Friday, July 13, 2012
દારાસિંઘને અંજલિઃ ‘હનુમાન’ બન્યા પછી તેમને કેવી મુશ્કેલી પડતી હતી?
બધાં
વેજીટેબલ ઘી જેમ ‘ડાલડા’ કહેવાતાં ને ‘પોલ્સન’ બટરનો પર્યાય હતા, એ જમાનામાં
પહેલવાન એટલે બસ એક જ. દારાસિંઘ.
![]() |
| DaraSingh (courtesy: santabanta.com) |
![]() |
| રંધાવા (ડાબે) અને દારાસિંઘ/ Randhawa and DaraSingh |
બીજા બધા હોય. એમ તો દારાસિંઘનો ભાઇ રંધાવા પણ
ખરો. છતાં દારાસિંઘ એટલે દારાસિંઘ. દારાસિંઘની કુસ્તી કે તેમની ફિલ્મો- બન્નેમાંથી
કશું એ વખતે જોવા મળ્યું ન હતું. દારાસિંઘનું અને રંધાવાનું નામ પણ પહેલી વાર
પ્રાથમિક શાળામાં ભણતી વખતે, પંજાબી મૂળિયાં ધરાવતા એક સહાધ્યાયી પાસેથી સાંભળ્યું
હતું. ‘રંધાવા’ જેવું નામ સાંભળીને રમૂજ પણ અનુભવી હતી. એ અરસામાં કોઇક રીતે
દારાસિંઘ અને કિંગકોંગ ટાઇપના મુકાબલા વિશે પણ જાણવા-સાંભળવા મળતું હતું. તેમાં
અપાતી લોહિયાળ ચુનૌતી અને ફેંકાતા વિકરાળ પડકાર ડબલ્યુડબલ્યુએફના પૂર્વરંગ જેવા
લાગતા હતા. દારાસિંઘના પરદેશી હરીફોનાં શરીર જેવાં જ વજનદાર તેમનાં નામ રહેતાં.
![]() |
| DaraSingh Wrestling Bout Ad-1 |
![]() |
| DaraSingh-Randhawa Wrestling Bout Ad-2 |
કદાચ એકાદ મુકાબલો
જોવાનો મળ્યો હોત તો તેની ગંભીરતા સમજાત. (આ વિશે પ્રિય કાર્ટૂનિસ્ટ અને મિત્ર
હેમંત મોરપરિયાએ કાર્ટૂન તથા નાનો લેખ કર્યાં છે. તેની લિન્ક)
મોટા થયા પછી દારાસિંઘ અને મુમતાઝની ટારઝન
અને જેન જેવી જોડી ક્યારેક જોવા મળી. (ટારઝન-જેન યાદ આવતાં જ આડવાત તરીકે એક મસ્ત
કાર્ટૂન યાદ આવે છે, જેમાં ટારઝન ‘જેન્સ ડીફેન્સ વીકલી’ વાંચી રહ્યો હતોઃ-))
![]() |
| DaraSingh- Mumtaz |
દારાસિંઘને અંજલિમાં વ્યાપક રીતે એવું લખાયું કે તે હિંદી સિનેમાના ‘ઓરિજિનલ
હીમેન’ હતા. આ વાત ઐતિહાસિક દૃષ્ટિએ સાચી નથી. કાયદેસરના પહેલવાન તરીકે ફિલ્મોમાં
આવનારા દારાસિંઘ પહેલા હશે, પણ હિંદી ફિલ્મોના પહેલા ‘હીમેન’ તરીકે સુગઠિત કદકાઠી
ધરાવતા પ્રેમનાથનું નામ લેવું પડે. (પ્રેમનાથના એ ‘ગુણ’ પર મધુબાલાથી માંડીને એ
સમયની અનેક સુંદરીઓ મોહિત થઇ હતી) અને પ્રેમનાથથી પણ પહેલાં પૃથ્વીરાજ કપૂર હતા. તેમને કેમ 'હીમેન' ગણવા એ જાણવા માટે નીચેની તસવીરમાં દેખાતા પૃથ્વીરાજના બાવડા પર એક નજર નાખવી પૂરતી થઇ પડશે.
![]() |
| Prithviraj Kapoor |
| Premnath |
![]() |
| ધર્મેન્દ્ર - પૃથ્વીરાજ કપુર/Two HeMen: young Dharmendra with Prithviraj Kapoor |
સમજણમાં દારા સિંઘનો હનુમાન અવતાર અને
સાંસદ અવતાર જોવા મળ્યાં. એ સિવાય ‘મિલ્કફુડ દેસી ઘી’ની
જાહેરાતમાં પણ દારાસિંઘ ટીવી પર 'ભઇ વાહ' બોલતા જોવા મળતા હતા.
‘રામાયણ’ જેવી વિલંબિત ગતિએ ચાલેલી મહાલોકપ્રિય
સિરીયલમાં દારાસિંઘનું હનુમાન તરીકેનું કાસ્ટિંગ કેવું આબાદ હતું, તેનો દારાસિંઘના
જ એક યાદ રહી ગયેલા અવતરણ પરથી આવશે.
સિરીયલ પૂરી થયા પછી હનુમાન તરીકેની પ્રચંડ
લોકપ્રિયતાના અરસામાં દારાસિંઘે એક ઇન્ટરવ્યુમાં તેમના વ્યક્તિત્વની ખાસિયત જેવી
માસૂમિયત સાથે કહ્યું હતું કે ‘હનુમાનનો રોલ કર્યા પછી હું ભારે મુસીબતમાં આવી
પડ્યો છું. એક કુસ્તીબાજ તરીકે હું બે હાથ જોડીને આંખ મીંચીને હનુમાનનું સ્મરણ
કરવા ટેવાયેલો છું, પણ હવે (રામાયણમાં હનુમાનનો રોલ કર્યા પછી) હું જ્યારે આંખ
મીંચીને હનુમાનનું સ્મરણ કરું છું, ત્યારે મને મારો જ ચહેરો દેખાય છે.’
![]() |
| જય હનુમાન? |
દારાસિંઘને વિદાયસલામ.
Labels:
ad,
film/ફિલ્મ,
religion,
sports
Wednesday, July 11, 2012
ગ્રાહક રામાયણ ઉર્ફે કસ્ટેમર ‘કેર'
ગાંધીજીએ ભલે કહ્યું હોય કે ગ્રાહક દેવતા સમાન છે,
પણ દુકાનદારોને અમુક પ્રકારના ગ્રાહકો
સળગતા દેવતા સમાન લાગતા હોય છે. દુકાનદારો અને ગ્રાહકો વચ્ચેના સંબંધને
ઉંદર-બિલાડીના સંબંધ સાથે સરખાવી શકાય. ફરક એટલો કે તેમાં બન્ને પોતાને બિલાડી
અને સામેવાળાને ઉંદર ગણે છે. દુકાનદાર માને છે કે હું ઢગલાબંધ રૂપિયા ખર્ચીને
દુકાન ખોલીને બેઠો છું, એટલે
મારો હાથ ઉપર રહેવો જોઇએ. ગ્રાહક માને છે કે બીજી દુકાનો છોડીને હું આ દુકાને
રૂપિયા ખર્ચવા આવ્યો છું, એટલે
મારું મહત્ત્વ વધારે છે. અલબત્ત, મનમાં
થતી ઘણી લાગણીઓની જેમ આ લાગણી જાહેરમાં વ્યક્ત કરી શકાતી નથી અને તેનાથી પીછો પણ
છોડાવી શકાતો નથી. એટલે, સભ્ય
સમાજમાં સ્વીકાર્ય બને એ રીતે પોતાનું પલ્લું ઊંચું રાખવા માટે ગ્રાહક જાતજાતના
પેંતરા કરે છે.
પહેલાં
અહીં એક કાકા બેસતા હતા
પોતાની જાતને
વફાદાર અને જૂના ગ્રાહક તરીકે સ્થાપિત કરવાથી ખરીદીમાં ફાયદો થતો હોવાનું કેટલાક
ગ્રાહકો માને છે, પણ વફાદારી
બતાવવી શી રીતે? ‘જુઓ, ૧૯૮૬થી અત્યાર સુધી મેં તમારી દુકાને કરેલી
ખરીદીનાં બિલ'- એવી રજૂઆત ભાગ્યે
જ કોઇ ગ્રાહક કરી શકે. વધારે મહત્ત્વનો મુદ્દોઃ ગ્રાહક ખરેખર જૂનો હોય અને ફાયદો
મેળવે તેમાં શી નવાઇ? પહેલી વાર દુકાનનું પગથિયું ચડનાર ગ્રાહક
પોતાની વફાદારી સાબીત કરી આપે, એમાં
સાચી કળા છે. આવા કળાકારો વિવિધ સંવાદો અવકાશમાં તરતા મુકે છે- એ આશાએ કે તેનાથી
દુકાન અને દુકાનદાર સાથે લાગણીનો સંબંધ સ્થાપિત કરીને, ‘મારી પાસેથી તમે ઓછા રૂપિયા જ લેશો’ એવું નૈતિક દબાણ
દુકાનદાર પર ઊભું કરી શકાય.
કાઉન્ટર
પર ઊભેલા યુવાન માલિકને જોઇને ગ્રાહક કહી શકે છે,‘પહેલાં હું આવતો હતો ત્યારે અહીં એક કાકા બેસતા હતા.'
લગભગ દરેક દુકાને પહેલાં કોઇ કાકા બેસી
ચૂક્યા હોય છે. શક્ય છે કે યુવાનને પોતાના સદ્ગત પિતાજી યાદ આવી જાય અને તેમને
આટલા પ્રેમથી સંભારનાર પ્રત્યે તેના મનમાં કૂણી લાગણી જન્મે. થડા પર યુવાનને
બદલે ખુદ કાકા જ બેઠેલા હોય ત્યારે શું કરવું? તેમની સમક્ષ ચતુર ગ્રાહક પેંતરો બદલે છે,‘હું ચડ્ડી પહેરતો હતો ત્યારનો અહીં આવું છું.
એ વખતે તમે મૂછો રાખતા હતા અને તમારા વાળ પણ કાળા ભમ્મર હતા.' એ સાંભળીને કાકાને પોતાની જુવાની યાદ કરાવનાર
પ્રત્યે ભાવ જાગે અને વસ્તુના ભાવમાં ફરક પડે એવી શક્યતા રહે છે.
છેક પાંજરાપોળથી આવું છું
કેટલાક
ગ્રાહકો દુકાનદારની લાગણીને બદલે તેની સહાનુભૂતિ જીતવાનો પ્રયત્ન કરે છે. દુકાનની
અંદર પહોંચ્યા પછી બે મિનીટ સુધી એ હાંફે છે. કાઉન્ટર પરનો માણસ આંખના ઇશારાથી ‘શું જોઇએ?' પૂછે, એટલે
આ જાતના ગ્રાહક હાથના ઇશારાથી ઠપકાભરી નજરે સંકેત કરે છે,‘બે મિનીટ શ્વાસ તો ખાવા દો, ભલા માણસ.' કોઇ દુકાનદાર દ્રવી જાય તો માણસ પાસે પાણી મંગાવીને તેમને પાય છે. સ્વસ્થ
થયા પછી ગ્રાહક ચીજવસ્તુ પસંદ કરે છે. છેલ્લે બિલ ચૂકવવાનું થાય, ત્યારે એ દુકાનદાર સામે અપેક્ષાભરી નજરે
જોઇને કહે છે,‘હું છેક મણિનગરથી
આવું છું. અમારે ત્યાં બે-ચાર દુકાનો છે, પણ મને ખબર છે કે અહીંના જેવું ક્યાંય નહીં મળે. એટલે આટલા તડકામાં,
સાયકલ લઇને તૂટતો તૂટતો સ્પેશ્યલ આવ્યો
છું. પાછો તૂટતો તૂટતો જવાનો છું. ભાવમાં તમે સમજજો પાછા.' સજ્જન દુકાનદાર એમને કહી શકતો નથી કે તમે મણિનગરને
બદલે માણેકચોકમાં ઘર લઇ લો, જેથી
મારે ભાવમાં સમજવું ન પડે.
