Saturday, October 11, 2014

ગાંધીજી સાથે સફાઇદાર વાતચીત

ગાંધીજીની જન્મજયંતિએ દેશવ્યાપી સફાઇ અભિયાન શરૂ થયું. એ જાણીને ગાંધીજી કેટલા રાજી થઇ ગયા હશે? કોઇ પત્રકારને એવો વિચાર આવ્યો. એટલે એણે આંખ બંધ કરી, ત્યાં જ ફોનની ઘંટડી વાગી.

સવાલ : કોણ?

ગાંધીજી : તેં હમણાં જ તેનું ઘ્યાન ધર્યું તે...

સ : શું વાત છે, બાપુ...તમે તો અંતર્યામી છો... કે પછી તમે પણ જાસુસીવાળું ચાલુ કરાવ્યું?

ગાંધીજી : ના ભાઇ ના, મારે ક્યાં દેશનો ઉદ્ધાર કરવો છે કે લોકોની જાસુસી કરાવવી પડે.  

સ : હું તો ગમ્મત કરતો હતો. બોલો.

ગાંધીજી : એટલે, તારો વખત બગાડ્યા વગર મુદ્દાની વાત પર આવું, એમ જ ને?

સ : ના...એટલે..હા..એટલે કે ના, પણ...

ગાંધીજી : અરે, એમાં આટલો મૂંઝાય છે શું? મૂંઝાયા વગર કંઇ પણ બોલવાની પ્રેરણા તારે નવા વડાપ્રધાનમાંથી લેવા જેવી છે. એે કેવા આત્મવિશ્વાસથી, જરાય મૂંઝવણ અનુભવ્યા વિના, મારું નામ લે છે- જાણે બુલેટપ્રૂફ જાકિટ પણ ખાદીનું પહેરતા હોય.

સ : તમે આ ટીકા કરી કે વખાણ કર્યાં? ચોખવટ કરજો. નહીંતર લોકો તમારા પર તૂટી પડશે.

ગાંધીજી : એટલે લોકોને જાતે ખબર નહીં પડે?

સ : એ બધી ચર્ચાનો અર્થ નથી. કારણ કે લોકો ગીતાના સિદ્ધાંતમાં માને છે. કારણની પરવા કર્યા વિના, કેવળ કર્મ કરવાનું.

ગાંધીજી : પણ ગીતામાં તો ફળની અપેક્ષા વિના...

સ : ખબર છે..‘મહાભારત’ બધાએ જોયું હતું. એની શરૂઆતમાં જ આ શ્લોક આવતો હતો. પણ લોકોેને ખબર છે કે ફળની હવે ચિંતા કરવાની નથી. આપણી જ સરકાર છે. કર્મનું ફળ તો પછી મેનેજ કરી લેવાય. કારણ કે તમારું નામ મોહન ગાંધી છે, મોહન ભાગવત નહીં...આ તો તમારા પ્રત્યે લાગણી છે એટલે ચેતવું છું. હવે આવાં બેવડાં ધોરણ નહીં ચાલે.

ગાંધીજી : એટલે?

સ : એટલે એમ કે, અત્યાર સુધી સાહેબ તમારું નામ લેતા ન હતા ત્યારે લોકો કહેતા કે એ ગાંધીજીને યાદ કરતા નથી. હવે તમારું નામ લે છે, તો કહે છે કે ગાંધીજીનું નામ વટાવે છે. આ તો હળાહળ અસત્યાગ્રહ કહેવાય.

ગાંધીજી : (હસે છે)

સ : કેમ હસો છો? જવાબ આપો. જવાબ આપી ન શકતા હો તો કબૂલો કે મારી વાત સાચી છે.

ગાંધીજી : (હસતાં હસતાં) સરદાર હોત તો એકાદ ચરોતરી કહેવત સંભળાવીને જવાબ આપત. હું તો એ જોઇને હસું છું કે માણસ પોતાની જાતને કેટલી હદે, કેટલા આત્મવિશ્વાસથી છેતરી શકે અને એવી ખાતરી રાખે કે પોતાના આત્મવિશ્વાસથી બીજા પણ છેતરાઇ જશે.

સ : આ મારી વાતનો જવાબ નથી...તમે રાષ્ટ્રપિતા ને પાંચસોની નોટવાળા ને વિદેશમાં તમારો જયજયકાર થાય ને બઘું ખરું- વિદેશોમાં કેવી રીતે જયજયકાર થાય એ તો હવે અમને પણ ખબર છે- છતાં એ ન ભૂલતા કે છેવટે તો તમેય એક સ્યુડો-સેક્યુલરિસ્ટ જ હતા. આ તો અમે હજુ તમારી શરમ ભરીએ છીએ. બાકી, પેલા રાજદીપ સરદેસાઇને પૂછી જોજો...

ગાંધીજી : હું તો મહાદેવ દેસાઇને ઓળખું છું. એને પૂછી શકું...બાકી, તમે શરમ તો ઘણી ભરી. ખોટું કેમ કહેવાય? ભાઇ નાથુરામે પણ મને સહેજ પગે લાગવા જેવું તો કરેલું.

સ : તમે આખી વાતમાં ગોડસેને શા માટે વચ્ચે લઇ આવો છો? દુનિયા બહુ આગળ વધી ગઇ.

ગાંધીજી : હા, એ તો ગોડસેમાર્ગના પ્રવાસીઓનો દબદબો જોઇને લાગે જ છે.

સ : આ બરાબર નથી. ગોડસેએ તમને ગોળી મારી એનો તમે ખાર રાખો છો. ભૂલી જાવ એ બઘું. મૂવ ઑન. ક્યાં સુધી જૂનું યાદ રાખીને ચાલશો? પછી પેલા રાજદીપ જેવું થાય...આપણે દેશને આગળ વધારવાનો છે.

ગાંધીજી : કઇ દિશામાં?

સ : હવે આપણી સામે એક જ દિશા છે - ગાંધીચીંઘ્યો માર્ગ. તમે સાંભળ્યું નહીં? અમારે મહાત્મા ગાંધીજીના સ્વપ્ન પ્રમાણેનું ભારત બનાવવાનું છે.

ગાંધીજી : તું ભૂલી ગયો લાગે છે કે તું ગાંધીજી સાથે જ વાત કરી રહ્યો છે...વાંધો નહીં, પોપટપાઠમાં આવુંબઘું થાય. વારેઘડીએ રાજદીપ યાદ આવે છે એ પણ તમારા ગાંધીમાર્ગનો જ ભાગ હશે ને?

સ : (સહેજ ચીડાઇને) બાપુ, ગમે તે કહો પણ, અસલમાં તો તમે ખાંગ્રેસવાળા ને. એટલે જ વાંકું બોલો.

ગાંધીજી : (ખડખડાટ હસે છે) સારું નામ છે. ખાંગ્રેસ...મને ગમ્યું . ખાંગ્રેસ... ખાજપ...ગમે તે પક્ષમાં જા, પણ ખા. (ફરી હસે છે)

સ : (ધુંધવાઇને) ખાંગ્રેસની વાતમાં ખાજપ ક્યાંથી આવ્યું? કોંગ્રેસે સાઠ વર્ષમાં દેશને ડૂબાડી દીધો ને તમે ખાજપની- આઇ મીન, ભાજપની- માંડો છો...

ગાંધીજી : ધીરજનાં ફળ મીઠાં. સૌને તક મળે છે... પણ એટલું કહે, ખાંગ્રેસના નેતાઓને બે હાથ પહોળા કરીને ભાજપમાં આવકાર મળે, તો ભાજપને ખાજપ કહેવામાં ખોટું શું છે? અને કયા નેતાઓ મહેનત-મજૂરી કરીને પક્ષમાં રૂપિયા જમા કરાવે છે? આટલા રૂપિયા નેતાઓ પાસે ક્યાંથી આવે છે? પરિવારોને પોષવાના કરોડો રૂપિયા શી રીતે પેદા થાય છે? ને પોતાના જયજયકાર કરતી એજન્સીઓ મફતમાં આવે છે?

સ : (અવઢવ સાથે સાંભળી રહ્યા પછી, વિચારીને) પણ ખાંગ્રેસ બોલવામાં જે કીક આવે છે, એ ખાજપ બોલવામાં નથી આવતી.

ગાંધીજી : કીકની વાત તું જાણે. એ મારો વિષય નહીં, પણ કીક આપે એવાં પીણાં જ નહીં, વિચારધારાઓ પણ સમાજ અને દેશ માટે હાનિકારક નીવડી શકે છે. એનાં અનિષ્ટો વિશે જાણવું હોય તો ગુરુદેવ ટાગોરને પૂછી જોજે.

સઃ ના, અમારે તો આ બઘું કોેને પૂછવાનું એ નક્કી જ હોય છે... પણ તમે ફોન કેમ કર્યો હતો, એ તો કહો.

ગાંધીજી : મારે સ્વચ્છતા અભિયાન વિશે વધારે જાણવું હતું. હાથમાં ઝાડુ પકડીને બધાએ પડાવેલા ફોટા મેં જોયા. સરસ હતા.

સ : એમ ને? આખો આઇડિયા જ કેવો જોરદાર છે. ગાંધીજીની દોઢસોમી જયંતિએ ગાંધીજીને સ્વચ્છ ભારતની ભેટ...ઢેન ટેણેન.

ગાંધીજી : બસ, એ મ્યુઝિક મૂકવાનું જ બાકી છે. પણ સરદારને જરા ચિંતા હતી. એ કહેતા હતા કે તમારા નામે ચાલતી સફાઇઝુંબેશમાં તમારા આદર્શોનો સફાયો ન થઇ જાય. મેં સરદારને આશ્વાસન આપ્યું કે હવે બાકી શું રહ્યું છે? પણ સરદાર વ્યવહારુ માણસ. એ કહે, નવી સરકારે અંત્યોદયની વાત તો દીનદયાળ ઉપાઘ્યાયના નામે ચડાવી દીધી છે. કાલે ઉઠીને એવું ન કહે કે દાંડીકૂચ પણ દીનદયાળ ઉપાઘ્યાયે કરી હતી.

સ : બાપુ, તમે તો પરવારી ગયા, પણ મારે હજુ આગળ વધવાનું છે. તમારા વખતમાં ફોનટેપિંગનો કકળાટ ન હતો, પણ હવે...જવા દો.  અને તમારા નામે અમે સફાઇ ઝુંબેશ કરીએ છીએ તો તમે પણ કશું યોગદાન આપજો. તમે કશું નહીં બોલો તો પણ અમે એને તમારું યોગદાન ગણીશું, બસ? આવજો.

(ફોન ઉતાવળે મુકાઇ જાય છે.)

Thursday, October 09, 2014

ભારતીય વડાપ્રધાનોની અમેરિકા-યાત્રા

વર્તમાન વડાપ્રધાનની અમેરિકાયાત્રાને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોવા-સમજવા માટે અગાઉના ભારતીય વડાપ્રધાનોની અમેરિકાયાત્રાની ઝલક ઉપયોગી નીવડી શકે છે.

‘મહાન દેશની આઝાદ પ્રજાના આદરણીય નેતાને આવકાર આપવાનો લાભ મને મળ્યો છે...આપણા બે મહાન દેશો એકબીજાના  અને સમસ્ત માનવજાતના ફાયદા માટે, મૈત્રીપૂર્ણ અને ફળદાયી સહકાર અનેક રસ્તા ખોળી કાઢે એવી આશા રાખું છું.’

અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ ઉપરનાં વાક્યો કોને કયાં હતાં? હાલના ઉત્તેજનાભર્યા માહોલમાં તેનો જે જવાબ સૂઝે તે, પણ વાસ્તવમાં ઓબામાએ ભારતના તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંઘને ૨૦૦૯માં આ રીતે આવકાર આપ્યો હતો.

આંતરરાષ્ટ્રિય રાજકારણમાં, ખાસ કરીને લોકશાહી દેશો વચ્ચેના સંબંધ બે વ્યક્તિ નહીં, પણ બે દેશ વચ્ચેના હોય છે. દેશના વડાની વ્યક્તિગત લાક્ષણિકતાઓનું મહત્ત્વ ખરું, પણ મૂળભૂત રીતે એ વ્યવહાર બે દેશો વચ્ચેનો હોય છે. ભારત આઝાદ થયું ત્યારથી અમેરિકા સહિતના દેશોમાં ભારતના ચૂંટાયેલા નેતાને ચોક્કસ પ્રકારનાં માનપાન આપવાનો ધારો છે. દેશ પ્રમાણે અને તેના દરજ્જા પ્રમાણે ભારતના વડા માટે રખાતા પ્રોટોકોલ થોડાઘણા બદલાતા રહે, પરંતુ એ માન વડાનું મોં કે તેણે રોકેલી પી.આર. એજન્સી કે તેનું ડ્રેસિંગ કે તેની વાક્‌છટા જોઇને નહીં, પણ એ દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશનો ચૂંટાયેલો પ્રતિનિધિ છે, એ કારણથી મળતું હોય છે.

આઝાદી પછી તરતના નેહરુયુગમાં વાત જરા જુદી હતી. સ્વાતંત્ર્ય સંગ્રામની સ્મૃતિઓ ત્યારે તાજી હતી. વડાપ્રધાન નેહરુ ખુદ આઝાદીના આંદોલનના અગ્રણી, જેલવાસ વેઠી ચૂકેલા, બૌદ્ધિક તરીકે જાણીતા. આ બધાં પરિબળો ઉપરાંત  રશિયાતરફી ઝુકાવ ધરાવતા ભારતને અમેરિકા ભણી આકર્ષવાનું કારણ પણ હોય. આ બધાને લીધે જવાહરલાલ નેહરુને અમેરિકામાં ભારે માનપાન મળતાં હતાં- અને એ ત્યાંના ભારતીયો દ્વારા સ્પોન્સર્ડ ન હતાં.

નેહરુ ૧૯૪૯, ૧૯૫૬, ૧૯૬૦ અને ૧૯૬૧ - એમ ચાર વાર અમેરિકાના સત્તાવાર પ્રવાસે ગયા અને અનુક્રમે ટ્રુમેન, આઇઝનહોવર તથા કેનેડી જેવા ત્રણ પ્રમુખો સાથે કામ પાડ્યું. ૪૪ વર્ષની વયે અમેરિકાના પ્રમુખ બનેલા કેનેડી નવા લોહીનું પ્રતીક ગણાતા હતા. પંડિત નેહરુની છેલ્લી અમેરિકાયાત્રા વખતે પ્રમુખ કેનેડી સજોડે રહોડ્સ આઇલેન્ડના ન્યુ પોર્ટ એરપોર્ટ પર વડાપ્રધાન નેહરુના સ્વાગત માટે ગયા હતા અને ત્યાંથી અમેરિકન પ્રમુખના ખાસ વિમાન ’એરફોર્સ વન’માં એ વડાપ્રધાન નેહરુ સાથે વોશિંગ્ટન પહોંચ્યા હતા. (મનમોહન સિંઘ કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે અમેરિકા ગયા ત્યારે એરપોર્ટ પર તેમના સ્વાગત માટે અમેરિકાનો નાયબ પ્રધાન કક્ષાનો કોઇ હોદ્દેદાર પણ ફરક્યો ન હતો.)

John Kennedy with Prime Minister Nehru. Jackie Kennedy with Indira Gandhi
arriving at Washington DC airport

અમેરિકાના છેલ્લા સત્તાવાર પ્રવાસ વખતે પંડિત નેહરુએ અમેરિકાના પ્રમુખને વિનંતી કરી હતી કે તેમના માનમાં ‘મઘ્યકાલીન ભપકાબાજી’ ન કરવામાં આવે. એ મુલાકાત વખતે ૭૨ વર્ષના વડાપ્રધાન નેહરુનું શીડ્યુલ એટલું વ્યસ્ત હતું કે ‘વડાપ્રધાનને અચકનમાં રહેલું લાલ ગુલાબ બદલવાનો સમય પણ મળ્યો ન હતો.’ (‘ટાઇમ’, ૧૦-૧૧-૧૯૬૧)

પહેલી વાર ૧૯૪૯માં પંડિત નેહરુ વડાપ્રધાન તરીકે અમેરિકાના પ્રમુખ ટ્રુમેનના મહેમાન થઇને જવાના હતા ત્યારે તેમને  મૂંઝવણ હતી કે અમેરિકાના લોકો સમક્ષ કયો ચહેરો રજૂ કરવો? પાશ્ચાત્ય  રંગે રંગાયેલા બૌદ્ધિકનો? કે પછી ભારતીય નેતાનો? તેમના માટે એક પડકાર એ પણ હતો કે અમેરિકામાં મિત્ર તરીકે રજૂ થવાનું છે, પણ પોતાના મૂળભૂત (સમાજવાદી) વલણ સાથે કોઇ પ્રકારનું સમાધાન કર્યા વિના.

અમેરિકામાં નેહરુ બન્ને મુખ્ય પક્ષના નેતાઓ, ઉદ્યોગપતિઓ, કામદારો, સ્ત્રીઓ અને બીજા સંખ્યાબંધ લોકોને મળીને તેમને પ્રભાવિત કરી શક્યા. નેહરુ અમેરિકાના પ્રમુખને ‘મુક્ત વિશ્વના નેતા’ તરીકે સ્વીકારતા ન હતા અને એ બાબતે અમેરિકાના ગૃહખાતાને નેહરુ સામે કચવાટ હતો. છતાં, સરકારી તંત્ર સિવાયના અમેરિકાને- એટલે કે તેમાં વસતા એન.આર.આઇ. લોકોને નહીં, પણ અમેરિકાનાં વિવિધ જૂથોને- નેહરુ પ્રભાવિત કરી શક્યા.

