Tuesday, January 27, 2009

ભૌતિક શાસ્ત્રની વર્કશોપ અને કેટલીક ‘ભૌતિક’ બાબતો

રવિવાર (25-1-09)ના દિવસે સાયન્સ સીટીમાં ‘ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિક્સ ટીચર્સ’ તરફથી એક વર્કશોપ યોજાઇ. આમ તો મારે આખી વાત સાથે કશી લેવાદેવા નહીં. પણ વલ્લભ વિદ્યાનગરની એસપી યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રના વડા જોષીપુરાસાહેબે પ્રેમપૂર્વક મારો નંબર શોધીને ‘પ્રિન્ટ મીડિયામાં વિજ્ઞાન’ એ વિષય પર બોલવા કહ્યું.
કાર્યક્રમમાં પીઆરએલ (ફિઝિકલ રીસર્ચ લેબોરેટરી)ના બે ભૂતપૂર્વ ડીરેક્ટર સુધીરભાઇ પંડ્યા અને અમેરિકાથી આવેલા ડી.(દેવેન્દ્ર) લાલ, જે. એન. દેસાઇ જેવાં ખમતીધર નામો હતાં. કટારલેખક વિહારી છાયા અને પ્રકાશક તરીકે મહેશ દવે (ઇમેજ) પણ બીજા સેશનમાં હતા.
કેમિસ્ટ્રીના સ્નાતક તરીકે કોલેજમાં બે વર્ષ ફિઝિક્સ ભણેલો. ‘ભણેલો’ કહેવામાં અતિશયોક્તિ છે. ખરેખર તો મેં ફિઝિક્સના ક્લાસ ભરેલા ને પેપરો આપેલાં ને પાસ પણ થયેલો. છતાં લગભગ જલકમલવત્.

