Tuesday, March 31, 2009
સરૂપ ધ્રુવના પુસ્તક ‘ઉમ્મીદ હોગી કોઇ’નું વિમોચન : ઉમ્મીદ જગાડતી ચર્ચા-પ્રવચનો
ગુજરાતના પ્રતિબદ્ધ સાહિત્ય ક્ષેત્રે લેવાતાં ગણ્યાંગાંઠ્યાં નામમાં સરૂપબહેન (ધ્રુવ)નો સમાવેશ થાય છે. તેમનાં લખાણો અને કાવ્યો વીંધે, ચીંધે, ઝકઝોરે, ઠમઠોરે, વિદેશી ભાષાઓમાં અનુવાદિત અને સન્માનિત થાય, દેશી ભૂમિ પર પ્રતિબંધિત પણ થાય...
ત્રિદીપ સુહૃદ
સાક્ષી બનવાનું કામ કહો તો કામ ને જવાબદારી કહો તો જવાબદારી ઐતિહાસિક રીતે સ્ત્રીઓના માથે આવી છે, એમ કહીને ત્રિદીપભાઇએ મરિયમ, ઝૈનબ અને દ્રૌપદીના દાખલા ટાંક્યા. મરિયમ સાક્ષી ન હોત તો ઇસુને ક્રોસે ચડાવ્યાની ઘટના અને તેમના પુનરાગમનની ઘટનાનું કદાચ આ મહત્ત્વ ન હોત. આ પ્રકારની ઘટનાઓ સાક્ષી વિના અપૂર્ણ (ત્રિદીપભાઇનો શબ્દ બીજો હતો) રહે છે. આપણે ત્યાં આ પ્રકારનું (સાક્ષીભાવ ધરાવતું) સાહિત્ય બહુ નથી થયું- ભાગલા વખતે થોડાઘણા પ્રયાસ થયા હતા- એટલે આ પુસ્તક સાક્ષીને- જુબાનીને સમજવાની નવી જવાબદારી મૂકી રહ્યું છે.
દિલ્હીસ્થિતિ જાણીતા વિદ્વાન અને સુરતના સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝના ભૂતપૂર્વ નિયામક સુધીરચંદ્રએ પ્રસ્તાવનામાં એ મતલબનું લખ્યું છે કે મોદીના ગુજરાતમાં ભાષાનું પણ વિસ્થાપન થઇ ગયું. એટલે સરૂપબહેને હિંદીમાં લખવાની ફરજ પડી છે. આ વિધાન સંદર્ભે ત્રિદીપભાઇએ કહ્યું કે જેમાંથી ન્યાય, પ્રેમ, અનુકંપા, કરૂણા જેવા ગુણ જતા રહે છે એ ભાષા અને સંસ્કૃતિ સાક્ષી બનવા સક્ષમ રહેતાં નથી. તેમણે કહ્યું કે ‘ગુજરાતી ભાષામાં આજે એવું બળ નથી રહ્યું, જે સત્ય ઉચ્ચારી શકે. એટલે પરભાષા- ના, બીજી ભાષામાં- લખવું પડે છે.’ સાક્ષીનું છેલ્લું કર્તવ્ય પુનરુત્થાનનું છે, જે નવી આશા આપે છે.
પુસ્તકમાં લખાયેલી વાતોની તેમણે સરસ સમીક્ષા કરતાં કહ્યું કે કેટલાક કિસ્સા ‘બહારનાં ટોળાં આવીને તોફાન કરી જાય છે’ એવા છે, તો કેટલાક કાયમ સાથે રહેનારાઓની બદલાયેલી વર્તણૂકના. ક્યાંક પોલીસ જુલ્મગાર છે, તો ક્યાંક મદદગાર. હિંદુ અને મુસ્લિમ કટ્ટરપંથીઓને આ પુસ્તકની વાતો નહીં ગમે. કારણ કે તેમાં હિંદુઓએ મુસ્લિમોને મદદ કરી હોય એવા ઘણા પ્રસંગો છે. મુસ્લિમ કટ્ટરપંથીઓને આ એટલે નહીં ગમે કે પછી આવા હિંદુઓને એ લોકો કાફિર કેવી રીતે ગણાવી શકે? પુસ્તકમાં હિંદુ ફિરકાપરસ્તોનો ઉલ્લેખ છે, મુસ્લિમ ફિરકાપરસ્તોનો ઉલ્લેખ નથી એમ પણ સુલતાને કહ્યું.
Saturday, March 28, 2009
સવારીઃ શેરખાનની અને સંભારણાંની
ગુજરાતી ભાષામાં જ્ઞાનવિજ્ઞાનના લેખનની ઉજ્જવળ અને ટકાઉ પરંપરા ઊભી કરનાર વિજયશંકર વાસુ ઉર્ફે વિજયગુપ્ત મૌર્યને અંજલિ આપવા માટે હર્ષલે એવું ગોઠવ્યું હતું કે તેમના 100મા જન્મદિવસે વિજયગુપ્ત મૌર્ય લિખિત ‘શેરખાન’ની ચોથી આવૃત્તિ તૈયાર થાય.
રાબેતા મુજબની છેલ્લી ઘડીની ધમાચકડી પછી 26મી તારીખે નવી આવૃત્તિ હર્ષલના હાથમાં હતી. સુઘડ- લે-આઉટ, સ્વચ્છ અને વાર્તારસથી સભર ચિત્રો, પહેલી અને બીજી આવૃત્તિમાં વિજયગુપ્ત મૌર્યની લખેલી પ્રસ્તાવનાનું સંકલન કરીને મુકેલી પ્રસ્તાવના, ભાગ્યે જ અંગત ઉલ્લેખ કરતા નગેન્દ્રભાઇનું હૃદયસ્પર્શી કથન- આ ‘શેરખાન’ની નવી આવૃત્તિનાં આકર્ષણ છે.
મારી પાસે ‘શેરખાન’ની બીજી આવૃત્તિ (1983) છે, પણ વાતચીતમાં હર્ષલે ત્રીજી આવૃત્તિ વખતની ઘણી વાતો યાદ કરી. 1995માં એ આવૃત્તિ થઇ ત્યારે હર્ષલને નગેન્દ્રભાઇ સાથે કામમાં જોડાયે ચાર-પાંચ વર્ષ થયાં હતાં. ‘સ્કોપ’ અનિયમિત પણ ચાલુ હતું. ‘સફારી’ પણ ખરૂં. જ્ઞાનવિજ્ઞાનના પ્રસાર માટે નગેન્દ્રભાઇએ પસંદ કરેલો રસ્તો અને એ માટેનો સંઘર્ષ આખો અલગ- અને ગુજરાતી પત્રકારત્વ-સાહિત્યમાં ‘વીસમી સદી’વાળા હાજી મહંમદ કે વિજયરાય વૈદ્યની પરંપરાનો છે- ભલે ક્ષેત્ર અલગ રહ્યાં. હર્ષલે પણ કિશોરાવસ્થા પર પુખ્તતાનું ‘એડપ્ટર’ લગાડ્યું અને કામે લાગી પડ્યો. એવા નિર્ધાર સાથે કે અણમોલ જ્ઞાનના બદલામાં અલ્પ વળતરની શોષણ પરંપરા અટકાવીને જંપીશ.
1995માં ‘યુરેનસ બુક્સ’ નામે પ્રકાશન સંસ્થા શરૂ કરી. તેનું પહેલું પુસ્તક હતુઃ શેરખાન. કઝિનના મેકિન્તોશ પર ગુજરાતી ફોન્ટમાં આખા પુસ્તકનું ટાઇપસેટિંગ, લે-આઉટ અને પ્રૂફરીડિંગ હર્ષલે કર્યાં હતાં. 1995માં મેક પર ગુજરાતી સોફ્ટવેર? હાં, ભઇ, હાં. મને યાદ છેઃ 1995માં હું મુંબઇ ‘અભિયાન’માં જોડાયો ત્યારે નગેન્દ્રભાઇનું ‘શતરંજ’ (રાજકીય કોલમ)નું મેટર પણ એ વખતે ભેદી જણાતી ગોઠવણથી સીધું મોડેમથી ઉતરતું હતું, જેને કમ્પોઝ કરાવવું પડતું ન હતું. (એ વખતે ઇન્ટરનેટ આવ્યું ન હતું. ઇ-મેઇલનો સવાલ ન હતો.)
દાદાના પુસ્તકને હર્ષલે તૈયાર તો કરી નાખ્યું, પણ અનુભવના અભાવે પુસ્તકનું ઉઘડતું પાનું અને તેની પાછળનું કિંમત-પ્રકાશક જેવી વિગતો ધરાવતું પાનું કરવાનું જ રહી ગયું. એ પ્રસંગ યાદ કરીને હર્ષલ કહે છે,’શરૂઆતની કોપી જોવા માટે આવી હતી. તેમાં ધ્યાન પડ્યું એટલે ઊભાઊભ એ પાનું કરાવીને ચોપડીમાં ચોંટાડાવ્યું.’
14 વર્ષ પછી ‘શેરખાન’ની નવી આવૃત્તિ નિમિત્તે આ સંભારણાં સૌ ‘સફારી’પ્રેમીઓ માટે.
Thursday, March 26, 2009
હોમાય વ્યારાવાલાનું ‘કાર નામા’, છાપાંના કારનામાં
બે દિવસથી છાપાં રમણે ચડ્યાં છે. ‘ગુજરાત સમાચાર’ની વડોદરા આવૃત્તિમાં મંગળવારે ચોકઠાબંધ સ્ટોરી પ્રકાશિત થઇઃ ૯૬ વર્ષનાં હોમાય વ્યારાવાલાએ નેનો ખરીદવા વર્ષોજૂની ફિયાટ વેચી.