વિદેશીઓને પ્રભાવિત કરવા માટે નક્કર કામગીરી જરૂરી નથી. થોડી અદા, થોડી વાચાળતા, થોડો પ્રભાવ અને થોડો અભિનય  આવડવાં જોઇએ. નેહરુમાં આ બધા ઉપરાંત બૌદ્ધિકતા પણ હતી. તેમ છતાં, રશિયા સાથેની નજદીકીના નેહરુ-વારસાને કારણે ભારત-અમેરિકાના સત્તાવાર સંબંધો ઉબડખાબડ રહ્યા.

ઇંદિરા ગાંધી પાકિસ્તાન સામે યુદ્ધ છેડવાના એક મહિના પહેલાં વડાપ્રધાન તરીકે અમેરિકાના પ્રવાસે ગયાં હતાં. એ તેમનો બીજો અને ભારતના કોઇ પણ વડાપ્રધાન માટે સૌથી કઠણ કહી શકાય એવો પ્રવાસ હતો. અમેરિકાના પ્રમુખપદે ત્યારે રિચાર્ડ નિક્સન બિરાજતા હતા અને તેમના જમણા હાથ જેવા ગૃહપ્રધાન હેન્રી કિસિન્જરનો દબદબો હતો. પાકિસ્તાન અને ચીનને પાંખમાં લેનારા નિક્સન અને તેમનું અમેરિકા ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં વચ્ચે આવે તે ભારતને પોસાય એમ ન હતું. ઇંદિરા ગાંધી વિદેશોમાં ફરીને ભારતની તરફેણમાં - અને હકીકતમાં પાકિસ્તાન સાથે ભારતના યુદ્ધની તરફેણમાં- વિશ્વમત ઊભો કરી રહ્યાં હતાં. તેમની હિલચાલોથી નિક્સનના પેટમાં તેલ રેડાતું હતું. ઇંદિરા ગાંધી નિક્સનને મળ્યાં ત્યારે નિક્સને તેમને પાકિસ્તાન સામે કોઇ જાતનાં લશ્કરી પગલાં ન લેવાં કહ્યું અને એવું થશે તો અમેરિકા વચ્ચે પડશે એવી આડકતરી ધમકી પણ આપી. છતાં ઇંદિરા ગાાંધીએ મહિના પછી યુદ્ધ છેડીને નિશ્ચિત સમયગાળામાં બાંગલાદેશને પાકિસ્તાનથી છૂટું પાડી દીઘું. સ્વતંત્રમિજાજી ઇંદિરા ગાંધી પર નિક્સન મનોમન કેવા ભડક્યા હશે તેનો અંદાજ આગળ જતાં જાહેર થયેલા દસ્તાવેજો પરથી આવી શકે છે. તેમાં નિક્સને ઇંદિરા માટે ચુનંદા શબ્દો વાપર્યા હતા. (તેમાંનો એક : ‘બુઢ્ઢી ડાકણ’)
Prime Minister Indira Gandhi with President Richard Nixon (Image : Corbis)

ઇંદિરા ગાંધીની મુત્સદ્દીગીરીની મહાન ફતેહ પછી પણ તેમનું મૂલ્યાંકન થાય ત્યારે તેમના રાજમાં પ્રસરેલો ભ્રષ્ટાચાર અને મૂલ્યોનું મોટા પાયે થયેલું ધોવાણ જ (વાજબી રીતે) યાદ કરવામાં આવે છે. બાકી, નિક્સનને ન ગાંઠેલાં ઇંદિરા ગાંધી કટોકટી પછીની ચૂંટણી હાર્યા પછી, ફરી એક વાર ચૂંટણી જીતીને વડાપ્રધાન બન્યાં ત્યારે તે અમેરિકાની મુલાકાતે ગયાં હતાં. ત્યારે પ્રમુખ રોનાલ્ડ રેગને વ્હાઇટ હાઉસની લોનમાં તેમનો સત્તાવાર સ્વાગત સમારંભ રાખ્યો હતો અને તેમના માનમાં ભોજન પણ રાખ્યું હતું. એ વખતે સાથે સંગીતનો કાર્યક્રમ પણ હતો, જેમાં ઑર્કેસ્ટ્રાનું સંચાલન ઝુબિન મહેતાએ કર્યું હતું. (અહીં મૂકેલી કેટલીક વિડીયો જુઓ)

(વડાપ્રધાન ઇંદિરા ગાંધીના માનમાં પ્રમુખ રેગને યોજેલો ભોજન સમારંભ, સાથે ઝુબિન મહેતાનું ઓરકેસ્ટ્રા સંચાલન)

વ્હાઇટ હાઉસના પ્રાંગણમાં સત્તાવાર સમારંભમાં વડાપ્રધાન ઇંદિરા ગાંધીનું સ્વાગત

અમેિરકાની નેશનલ પ્રેસ ક્લબમાં સવાલોના જવાબ આપતાં વડાપ્રધાન ઇંદિરા ગાંધી

વર્તમાન વડાપ્રધાન મોદીની અમેરિકાયાત્રા નક્કી થઇ ત્યારે પ્રસાર માઘ્યમોમાં એવા સમાચાર વહેતા થયા હતા કે તે અમેરિકાની સંસદ (કોંગ્રેસ)નાં બન્ને ગૃહોને સંબોધન કરશે અને એવું થાય તો તેમને મોટું માન મળ્યું ગણાશે. તેમને આવું ‘માન’ મળ્યું નહીં, એટલે હવે ભક્તો એની ચર્ચા કરતા નથી. પરંતુ હકીકત એ છે કે ભૂતકાળમાં રાજીવ ગાંધી (૧૯૮૫માં), નરસિંહરાવ (૧૯૯૪માં), વાજપેયી (૨૦૦૦માં) અને મનમોહનસિંઘ (૨૦૦૫માં) અમેરિકી સંસદની સંયુક્ત બેઠક સંબોધી ચૂક્યા છે.

Atal Bihari Vajpayee addressing joint session of
US congress
આ એવું ‘બહુમાન’ છે, જેનો ઔપચારિકતા સિવાય કશો અર્થ નથી. કેમ કે, આખી યાદી પર નજર નાખતાં જણાય છે કે મહાન લોકશાહી દેશ ભારતના જ નહીં, લાયબેરીઆ, લાત્વિઆ, આયર્લેન્ડ, રોમાનિયા જેવા દેશોના વડા પણ આવું ‘બહુમાન’ મેળવી ચૂક્યા છે. (પાકિસ્તાનના યાહ્યાખાન અને બેનઝીર ભુત્તો સંયુક્ત બેઠક સંબોધી ચૂક્યાં છે.) વડાપ્રધાન મોદીને આ ‘બહુમાન’ મળ્યું હોત તો તેમના ચાહકોએ એને કેવી મહાન ફતેહ ગણાવી હોત અને કેવો જયજયકાર કર્યો હોત એ કલ્પી શકાય એવું છે.

દાયકાઓ સુધી અમેરિકા-ભારત વચ્ચેના સત્તાવાર સંબંધ આપનાર-લેનાર વચ્ચેના હોય એવા હતા. નહેરુ ત્યાં જઇને ગમે તેટલાં છવાઇ જાય કે ઇંદિરા ગાંધી ગમે તેટલાં મજબૂત હોય, પણ તેનાથી અમેરિકાની સત્તાવાર નીતિ પર ભાગ્યે જ કશી અસર પડતી હતી. ભારતે કરેલા પરમાણુપરીક્ષણ પછી અમેરિકા સાથેના મદદના સંબંધ શીતયુગમાં પ્રવેશી ગયા. વડાપ્રધાન તરીકેની પહેલી મુદતમાં મનમોહનસિંઘે ડાબેરીઓની નારાજગી વહોરી લઇને ભારત-અમેરિકા વચ્ચે પરમાણુસંધિ કરી, તેનાથી બન્ને દેશો વચ્ચેના સંબંધમાં નવેસરથી ગરમાટો આવ્યો. ત્યાં લગીમાં અમેરિકાને પણ (ખાસ કરીને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા પછી) બહારની દુનિયાના અસ્ત્તિત્ત્વ વિશે જાણ થઇ હતી.

હવેનું અમેરિકા સુપરપાવર રહ્યું નથી. ‘અમેરિકાનો પ્રમુખ મુક્ત વિશ્વનો નેતા છે’ એવી માન્યતામાં ઓબામા પોતે ડગુમગુ હોવાનું કહેવાય છે. આમ સાતત્યપૂર્વક બદલાયેલી પરિસ્થિતિમાં ભારત-અમેરિકા વચ્ચેના સંબંધ નવા યુગમાં પ્રવેશી ચૂક્યા છે. વર્તમાન વડાપ્રધાન તેને હવે પછીના સ્વાભાવિક તબક્કામાં લઇ જાય તે અપેક્ષિત, ઇચ્છનીય અને શક્ય છે. પરંતુ લાંબા ગાળાની આ પ્રક્રિયાને પુખ્ત વયના નાગરિકની જેમ જોવાને બદલે, ‘મારા સાહેબ તો એટલા જોરદાર..એટલા જોરદાર..કે એમણે તો અમેરિકા જઇને ઓબામાને ચીત કરી દીધા’ એવી કાલીઘેલી મુગ્ધતામાંથી બહાર આવવાની જરૂર છે. ભારતીય તરીકેનું ખરું ગૌરવ એવી પુખ્તતામાં રહેલું છે.

Wednesday, October 08, 2014

ગાંધીદર્શન : સ્વચ્છતા અને ખાદીથી આગળ...

‘બિગ બોસ’ કે ‘કૌન બનેગા કરોડપતિ’ની જેમ ગાંધીજીની પણ ભારતમાં નવી સીઝન શરૂ થઇ છે. વડાપ્રધાન વારે વારે ગાંધીજીનું નામ લે છે. ગાંધીજીનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન પૂરું કરવાનો પડકાર વડાપ્રધાને ઉપાડી લીધો છે, એ વાતપચ રોજેરોજ ટીવી ચેનલો પર જાહેરખબરો દ્વારા મારો કરવામાં આવે છે. જાહેરખબરોના બજેટ જેટલા ખર્ચમાં આખા દેશની ગટરસફાઇ મશીન દ્વારા કરી શકાય, પણ એ જુદી વાત છે. નવી ગાંધીસિઝનમાં વડાપ્રધાને કંઇ નહીં તો રૂમાલ તરીકે પણ ખાદી અપનાવીને, ગરીબોને રોજી આપવાનું આહ્વાન કર્યું છે.

વડાપ્રધાનના મોઢેથી ગાંધીજી, સ્વચ્છતા અને ખાદી જેવા શબ્દો એક લાઇનમાં સાંભળીને સૌથી વઘુ ચિંતા સરેરાશ ગાંધીવાદીઓને થઇ શકે છે. એ વિચારે નહીં કે ‘હવે ગાંધીનું શું થશે’, પણ એ વિચારે કે ‘હવે આપણું શું થશે.’ નોંધપાત્ર અપવાદો છતાં, બહુમતી ગાંધીવાદીઓએ ગાંધીજીને પોતાની દૃષ્ટિમર્યાદામાં કેદ કરી લીધા છે-  નાનું બાળક મુઠ્ઠીના પોલાણમાંથી આકાશ ભણી જોઇને, આકાશ પોતાની મુઠ્ઠીમાં સમાઇ ગયાનો આનંદ-સંતોષ અનુભવે એ રીતે. તેમની દૃષ્ટિથી ગાંધીને ઓળખવામાં, આપણી દૃષ્ટિ પણ સંકુચિત થવાનો ભય રહે છે. કારણ કે સરેરાશ, બહુમતી ગાંધીવાદીઓ માટે ગાંધીજી એટલે સાદગી, સ્વચ્છતા અને ખાદી. વડાપ્રધાનની સૂત્રાત્મક શૈલીમાં કહેવું હોય તો, સાદગી, સ્વચ્છતા અને સ્વાવવલંબન. તેમાં ચોથો, સંઘર્ષનો ‘સ’ ગાયબ હોય છે.

વડાપ્રધાન કે ગાંધીની વાત કરનારા બીજા લોકો ભપકામાં મહાલે, કરોડો રૂપિયાનો વેડફાટ કરે અને ગાંધીજીને ટાંકતા ફરે, તો પણ લોકોને તેમાં હાસ્યાસ્પદ વિરોધાભાસ કેમ નથી દેખાતો? વડાપ્રધાનની ભક્તિ ઉપરાંત કદાચ એક મહત્ત્વનું કારણ એ પણ છે કે સાદગીના નામે ગાંધીવાદીઓ દ્વારા થતો દંભ લોકોને કોઠે પડી ગયો છે. થોડા ગાંધીવાદીઓ ગાંધીજીની સાદગી આત્મસાત્‌ કરી શક્યા છે અને પ્રકાશ ન. શાહ જેવા જૂજ ગાંધીજનો એ સાદગી વિશે સહજ રહી શક્યા છે.

બાકી, ઘણા ગાંધીવાદીઓની સાદગી શાહુડીના કાંટાની પેઠે તેમની આસપાસ ફૂટી નીકળે છે. તેમના સંપર્કમાં આવનારને તે વારંવાર વાગ્યા કરે છે. આવા શાહુડીબ્રાન્ડ ગાંધીવાદને કારણે નવી પેઢીઓ ગાંધીજીના અસલી પરિચયથી વંચિત રહે છે અને તેમાં બધો વાંક એમનો કાઢી શકાતો નથી. આવી પેઢી ગાંધીજીને રાજનેતાઓ કે તેમની આરતી ઉતારનારા લેખકો થકી ઓળખવા લાગે, ત્યારે કોનો વાંક કાઢવો?

સાદગી જેવું જ બીજું છેતરામણું ગાંધીવાદી લક્ષણ છે : ખાદી. ગાંધીજીએ ખાદીને જીવનકાર્ય બનાવ્યું ત્યારે એ પ્રચારપટુ નેતાની જેમ કોઇ પ્રતીકની શોધમાં ન હતા. તેમને ગ્રામસ્વરાજ સ્થાપવું હતું, જેમાં ગામવાસીઓ ગામ છોડ્યા વિના- અને શહેરોનાં ઝૂંપડાંમાં ઉમેરો કર્યા વિના- સ્વમાનભેર પોતાનો રોટલો રળી શકે. ગામમાં જમીનોની વહેંચણી અસમાન હતી. એક રસ્તો તેની ઉદાર વહેંચણી થકી સૌ માટે પોતાના ગામમાં જ આર્થિક તક ઊભી કરવાનો હતો (જે આગળ જતાં વિનોબાએ ભૂદાનયજ્ઞ સ્વરૂપે અપનાવ્યો અને એ નિષ્ફળ પુરવાર થયો.)

જમીનોની સમાન વહેંચણી સાથે જ્ઞાતિનાં પેચીદાં સમીકરણો અને ઊંચનીચનું આખું માળખું જોડાયેલાં હતાં. એટલે જ, ડૉ.આંબેડકરને ગ્રામસ્વરાજનો- ગામને એક સ્વતંત્ર, સ્વાવલંબી એકમ તરીકે જોવાનો- ખ્યાલ વાંધાજનક લાગતો હતો. તેમને લાગતું હતું કે ગામડું એ ભારતની સદીઓ જૂની, અમાનવીય શોષણવ્યવસ્થાનું એકમ છે. ગાંધીજી જ્ઞાતિવાદના સમર્થક ન હતા. એ સમયે ‘ડીપ્રેસ્ડ ક્લાસ’ તરીકે ઓળખાતા દલિતોના કેટલાક પ્રશ્નોને અને ખાસ કરીને તેમની સાથે રખાતી આભડછેટને રાષ્ટ્રિય પ્રશ્ન તરીકે ઉભારવામાં ગાંધીજીનો ફાળો નોંધપાત્ર છે. પણ તે ‘એનિહિલેશન ઑફ કાસ્ટ’ (જ્ઞાતિપ્રથાના નિકંદન)ની વાત કરે એટલા ઉદ્દામ પણ ન હતા. તેમણે સ્વાવલંબન માટે ખાદી શોધી, જેથી દરેક માણસ મહેનત કરીને સૂતર કાંતે અને તેમાંથી પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા જેટલું કમાઇ શકે, તો ઔદ્યોગિક ક્રાંતિના એક પૂરજા તરીકે શહેરમાં સડવાને બદલે ગામમાં સ્વમાનભેર જીવી શકે.