સદભાગ્યે મારે ફિઝિક્સ વિશે નહીં, પણ મીડિયામાં વિજ્ઞાન વિશે બોલવાનું હતું. એ મને આવડતું હતું. એટલે આવડ્યું એવું બોલ્યો. અહીં એની કથા કરવાની નથી. એ સિવાયની કેટલીક નજરે ચડેલી - કે પડેલી વાતો કરવી છે.
  • અધ્યાપકોના સેમિનાર અને વર્કશોપમાં ‘સૌએ પોતાનાં ટીએ ફોર્મ ભરી દેવાં’ એ આખા સેમિનારનો કેન્દ્રીય કાર્યક્રમ અથવા કેન્દ્રવર્તી ધ્વનિ હોય એવું લાગે. એ જાહેરાત એવા સમયે અને એવી રીતે કરવામાં આવે કે મારા જેવાઓને તો એવું જ સંભળાયઃ ‘આ બધા પરચૂરણ કામમાંથી પરવારો એટલે પેલું અગત્યનું કામ-ટીએ ફોર્મ જમા કરાવવાનું- ભૂલતા નહીં.
  • વક્તાઓના સમય નિયત કરેલા હોય અને તેનો છાપેલો કાર્યક્રમ વક્તાઓને આપ્યો હોય, છતાં વક્તાઓ ઘડિયાળ સામે, શ્રોતાઓ સામે કે અધ્યક્ષ સામે જુએ નહીં અને ‘હું લખીને લાવ્યો છું એટલું બોલવું મારો અધ્યાપનસિદ્ધ હક છે ને તે હું મેળવીને જ જંપીશ’ એવા તિલક-પાઠમાં આવી જાય. જે.એન.દેસાઇ જેવા સિનિયર સાહેબ એકથી વધારે વાર પોતાની ખુરશી પરથી ઉભા થઇને વક્તાને ઇંગિત કરે, શ્રોતાઓનાં ઓલરેડી દ્રવી ચૂકેલાં દિલ આ ચેષ્ટાથી વધારે દ્રવી જાય. છતાં વક્તા પર તેની કશી અસર નહીં.
  • આખા દિવસનો કાર્યક્રમ થાય. રૂડાં ભોજનીયાં રખાય. કડકડતાં ટીએ બિલ ચૂકવાય. અધ્યાપકોને તો જાણે આ જ કામ હોય એટલે એમને પગાર ઉપરાંત મળનારા ટીએ બિલથી આનંદ થાય. પણ મારા જેવા બિનઅધ્યાપકોનું શું? તેમને ટેક્સીભાડા તરીકે આઠસો-હજાર-બારસો રૂપિયા મળે, પણ એક વ્યાવસાયિક તરીકે તેમની હાજરી બદલ તેમને સન્માનનીય રકમનો પુરસ્કાર મળવો જોઇએ એવો સુવિચાર આયોજકોને આવતો નથી. એટલે થાય એવું કે કાર્યક્રમ સાથે સંકળાયેલા સૌ કોઇ- ડેકોરેટર, કેટેરર અને ખુરશીવાળા સુદ્ધાંને તેમના મહેનતાણાના રૂપિયા મળે. પણ જેના થકી એ બધું છે તે બોલનારને સમાજની-સંસ્થાની સેવા કરીને સંતોષ માનવાનો. તેનો ઉપાય ફક્ત એ નથી કે આવી જગ્યાએ ન જવું. પણ હવેથી આવી જગ્યાએ શરમ મુકીને ગરીમાપૂર્વક ફી વિશે વાત કરવી.