‘નેનો’ના જયજયકાર વચ્ચે આ સ્ટોરી થવી જોઇએ એવી જ હિટ થઇ! રહી ગયાની લાગણી સાથે અંગ્રેજી અખબારોએ સ્ટોરી લીધી. પી.ટી.આઇ.એ પણ સ્ટોરી લગાડી દીધીઃ ‘ટુ બાય નેનો ૯૬-યર-ઓલ્ડ વુમન ફોટોજર્નાલિસ્ટ સેલ્સ હર ફિઆટ.’ પીટીઆઇના પગલે બુધ/ગુરૂનાં રાષ્ટ્રીય અખબારોમાં પણ એ સ્ટોરી આ જ સ્વરૂપે છપાઇ.
મંગળવારે પહેલી વાર સ્ટોરી છપાઇ, ત્યારે વડોદરાથી મોટા ભાઇ બીરેન કોઠારીનો ફોન આવ્યો. ‘અહા! જિંદગી’ (માર્ચ, ૨૦૦૯)માં તેણે હોમાયબહેન અને તેમની કાર વિશે બે પાનાંની એક સરસ ફીચર લખ્યું હતું. હોમાયબહેન સાથે આઠ-દસ વર્ષના ગાઢ સંબંધના કારણે, ટુકડે ટુકડે તે હોમાયબહેનના તેમની ફિયાટ સાથેના ‘પ્રેમપ્રકરણ’ વિશે જાણતો હતો. (વખતોવખત કારના રિપેરિંગ માટે મિકેનિક પણ તે શોધતો હતો.) એટલે કારના મેઇન્ટેનન્સથી કંટાળીને આખરે હોમાયબહેને પોતાના મુંબઇ સ્થિત સંબંધીને આ કાર - અને ઉપરથી દસ હજાર રૂપિયા- આપવાનો નિર્ણય કર્યો, ત્યારે બીરેનને યોગ્ય રીતે જ લાગ્યું કે એ નિમિત્તે હોમાયબહેન અને કારના લાંબા સંબંધ વિશે લખવું જોઇએ.
આવું લખાણ લાંબું થાય. વિગતો ઉપરાંત ભાવનાત્મક અને વિશિષ્ટ પણ હોય. સારૂં તો હોય જ. એટલે કોણ છાપે એ સવાલ! એ સવાલની ચિંતા કર્યા વિના બીરેને એક દિવસ હોમાયબહેન સાથે ફક્ત કાર વિશે જ વાતો કરવાનો ઉપક્રમ રાખ્યો. ત્યાર પછી પણ કંઇક યાદ આવ્યં તો એમણે ફોન કરીને જણાવ્યું. પછી સાઇઝની ચિંતા રાખ્યા વિના બીરેને લેખ લખ્યો અને ‘અહા! જિંદગી’ના સંપાદક-મિત્ર દીપક સોલિયાને કોઇ પૂર્વભૂમિકા વિના ફક્ત વાંચવા મોકલી આપ્યો. લેખ વાંચીને દીપકે બહુ આનંદ વ્યક્ત કર્યો અને લેખને સજાવટપૂર્વક માર્ચ, ૨૦૦૯ના અંકમાં છાપ્યો.
એ લેખમાંથી કરાયેલા કેટલાક બેઠ્ઠા ઉતારા અને કેટલાંક અનર્થઘટનોને કારણે પહેલાં ગુજરાત સમાચારમાં અને પછી પીટીઆઇના પ્રતાપે બીજે એવી સ્ટોરી પ્રકાશિત થઇ કે ‘હોમાય વ્યારાવાલાએ નેનો ખરીદવા જૂની ફિઆટ કાઢી નાખી’.
તેનાથી વિપરીત, ઇન્ડિયન એક્સપ્રેસ અને ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ આ સ્ટોરી વાંચ્યા પછી હોમાયબહેનનો સંપર્ક કરવાની તસ્દી લીધી- જે પેલી તફડંચીબાજીવાળી સ્ટોરીમાં લેવાઇ ન હતી- અને એ બન્નેએ સાચી સ્ટોરી પ્રગટ કરી. તેમાં હોમાયબહેન નેનો ખરીદવા ઇચ્છુક છે એવું જણાવાયું હતું, પણ ‘નેનો માટે ફિઆટ વેચી’ વાળી વાત ન હતી.
પીટીઆઇએ આટલી તસ્દી લીધી નહીં. એટલે એ ગોટાળો રાષ્ટ્રિય સ્તરે પહોંચ્યો અને ડીએનએ, હિંદુસ્તાન ટાઇમ્સ, બિઝનેસ સ્ટાન્ડર્ડ જેવાં દૈનિકોમાં એ સ્ટોરી ખોટી રીતે છપાઇ.
Wednesday, March 25, 2009
ભવનનું મુનશી સન્માનઃ સમાચાર નથી, એ જ સમાચાર નથી?
Tuesday, March 24, 2009
વિનોદ મેઘાણીની યાદગાર શ્રદ્ધાંજલિ-સભા
શનિવારે મિત્ર સંજય ભાવેએ કેટલીક સંસ્થાઓના સહયોગથી યોજેલી વિનોદ મેઘાણીની શ્રદ્ધાંજલિ સભા પરિષદો-અકાદમીઓ-સંસ્થાઓ માટે નમૂનારૂપ બની રહે એવી થઇ. એક સાચકલા શબ્દસેવીના નક્કર જીવનકાર્યનું સ્મરણ પૂરા પ્રમાણભાન, પ્રામાણિકતા અને લાગણીની ભીનાશ સાથે કેવી રીતે થઇ શકે તે આ સભામાં પ્રત્યક્ષ જોવા મળ્યું.
જેમના સમયપાલનના આગ્રહથી આખા વલસાડમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સમયસર શરૂ થવા લાગ્યા, એ વિનોદભાઇને પહેલી અંજલિ બરાબર સાડા પાંચ વાગ્યે કાર્યક્રમ શરૂ કરીને સંજયભાઇએ આપી. તેમનાં પત્ની અને અચ્છાં ગાયિકા મેઘશ્રી ભાવેએ મેઘાણીના એક ગીત ‘તારા નામમાં ઓ સ્વતંત્રતા’થી આરંભ કર્યો. સંજયભાઇએ પંદર-વીસ મિનીટના ચુસ્ત પ્રવચનમાં કાર્યક્રમની રૂપરેખા કહીને વિનોદભાઇના જીવનકાર્યનો સરસ ખ્યાલ આપ્યો. ગુજરાતી સામયિકોનું પ્રદર્શન હોય કે વાન ગૉગનાં ચિત્રોનો સ્લાઇડ શો, વિનોદભાઇ તમામ નમ્રતા સહિત પોતાનાં કેટલાંક ધોરણ જાળવી રાખતા હતા, એ યાદ કરીને સંજયભાઇએ કહ્યું,’મંચ પર પ્રસ્થાપિત ધર્મની વ્યક્તિ ન હોય એ તેમની શરત રહેતી. કહેતા કે એ શ્રોતાઓમાં હશે તો ચાલશે.’
સંજય ભાવે પછી સૌમ્ય જોશીએ વિનોદભાઇ સાથે ફોન પર થયેલી વાતચીતનું સંભારણું રજૂ કરીને ‘સળગતાં સૂરજમુખી’માંથી થોડું વાચન કર્યું. એ જ રીતે જિજ્ઞેશ મેવાણીએ પણ થોડી વાત, થોડું વાચન કર્યું. ડીએસઓના જયેશ પટેલે વલસાડમાં સાયકલયાત્રા દરમિયાન વિનોદભાઇ-હિમાંશીબહેને તત્પરતા અને આત્મીયતાથી આપેલા સહકારની વાત કરી.
ભરબપોરે જયેશભાઇ અને મિત્રો ભગતસિંહના પ્રદર્શન સાથે સાયકલો પર વલસાડ પહોંચ્યા, ત્યારે વિનોદભાઇ પણ તડકામાં ઊભા હતા. જયેશભાઇએ થોડી વાર બાજુ પર છાંયામાં પોરો ખાધા પછી કાર્યક્રમ શરૂ કરવાની વાત કરી, એટલે વિનોદભાઇ કહે, ‘તમે તાપમાં જ આવ્યા છો ને. તમારે થાક લાગ્યો હોય ને આરામ કરવો હોય તો જુદી વાત છે.’ જયેશભાઇ કહે,’થાકનો સવાલ નથી. હજુ પ્રદર્શન ગોઠવવાનું છે.’ તો વિનોદભાઇ પ્રદર્શન ગોઠવવામાં મદદ કરવા પણ તૈયાર. કાર્યક્રમ શરૂ થયો એટલે વિનોદભાઇ હાથમાં માઇક સાથે રસ્તા પર આવી ગયા અને જતાઆવતા લોકોને ઊભા રાખીને ‘ખબર છે? આ લોકો કોણ છે? ક્યાંથી આવ્યા છે? અહીં કેમ આવ્યા છે?’ એ બધું કહેતા જાય.
પત્રકાર-મિત્ર વિશાલ પાટડિયાએ સામયિક પ્રદર્શન વખતે અમદાવાદમાં બે દિવસ વિનોદભાઇ સાથે સ્વયંસેવક તરીકે કામ કર્યું હતું, તેની યાદગીરી તાજી કરીને કહ્યું કે ‘હું એમને અગાઉના (દરિયાઇ) જીવન વિશે પૂછું ત્યારે હંમેશાં ટાળી દે. થોડો એવો પણ ભાવ હોય કે તારા જેવા બહુએ પૂછ્યું છે, પણ મેં કોઇને કહ્યું નથી.’ બહુ આગ્રહ કર્યો એટલે કહે,’હું નવનીત સમર્પણમાં લખવાનો છું.’ ‘સળગતાં સૂરજમુખી’ વિશે વિશાલ કહે,’જીવન જીવવા જેવું ન લાગે ત્યારે- જોકે મારે એવું કંઇ થયું નથી પણ- એવું લાગે ત્યારે આ પુસ્તક વાંચીએ તો હતાશા દૂર થઇ જાય.’