ખાદીની એ ભૂમિકા ક્યારની સમાપ્ત થઇ ચૂકી છે. હવે ખાદી મહદ્‌ અંશે ગાંધીજીનું બાહ્ય પ્રતીક બની ગઇ છે. ગાંધીસંસ્થાઓમાં ખાદીનો જડાગ્રહ રખાય છે, એને બદલે રોજ સવાર-સાંજ એક કલાકના શરીરશ્રમનો આગ્રહ રખાતો હોય, તો એ ગાંધીજીના દર્શનથી વધારે નજીક ગણાય. પણ ખાદીના આગ્રહનું પાલન કરવું-કરાવવું સીઘુંસટ છે. વળી, તે દેખાય ને બતાવી શકાય એવું પણ છે. એટલે, ગૂજરાત વિદ્યાપીઠ જેવી સંસ્થા કાયમ ખાદી ન પહેરવાની ‘ગેરલાયકાત’ને કારણે ગોપાલકૃષ્ણ ગાંધી જેવા વિદ્વાન ગાંધીઅભ્યાસીને વિદ્યાપીઠના વડા તરીકે નીમી શકી નહીં. (બીજાં કારણ હોઇ શકે છે, પણ આ કારણ તો હતું જ.) આ ગાંધીનું કે ગોપાલકૃષ્ણ ગાંધીનું નહીં, વિદ્યાપીઠમાં ભણનારા વિદ્યાર્થીઓનું કમનસીબ છે, જેમને ગાંધીના જડ, સંસ્થાગત અર્થઘટનને કારણે ગોપાલકૃષ્ણ ગાંધીજેવો ઉત્તમ વડો ગુમાવવો પડ્યો.

ગાંધીજી સાબરમતી આશ્રમમાં રહેતા હતા, ત્યારે આશ્રમના રસોડે મીઠું વપરાતું ન હતું. મહાદેવ દેસાઇને મીઠા વગર નહીં ચાલે એવું લાગ્યું ત્યારે તેમને મીઠું વાપરવાની છૂટ ગાંધીજીએ જ આપી હતી. ગાંધીજી માટે અસ્વાદવ્રત અગત્યનું હતું, પણ તે સત્ય કે અહિંસા જેવું અનિવાર્ય ન હતું. (ખાદી અને ગોપાલકૃષ્ણ ગાંધીની જેમ) મીઠું અને મહાદેવ દેસાઇ- આ બન્નેમાંથી કોઇ એકની પસંદગી કરવાની હોય તો કોની પસંદગી કરવી, એની ગાંધીજીને અવઢવ ન હતી.

ગાંધીજી અને ગાંધીવાદીઓ વચ્ચે સૌથી મોટો ફરક પ્રાથમિકતા નક્કી કરવા અંગેનો છે. ક્યારે આગ્રહજડ થવું ને ક્યારે આગ્રહ છોડી દેવો, તે ગાંધીજી આગ્રહના પ્રકાર અને પ્રસંગ પરથી નક્કી કરતા હતા. તે આમ કરી શકતા હતા, કારણ કે તેમણે એ સમજ જાતે ઉગાડી હતી. ઘણાખરા ગાંધીવાદીઓ એ સમજી શક્યા નહીં કે ગાંધીજીનાં વાક્યોને બ્રહ્મવાક્યો તરીકે માની લેવાને બદલે, તેના અર્કને આત્મસાત્‌ કરીને સમજ તો આપણે જાતે જ ઉગાડવાની હોય. આ રીતે ઉગેલી ઓર્ગેનિક સમજ જડ-બરડ ન હોય. શક્ય છે કે તેમાં ક્યારેક ભૂલ થાય, પણ ગાંધીજીનું બાહ્ય, વાનર-અનુકરણ કરીને પળાયેલા ચુસ્ત, જડ, મરજાદી ગાંધીવાદને બદલે, તેમના વિશેની પોતીકી સમજમાંથી થયેલી પ્રામાણિક ભૂલ વધારે આવકાર્ય છે. ગાંધીનો અર્ક આત્મસાત્‌ થયો હોય તો, પોતે થાપ ખાધી છે એ પણ આગળ જતાં સમજાઇ જાય અને તેનો જાહેર એકરાર પણ કરી શકાય.

અસલી પોત

આખેઆખા ગાંધીજીને આગળપાછળના સંદર્ભ વિના સ્વચ્છતા કે ખાદી જેવી બાબતોથી ઓળખવા, એ સરદાર પટેલને કેવળ બારડોલી સત્યાગ્રહથી ઓળખવા જેવી ચેષ્ટા છે. પરંતુ એ ચાલ નવેસરથી શરૂ થઇ ચૂક્યો છે, ત્યારે ગાંધીપણાનાં કેટલાંક પાયાનાં લક્ષણ યાદ કરી લેવાં જરૂરી છે.

એવી દલીલ થઇ શકે કે ગાંધીજીને એકેય રીતે યાદ કરવામાં ન આવતા હોય ત્યારે, કોઇ તેમનું એકાદ સારું લક્ષણ પણ યાદ કરે તો તેમાં ખોટું શું છે? તર્કની પટાબાજીમાં કામ લાગે એવી દલીલ પાયામાંથી ભ્રષ્ટ છે. જેમાં કશું સમાધાન થઇ ન શકે એવાં પાયાનાં ગાંધીમૂલ્યોનો ભંગ કરનારા ગાંધીનું એકાદ ‘નિર્દોષ’ લક્ષણ આગળ કરીને, ગાંધીજીને યાદ કર્યાનો-તેમને અંજલિ આપવાનો દાખડો કરે, ત્યારે તે (અસલી) ગાંધીજીની નવેસરથી હત્યા કરવા બરાબર થાય છે.

કોંગ્રેસની જેમ એનડીએ સરકારના વડાપ્રધાન પણ ગાંધીજીનાં પાયાનાં બધાં મૂલ્યોને દફનાવી દીધા પછી, પોતાના પ્રચારયંત્રોની ઝાકઝમાળ સાથે, નવેસરથી ગાંધીને બોટી લેવા નીકળ્યા છે. ગાંધીવાદીઓ હોય, ગાંધીદ્વેષીમાંથી પોતાની ગરજે વટલાયેલા નીઓ-ગાંધીપ્રેમીઓ કે તેમને સાંભળનારા લોકો,  સૌએ યાદ રાખવું જોઇએ કે આટલા મુદ્દા ગાંધીજી માટે બાંધછોડ થઇ ન શકે એવા હતા. તેમને ઠેકાડીને ગાંધીજીને યાદ કરવાના-ગાંધીજીને અંજલિ આપવાના પ્રયાસ ગાંધીજીના નામે અને ગાંધીજીની સાથે છેતરપીંડી જેવા ગણવા.

ગાંધીજી વિશેની ‘ઓર્ગેનિક’ સમજણમાંથી ઊભા થયેલા કેટલાક અનિવાર્ય મુદ્દા : (૧) નેતાઓનું કામ લોકરૂચિને પંપાળવાનું કે વકરાવવાનું નહીં, તેને ઘડવાનું અને એ માટે જરૂર પડ્યે તેમની ન ગમે એવી વાત કહેવાનું પણ છે. અભિનેતાની જેમ નેતાઓએ ટોળાંને રીઝવવાનાં ન હોય. (૨) કોમવાદ-જાતિવાદનું ઝેર પહેલાં પોતાના મનમાંથી કાઢવું અને પછી લોકોના મનમાંથી એ ઝેર કાઢવા ઝઝૂમવું. એમ કરવા જતાં જીવનું જોખમ આવે તો પણ ખચકાવું નહીં. (૩) દેશનું હિત સાધવું હોય તો પોતાનાથી અલગ વિચાર ધરાવતા લોકોને પણ સાથે લેવા. કેદારનાથ જેવા સાધક ઘણી બાબતોમાં ગાંધીજી કરતાં જુદા વિચાર ધરાવતા હોવા છતાં, ગાંધીજી તેમને ઉમળકાથી આશ્રમમાં રાખતા હતા અને તેમની પર આશ્રમના નિયમ લાદતા ન હતા. આવાં અનેક ઉદાહરણ ટાંકી શકાય. (૪) શક્ય હોય એ રીતે અન્યાયનો પ્રતિકાર કરવો. સંઘર્ષ કરવો. કેવળ ‘રચનાત્મક’ની માળા જપીને, તેની ઓથે કાયરતા કે અકર્મણ્યતા છુપાવીને બેસી ન રહેવું. ‘અન્યાય’ની વ્યાખ્યા શી? ચૂંટણીની ટિકિટ ન મળે તો ટિકિટવાંચ્છુને અન્યાય થયો કહેવાય? તેનો જવાબ ગાંધીજીના સૌથી પાયાના સિદ્ધાંતમાં મળી જાય છે. (૫) સરકારી જાહેરખબરમાં ‘અંત્યોદય’ની વાત દીનદયાળ ઉપાઘ્યાયના નામે ચડાવવામાં આવે છેે, પણ માપસરની યાદશક્તિ ધરાવતા લોકોને યાદ હશે કે એ વિચાર ગાંધીજીએ વાચન-મનોમંથનમાંથી વિકસાવ્યો હતો. કોઇ પણ કામ કરતાં અવઢવ થાય ત્યારે વિચારવું કે તેનાથી સમાજના સૌથી છેવાડાના માણસને ફાયદો થશે? એ ગાંધીની ફુટપટ્ટી હતી.

આ મુદ્દાથી સાવ વિપરીત વર્તન કરનારા ગાંધીને અંજલિ આપવાની વાત કરે ત્યારે, વિચારવાનું આપણે સૌએ- લોકોએ હોય છે. 

Friday, October 03, 2014

મેડીસન સ્ક્વેર ગાર્ડન્સથી લાઇવ

અમેરિકા ગયા વિના, હાસ્યકારસહજ ‘સંજયદૃષ્ટિ’થી લખાયેલો વડાપ્રધાનના મેડીસન સ્ક્વેર ગાર્ડન્સ મેળાવડાનો કાલ્પનિક ‘જીવંત’ અહેવાલ.
***
વડાપ્રધાનના માનમાં યોજાનારા ભવ્ય સમારંભમાં ભાગ લેવા માટે ભારતીયો જમા થયા છે. તેમાં ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં છે. કાર્યક્રમ શરૂ થવાની થોડી વાર છે, પરંતુ મોટા ભાગના લોકો સ્ટેજ તરફ નહીં, આકાશ તરફ ડોકાં તાણીને ઊભા છે. કેટલાક લોકો એકબીજા સાથે વાત કરીને સ્વસ્થ દેખાવા પ્રયાસ કરે છે, પણ વચ્ચે વચ્ચે આકાશ ભણી નજર નાખી લે છે. ભારત પ્રત્યે લાગણી ધરાવતો એક અમેરિકન પણ સમારંભમાં આવ્યો છે. તે એક જૂથ નજીક પહોંચે છે. ત્યાં ચર્ચા ચાલી રહી છે.

અમેરિકન ગુજરાતી ૧ (પૂર્વ દિશાના આકાશમાં જોતાં જોતાં) : હું તમને ગેરન્ટીથી કહું છું, આ બાજુથી આવશે.

અ.ગુ.૨ : (પશ્ચિમ આકાશ પરથી નજર હટાવ્યા વિના) : સવ્વાલ જ નથી. આ બાજુથી જ આવે.

અ.ગુ.૩ : તમે લોકો અમેરિકામાં રહીને અભડાઇ ગયા...

અ.ગુ.૧ (ગીન્નાઇને) : અલ્યા, ગ્રીનકાર્ડ માટે અંડાગંડા તો તું કરતો હતો ને અભડાઇ ગયા અમે?

અ.ગુ.૩ : શાંત, ગ્રીનકાર્ડધારી ભીમ, શાંત. હું સંસ્કૃતિની વાત કરું છું. તમને આપણી સંસ્કૃતિનું ભાન હોત તો તમે પણ મારી જેમ ઉત્તર દિશાના આકાશમાંથી તેજપુંજ પ્રગટવાની રાહ જોઇને ઊભા હોત.

અમેરિકન : તમે લોકો આમ ડોકાં તાણીને શાની રાહ જુઓ છો? તમારા વડાપ્રધાનના વિમાનની?

અ.ગુ.૩ (અમેરિકનને ન સંભળાય એવા અવાજમાં) : આ ધોળિયા અક્કલબુઠ્ઠા જ રહ્યા. એને એમ છે કે આપણે વિમાન ભાળ્યું નથી. (મોટેથી જવાબ આપતાં) ના ભાઇ ના. અમારા વડાપ્રધાનને તમે ઓળખતા નથી. એ પોતે જ ઊડીને આવી શકતા હોય ત્યાં વિમાનનું શું કામ?

અમેરિકન : એટલે?

અ.ગુ.૧-૨-૩ : એટલે એમ કે અમારા વડાપ્રધાન કંઇ અમેરિકાના રાષ્ટ્રપતિ નથી કે વિમાનમાં ઉડીને જાય. એ તો સુપરમેન છે, સુપરમેન...જાતે જ ઉડીને આવે - નવરાત્રિના ઉપવાસ હોય ત્યારે તો  બળતણ પણ ન જોઇએ. હમજ્યા?

અમેરિકન : નો.

અ.ગુ.૧ : (મનમાં) ‘મારો બેટો ગુજરાતી ઝીંકે છે.’ (મોટેથી) નો હમજ્યા?

અમેરિકન : હું એમ કહું છું કે સુપરમેન કંઇ ફંક્શનમાં કે ફિલમ જોવા જાય તો ઉડતો ઉડતો ન જાય. એ તો કંઇક અરજન્સી જેવું હોય, કોઇને બચાવવાનો હોય તો જ...જરાક તો વિચારો...

અ.ગુ.૧-૨-૩ : ધોળીયે વાત તો મુદ્દાની કરી.

અ.ગુ.૪ : તમને એમ કે આપણી જોડે રહીને એનુંય...

(એવામાં ‘આવ્યા, આવ્યા’ ને ઝિંદાબાદ-મુર્દાબાદના પોકાર સંભળાય છે.અ.ગુ.૧-૨-૩ પોતાની જગ્યાએ ઊભા ઊભા, આગળનાં નામ સાંભળ્યા વિના મોટેથી ઝિંદાબાદ અને મુર્દાબાદના નારા ઝીલે છે. નારાબાજી પતી ગયા પછી...)

અ.ગુ. ૫ : અલ્યા આ ઝિંદાબાદ તો હમજ્યા કે મોદીસાહેબ, પણ મુર્દાબાદ કોણ?

અ.ગુ.૩ : ચૂંટણી વખતે હું અહીંથી ફંડ લઇને ઇન્ડિયા ગયો હતોે. એટલે મને ખબર છે. મુર્દાબાદ એટલે કોંગ્રેસ...

અ.ગુ.૪ : પણ અહીં તો કોંગ્રેસનો અર્થ ‘સંસદ’ થાય છે..

અ.ગુ.૧-૨-૩ : દોઢડાહ્યો થયા વિના મૂંગો મર. અહીં નાગરિકશાસ્ત્ર શીખવા નથી આયા.

અ.ગુ.૩ : બોલો, ભારતમાતાકીઇઇઇઇઇઇ

અમેરિકન : જેયયય.

અ.ગુ.૧-૨-૩ : જોયું? જોયો સાહેબનો પ્રભાવ? આ ધોળીયો પણ ભારતમાતાની જય બોલતો થઇ ગયો.

અ.ગુ.૪ : (અમેરિકનને) ભાઇ, તમે કઇ ખુશીમાં આ જે બોલાવી?

અમેરિકન : હું ઇન્ડિયા ગયો ત્યારે આ શીખી લાવ્યો હતો. બહુ મઝા આવે બોલવામાં...એયયય...જેયયય...

અ.ગુ.૩ : બસ, ફક્ત મઝા આવે એટલે?

અમેરિકન : તમારે ત્યાં પણ એવું જ નથી? બાકી, જેયય બોલાવનારા તમારા બધા લોકો દેશમાં રહીને દેશ માટે કામ કરતા હોત તો ભારત અમેરિકા ન થઇ ગયું હોત? તમારે અહીં શું કરવા આવવું પડત?

(અ.ગુ.૧-૨-૩ સાંભળ્યું-ન સાંભળ્યું કરે છે.)

અ.ગુ.૪ : મેં એવી અફવા સાંભળેલી કે આ ફંક્શનમાં સીઆઇએના માણસો ફરે છે... જે ‘ભારતમાતાકી જય’ બોલે એમના અમેરિકન પાસપોર્ટ જપ્ત કરીને એમને ભારત ડીપોર્ટ કરી દેવાના છે.

અ.ગુ.૧-૨-૩ : રબ્બીશ. એમના બાપનું રાજ ચાલે છે? આ ઇન્ડિયા નથી. અહીં તો કાયદાકાનૂન હોય છે. ‘સૂ’ કરી દઇશું તો લટકી રહેશે સોલના ભાવમાં દીકરાઓ...

અમેરિકન : ઇન્ટરેસ્ટિંગ...કાયદાના રાજની વાત આવે ત્યારે તમે અમેરિકન થઇ જાવ છો અને જેયય બોલાવવાની આવે ત્યારે...

અ.ગુ.૩ : બસ ભઇ, માપમાં રહેજે. તને ખબર છે? આજે અમારા સાહેબનું લાઇવ ટેલીકાસ્ટ છે- ઇતિહાસમાં પહેલી વાર...

અમેરિકન : કેમ? તમારા વડાપ્રધાન ગીત ગાવાના છે? ગીટાર વગાડવાના છે? ધર્મપ્રવચન આપવાના છે? કે પછી આજે એડવાન્સમાં ન્યૂ યર મનાવી લેવાના છે?

અ.ગુ.૩ : (મનમાં) વાહ, શું આઇડીયા આપ્યો છે ધોળીયાએ.(મોટેથી, ‘સાંભળો, સાંભળો’ની અદામાં) હું કહું છું કે આપણે આજના દિવસથી અમેરિકામાં વસતા ભારતીયો માટે કે પછી કમ સે કમ, અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે વિક્રમ સંવતની જેમ નવું કેલેન્ડર શરૂ કરવું જોઇએ : નરેન્દ્ર સંવત.  શું કહો છો?