  • સાયન્સ સીટીનો હોલ હોય, ડી.લાલ જેવા પહેલી વાર સાયન્સ સીટી આવ્યા હોય, એ પ્રવચન કરે પણ આખા કાર્યક્રમના કે કમ સે કમ ડી.લાલના પ્રવચનનું પણ ઓડિયો રેકોર્ડિંગ ન મળે. અને આખા કાર્યક્રમ દરમિયાન બાજુ પર બે કમ્પ્યુટર લઇને ગડમથલ કરતા માણસો જોઇને એવું સમજે કે ‘આ લોકો કાર્યક્રમનું વેબકાસ્ટિંગ કરે છે કે શું?’ કમ્પ્યુટરના જમાનામાં આવા કાર્યક્રમોનું વિડીયો રેકોર્ડિંગ શા માટે ન થવું જોઇએ? એમાં ખર્ચનો નહીં, દૃષ્ટિનો સવાલ છે.
  • સાયન્સ કમ્યુનિકેશન વિશેની વર્કશોપ હોય અને મારા સિવાય બીજા કોઇની વાતમાં નગેન્દ્રવિજયના કે ‘સ્કોપ’ના પ્રદાનનો ઉલ્લેખ ન થાય એ પણ કેવું વિચિત્ર. જેમણે આ દિશામાં સૌથી વધારે કામ કર્યું. તેમની જાણે કે નોંધ નહીં. આપણને થાયઃ આ તે ફિઝિક્સ પ્રોફેસરોનું મંડળ છે કે ગુજરાતની સાહિત્ય પરિષદ? જો કે મારી પેઢીના કેટલાક મિત્રો મળ્યા. તેમણે ઉમળકાભેર નગેન્દ્રભાઇને યાદ કર્યા, જોષીપુરાસાહેબની જેમ જ પ્રેમથી વાતો કરી અને સંપર્કમાં રહેવા કહ્યું.
  • બિનીત મોદી અને લલિત ખંભાયતા પણ હતા. લલિતે ડી.લાલનો ઇન્ટરવ્યુ અગાઉ કરેલો. આજે પણ ઉત્સાહપૂર્વક લલિતે તેમની સાથે જમવાના સેશનમાં થોડી વાતો કરી. ઝીણી ઝીણી બાબતોમાં એમની ચીવટ, સહકાર આપવાની વૃત્તિ અને મોટપ જણાઇ આવતી હતી. મૂળ બનારસના પણ અમેરિકામાં વસતા દેવેન્દ્ર લાલ ધ્રુવપ્રદેશ પરના પાંત્રીસથી ચાળીસ હજાર વર્ષ જૂના બરફના થરનું અને ‘નાસા’ પાસેથી મેળવેલા ચંદ્રના ખડકોનું અધ્યયન કરી ચૂક્યા છે. ‘તમે કદી એન્ટાર્કટિકા ગયા છો?’ એવું લલિતના સવાલોની વચ્ચે પૂછ્યું, એટલે ડો.લાલ કહે,’ના, તક તો હતી, પણ મારા માથામાં સાયનસનાં એવાં પોલાણો છે કે એનો વ્યુ બતાવું તો તમને લાગે કે આ માણસને મગજ છે જ નહીં.’
    Photoline L to R : 2 former PRL directors Prof. Devendra Lal & Prof. Sudhir Pandya (photo : binit modi)