હસમુખ હોલસેલને ઓળખો? અમારે એમની જોડે ઘર જેવું
કેટલાક ગ્રાહકો દુકાનદારોને લાગણીથી નહીં, પણ પોતાની પહોંચથી પ્રભાવિત કરી જુએ છે. માલ જોતાં જોતાં એ દુકાનદારને
પૂછે છે,‘પેલા હસમુખ હોલસેલને ઓળખો? એ અમારા વેવાઇના માસીનો છોકરો થાય. તમારી દુકાનનું ઠેકાણું એણે જ
દેખાડયું. કહે, ‘આપણું નામ દેજો તમતમારે, એટલે વાજબી ગણીને જ લેશે.'
અથવા ‘મનુ મૂળજીને ઓળખો? એને અમારે ઘર જેવું, પણ તકલીફ શું છે કે એ પૈસા લેતા નથી. આપણાથી દર વખતે મફત થોડું લેવાય, હેં?'
મોબાઇલના જમાનામાં ઓળખાણનો પ્રભાવ પાથરવાનું
વધારે સહેલું બન્યું છે. દુકાનમાં માલ જોતી વખતે મોબાઇલ રણકે એટલે ગ્રાહક મ્યાનમાંથી
તલવારની જેમ કવરમાંથી મોબાઇલ કાઢે છે,‘હેલ્લો, રાઠોડસાહેબ. બોલો, બોલો.' પછી ઇન્સ્ટ્રુમેન્ટથી
મોં થોડું દૂર લઇ જઇને, દુકાનદાર ભણી જોઇને કહે છે,‘સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટર રાઠોડસાહેબ...આપણે ઘર જેવો સંબંધ... કંઇ
કામકાજ હોય તો કહેજો...પતાવી દેશે...' અને દુકાનદાર ખરેખર
કામ ચીંધે ત્યારે? ‘સરકારી નોકરીઓમાં બદલીનું કેવું હોય છે, તમને ક્યાં નથી ખબર? આજે અહીં તો કાલે ક્યાંના ક્યાં. રાઠોડસાહેબ
ગયા અઠવાડિયે જ ભાવનગર ગયા. ત્યાંનું કંઇ હોય તો બેધડક કહેજો.'
નાસિકમાં તો એક સાથે ૧૯ દુકાનોની લાઇન છે
કેટલાક ગ્રાહકો અઠંગ પ્રવાસી હોય છે. ખરીદી
વખતે એ લોકો પ્રવાસમાંથી સંચિત કરેલા જ્ઞાનનો છૂટથી ઉપયોગ કરે છે. એવા ગ્રાહકો
દુકાને મીઠું લેવા જાય તો કહેશે,‘હું એક વાર રતનપુર ગયો હતો. ત્યાં એક સાથે
મીઠાની ૨૭ ઘંટીઓ અને મીઠું મણના ભાવે જ મળે. ઊપાડો તમતમારે.' અથવા કોપરાનું છીણ લેવા જનાર કહેશે,‘ગઇ સાલ કેરળના અટ્ટમપટ્ટમમાં જોયું હોય તો! એક સાથ કોપરાની આઇટેમોની ૧૩
દુકાનો અને તમારી સામે જ તાજા કોપરામાંથી તમે કહો એ બનાવી આપે.' દુકાનદાર માટે આ જાતના સંદેશા પાછળની ગર્ભિત ચીમકી : તમે જેના આટલા બધા
રૂપિયા માગો છો, એ ચીજ ગધેડે ગવાતી મેં જોઇ છે. મને કાચોપોચો ન
સમજશો અને ભાવ વાજબી કરજો.'
આ જાતના
ગ્રાહકોમાં નાસિક-રતનપુરને બદલે સ્થાનિક ગંજબજાર અને મેઇન માર્કેટના ભાવની દુહાઇ
આપનારા ‘જુનિયર' કેટગરીના લોકો પણ હોય છે. કોઇ પણ ચીજનો ભાવ
સાંભળીને એ લગભગ ચિત્કારી ઊઠે છે,‘એક
કિલોના રૂ. 55? આટલા બધા હોતા
હશે? માણેકચોકમાં તો 35 રૂપિયે
કિલો મળે છે. મારા સાળાની ત્યાં જ દુકાન છે. એને ફોન કરું તો ત્યાંથી લઇને,
ઘેર આવીને આપી જાય.'
પાકું બિલ બનાવીને નીચે સહી કરજો
કેટલાક
ગ્રાહકો હરતાફરતા ‘ગ્રાહક
સુરક્ષા મંડળ' જેવા હોય છે.
નાનામાં નાની વાત પર દુકાનદારનો (શાબ્દિક રીતે) કાંઠલો પકડીને કાનૂની કાર્યવાહીની
ધમકી આપ્યા સિવાય તેમને ચેન પડતું નથી. દુકાનદાર ‘આવો સાહેબ' કહે, તો એ મનમાં વિચારે
છે,‘આ જેટલી વાર સાહેબ કહેશે
એટલો વસ્તુની કિંમત પર ‘સાહેબ-ચાર્જ'
(એટલે કે ‘સર'ચાર્જ)
લગાડશે. હું એવી રીતે નહીં છેતરાઉં.' માથાભારે દુકાનદારો સાથે આવા ગ્રાહકોની ટક્કર ભારત-પાકિસ્તાનની ક્રિકેટ
મેચ જેવી રસાકસીભરી બને છે, પણ
દુકાનદાર ઢીલોપોચો હોય ત્યારે મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઝિમ્બાબ્વેની હોય એવું
લાગે છે.
દુકાનદાર વસ્તુનું
પેકેટ આપે એટલે જાગ્રત ગ્રાહક વજનથી માંડીને કિંમત સુધીની બધી બાબતે જીભાજોડી કરે
છે, કકળાટ મચાવે છે, બીજા બે-ચાર ગ્રાહકોનો બહારથી ટેકો મેળવવાનો
પ્રયાસ કરે છે અને દુકાન છોડતાં સુધીમાં વાતાવરણ એટલું ગરમ કરી મૂકે છે કે તેના
ગયા પછી દુકાનદારને અડધી સ્પેશ્યલ ચા મંગાવવી પડે. દુકાનદાર માથાભારે હોય અને
કોઇ રીતે દબાણમાં ન આવે ત્યારે છેલ્લા ઉપાય તરીકે ગ્રાહક કડકાઇથી કહે છે,‘પાકું બિલ બનાવીને નીચે સહી કરજો.' (જેથી મને આગળ કાનૂની કાર્યવાહી કરવામાં સરળતા
પડે.) ‘પાકું બિલ' અને ‘સહી' જેવા શબ્દો
સાંભળીને દુકાનદાર પીગળે તો ઠીક છે, નહીંતર દુકાનની બહાર જઇને બિલ ફાડી નાખતાં ક્યાં વાર લાગે છે?
આવા ધંધા કરો છો?
ગ્રાહક
અધિકારો પ્રત્યે જાગૃતિ હોવી સારી વાત છે, પણ કેટલાક લોકો ગ્રાહકસુરક્ષાના બહાને પોતાનો વીરરસ
સંતોષે છે. એ લોકો દુકાનમાં કંઇક લેવા
માટે નહીં, પણ કંઇક - ગાળો,
ઉપદેશ, શ્રાપ, ધમકી
ઇત્યાદિ- આપવા માટે જાય છે. દુકાનમાં પેઠા પછી તેમને એક મુદ્દો મળવો જોઇએ,
બસ. - અને એ પણ ન મળે, તો ઊભો કરી લેતાં તેમને આવડે છે. પંદર મિનીટ
સુધી લમણાંઝીક કર્યા પછી દુકાનદારનું મોં સહેજ બગડે, એટલે આ મહાશયો તાડુકે છે,‘એમાં ડાચું શાનું બગાડો છો? તમારી પાસે કંઇ ભીખ લેવા નથી આવ્યા. એવું હોય તો
દિવેલનો ધંધો કરો મિસ્ટર. તમારા જેવા લોકો માટે તો, દુકાન પર કેવી રીતે વર્તવું તેના કોચિંગ ક્લાસ ચલાવવા
જોઇએ. કોણ જાણે, ક્યાંથી ધંધો
કરવા નીકળી પડયા છે. આવું ને આવું કરશો તો કોઇ તમારી દુકાનનું પગથિયું નહીં ચડે,
સમજ્યા?'
ચકિત અથવા
ઉત્તેજિત દુકાનદાર પ્રતિવાદ કરવા જાય, એટલે વાણીશુરા ગ્રાહકને બમણું જોર ચડે છે, ‘હાથ હવામાં શાના ઊલાળો છો? અને બાંયો ચડાવીને બીજાને બીવડાવજો. ભરબજારે દુકાન
લઇને બેઠા છો ને મવાલીગીરી કરતાં શરમ નથી આવતી? હાથમાં બહુ ખંજવાળ આવતી હોય તો કરિયાણું છોડીને સોપારી
લેવાનો ધંધો ચાલુ કરો.'
આવા ગ્રાહક દુકાનની બહાર નીકળે ત્યારે તેમના પર પરમ સંતોષ અને આંતરિક તૃપ્તિના ભાવ જોવા મળે છે, જે મેળવવા માટે ઘણાને હિમાલય જવું પડે છે.
Labels:
Gujarat/ગુજરાત,
humor-satire/હાસ્ય-વ્યંગ
Tuesday, July 10, 2012
‘ગૉડ પાર્ટિકલ’ : હલ્લાગુલ્લા અને હકીકત
જુલાઇ ૪,૨૦૧૨. યુરોપીઅન ઓર્ગેનાઇઝેશન ફોર ન્યુક્લીઅર રીસર્ચ (યુરોપીઅન ટૂંકાક્ષરીઃ ‘સર્ન’) દ્વારા હિગ્સ બોસોન/ Higgs Boson જેવા પાર્ટિકલનો અણસાર મળ્યાની જાહેરાત થઇ. એ સાથે જ ઉત્તેજનાભર્યો માહોલ સર્જાયો. હિગ્સ બોસોનની કલ્પના સાથે સંકળાયેલા ૮૩ વર્ષના બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી પીટર હિગ્સ સહિત દુનિયાભરના ભૌતિકશાસ્ત્રીઓ રોમાંચિત બન્યા.
![]() |
| હિગ્સ બોસોનની જાહેરાત પછી પીટર હિગ્સ/Peter Higgs (right) |
બ્રહ્માંડના સર્જન માટે કારણભૂત એવા બિગ બેન્ગ પછી તરતની ઘડીઓમાં હિગ્સ-બોસોનનું મહત્ત્વ જોતાં, આમજનતામાં પ્રચારપ્રસાર માટે તેને નામ અપાયું :‘ગૉડ પાર્ટિકલ’. આ નામથી લોકોને તેનું મહત્ત્વ સમજાવવાની જરૂર ન રહે એ ખરું, પણ એ નામ ધરાર ગેરરસ્તે દોરનારું હતું. તેના પાપે શુદ્ધ વિજ્ઞાનની ભગવાન સાથે ભૂલભરેલી ભેળસેળ થતી હતી. તેથી ઘણાખરા વિજ્ઞાનીઓ હિગ્સ બોસોનને ‘ગૉડ પાર્ટિકલ’ તરીકે ઓળખવા રાજી નથી.
હિગ્સ-બોસોનના અસ્તિત્ત્વ અંગેની જાહેરાત પછી પણ ‘ગૉડ પાર્ટિકલ’ અને ‘ગૉડ’ વચ્ચેનો ગોટાળો ચાલુ રહ્યો છે. ઘણાં લખાણોમાં ‘ગૉડ પાર્ટિકલ’ને ઇશ્વરીય કે દૈવી તત્ત્વ ગણાવીને, તેના અસ્તિત્ત્વથી ‘માણસે ભગવાન સાથે સંકળાયેલું દૈવી તત્ત્વ શોધી કાઢ્યું’ અથવા ‘માણસ ભગવાનની શોધમાં સાવ નજીક પહોંચી ગયો’- એવાં ભૂલભરેલાં અર્થઘટન થયાં. એ સિવાય બીજી ઘણી ગૂંચો સર્જાઇ છે. તેના તાણાવાણા છૂટા પાડીને, હિગ્સ બોસોનનો આખો મામલો, બને એટલા સરળ શબ્દોમાં સમજવાની કોશિશ કરીએ.