અ.ગુ.૨ : આપણે સિક્કા તો પડાવી જ ચૂક્યા છીએ, હવે તેમના નામનો સંવત જાહેર કરી દઇએ...

અ.ગુ.૪ : અને એમને પગે પડીને વિનંતી કરીએ કે એ ભારતને રાજાશાહી જાહેર કરી દે, અમિતભાઇને તેમના પ્રધાન બનાવેે, ઓબામાને અંગુઠા પકડાવે, જિનપિંગને ઉઠબેસ કરાવે અને શક્ય હોય તો થોડા સમય પછી અમેરિકાનો વહીવટ પણ હાથમાં લઇ લે. આપણા જેવા કેટલા બધા લોકો એમની સાથે જ રહેવાના છે. બોલો, અમેરિકાના ભાવિ પ્રમુખ નરેન્દ્ર મોદીનીઇઇઇઇઇ...

અ.ગુ.૧-૨-૩ : બસ, વાંકું બોલવાની જરૂર નથી. એમાં ને એમાં જ દેશ અત્યાર સુધી પાછળ રહી ગયો.

અ.ગુ.૪ : તો અમેરિકાની પ્રજા કેવી રીતે આગળ આવી? આંખે પાટા બાંધીને નેતાઓની ભક્તિ કરીને ? (અમેરિકન તરફ જોઇને) પૂછો આને...

(અમેરિકન જતો રહ્યો હોય એવું લાગે છે. એટલે ચર્ચા અઘૂરી જ રહી જાય છે.)

Thursday, October 02, 2014

એક હતા ગાંધીજી

(ગુજરાત સમાચાર, તંત્રીલેખ-ગુરુવાર-૨-૧૦-૧૪)

ગાંધીજી એટલે કોણ? એવો સવાલ ગુજરાતમાં-ભારતમાં ભલે ન પૂછાય, પણ ‘ગાંધીજી એટલે કયા ગાંધીજી?’ એ સવાલ વઘુ ને વઘુ પ્રસ્તુત બનતો જાય છે. ગાંધીજી એટલે ચલણી નોટો પર જેમનું ચિત્ર છે તે? ગાંધીજી એટલે જેમની સમાધિ પર હારતોરા કરવાનું દેશી-વિદેશી શાસકો માટે ફરજિયાાત છે તે? ગાંધીજી એટલે મહાત્મા મંદિરવાળા? ગાંધીજી એટલે ‘રાષ્ટ્રવાદી હિંદુ’ઓ જેમની હત્યાથી રાજી થયા હતા અને પેંડા વહેંચવા સુધી ગયા હતા એ? ગાંધીજી એટલે મજબૂરીનું નહીં, દંભનું બીજું નામ? ગાંધીજી એટલે દેશવિદેશોમાં પૂતળું બનીને ખડા કરી દેવાયેલા બાવલાસ્વરૂપ રાષ્ટ્રપિતા? ગાંધીજી એટલે તેમની અને તેમના નામે ખડી થયેલી સંસ્થાઓ અને અઢળક સંપત્તિ? ગાંધીજી એટલે જેમના ચારિત્ર્યહનનની પ્રવૃત્તિ તેમના મૃત્યુના છ-સાડા છ દાયકા પછી પણ લોકોને નશાની ‘કીક’ આપે છે તે? ગાંધીજી એટલે આંબેડકરે જેમને પોતાના કટ્ટર વિરોધી ગણ્યા તે? કે પછી દલિતોના મુદ્દાને મુખ્ય ધારામાં આણવામાં જેમણે તનમનથી પ્રયાસ કર્યા તે? કે પછી આજથી જેમના નામનો વઘુ એક વાર દુરુપયોગ કરીને વડાપ્રધાને કહેવાતી સ્વચ્છતા ઝુંબેશની શરૂઆત કરી તે?

ગાંધીજીનું દુઃખ એ છે કે ભારતમાં, આટલા નજીકના ભૂતકાળમાં જન્મીને એમણે ખોટો દાખલો બેસાડી દીધો છે. ગાંધી-ગજ એટલો મોટો છે કે તેનાથી માપવા જતાં ભલભલા બની બેઠેલા મહાનુભાવો- નેતાઓ, કથાકારો, ચિંતકો ને ધાર્મિક નેતાઓ- વેંતિયા સાબીત થાય. વાક્ચાતુરી અને દેખાડાબાજીના પ્રકાશમાં ઝળહળતા ફીલગુડેશ્વરો ગાંધીના ગજે મપાતાં ઉઘાડા પડી જાય. ગાંધી પોતે પોતાના ગજ પર કંઇ દિવ્ય સ્વરૂપે પ્રગટ થતા નથી. તેમની પણ મર્યાદાઓ છે અને એ જ મર્યાદાઓ ગાંધી-ગજને અવાસ્તવિક કે આદર્શ નહીં, પણ વ્યવહારુ બનાવે છે. ‘જે તેમના સારુ શક્ય છે, તે આપણા સારુ કેમ નહીં?’ એવો વિચાર ગાંધીજીની મહાનતા કરતાં પણ વધારે તેમની મર્યાદાઓ જોયા પછી આવે છે.

ગાંધીના આ દુઃખનું મારણ રાજનેતાઓએ શોધી કાઢ્‌યું છે. ગાંધીને ભૂલીને ભારતનું રાજ તો કરી શકાય નહીં. સંઘ પરિવારે વર્ષો સુધી એ પ્રયાસ કર્યો અને હજુ પણ તેમને અંદરથી ગાંધી શત્રુ લાગે છે. હાલના વડાપ્રધાને ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે શરૂઆતનાં થોડાં વર્ષ ગાંધીની લીટી નાની કરીને સરદારની લીટી મોટી કરવાનો સન્નિષ્ઠ પ્રયાસ કરી જોયો. પણ પછી તેમને લાગ્યું હશે કે ભારતમાં આગળ વધવું હશે તો મને-કમને ગાંધીને સાથે રાખવા પડશે- ભલે તેમનું ‘આઘુનિકીકરણ’ (એટલે કે વિકૃતિકરણ) કરીએ, પણ સમ ખાવા પૂરતા ગાંધી તો સાથે હોવા જોઇએ. તેમની આ નીતિના પરિણામે ગુજરાતમાં કશી લાજશરમ વગર ‘મહાત્મા મંદિર’ના નામે મહાત્માને શરમાવે એવું ભવ્ય ભવન બન્યું, જેમાં થતી પ્રવૃત્તિઓ સાથે મહાત્મા ગાંધીને કોઇ જાતનો સંબંધ ન હોઇ શકે. હવે આંતરરાષ્ટ્રિય મહેમાનો અને મુલાકાતો વખતે પણ ગાંધીજીનાં મૂલ્યો માટે નહીં, પણ પોતાની ભારતીયતા બતાવવા માટે જખ મારીને ગાંધીજીનો ઉપયોગ કરવો પડે છે. પણ સ્ટેચ્યુ ઑફ યુનિટીની ફિલ્મમાં સરદારના જીવનની વાતમાં ગાંધીનો ક્યાંય ઉલ્લેખ સુદ્ધાં ન આવે. સાથોસાથ, ગાંધીના જન્મદિને  ‘તેમને સ્વચ્છતા બહુ વહાલી હતી’ એમ કહીને સ્વચ્છતાઝુંબેશનું એલાન કરવામાં આવે, એવો દંભ હવે કોઠે પડી ગયો છે.

ગાંધીજીને સ્વચ્છતા બહુ વહાલી હતી, એવું વડાપ્રધાનનું અર્થઘટન ખોટું નથી, પણ ગાંધીજીને સ્વચ્છતા કરતાં અનેક ગણી વધારે વહાલી બીજી ઘણી બાબતો હતી. એ વડાપ્રધાનને વહાલી નથી અને અત્યારે સત્તા ગાંધીજી પાસે નહીં, વડાપ્રધાન પાસે છે. ગાંધી તો બિચારા વિરોધ કરવા માટે જીવીત પણ નથી- અને તેમના ઘણાખરા અનુયાયીઓ ગાંધીના એકાંગી કે ખંડદર્શનમાં કેદ છે. સંઘર્ષ અને રચના, આંદોલન અને સમાજલક્ષી કાર્ય, અન્યાયી સત્તાધીશોનો વિરોધ અને અહિંસા- આ સંયોજનોમાંથી મનગમતો મુદ્દો ઉપાડીને તેને ગાંધીનું આવરણ વીંટાળીને બજારમાં મૂકી દેવો, એ ગાંધીના વેપારની જૂની અને જાણીતી  રીત છે. પણ નેતાઓની જેમ ભારતના લોકો પણ તેનાથી એટલા ટેવાઇ ગયેલા છે કે ગાંધીના નામે જે થાય તેમાં કોઇને કશું અજૂગતું લાગતું નથી - અથવા લાગે છે તો પણ એ વિરોધની કશી અસર નીપજતી નથી.

ગાંધીને નીચા પાડવાના અનેક પ્રયાસોનો દાગ એ ગાંધીજીના નામે ઉજવણાં કરવાથી ધોઇ શકાય? ખબર નથી. ભારતના વર્તમાન રાજકારણ-સમાજકારણમાં આ બાબતનો કોઇ દાગ હોય કે કેમ એ પણ સવાલ. છતાં, ગાંધીના નામે ઓલરેડી એટલાં પાપ થઇ ચૂક્યાં છે કે હવે નવા તમાશા નહીં થાય તો ચાલશે. ગાંધીને તેમના સાચા અર્ક સાથે જીવતા ન રાખી શકાય તે સમજ્યા, પણ તેમની સ્મૃતિ અને તેમના સિદ્ધાંતોનું ગેરરસ્તે દોરનારું ચિત્ર નવી પેઢી સામે આવે, એવી રીતે  તેમને રજૂ કરવાનું ટાળી ન શકાય?

- કે પછી કોંગ્રેસે એ ધંધો કર્યો, તો અમે પણ શા માટે બાકી રહીએ, એવું નવી સરકાર માને છે?  

Wednesday, October 01, 2014

સ્વચ્છતા, સફાઇકામ, સરકાર અને સમાજ

ભારતના વડાપ્રધાન જાહેર કર્યું કે બીજી ઑક્ટોબર, ૨૦૧૪થી તે ‘સ્વચ્છ ભારત મિશન’નો આરંભ કરશે. એ જાણીને પહેલાં તો એવું લાગ્યું કે તે ‘સ્વચ્છ’ એટલે કે ‘ભ્રષ્ટાચારમુક્ત’ ભારતની વાત કરી રહ્યા છે. કારણ કે ચૂંટણી પહેલાં ‘સ્વચ્છતા’ની તેમની સમજણ એ હતી. ચૂંટણી પછી વડાપ્રધાને કોંગ્રેસી સ્ટાઇલમાં કાળા ધન વિશે એક સમિતિ નીમી દીધી એટલે કામ પત્યું. હવે જ્યારે પણ કોઇ પૂછે કે ‘વિદેશમાં જમા થયેલું કાળું નાણું સો દિવસમાં પાછું લાવવાના તમારા વાયદાનું શું થયું?’ ત્યારે પેલી સમિતિને આગળ ધરી દેવાય છે.

બીજી ઑક્ટોબરથી વડાપ્રધાન જે સ્વચ્છતાઝુંબેશની વાત કરે છે, એ બાહ્ય બાબત છે. વડાપ્રધાનની વેબસાઇટ પર મુકાયેલા નિવેદનમાં તેમણે કહ્યું છે કે ‘સ્વચ્છતા ગાંધીજીને બહુ વહાલી હતી. ૨૦૧૯માં આપણે મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મજયંતિ ઉજવીએ ત્યારે ‘સ્વચ્છ ભારત’ એ ગાંધીજીને આપણી શ્રેષ્ઠ અંજલિ હોઇ શકે.’

કોઇ પણ રાજકારણી ગાંધીજીની વાત કરે ત્યારે ચેતવું. દાયકાઓથી મહાત્મા ગાંધીના નામે રાજકીય નેતાગીરીએ કંઇક સગવડીયાં સત્યો અને જૂઠાણાં ચલાવ્યાં છે. ‘સ્વચ્છતા ગાંધીજીને બહુ વહાલી હતી’ એવી માહિતી વડાપ્રધાને આપી છે, એ બદલ એમનો આભાર. પણ ગાંધીજીનો સ્વચ્છતાનો ખ્યાલ, ‘કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી’ પ્રકારનો- પ્રતીક સફાઇ કરીને, ફોટા પડાવીને કંઇક કર્યાનો ત્વરિત સંતોષ મેળવી લેવાનો ન હતો, એ વડાપ્રધાનને અને તેમના ઝુંબેશસાથીઓને યાદ કરાવવું રહ્યું.

ગાંધીજીને જે સ્વચ્છતા વહાલી હતી એ કંઇક આ રીતે સમજી શકાય : (૧) આરોગ્ય સાથે અને રોજિંદા જીવનને લગતી ટેવો સાથે સંકળાયેલી બાહ્ય સ્વચ્છતા (૨) નાગરિકધર્મ (સિવિક સેન્સ)ના ભાગ જેવી, આસપાસના વાતાવરણને કૂડાકચરામુક્ત રાખવાની ચોખ્ખાઇ (૩) પોતે કરેલી ગંદકીને સાફ કરવાની, શૌચાલય વગેરેની સફાઇ (૪)  હિંદુ ધર્મની વર્ણપ્રથાનો ભોગ બનેલા દલિતોને માથે ઠોકી બેસાડાયેલી, બીજાની ગંદકી સાફ કરવાની અમાનવીય કામગીરી, તેની સાથે સંકળાયેલું અસ્પૃશ્યતાનું મહાકલંક અને તેને મીટાવવાની આત્મશુદ્ધિ. બીજા શબ્દોમાં કહીએ તો, દલિતોને મળસફાઇના કામમાંથી મુક્ત કરવા માટે એ સફાઇ દરેકે પોતે કરવી અને બાકીના સફાઇકામનું યથાયોગ્ય ગૌરવ કરવું, જેથી સુથારીકામ-લુહારીકામથી માંડીને લેખન-પ્રવચન જેવી અનેક કામગીરીઓની જેમ સફાઇકામ પણ એક જ્ઞાતિનિરપેક્ષ અને સામાજિક કલંક વગરનું કામ બની રહે.

વડાપ્રધાને કહ્યું છે કે ગાંધીજીએ ભારતના ‘સ્વરાજ’ માટે જીવન સમર્પીત કરી દીઘું. એ સાચું છે, પણ વધારે સાચું એ છે કે ગાંધીજીએ ભારત કરતાં પણ વધારે ભારતીયોના ‘સ્વરાજ’ માટે - સ્વરાજના રાજકીય નહીં, પણ સામાજિક ખ્યાલ માટે- જીવન ખર્ચી નાખ્યું. એવું ‘સ્વ-રાજ’ જેમાં કોમવાદનું કે જ્ઞાતિના ભેદભાવનું કે અસ્પૃશ્યતાનું કે શરીરબળનું કે સરકારી ભપકાબાજીનું નહીં, પણ વ્યક્તિનું પોતાનું રાજ હોય. વ્યક્તિ સ્વાશ્રયથી ટકી શકે અને સ્વમાનથી જીવી શકે, એ ગાંધીજીનો સ્વરાજનો ખ્યાલ હતો. એ ખ્યાલ તેમણે જીવનભર સેવ્યો અને કોમવાદ-જ્ઞાતિવાદ વગરના ‘સ્વરાજ’ના ખ્યાલ માટે તો તેમણે જીવ પણ ગુમાવવો પડ્યો.

અલગ પાકિસ્તાનનો પ્રશ્ન ઉદ્‌ભવ્યો ન હતો ત્યારે, છેક ત્રીસના દાયકામાં અસ્પૃશ્યતારહિત, સ્વચ્છ ભારતના મિશન સાથે નીકળેલા ગાંધીજીની મોટર પર પૂનામાં હિંદુ મહાસભાના લોકોએ બોમ્બ ફેંક્યો હતો. હિંદુત્વનું ગૌરવ કરનારા રૂઢિચુસ્તોને અસ્પૃશ્યતા સામે ગાંધીજીની ઝુંબેશ હિંદુત્વના અપમાન જેવી લાગતી હતી. (એક આડવાત : નવરાત્રિમાં મુસ્લિમ યુવકોને ગરબામાં પ્રવેશ ન આપવો જોઇએ, એવા ફતવા કાઢવાની કોશિશ કરનાર વિશ્વ હિંદુ પરિષદ- બજરંગદળના નેતાઓને ગુજરાતમાં ઘણી જગ્યાએ દલિતોને ગરબામાં પ્રવેશ મળતો નથી એ વિશે કંઇ કહેવાનું નથી? દલિતોને ગરબામાં પ્રવેશ અપાવવા માટે- તેમની સાથે સ્વાભાવિક-સમાન વ્યવહાર માટે કોઇ ‘જેહાદ’ ચલાવવાની નથી?)

