Thursday, January 01, 2009

પ્રાણલાલ પટેલની સેન્ચુરી

Pranlal Patel / પ્રાણલાલ પટેલ
(તસવીરકાર પ્રાણલાલ પટેલને આજે સોમું વર્ષ બેઠું. દસ્તાવેજી અને પિક્ટોરીઅલ તસવીરોના માહેર પ્રાણલાલ પટેલ મારા ‘સૌથી વડીલ મિત્ર’ છે. ‘સીટીલાઇફ’ પખવાડિકમાં છેલ્લા પાને ‘અમદાવાદઃ અતીત અને આજ’ વિભાગ અમે શરૂ કર્યો ને તેમાં પ્રાણલાલ પટેલની એક જૂની તસવીર અને એ જગ્યાની એક નવી તસવીર ઉપરાંત પ્રાણલાલ પટેલની નાની તસવીર પણ મુકવાનું શરૂ કર્યું. એ પાનાની સફળતા અને તેનો ‘પંચ’ માણસનારા હજુ તેને ભૂલ્યા નથી. એ સમયથી એટલે કે ૧૧-૧૨ વર્ષથી પ્રાણલાલ પટેલ મારા પ્રિય પાત્રોમાંના એક રહ્યા છે. આટલાં વર્ષોમાં સતત તેમને મળવાનું અને જુદી જુદી પરિસ્થિતિમાં તેમને જોવાનું બન્યું છે. એ જોતાં, તેમના વિશે એક લેખથી શું થાય? પણ અત્યારે, આજના દિવસ નિમિત્તે, તેમના વિશે લખેલો એક અંગતતાના સંસ્પર્શ વગરનો પ્રોફાઇલ મુકું છું. - ઉર્વીશ )
૧૦૦ વર્ષના આયુષ્યને સામાન્ય રીતે માણસના જીવનની છેલ્લામાં છેલ્લી ‘એક્સપાયરી ડેટ’ ગણવામાં આવે છે. આશીર્વાદ આપનારા પણ ‘શતાયુ ભવ’ કે ‘શતમ્ જીવેત શરદઃ’ (સો શરદઋતુ જીવો) થી આગળ વધી શકતા નથી. એટલે ભાગ્યે જ ઉદ્ભવતો પ્રશ્ન એ છે કે માણસ સો વર્ષનો થઇ જાય પછી શું?
એ ખરૂં કે બહુ ઓછા લોકો ૧૦૦ વર્ષના ‘મેજિક ફીગર’ સુધી પહોંચે છે. તેમાંથી મોટા ભાગના લોકો માટે એ ફીગર શારીરિક, આર્થિક કે કૌટુંબિક કારણોસર ‘મેજિક’ને બદલે ‘ટ્રેજિક’ બને છે. આખરે, આવી અકારી દુનિયામાં વધતી પરાધીનતા અને ઘટતી શક્તિ સાથે સો વર્ષ કેમ કરીને કાઢવાં? જીવનરસ જેવો કોઇ શોખ કે વૃદ્ધાવસ્થામાં પણ થઇ શકે એવી કોઇ પ્રવૃત્તિ ન હોય, ત્યારે આ સવાલ મોં ફાડીને ઊભો રહે છે.
એક તરફ સો વર્ષનો એક માણસ જોવાનો રોમાંચ અને બીજી તરફ ઉપર લખ્યા છે એવા બધા વિચારો, એ બન્ને વચ્ચેનું દ્વંદ્વ ફોટોગ્રાફર પ્રાણલાલ પટેલને મળતાં પહેલાં ચાલતું હોય, તો પણ એમને મળ્યા પછી મનમાં બીજા બધા વિચારો આવતા અટકી જાય છે અને બહુ મૂળભુત, બહુ સાદો અને સાવ ચીલાચાલુ સવાલ ઉદ્ગાર તરીકે મોંમાથી નીકળી જાય છે,‘દાદા, તમે ખાવ છો શું કે સોમા વર્ષે પણ હજુ સિત્તેરના લાગો છો?’