હિગ્સ-બોસોનનો મહિમા
ભૌતિકશાસ્ત્રીઓના અનુમાન પ્રમાણે, ૧૩.૭ અબજ વર્ષ પહેલાં એક બિગ બેન્ગ એટલે કે મહાવિસ્ફોટ થયો. તેમાંથી દળ (માસ) વગરના કણો અને રેડિએશન (વિકિરણ) સ્વરૂપે એનર્જી (ઊર્જા) પેદા થયાં.
પણ એક મિનીટ. જે દળ વગરના હોય તેમને કણ કેવી રીતે કહેવાય? તેનો જવાબ છેઃ ‘કણ’ વિશેની સામાન્ય સમજણ કરતાં ભૌતિકશાસ્ત્રનો ખ્યાલ સાવ અલગ છે. કણની વર્તણૂંક અને બ્રહ્માંડમાં તેમની ભૂમિકા સમજાવતાં સમીકરણોમાં કણોને દળવિહીન- માસલેસ ગણવામાં આવ્યા છે.
કણો દળ ધરાવે છે એવું ધારવામાં આવે તેની સાથે જ, બ્રહ્માંડની રચના સમજાવતાં - અને અત્યાર લગી સાચાં નીવડેલાં- સમીકરણ ખોટાં પુરવાર થાય. માટે, એવો રસ્તો કાઢવો પડે કે જેથી સાપ ન મરે અને લાઠી ન તૂટે. કણોની મૂળભૂત પ્રકૃતિ દળવિહીન રહે, છતાં વાસ્તવિક દુનિયામાં જોવા મળતા કણના દળનો ખુલાસો આપી શકાય.
આ હેતુ માટે ‘હિગ્સ ફિલ્ડ’ની કલ્પના કરવામાં આવીઃ બિગ બેન્ગ પછી પેદા થયેલા દળ વગરના કણ અદૃશ્ય રગડા જેવા ‘હિગ્સ ફિલ્ડ’માં આવ્યા. તેમને ઓછાવત્તા પ્રમાણમાં ‘રગડો’ ચોંટ્યો, એટલે તે દળ ધરાવતા થયા અને તેમની ઝડપમાં ઘટાડો થયો. ક્વાર્ક અને ઇલેક્ટ્રોન જેવા બધા કણોને રગડો એકસરખો ચોંટ્યો નહીં. એટલે તેમનું દળ જુદું જુદું હોય છે. પ્રકાશના મૂળભૂત ઘટક એવા ફોટોન કણો દળવિહીન હોય છે. તેનો અર્થ એ થયો કે હિગ્સ ફિલ્ડમાંથી તે પાણીમાં માછલું તરી નીકળે એમ પસાર થઇ ગયા. હિગ્સ ફિલ્ડનો રગડો તેમને ચોંટ્યો નહીં. એટલે તેમની પ્રકાશઝડપ જળવાઇ રહી.
કણોના દળની સમસ્યાનો નીવેડો તો જાણે હિગ્સ ફિલ્ડની કલ્પનાથી આવી ગયો, પણ હિગ્સ ફિલ્ડ પોતે શાનું બનેલું હોય? બ્રહ્માંડનાં ચાર મૂળભૂત પરિબળોમાંથી ગુરૂત્વાકર્ષણને બાદ કરતાં બાકીનાં ત્રણ- ઇલેક્ટ્રો મેગ્નેટિઝમ/ વિદ્યુત ચુંબકત્વ, વીક ફોર્સ અને સ્ટ્રોંગ ફોર્સ વર્તે છે આખા ક્ષેત્ર/ફિલ્ડની જેમ, પણ તે મૂળભૂત રીતે કણોના બનેલા હોય છે.
બરફગોળો બરફની અસંખ્ય કરચોનો બનેલો હોય છે. છતાં, તેનું અસ્તિત્ત્વ અને તેની અસર આખા બરફગોળા તરીકે નથી હોતાં? એવી જ રીતે, બધા કણોને દળ આપનાર હિગ્સ ફિલ્ડની અસર ભલે આખા રગડા તરીકે થતી હોય, પણ એ રગડો અનેક મૂળભૂત કણોનો બનેલો હોવો જોઇએ.
પરમાણુથી નાના- સબએટમિક- કણો તેમના ગુણધર્મોના આધારે ફર્મિઓન અને બોસોન એમ બે ભાગમાં વહેંચાયેલા છે. તેમાંથી હિગ્સ ફિલ્ડના કણ ‘બોસોન’ પ્રકારના હોવાથી, તે હિગ્સ બોસોન તરીકે ઓળખાયા. આગળ જણાવ્યું તેમ, ભૌતિકશાસ્ત્રના સ્ટાન્ડર્ડ મોડેલ પ્રમાણે, હિગ્સ ફિલ્ડ દળ વગરના કણોને દળ બક્ષે છે. એ હિસાબે હિગ્સ ફિલ્ડના ઘટકકણ એવા હિગ્સ બોસોન પોતે બાકીના બધા જાણીતા કણો કરતાં ઘણા વધારે દમદાર- દળદાર હોવા જોઇએ.એવું ભૌતિકશાસ્ત્રીઓનું ગણતરીપૂર્વકનું અનુમાન હતું.
કલ્પનાને સાચી પાડતો પ્રયોગ
અત્યાર લગી ઓઝલ રહેલા હિગ્સ બોસોનની ભાળ શી રીતે મેળવવી? એ માટે બિગ બેન્ગ જેવા સંજોગો સર્જવા પડે. આ હેતુથી જીનીવા (સ્વિત્ઝર્લેન્ડ)માં લાર્જ હેડ્રન કોલાઇડર ઊભું કરવામાં આવ્યું. તેની ૨૭ કિલોમીટર લાંબી ટનલમાં પ્રકાશની ગતિથી થોડીક જ ઓછી ગતિ ધરાવતા પ્રોટોન વચ્ચે અનેક ટક્કરો થઇ. બિગ બેન્ગ નહીં, સ્મોલ બેન્ગ હી સહી.
ટક્કરો નાના પાયે થવા છતાં, પરિસ્થિતિ અને પરિબળો બિગ બેન્ગ સાથે સામ્ય ધરાવતાં હોવાથી, આ ટક્કરમાંથી પણ ઉર્જા અને કણો છૂટાં પડવાં જોઇએ. ભૌતિકશાસ્ત્રીઓના અનુમાન પ્રમાણે, હિગ્સ ફિલ્ડ રચાવું જોઇએ અને તેમાંથી દળ મેળવીને ક્વાર્ક અને ઇલેક્ટ્રોન જેવા જાણીતા કણો ઉપરાંત બનવા જોઇએ.
હિગ્સ ફિલ્ડ એટલે હિગ્સ બોસોન કણોનો સમુહ, પણ તેમની મુશ્કેલી એ છે કે તેમનું અસ્તિત્ત્વ કલ્પી પણ ન શકાય એટલા ઓછા સમય માટે હોય છે. એ ગણતરીમાં ‘પલ-દો પલ’ તો યુગ જેવડાં લાગે. ભૌતિકશાસ્ત્રીઓના મતે, હિગ્સ બોસોન પેદા થાય તો પણ તે માંડ એક ઝેપ્ટોસેકન્ડ ટકે.
હવે આ ઝેપ્ટો સેકન્ડ એટલે શું? જવાબ છેઃ (મન મજબૂત કરીને વાંચજો) એક સેકન્ડના એક અબજમા ભાગનો એક અબજમો ભાગ અને તેનો પણ એક હજારમો ભાગ. આટલા સમય માટે પેદા થતા હિગ્સ બોસોનને ઝડપવો એટલે વીજળીના ઝબકારે મોતી પરોવવા કરતાં ઘણું વધારે કપરું કામ. વળી, હિગ્સ બોસોન કહેવાય ભલે પાર્ટિકલ, પણ તેનું અસ્તિત્ત્વ કંઇ નરી આંખે જોવાનું ન હોય. તેનું અસ્તિત્ત્વ ફક્ત વઘુ પડતા દળથી ઓળખવાનું હોય.
લાર્જ હેડ્રન કોલાઇડરમાં ટક્કર થાય ત્યારે સેકંડની લાખો તસવીરો લેવાતી હોય. દર સેકન્ડે ૩૦ લાખ ડીવીડી ભરાય એટલો ડેટા પેદા થતો હોય, જેનું ૩૪ દેશોનાં ૧૦ હજાર કમ્પ્યુટર પર પૃથક્કરણ થાય. ૧૦ હજાર ભૌતિકશાસ્ત્રીઓ એ પરિણામોનો અભ્યાસ કરે. આ રીતે થતી પરિણામોની ચકાસણીમાં બે જુદી જુદી સંશોધક ટુકડીઓને અલગ અલગ રીતે, ૧૨૫ અબજ ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું જંગી દળ ધરાવતા, પરમાણુથી પણ નાના કણની એંધાણી મળી.
બ્રહ્માંડના બધા મૂળભૂત કણો વિશે ભૌતિકશાસ્ત્રીઓ જાણતા હતા, પણ તેમાંથી એકેયનું દળ આટલું ન હતું. બીજી તરફ, હિગ્સ સહિતના ઘણા ભૌતિકશાસ્ત્રીઓએ જે હિગ્સ ફિલ્ડની કલ્પના કરી હતી, તેના ઘટકો આટલા દળદાર હતા. લાર્જ હેડ્રન કોલાઇડરમાંથી મળેલાં પરિણામનો એ કલ્પના સાથે મેળ ખાધો. એટલે પૂરતી ચકાસણી કર્યા પછી, સલામતીપૂર્વક એવી જાહેરાત કરવામાં આવી કે પ્રોટોનની ટક્કરમાં તેમને પ્રચંડ દળ ધરાવતો નવો કણ લાઘ્યો છે, જે હિગ્સ બોસોન જેવો હોવાની સંભાવના છે.
આટલા વર્ણન પરથી એ સ્પષ્ટ છે કે હિગ્સ બોસોનની આખી વાતમાં કશું દૈવી કે ઇશ્વરીય નથી. બઘું સદંતર ભૌતિક અને વૈજ્ઞાનિક છે.
હવે શું ?
ભૌતિકશાસ્ત્રનું વર્ષ ૨૦૦૪ માટેનું નોબેલ પારિતોષિક મેળવનાર ડેવિડ ગ્રોસે કહ્યું છે તેમ, ‘અત્યારે હાથ લાગેલો જણાતો કણ હિગ્સ બોસોન નહીં, પણ હિગ્સ કણ છે- ઇટ્સ નોટ ધ હિગ્સ બોસોન બટ એ હિગ્સ.’ આ કણ બોસોનની વ્યાખ્યા પ્રમાણેનાં લક્ષણો ધરાવે છે કે કેમ તેની પૂરી ચકાસણી હજુ થશે.
હિગ્સ બોસોનના અસ્તિત્ત્વની પાકી ખાતરી થઇ જાય, તો સૃષ્ટિના મૂળભૂત ઘટકકણો/ બિલ્ડિંગ બ્લોક્સ વિશેની યાદી સંપૂર્ણ બને છે અથવા એમ કહી શકાય કે, અત્યાર સુધીની જેટલા ઘટકોની કલ્પના કરવામાં આવી હતી એ સૌનું અસ્તિત્ત્વ પુરવાર થાય છે. પરંતુ લાર્જ હેડ્રન કોલાઇડરમાં થતી ટક્કરોમાંથી બીજા, અજાણ્યા કણો મળી આવવાની શક્યતા પણ ઊભી રહે છે. એ સિવાય ઘણા સવાલ પણ ઊભા થાય. જેમ કે, ૧૨૫ અબજ ઇલેક્ટ્રોન વોલ્ટનું દળ ધરાવતો અને અત્યારે ‘હિગ્સ બોસોન’ માની લેવાયેલો કણ તે હિગ્સ બોસોનનો એકમાત્ર પ્રકાર છે કે તેના બીજા વઘુ-ઓછું દળ ધરાવતા પ્રકારો પણ છે? એકથી વધારે પ્રકારના હિગ્સ બોસોન હોય તો તેમના વિઘટનનાં પરિણામ જુદાં જુદાં આવે છે? એવી જિજ્ઞાસા શમાવવા માટે, વઘુ પ્રયોગો અને પરિણામોનાં વઘુ પૃથક્કરણોની રાહ જોવી પડશે. હિગ્સ બોસોન તરીકે મનાયેલા કણનું અસ્તિત્ત્વ સાબીત થયા પછી, તેનાં લક્ષણો અને ગુણધર્મોની ચકાસણીનું તથા તે બીજા કણો સાથે કેવી રીતે વર્તે છે, તે જાણવાનું કામ વર્ષો સુધી ચાલશે.
