિક્ષાની ઝડપ પ્રમાણમાં ઓછી છતાં છેતરામણી હોય છે. તેમની ઓછી ઝડપ જોઇને રાહદારી સહેજ ગાફેલ રહે તો તે અથડાઇ પડે છે. ત્રણ કોઠા ભેદ્યા પછી છેલ્લો કોઠો ભારે વાહનોનો આવે છે. ત્યાં સુધી પહોંચનાર ઠીક રીઢા થઇ જાય છે અને મોટરોના કદ કે તેમના ધસમસાટને ગાંઠયા વિના સામી બાજુ જતા રહે છે. મોટાં વાહનોથી બીતા લોકો પણ ‘હવે પાછા જવા માટે ફરી બે-ત્રણ કોઠા ભેદવા પડશે’ એ વિચારે મન મક્કમ કરીને, મુઠ્ઠીઓ વાળીને છેલ્લો કોઠો ભેદી નાખે છે.

કેટલાક લોકો આ બન્ને રીતે નિષ્ફળ જાય ત્યારે તે રસ્તાની વચ્ચે ઊભા રહી પડે છે. કોઠા ખોરવાઇ જાય છે, વાહનોનાં હોર્નથી અને વાહનચાલકોના કકળાટથી વાતાવરણ ભરાઇ જાય છે અને સંવેદનશીલ રાહદારીને ધરતી મારગ આપે તો...શાંતિથી રોડ ક્રોસ કરવાનં મન થઇ આવે છે.

વાહનચાલકો રોડ ક્રોસ કરનારા લોકોને અનિષ્ટ તરીકે જોવા ટેવાયેલા હોય છે, તો રાહદારીઓ પણ વાહનચાલકોને ઘાતકી, કાતિલ, યમદૂતના એજન્ટ તરીકે જુએ છે. ‘ચાલતાં નથી આવડતું’ અને ‘ચલાવતાં નથી આવડતું’ એ તકરારનું સૌથી સાત્ત્વિક પાસું એ છે કે તે કાયમી અને વ્યક્તિકેન્દ્રી નથી. એક જ માણસ વાહનચાલક તરીકે રાહદારીને અનિષ્ટ ગણતો હોય, પણ એ પોતે રાહદારી બને ત્યારે તેને વાહનચાલકો ઘાતકી લાગવા માંડે છે. ‘કોઇ માણસ ખરાબ નથી હોતો. તેના સંજોગો ખરાબ હોય છે.’ એવું ફિલસૂફો અમસ્તા કહેતા હશે?

4 comments:

 1. Anonymous7:37:00 PM

  I liked this article. It was without your usual prejudices.
  Well written. Jyotindra Yad Avi Gayo - Ronak

  ReplyDelete
 2. લેખ વાંચી ખૂબ હસ્યો- ઉત્ત્મ હાસ્ય લેખ.
  ગયા વરસે વડોદરામાં ન્યાય મંદિર પાસે રસ્તો ક્રોસ કરવામાં 15-20 મિનીટ
  ગાળ્યા પછી રિક્ષા ભાડે કરીને સામે પહોંચ્યો હતો.

  ReplyDelete
 3. u r a very good writer...i like yr articles very much ....pelo "bhuva" valo article pan ghano saras hato...

  ReplyDelete
 4. Hey nice article..jo ke aavo dar to pela layer vala roads par vehicle chalavata ye lage chhe...pan lekh vanchava ni maja aavi.

  ReplyDelete