આ સભાની સૌથી મોટી ખાસિયત એ રહી કે બોલનારા સૌએ વિનોદભાઇના આત્માને શાંતિ આપવાની ઔપચારિક પ્રાર્થના કરવાને બદલે, ચાંપલી-ચાંપલી શ્રદ્ધાંજલિ આપવાને બદલે કે ‘હું અને સદગત’ જેવી ડંફાસીયા બડાશો મારવાને બદલે દિલથી વાતો કરી. એટલે બધાનાં વક્તવ્યો અનૌપચારિક, ટૂંકાં, ચોટદાર અને બિનજરૂરી લાગણીવેડા વગરનાં છતાં હૃદયસ્પર્શી બની રહ્યાં. સિવિલ હોસ્પિટલમાં કામ કરનાર મિત્ર કનુ દંતાણીએ વિનોદભાઇ તેમની કેટલી કાળજી લેતા હતા અને કોઇ પૂર્વપરિચય વિના તેમની પર કેટલો સ્નેહ ઢોળ્યો એની વાત કરી.
સરળતા ખાતર જેમની ઓળખાણ સૌમ્ય-અભિજાત જોશીના પપ્પા તરીકે આપી શકાય, એવા પ્રો. જયંત જોશીએ વિનોદભાઇ સાથે અલ્પપરિચયનાં સંભારણાં રજૂ કરીને કહ્યું કે હું તો એમને ‘સળગતાં સૂરજમુખી’ના અનુવાદક નહીં, લેખક જ ગણું છું. હળવાશથી જોશીસાહેબે એમ પણ કહ્યું કે ‘હું વિનોદભાઇને કહેતો, તમે વલસાડમાં રહો છો. વચ્ચે વચ્ચે ભાદરનું પાણી પીવાનું રાખો, જેથી કાઠિયાવાડી ઉચ્ચારો બરાબર આવે.’
અધ્યક્ષીય વક્તવ્ય પહેલાં સંજયભાઇએ શ્રોતાઓમાંથી કોઇને બોલવું હોય તો મંચ પર આવવા જણાવ્યું. પણ એકાદ અપવાદને બાદ કરતાં કોઇને બોલવાની જરૂર ન લાગી. તમામ ઉંમરના લોકોની ઉપસ્થિતિથી સભા ખાસ્સી અનૌપચારિક અને પરંપરાગત શોકસભા કરતાં અલગ લાગતી હતી. માહોલ લાગણીસભર ખરો, પણ સોગીયો બિલકુલ નહીં. કેટલાંક વક્તવ્યો વખતે ખડખડાટ હાસ્યના અવાજ ગુંજ્યા, તો પહેલા એકાદ-બે વક્તવ્યો પછી બાકીનાં વક્તવ્યો વખતે ધીમી ધીમી તાળીઓ પણ પડતી હતી.
જોશીસાહેબના વક્તવ્ય પછી સંજય ભાવેએ ઝવેરચંદ મેઘાણીની વાર્તા ‘મહેમાની’માંથી સાદ્યંત કાઠિયાવાડી છટા ધરાવતા ભોજનને લગતા ગદ્યનો વિનોદભાઇએ કરેલો પ્રાસાદિક અનુવાદ વાંચી સંભળાવ્યો. તેમણે કહ્યું કે વિનોદભાઇ ગુજરાતી શબ્દો ઇટાલિક્સમાં લખી દેવાને બદલે, મૂળને શક્ય એટલા વફાદાર રહીને અંગ્રેજી અનુવાદ કરતા હતા. ‘પરબ’માં છપાયેલો વિનોદભાઇનો એક પત્ર પણ સંજયભાઇએ વાંચ્યો. ઝવેરચંદ મેઘાણીની ટપાલટિકીટ બહાર પડી, એ નિમિત્તે લખાયેલા એ પત્રમાં વિનોદભાઇએ ટિકીટ પરના મેઘાણીના ‘બેહૂદા’ ચિત્રની ફરિયાદ કરીને ભારપૂર્વક કહ્યું હતું કે ‘અમારા પિતાજી આવા તો નહોતા જ. 51 વર્ષની વયે મૃત્યુ થયું ત્યાં સુધી એમની આંખની ચમક ઓછી થઇ ન હતી.’
અધ્યક્ષીય વક્તવ્યનો આરંભ કરતાં પ્રકાશ ન. શાહે કહ્યુ,’બે છેડે બળતી મીણબત્તી જેવું જીવીને વિનોદભાઇ ગયા.’ તેમણે કહ્યું કે 2002ના ગુજરાતમાં કોમી હિંસાના માહોલમાં આખી ચર્ચાને જ્યારે સાંપ્રદાયિકતા વિરુદ્ધ બિનસાંપ્રદાયિકતાના રવાડે ચડાવી દેવામાં આવી, ત્યારે ‘રુલ ઑફ લૉ’નો મુદ્દો સમજનારા બહુ ઓછા લોકોમાં વિનોદભાઇ હતા. લાક્ષણિક પ્રકાશીય શૈલીમાં તેમણે કહ્યું,’હું જ્યારે પણ ફોન કરું ત્યારે વિનોદભાઇ ફોન ઉપાડે, અડધું વાક્ય બોલે- ન બોલે, ને કહે, ‘હિમાંશીને આપું.’ મારા જેવા માણસ સાથે વળી એમણે શી વાત કરવાની હોય એવું, એમને એમના વિશેના કે મારા મારા વિશેના ખ્યાલ પરથી, લાગતું હશે.’
વસંત-રજબની પરિચય પુસ્તિકા નિમિત્તે પ્રકાશભાઇએ ‘લિ. હું આવું છું’નું નવેસરથી વાચન કર્યું, ત્યારે તેમાં એકાદ નોંધ એવી ઉપયોગી મળી આવી, જે બીજે ક્યાંયથી ન મળી હોત. એ યાદ કરીને પ્રકાશભાઇએ કહ્યું,’વિનોદભાઇના સંપાદનમાં-નોંધોમાંથી સિવિલ લીબર્ટી વિશેની એમની સમજણ અને એ ગાળાના આખા વાતાવરણનો- મેઘાણીએ કયા સમયમાં કામ કર્યું તેનો ખ્યાલ મળે છે. આપણે ત્યાં સાહિત્યનું વાચન સિવિલ લીબર્ટીઝની રીતે થતું નથી.’
એચ.કે.આર્ટસ કોલેજે ટોકન રૂ.500નું ભાડું લઇને પોતાનો કોન્ફરન્સ હોલ આ કાર્યક્રમ માટે ભાડે આપ્યો હતો. આપણા જેવાને એવો સવાલ પણ થાય કે પોતાની સાંસ્કૃતિક પરંપરા માટે ગૌરવ લેતી એચ.કે. જેવી કોલેજ આવા કાર્યક્રમો માટે 500 રૂપરડીનાં ભાડાં લેવાને બદલે ઉલટભેર યજમાન ન બની શકે? પોતાના જ બે અધ્યાપકો સંજય ભાવે-સૌમ્ય જોશી કાર્યક્રમના આયોજન સાથે સંકળાયેલા હોય તો પણ નહીં? રૂ.500 ઓછા કહેવાય કે ‘ટોકન’- એ મુદ્દો નથી. ‘શિક્ષણનું વ્યાવસાયીકરણ’ ન દેખાતી કઇ સીમાઓ વળોટી ગયું છે તેની વાત છે.
Monday, March 23, 2009
આઇપીએલ અને મોદીઓની મેલી મથરાવટી
ચૂંટણીની સમાંતરે આઇપીએલ ન યોજાવી જોઇએ, આટલી સાદી વાત સમજવાને બદલે મોદી લલિત તેને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી બેઠા અને ટુર્નામેન્ટને બહાર લઇ જવાની જાહેરાત કરી, તો બીજા મોદી- મોદી નરેન્દ્રભાઇ- મુંબઇ પરના હુમલા પછી રોકડી કરવા કૂદી પડ્યા હતા એ જ સ્ટાઇલથી રાજકીય બેટિંગ કરવા આવી ગયા અને કહ્યું કે આઇપીએલ પરદેશમાં રમાય તે રાષ્ટ્રિય શરમની વાત છે. જે સરકાર ૧૧ ખેલાડીઓનું રક્ષણ નથી કરી શકતી તે ૧૧૧ કરોડ નાગરિકોનું શી રીતે રક્ષણ કરી શકશે વગેરે...
હકીકત નં.૧
આઇપીએલને ભારતીય શરમ કે ગૌરવ સાથે કશી લેવાદેવા નથી.
હકીકત નં.૨
નરેન્દ્રભાઇ મોદીને રાષ્ટ્રિય શરમ સાથે કશી લેવાદેવા નથી. (ચિદમ્બરમે રાજકીય આરોપોનો રાજકીય જવાબ આપતાં આજે ‘અસલી રાષ્ટ્રિય શરમ’ની યાદ તાજી કરાવી આપી છે.)
હકીકત નં.૩
સવાલ ૧૧ ખેલાડીઓના રક્ષણનો નથી. સરકારે ચૂંટણીની સમાંતરે ટુર્નામેન્ટ યોજવા બાબતે સલામતીનો પ્રશ્ન ઊભો કર્યો છે. ચૂંટણી સિવાય સલામતીનો કોઇ પ્રશ્ન નથી એ વાત ભારપૂર્વક કહેવાઇ છે. મોદીએ આખી વાતનું વિકૃત સરળીકરણ કર્યું છે. સ્ટેડિયમમાં મેચ યોજાતી હોય ત્યારે સવાલ ફક્ત ૧૧ જણની સલામતીનો નથી હોતો, એ પણ એક મુખ્ય મંત્રીએ યાદ રાખવું જોઇએ.
હકીકત નં.૪
આજે ઇન્ડિયન એક્સપ્રેસમાં સ્ટોરી છે કે ગુજરાતના ડીજીપીએ પણ ૧૫ એપ્રિલથી ૩ મે સુધી ગુજરાતમાં પણ સલામતી પૂરી પાડવા માટે અશક્તિ જાહેર કરી છે.
http://www.expressindia.com/latest-news/cm-accuses-centre-of-compromising-with-countrys-prestige-on-ipl/437681/
હકીકત નં.૫
ચિદમ્બરમે કરેલી જાહેરાત પ્રમાણે અત્યાર સુધી ફક્ત ત્રણ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશે આઇપીએલ યોજવાની લેખિત સંમતિ આપી છે અને એ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થતો નથી.