ભૌતિકશાસ્ત્રની ઘણી શોધોની જેમ હિગ્સ બોસોનના અસ્તિત્ત્વનું પ્રમાણ અત્યારે સામાન્ય માણસને કશા કામમાં આવે એવું જણાતું નથી. પરંતુ બ્રહ્માંડની ઉત્પત્તિ અને તેનો વિસ્તાર જાણવાની અદમ્ય જિજ્ઞાસા મનુષ્યને બીજાં પ્રાણીઓથી જુદો પાડતું મહત્ત્વનું લક્ષણ છે. એ સફરમાં જ્ઞાનની સાથે આડપેદાશ તરીકે ભૌતિક સુખસગવડની ચીજો નીપજી આવતી હોય છે. એક સદી પહેલાં,ઇ.સ. ૧૮૯૭માં ઇલેક્ટ્રોનનું અસ્તિત્ત્વ પુરવાર થયું ત્યારે લોકોને ભાગ્યે જ અંદાજ હશે કે તે વીજળી જેવી માનવજીવનમાં મહત્ત્વનો ફેરફાર આણનારી શોધ માટે કારણભૂત બનશે. એવી જ રીતે, હિગ્સ બોસોનની ભાળ મેળવવા નિમિત્તે થતા પ્રયોગોના આડફાયદા અત્યારે દેખાતા નથી, પણ ભવિષ્યમાં એ નહીં જ મળે એવું શી રીતે કહેવાય?
પણ ત્યાં સુધી ‘હિગ્સ બોસોન’ને તેના બગડેલા નામ (‘ગૉડ પાર્ટિકલ’)ને બદલે સાચા નામે ઓળખવાની ટેવ પાડી લેવામાં કશું ખોટું નથી.
Labels:
Higgs Boson,
science/વિજ્ઞાન
Sunday, July 08, 2012
ચશ્મે બદ્દૂર: જાદુઇ ચિરાગની કમ્પ્યુટર આવૃત્તિ જેવા ‘ગુગલ ગ્લાસ’
કાચ વગરની, અડધીપડધી ફ્રેમ પહેરીને નીકળેલો એક માણસ ઘરની બહાર નીકળે એટલે તેને જમણી આંખની સામેના ટચૂકડા જણાતા ડિસ્પ્લે પર, બહાર કેટલું તાપમાન છે તેનો આંકડો દેખાય છે. એટલામાં આંખ સામેના સ્ક્રીનના ખૂણે મિત્રનો મેસેજ આવે છેઃ ‘મળવું છે?’
ફ્રેમ પહેરનાર માણસ મૌખિક જવાબ આપે છેઃ ‘બપોરે બે વાગ્યે, સ્ટ્રેન્ડ બુક સ્ટોલ પાસે.’ એટલે બોલાયેલો સંદેશો સામા છેડે લેખિત સ્વરૂપમાં પહોંચી જાય છે. ફ્રેમધારી માણસ રસ્તા પર આગળ વધે તેમ આંખ સામેના સ્ક્રીન પર રસ્તાના નકશા આવતા જાય છે. અજાણી જગ્યાએ પહોંચવાનું હોય અને માણસ એ જગ્યાનું નામ બોલે, એટલે સ્ક્રીન પર ત્યાં સુધી પહોંચવાનો નકશો આવી જાય. રસ્તે આવતો એકાદ સબ-વે બંધ હોય તો એની માહિતી પણ મળી જાય છે. રસ્તામાં તે એક કાર્યક્રમનું પોસ્ટર જોઇને મૌખિક આદેશ આપે છે, એટલે કાર્યક્રમની ટિકિટોનું બુકિંગ થઇ જાય છે. એક દૃશ્યનો ફોટો પાડીને પોતાના સર્કલમાં શેર કરવાનો આદેશ આપતાં જ, ફોટો પડી જાય છે અને સૌ મિત્રોને પહોંચી જાય છે. આંખ સામેના એ સ્ક્રીનની મદદથી તે વિડીયો ચેટંિગ કરી શકે છે, પોતાને જે દૃશ્ય દેખાતું હોય તેની વિડીયો લાઇવ ઇન્ટરનેટ પર બતાવી શકે છે, ચાલતાં ચાલતાં હાથ ઝુલાવતાં ઝુલાવતાં એ ફેસબુક પર સ્ટેટસ મુકી શકે છે અને મેસેજ મોકલી શકે છે....
આ વર્ણન કોઇ વિજ્ઞાનકથાનું નહીં, પણ ‘ગુગલ’ના તિલસ્મી ગ્લાસ (ચશ્મા)ની કામગીરી દર્શાતા વિડીયોનું છે. હમણાં સુધી ‘ગુગલ’ કંપનીના ‘પ્રોજેક્ટ ગ્લાસ’/ Project Glass વિશે સાવ ઓછી માહિતી ઉપલબ્ધ હતી, પરંતુ ગયા સપ્તાહે સાન ફ્રાન્સિસ્કોમાં યોજાયેલી ગુગલની ડેવલપર્સ માટેની વાર્ષિક કોન્ફરન્સમાં ગુગલ ગ્લાસ/ Google Glassના કેટલાક પરચા જાહેર થયા. જેમ કે, કેટલાક સાહસિકોએ ગુગલ ગ્લાસ સાથે વિમાન (ઝેપેલીન) માંથી નીચે ઝંપલાવ્યું અને તેમની આંખે દેખાતો નજારો કોન્ફરન્સ હોલના પડદા પર, સૌની સામે લાઇવ રજૂ કર્યો.
ગુગલ ગ્લાસની ચમત્કારિક લાગે એવી કામગીરી વિશે જાણીને ‘સિક્સ્થ સેન્સ’થી જાણીતા ગુજરાતી પ્રણવ મિસ્ત્રીની યાદ આવે. પહેરી શકાય એવી (વેરેબલ) કમ્પ્યુટર ટેકનોલોજીના ક્ષેત્રે ક્રાંતિકારી સંશોધનો માટે પ્રણવ આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવે છે. એ સિવાય હૃદયના ધબકારા અને બ્લડસુગરનું લેવલ માપતાં સાધનોથી માંડીને દોડવાની ઝડપ, કપાયેલું અંતર, બળેલી કેલરી જેવાં અનેક નાનાંમોટાં કામ અને શારીરિક માહિતી પૂરી પાડતાં સાધનો અત્યારે ઉપલબ્ધ છે. પરંતુ ભવિષ્યની પ્રચંડ શક્યતાઓ ઘ્યાનમાં રાખતાં આ બઘું સાવ આરંભિક- નર્સરીની કક્ષાનું લાગે. માઇક્રોસોફ્ટ, એપલ અને ગુગલ જેવી અગ્રણી કંપનીઓ તેનાથી ઘણી આગળ વધવા માગે છે. તે કમ્પ્યુટરને પહેરી શકાય એવાં કરવાને બદલે, કમ્પ્યુટિંગ ટેકનોલોજીને સીધાસરળ સ્વરૂપે, કશી અડચણ વિના પહેરી શકાય એ રીતે રજૂ કરવા માગે છે. લેખની શરૂઆતમાં આપેલું વર્ણન તેનો એક નમૂનો છે.
ગુગલ ગ્લાસનું વર્તમાન, પ્રાયોગિક-પ્રોટોટાઇપ સ્વરૂપ કેમેરા, ટચ પેડ, જાયરોસ્કોપ, એક્સલરોમીટર, કંપાસ, ટચૂકડાં માઇક્રોસ્કોપ અને સ્પીકર જેવાં સાધનો અને એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમથી સજ્જ છે. ઇન્ટરનેટ સાથે તેનું જોડાણ વાઇ-ફાઇ અને બ્લૂ ટૂથ વડે થાય છે. બેટરીથી ચાલતા ચશ્માને ચાલુ-બંધ કરવા માટે બાજુ પર બટન છે. તેનાથી તસવીરો પણ ખેંચી શકાય છે. તસવીરો માટે બીજો વિકલ્પ છેઃ દર દસ સેકન્ડે આપમેળે ફોટો ક્લિક થયા કરે. એ રીતે બાઇક ચલાવતાં કે પહાડ ચડતાં આજુબાજુનાં દૃશ્યોની તસવીર સતત ખેંચી શકાય. કેમેરા હાથને બદલે આપણી આંખમાં જ હોય તો કેવી આશ્ચર્યજનક તસવીરો લઇ શકાય તેનો એક નમૂનોઃ
ફ્રેમની બાજુ પર રહેલા ટચપેડ ઉપરાંત (જાયરોસ્કોપના પ્રતાપે) માથું હલાવવા જેવી ચેષ્ટાઓથી પણ ચશ્માને કમાન્ડ આપી શકાય, એવી ગણતરી છે.
‘હેન્ડ્સ ફ્રી કેમેરા-કમ-સ્માર્ટ ફોન’ની ગરજ સારતા ગુગલ ગ્લાસના ઉપયોગોની શક્યતાનો પાર નથી. તેના થકી ફક્ત સાહસયાત્રાઓનું જ નહીં, કૌટુંબિક મેળાવડા અને મિત્રો સાથેની ગપ્પાંગોષ્ઠિનું પણ લાઇવ વિડીયો સ્ટ્રીમિંગ થઇ શકે છે. ખરીદી કરતી વખતે લાઇવ વિડીયો ચેટના અંદાજમાં ચીજવસ્તુની પસંદગીથી માંડીને ભાવતાલ વિશેનું માર્ગદર્શન આપી-લઇ શકાય છે. આવાં કામોની યાદી અનંત છે. એક વિકલ્પ સર્ચની સુવિધા ઉમેરવાનો પણ છે. જો એ શક્ય બને તો પછી, ચશ્માનું બટન દબાવીને મૌખિક સવાલ પૂછવાનોઃ ‘ભારતની રાજધાની કઇ?’ તરત આંખ સામે ‘દિલ્હી’નું નામ અને ભલું હોય તો નકશામાં દિલ્હીનું સ્થાન પણ આવી જશે.
આવતા વર્ષે ૧૫૦૦ ડોલરમાં ફક્ત ડેવલપર્સ માટે ઉપલબ્ધ થનારા ગુગલ ગ્લાસમાં હજુ ઘણું કામ થવું બાકી છે, પરંતુ તેનો પાયો જે રીતે મંડાયો છે એ જોતાં, ગુગલ ગ્લાસ વાસ્તવિકતા બને તે થોડાં વર્ષનો જ મામલો છે. કંપની ૨૦૧૪થી સામાન્ય ગ્રાહકો માટે બત્રીસ લક્ષણા ગુગલ ગ્લાસ (૧૫૦૦ ડોલર કરતાં ઘણી ઓછી કિંમતે) બજારમાં મૂકવા ધારે છે. તેના અત્યારે કરાયેલા બધા દાવા સાચા પડે તો, એ ગ્લાસ પહેરનારને સ્માર્ટફોન કે ટેબ્લેટ વાપરવાની ખાસ જરૂર નહીં રહે. કારણ કે તેમના થકી કરવાનાં બધાં કામ, ખુલ્લા હાથે અને મૌખિક આદેશથી, ચશ્મા વડે પાર પડી જશે. સ્માર્ટફોન-ટેબ્લેટની ઉપયોગીતા અનેક ગણી વધારી મૂકતાં એપ્સ (જુદી જુદી એપ્લિકેશન્સ) ગુગલ ગ્લાસમાં પણ સામેલ કરવામાં આવશે.