૧ જાન્યુઆરી, ૧૯૧૦ એમની સત્તાવાર વર્ષગાંઠ છે. એ હિસાબે ૧ જાન્યુઆરી, ૨૦૦૯ના રોજ તેમનું સોમું વર્ષ બેઠું. ‘પણ આ તો સ્કૂલમાં બેસાડવા માટે જે તારીખ લખાવી હતી એ પ્રમાણે. બાકી, મારી અસલી જન્મતારીખ તો જુદી છે. એના હિસાબે મને સો પૂરાં થઇ ગયાં હશે.’ પ્રાણલાલ પટેલ ૧૦૦ વર્ષના ચહેરા પર ૧૦ વર્ષના બાળક જેવું હાસ્ય લાવીને કહે છે.
શબ્દાર્થમાં જેનાં સોએ વર્ષ પૂરાં થઇ ગયાં હોય એ માણસ પરવારી ગયેલો ન કહેવાય? પણ પ્રાણલાલ પટેલનો તસવીરી ખજાનો અને એની તેમણે કરેલી જાળવણી અનન્ય છે. વ્યાવસાયિક તસવીરકાર તરીકે ત્રીસીના દાયકાથી સક્રિય પ્રાણલાલ પટેલનો સૂઝભર્યો તસવીરસંગ્રહ, તેનું વિષયવૈવિઘ્ય, ઐતિહાસિક મૂલ્ય અને તસવીરોની ગુણવત્તા જોનારને મુગ્ધ અને સ્તબ્ધ કરી નાખે એવાં છે. તેમની પાસે છે એવી તસવીરો ખરેખર પચાસ-સાઠ-સિત્તેર વર્ષ પહેલાં કોઇએ પાડી હોય અને ત્યાર પછી જોઇએ ત્યારે પાંચ મિનીટમાં મળી જાય એટલી ચીવટથી સાચવી હોય, એવું માન્યામાં આવતું નથી. છતાં એ હકીકત છે. તેની જાહેર કદર થઇ નથી અને ગુજરાતનાં પચાસ વર્ષની ઉજવણીમાં તેનો ઉપયોગ કરવાનું કોઇને સૂઝતું નથી, એ જુદી વાત છે. કેમ કે, જાળવણી કરવાની નોકરી કરનારા મોટા ભાગના લોકોને વસ્તુમાં નહીં, મફત મળતી વસ્તુમાં રસ હોય છે.
ત્રીસીના દાયકામાં તસવીરોની નવાઇ હતી અને જમાનો સ્ટુડિયો ખોલીને કમાણી કરવાનો હતો, ત્યારે પ્રાણલાલ પટેલે આઉટડોર ફોટોગ્રાફી શરૂ કરી. એ નિર્ણયને કારણે તેમની પાસે તસવીરોનો એવો ખજાનો જમા થવા લાગ્યો, જેમાં ગુજરાતના લોકજીવનની ઝીણામાં ઝીણી વિગતો ઝીલાઇ હોય. નાનપણમાં માતા ગુમાવી દીધા પછી મામાના ઘરે ઉછરેલા પ્રાણલાલે સીંગચણા પણ વેચ્યા ને છાપાં પણ વેચ્યાં. સંગીતનો શોખ હોવાથી હાર્મોનિયમ-તબલાં પર હાથ ચલાવી જોયો ને શિક્ષક (એ જમાના પ્રમાણે ‘માસ્તર’) પણ થયાં. પણ કેમેરા હાથમાં આવ્યા પછી તેમને જીવનની દિશા જડી. એટલે, વિકલ્પ પસંદ કરવાના આવ્યા ત્યારે તેમણે ક્લાસરૂમને બદલે ડાર્કરૂમને અપનાવ્યો.
