Friday, March 06, 2009

જૂના ગીત-સંગીત-કલાકારોની અંતરછબિઃ ઇન્ટીમેટ ઇમ્પ્રેશન્સ

રજનીકુમાર પંડ્યાનું નામ વાર્તાકાર અને નવલકથાકાર તરીકે એટલું જ સંગીતપ્રેમી તરીકે જાણીતું છે. સેંકડો ગીતો ઘૂન અને શબ્દો સાથે તેમના ચિત્તમાં અંકાઇ ગયાં છે, જે વાતચીતમાં સહજપણે ઉભરી આવે છે. તલત મહેમુદ-હેમંતકુમાર-જગમોહનના જબ્બર ચાહક રજનીભાઇ સાથે વીસેક વર્ષ જૂનો નાતો વાચક-લેખકમાંથી શિષ્ય-ગુરૂ અને અત્યંત નિકટના સ્વજન તરીકેનો છે, પણ તેનો પાયો મજબૂત કરવામાં મોટી ભૂમિકા જૂનાં ગીતોની.

અનેક જૂના કલાકારો- ગાયકો, ગીતકારો, સંગીતકારો-ના પરિચયમાં આવેલા રજનીભાઇએ એક વાર્તાકારની શૈલીમાં પોતાનાં એ કલાકારો સાથેનાં સંભારણાં ‘આપકી પરછાઇયાં’ (૧૯૯૫) સ્વરૂપે ગુજરાતીમાં રજૂ કર્યાં. એ પુસ્તકનું નામ પહેલાં ‘કાફિલે બહારકે’ હતું (એક બાર ચલ દિયે/ ગર તુઝે પુકારકે/લૌટ કર ના આયેંગે/કાફિલે બહારકે- યે રાત યે ચાંદની ફિર કહાં...પરથી). એ પુસ્તક આવ્યું અને સંગીતપ્રેમીઓમાં સારો આવકાર પામ્યું. રજનીભાઇની શૈલીમાં રહેલી અંગતતા જેમને ખૂંચતી હોય તેમને આ પુસ્તકમાં પણ ખૂંચી અને કેટલાકને તેમાં વઘુ પડતી મુગ્ધતા પણ લાગી. છતાં, મારાં પ્રિય પુસ્તકોમાં ‘આપકી પરછાઇયાં’નો સમાવેશ થાય છે. કારણ કે જે લંબાણથી અને વાર્તાકારની કળાથી તેમણે પ્રદીપજી, શમશાદ બેગ, જયકિશન, મુબારક બેગમ, હેમંતકુમાર, તલત મહેમૂદ જેવાં કલાકારોને રજૂ કર્યા છે, તેવું ફિલ્મી પત્રકારો કે પંડિતો માટે ભાગ્યે જ શક્ય બને.

‘આપકી પરછાઇયાં’ની બીજી આવૃત્તિ થઇ. દરમિયાન, ૧૯૯૯માં દિલ્હીના એક પ્રકાશને એ જ નામે તેની હિંદી આવૃત્તિ પ્રસિદ્ધ કરી અને હવે દિનકર જોષીની આગેવાની હેઠળની ‘ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાન’ના ઉપક્રમે દિલ્હીના ‘પ્રકાશન સંસ્થાન’ તરફથી ‘આપકી પરછાઇયાં’ અંગ્રેજીમાં ‘ઇન્ટીમેટ ઇમ્પ્રેશન્સ’ સ્વરૂપે આવ્યું છે. ૨૧૨ પાનાંના અંગ્રેજી પુસ્તકનો અનુવાદ (સ્વ.) સરલા જગમોહને કર્યો છે.

‘આપકી પરછાઇયાં’ જોઇને કે તેના વાચકો પાસેથી એના વિશે સાંભળીને ગુજરાતી વાંચી ન શકતા ઘણા વાચકો અફસોસ પ્રગટ કરતા હતા. એ સૌના અફસોસનું ઘણી હદે નિવારણ ‘ઇન્ટીમેટ ઇમ્પ્રેશન્સ’થી થવું જોઇએ. આ પુસ્તક મેળવવવાનું સરનામું :
Prakashan Sansthan
4715/21, Dayanand Marg, Daryaganj
New Delhi- 110002

3 comments:

  1. ઉર્વિશભાઇ !
    તમારો અને રજનીભાઇનો ખૂબ જ આભાર !
    manvant@aol.com

    ReplyDelete
  2. રજનીભાઇના પુસ્તક "આપકી પરછાંઇયા"ના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે.ગુજરાતી સાહિત્યમાં એ પુસ્તક આગવી ભાત પાડે છે.એક વ્યક્તિ,દિલની એક ધુન માટે ફિલ્મી સંગીત માટે જુવાની ખરચી નાખે એ અદભૂત ઘટના ગણાય.રજનીભાઇને સલામ.મરાઠીના શિરીશ કાણેકરની યાદ અપાવે એવી એમની તેજસ્વી કલમ છે.હવે પરભાષીને એમનું પુસ્તક વાંચ્વા મળશે એ આનંદની વાત છે.

    ReplyDelete
  3. Anonymous10:44:00 AM

    અભિનંદન.... રજનીકુમારને...!!

    ાઆપકી પરછાઇયાં' એક સારા વાર્તા સંગ્રહની ગરજ સારે એવું સુંદર પુસ્તક હવે ૈઈંગ્લીશમાં પણ પ્રકાશિત થયાની ખુશાલીમાં રજનીભાઇના લાખ્ખો ચાહકોમાં તે પૈકીનો એક હું પણ મારો સાદ પુરાવું છું.

    જય હો...!!!

    -સલિલ દલાલ

    ReplyDelete