એક તરફ ગુગલ ગ્લાસ ટેકનોલોજીની ઉત્ક્રાંતિને નવી દિશા આપી શકે એવા મનાય છે, તો તેને લગતા કેટલાક સવાલ પણ પૂછાઇ રહ્યા છે. સૌથી પહેલો અને પ્રાથમિક સવાલ ચશ્માના વજનને લગતો અને નંબર ન હોય એવો માણસ ચશ્મા પહેરવાનું પસંદ કરશે કે કેમ, એ છે. ગુગલના કર્મચારીઓ સિવાયના બીજા કેટલાક ચશ્મા પહેરી જોનારા એકમતે સ્વીકારે છે કે તેનું વજન બહુ ઓછું છે અને ચશ્મા પહેર્યાનો ભાર જરાય લાગતો નથી. ‘પ્રોજેક્ટ ગ્લાસ’ સાથે સંકળાયેલા લોકોનો દાવો છે કે આંખ સામેના સ્ક્રીન પર મેસેજ કે બીજી માહિતી તરીકે આવતો રહેતો ડેટા આંખને તેની સામાન્ય કામગીરીમાં બિલકુલ અવરોધરૂપ નહીં બને. ફ્રેમ પર સ્ક્રીન એવી રીતે ગોઠવવામાં આવ્યો છે કે આંખ તેની સહેલાઇથી અવગણના કરી શકે અને ઇચ્છે ત્યારે જ સ્ક્રીન પર જોઇ શકે.
ફોન અને ટેબ્લેટને કારણે માણસોને સતત સ્ક્રીનમાં મોં ખોસીને આજુબાજુના જીવતાજાગતા માણસોને અવગણવાની આદત પડતી જાય છે, ત્યારે ગુગલ ગ્લાસથી એ સમસ્યા વઘુ નહીં વકરે? એવા સવાલનો કંપની તરફથી અપાતો જવાબ ‘ના’ છે, પરંતુ નવી ટેકનોલોજીના ઉપયોગ અને તેની આડઅસરો વિશે પહેલેથી ખાતરીપૂર્વક કંઇ જ કહી શકાતું નથી.
ગુગલ ગ્લાસ પોતે પ્રોસેસિંગ અને ડેટા સ્ટોરેજની સારી એવી ક્ષમતા ધરાવે છે. છતાં, તેનો એક મૂળભૂત આશય ડેટા સ્ટોરેજ કરતાં ડેટા શેરિંગનો- એટલે કે પોતાના વર્તુળોને તસવીરો અને વિડીયો મોકલતા રહેવાનો વધારે છે. ગ્લાસમાં સ્ટોર થયેલો ડેટા ફોન, ટેબ્લેટ કે કમ્પ્યુટરમાં લઇ શકાય છે. પરંતુ સવાલ એ થાય કે તસવીરો અને વિડીયો લેવાનું આટલું સહેલું બની ગયા પછી, તેમનો કેવો ખડકલો થશે? અને તેનો યથાયોગ્ય વહીવટ- તેમની સરખી ગોઠવણ કેવી રીતે શક્ય બનશે?
બીજી તરફ, ‘વેરેબલ કમ્પ્યુટર’થી બહુ અંજાતા ન હોય એવા લોકો પણ, કોઇ પણ જાતની મહેનત કે તકલીફ વિના પોતાના જીવનનું સતત રેકોર્ડિંગ કે શૂટિંગ થતું રહે એ ખ્યાલથી આશ્ચર્યચકિત થયા છે. એવા એક ઉત્સાહીએ ગણી કાઢ્યું છે કે રોજના છ કલાકની ઉંઘ બાદ કરતાં બાકીના બધા સમયનું રેકોર્ડિંગગ કરવાનું હોય તો વર્ષના ૪૫ ટેરાબાઇટના હિસાબે ૮૦ વર્ષનો ૪.૫ પેટાબાઇટ ડેટા થાય. ડેટાના ‘ટેરા’ અને ‘પેટા’ જેવા એકમો હજુ રોજબરોજના વપરાશમાં આવ્યા નથી, પણ જે રીતે ગીગાબાઇટની ક્ષમતા સામાન્ય અને સસ્તી બની છે એ જોતાં, નજીકના ભવિષ્યમાં ટેરા (૧ હજાર ગીગાબાઇટ) અને પેટા (૧૦ લાખ ગીગાબાઇટ) પણ સામાન્ય બની જાય તો નવાઇ નહીં. ડેટાના આટલા ખડકલાની સામાજિક, માનસિક આડઅસરો થવાની પૂરી શક્યતા છે, પણ વેરેબલ ટેકનોલોજીના અશ્વમેધ યજ્ઞનો ઘોડો કોઇ અટકાવી શકે, એવું અત્યારે તો લાગતું નથી.
કાચ વગરની ફ્રેમ પહેરીને ફરનારાનો દેખાવ અત્યારે ભલે વિચિત્ર લાગતો હોય, પણ ગુગલ ગ્લાસ સફળ થશે તો એકાદ દાયકામાં હાથમાં ફોન કે ટેબ્લેટ લઇને ફરનારા એવા વિચિત્ર દેખાતા થઇ જશે.
Wednesday, July 04, 2012
દાળ-ભાતઃ ખુશ્બુ ગુજરાતકી
ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અમિતાભ બચ્ચનને રાખવામાં આવ્યા તેની સદીઓ પહેલાંથી દાળ-ભાત એ મોભાદાર સ્થાન ભોગવી રહ્યાં છે- અને તે પણ કોઇ સરકારી ટેકા કે પ્રચારખર્ચ વિના. ‘ગુજરાત’ અને ‘દાળ-ભાત’નો પ્રાસ મળતો હોવા છતાં, હજુ સુધી ‘જય જય ગરવી ગુજરાત’ પ્રકારનાં પ્રશસ્તિકાવ્યોમાં દાળ-ભાતનો સમાવેશ કેમ નથી થયો, એ નવાઇની વાત છે. ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ દાળભાત’- જેવી ધ્રુવપંક્તિ ધરાવતું કાવ્ય કોઇ ઓજસ્વી રચયિતાની રાહ જુએ છે. પરંતુ એ રચાય કે ન રચાય, એનાથી દાળ-ભાતના દરજ્જામાં કશો ફરક પડતો નથી.
દાળ-ભાત ગુજરાતની ઓળખ છે, એમ કહેવામાં જોખમ છે. ઘણા લોકો ગુજરાતીઓને ઠપકાના ભાવથી ‘દાળભાતખાઉ’ તરીકે ઓળખાવે છે. હિંદી-ઉર્દુ ઉચ્ચારોમાં, બકૌલ દિલીપકુમાર, ‘દાલભાતકી બૂ’ આવવી એ મોટી ગેરલાયકાત ગણાય છે. બને કે નવી પેઢીના ગુજરાતીઓ આઘુનિકતા સાથે કદમ મિલાવવા માટે, દાળ-ભાત સાથે પહેલાં જેટલો એકાત્મભાવ અનુભવી શકતા ન હોય. ગુજરાતીઓને ગાંધી જેવા ગાંધી સાથે છેડો ફાડતાં વાર ન લાગતી હોય, તો દાળ-ભાતની શી વિસાત? છતાં, ગુજરાતને અલગ રાષ્ટ્ર જાહેર કરવામાં આવે તો તેના રાષ્ટ્રિય ખોરાકનો દરજ્જો વિના વિવાદે દાળ-ભાતને જ મળી શકે, એટલાં ઊંડાં તેનાં સાંસ્કૃતિક મૂળીયાં છે.
પંજાબી ભાષામાં કદી એવી કહેવત સાંભળી છે કે ‘દાલફ્રાય બગડી તેનો દિવસ બગડ્યો?’ એ કહેણી ગુજરાતમાં જ છે. તેમાં ઉલ્લેખ ભલે એકલી દાળનો થયો હોય, પણ રાધા-કૃષ્ણ અને શિવ-પાર્વતીની જેમ દાળ-ભાત અભિન્ન છે. તેમનું અસ્તિત્ત્વ એકમેકથી સંપૂર્ણ સ્વતંત્ર હોવા છતાં, એકબીજા થકી જાણીતું અને શોભીતું છે. રાધા-કૃષ્ણની કવિતાઓમાં સઘળી કલ્પનાશક્તિ ઠાલવી નાખનાર ઘણા ગુજરાતી કવિઓનું ઘ્યાન દાળ-ભાતની જોડી તરફ કદી કેમ નહીં ગયું હોય? ‘આ ભાત ચડ્યો તે કાનજી ને દાળ ઢળી તે રાધા’- એવું કોઇ કવિને ગાવાનું કદી સૂઝ્યું જ નહીં? કાનુડાની રાસલીલાની જેમ ભાતની દાળલીલાને તેમણે કાવ્યમાં સ્થાન આપ્યું હોત તો વાસ્તવિકતાની ઉપેક્ષા કરીને રાધાકૃષ્ણની પાછળ મચ્યા રહેવાનો તેમની પરનો આરોપ થોડો હળવો ન બન્યો હોત?
આપણી આસપાસ એવાં ઘણાં જોડાં જોવા મળે છે, જેમની વચ્ચે કોઇ જાતનું સામ્ય ન હોય, છતાં તેમની જોડી બરાબર જામી હોય. દાળ-ભાત પણ એ પ્રકારની જોડીમાં આવે છે. માત્ર દેખાવની કે દબદબાની ફુટપટ્ટીથી માપતાં એ કજોડું લાગે, પરંતુ જોડી જમાવવા માટે સામ્ય હોવું અનિવાર્ય નથી. બલ્કે, વૈષમ્ય ઘણી વાર પૂરક અને ઉપકારક સિદ્ધ થાય છે. દાળ-ભાતનું યુગલ એ હકીકતનું ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાતીઓને જેની એલર્જી છે તે વ્યાકરણની દિશામાં ફક્ત પહેલું પગલું માંડતાં જોઇ શકાશે કે બીજી કોઇ પણ જોડીની જેમ, આ જોડી પણ સ્ત્રીલિંગ- પુલ્લિંગની બનેલી છે. એટલું જ નહીં, તેમનાં કેટલાંક લક્ષણોની સરેરાશ સ્ત્રી અને પુરુષનાં લક્ષણો સાથે સરખામણી થઇ શકે એમ છે.
દાળ-ભાતના યુગ્મમાં નારીવાચક દાળને જેટલાં લાડ લડાવી શકાય છે અને તેના જેટલા શણગાર કરી શકાય છે, એ પુરુષવાચક ભાતના કિસ્સામાં શક્ય નથી. રાજસ્થાની સન પૂર્વેના- એટલે કે રાજસ્થાની રસોઇયાઓએ ગુજરાતી ભોજન પર આક્રમણ કર્યું તે પહેલાંના- જમાનામાં ગુજરાતી દાળનો દમામ કોઇ રજવાડાની મહારાણી જેવો હતો. આંબલીની ચટાકેદાર ખટાશ, સૂરણની ઘટ્ટતા, સૂકાં મરચાનો છમકાર- આ બધા શણગારથી સજ્જ દાળમાં ઉપરથી સિંગ-ખારેકનું ઉમેરણ થાય - અને મોટા તપેલામાં ઉકળતી એવી દાળની સુગંધ જેણે લીધી હોય તેને ખબર પડે કે ‘ખુશ્બુ ગુજરાતકી’ એટલે શું.
નારીવાદી સાહિત્યની નાયિકાની જેમ, જ્ઞાતિભોજનની દાળનાં સ્વાદ અને જાદુ એવાં હોય કે કોઇના ટેકા વિના તેનું અસ્તિત્ત્વ સર્વાંગસંપૂર્ણ લાગે. ભાત સાથે તેની જોડી ઉત્તમ હોવા છતાં, કોઇ ઇચ્છે તો રોટલી-પુરી સાથે કે એની પણ મદદ વિના ચમચીથી દાળ-પાન કરી શકે. અરે, ચટાકા-તમતમાટ વગરની ‘મોળી દાળ’નો પણ સફેદ વસ્ત્રો ધારણ કરતી સાદગીપૂર્ણ છતાં ગરીમાયુક્ત અભિનેત્રીઓ જેવો મોભો પડતો. ‘મોળી દાળ’ની ‘ગ્રેસ’ના પ્રેમીઓ પણ મોટી સંખ્યામાં હતા. મોળી કે સામાન્ય, પણ જ્ઞાતિભોજનની દાળ એવી ઘટ્ટ રહેતી કે આપણા વડવાઓને દાળ ‘ખાવા’ માટે કદી ચમચીની જરૂર પડી ન હતી. તેની સરખામણીમાં સાદો ભાત, વી.શાંતારામની ફિલ્મોના નાયક જેવો, ફિક્કો-બેરંગ લાગે. ભાતમાં શણગાર કરવા હોય તો પણ કેટલા થાય? પહેલાંના વખતમાં પુરૂષો માટે શણગાર એટલે અત્તર-પરફ્યુમ અને બહુ તો શર્ટની બાંયોમાં નાખવાનાં કફ લિન્ક. એવી જ રીતે ભાતમાં શણગાર એટલે સુગંધીદાર ચોખા, કફલિન્કની નાની પ્રતિકૃતિ જેવાં લવિંગ અને ઘી. એનાથી આગળ જે કંઇ કરવામાં આવે તેનાથી એ પુલાવ કે બિરીયાની બની શકે, પણ દાળ સાથે જોડી જમાવી શકે એવો ભાત તો ન જ રહે.