ભારતને જ્ઞાતિવાદના કલંકમાંથી સ્વચ્છ કરવા નીકળેલા ગાંધીજીની કાર પર બોમ્બ પડ્યો (નસીબજોગે તે બીજી મોટરમાં બેઠા હોવાથી બચી ગયા) અને દેશને કોમવાદના ધબ્બામાંથી મુક્ત કરવા નીકળેલા ગાંધીજીની ‘હિંદુ રાષ્ટ્રવાદીઓ’એ હત્યા કરી નાખી.

આ બન્ને દાખલા એટલા માટે ટાંક્યા છે કે જેથી ‘સ્વચ્છતા ગાંધીજીને બહુ વહાલી હતી’ એવી બાળબોધી સમજણથી કોઇ ગેરરસ્તે ન દોરવાય અને ગાંધીજીના સ્વચ્છતાના ખ્યાલને, ઝાડુ પકડીને ફોટા પડાવનારા શો-બાજ લોકોની હરોળમાં ન મૂકી દે.  

સફાઇ એટલે?

ગાંધીજીના નામે, તેમની જન્મજયંતિએ શરૂ થતી સ્વચ્છતાની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશમાં વડાપ્રધાને સૌને અઠવાડિયે બે કલાક સ્વચ્છતા માટે ફાળવવા અપીલ કરી છે. બાહ્ય સફાઇનું કામ આવકાર્ય જ છે. તેને બિરદાવવાનું જ હોય. વડાપ્રધાને કહ્યું છે કે હું પોતે પણ ઝાડુ લઇને નીકળીશ. તેમણે રાજકીય-ધાર્મિક- કોર્પોરેટ જગતના અગ્રણીઓને અને મેયરોથી માંડીને સરપંચોને ખાસ અપીલ કરી છે. એટલે એ લોકો કંઇ નહીં તો વડાપ્રધાનની ‘ગુડ બુક’માં દેખાવા માટે પણ હાથમાં ઝાડુ ધારણ કરશે અને સફાઇ કરીને, પોતે કરેલા સફાઇકામનું યથાયોગ્ય દસ્તાવેજીકરણ કરીને જાહેર માઘ્યમો સુધી પહોંચાડવા પ્રયાસ કરશે.

વડાપ્રધાનની ઝુંબેશને સમર્થન આપવા માગતા સૌને અને વડાપ્રધાનને હાથમાં ઝાડુ પકડવાની તૈયારી દેખાડવા બદલ આગોતરાં અભિનંદન સાથે એક મહત્ત્વનું સૂચન : તમે ખરેખર ગાંધીજીને યાદ કરવા ઇચ્છતા હો, તેમને અંજલિ આપવા ઇચ્છતા હો, નકરી શો-બાજીને બદલે હૃદયપૂર્વક સ્વચ્છતાઝુંબેશ ઉપાડવા ઇચ્છતા હો, તો ઝાડુ લઇને સડક પર કે ઓફિસના કમ્પાઉન્ડમાં કચરો વાળવા બેસી ન જતા. તમે કરેલી સફાઇ પણ તમારા અને તમે ઉપાડેલા કામના મોભાને અનુરૂપ હોવી જોઇએ.

વડાપ્રધાને અને તેમની ઝુંબેશમાં જોડાવા તથા જોડાયેલા દેખાવા આતુર સૌ કોઇએ બીજી ઑક્ટોબરે ઝાડુ હાથમાં પકડવું જ ન જોઇએ. એને બદલે તેમણે જાહેર રસ્તા પર પડેલો કચરો સફાઇ કામદારો જે રીતે પૂંઠાના તૂટેલા ટુકડાથી ઉપાડીને હાથલારીમાં નાખે છે તથા કચરો વાળ્યા પછી, ત્રાસ ઉપજાવે એવી કીચુડાટી બોલાવતી એ લારી લઇને તે આખા વિસ્તારમાં ફરી વળે છે, એ કામનું અનુકરણ કરવું જોઇએ. વડાપ્રધાને, કોર્પોરેટ જગતના અગ્રણીઓએ, રાજકીય હોદ્દેદારોએ, ધર્મગુરુઓએ તે દિવસે બે કલાક નહીં, ફક્ત પંદર મિનીટ માટે પાણીની સુવિધા વગરનાં જાહેર શૌચાલયોની સફાઇ કરવી જોઇએ. એ માટે  સફાઇ કામદારને મળે છે એવી પાણીની ધોધ ફેંકતી પાઇપ વાપરવાની છૂટ. મોઢે રૂમાલ બાંધવાની - અને ગંધ સહન ન થાય તો દેશી દારૂ પીવાની પણ- છૂટ. હા, શરત એટલી કે તમારા પહોંચતાં પહેલાં તમારા માણસોએ અગાઉથી એ જગ્યા સાફ કરી નાખેલી ન હોવી જોઇએ.

વડાપ્રધાન સાચું જ કહે છે. હવે આપણે ભારતને ક્યાં સુધી ગંદું રાખીશું? જેને જાહેર શૌચાલયોવાળું કામ ન કરવું હોય તેમના માટે બીજાં પણ કામ છે : ઝાડુ લઇને રસ્તા પરનો સૂકો કચરો વાળવાને બદલે, રોજિંદી સફાઇના ભાગરૂપે સફાઇ કામદારને એકઠાં કરવાં પડતાં પશુઓનાં મળમૂત્ર સાફ કરવાં, લોકોએ ફેંકેલા એંઠવાડ ને એવો ભીનો કચરો સાફ કરવો, રસ્તા પર મરેલા પશુઓના મૃતદેહ ઢસડીને ગાડીમાં નાખવા...

મનોમન નાક પર રૂમાલ દાબી દેવાની જરૂર નથી. આ બઘું સફાઇનું અને સ્વચ્છતાનું જ કામ છે, જે સેંકડો ભારતીયો (દલિતો) રોજેરોજ કરે છે અને એ કરવા બદલ મામુલી વળતર મેળવે છે. હજુ વધારે તીવ્રતાથી ભારતને સ્વચ્છ બનાવવા ઇચ્છતા આગેવાનો માટે ગટરસફાઇનું કામ તો બાકી જ છે, જે કરવા જતાં દર વર્ષે અનેક દલિતો અકાળે મૃત્યુ પામે છે. બીજી ઑક્ટોબરના દિવસે વડાપ્રધાન ગટરસફાઇ કરનારની જેમ, ચડ્ડીભેર એકાદ ગટરની સફાઇ માટે અડધી મિનીટની ડૂબકી લગાવે તો કેવું? તેમના પગલે બીજા અનેકને અગ્રણીઓને આ કામ કરવાની પ્રેરણા મળશે.

વડાપ્રધાને તો ફક્ત પહેલ જ કરવાની. એ બિઝી માણસ છે. એમને દેશ ચલાવવાનો છે. એટલે પછીનાં દરેક અઠવાડિયે  ધાર્મિક-સામાજિક-કોર્પોરેટ-વહીવટી અગ્રણીઓ વારાફરતી વડાપ્રધાનના ‘સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત સફાઇ માટે ગટરમાં ઉતરે. કડકાઇથી કામ લેનાર તરીકેની છબી ધરાવતા વડાપ્રધાન આ કામ બરાબર કરાવે તો ખાતરીપૂર્વક કહી શકાય કે થોડા સમયમાં જ ગટરસફાઇ માટે દલિતોને ગટરમાં ઉતારવાની હિંસક-અમાનવીય કામગીરી બંધ થઇ જાય અને તેના સ્થાને સર્વત્ર મશીનોથી ગટરસફાઇ થવા લાગે. વડાપ્રધાન ઇચ્છે તો મશીનથી ગટરસફાઇનું કામ, દલિતોની અનામત સામે ભારે વાંધો ધરાવતા બિનદલિતો માટે અનામત રાખી શકે.

હજારો કરોડ રૂપિયાનું સરદાર પટેલનું પૂતળું બનાવનાર વડાપ્રધાન તેનાથી ઘણા ઓછા ખર્ચે આખા દેશમાં ગટરસફાઇનું કામ મશીનથી  કરાવવા લાગે અને એ કામમાંથી દલિતોને મુક્ત કરી નાખે, તો તેમના સ્વચ્છ ભારત મિશનનો જયજયકાર થઇ જાય. વડાપ્રધાન હજુ નવા છે, એટલે તેમની પાસેથી આવી આશા  રાખવાનું મન થાય. એ જુદી વાત છે કે ‘સ્વચ્છ ભારત મિશન’ના તેમના આખા નિવેદનમાં  સફાઇ કામદારોનો ઉલ્લેખ સુદ્ધાં નથી. તેમની સાથે થતા અસમાનતાભર્યા, અમાનવીય વ્યવહાર અને તેની નાબૂદી તો દૂરની વાત થઇ. વડાપ્રધાનનો સ્વચ્છતાનો ખ્યાલ એકદમ કોર્પોરેટ હોય એવું લાગે છે. તેમને એટલું જ સમજાવું જોઇએ કે મશીનથી અને બિનદલિતો દ્વારા ગટરસફાઇ થાય, એ પણ કોર્પોરેટ કલ્ચરનો જ હિસ્સો છે.

સ્વચ્છ ભારત મિશનમાં કશું કામ ન થાય ને આટલી સમજ વિકસે તો પણ ઘણું. 

Monday, September 29, 2014

કરકસરિયા ‘ઇસરો’ની કમાલ : (સૌથી) સસ્તા ભાડામાં મંગળની પ્રદક્ષિણા

‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ કરતા ચોથા-પાંચમા ભાગના ખર્ચે તૈયાર થયેલું ‘ઇસરો’નું મંગળયાન ભારતીય ઇજનેરોએ મેળવેલી અભૂતપૂર્વ સિદ્ધિ છે

Click to Enlarge - Original figure : ISRO

પાંચમી નવેમ્બર, ૨૦૧૩ના રોજ ‘ઇસરો’એ રવાના કરેલું મંગળયાન પૃથ્વીની ભ્રમણકક્ષામાં ચકરાવા માર્યા પછી પહેલી ડિસેમ્બર ૧, ૨૦૧૩ના મંગળ ભણી રવાના થયું હતું. પૃથ્વીથી આશરે ૨૨ કરોડ કિલોમીટરની દૂરી પર પહોંચેલું મંગળયાન છેવટે બુધવારે મંગળ સુધી પહોંચ્યું અને સફળતાપૂર્વક તેની ભ્રમણકક્ષામાં દાખલ થઇ ગયું, તેની સાથે જ આનંદ અને ગૌરવની લાગણી ફેલાઇ. ભારત એવો પહેલો દેશ છે, જેને પહેલા પ્રયાસે મંગળની ભ્રમણકક્ષા સુધી યાન મોકલવામાં સફળતા મળી છે. અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશો પણ પહેલા પ્રયાસે સફળતાની સિદ્ધિ મેળવી શક્યા નથી. (રશિયા-ચીનને તો પછીના પ્રયાસોમાં પણ સફળતા મળી નથી.)

‘ઇસરો’નો પ્લાન યાનને મંગળ ગ્રહ પર ઉતારવાનો નહીં, પણ તેની ફરતે યાને પ્રદક્ષિણા કરતું રાખવાનો છે. એ અવસ્થામાં યાન મંગળ પર મિથેન વાયુની હાજરી પારખવાની કોશિશ કરશે. અગાઉ બીજા દેશો ચંદ્રની તપાસ કરી ચૂક્યા હોવા છતાં, ‘ઇસરો’ના ચંદ્રયાને પહેલી વાર ચંદ્ર પરથી બરફ (પાણી) હોવાની મોટી શોધ કરી હતી. એટલે મંગળની સપાટી પર અમેરિકાનું એક વાહન ઘૂમી રહ્યું હોવા છતાં, મંગળનું પરિભ્રમણ કરી રહેલા ‘ઇસરો’ના મંગળયાન પર સૌની નજર રહેશે.

‘ઇસરો’એ મંગળયાનનો આખો પ્રોજેક્ટ ફક્ત ૭.૩ કરોડ ડૉલરમાં (કેટલાક અંદાજ પ્રમાણે સંપન્ન કર્યો. આ આંકડાની આગળ ‘ફક્ત’નું વિશેષણ કેમ લગાડ્યું, એ સમજવા માટે આ રકમો જુઓ : ‘નાસા’ને તેનું મંગળયાન મુંબઇનો બહુ વખણાયેલો અને તેના ટ્રાફિકઘટાડા માટે ઉપયોગી સિદ્ધ થયેલો પુલ વાંદ્રા-વર્લી સી લિન્ક નવ વર્ષમાં ૩૪ કરોડ ડૉલરના ખર્ચે તૈયાર થયો. (આટલા તોતિંગ ખર્ચ પાછળ એક કારણ વિલંબનું પણ ખરું. ‘ફૉર્બ્સ’ મેગેઝીનના અહેવાલ પ્રમાણે, ૪.૭ કિલોમીટર લાંબા વાંદ્રા-વર્લી સી લિન્ક કરતાં ક્યાંય મોટો, ૩૬ કિલોમીટર લાંબો પુલ ફક્ત ચાર વર્ષમાં ઊભો કરી દીધો હતો.)

સી લિન્ક પર ‘વધારાના ખર્ચ’નો આરોપ થઇ શકે, નકામા ખર્ચનો નહીં. એવો આરોપ વાજબી રીતે જેની પર થઇ રહ્યો છે તે વડાપ્રધાનનો પ્રિય ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ પ્રોજેક્ટ છે. દુનિયામાં સૌથી ઊંચું પૂતળું બનાવવાની ઘેલછા પાછળ રૂ.૨૦૬૩ કરોડનો ખર્ચ થશે, એવું ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ પ્રોજેક્ટની સત્તાવાર વેબસાઇટ પર જણાવાયું છે. ૧ ડૉલરના રૂ.૬૧ના હિસાબે આ રકમ અંદાજે ૩૩ કરોડ ડૉલર જેટલી થાય. તેની સરખામણીમાં ‘ઇસરો’ મંગળ સુધી યાન પહોંચાડવા માટે ૭.૬ કરોડ ડૉલર ખર્ચતું હોય તો તેને ‘ફક્ત’ કહેવામાં શું ખોટું છે? પ્રચારપટુ વડાપ્રધાને મંગળયાન હોલિવુડની ફિલ્મ ‘ગ્રેવિટી’ કરતાં પણ ઓછા ખર્ચમાં તૈયાર થઇ ગયું, એવી વાત કરી હતી અને એ સાચી હતી. પરંતુ હોલિવુડની ફિલ્મ કરતાં ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’નું ઉદાહરણ વધારે નજીક ન પડે?

પહેલી વાર ‘ઇસરો’એ મંગળયાનનું બજેટ જાહેર કર્યું ત્યારે  અવકાશક્ષેત્રના લોકોને પણ નવાઇ લાગી હતી. કેમ કે, અમેરિકાની અવકાશ સંસ્થા ‘નાસા’ હોય કે પછી ચીનનો અવકાશ કાર્યક્રમ, તેમની સરકારો કરોડો ડૉલરનાં બજેટ ફાળવે છે. બેફામ ખર્ચ કરવાના આરોપની ‘નાસા’ માટે નવાઇ નથી. છેલ્લાં થોડાં વર્ષોમાં તેને એ આરોપ ગંભીરતાથી કાને ધરીને, ખર્ચ ઘટાડવા માટે પગલાં લેવાની ફરજ પડી છે. સ્ટાફ ઘટાડીને ઘણું કામ કોન્ટ્રાક્ટ પર આપવું એ નિર્ણય‘નાસા’ની ‘ડૉલર બચાવો ઝુંબેશ’નો હિસ્સો હતો. તેમ છતાં, ‘ઇસરો’ ‘નાસા’ કરતા લગભગ દસમા ભાગના ખર્ચમાં મંગળમિશન ઊભું કરી દે, તેનો ખુલાસો શી રીતે આપવો? કેટલાક વિદેશી નિષ્ણાતોએ ઝાઝી તસ્દી લીધા વિના પરબારો વેતનનો મુદ્દો ઊભો કર્યો અને કહ્યું કે અમેરિકાની સરખામણીમાં ભારતમાં ઇજનેરોને મળતું વેતન ઘણું ઓછું છે. તેના કારણે ભારતનો પ્રોજેક્ટ સસ્તામાં થયો છે. કેટલાકે ખુલાસો આપ્યો કે અમેરિકાનું મંગળ-મિશન વધારે અટપટું હોવાથી, તેમાં સાધનસામગ્રીનો ખર્ચ વધારે બેસે.

વેતનનો કે મિશનના હેતુનો તફાવત ચોક્કસ એક મુદ્દો છે, પણ તેને બચત માટે જવાબદાર એક માત્ર મુદ્દા તરીકે રજૂ કરવામાં ‘ઇસરો’ના ઇજેનેરોની પ્રતિભાની અને કરકસર માટેના તેમના આગ્રહની ધરાર અવગણના થાય છે. ડૉ.વિક્રમ સારાભાઇના જમાનાથી ભારત જેવા આર્થિક રીતે ગરીબ દેશના અવકાશ કાર્યક્રમ માટે કેટલું બજેટ ફાળવવું જોઇએ, એ ચર્ચાનો અને કંઇક અંશે વિવાદનો મુદ્દો રહ્યો છે. રોકેટનો આગળનો હિસ્સો સાયકલ પર લઇ જવાતો હોય કે અહીં તસવીરમાં દર્શાવ્યું છે તેમ, આખેઆખો ‘એપલ’ ઉપગ્રહ બળદગાડામાં લઇ જવાતો હોય, એની  ‘ઇસરો’ની પરંપરામાં નવાઇ નથી.