અમદાવાદના વિખ્યાત તસવીરકાર બળવંત ભટ્ટ પાસેથી પ્રાણલાલ ઘણું શીખ્યા. અમદાવાદના ગાંધી રોડ પર આવેલા ભાવનગરી સ્ટુડિયોમાં નોકરી કરી. એ સમયે ફોટોગ્રાફી સાથે સંકળાયેલી કડાકૂટનો અંદાજ બાંધવાનું ડિજિટલ કેમેરાના આ યુગમાં અઘરૂં છે. મુઠ્ઠીમાં સમાઇ જાય એવા કેમેરામાં ક્લીક કરતાં ફોટો પડી જાય ને બીજી જ ક્ષણે એનો પ્રીવ્યૂ જોવા મળી જાય, એવા જમાનામાં વજનદાર બોક્સ કેમેરા, તેની ફિલ્મો, ફ્લેશના વાંધા, બ્લેક એન્ડ વ્હાઇટને કારણે રાખવો પડતો લાઇટ- શેડનો ખ્યાલ અને ફોટો પડ્યા પછી રોલ ‘ધોવાનું’ શાસ્ત્ર- એવી અનેક કળાઓમાં માહેરિયત આવે, ત્યારે ફોટોગ્રાફર તરીકે માન્યતા મળે. ટેકનોલોજી સાવ પછાત હોવાથી ‘હાજર સો હથિયાર’ના ધોરણે કામ ચલાવવું પડે. પણ એ આવડી જાય તો પછી માણસ ક્યાંય પાછો ન પડે. જેમ કે, એ સમયે એન્લાર્જમેન્ટનું કામ કેવી રીતે થતું હતું, એની વાત કરતાં પ્રાણલાલ કહે છે,‘સ્ટુડિયોના માલિક ડાર્કરૂમમાં ઊભા રહે, હું બાજના મકાનની અગાશી પર ચડી જઊં, ત્યાં ઊભો રહીને કાચના મોટા ટુકડા વડે સૂર્યપ્રકાશ ઝીલું. કાચને ચોક્કસ ખૂણે પકડવાથી સૂર્યપ્રકાશનો શેરડો કાચ પર અને ત્યાંથી પરાવર્તીત થઇને સીધો ડાર્કરૂમમાં પહોંચે.’
ફોટોગ્રાફીમાં નડતી વાસ્તવિક તકલીફોના વ્યવહારૂ ઉકેલ કાઢવાની ખાંખતના લીધે સૌરાષ્ટ્રનાં રજવાડાંમાં ‘પટેલભાઇ’નું નામ બહુ જાણીતું હતું. તેમના કામથી પ્રસન્ન થઇને મૈસૂરના વડિયાર રાજપરિવારે બન્ને દીકરીઓના લગ્નપ્રસંગે ફોટોગ્રાફીમાં ધાર્યું પરિણામ મેળવવા માટે અમદાવાદથી પ્રાણલાલ પટેલને બોલાવ્યા હતા.
પ્રાણલાલ મિજાજે ન્યૂઝ ફોટોગ્રાફર કરતાં વધારે ‘પિક્ટોરિઅલ ફોટોગ્રાફી’ના માણસ. છતાં એ સમયની ઘણી ઐતિહાસિક ઘટનાઓ અને પાત્રોની તસવીરો તેમની પાસેથી મળી આવે. જૂનાગઢની આરઝી હકુમત હોય કે અમદાવાદમાં ગાંધીજીના અસ્થિકુંભની યાત્રા- પ્રાણલાલ પાસેથી આખો પ્રસંગ આંખ સામે ખડો થઇ જાય એવી જીવંત તસવીરો, વ્યવસ્થિત રીતે વિષયવાર ખોખાંમાં છૂટી પાડેલી મળી આવે. ‘જે ચીજ હાજર હશે તે મળશે’ નહીં, ‘જે ચીજ માગો તે મળશે’- એ વ્યાવસાયિક પત્રકાર તરીકે પ્રાણલાલની ખાસિયત. તેમણે લીધેલી સરદાર પટેલ, રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક જેવા ગુજરાતી મહાનુભાવોની તસવીરો હોય કે ૧૯૪૦માં ૪૨ રૂપિયા-૮ આનામાં અમદાવાદથી રાવલપીંડીની રીટર્ન ટિકીટ લઇને કરેલા કાશ્મીરના પ્રવાસની તસવીરો, તેમની ગુણવત્તા અને ઐતિહાસિકતા અમૂલ્ય છે.