હકીકત નં.૬
લલિત મોદી આઇપીએલના માલિક ઉદ્યોગપતિઓનો ઝંડો નીચો ન પડે એ માટે આતુર હોય અને નરેન્દ્રભાઇ મોદી એ ઉદ્યોગપતિઓને જીતી લેવા માગતા હોય એ સમજાય એવું છે, પણ અમદાવાદમાં બોમ્બધડાકા અને સુરતમાં ન ફૂટેલા બોમ્બનો આતંક મોદી આટલો જલદી કેમ ભૂલી ગયા?
લલિત મોદીના ઉદ્ધત અભિગમ અને ગેરવાજબી વિવાદ અંગે ઇન્ડિયન એક્સપ્રેસનો આજનો તંત્રીલેખ વાંચવા જેવો છે. http://www.indianexpress.com/news/cricket-hijacked/437652/
પ્રકાશભાઇ (પ્રકાશ ન.શાહ) ઘણા વખત પહેલાં ચૂંટણીને બદલે આઇપીએલને પ્રાધાન્ય આપવાના બિઝનેસ વિશે ‘દિવ્ય ભાસ્કર’માં લખી ચૂક્યા છે. આઇપીએલ પરદેશમાં જાય એ બાબતે આજે ‘ભાસ્કર’ના તંત્રીને પહેલા પાને અભિપ્રાય-લેખ લખ્યો છે. અખબારનું મુખ્ય મથાળું પણ મઝાનું છે. ‘આઇપીએલ ભારતમાંથી આઉટઃ ગુજરાતની તૈયારી’. કેમ જાણે, ગુજરાત ભારતની બહાર હોય!
Friday, March 20, 2009
આણંદનાં ડૉ.નયના પટેલની ‘સરોગેટ ક્રાંતિ’ પુસ્તક સ્વરૂપે
http://urvishkothari-gujarati.blogspot.com/search/label/surrogate%20mother
બે-એક વર્ષ પહેલાં ડૉ.પટેલને ઇન્ટરવ્યુ માટે મળ્યો, ત્યારે મનમાં ઘણાં સવાલો-શંકા-કુશંકાઓ કૂદકા મારતાં હતાં. અમુક માહિતી એમને કેવી રીતે પૂછવી – તેમની પાસેથી કેવી રીતે કઢાવવી- પ્રશ્નો કેવી રીતે પૂછવા, જેથી તે સીધો નહીં તો ઊંધો કાન પકડે, રૂપિયા-પૈસાની બાબત કેવી રીતે પૂછવી અને પૂછ્યા પછી પણ તે જવાબ ઉડાડી દે તો કેવી રીતે ક્રોસ કરવાં...આવી માનસિક તૈયારી અને સવાલોની લાંબી યાદી સાથે હું ગયો. પણ ડૉ.પટેલે મને નિરાશ કર્યોઃ-)
મારા દરેક સવાલના જવાબ તેમણે મનોમન ગોઠવ્યા વિના, તેમનું નામ કહેતાં હોય એટલી સહજતાથી આપ્યા. દરેકેદરેક માહિતી ઉલટભેર પૂરી પાડી. રૂપિયા-પૈસાની લેવડદેવડ કેટલી અને કેવી રીતે થાય છે તેની વિગતો આપી. દર્દીઓની કેટલીક ફાઇલ નમૂનારૂપે બતાવી. સરોગેટ મધર- દંપતિ વચ્ચે થતા કરારનું ફોર્મેટ આપ્યું...અંગત જીવન વિશે ખુલાસીને વાતો કરી. એમ પણ કહ્યું કે હું નિઃસંતાન હોઉં તો સરોગેટ મધરનો વિકલ્પ પસંદ ન કરું.
ઓપ્રા વિન્ફ્રે શૉથી માંડીને બીબીસી, સીએનએન, નેશનલ જ્યોગ્રોફિક જેવાં વિદેશી પ્રસાર માધ્યમો અને દેશનાં લગભગ બધાં જ છાપાં-સામયિક-ચેનલો ડૉ.પટેલનું વિગતવાર કવરેજ કરી ચૂક્યાં હોવા છતાં એ તેમના દિમાગ પર સવાર થયું હોય એવું જરાય ન લાગ્યું. નૈતિકતાને લગતા સવાલોના પણ તેમણે પ્રામાણિક અને સંતોષ થાય એવા જવાબ આપ્યા. એસએમએસ અને ઇ-મેઇલ પર તેમને સંદેશો મોકલીએ એટલે ત્વરિત વળતો જવાબ આવે જ. પત્રકારસહજ શંકાથી આ બધું ‘મજબૂત પીઆર’નો ભાગ લાગે, પણ એમની સાથેની રૂબરૂ વાતચીતમાં તેમની સરળતા માટે એક જ વિશેષણ વાપરી શકાયઃ ડીસ્આર્મિંગ.
આ બધી જૂની વાતો કરશન ભાદરકાએ આપેલું પુસ્તક ‘આશાનું અંતિમ કિરણ’ જોઇને યાદ આવી. ‘પ્રેરકઃ ડૉ.નયના પટેલ, લેખકઃ કરશન ભાદરકા’ એવી ક્રેડિટ ધરાવતા આ પુસ્તકમાં સરોગેટ મધરના ખ્યાલ વિશે ટૂંકાં પ્રકરણોમાં સરળ ભાષામાં સમજૂતિ આપવામાં આવી છે. કરશનભાઇનાં પત્ની હર્ષા ભાદરકા ડૉ. પટેલ સાથે એમ્બ્રિયોલોજિસ્ટ તરીકે સંકળાયેલાં છે. કરશનભાઇએ સાઠથી પણ વધુ સરોગેટ મધર (પુસ્તકમાં પ્રયોજાયેલો શબ્દઃ કૂખદાત્રી) ની મુલાકાત લઇને કેટલીક વિગતો આપી છે. એક નિખાલસ પ્રકરણ સરોગટ મધરની યુગલ પાસેની અપેક્ષાઓ વિશેનું પણ છે, જેમાં લેખક નોંધે છે કે ’80 ટકા સરોગેટ મધરો ઇચ્છે કે તેમને મળતું નાણું તેમનાં કાર્યની સરખામણીમાં ઓછું છે.’ અને તેની પાછળના માનવસહજ કારણની સમજૂતિ આપવા પ્રયાસ કર્યો છે. ‘સરોગેટ મધરની નજરે સમાજ’ અને ‘સમાજની નજરે સરોગેટ મધર’ પણ અમુક અંશે વિશિષ્ટ પ્રકરણો છે. કેમ કે, તેમાં સરોગેટ મધર બનતી સ્ત્રીઓ પાસેથી કેટલીક વાતો જાણવા મળે છે. જેમ કે, ‘ગર્ભધારણના સમયમાં તો સરોગેટ મધરને સમાજ એક ડરામણો સમૂહ લાગે છે.’ ’90 ટકા સરોગેટ મધર’ કહે છે કે ‘અમે સરોગેટ મધર સમાજ માટે જ બનીએ છીએ અને એ જ સમાજ અમારી સેવાનો લાભ લેતો હોવા છતાં અમારા કાર્યને ન સ્વીકારે તો તે સમાજને માન આપવામાં અમને રસ નથી.’
સરોગટ મધરની થીમ પરથી નૌશિલ મહેતાએ લખેલું વિપુલ મહેતા દિગ્દર્શીત એક નાટક મહિલા દિન (8 માર્ચ) નિમિત્તે મુંબઇમાં રજૂ થયું. તેની પરથી ફિલ્મ બનાવવાની પણ યોજના છે. આ વિષય એટલો ફળદ્રુપ છે કે તેમાં લેનાર કેટલું લઇ શકે છે એ જ જોવાનું.
આર્ટિસ્ટ ફોટોગ્રાફર મિત્ર સુનિલ અદેસરાની સૂચક (સજેસ્ટીવ) તસવીરો પુસ્તકને શોભાવે છે. પુસ્તકનિર્માણની પ્રક્રિયા સાથે સંકળાયેલા વ્યાવસાયિક તરીકે પુસ્તકની કેટલીક મર્યાદાઓ પણ દેખાય એવી છે. તેમાં ફોન્ટની પસંદગી મુખ્ય છે. આખા પુસ્તકમાં ‘વંધ્યત્વ’ને બદલે (ખોટો શબ્દ) ‘વ્યંધ્યત્વ’ શબ્દ વપરાયો છે એ પણ આંખને ખટકે એવું છે.
પુસ્તકના અંતે આપેલા આંકડા પ્રમાણે ડૉ.પટેલે મે, 2003માં સરોગસીની પ્રેક્ટિસ શરૂ કર્યા પછી અત્યાર સુધીમાં 132 સરોગેટ મધર દ્વારા 175 યુગલોને સંતાનપ્રાપ્તિ કરાવી છે. પોતાના નિવેદનમાં તેમણે લખ્યું છે,’અપૂર્ણ માહિતીને કારણે જ્યારે અન્ય દ્વારા મારા આ સેવાયજ્ઞ માટે અયોગ્ય ઉચ્ચારણો કરવામાં આવે છે ત્યારે થોડો વિવાદ જન્મે છે. આવો વિવાદ તદ્દન અયોગ્ય ગણું છું. છતાં તેને લઇને ઘણી રાત્રીઓ મેં ખુલ્લી આંખે વિચારવામાં પસાર કરી છે. ‘સરોગસી’ બંધ જ કરી દઉં, એવા ક્ષણિક વિચારનો પણ ક્યારેક ભોગ બનું છું. પણ ફરીથી ભૂતકાળની સફળતા, સરોગેટ મધરના જીવનનો આનંદ, યુગલોનો સંતોષ મને પ્રેરે છે...’