તેમ છતાં, પ્રતિકૂળતાઓ વચ્ચે ‘ઇસરો’એ આગેકૂચ જારી રાખીને ઉપગ્રહો તરતા મૂકવાના ક્ષેત્રે ઇર્ષ્યાજનક સિદ્ધિ હાંસલ કરી છે. સકરકસરનાં ઉદાહરણો આપતાં ‘ઇસરો’ના અઘ્યક્ષ રાધાકૃષ્ણને  ગયા વર્ષે ‘ફોર્બ્સ’ સામયિકને કહ્યું હતું કે ‘ઇસરો મૉડ્યુલર અપ્રોચથી કામ કરે છે. એટલે કે જુદા જુદા પૂરજામાં પારંગતતા મેળવીને અંતે એ  લૉન્ચ વેહીકલ જેવું પેચીદું સાધન તૈયાર કરી શકે છે. તેમણે સિત્તેરના દાયકામાં ફ્રેન્ચ ઇજેનેરોના સહયોગથી વિકસાવયેલાં ‘વિકાસ’ એન્જિનનો હવાલો આપીને કહ્યું હતું કે એ જાણકારી એક પણ રૂપિયો ચૂકવ્યા વિના મળી હતી. તેના આધારે ‘ઇસરો’એ કામ શરૂ કર્યું અને સંપૂર્ણપણે ભારતીય સામગ્રીથી, ૧૨૦ ‘મેઇડ ઇન ઇન્ડિયા’ એન્જિન તૈયાર કર્યાં. પછી ટેક્‌નોલોજી આગળ વધે અને એન્જિનમાં પ્રવાહી બળતણ ઉમેરવાનું આવે કે પછી ઉપગ્રહોનાં વજન કે તેમની સંખ્યામાં વધઘટ થાય ત્યારે, આગળનું સફળ ‘મૉડ્યુલ’ તો તૈયાર જ હોય, એટલે તેની પર વધારાના ‘માળ ચણવાના’ રહે. એ સહેલું નથી, પણ આ રીતે ક્રમિક ઢબે આગળ વધતાં વધતાં ‘ઇસરો’ મંગળ સુધી પહોંચ્યું છે.

‘ઇસરો’ અગાઉ વપરાયેલાં સાધનોમાં સતત ફેરફાર અને સુધારાવધારા કરીને તેને ફરી ઉપયોગમાં લે છે. એક અહેવાલમાં જણાવાયા પ્રમાણે, મંગળયાનને અવકાશમાં મોકલવા માટે વપરાયેલા રોકેટની ડિઝાઇન ‘ઇસરો’એ પહેલી વાર ૧૯૯૩માં તૈયાર કરેલા લૉન્ચ વેહીકલમાં થોડો ફેરફાર કરીને તૈયાર કરવામાં આવી હતી.  મંગળયાનને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી મંગળની ભ્રમણકક્ષામાં ધકેલવા માટે પણ ‘ઇસરો’એ બળતણમાં જંગી બચત કરાવે એવી કેટલીક વ્યૂહરચનાઓ પ્રયોજી હોવાનું પણ રાધાકૃષ્ણને કહ્યું. ‘ઇસરો’ ફિલ્ડ ટેસ્ટિંગ એટલે કે  સાધનોનાં મૉડેલ બનાવીને તેમનું મોંઘુંદાટ વાસ્તવિક પરીક્ષણ કરવાને બદલે ટેસ્ટિંગ માટે સૉફ્‌ટવેર પર મોટા પાયે મદાર રાખે છે, એ પણ ઓછા ખર્ચનું એક કારણ મનાય છે.

ટેક્‌નલોજી ઉપરાંત કરકસરનો બીજો મહત્ત્વનો મોરચો એટલે સમયપાલન. ભારતના સરકારી તંત્રને સમયપાલન સાથે આડવેર છે, પરંતુ ‘ઇસરો’ એ નિયમમાં અપવાદ છે. તેને કારણે મંગળયાનનો પ્રોજેક્ટ ફક્ત ૭.૬ કરોડ ડૉલરમાં પડ્યો.

આ બધી હકીકતો નજરઅંદાજ કરીને મંગળયાનના ઓછા ખર્ચને ‘જુગાડ’ ગણાવી દેવાનું સદંતર અયોગ્ય છે. મેનેજમેન્ટવાળાઓ નવેસરથી ‘હાજર સો હથિયાર’ ઉર્ફે ‘જુગાડ’ને ભારતીય સંસ્કૃતિ સાથે સાંકળીને, તેને ગ્લેમરસ બનાવી રહ્યા છે. પરંતુ આંતરરાષ્ટ્રિય સ્તરે ‘જુગાડ’ હંમેશાં હકારાત્મક કે આવકાર્ય ગણાતો નથી. એ સંજોગોમાં મંગળયાન જેવી ટેક્‌નોલોજીની મહા સિદ્ધિને કેવળ તેનો ખર્ચ ઓછો હોવાને કારણે ‘જુગાડ’માં ખપાવી દેવી, એ ભારતીય ઇજનેરોના કૌશલ્યનું અપમાન - અને ‘જુગાડ’ની દલીલ કરનારનું અજ્ઞાન- ગણાય. 

Friday, September 26, 2014

એકે ‘લાલ’ દરવાજે તંબુ તૉણીયા રે...‘લોલ’

જેમનું સાચું નામ ન બોલી શકવાથી દિલ્હી દૂરદર્શનના એક ઉદ્‌ઘોષકની નોકરી ગઇ અને જેમના નામમાં ‘જિન’ને બદલે ‘જિંગ’ લખવા છતાં ગુજરાત સરકારમાં કોઇને કંઇ ન થયું, એવા ચીની પ્રમુખ ગયા અઠવાડિયે અમદાવાદમાં હતા.

સાંભળ્યું છે કે રાજાશાહીના જમાનામાં અમદાવાદ ‘ગર્દાબાદ’ હતું ત્યારે જહાંગીર કાંકરિયાના તળાવે તંબુ તાણીને મોજમજા કરતો હતો. ત્યાર પછી સદીઓ વીતી. લોકશાહી આવી. અમદાવાદ ફ્‌લાયઑવરાબાદ અને રીવરફ્રન્ટાબાદ બન્યું. ત્યાર પછી લોકશાહી શાસક એવા ભારતના વડાપ્રધાને ફાઇવસ્ટાર હૉટેલને બદલે નદીકિનારે રાજાશાહી જલસો યોજ્યો. એ દિવસે તેમની વર્ષગાંઠ હતી એ તો દુષ્ટ સેક્યુલરોનું કાવતરું હતું. બાકી, વડાપ્રધાન પોતે એટલા સાદગીપ્રિય છે કે તેમણે બિચારાએ જાહેર અપીલ કરી હતી કે ‘મારી વર્ષગાંઠે ધામઘૂમ કરવાને બદલે એ રકમ કાશ્મીર રાહતફાળામાં મોકલી આપવી.’

અમદાવાદમાં જે ધામઘૂમ થઇ, નદી કાંઠે ફાઇવસ્ટાર તંબુ તણાયા ને સેંકડો લોકોનો જમણવાર થયો, એ બધું તો ચીની પ્રમુખના માનમાં હતું. આપણી સંસ્કૃતિનાં બે તત્ત્વો- ‘અતિથી દેવો ભવઃ’ અને ‘દેવું કરીને ઘી પીઓ’નો સુભગ સમન્વય સાધતાં વડાપ્રધાને ભારતીય પરંપરા મુજબ વ્યવસ્થા કરાવી હતી. આખો જલસો અમદાવાદમાં થયો એટલે વડાપ્રધાનને ‘મોસાળમાં જમણવાર ને મા પીરસે’ એ કહેણીનો સુખદ અહેસાસ પણ થઇ ગયો.

અહેવાલ છે કે ફક્ત અમદાવાદમાં અમુક વિસ્તારોના રસ્તાને નવા બનાવવામાં સાડા ત્રણ કરોડ રૂપિયા ખર્ચાઇ ગયા. એ સાંભળીને પહેલો વિચાર એવો આવે કે આ રૂટના રસ્તા એવા તો કેવા હશે કે તેને સુધારવા સાડા ત્રણ કરોડ રૂપિયા ખર્ચવા પડે? પ્રમુખનું વિમાન તો આશ્રમ રોડ પર નહીં, એરપોર્ટ પર જ ઉતરવાનું હતું. જોકે, આપણા વડાપ્રધાન તો સ્વપ્નદૃષ્ટા છે. એમને કોઇએ વેળાસર આઇડીયા આપ્યો હોત તો તેમણે પ્રમુખનું વિમાન સીઘું રીવરફ્રન્ટ ઉપર જ ઉતરે એવી વ્યવસ્થા કરાવી હોત. કેવો વટ પડી જાય?

એનાથી પણ વધારે છાકો પડે એવો આઇડીયા તો એ છે કે આશ્રમરોડ પર વચ્ચેની રેલિંગ કાઢી નખાવાની. એટલે આખો રોડ છ લૅનનો થઇ જાય. પછી વિમાન શાહીબાગ પોલીસ સ્ટેડિયમમાં ઉતારીને ત્યાંથી ચલાવતાં ચલાવતાં આશ્રમરોડ લઇ આવવાનું અને ત્યાંથી ટર્ન મારીને રીવરફ્રન્ટ પર લઇ જવાનું. આવી ગોઠવણ કરી હોય તો આપણા વડાપ્રધાનની શો મેન તરીકેની પ્રતિષ્ઠા કેટલી વધે. અને રાજ કપૂરને ટક્કર માને એવો શો મેન વડાપ્રધાન તરીકે મેળવવા બદલ દેશના નાગરિકોની છાતી કેવી ગજ ગજ ફુલે.

આ બઘું કરવામાં ખર્ચ થાય અને ખર્ચાયેલા રૂપિયા ભલે પ્રજાના હોય, પણ સ્વપ્ન તો સાહેબનું ખરું કે નહીં? આઘુનિક પરિભાષામાં એને ‘પીપીપી’ (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ) કહેવાય.

વાંકદેખાઓને એવો પણ વિચાર આવે કે ગુજરાતના-અમદાવાદના રસ્તા બહુ વખણાતા હોય, તો ચીની પ્રમુખના કાફલા માટે રસ્તા સુધારવા માટે સાડા ત્રણ કરોડ રૂપિયા કેમ ખર્ચવા પડ્યા? પણ આવા તાર્કિક સવાલો વડાપ્રધાનની વાત આવે ત્યારે અપ્રસ્તુત બની જાય છે. ‘ડીઝનીલેન્ડ સ્કૂલ ઑફ ગવર્નન્સ’ના માનદ્‌ ડીન બની શકે એવી ક્ષમતા ધરાવતા આપણા વડાપ્રધાને રીવરફ્રન્ટમાં સંખેડાના હિંચકા મૂકાવ્યા ને ગીરનો સેટ પણ તૈયાર કરાવ્યો હતો. ‘ઉદ્યોગોના વિકાસમાં પર્યાવરણનો ભોગ લેવાય છે’, એવી બૂમો પાડનારા વિઘ્નસંતોષીઓએ આ સેટમાંથી ધડો લેવો જોઇએ. સાચા પર્યાવરણનો નાશ થાય તો પણ જરૂર પડ્યે તેનો સેટ ક્યાં ઊભો કરાવી શકાતો નથી? એટલા માટે થઇને દેશનો વિકાસ થોડો અટકાવી દેવાય?

પરંતુ આ બધી તો આડવાત થઇ. આપણને મુખ્ય રસ ભારતના વડાપ્રધાન અને ચીનના પ્રમુખ વચ્ચે શું વાતો થઇ, એ જાણવામાં પડે. એની સત્તાવાર વિગતો ઉપલબ્ધ ન બને ત્યાં સુધી કાલ્પનિક વિગતોથી કામ ચલાવી લેવું રહ્યું. તો આ છે મોદી-પિંગ સંવાદની વાસ્તવિક લાગી શકે એવી કાલ્પનિક ઝલક.

***
(એરપોર્ટ પર, ભારતના વડાપ્રધાનને જોઇને)

જિનપિંગ : મિત્રોંઓંઓંઓં...

મોદી : (હસીને) નાઇસ સેન્સ ઑફ હ્યુમર...આ છેક તમારા સુધી પહોંચી ગયું? પણ કેમ ન પહોંચે. આફ્‌ટરઑલ, આઇ એમ અ સેલિબ્રિટી...

જિનપિંગ : યસ..યસ..રાઇટ...લેટ્‌સ ગો.

***

(હૉટેલ પર પહોંચ્યા પછી)

મોદી : કેવી રહી રાઇડ? રસ્તામાં ક્યાંય ઝુંપડાં કે ગરીબ માણસ જોયાં?  ક્યાંથી જુઓ? કારણ કે આ સ્ટેટમાં મારું રાજ હતું. ગરીબીને તો મેં આમ (ચપટી વગાડીને) ચપટીમાં...

જિનપિંગ : સમજું છું...બરાબર સમજું છું... અમે બેજિંગમાં ઑલિમ્પિક યોજી ત્યારે આવું જ કર્યું હતું... ગરીબો, ઝૂંપડાંવાળા, માનવ અધિકારવાળા- એ બધાને (ચપટી વગાડે છે)... વેરી ગુડ ગવર્નન્સ.

મોદી : (વિજયી સ્મિત સાથે) મિનિમમ ગવર્ન્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ

જિનપિંગ : યસ..વેરી ચાઇનીઝ મૉડેલ. વેરી ઇફેક્ટિવ. મિનિમમ ગવર્ન્મેન્ટ મીન્સ વન મેન ગવર્ન્મેન્ટ એન્ડ મેક્સિમમ ગવર્નન્સ. (બહુ અસરકારક મૉડેલ છે. મિનિમમ કહેતાં એક જ માણસમાં આખી સરકાર કેન્દ્રીત હોય અને એ જ મેક્સિમમ- મોટા ભાગનો- વહીવટ કરે)

મોદી : ના. અમે તો લોકશાહી છીએ.

જિનપિંગ : સારું થયું, યાદ કરાવ્યું. બાકી, તમે એટલી સરસ રીતે ચલાવો છો કે ખબર જ ન પડે.

***

(ગાંધી આશ્રમમાં)

જિનપિંગ : બહુ સાંભળ્યું છે ગાંધી વિશે

મોદી : મારી જેમ એ પણ ‘ટાઇમ’ના કવર પર હતા. બહુ સાદગીવાળા...મારી જેમ. હું કેવો ઓટલે બેસીને ફોટા પડાવું છું...એવી જ રીતે એ ભોંય પર બેસીને ચરખો કાંતતા હતા. બહુ મહાન માણસ...એમના નામે અમે આખું બિઝનેસ સેન્ટર બનાવ્યું છે.

જિનપિંગ : તો અહીં ખોટા આવ્યા. આપણે ત્યાં જ જવા જેવું હતું. ‘ટાઇમ’માં લખ્યું હતું, મોદી મીન્સ બિઝનેસ...

મોદી : થેન્ક યુ... હું બહુ ફેમસ છું એ વિશે મારા મનમાં રહેલો થોડોઘણો ડાઉટ પણ તમે દૂર કરી દીધો.

***

(રીવરફ્રન્ટ પર)

જિનપિંગ : વાઉ, નદીનું કમર્શિયલાઇઝેશન કરવાનો આવો આઇડીયા તો અમને પણ નથી આવ્યો...યુ આર
એ વિઝનરી.

મોદી : ઓહ, થેન્ક્સ. હવે આ સરહદનું શું કરીશું?

જિનપિંગ : ઇન્ટેલિજન્સ રીપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં જે જાતનું ચાઇનીઝ ખાવાનું મળે છે એ બાબતે અમારે ત્યાં બહુ રોષ છે અને એવી વાત પણ છે કે કમ સે કમ, આ જાતનું ચાઇનીઝ બંધ કરાવવા માટે પણ ગુજરાત પર હુમલો કરવો જોઇએ. પણ ડોન્ટ વરી. ગુજરાત સુધી આવવાનો અમારો કોઇ ઇરાદો નથી. તમે તમારા દેશવાસીઓને એ બાબતે નિશ્ચિંત કરી દેજો.

મોદી : પણ એટલું પૂરતું નથી. લદ્દાખ...

જિનપિંગ : ઓ.કે. લદ્દાખ અમારું છે એ અમે સ્વીકારી લઇએ છીએ, બસ? હવે તો રાજી?

મોદી : લદ્દાખ તમારું ક્યારથી થઇ ગયું?

જિનપિંગ : જ્યારથી તિબેટ અમારું થયું..

મોદી : અમે એ સ્વીકારતા નથી.

જિનપિંગ : તો આ મૈત્રીપૂર્ણ વાતાવરણ બગડી જશે. રીવરફ્રન્ટ, સુહાની શામ, સંખેડાના હિંચકા, ઠરેલો દૂધપાક ને ખમણ-ઢોકળાં...આ બધામાં લદ્દાખ ક્યાં આવ્યું? એના વિશે દિલ્હી જઇને વાત કરીશુ.
મોદી : ઠીક છે, પણ ભારતમાં રોકાણનું તો કહેતા જાવ. અમારે ત્યાં એવી સ્ટોરીઓ ચલાવાઇ હતી કે તમે ૧૦૦ અબજ ડૉલર રોકશો.