ઉજળા વાન પ્રત્યે સાહજિક પક્ષપાત હોવાને કારણે ઘણા ગુજરાતીઓ દાળની સરખામણીમાં કઢીને ચઢિયાતી ગણવાની માનસિકતા ધરાવે છે. તેની પાછળ સ્વાદરસિકતા કરતાં, ક્યારેક બનતી કઢી માટેની નવાઇ વધારે જવાબદાર છે. કઢી એ કઢી છે. તેનું માહત્મ્ય જુદું છે. અમુક પ્રકારનાં મિષ્ટાન્નની સાથે દાળ ‘જતી નથી’ એવું ઘણાને લાગે છે. પરંતુ આ બાબત મહદ્ અંશે પરંપરાનો હિસ્સો છે અને પરંપરા માટે હંમેશાં ઔચિત્ય કારણભૂત હોય એવું જરૂરી નથી. પરંપરાને આગળ ધરીને, દાળને કઢી કરતાં નીચી સાબીત કરવામાં દાળનું દેખીતું અપમાન છે. અત્યારની ફેશન પ્રમાણે તેને ગુજરાતનું અપમાન કહેવામાં પણ વાંધો નથી.
કેટલીક ફિલ્મોમાં જેમ અંતથી શરૂઆત થાય છે અને ફિલ્મ પૂરી થાય ત્યારે અંત ફરી વાર આવે છે. એવું જ જ્ઞાતિભોજનોમાં ભાત વિશે બનતું હતું. પહેલાં બધી વાનગીઓ સાથે ‘અપોષણ’નો ભાત પીરસાઇ જતો અને ભોજનના અંતે તેનો વધારે વિગતવાર રાઉન્ડ આવતો. ‘હું ભાત ખાતો નથી’ એમ કહેવું ત્યારે ફેશનેબલ ન હતું. બલ્કે, તે લગભગ ખાનારની અઘૂરપની- અસંસ્કારીતાની નિશાની ગણાતું. ‘ભાત ખાધા પછી ઉંઘ આવે છે’ એવી દલીલ પણ ત્યારે અસ્થાને હતી. કારણ કે જેમની પાસે પંગતમાં બેસીને, વાનગીઓ પીરસાય તેની અનંત કાળ સુધી રાહ જોવાનો સમય હોય, તે ભાત આરોગ્યા પછી નિરાંતે ઉંઘવાનો સમય ન કાઢી શકે? દાળ-ભાત ખાઇને હાથ ધોઇ નાખ્યા પછી પણ એકાદ દિવસ સુધી હાથમાં તેમની સુગંધ રહી જાય, એવો જમાનો હવે બદલાઇ ગયો છે. ચમચી વડે દાળ-ભાત આરોગતા લોકોના હાથમાં દાળની સુગંધ કેવી રીતે રહે એ સવાલ તો ખરો જ, પણ મુખ્ય પ્રશ્ન દાળના સ્વાદ અને માહત્મ્યનો છે.
અત્યારના વૈભવી ભોજન સમારંભોમાં અડાબીડ ગોઠવાયેલી વાનગીઓથી છેવાડે, ખૂણેખાંચરે દાળ-ભાતનું ટેબલ ગોઠવાયેલું જોઇને દાળપ્રેમીઓના હૃદયમાંથી ઉનો નિઃસાસો નીકળી જાય છે. જ્ઞાતિભોજનોમાં બટાટાના ટુકડાના ટેકે ઊભેલા ત્રાંસા પડિયામાંથી જેનો મહિમા છલકછલક થતો હતો એ દાળની આવી ઉપેક્ષા? ‘સગાં મેં દીઠાં શાહઆલમનાં....’ જેવો વિષાદ મનમાં જાગે છે. સાથોસાથ, પાંચસો-સાતસો-હજાર રૂપિયાની ડીશમાંથી દાળ-ભાતનો એકડો સાવ નીકળી ગયો નથી, એટલું આશ્વાસન દાળભાતપ્રેમી ગુજરાતી આત્માઓને હૈયાધારણ આપનારું બની રહે છે.
Labels:
food,
Gujarat/ગુજરાત,
humor-satire/હાસ્ય-વ્યંગ
Tuesday, July 03, 2012
ત્રાસવાદ, ઇસ્લામ અને શબ્દોઃ અર્થના અનર્થ
મુંબઇ પરના ત્રાસવાદી હુમલાનો એક આરોપી ગયા અઠવાડિયે (સાઉદી અરબસ્તાનના સહકારથી) ઝડપાયો. તેનું નામ: ઝબિઉદ્દીન અન્સારી ઉર્ફે અબુ હમ્ઝા ઉર્ફે અબુ જંદલ. પરંતુ પ્રસાર માઘ્યમોમાં તેનો ઉલ્લેખ જિંદાલ, જુંદાલ, જુંદલ જેવાં જુદાં જુદાં નામે થતો રહ્યો છે. અપરિચિત ભાષા કે પ્રદેશનાં નામોના સાચા ઉચ્ચારનું કામ થોડો પ્રયાસ માગી લે એવું હોય છે. એમાં પણ અંગ્રેજી સ્પેલિંગનો સહારો લીધો તો ખલાસ. ભૂલ પડવાની પૂરેપૂરી સંભાવના. અંગ્રેજી Jundal ના આધારે ઉચ્ચાર કરવા જતાં જુંદાલ કે જુંદલ થાય એમાં શી નવાઇ? ‘બ્રેકિંગ ન્યૂઝ’ના યુગમાં ચેનલો અને તેમના વાદે બીજાં પ્રસાર માઘ્યમો ‘અમે બોલીએ તે સાચું’- એવો સાદો નિયમ અપનાવે એટલે ગુંચવાડા ઓર વધે. પરંતુ અરબી શબ્દોની બાબતમાં અમેરિકનો કરતાં વધારે પરિચિત એવા ભારતીયો ધરાર ખોટાં ઉચ્ચારણ કરે ત્યારે થોડી ચચરાટી થાય.
શેક્સપિયરને ટાંકીએ નહીં, તો પણ બધા જાણે છે કે જંદલને બદલે જિંદાલ થઇ જાય તેથી એના ગુનાની ગંભીરતામાં કશો ફરક પડતો નથી. પરંતુ આરોપી ખતરનાક પ્રકારના ત્રાસવાદી હુમલા સાથે સંકળાયેલો હોય ત્યારે, એકંદર ચીવટના ભાગરૂપે નામ અંગે થોડી ચીકાશ કરવાનું લાજિમ છે. (ગુજરાતી ભાષામાં ભળી ગયેલા અરબી શબ્દ ‘લાજિમ’નો અર્થ છેઃ છાજે એવું)
નામ અને અર્થ
અરબી શબ્દ ‘જંદલ’નો ગુજરાતીમાં અર્થ છેઃ મોટો પથ્થર, શિલા. ‘અબુ’ના ઘણા અર્થ છેઃ માલિક, પિતા, સાહેબ..ઉપરાંત તે પેગંબરસાહેબનું અને ચોથા ખલીફાનું પણ ઉપનામ છે. એટલે પોતાની ધાર્મિક કટ્ટરતા અને અડીખમપણું દર્શાવવા ઇચ્છતા ત્રાસવાદીઓને ઉપનામ તરીકે ‘અબુ જંદલ’ બહુ અનુકૂળ લાગે છે. એવી જ રીતે, ‘હમ્ઝા’નો અર્થ છેઃ સિંહ, વાઘ. એટલે ઓસામાના બોડીગાર્ડથી માંડીને અનેક પ્રકારના ત્રાસવાદીઓનાં વધારાનાં નામ એકસરખાં (અબુ જંદલ કે અબુ હમ્ઝા) કેમ હોય છે, તે સમજી શકાય એવું છે.
અબુ જંદલની ધરપકડ પછી ‘લશ્કરે તોઇબા’ના પ્રચલિત નામે ઓળખાતું ત્રાસવાદી સંગઠન ફરી ચર્ચામાં આવ્યું છે. તેનું અસલી નામ શું હોઇ શકે? અરબીમાં ‘તૈયબ’ એટલે પવિત્ર. દુનિયાભરની ત્રાસવાદી કાર્યવાહી કરનાર ટુકડીએ પોતાનું નામ રાખ્યું છેઃ પવિત્ર સૈન્ય- લશ્કરે તૈયબ. તેમનાં કારનામાંથી પવિત્રતાની વ્યાખ્યા બદલાઇ જતી હોય તો એમાં ખુદ એમના સિવાય બીજા કોનો વાંક કાઢી શકાય?
એવાં બીજાં કેટલાંક ત્રાસવાદી સંગઠનોનાં મૂળીયાં પણ ધર્મ અને ધાર્મિકતાની તેમની (ખોટી) સમજણમાં રહેલાં છે. જેમ કે, ‘હિઝ્બુલ મુજાહિદીન’. હિઝ્બ એટલે પક્ષ (પાર્ટી) અને મુજાહિદ એટલે વિધર્મી સાથે યુદ્ધ કરનાર, પરાક્રમી. તેનું બહુવચન છે મુજાહિદીન.
‘જૈશે મહંમદ’નો અર્થ છે મહંમદ (પેગંબર)ની ફોજ. પરંતુ મહંમદ પેગંબરની અસલી ફોજ નિર્દોષોની હત્યા કરવાનું ને આતંકવાદ ફેલાવવાનું કામ કરતી ન હતી, જ્યારે આઘુનિક જૈશે મહંમદ સત્તાધીશો અને ધર્મઝનૂનીઓના ઇશારે કંઇ પણ કરતાં ખચકાતી નથી.
કાશ્મીરના ત્રાસવાદના સંદર્ભે ‘હરકત-ઉલ-અંસાર’ અને ‘અલ બદ્ર’ જેવાં સંગઠનોનાં નામ એકાદ દાયકા પહેલાં ઘણાં પ્રચલિત હતાં. અરબીમાં ‘અલ’ અંગ્રેજી આર્ટિકલ the ની જેમ વપરાય છે.(દા.ત. અલ-મસ્ત એટલે નશામાં-મોજમાં મસ્ત હોય એવું.) બદ્રનો સંદર્ભ ઇસ્લામના ઇતિહાસમાંથી મળે છે. ઇસ્લામની સ્થાપના થયાનાં ૧૩ વર્ષ પછી મક્કાના રૂઢિચુસ્ત કુરેશીઓ અને પેગંબરસાહેબની ફોજ વચ્ચે બદ્રની ખીણમાં યુદ્ધ થયું હતું. ઇસ્લામનું તે પહેલું ધર્મયુદ્ધ ગણાય છે. એટલે નવા જમાનામાં, પોતાની રૂઢિચુસ્ત-ઝનૂની સમજણ પ્રમાણે ‘ધર્મયુદ્ધ’ કરનારું સંગઠન એટલે અલ બદ્ર.
‘હરકત’ એટલે હિલચાલ અને ‘નસ્ર’ એટલે મદદ. નસ્રનું બહુવચન થાય છે અંસાર. ઇસ્લામમાં ‘અંસાર’નો અર્થ છે પેગંબરસાહેબને મદદ કરનાર. મહંમદ પેગંબર મક્કા છોડીને મદીના ગયા ત્યારે તેમને અને તેમના સાથીદારોને પોતાના ઘરમાં આશ્રય આપનારા ‘અંસાર’ તરીકે ઓળખાયા. પરંતુ હરકત-ઉલ-અંસાર માટે ‘હરકત’ શબ્દનો બીજો અર્થ (અડચણ, રુકાવટ) વધારે લાગુ પડે એવો હતો.