આ કાર્ય ભલે ‘સેવાયજ્ઞ’ ન હોય, પણ ‘તબીબી સેવા’ તો છે જ- અને ડૉ.પટેલની મુલાકાત, તેમના કૌટુંબિક બેકગ્રાઉન્ડ અને વાતચીતના અંદાજ પરથી એટલું કહી શકું કે ‘ખુલ્લી આંખે વિચારવાની’ ક્ષમતા તેમનામાં હજુ બચી છે- અને એ અભિનંદનને પાત્ર છે.
Wednesday, March 18, 2009
પરિષદની લેખિકા સૂચિઃ ડાબા હાથનો ખેલ
Tuesday, March 17, 2009
વિનોદ મેઘાણીની સ્મૃતિસભા
બહારગામ-વિદેશ વસતા મિત્રો-સ્નેહીજનોને વિનોદભાઇ વિશે ખાસ કંઇ કહેવાનું હોય, કોઇ પ્રસંગવિશેષ કે અનુભવ જણાવવાનો હોય તો આ પોસ્ટની કમેન્ટ તરીકે લખી મોકલે. એ સંજયભાઇનો પહોંચાડવાની જવાબદારી મારી. એ યોગ્ય લાગે તો/એ રીતે ઉપયોગમાં લઇ શકે છે.
ઇલિયા રાજા-રહેમાન અને સ્લમડોગ
http://www.tehelka.com/mailerNews/mailer/sendmail.html
એ સિવાય ‘આઉટલૂક’માં આવેલો ઇલિયારાજા-રહેમાન વિશેનો લેખ રજિસ્ટ્રેશનથી ઉપલબ્ધ હોવાથી, એ આખો લેખ અહીં મુક્યો છે. અભ્યાસી મિત્રોને એમાં રસ પડશે.
ખાંખાખોળાં દરમિયાન રહેમાનનું એક સરસ કેરિકેચર મળી આવતાં એ પણ અહીં લગાડું છું.
Jingle-Jangle Morning
Free of cultural colours, Rahman's music rings to global ears
Sadanand Menon on A.R. Rahman
Comparisons are odious. But in south India—and in Chennai at least—you can’t duck the over 15-year-long debate on the comparative ‘genius’ of A.R. Rahman and his musical senior by twenty-three years, Ilaiyaraaja. Rahman’s double Oscar haul might have been a seamless moment of Indian triumph at Kodak Theatre, but in his native Chennai, it reopened the old debate. If Rahman is ‘Mozart’ to his followers, Ilaiyaraaja is ‘Bach’ to his.
The connection between the two goes back a long way. In the early 1970s, as Ilaiyaraaja was trying to find a toehold in Kollywood, working with hit music directors like M.S. Viswanathan, Salil Choudhury, G.K. Venkatesh and such, he was simultaneously trying to compose his own music. The instruments he hired for this were from another south Indian composer, R.K. Shekhar, who happened to be Rahman’s father.
Shekhar passed away shortly thereafter, but the family continued to hire out instruments. By the early 1980s, Ilaiyaraaja had become the stuff of legend, having already rewritten the rules of music composition in south Indian films with his dramatic debut in Annakkili (1976). As a good turn to the family that had helped him on the road to fame, he absorbed the barely 15-year-old Rahman as a keyboard player in his orchestra. For almost 10 years, Rahman continued to perform for Ilaiyaraaja, before Mani Ratnam handed him the baton for Roja (1992). And the rest, as they say, is history.
The hotly debated issue in the south is whether Rahman would have realised any of his potential but for the wide door that had already been pushed open for him—musically— by the pioneering work of Ilaiyaraaja. Interestingly, both are proficient in western classical harmonies and string arrangements. Both have graduated from the Trinity College of Music, London, though Ilaiyaraaja bagged a gold medal there. For classical Indian music, both were students of Dhanraj ‘Master’ in Chennai. Both have awesome proficiency on the piano, keyboard and synthesizer. On top of it, both are versatile vocalists, with a distinctly nasal tinge.
Ilaiyaraaja’s over 30-year-long career has seen him compose over 4,000 songs in six languages, with a dynamic yoking of south Indian folk tunes to western orchestration, which brought him three national awards. Earlier Oscar entries from India like Anjali (1990) and Hey Ram (2000) boasted of his music score. Amazingly, he has sung over 400 songs himself. Rahman has been in the field for roughly half the time of Ilaiyaraaja. He has won four national awards and now holds on to a Golden Globe, a piece of metal from BAFTA and the two Oscar statuettes.
While the similarities between the two are significant, it is their differences that should interest us. Ilaiyaraaja’s music creates itself around and inhabits culturally identifiable frames, whether classical, semi-classical or folk. His compositions are raga-based and even in western classical-inspired numbers, he acknowledges the sanctity of its original structures. Where he makes a departure is in the polyphonic interludes. A typical example would be his amazing foot-tapper, ‘Rakkamma, Kaiyye Thattu...’ (Thalapathi, 1991), in which he moves with panache from a swiftly orchestrated popular folk tune to a serene, quiet solo classical with a deft, magical interlude of hummed bars.
Rahman, on the other hand, is a cleverer sound organiser and it is his artistry with the synthesizer that is the hallmark of his music. In fact, Rahman is perhaps the finest tuner of short jingles that we have, and his early career was built up composing advertisement jingles for coffee, sports shoes and such. This also included, for example, the catchy signature tune for Asianet, the first private regional language TV channel in India.
Listening to these, one can construct a fair map of Rahman’s musical method. Most of his compositions are, in fact, a stringing together of discrete jingles joined together by counterpoints and contrapuntal bridges. A serious examination of his music will reveal the carryover of the seductive values of his lineage in advertising. It is devoid of cultural markers, unlike in Ilaiyaraaja’s work. This, now, becomes his strength as it finds ready resonance in the globalised entertainment industry, which is constantly on the hunt for ‘sounds without shadows’.
It has to be said that serious musical work belongs to Ilaiyaraaja. Rahman’s forte is packaged marketing of catchy jingles. Of course, one hums along.
(courtsey : Outlook)
Monday, March 16, 2009
વાચન-પ્રસાર 2008 : વાચનરસિયા માટે ખાસ ખબર
ગુજરાતી પ્રકાશનોમાં વાચનસૂચિ (કેટલોગ)નો ખાસ મહિમા નથી. મોટા ભાગની પ્રકાશકસંસ્થાઓ ફક્ત વ્યાવસાયિક હેતુસર સૂચિઓ બહાર પાડે છે. તેમાં સૌંદર્યદૃષ્ટિ કે વાચકાભિમુખતા (રીડર-ફ્રેન્ડ્લીનેસ) ભાગ્યે જ જોવા મળે. તેની સરખામણીમાં જયંત મેઘાણી (‘પ્રસાર’, ભાવનગર) દ્વારા તૈયાર કરવામાં આવેલી પુસ્તિકા ‘વાચન 2008- વરસનાં ચૂંટેલાં ગુજરાતી પુસ્તકો’ ફક્ત પુસ્તકોનું ભાવપત્રક ન બનતાં, દૃષ્ટિવંત વાચનસામગ્રી જેવી બની છે. સૂચિના મુખપૃષ્ઠ અને છેલ્લા ટાઇટલ પર બેકડ્રોપ તરીકે વાર્તાકાર સ્વ.જનક ત્રિવેદીના મરોડદાર હસ્તાક્ષર અને તેમણે કરેલું ચિત્રાંકન વાપરવાનો પ્રયોગ પણ વિશિષ્ટ છે.
64 પાનાંની આ પુસ્તિકામાં સાદું છતાં સૌંદર્યપૂર્ણ મુખપૃષ્ઠ, અનુક્રમ, પુસ્તક વિશેનાં અવતરણ, કેટલાંક ચુનંદાં લખાણ, 2008માં પ્રકાશિત થયેલાં વિવિધ પ્રકારનાં પુસ્તકોની એકાદ-બે લીટીમાં પરિચય સાથે વિગતો આપવામાં આવી છે. પુસ્તિકાના બીજા હિસ્સામાં બીજી સંસ્થાઓનાં પુસ્તકોની યાદી આપવામાં આવી છે. એ યાદી વાંચીને પુસ્તકમેળામાં ફરવાના જૂના દિવસો યાદ આવી ગયા. પુસ્તકમેળામાં ફરવાનું હજુ પણ થાય છે. છતાં ઓછી કિંમતનાં જૂનાં પુસ્તકો મળતાં બંધ થઇ ગયાં છે. (જૂનાં પુસ્તકો પર પ્રકાશકો નવા ભાવની ચબરખી લગાડી દે છે.) આ પુસ્તિકામાં ઘણી સંસ્થાઓનાં પુસ્તકોની જૂની આવૃત્તિ મૂળ કિંમતે ઉપલબ્ધ જોઇને આનંદ થયો- અને વધુ આનંદ એ વાતે થયો કે જયંતભાઇએ પણ આ બાબતની ખાસ નોંધ લીધી છે. એવાં કેટલાંક પુસ્તકો
રાસમાળા (ભાગ 2) – અલેક્ઝાંડર કિ. ફાર્બસ, અનુવાદઃ રણછોડભાઇ ઉદયરામ- કિંમત રૂ. 50
(ફાર્બસ ગુજરાતી સભા, શ્રી કીર્તન કેન્દ્ર, ઉત્પલ સંઘવી સ્કૂલ સામે, સંત જ્ઞાનેશ્વર માર્ગ, મુંબઇ 400049)
નરસિંહરાવની રોજનીશી- નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા- કિંમત રૂ. 18
કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તક-સંગ્રહની સૂચિ - હીરાલાલ પારેખ- કિંમત રૂ. 5
(ગુજરાત વિદ્યાસભા, પ્રેમાભાઇ હોલ, ભદ્ર, અમદાવાદ-380001)
પુરાતત્ત્વ અને રામાયણ – હસમુખ સાંકળિયા – કિંમત રૂ. 14
યુગાનુસાર અમદાવાદ (અમદાવાદનો ટૂંકો ઇતિહાસ) – રમણલાલ મહેતા, રસેશ જમીનદાર – કિંમત રૂ. 20
(ગુજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ, 380014)
પુસ્તકોની યાદી ઉપરાંત નિરંજન ભગત અને દીપક મહેતાના લેખો, ઝવેરચંદ મેઘાણી સહિત બીજા લેખકોના ગદ્યાંશ, અવતરણોથી સમૃદ્ધ આ પુસ્તિકા મેળવવા ઇચ્છતા મિત્રો જયંતભાઇનો સંપર્ક કરી શકે છે. આ સૂચિ ઇ-મેઇલથી પણ ઉપલબ્ધ છે.