જિનપિંગ : (હસે છે) તમારી સેન્સ ઑફ હ્યુમર બહુ સારી છે...એરપોર્ટથી અહીં સુધી ક્યાંય એકેય ગરીબ માણસ નજરે નથી પડ્યો. ઝુંપડાં નજરે નથી પડ્યા. આલીશાન રીવરફ્રન્ટના વૈભવી તંબુમાં, સ્પેશ્યલ બોટમાં ને સંખેડાના હિંચકા પર તમે અમારું સ્વાગત કર્યું. એક દેશના વડાની પાંચ કલાકની સરભરામાં પચીસ-પચાસ લાખ ડોલર ખર્ચી શકનારા દેશમાં અમારા રોકાણની શી જરૂર? રોકાણ માગીને તમે અમારી મજાક કરો છો...

મોદી : ના, સાવ એવું ન હોય. તમારું રોકાણ આવશે એમ ધારીને તો આટલો ખર્ચ કર્યો હતો...

જિનપિંગ : એને બદલે આ રૂપિયા પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં રોક્યા હોત તો? મેટ્રોનાં બે-પાંચ-દસ સ્ટેશન બની ગયાં હોત અને ચીન તરફથી કદાચ વધારે લોન મળત. હવે મને થાય છે કે અમારા ડૉલર તમે રીવરફ્રન્ટ પર તંબુઓ બાંધવામાં વાપરી નાખો તો?

મોદી : એ વિશે આપણે વધારે વાત દિલ્હી જઇને કરીશું. અત્યારે આપણે  સંખેડાના હિંચકા જોવા જઇએ...રૂપિયા ખર્ચ્યા જ છે તો પછી....

***
આ કાલ્પનિક સંવાદ હોવાથી તે અધૂરો કેમ છે કે આવો કેમ છે, એવી તકરાર કરવી નહીં અને સચ્ચાઇ કેટલીક વાર કલ્પના કરતાં પણ વધારે ખતરનાક હોય છે એ ભૂલવું નહીં. 

Thursday, September 25, 2014

સ્કૉટલેન્ડની ‘સ્વતંત્રતા’ : ઝંખના અને વાસ્તવિકતા

એને ‘કવિન્યાય’ નહીં, વિરોધાભાસ જ કહેવાય કે ભારત-પાકિસ્તાન, ઇઝરાઇલ-પેલેસ્ટાઇન જેવા લોહીયાળ ભાગલા પડાવનાર બ્રિટનના પોતાના ભાગલા પડતા સહેજ માટે ટળી ગયા. એમ થયું હોત તો પણ એમાં હિંસાની શક્યતા નહીંવત્‌ હતી.

બ્રિટન ઉર્ફે યુનાઇટેડ કિંગ્ડમ/ U.K.ના ચાર ભાગ. અડધા ઉપરાંતના વિસ્તારમાં પથરાયેલું ઇંગ્લેન્ડ, લગભગ ત્રીજા ભાગમાં આવેલું સ્કૉટલેન્ડ અને એ સિવાય બે નાના પ્રદેશ : વેલ્સ તથા ઉત્તર આયર્લેન્ડ. તેમાંથી સ્કૉટલેન્ડ/ Scottland સાંસ્કૃતિક અને રાજકીય રીતે બાકીના બ્રિટન કરતાં- એટલે કે બીજા ત્રણે ભાગ કરતાં- ઘણો જુદો. સ્કૉટિશ લોકોમાં બ્રિટનવિરોધી નહીં એવી અને બ્રિટિશ દેશભક્તિમાં સમાઇ રહે એવી, સ્કૉટિશ ‘અસ્મિતા’ની ભાવના પ્રબળ. પરંતુ તેમને બ્રિટનની સામે ખડા કરનારી બાબત એટલે રાજકીય મતભેદ.

૩૦૭ વર્ષથી બ્રિટનનો હિસ્સો રહેલા સ્કૉટલેન્ડમાં ઉદારમતવાદી રાજકારણની બોલબાલા, જ્યારે ઇંગ્લેન્ડ સહિતના સમૃદ્ધ પ્રદેશોમાં રૂઢિચુસ્તોનો ડંકો વાગે. કેવી રીતે રાજ ચલાવવું અને કેવી રીતે આર્થિક નીતિઓ નક્કી કરવી, એની  ચર્ચામાં એક બાજુ સ્કૉટલેન્ડ હોય અને બીજી બાજુ બાકીના ત્રણ પ્રદેશ.

બ્રિટનના તંત્રમાં સ્કૉટલેન્ડ, વેલ્શ અને ઉત્તર આયર્લેન્ડ પાસે પોતાની સ્થાનિક ધારાસભાઓ છે. (સ્કૉટલેન્ડની ધારાસભા તો ‘પાર્લામેન્ટ’ જ કહેવાય છે.) દેશની સંસદે આ ધારાસભાઓને સ્થાનિક બાબતોમાં નિર્ણયો લેવાની સત્તા આપેલી છે. એટલે ધારો કે સ્કૉટલેન્ડને લગતો કોઇ સ્થાનિક મુદ્દો હોય તો એ સ્કૉટલેન્ડની સંસદમાં જ મુકાય, ચર્ચાય અને નક્કી થાય. બીજા કોઇ તેમાં દખલ કરી શકે નહીં. સૌથી મોટો વિસ્તાર ધરાવતું ઇંગ્લેન્ડ પણ નહીં. સામા પક્ષે, ઇંગ્લેન્ડ પાસે સ્થાનિક નિર્ણયો માટે આવી ધારાસભા નથી. તેને પોતાની બધી બાબતોની ચર્ચા દેશની સંસદમાં જ કરવી પડે.  ત્યાં બાકીના ત્રણ પ્રદેશના પ્રતિનિધિઓ હોય. એટલું જ નહીં, ઇંગ્લેન્ડને લગતા વિષયોમાં એ લોકો દખલ પણ કરી શકે. આવી અસંતુલિત સ્થિતિ બ્રિટનના રાજકારણમાં ‘વેસ્ટ લોધિયન ક્વેશ્ચન’ તરીકે ઓળખાય છે. (કારણ કે એ વિસ્તારના મજૂર પક્ષના એક સભ્યે ૧૯૭૭માં પહેલી વાર આ મુદ્દો ઉઠાવ્યો હતો.)

આ અસંતુલનની સામે એ પણ નોંધવું જોઇએ કે બ્રિટનની ‘લોકસભા’ (હાઉસ ઑફ કૉમન્સ)માં કુલ ૬૫૦ બેઠકમાંથી ઇંગ્લેન્ડની ૫૩૩, સ્કૉટલેન્ડની ૫૯, વેલ્સની ૪૦ અને ઉત્તર આયર્લેન્ડની ૧૮ બેઠકો છે. (૨૦૧૦ની ચૂંટણીના આંકડા) એટલે દેખીતું છે કે જે પક્ષનું ઇંગ્લેન્ડમાં વર્ચસ્વ હોય, એ સંસદમાં પણ સર્વોપરિતા ભોગવે અને સ્થાનિક બાબતો ઉપરાંત રાષ્ટ્રિય મહત્ત્વની બાબતોમાં પણ એ પક્ષની જ પીપૂડી વાગે. કોઇ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળે ત્યારે થોડી મુશ્કેલી પડે. કારણ કે વિપક્ષો સાથે મળીને સ્કૉટલેન્ડના ૫૯ સભ્યો ઠીક ઠીક અડચણો પેદા કરી શકે.

બ્રિટનમાં મુખ્ય ત્રણ પક્ષો : લેબર (મજૂર પક્ષ), કન્ઝર્વેટીવ (રૂઢિચુસ્ત પક્ષ- ‘ટોરીઝ’) અને લીબરલ ડેમોક્રેટ. એ સિવાય નાના પક્ષોના કે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટાયેલા સભ્યો પણ ખરા. ઇંગ્લેડન્માં રૂઢિચુસ્ત પક્ષની પકડ, જ્યારે સ્કૉટલેન્ડ બીજો વિકલ્પ ન હતો ત્યારે લીબરલ ડેમોક્રેટિક પક્ષ તરફ ઢળેલું. ત્યાં રૂઢિચુસ્તોની એવી ખરાબ હાલત હોય કે ૫૯ બેઠકોમાંથી માંડ એકાદ બેઠક પર તેમનો ઉમેદવાર જીતે.

કપરી પસંદગી

ઇંગ્લેન્ડની વિશિષ્ટ સ્થિતિ ઘ્યાનમાં રાખતાં, જૂથ એવાં પડવાં જોઇએ કે એકતરફ સ્કૉટલેન્ડ-વેલ્શ-ઉત્તર આયર્લેન્ડ અને બીજી તરફ ઇંગ્લેન્ડ. એને બદલે થયું છે એવું કે એક તરફ સ્કોટલેન્ડ છે અને બીજી તરફ બાકીના ત્રણે પ્રદેશ. કારણ? રાજકારણ.

અંગ્રેજોની ભાગલાવાદી નીતિ અંગે ટીપ્પણી કરતાં સરદાર પટેલે એક વાર એ મતલબનું કહ્યું હતું કે મને થોડા દિવસ માટે બ્રિટનનું રાજ આપવામાં આવે તો હું ઇંગ્લેન્ડ- સ્કૉટલેન્ડ- વેલ્શ- આયર્લેન્ડને એવાં લડાવી મારું કે એ કદી ઊંચાં ન આવે. પરંતુ એવા કોઇ બાહરી પ્રયાસ વિના સ્કૉટલેન્ડ અને બ્રિટન વચ્ચેનું અંતર વધી રહ્યું હતું. સ્કૉટલેન્ડના લોકોના મનમાં આગવી ઓળખના અને રૂઢિચુસ્ત બ્રિટનથી સ્વતંત્ર થઇને પોતાની રીતે પોતાના પ્રદેશનું રાજ ચલાવવાના ખ્યાલ જોર પકડી રહ્યા હતા.

ઘણીખરી બાબતોમાં સર્વોપરિતા ભોગવતી  બ્રિટનની સંસદે ૧૯૯૯માં સ્કૉલેન્ડની ધારાસભાને કેટલીક વઘુ બાબતોમાં સ્વતંત્રપણે નિર્ણય લેવાની સત્તા આપી. બ્રિટનની ગણતરી એવી હતી કે આ રીતે સ્કૉટલેન્ડના લોકોેનો અસંતોષ હળવો બનશે અને અલગાવ પ્રેરનારી બેચેની ઘટશે. પરંતુ બન્યું એનાથી ઉલટું. જેમ સ્કોટલેન્ડની ધારાસભાને વઘુ છૂટછાટ મળતી ગઇ, તેમ બ્રિટનના રૂઢિચુસ્ત રાજકારણ પ્રત્યે સ્કૉટલેન્ડના ઉદાર મતવાદીઓનો અસંતોષ વધતો ગયો. બધા ઉદાર મતવાદીઓ બ્રિટનથી છેડો ફાડી નાખવાના મતના ન હતા. છતાં, રાષ્ટ્રિય સ્તરના ત્રણ પક્ષને બદલે સ્કૉટલેન્ડના અલગ અસ્તિત્ત્વની હિમાયત કરનાર સ્કૉટિશ નેશનલ પાર્ટીનું વર્ચસ્વ વધી રહ્યું હતું. વર્ષ ૨૦૧૧ની ચૂંટણીમાં લીબરલ ડેમોક્રેટિક પક્ષ અને મજૂર પક્ષને બદલે, અલગતાની વાત કરતી સ્કૉટિશ નેશનલ પાર્ટીએ ચૂંટણીમાં ફતેહ મેળવી. ત્યારથી અલગ સ્કૉટલેન્ડના મુદ્દે લોકમતની માગણી જોર પકડી રહી હતી.

ત્રણ વર્ષની મથામણો પછી ગયા સપ્તાહે લોકમત લેવાયો. ત્યાર પહેલાં થતા ઓપનિયન પોલમાં બન્ને પક્ષોનું પલ્લું સરભર દેખાતું હતું અને પાતળા તફાવતથી હારજીત થશે એવું લાગતું હતું. સ્કૉટિશ નેશનલ પાર્ટીના નેતાઓ અને શૉન કૉનરી (જેમ્સ બૉન્ડ પહેલો) જેવી પ્રખ્યાત સ્કૉટિશ હસ્તીઓએ અલગ સ્કૉટલેન્ડની તરફેણમાં પ્રચાર કર્યો, જ્યારે હેરી પૉટર સિરીઝનાં સ્કૉટિશ લેખિકા જે.કે.રોલિંગ અને પ્રખ્યાત ફૂટબોલ સ્ટાર ડેવિડ બૅકહમ સહિતના લોકોએ અખંડ બ્રિટનની હિમાયત કરી. બન્ને પક્ષો પાસે પોતપોતાની દલીલો હતી, પરંતુ સુખદ નવાઇ લાગે એવી વાત એ હતી કે બન્નેમાંથી કોઇ પક્ષે આ અતિસંવેદનશીલ મુદ્દાને ‘દેશપ્રેમ વિરુદ્ધ દેશદ્રોહ’નો મુદ્દો ન બનાવ્યો. બ્રિટનના ત્રણે મુખ્ય પક્ષોએ અને વડાપ્રધાને પણ સ્કૉટિશ લોકોને અપીલ કરી, વઘુ સ્વાયત્તતા માટેનાં વચન આપ્યાં, પણ એનાથી વધારે બીજું કંઇ નહીં. જોવાની વાત એ પણ સ્કૉટલેન્ડ છૂટું પડે તો તેની સીધી અસર બ્રિટન પર થાય એમ હતી. છતાં, આ મુદ્દે ‘હા’ કે ‘ના’નો મત ફક્ત સ્કૉટિશ લોકોએ જ આપવાનો હતો અને બાકીના બ્રિટને તે નતમસ્તકે સ્વીકારી લેવાનો હતો.

ઉગ્ર ભાષણબાજી જરૂર થઇ, પણ તેમાં હિંસકતા ન હતી. ઉશ્કેરણી ન હતી. સમજાવટ અને સંવેદનાને સંકોરવાના પ્રયાસ હતા.  સ્કૉટિશ નેશનલ પાર્ટીના નેતા ઍલેક્સ સૅલમન્ડ કહેતા હતા કે બ્રિટનથી અલગ થયા પછી સ્કૉટલેન્ડ પાઉન્ડનું ચલણ ચાલુ રાખશે, યુરોપીઅન યુનિઅનનું સભ્યરાષ્ટ્ર બની જશે, બ્રિટન સાથે મુક્ત સરહદો રાખશે અને વિશ્વના સૌથી ધનવાન દેશોની યાદીમાં વીસમા નંબરે આવી જશે.  ઉત્તરી સમુદ્રમાં રહેલા ઑઇલના ભંડાર આર્થિક બાબતોમાં સ્કૉટલેન્ડની મુસ્તાકીનું એક કારણ છે. પરંતુ એ બાબતે બે મુખ્ય દલીલો હતી : ૧) ઑઇલ સ્કૉટલેન્ડમાં ખરું, પણ તેને કાઢવાની કડાકૂટ અને ખર્ચ બ્રિટને કર્યો છે. ૨) ઑઇલનો પુરવઠો ઝડપભેર ઘટી રહ્યો છે.

જે.કે.રોલિંગ જેવાં સ્કોટિશ લેખિકાએ અખંડ બ્રિટનને ટેકો આપતો ખુલ્લો પત્ર લખ્યો. તેમના જેવા ઘણાની દલીલ એ હતી કે અખંડ બ્રિટનના ભાગ તરીકે રહેવામાં સ્કૉટલેન્ડની ભલાઇ છે. તેનાથી અલગ થયા પછી પોતાનું ફોડી લેવા જેટલી સ્કૉટલેન્ડની ક્ષમતા છે કે નહીં, એ વિશે તેમને શંકા હતી. બલ્કે ઘણી હદે ખાતરી હતી કે સ્કૉટલેન્ડને બહુ અઘરું પડશે. મુદ્દો પાઉન્ડનું ચલણ ચાલુ રાખવાનો હોય કે પછી યુરોપીઅન યુનિઅનમાં સમાવેશનો, આ બન્ને બાબતોનો નિર્ણય સ્કૉટલેન્ડના હાથમાં નહીં હોય. ઉલટું, બ્રિટનમાંથી ભૌગોલિક રીતે- જરા અતિશયોક્તિ કરીને કહીએ તો- બ્રિટનનું અંગછેદન કરીને, અલગ પડેલા સ્કૉટલેન્ડ માટે બ્રિટનના લોકોને સદ્‌ભાવ નહીં રહે. એટલે સદ્‌ભાવ ન ધરાવતા પાડોશીઓ વચ્ચે સ્કૉટલેન્ડને રહેવાનું આવશે.