ઓસામા જીવતો હતો ત્યારે તેનાં ઓસ્મા કે ઉસામા જેવાં નામ પણ પ્રચલિત હતાં. એ અરસામાં પાકિસ્તાનની પ્રખ્યાત ફિલ્મ ‘ખુદાકે લિયે’/ Khuda Ke Liyeના હીરોને ખોટા આરોપસર અમેરિકાની જેલમાં પુરવામાં આવે છે ત્યારે શરૂઆતના દિવસોમાં તે કોટડીની દીવાલો પર I Love USA લખે છે. પરંતુ તેની નિર્દોષતાને કોઇ ગણકારતું નથી ત્યારે તે USA માં બે અક્ષર ઉમેરીને I Love USAMA કરી નાખે છે. હા, સાચો શબ્દ છેઃ ઉસામા. તેનો અર્થ પણ ‘હમ્ઝા’ જેવો જ થાય છેઃ સિંહ, વાઘ. (આ બન્ને પ્રાણીઓ માટે એક જ શબ્દ શા માટે વપરાતો હશે, એ વિશે જાણકારો પ્રકાશ પાડી શકે.)
ઇસ્લામના પવિત્ર પુરૂષ તરીકે ‘હજરત મહંમદ પેગંબર’ એ જાણે આખું નામ હોય એ રીતે જ મનમાં આવે છે. તેમાંથી ‘હજરત’ એ કોઇ પણ વ્યક્તિ માટેનું માનસૂચક સંબોધન છે અને ફારસી શબ્દ ‘પયગામ’ (સંદેશો) પરથી સંદેશો લાવનાર પયગામબર-પેગંબર તરીકે ઓળખાય છે. આ કિસ્સામાં પેગંબરનો અર્થ છેઃ દૈવી સંદેશો લાવનાર.
આ તો થઇ રૂઢ શબ્દો-નામ અને તેમના પ્રમાણમાં ઓછા જાણીતા અર્થની વાત. ફક્ત નામમાં આવી સ્થિતિ હોય, તો ધર્મના સિદ્ધાંતો કે દૈવી વાણીનાં અર્થઘટનોમાં કેટલી ‘વિવિધતા’ હશે, તે કલ્પી શકાય.
સગવડીયું અનર્થઘટન
હિંદુ-મુસ્લિમ ખટરાગ સંબંધે સૌથી વઘુ ચર્ચાસ્પદ શબ્દોમાંનો એક છેઃ કાફિર. કેટલાક કટ્ટરપંથી મુસ્લિમો હિંદુઓને જ નહીં, ઉદારમતવાદી મુસ્લિમોને પણ કાફિર ગણતા હોય છે. આઝાદી પહેલાં મહંમદઅલી ઝીણા મુસ્લિમોના નિર્વિવાદ નેતા બન્યા ન હતા ત્યારે દિલ્હીના એક મુસ્લિમ આગેવાન હતાઃ હકીમ અજમલખાન. એક જમાનામાં દિલ્હી પ્રાંતની હિંદુ પરિષદના પ્રમુખ તરીકે પસંદ થયેલા હકીમસાહેબ સમક્ષ ગાંધીજીએ મુસ્લિમોના પ્રતિનિધિ બનવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તેમણે કહ્યું હતું,‘મુસલમાનોના પંચ તરીકે હું યોગ્ય નથી. તે મને માન્ય રાખે કે કેમ તેની મને શંકા છે...મુસલમાન પૈકી ઘણાઓએ મને ‘કાફર’નું ઉપનામ આપ્યું છે. (‘જીવનનાં ઝરણાં’, લેખકઃ રાવજીભાઇ પટેલ,બીજી આવૃત્તિ, ૧૯૫૯, પાના નં. ૨૭૭).
કાફરનો એક અર્થ અલ્લાહમાં ન માનનાર, વિધર્મી- એવો થાય છે. પરંતુ ઘણા ધર્મઝનૂનીઓ પોતાના જેવા અંધ ઝનૂની ન હોય એવા બધાને કાફર ગણી કાઢવા ઉત્સુક હોય છે. હકીકતમાં ‘કાફર’ શબ્દના બીજા અર્થ છેઃ ઇશ્વરે આપેલી બક્ષિસો બદલ તેનો આભાર ન માનનાર, સત્યને છુપાવનાર. સત્યને છુપાવનારને ‘કાફર’ ગણવામાં આવે તો ધર્મની ઓથ લઇને હિંસા-હિંસકતામાં રાચતા કેટલા બધા ધર્મઝનૂનીઓ પોતે એ અર્થમાં ‘કાફર’ પુરવાર થાય.
કાફર જેવો જ બીજો શબ્દ છેઃ જેહાદ. તેનો સીધોસાદો - અને ખોટો- અર્થ ‘બિનમુસ્લિમો સામેનું ધર્મયુદ્ધ’ એવો કરવામાં આવે છે અને એ ખોટા અર્થની રૂએ તમામ પ્રકારની ત્રાસવાદી કાર્યવાહીને ‘જેહાદ’ તરીકે ખપાવવાનો પ્રયાસ થાય છે. ઇસ્લામના ઐતિહાસિક ઘટનાક્રમ પ્રમાણે, શરૂઆતનાં વર્ષોમાં મક્કાના કુરેશીઓ તરફથી પેગંબરસાહેબના અનુયાયાઓને ઘણી કનડગત થતી હતી. નવા મુસ્લિમ બનેલા કેટલાક લોકો આ ત્રાસથી કંટાળીને પાડોશી દેશ ઇથિયોપિયા પહોંચ્યા. ત્યાંના ઉદાર ખ્રિસ્તી રાજાએ મુસ્લિમોને સમાવ્યા અને તેમને રક્ષણ આપ્યું. ધર્મના રક્ષણ ખાતર વતન છોડવાનું મુસ્લિમોનું આ પગલું ‘જેહાદ’ કહેવાયું. ‘જેહાદ’ શબ્દના અર્થ છેઃ ધર્મના નામે કોઇ પણ પ્રકારની કોશિશ કરવી- ગરીબોની સેવા, અનાથોનું પાલનપોષણ, નિયમિત નમાજ, દાનપુણ્ય વગેરે.
એ બધામાં સૌથી મોટી જેહાદ કઇ? ત્રાસવાદીઓનાં કરતૂત જોઇને એવું લાગે કે વિધર્મીઓની હત્યા કરવી, તેમની ભૂમિ પર ત્રાસવાદ ફેલાવવો અને ઇસ્લામના વિશ્વવિજયનાં સ્વપ્નાં જોવાં, એ જ સાચી જેહાદ ગણાતી હશે. પરંતુ હકીકત સાવ જુદી છે.
માણસ પોતાના મનોવિકાર અને ગુસ્સા પર વિજય મેળવે, તેને પેગંબરસાહેબે સૌથી મહાન જેહાદ (જેહાદે અકબર) ગણાવી છે. પોતાના રાજ્યમાં રહેતા ઇસ્લામવિરોધી ખ્રિસ્તીઓ સંબંધે હજરત પેગંબરના કેટલાક આદેશઃ તેમની સામે મુસ્લિમોએ હથિયાર ઉપાડવાં નહીં, બહારની કોઇ ખ્રિસ્તી સત્તા સાથે લડાઇ થાય ત્યારે આપણા દેશમાં વસતા કોઇ ખ્રિસ્તી સાથે, તે ફક્ત ખ્રિસ્તી છે એટલા કારણથી, અપમાનભર્યું વર્તન કરવું નહીં.
પોતાની જાતને ઇસ્લામના અનુયાયી ગણાવતા ઘણા લૂંટારા-હુમલાખોરોએ આખેઆખો ઇસ્લામ જાણે મૂર્તિઓ તોડવામાં સમાયેલો હોય, એવું વર્તન ભૂતકાળમાં કર્યું છે. પરંતુ હજરત પેગંબરે કરેલા મૂર્તિપૂજાના વિરોધ અને દયાનંદ સરસ્વતી જેવા સુધારાવાદીએ કરેલા મૂર્તિપૂજાના વિરોધમાં તાત્ત્વિક રીતે સામ્ય હતું. ઇસ્લામની સ્થાપના પહેલાં સદીઓથી મક્કામાં આવેલા કાબામાં જુદા જુદા આકાર અને પદાર્થોની બનેલી ૩૬૦ મૂર્તિઓ હતી. તેના કારણે આરબો વચ્ચે એકતા સ્થપાવાને બદલે કાયમ વિખવાદ અને અશાંતિ રહેતાં હતાં. પોતાનો સમાજ મૂર્તિપૂજામાં અટવાયેલો રહેવાને બદલે આગળ વધે એ હેતુથી પેગંબરસાહેબે મૂર્તિપૂજાની મનાઇ ફરમાવી. તેનો અર્થ ‘મુસ્લિમોએ દુનિયાભરનાં મંદિર-મૂર્તિ તોડી નાખવાં’ એવો કેવી રીતે થઇ શકે?
ઇ.સ.૬૨૯માં પેગંબરસાહેબ તેમના અનુયાયીઓ સાથે હજ કરવા મક્કા પહોંચ્યા ત્યારે ઇસ્લામ અને પેગંબર પ્રત્યે વેર રાખનાર કુરેશીઓ સાથે તેમની સુલેહ થઇ ચૂકી હતી. પેગંબરસાહેબ સહિત સૌ મુસ્લિમ અનુયાયીઓએ શાંતિપૂર્વક કાબાની પ્રદક્ષિણા અને બીજી રીતરસમો અદા કરી ત્યારે કાબામાં તમામ મૂર્તિઓ મોજૂદ હતી. મૂર્તિઓનું ખંડન બહાર નહીં, પણ પોતાના મનમાં કરવાનું હતું, જેથી અંધશ્રદ્ધા અને બાહ્યાચારમાંથી મુક્તિ મળે અને નિયંતા મનાતા એક જ ઇશ્વર-એક જ અલ્લાહમાં અનુયાયીઓનું ઘ્યાન પરોવાય.
- પરંતુ સત્તા અને રાજકારણ માટે ધર્મનો ઉપયોગ કરનારા લોકો તથા તેમનાં પ્યાદાં જેવા જંદલો, હમ્ઝાઓ અને તૈયબોને આ બધી વિગતો સાથે શી લેવાદેવા?
(ઇસ્લામ અને પેગંબરસાહેબ વિશેની માહિતીનો સંદર્ભઃ ‘હજરત મહંમદ અને ઇસ્લામ’ લેખકઃ પંડિત સુંદરલાલ, નવજીવન પ્રકાશન, પહેલી આવૃત્તિનું વર્ષ ૧૯૪૫, છેલ્લું પુનઃમુદ્રણઃ ૨૦૦૯)
Sunday, July 01, 2012
‘રાજા હરિશ્ચંદ્ર’ના સર્જક દાદાસાહેબ ફાળકેઃ સિદ્ધિ અને સંઘર્ષ
![]() |
| દાદાસાહેબ ફાળકે/ dadasaheb phalke |
ભારતીય ફિલ્મઉદ્યોગનાં સો વર્ષ નિમિત્તે તેના આદિપુરૂષ તરીકે દાદાસાહેબ ફાળકેનું નામ ઘણી વાર યાદ કરવામાં આવ્યું. ‘રાજા હરિશ્ચંદ્ર’ (૧૯૧૩)થી શરૂ થયેલી ભારતીય ફિલ્મોની સફરના જાણીતા પડાવ વઘુ એક વાર અહેવાલોમાં ચમક્યા. પરંતુ પુરાણકથાના રાજા હરિશ્ચંદ્ર જેવી દાદાસાહેબ ફાળકેની સંઘર્ષકથા અને તેનો કરુણાંત મોટે ભાગે અજાણ્યા જ રહ્યાં છે.