પ્રસાર
સંચાલન – નીરજ મેઘાણી, જયંત મેઘાણી
1888, આતાભાઇ એવન્યૂ, ભાવનગર 364002
ફોન – 91-278-2568452
ઇ-મેઇલ – prasarak@dataone.in
તા.ક. જયંતભાઇની સૂચિએ ઉશ્કેર્યા પછી આજે જ પ્રેમાભાઇ હોલમાં આવેલી વિદ્યાસભાની ઓફિસે ગયો. તેની મુલાકાત વિશે અને ત્યાં થયેલા સુખદ અનુભવ વિશે અલગ પોસ્ટ લખીશ. પણ રસિકોને જણાવવાનું કે સ્થળસંકોચને કારણે ‘પ્રસાર’ની સૂચિમાં સ્થાન ન પામ્યાં હોય એવાં ઘણાં જૂનાં પુસ્તકો જૂના ભાવે તમારી રાહ જુએ છે. કેટલાક પુસ્તકોના ભાવ સૂચિમાં જણાવ્યા કરતાં થોડા સુધારેલા છે, પણ એ ફરક પાંચ-પચીસનો છે, સો-બસોનો નહીં. (મારાં ખરીદેલાં પુસ્તકો બંધાઇ ગયાં હોવાથી અને બિલમાં પુસ્તકોની કિંમત સિવાયની બીજી વિગત નહીં હોવાથી એ યાદી ફરી ક્યારેક :-)
Saturday, March 14, 2009
તાળાબંધ પરબ, સંકુચિત શબ્દસૃષ્ટિ
Tuesday, March 10, 2009
ઓસ્કર એવોર્ડ, રહેમાન અને ભારતીય સંગીતકારો
Monday, March 09, 2009
નેટે ઝૂલે છે તલવાર, મેઘાણી કેરી...
પોતાના પિતા/દાદાના સાહિત્યમાં રસ લેનારાં કુટુંબીજનો બહુ ઓછાં જોવા મળે છે. એવા અપવાદોમાં સૌથી ઓછો જાણીતો દાખલો જ્યોતીન્દ્ર દવેના પરિવારનો (પ્રદીપ-રાગિણી દવેનો) છે, તો સૌથી જાણીતું ઉદાહરણ મેઘાણી પરિવારનું છે.
ઝવેરચંદ મેઘાણીનાં આ હાલતાંચાલતાં સર્જનોમાંથી ઘણાના ખંતના પ્રતાપે મેઘાણીનું સાહિત્ય અને તેમના જીવનની ઘણી વાતો મેઘાણીની વિદાયના છ દાયકા પછી પણ ‘દુર્લભ’ને બદલે સુલભ રહી છે. જમાના પ્રમાણે તાલ મિલાવવાની પરંપરા પ્રમાણે, મેઘાણી પરિવારમાંથી ઝવેરચંદના પુત્ર નાનક મેઘાણી અને નાનકભાઇના પુત્ર પિનાકી મેઘાણીએ મેઘાણીના જીવનકાર્યને આવરી લેતી એક વેબસાઇટ તૈયાર કરી છે. આ સાઇટ પર મેઘાણી વિશેની ઘણી દુર્લભ સામગ્રી, તસવીરો, મેઘાણીનો અવાજ, તેમના પુસ્તકોનાં ટાઇટલ, હસ્તાક્ષર મુકવામાં આવ્યાં છે.
ગુજરાતી ભાષા અને સાહિત્યમાં રસ ધરાવતા સૌએ નિરાંતે જોવા જેવી સાઇટ બનાવવા બદલ નાનકભાઇ અને પિનાકીભાઇને અભિનંદન.
તા.ક.- ભૂલતો ન હોઊં તો હોમ પેજ પર મુકાયેલી ઝવેરચંદ મેઘાણીની અદભૂત તસવીર જગનદાદા (જગન મહેતા) એ લીધેલી છે.
શબ્દાર્થપ્રકાશ # 10
ઉકેલમાસ્તરીઃ યોગ્ય-અયોગ્યનો વિચાર કર્યા વિના ગમે તે રીતે તોડ કાઢવો
-ઉકેલમાસ્તરઃ ઉકેલમાસ્તરીથી તોડ કાઢનાર
વાહ. આનું નામ ઉકેલમાસ્તરી...(7 માર્ચ, 2009, દિ.ભા.)
મીડિયામારીઃ મીડિયાનું આક્રમણ (‘મગજમારી’ની તરાહ પર)
...કોઇ દબાણે- કહો કે મીડિયામારીએ- અસર પાડી હશે... (7 માર્ચ, 2009, દિ.ભા.)
વૃંદવાદનઃ ‘કોરસ’, સમુહગાન, સાગમટે મચી પડવું
...માધ્યમોનો એક વર્ગ લગભગ વૃંદવાદન પેઠે મચી પડ્યો હતો કે... (7 માર્ચ, 2009, દિ.ભા.)
ચિયરાંગનાઃ (20-20 ક્રિકેટની) ચીયર ગર્લ્સ
...એમાં વખત છે ને પેલી ચિયરાંગનાઓ પણ હશે સ્તો... (7 માર્ચ, 2009, દિ.ભા.)
સ્વભાગ્યનિર્ણયઃ પોતાનું ભાગ્ય નક્કી કરવાની પ્રક્રિયા (ચૂંટણી)
...એપ્રિલ અને મે દરમિયાન ભારતવર્ષ સ્વભાગ્યનિર્ણયના સભરમાં હશે. (7 માર્ચ, 2009, દિ.ભા.)
કંચની કર્મઃ કેવળ આર્થિક ફાયદાની વાત
મીડિયામાસ્તરો, તમે કદાચ ચિયરાંગનાઓ સાથે આગોતરા તાલકદમ કે સૂરસરગમ મિલાવવા ઇચ્છતા હશો, પણ લોકોને અને ચૂંટણીચર્યાનેય તમારે આઇપીએલ ઓચ્છવ અન્વયે કંચની કર્મમાં જોતરવા છે? (7 માર્ચ, 2009, દિ.ભા.)
કોરસબદ્ધઃ સામુહિક રીતે
...આઇપીએલ ઓચ્છવવાળી વાસ્તે કોરસબદ્ધ મચી પડવું એનો અર્થ સીધોસાદો એ છે કે... (7 માર્ચ, 2009, દિ.ભા.)
ચોવીસ કલાકના ચેનલશાહોઃ ચોવીસ કલાકની ન્યૂઝચેનલોના ‘કલાકારો’
...જ્યારે ‘સ્લમડોગ મિલિયોનેર’ની ઓસ્કાર ફતેહ સાથે નાનો પડદો અને ચોવીસ કલાકના ચેનલશાહો જે ચાલુ પડી ગયા હતા. (7 માર્ચ, 2009, દિ.ભા.)
શય્યાસુખ વગરની સુહાગરાતઃ નિરર્થક દાખડો
ફિલ્મી પડદે ઝોંપડપટ્ટીનો ઝગમગાટ સૌને ગમે છે. એમાં પણ ચાલનો છોકરડો કરોડપતિ બની જાય. ક્યા કહના...શય્યાસુખ વગરની સુહાગરાત. બીજું શું? (7 માર્ચ, 2009, દિ.ભા.)
ચોવીસના ચેનલબાજોઃ પુખ્તતામાં કદી મોટા ન થતા ચોવીસ કલાકની ચેનલવાળા
ક્ષુધાંકઃ હંગર ઇન્ડેક્સ
...આ ચોવીસના (કદી ‘પચીસ’ના નહીં થઇ શકતા)ચેનલબાજો કને દુનિયામાં ક્ષુધાંક (હંગર ઇન્ડેક્સ)નો અભ્યાસ રજૂ કરતા નક્કર હેવાલ માટે ફુરસદ નહોતી. (7 માર્ચ, 2009, દિ.ભા.)
ઋણવજનિયાં: અન્ડરવેઇટ
એમાં પણ ત્રીસ ટકા તો જન્મે છે જ ઋણવજનિયાં. (7 માર્ચ, 2009, દિ.ભા.)