પસંદગી અઘરી હતી : એક તરફ આઝાદ થવાની વર્ષોજૂની ઝંખના અને નેતાઓ દ્વારા બતાવાતી ગુલાબી સંભાવનાઓ, બીજી તરફ સ્વતંત્ર થયા પછીની કઠણાઇઓનું ચિત્ર. છેવટે, ઓપિનિયન પોલની ધારણાઓ ખોટી પાડીને અખંડ બ્રિટનના પક્ષનો વિજય થયો. સ્કૉટલેન્ડના ૫૪ ટકા લોકોએ બ્રિટનની સાથે રહેવાનું પસંદ કર્યું છે. જોકે, ૪૬ ટકા જેટલા મોટા પ્રમાણમાં સ્કૉટિશ લોકો અલગ સ્કૉટલેન્ડ ઇચ્છે છે, એ અહેસાસ અલગ સ્કૉટલેન્ડ માગનારા લોકો માટે આશ્વાસનકારી છે. લોકમતનાં પરિણામ સ્વીકાર્યા પછી સ્કૉટિશ નેશનલ પાર્ટીના નેતા સૅલમન્ડે ભવિષ્યમાં લોકમતની માગણીનાં બારણાં ખુલ્લાં રાખ્યાં છે.

આખેઆખો એક પ્રદેશ દેશથી છૂટો પડે કે નહીં, એવા અત્યંત જ્વલનશીલ મુદ્દે બ્રિટિશ પ્રજાએ એકંદરે જે સભ્યતાથી કામ લીઘું છે તે ભારે સુખદ છે. સાથોસાથ એ પણ નક્કી છે કે સ્કૉટલેન્ડ માટે આ લોકમતમાં બન્ને હાથમાં લાડુ હતા : જીતે તો સારું. ન જીતે તો વધારે સારું. જીતે તો અલગ અસ્તિત્ત્વ - અને તેની સાથે આવતી માથાકૂટો- મળે. હારે તો બ્રિટન જેવા મોટા દેશના હિસ્સા તરીકેનો મોભો જતો કર્યા વિના, આંતરિક રીતે વઘુ ને વઘુ સ્વાયત્તતા મળે.

સ્કૉટલેન્ડ જીત્યું હોત તો બ્રિટન માટે કઠણ પરિસ્થિતિ સર્જાત. સ્કૉટલેન્ડના ઑઇલ ભંડાર અને કાંઠે રહેલી બ્રિટિશ અણુસબમરીનોથી માંડીને સ્કૉટલેન્ડમાં રહેલા અનેક બ્રિટિશ વ્યાપારગૃહોના પ્રશ્નો આવત. તેમણે કદાચ સ્કૉટલેન્ડ છોડ્યું હોત. બ્રિટને પણ સ્કૉટલેન્ડમાં આર્થિક મદદ કે રોકાણો બંધ કર્યાં હોત. દુનિયાના વઘુ એક ભાગમાં તનાવને સત્તાવાર સ્વરૂપ મળ્યું હોત અને વિશ્વવ્યાપી ઉચાટમાં નાના પાયે વધારો થયો હોત.

Monday, September 22, 2014

છ દાયકા પહેલાં રવિશંકર મહારાજની ચીન-યાત્રા

પેકિંગ (હાલના બેજિંગ)માં ૧૯૫૨માં યોજાયેલી શાંતિ પરિષદમાં ભાગ લેવા અને એ બહાને ચીનની સાંસ્કૃતિક મુલાકાત લેવા માટે ભારતીય પ્રતિનિધિ મંડળ ચીન ગયું હતું. તેમાં ઉમાશંકર જોશી અને યશવંત શુક્લ જેવા ગુજરાતી સાહિત્યકારો ઉપરાંત સાદગી-સેવાના અવતાર સમા રવિશંકર મહારાજ પણ જોડાયા હતા. કેવો હતો તેમનો સામ્યવાદી ચીનનો અનુભવ?

ravishankar maharaj / રવિશંકર મહારાજ

સૌથી પહેલાં એક સ્પષ્ટતા : અહીં જે રવિશંકર મહારાજની વાત છે તે ‘આર્ટ ઑફ લિવિંગ’વાળા (શ્રીશ્રી રવિશંકર) કે સિતારવાદક (પંડિત રવિશંકર) કે અમદાવાદમાં જેમના નામે આર્ટ ગેલેરી છે તે (કળાગુરુ રવિશંકર રાવળ) નહીં, પણ પ્રખર ગાંધીવાદી લોકસેવક. ગુજરાતમાં આવું લખતાં ખટકો તો લાગે, પણ વાસ્તવિકતા અને ગુજરાતીઓની વિસ્મરણશક્તિ ઘ્યાનમાં રાખતાં આટલી ચોખવટ જરૂરી હતી. થોડીઘણી સારી યાદદાસ્ત ધરાવતા ગુજરાતીઓ રવિશંકર મહારાજને ૧૯૬૦માં ગુજરાત રાજ્યના આરંભે આશીર્વાદ પ્રવચન કરનાર તરીકે ઓળખે છે.  ઝવેરચંદ મેઘાણીએ ‘માણસાઇના દીવા’માં ‘ગાંધીટોળીના બહારવટિયા’ રવિશંકર મહારાજનું એક મહત્ત્વનું જીવનકાર્ય (બહારવટિયાઓની સુધારણા) આલેખ્યું છે. દરેક ગુજરાતી માટે વાંચવું ફરજિયાત ગણાય એવું એ પુસ્તક છે. છતાં  એના નાયક રવિશંકર મહારાજ ગુજરાતમાં જ ભૂલાઇ જાય એ (ગુજરાત માટે નવી નહીં એવી) કરુણતા છે.

નિર્ભાર સાદગી અને સેવાની ગાંધીપરંપરાનાં જૂજ નામોમાં સ્થાન ધરાવતા રવિશંકર મહારાજ ચીન જઇને શું કરવાના? એવો પ્રશ્ન  એ વખતે -૧૯૫૨માં પણ- ઘણા લોકોને થયો હતો. ‘સમૂળી ક્રાંતિ’ના લેખક કિશોરલાલ મશરૂવાળાએ મહારાજને એક પત્રમાં લખ્યું હતું, ‘...આપના ચીન જવાની બાબત છાપામાં વાંચી હતી ખરી. પણ સાચે જ મેં એને વજન નહોતું આપ્યું. પણ એ તો સાચી નીકળી...બાપડા ચીનાઓ તમારે માટે વિવિધ જીવજંતુઓના અને પ્રાણીઓનાં સરસ શાકભાજી, ચટણી, મુરબ્બા તૈયાર કરશે, ખેતરમાંથી ચાના લીલા પાંદડા તોડીને ચાનું પાણી ઉકાળી આપે, અને તમે મહેમાનો ઊલટી કરવા મંડશો ત્યારે તમને શું ખવડાવવું તેના જ વિચારમાં મૂંઝાઇ જશે. ચીનમાં દરિદ્રતાનું પૂરું દર્શન થઇ શકે એવા ભાગોમાં ખરું પૂછતાં પહોંચવાની જરૂર છે. પણ ત્યાં પહોંચી શકશો કે કેમ એ શંકા છે. ..ભાઇ માવળંકરે જેક બેલ્ડનનું ચીન વિષેનું પુસ્તક (ચાઇના શેક્સ ધ વર્લ્ડ) વાંચ્યું જ હશે. ન વાંચ્યું હોય તો એ વાંચી જાય અને ત્યાંની દરિદ્રતાથી અને સમાજસ્થિતિનાં એમાં જે વર્ણનો છે તેથી થોડા પહેલેથી આપને પરિચિત કરી દે તો સારું થશે. એ વર્ણનોમાં અતિશયોક્તિ કેટલી અને સચ્ચાઇ કેટલી છે તે જાણવાની જરૂર છે.’ (૫-૯-૧૯૫૨)

‘જન્મભૂમિ’ દૈનિકના પ્રતિનિધિએ મુંબઇમાં મહારાજની મુલાકાત લીધી ત્યારે મહારાજે તેમને કહ્યું હતું, ‘હું ત્યાં જઇ શું મેળવી શકીશ, શું કરીશ તે કંઇ જાણતો નથી. અંદરથી ધક્કો લાગ્યો છે તેથી જાઉં છું. જો મને શીખવાનું-જાણવાનું મળતું હોય તો સામ્યવાદીઓ શું, ગમે તેની વચ્ચે જવા તૈયાર છું. મારી આંખે જે જોઇશ ને સમજશક્તિથી જે સમજીશ તે લઇ આવીશ. ચીન સામ્યવાદી છે એટલા જ ખાતર ન જવું એ યોગ્ય નથી...મારે ખાસ કરીને ગામડાં જોવાં છે. જ્યાં નહેરો થઇ છે તે વિસ્તારમાં સ્વતંત્ર રીતે ફરવું છે. અત્યંત પછાત ગણાતા પ્રદેશમાં જવું છે અને એક સામાન્ય વિભાગ પસંદ કરવો છે. મારે જોવું છે કે ચીન ખરેખર સમૃદ્ધ છે કે નહિ. જો છે તો તે સમૃદ્ધિ એમણે કેવી રીતે પેદા કરી તે જાણવું છે. લાખો માણસો સ્વેચ્છાએ અંતરની ઊર્મિથી જ કામ કરે છે, પરિશ્રમ કરવાનો તેમનો સ્વભાવ છે કે નવું જોમ પેદા થયું છે, બદલારૂપે એમને શું મળે છે વગેરે જાણવું છે...’

‘ભાષાનું શું કરશો એવી પૃચ્છાના જવાબમાં મહારાજે કહ્યું હતું, ‘ભાઇ ઉમાશંકર (જોશી) અને યશવંત (શુક્લ) મારી સાથે છે. બઘું ગોઠવી આપશે.’ (મુલાકાત તા. ૧૭-૯-૧૯૫૨)

જીવનના પહેલા વિદેશપ્રવાસમાં મહારાજે સામાન શો લીધો હતો? રેંટિયો, પૂણીઓ, એક ગરમ ધાબળો, બે અંગરખા, એક ટુવાલ, જે નાહીને શરીર લૂછવામાં અને રાત્રે પાથરવામાં પણ કામ લાગે, બે થેલી, એક લોટો અને એ બીસ્તર ઝોળી દોરીથી બાંધવાની. આ ઝોળીમાં બધો સામાન આવી જાય. ચીનની ઠંડીમાં તેમણે ગરમ બંડી અને કામળીથી જ ચલાવ્યું. દેશમાં પણ ઉઘાડા પગે ફરવાની રીત ચીનમાં પણ તેમણે ચાલુ રાખી. ક્યાંક જરૂર પડે ત્યારે લાકડાની પાવડી પહેરતા.  નિયમિત રેંટિયો કાંતતા, જે તેમણે પેકિંગની પરિષદ પછી શાંતિના પ્રતીક તરીકે ભેટમાં આપ્યો. ચીનમાં તેમણે કશી ખરીદી કરી નહીં. રોકડ ભેટો જે મળી, તે ત્યાં જ આપી દીધી.

Ravishankar Maharaj in Peking Peace Conference, 1952
 / રવિશંકર મહારાજ પેકિંગની શાંતિપરિષદમાં

એશિયા-પેસિફિકના દેશોની શાંતિ પરિષદમાં મહારાજે તેમના પ્રવચનમાં ગાંધીજીને યાદ કરીને કહ્યું, ‘ગાંધીજીના વિચાર અને આચારના કેન્દ્રમાં શાંતિ જ હતી. ખોટા દેશાભિમાન કે સંકુચિત રાષ્ટ્રવાદથી એમણે ક્યારે પણ પોતાના ઘ્યેયને દૂષિત થવા દીઘું નથી. એ કહેતા કે દુનિયાની બધીયે વસ્તુઓ સમાજની સહિયારી છે, અને માણસજાતે એની ન્યાયી વહેંચણી કરીને એ ભોગવવાની છે. મૂઠીભર માણસોનો કે એકાદ રાષ્ટ્રનો એના પર ઇજારો ન હોવો જોઇએ.’ તેમની સાથે રહેલા ઉમાશંકર જોશીએ પોતાના પુસ્તક ‘ચીનમાં ૫૪ દિવસ’માં નોંઘ્યું છે કે ‘(મહારાજનું) ભાષણ બહુ માનપૂર્વક સંભળાયું હતું અને એ દિવસોમાં ભાષણ પૂરું થતાં ઊભા ન થવાની સૂચના હતી. છતાં આખું સભાગૃહ ઊભું થઇ ગયું હતું.’ (સ્ટેન્ડિંગ ઓવેશન)

Ravishankar Maharaj in a school in Shanghai /
શાંઘાઇના બાલમંદિરમાં રવિશંકર મહારાજ અને પ્રતિનિધિઓ

ચીનથી પાછા ફર્યા પછી ‘મારો ચીનનો પ્રવાસ’  પુસ્તકમાં મહારાજે ચીનનાં અઢળક વખાણ કર્યાં. ‘યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને અને પ્રોફેસરોને મળ્યો. ત્યાં તેમની સાદાઇ અને દેશની ભાષા પ્રત્યેના પ્રેમનો મને અનુભવ થયો...ત્યાં મેં કોર્ટો જોઇ, પણ ધંધાદારી વકીલ ન જોયા. અને કેસનો નિકાલ વગર ખર્ચે તથા ઝડપથી થતો જોયો...ત્યાંની સભાઓ જોઇ અને રાષ્ટ્રના સ્વાતંત્ર્યદિનનું છ લાખ માણસોનું સરઘસ પણ જોયું. એની શાંતિ, શિસ્ત અને વ્યવસ્થા જોઇને મને ખૂબ આનંદ થયો...હું ચીનનાં ગામડાંઓમાં ફર્યો, ખેડૂતોનાં ઘરોમાં રહ્યો, ત્યાંનાં ખેતરોમાં ધૂમ્યો...  મેં ન જોયાં કોઇ કામધંધા વગરના નવરા માણસો, નાગાં-ભૂખ્યાં માણસો કે ભિખારીઓ. મેં ગરીબાઇ જોઇ, પણ ભૂખમરો ન દીઠો. સૌ ખાધેપીધે સુખી માલૂમ પડ્યાં. ત્યાં ઘણી વસ્તુઓની તંગી જોઇ, પણ નિરાશા ન ભાળી...જેને ભાગે જે કામ આવ્યું તે સૌ કોઇ ઉત્સાહ અને આનંદથી કરતાં હતાં. કોઇના ઉપર કામ કે મજૂરી લદાઇ છે એમ ન જણાયું... છ મણ (કાચા) વજન કાવડમાં ઊંચકીને સહેલાઇથી ચાલતા ખેડૂતો અને મજૂરોનાં કાંડા-બાવડાની તાકાત જોઇ. મોટાં તોતિંગ યંત્રો સિવાય, જાતમહેનતથી, ૧૨૫ માઇલની નહેર એક વર્ષમાં દસ લાખ માણસોએ તૈયાર કરેલી મેં જોઇ. મેં ૫૦ હજાર માણસોને એકી સાથે નહેર પર કામ કરતાં જોયાં અને સંઘશક્તિ અને સંઘવ્યવસ્થાનાં મને દર્શન થયાં...ત્યાં મેં રેલગાડીમાં મુસાફરી કરી, પણ ન જોયાં ગીરદી કે ચઢતાં-ઊતરતાં થતો ધસારો કે ધક્કામુક્કી. ન જોયાં મેં વિના ટિકિટે મુસાફરી કરી ભીડ કરતાં માણસો.’

આ પ્રકારનું વર્ણન દેખીતી રીતે જ અહોભાવથી તરબોળ અને અવાસ્તવિક લાગે. પરંતુ ચીન વિશેની પોતાની દૃષ્ટિ સ્પષ્ટ કરતાં મહારાજે લખ્યું હતું,‘હું ચીનમાં ઉઘાડી આંખ અને ખુલ્લા કાન રાખીને ફર્યો. ત્યાં ઘણું ઘણું જોયું, પણ મેં નિર્ણય કર્યો હતો કે દોષ જોવા માટે ડોકિયું કરીને ન જોવું. તેથી મારા દેશને લાભ પણ શો? મારે તો જાણવું હતું કે કઇ રીતે તેઓએ તેમના રાજકીય, સામાજિક અને આર્થિક પ્રશ્નોનો નિકાલ કર્યો હતો અને નિરાશાના વાતાવરણમાંથી ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું હતું. આથી વિના સંકોચે હું રોજિંદા જીવનના અનેક પ્રશ્નો પૂછતો- રાજકીય, સામાજિક અને આર્થિક. છતાં આટલા મોટા દેશમાં બે માસમાં જોવાય પણ કેટલું? વળી મેં જે જોયું અને મને જે સારું લાગ્યું તે બધાને કસોટીએ ચડાવી ખાતરી કરી નથી.’

ચીનયાત્રાનો તેમણે કાઢેલો અને તેમના ખપનો સાર આટલો હતો : ‘આ બઘું શી રીતે થયું? ત્યાં સરકાર, તંત્ર, પ્રજા અને આગેવાનો, બધા વચ્ચે સુમેળ છે અને બધા ભેગા મળીને પોતાના દેશને બેઠો કરવા પ્રયત્ન કરે છે...દેશની દૃષ્ટિએ જીવવાની ભાવના જોઇ. મને બહુ આનંદ થયો. એ આનંદ અને ઉત્સાહ સાથે મારા દેશમાં આવી ભાવના કેમ જાગે એના વિચારો કરતો હું ત્યાંથી પાછો ફર્યો.’

ચીની પ્રમુખની પાંચ કલાકની અમદાવાદ-મુલાકાત નિમિત્તે થયેલા કરોડોના છેતરામણા ભપકા વાતાવરણમાં છવાયેલા હોય, ત્યારે મહારાજ સરખા સાચકલા ગાંધીજનનું સ્મરણ કદાચ થોડાં પવિત્ર સ્પંદન જગાડે.