4 comments:

  1. હા, હા. જોષીપુરા સાહેબ હજી કોલેજમાં છે? મેં સાંભળ્યું હતું કે તે અમેરિકા જતા રહ્યા છે. એકદમ મજાનો અનુભવ છે - મારો એમની સાથે!

    હજી પણ યાદ આવે છે ત્યારે તેમનાં લેક્ચરની ત્યારે માથું દુ:ખે છે ;)

    ReplyDelete
  2. Anonymous10:06:00 AM

    khub saras chitar apyo che tame office ma betha netha pan avu lage che ke haju pan science city maj chu..lekhak chho ne...atle hardya thi lakho cheo kalam thi nahi...

    ReplyDelete
  3. વિજ્ઞાની અને નમ્રતા!
    ડો.દેવેન્દ્ર લાલ, (પ્રોફેસર લાલ તરીકે વધુ જાણીતા) ૮૦ વર્ષની વયે પહોંચ્યા છે. ૧૪મી ફેબ્રુઆરીએ ૮૧ વર્ષમાં પ્રવેશશે. આપણે ત્યાં વિજ્ઞાન શા માટે પોપ્યૂલર નથી થતું? ઘણાં કારણો હશે, પણ એક કારણ છે, વિજ્ઞાનીઓનો એકાંતવાસ! વિજ્ઞાનીઓ કોઈને મળવા તેના સંશોધનો વિશે વાત કરવાં સરળતાથી તૈયાર થતાં નથી. આ ધોરણ આખા વિશ્વને લાગું પડતું નથી. આપણે ત્યાં પણ બધાને લાગું પડતું નથી. જયંત નાર્લિકર જેવા કેટલાંક છે, જે ઈમેઈલ કરો કે થોડી મીનિટોમાં જવાબ આપી દે! પણ ઘણાં સરળતાથી જવાબ આપવા તૈયાર થતા નથી.
    મૂળ વાત ડો.લાલના ઇન્ટરવ્યૂની હતી. તેમનો ઇન્ટરવ્યૂ આપણા કોઈ પણ રાજકારણી સાથે વાત કરવા જેટલા પ્રયાસો કરવા પડે તેના કરતાં બહુ ઓછા પ્રયાસોએ મળી ગયો. એ બધા જમી રહ્યાં હતા ત્યારે હું તેમનો ઇન્ટરવ્યૂ કરી રહ્યોં હતો. ઇન્ટરવ્યૂ ચાલુ હોવાને કારણે મે પછી જમવાનું વિચાયું. એ વખતે ડો. લાલે મને એકથી વધુ વખત કહ્યું કે ‘અબ આપ પહેલે ખાના ખા લો! મંે આપકા ઇન્ટરવ્યૂ ખતમ હોને તક યહીં રહુંગા પર આપ પહેલે ખાના ખા લો!’. ત્યારે ઇન્ટરવ્યૂ કરતાં એમની નમ્રતા મારા માટે વધુ મહત્ત્વની હતી. જમવાનું અને ઇન્ટરવ્યૂ પતી ગયો પછી ડો. લાલે અમને એક જાદુ બતાવ્યો. ખિસ્સામાંથી એક મોબિયસ બેન્ડ જેવા રબર બેન્ડનો એ જાદુ હતો.
    પ્રો. લાલને ગુજરાતી આવડતું નથી એટલે સેમિનારમાં કેટલીક વાતો ચૂકી જવાનો રંજ પણ તેમણે વ્યક્ત કર્યો. એ બધું પત્યા પછી... પ્રો.લાલ સાથે જ અમારે સાયન્સ સિટી જોવાનું હતું. એ મને વિશેષ લાભ મળ્યો. તેમની સાથે સાયન્સ સિટી જોવાને કારણે કેટલીક નવી વાતો પણ જાણવા મળી...
    આપણું વિજ્ઞાન પત્રકારત્વ!
    આપણું એટલે ગુજરાતી અખબારોમાં વિજ્ઞાનપત્રકારત્વ એ વિષય પર ઉર્વીર્શભાઈનું વ્યાખ્યાન હતું.તેમણે સ્વાભાવિક રીતે પોતાની ગાથા બ્લોગ પર લખી નથી. પણ હંુ ત્યાં શ્રોતા તરીકે હાજર હતો. એટલે તેટલીક વાતો તો લખવી જ રહી... સમય મર્યાદાનું સખતાઈથી પાલન કરીને તેમણે જે વાતો કરી અને તેમાંથી મને નોંધવા જેવી લાગી તે...
    આપણે ત્યાં સાયન્સ ભણીએ એટલે સાયન્સ વિમુખ થવા માટે એ કારણ પુરતું છે. વિજ્ઞાન ભણેલા વિદ્યાર્થીઓ વિજ્ઞાનથી દૂર જાય એ માટે સૌથી વધુ જવાબદાર શિક્ષકો અને પાઠ્ય પુસ્તકો છે.
    દોઢસો વર્ષ પહેલાં નીકળતાં સામયિક ‘બુદ્ધિ પ્રકાશ’માં કઈ રીતે વિજ્ઞાન આવતું અને બાદમાં ‘કુમાર’, ‘સ્કોપ’ જેવા સામયિકો અને કવિ દલપતરામ ડાહ્યાભાઈ (મેન બિહાઈન્ડ ધ બુદ્ધિ પ્રકાશ), વિજયગુ સાહેબ, નગેન્દ્રસાહેબ, હર્ષલ પુષ્કર્ણા સુધી વિજ્ઞાન કઈ રીતે વ્યાપ્યું છે, તેની વાત રસપ્રદ હતી.
    મારે ગુજરાતીની અસ્મિતામાં ૫૦ નામ આપવાનાં હોય તો એમાં એક નામ ‘સ્કોપ’નું હોય.
    ટર્નંિગ પોઈન્ટ જેવી શોધ ઇન્ટરનેટ પર કોલમોનો સદંતર અભાવ છે.
    ‘સાયન્સ એ ડ્રાય સબ્જેક્ટ છ’, તેનાથી વધુ જુઠ્ઠો પ્રચાર મેં ક્યારેય જોયો નથી.
    નગેન્દ્ર વિજય વિજ્ઞાન ગ્રેજ્યુએટ નથી, છતાં ઓથોરિટી છે...
    ગુજરાતમાં ‘મેથેમેજિક’ એવા ટાઈટલ વાળા પુસ્તકની છ હજારથી વધુ નકલો વેચાઈ ગઈ છે, એ બતાવે છે, કે વિજ્ઞાન સારી રીતે રજૂ થાય તો કામય સ્વીકાર્ય જ હોય.

    ReplyDelete
  4. Anonymous10:24:00 AM

    It was such a great experience for me.
    Sejal

    ReplyDelete