(કુલ શબ્દોઃ 118)
શબ્દાર્થપ્રકાશ # 9
- નું લૂણઃ -નું સત્ત્વ
-નાગરિક વચ્ચે તેમજ સવિશેષ તો નાગરિક અને શાસન વચ્ચે ન્યાયપૂર્ણ સંબંધ વાસ્તે આગ્ર હોવો, એ તીવ્રતા અને એ તાલાવેલી તો લોકશાહીનું લૂણ છે. (દિ.ભા., ૨૮-૨-૦૯, અભિવ્યક્તિ)
અંગવસ્ત્ર તળે અવસ્ત્રઃ અંદરથી બધા એકના એક અને ઉઘાડા
...ત્યારે કોક હિંદુ હતું તો કોક મુસ્લિમ હતું. કોક ભાજપી હતું તો કોક કોંગ્રેસી હતું. અંગવસ્ત્ર તળે અવસ્ત્ર એવું આ આખું જે રાવણું હતું એમાં નાગરિક શોઘ્યો જડતો ન હતો...(દિ.ભા., ૨૮-૨-૦૯, અભિવ્યક્તિ)
પોટેશ્વર રાષ્ટ્રવાદઃ ‘પોટા’ જેવા ત્રાસવાદવિરોધી કાયદા આશ્રિત રાષ્ટ્રવાદ
રૂપરેખા કે નહીં રૂપરેખા, આપણા કાયદા ઢીલા છે અને મજબૂત કાયદા વગર ચાલવાનું નથી એ તરેહનો પોટેશ્વર રાષ્ટ્રવાદ...એનો પરમ ને પ્રથમ મુદ્દો છે. (દિ.ભા., ૨૧-૨-૦૯, અભિવ્યક્તિ)
હીનોપમાઃ ઉતરતી કોટીની ઉપમા
હીનોપમાનું આળ વહોરીને પણ કહેવું જોઇએ કે...(દિ.ભા., ૨૧-૨-૦૯, અભિવ્યક્તિ)
શોભાકારણઃ શોભા વધારનારા બની રહેવાનું રાજકારણ
આમ પેઇજ થ્રીનાં પાત્રોની પેઠે શોભાકારણ અને કોર્ટ જેસ્ટર તરીકેનું બૌદ્ધિક-કારણ એમની પોતાની વાસ્તવિક ગુંજાશ સામે બેહદ ખરાબ હિસાબ આપનારાં પુરવાર થઇ રહ્યાં છે. (દિ.ભા., ૨૧-૨-૦૯, અભિવ્યક્તિ)
પચાસવર્ષીઃ સુવર્ણજયંતિ
...માર્ટિન લ્યુથર કિંગ ત્રીજા...પોતાના પિતા માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે ૧૯૫૯માં ભારતની મુલાકાત લીધી એની પચાસવર્ષી ઉજવશે. (દિ.ભા., ૧૪-૨-૦૯, અભિવ્યક્તિ)
ઝીણાયનઃ (અડવાણીએ કરેલી) ઝીણાની પ્રશંસા
હજુ થોડાં વરસ ઉપર, એમના અભિનવ ઝીણાયનને પગલે નાગપુરે અડવાણીને ભાજપની અઘ્યક્ષીય ગાદીએથી ખડખડિયું આપી દીઘું હતું. (દિ.ભા., ૭-૨-૦૯, અભિવ્યક્તિ)
દોષદુરસ્તીઃ ભૂલસુધાર
...એમણે (અડવાણીએ) ઋજે પ્રાપ્ત કરવાનું હતું તે કર્યું, પણ હવેય કશી દોષદુરસ્તી સૂઝે છે ખરી? (દિ.ભા., ૭-૨-૦૯, અભિવ્યક્તિ)
વેશનમૂનોઃ રોલમોડેલ
ઇઝરાયલ આપણે ત્યાં ઘણાને સારૂ વેશનમૂનો (રોલમોડેલ) બની રહેલ છે. (દિ.ભા., ૨૪-૧-૦૯)
તાદાત્મ્ય દોષઃ સિદ્ધિવંત/સફળ સાથે ખોટેખોટી એકરૂપતા અનુભવવાનો દોષ
મારે મીર અને ફુલાય પિંજારા એવો એક માહોલ (ખરૂં જોતાં તાદાત્મ્ય દોષ) આપણએ ત્યાં ઇઝરાયલના મામલામાં વખતોવકથ જોવા મળે છે. (દિ.ભા., ૨૪-૧-૦૯)
જનમ જનમનાં જુવારાં રહેવાં: અંતર રહી જવું
પ્રજાસત્તાક અને- સ્વરાજ વચ્ચે જનમ જનમનાં જુવારાં ક્યાં લગી? (દિ.ભા., ૨૪-૧-૦૯)
ખાણદાણઃ પોષણ- ‘ફોડર’ના સંદર્ભે
આ બધા ધર્મો...સભ્યતાઓના સંઘર્ષ વાસ્તે ખાણદાણ પણ બની રહે એવો એક ભય છે. (દિ.ભા., ૧૦-૧-૦૯)
વિક્રિયાઃ વિકૃતી ભણી દોરી જતી પ્રક્રિયા
...આ આખી પ્રક્રિયા (ખરૂં જોતાં વિક્રિયા) મનુષ્યજાતિને ધર્મકૃપાએ હાણ પહોંચાડતી રહે છે.
કુલ શબ્દોઃ 106
વિશિષ્ટ વાક્યપ્રયોગ
એક બૌદ્ધિક તરીકે ભલે તેઓ (શૌરી) જાહેર જીવનમાં આવ્યા હોત પણ તૃણમૂલ કાર્યાનુભવ (ગ્રાસરૂટ એક્સપિરિયન્સ) વગરના એમને સારૂ સદાશયી ધોરણે પણ કોઇકના ઉપગ્રહ બનવા સિવાય મોક્ષ નથી. (દિ.ભા., ૨૧-૨-૦૯, અભિવ્યક્તિ)
Friday, March 06, 2009
જૂના ગીત-સંગીત-કલાકારોની અંતરછબિઃ ઇન્ટીમેટ ઇમ્પ્રેશન્સ
અનેક જૂના કલાકારો- ગાયકો, ગીતકારો, સંગીતકારો-ના પરિચયમાં આવેલા રજનીભાઇએ એક વાર્તાકારની શૈલીમાં પોતાનાં એ કલાકારો સાથેનાં સંભારણાં ‘આપકી પરછાઇયાં’ (૧૯૯૫) સ્વરૂપે ગુજરાતીમાં રજૂ કર્યાં. એ પુસ્તકનું નામ પહેલાં ‘કાફિલે બહારકે’ હતું (એક બાર ચલ દિયે/ ગર તુઝે પુકારકે/લૌટ કર ના આયેંગે/કાફિલે બહારકે- યે રાત યે ચાંદની ફિર કહાં...પરથી). એ પુસ્તક આવ્યું અને સંગીતપ્રેમીઓમાં સારો આવકાર પામ્યું. રજનીભાઇની શૈલીમાં રહેલી અંગતતા જેમને ખૂંચતી હોય તેમને આ પુસ્તકમાં પણ ખૂંચી અને કેટલાકને તેમાં વઘુ પડતી મુગ્ધતા પણ લાગી. છતાં, મારાં પ્રિય પુસ્તકોમાં ‘આપકી પરછાઇયાં’નો સમાવેશ થાય છે. કારણ કે જે લંબાણથી અને વાર્તાકારની કળાથી તેમણે પ્રદીપજી, શમશાદ બેગ, જયકિશન, મુબારક બેગમ, હેમંતકુમાર, તલત મહેમૂદ જેવાં કલાકારોને રજૂ કર્યા છે, તેવું ફિલ્મી પત્રકારો કે પંડિતો માટે ભાગ્યે જ શક્ય બને.
‘આપકી પરછાઇયાં’ની બીજી આવૃત્તિ થઇ. દરમિયાન, ૧૯૯૯માં દિલ્હીના એક પ્રકાશને એ જ નામે તેની હિંદી આવૃત્તિ પ્રસિદ્ધ કરી અને હવે દિનકર જોષીની આગેવાની હેઠળની ‘ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાન’ના ઉપક્રમે દિલ્હીના ‘પ્રકાશન સંસ્થાન’ તરફથી ‘આપકી પરછાઇયાં’ અંગ્રેજીમાં ‘ઇન્ટીમેટ ઇમ્પ્રેશન્સ’ સ્વરૂપે આવ્યું છે. ૨૧૨ પાનાંના અંગ્રેજી પુસ્તકનો અનુવાદ (સ્વ.) સરલા જગમોહને કર્યો છે.
‘આપકી પરછાઇયાં’ જોઇને કે તેના વાચકો પાસેથી એના વિશે સાંભળીને ગુજરાતી વાંચી ન શકતા ઘણા વાચકો અફસોસ પ્રગટ કરતા હતા. એ સૌના અફસોસનું ઘણી હદે નિવારણ ‘ઇન્ટીમેટ ઇમ્પ્રેશન્સ’થી થવું જોઇએ. આ પુસ્તક મેળવવવાનું સરનામું :
Thursday, March 05, 2009
રસ્તો ઓળંગવાની રામાયણ
‘ક્યાં ક્રોસ ઊંચકવાનો ત્રાસ અને ક્યાં રસ્તો ક્રોસ કરવા જેવું મામુલી કામ?’ - આવું કોઇને લાગે, તો તેમણે માનવું કે ભારતવર્ષની પ્રગતિ સાથેનો તેમનો સંબંધ કપાઇ ગયો છે અથવા પોતે ગુફાયુગમાં જીવે છે. મહાપુરૂષો માટે જેમ કોઇ કામ નાનું કે મોટું નથી હોતું, એવું સામાન્ય માણસ માટે સમસ્યાનું છે. તેના માટે કોઇ સમસ્યા નાની કે મોટી હોતી નથી. બધી સમસ્યાઓ તેમના માટે એકસરખી ત્રાસરૂપ બની શકે છે. સમસ્યા સાથે પનારો પાડવાની મોટા ભાગના લોકોની પદ્ધતિ સરખી હોય છેઃ પહેલાં સાફ ઇન્કાર, પછી મોળો ઇન્કાર, ત્યાર પછી કચવાતા મને સ્વીકાર અને છેલ્લે કકળાટ. આવું કોઇ મહાપુરૂષ કે મહાસ્ત્રીએ કહ્યું નથી, પણ એટલા માત્રથી તેની કિંમત ઓછી થતી નથી.
રસ્તો ક્રોસ કરવાની સમસ્યા અસલમાં વિદેશી હતી. કારણ કે ભારતમાં તો ઘી-દૂધની નદીઓ વહેતી હતી- અને એ નદીઓ ક્રોસ કરવાની સમસ્યા વળી જુદા પ્રકારની હતી. ભારતમાં ગણ્યાંગાંઠ્યાં શહેરોમાં જેમને ક્રોસ કરવાની તકલીફ પડે એવા રસ્તા હતા. બાકીના ભારતની લાગણી હતીઃ‘રોડ ક્રોસ કરવા માટે રોડ તો જોઇએ કે નહીં? અહીં રોડ જોયો છે જ કોણે?’ કેટલાક ભણેલા લોકો પૂછતા હતા,‘ગાયોના ટોળાને ધણ કહેવાય, એમ ખાડાના સમુહને રોડ કહેવાય, એવું કોઇ જાહેરનામું તો સરકારે બહાર પાડ્યું નથી ને?’