પ્રાણલાલ પટેલની એક ઓળખ જૂના અમદાવાદના ઐતિહાસિક દસ્તાવેજકાર તરીકેની છે. તેમની તસવીરોમાં ઝીલાયેલું ત્રીસી-ચાળીસી-પચાસીના દાયકાનું અમદાવાદ હાલના મોલ-મલ્ટીપ્લેક્સ-ફ્લાયઓવરના અમદાવાદનું આરંભબિંદુ હતું. તેનાં વિવિધ સ્થળો અને સ્વરૂપોની તસવીરો અમદાવાદના જ નહીં, ગુજરાતના ઇતિહાસની મહામૂલી અમાનત છે. એવું જ તેમના જૂના કેમેરાના સંગ્રહનું પણ ખરૂં.
બે-પાંચ વર્ષ પહેલાં સુધી પ્રાણલાલ પટેલના ઘરે દિવસના સમયે જનાર માણસને ‘દાદા છે?’ના જવાબમાં, ‘બેસો ને. ડાર્કરૂમમાં છે. બોલાવું છું.’ એવો જવાબ સાંભળવા મળતો હતો. (આજે સોમા જન્મદિવસે પણ તેમણે વહેલી સવારે ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના મિત્રો સાથે બહાર નીકળીને કદાચ પહેલી વાર ડિજિટલ કેમેરાથી ફોટોગ્રાફી કરી.) તેમનાં જીવનસાથી-તસવીરકાર દમયંતિબહેને આ વર્ષે વિદાય લીધી. એ ધક્કો ખમી જઇને પણ પ્રાણલાલ પટેલ પોતાના પ્રથમ પ્રેમ-ફોટોગ્રાફીના સહવાસમાં અને પરિવારની હૂંફમાં આનંદપૂર્વક જીવન વ્યતીત કરી રહ્યા છે.
આજકાલ ચાળીસ-પચાસ વર્ષના માણસોને ‘મઝામાં ને?’ એવું પૂછવામાં જોખમ લાગે છે. કારણ કે લોકો તરત પોતે કયાં કયાં કારણોસર -ખાસ કરીને શારીરિક કારણોથી- મઝામાં નથી, તેનું લીસ્ટ ગણાવવા બેસી જાય છે. તેમની સરખામણીમાં પ્રાણલાલ પટેલની શારીરિક ફરિયાદો સાંભળીને હસવું પણ આવે. સો વર્ષનો માણસ તાવ-શરદીની કે વધારે ગંભીર ફરિયાદમાં ‘હમણાં ઢીંચણ બહુ દુઃખે છે એટલે દાદર ધીમે રહીને ચડઉતર કરવો પડે છે’ એવી વાત કરે, ત્યારે રમૂજ નહીં તો બીજું શું થાય?

2 comments:

  1. વાહ! તસવીરકાર!
    પ્રાણલાલ પટેલનું નામ બહુ સાંભળેલું અને ફોટામાં જોયેલા. ત્યાં ખબર પડી કે તે શતાબ્દિ પુરી કરવા જઈ રહ્યાં છે, એટલે ઉત્સુકતા વધી. તમારી મોક કોર્ટમાં તેમના રૂબરૂ દર્શન થયા. તેમની ‘યુવાની’ સલામ કરવા લાયક છે.

    ReplyDelete
  2. Anonymous11:45:00 PM

    Yes, what u have mentioned is right.Pranlal's real birth date is 19/8/1908.He himself found out this truth few years back.After all, what's the age factor? V find many premature vruddhas around us whereas pranlal doesn't feel old even aftr crossing 100.It his body which has become older and not his heart.

    ReplyDelete