હવે ભારતમાં ઠેરઠેર રસ્તા બનવા લાગ્યા છે. એટલું જ નહીં, સાહિત્ય પરિષદ જેમ પન્નાલાલ પટેલના પુનઃમુલ્યાંકનના પુનઃમુલ્યાંકનનું પુનઃમુલ્યાંકન કરે છે, તેમ મ્યુનિસિપાલિટી એક વાર બની ચૂકેલા રસ્તા ઉપર થર ને તેની ઉપર થર ને વળી તેની ઉપર થર કર્યા જ કરે છે. કોણ કોને પ્રેરણા આપે છે તેની ચર્ચા વિવાદાસ્પદ હોવાથી જવા દઇએ, પણ બન્નેનું પરિણામ સરખું આવે છેઃ યોજકો અને ‘સંબંધિત પાર્ટીઓ’ સિવાય બીજા લોકોને લાંબા ગાળે સંતોષ કે ફાયદો થતાં નથી.
નવા અને સરસ રોડ બને એટલે લોકો તેનો ઉપયોગ કરે છે. બલ્કે, લોકોના ઉપયોગ માટે જ રોડ સરસ કરવામાં આવે છે. પણ ઉપયોગ વધે તેમ ભીડભાડ અને ટ્રાફિકનો ધમધમાટ થાય છે અને જોતજોતાંમાં એ રોડ ક્રોસ કરવા જેવી ગંભીર સમસ્યાઓ પેદા થાય છે. ગેરહાજરીમાં જે ‘વિકાસનો પથ’ લાગતો હતો, તે અસ્તિત્ત્વમાં આવ્યા પછી થોડા સમયમાં ‘યમદ્વારે પહોંચવાનો માર્ગ’ બની રહે છે.
રસ્તા પર ચાલવું એક વાત છે અને રસ્તો ઓળંગવો બીજી વાત. બન્ને વચ્ચે વિવેચન અને સર્જન જેટલો મોટો તફાવત છે. રોડ ક્રોસ કરવાની પ્રક્રિયા મુખ્યત્વે બે રીતે જોઇ શકાયઃ વાહનચાલકના દૃષ્ટિકોણથી અને રાહદારીની નજરે. રોડ ક્રોસ કરવા ઉભેલા કેટલાક રાહદારીઓ જાણે ખભે ક્રોસ લઇને ઊભા હોય તેટલી અધીરાઇ દાખવે છે. તેમને શાની બીક હશે? ‘સતત ૩૬ કલાક સુધી રોડ ક્રોસ કરવામાં નિષ્ફળ ગયેલા ઇસમનું ભૂખ-તરસ-હતાશાથી કરૂણ મૃત્યુ’ આવાં મથાળાં તેમના મનમાં તરવરતાં હશે? ઉતાવળ ધરાવતા કે ઉતાવળીયા રાહદારીઓ એવી અસલામતીથી પીડાય છે કે વાહનોનો પ્રવાહ સતત ચાલુ જ રહેશે, તો રોડ ક્રોસ કરવાના પોતાના મનસૂબાનું શું થશે?
વ્યક્તિ ઊંમરલાયક હોય તો તેને ‘રોડ ક્રોસ કરવામાં બહુ વાર લાગી’ એવું જાહેર કરવા બદલ સહાનુભૂતિ મળે, પણ જુવાનજોધ માણસ એવું કહી શકતો નથી. ‘રોડ ક્રોસ કરવામાં વાર લાગી’ એવું કહેવાથી થનારી હાંસી અને ધસમસતાં વાહનોથી ઉભરાતા રોડ પર ઝંપલાવવાનું જોખમ- આ બન્નેમાંથી હાંસીની બીક વધારે અસરકારક નીકળે છે. એટલે, ‘આ પાર કે પેલે પાર’નો મનોભાવ ધારણ કરીને તે, ટ્રાફિકગ્રસ્ત રોડ ક્રોસ કરવા મેદાને પડે છે. આરંભિક આત્મવિશ્વાસને લીધે ઘડીભર તેને એમ થઇ જાય છે કે ‘મોઝેસને જેમ દરિયાનાં મોજાંએ રસ્તો કરી આપ્યો હતો, તેમ ટ્રાફિકના દરિયામાંથી મારા માટે પણ રસ્તો નીકળી જશે. હું રસ્તા પર ડગ માંડીશ એટલે પૂરપાટ વેગે જતાં વાહનો મારા સાહસથી સ્તબ્ધ બનીને બ્રેકની ચીચુડાટી સાથે ઊભાં રહી જશે અને મને મારગ આપશે.’ ભલું હોય ને ‘અડગ મનના મુસાફરને હિમાલય નથી નડતો’ એવી એકાદ કાવ્યપંક્તિ યાદ આવી જાય એટલે જોસ્સો જળવાઇ રહે છે.
ઉંચાઇ પરથી કૂદકો મારવા માટે ગમે તેટલી માનસિક તૈયારી કરી હોય અને સાધનો સજાવ્યાં હોય, પણ ખરેખર કૂદકો મારવાનો આવે ત્યારે હાંજા કેવા ગગડી જાય? એવું જ રસ્તો ઓળંગવામાં બને છે. રોડ ક્રોસ કરવાની દિશામાં ડગ માંડ્યાં- ન માંડ્યાં કે ત્યાં તો વાહનોના કાતિલ સુસવાટથી એક ડગ આગળ માંડનાર ચાર ડગ પાછળ ખસી જાય છે. યાહોમ કરીને પડવાની વાત કરનારા નર્મદે પણ ‘ડગલું ભર્યું કે ન હટવું’ રોડ ક્રોસ કરવા માટે લખ્યું નથી, એમ વિચારીને તે આશ્વાસન લે છે, પણ રોડ ક્રોસ કર્યા વિના છૂટકો નથી, એ જીવનની અનિવાર્યતા તેનો કેડો મૂકતી નથી.
રોડ ક્રોસ કરવાનું કામ મહાભારતના પ્રખ્યાત કોઠાયુદ્ધ જેવું છે. પહેલો કોઠો રોડના સૌથી બહારના ભાગે હોય છે, જ્યાં પરચૂરણ રથીઓ ખાંડાંની જેમ સાયકલનાં સ્પેરપાર્ટ ખખડાવતા નીકળે છે. સુકલકડી સાયકલ પણ સામેથી આવતી હોય ત્યારે ખૂંખાર લાગે, તો છેલ્લા કોઠામાં આવનારાં મોટર-બસ-ખટારા જોઇને કેવા હાલ થશે? એ વિચારે રાહદારી ઘડીક ખમચાઇને ઊભો રહી જાય છે. મોટાં વાહનો દૂર હોય ત્યારે એ બહુ દૂર લાગે છે અને રાહદારી હરખભેર રોડના બીજા-ત્રીજા કોઠા (સ્કૂટર-બાઇક-રિક્ષાના) કોઠામાં પહોંચી જાય છે, પણ મોટર કે બસની ઝડપ એટલી બધી હોય છે કે પલકવારમાં તે પાસે આવી જાય છે. સાદી મોટરમાં રાહદારીને શબવાહિની દેખાવા લાગે છે.
બીજા-ત્રીજા કોઠાનાં સ્કુટર-રિક્ષાની ઝડપ પ્રમાણમાં ઓછી છતાં છેતરામણી હોય છે. તેમની ઓછી ઝડપ જોઇને રાહદારી સહેજ ગાફેલ રહે તો તે અથડાઇ પડે છે. ત્રણ કોઠા ભેદ્યા પછી છેલ્લો કોઠો ભારે વાહનોનો આવે છે. ત્યાં સુધી પહોંચનાર ઠીક રીઢા થઇ જાય છે અને મોટરોના કદ કે તેમના ધસમસાટને ગાંઠયા વિના સામી બાજુ જતા રહે છે. મોટાં વાહનોથી બીતા લોકો પણ ‘હવે પાછા જવા માટે ફરી બે-ત્રણ કોઠા ભેદવા પડશે’ એ વિચારે મન મક્કમ કરીને, મુઠ્ઠીઓ વાળીને છેલ્લો કોઠો ભેદી નાખે છે.
કેટલાક લોકો આ બન્ને રીતે નિષ્ફળ જાય ત્યારે તે રસ્તાની વચ્ચે ઊભા રહી પડે છે. કોઠા ખોરવાઇ જાય છે, વાહનોનાં હોર્નથી અને વાહનચાલકોના કકળાટથી વાતાવરણ ભરાઇ જાય છે અને સંવેદનશીલ રાહદારીને ધરતી મારગ આપે તો...શાંતિથી રોડ ક્રોસ કરવાનં મન થઇ આવે છે.
વાહનચાલકો રોડ ક્રોસ કરનારા લોકોને અનિષ્ટ તરીકે જોવા ટેવાયેલા હોય છે, તો રાહદારીઓ પણ વાહનચાલકોને ઘાતકી, કાતિલ, યમદૂતના એજન્ટ તરીકે જુએ છે. ‘ચાલતાં નથી આવડતું’ અને ‘ચલાવતાં નથી આવડતું’ એ તકરારનું સૌથી સાત્ત્વિક પાસું એ છે કે તે કાયમી અને વ્યક્તિકેન્દ્રી નથી. એક જ માણસ વાહનચાલક તરીકે રાહદારીને અનિષ્ટ ગણતો હોય, પણ એ પોતે રાહદારી બને ત્યારે તેને વાહનચાલકો ઘાતકી લાગવા માંડે છે. ‘કોઇ માણસ ખરાબ નથી હોતો. તેના સંજોગો ખરાબ હોય છે.’ એવું ફિલસૂફો અમસ્તા કહેતા હશે?
Tuesday, March 03, 2009
તારક મહેતા સમારંભ # ૨ : મુખ્ય મંત્રીનો સુરક્ષા પરિવાર આપને હાર્દિક ત્રાસ આપે છે...
દરવાજા પર જોવા મળેલી ગીરદી મુંબઇની ટ્રેનોની ગીરદીને સારી કહેવાડવે એવી હતી. થેન્ક્સ ટુ ‘સિક્યુરીટી પર્પઝ’. એકાદ તસવીરમાં તો ઊંચો કરાયેલો દંડો પણ જોઇ શકાય છે.