ફિલ્મકાર દાદાસાહેબ- ઘુંડીરાજ ગોવિંદ- ફાળકેના ઘડતરમાં ગુજરાતનો, ખાસ તો વડોદરાનો, મોટો ફાળો હતો. જુવાનીનાં કિમતી ૧૬ વર્ષ (૧૮૮૫થી ૧૯૦૧) તેમણે વડોદરા અને ગોધરામાં ગાળ્યાં. અસલમાં તે ત્ર્યંબકેશ્વર-નાસિકના બ્રાહ્મણ (જન્મઃ ૩૦ એપ્રિલ, ૧૮૭૦), પણ તેમનો ઝોક કૌટુંબિક વ્યવસાય કરતાં કળા તરફ વધારે હતો. તેમના પિતાને નોકરી માટે મુંબઇ જવાનું થયું, એટલે દાદાસાહેબ પણ મુંબઇ ઉપડ્યા અને ત્યાંની જે.જે.સ્કૂલ ઓફ આર્ટ્સમાં એક વર્ષનો કોર્ષ કર્યો. એટલાથી સંતોષ ન થતાં, તે પહોંચ્યા વડોદરા. ગાયકવાડી રાજમાં, વિખ્યાત રસાયણશાસ્ત્રી ત્રિભુવનદાસ ગજ્જરના વડપણ હેઠળ સ્થપાયેલા ‘કલાભવન’માં તેમણે પાંચ વર્ષ અભ્યાસ કર્યો. એ જમાનામાં ‘કલાભવન’માં ચિત્રકળા ઉપરાંત ફોટોગ્રાફી અને લેબોરેટરીની સુવિધા હતી. ફાળકેએ તેનો બરાબર કસ કાઢ્યો. પહેલો સ્ટીલ કેમેરા પણ તેમણે વડોદરાનિવાસ દરમિયાન ૧૮૯૦માં ખરીદ્યો. એ વખતે તેમની ઉંમર હતીઃ વીસ વર્ષ.
કલાભવનમાં અભ્યાસ પૂરો થયા પછી તે વડોદરા રહી પડ્યા. થોડા સમય માટે ગોધરામાં ફોટો સ્ટુડિયો પણ કાઢ્યો. એ વખતે ઘણા લોકો માનતા હતા કે ફોટો પડાવવાથી જિંદગીનો થોડો હિસ્સો કેમેરા ખાઇ જાય છે. એટલે ફાળકેનો ધંધો ન ચાલતાં તે ફરી વડોદરા આવ્યા. એક જર્મન જાદુગર પાસેથી તાલીમ મેળવીને તેમણે જાદુના ખેલ પણ કર્યા. આ સમયગાળા વિશે આગળ જતાં તેમણે કહ્યું હતું, ‘એક સફળ ફિલ્મકાર બનવા માટે જરૂરી તમામ આવડતો મારામાં વિકસી, તેમાં વડોદરા અને કલાભવનનો ફાળો મહત્ત્વનો હતો.’
વડોદરા છોડ્યા પછી તેમણે પુરાતત્ત્વ વિભાગમાં ને રાજા રવિવર્માના પ્રેસમાં નોકરી જેવાં જુદાં જુદાં કામ કર્યાં. ૧૯૦૯-૧૦માં તેમણે પહેલાં પૂના અને પછી મુંબઇમાં પોતાનું પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું. એ અરસામાં તેમને ફિલ્મ જોવાનો પ્રસંગ પડ્યો. એ ફિલ્મ હતીઃ ‘લાઇફ ઓફ ક્રાઇસ્ટ’. ફિલ્મ જોઇને આશ્ચર્યચકિત-પ્રભાવિત થયેલા ફાળકેના મનમાં ચક્રો ચાલવા લાગ્યાં :‘આપણાથી આવી ફિલ્મ ન બને? આપણા ભગવાન વિશે આવી ફિલ્મ બનાવી હોય તો?’ ફિલ્મના માઘ્યમ વિશે તેમને કશી ખબર નહીં, પણ જ્યાંત્યાંથી મળ્યું એટલું સાહિત્ય વાંચી કાઢ્યું. પછી લાગ્યું કે ઇંગ્લેન્ડ ગયા વિના મેળ નહીં પડે. એટલે પોતાની જીવનવીમા પોલીસી પર રૂ.૧૦ હજારની લોન લઇને તે ઇંગ્લેન્ડ ઉપડ્યા. એ વખતે ચાલતા સામયિક ‘બાયોસ્કોપ’ના તંત્રીની ઓળખાણથી ફાળકેને ઇંગ્લેન્ડના વોલ્ટન સ્ટુડિયોમાં ફિલ્મ કેવી રીતે બને અને તેમાં કેવી પ્રક્રિયાઓ સંકળાયેલી હોય છે, તેનો અભ્યાસ કરવાની તક મળી. પહેલો મૂવી કેમેરા પણ ફાળકેએ ત્યાં ખરીદ્યો અને તેનો ટ્રાયલ લીધો.
તાલીમ અને કેમેરાથી સજ્જ ફાળકે ભારત પાછા તો આવ્યા, પણ પોતાની ફિલ્મ માટે નાણાં ધીરનાર ક્યાંથી શોધવા? અને તેમને પોતાની આવડતની ખાતરી શી રીતે આપવી? નમૂના ખાતર ફાળકેએ વટાણાના વૃદ્ધિ પામતા છોડનું દોઢ-બે મહિના સુધી તબક્કાવાર શૂટિંગ કર્યું અને તેની બે મિનીટની ડોક્યુમેન્ટરી બનાવી. તેમાં ફક્ત બે મિનીટમાં વટાણાનો છોડ મોટો થતો જોઇને લોકોને આશ્ચર્ય થયું અને ફાળકેની આવડત પર ભરોસો પણ પડ્યો. મિત્ર યશવંત નાડકર્ણીએ ફિલ્મ માટે રૂપિયા ધીરવાનું કબૂલ્યું. (જનીનશાસ્ત્ર-જિનેટિક્સ-ના ઉદ્ભવ અને વિકાસના પાયામાં પણ વટાણાના છોડ હતા. પાદરી ગ્રેગર મેન્ડેલે વટાણાના છોડના અભ્યાસથી આનુવંશિકતાનાં લક્ષણો તારવ્યાં હતાં.)
સ્ટુડિયોની સ્થાપના ફાળકેએ પોતાના ત્રણ માળના ઘરમાં જ કરી. પહેલી ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર વિશે બનાવવાનું નક્કી કર્યું. તેમાં હરિશ્ચંદ્રના પાત્ર માટે તો ડી.બી.ધાબકે મળી ગયા, પણ તારામતી કોણ બને? કોઠાવાળી બાઇઓ પણ એટલી ‘આબરૂદાર’ હતી કે તે ફિલ્મોમાં કામ કરવા તૈયાર ન થાય. છેવટે સાળુંકે નામના એક યુવાનને ફાળકેએ તારામતી બનાવ્યો. (એક કથા પ્રમાણે, ફાળકે હોટેલમાં ગયા ત્યારે તેમણે સાળુંકેને ત્યાં કામ કરતો જોયો. એટલે વધારે પગારની ઓફર આપીને તે ભારતની પહેલી ‘હીરોઇન’ને ખેંચી લાવ્યા.)
પહેલી ફિલ્મ હતી. એટલે ફિલ્મના ડાયરેક્ટર ઉપરાંત મેક અપ મેનથી એડિટર સુધી જે ગણો તે બઘું ફાળકે પોતે જ હતા. મહેનત અને ધીરજથી તેમણે છ મહિનામાં ૩૭૦૦ ફીટ લાંબી ફિલ્મ તૈયાર કરી. ફિલ્મના ટાઇટલ હિંદી અને અંગ્રેજી બન્ને ભાષામાં મૂકવામાં આવ્યા. એપ્રિલ ૨૧, ૧૯૧૩ના રોજ મુંબઇના ખાસ પ્રેક્ષકો માટે અને મે ૩, ૧૯૧૩ના રોજ સામાન્ય પ્રેક્ષકો માટે ‘રાજા હરિશ્ચંદ્ર’ના શો શરૂ થયા.
ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા હોય એવું માની લેવાની જરૂર નથી. આખી રાત ચાલતા અને પૈસાવસૂલ મનોરંજન આપતા નાટકની સરખામણીમાં ૪૦ મિનીટની ફિલ્મ જોવા માટે ટિકિટના ડબલ પૈસા કોણ ખર્ચે? શરૂઆતમાં ફિલ્મને મળેલો નબળો પ્રતિસાદ જોઇને ફાળકેએ ફિલ્મ પહેલાં ડાન્સના લાઇવ શો શરૂ કર્યા. યોગ્ય પ્રચારપ્રસાર માટે ફિલ્મનો ‘પ્રેસ શો’ રાખ્યો. લોકોને ૪૦ મિનીટ ઓછી લાગતી હતી એટલે ફાળકેએ પ્રચારમાં ફિલ્મની ફ્રેમની સંખ્યા ચમકાવવાનું શરૂ કર્યું : ‘૫૦ હજાર સ્ટીલ ફોટોગ્રાફ્સની બનેલી, રસ્તા પર પાથરો તો સળંગ બે માઇલ સુધી પહોંચે એટલી લાંબી ફિલ્મ.’
પ્રચારના નુસ્ખા ફળ્યા. ‘રાજા હરિશ્ચંદ્ર’માંથી ફાળકે કમાયા, પણ ફિલ્મોની કમાણી ફિલ્મોમાં નાખવાની વૃત્તિને લીધે એ કાયમી સુખસમૃદ્ધિ ન પામ્યા. ‘રાજા હરિશ્ચંદ્ર’ની સફળતા પછી તે મુંબઇને બદલે નાસિકમાં સ્થાયી થયા. કારણ કે ત્યાં જંગલ, નદી, ઐતિહાસિક સ્થળો જેવાં લોકેશન એકદમ હાથવગાં હતાં. તેમણે બનાવેલી ફિલ્મો ‘ભસ્માસુર મોહિની’ અને ‘સાવિત્રી સત્યવાન’ હિટ થઇ. ૧૯૧૮માં તેણે ભાગીદારીમાં ‘હિંદુસ્તાન ફિલ્મ કંપની’ સ્થાપી. તેની ફિલ્મો ‘કાલિયમર્દન’ અને ‘શ્રીકૃષ્ણજન્મ’ સફળતા પામી, પણ ખટરાગને કારણે ફાળકે કંપની છોડીને જતા રહ્યા. ૧૯૨૨માં તે કંપનીમાં ડાયરેક્ટર નહીં, પણ કેવળ ટેકનિકલ સલાહકાર તરીકે પાછા ફર્યા ત્યારે ફિલ્મોની નવાઇ ઓસરી ચૂકી હતી. બીજી કંપનીઓ પૂરા જોશથી ફિલ્મનિર્માણમાં ઝંપલાવી ચૂકી હતી. પહેલી ફિલ્મ બનાવવાનો જશ એની જગ્યાએ, પણ વ્યવસાયમાં તેનાથી ફાળકેને કશો ફાયદો થાય એમ ન હતો.૧૯૩૧માં બોલતી ફિલ્મોનો યુગ શરૂ થયા પછી તેમણે બે ‘ટોકી’બનાવીઃ સેતુબંધન (૧૯૩૪) અને ગંગાવતરણ (૧૯૩૭). ૬૭ વર્ષની ઉંમરે હિંદી અને મરાઠી એમ બે ભાષામાં બનાવેલી ‘ગંગાવતરણ’ દાદાસાહેબ ફાળકેની છેલ્લી ફિલ્મ હતી.
![]() |
| 'ગંગાવતરણ'માં ચિટણીસ અને લીલા મિશ્રા/ Chitnis & Leela Mishra in 'Gangavataran' |
દાદાસાહેબ ફાળકેની જન્મશતાબ્દિન નિમિત્તે ૧૯૬૯માં ભારત સરકારે તેમની સ્મૃતિમાં ફિલ્મઉદ્યોગનું સર્વોચ્ચ સન્માન શરૂ કર્યું. નાસિકમાં દાદાસાહેબ ફાળકેનું સ્મારક પણ પાછલાં વર્ષોમાં ઊભું કરવામાં આવ્યું છે. ‘રાજા હરિશ્ચંદ્ર’ની ચારમાંથી બચેલી બે રીલ - ૧૧ મિનિટ, ૧૯ સેકન્ડની ફિલ્મ- હવે ‘યુટ્યુબ’ પર જોઇ શકાય છે. એ ફિલ્મ ૧૯૧૩ની મૂળ ફિલ્મ છે કે ૧૯૧૭માં બનેલી તેની ‘રીમેક’ એ વિશે મતમતાંતર છે. પરંતુ એ ફિલ્મના સર્જક દાદાસાહેબ ફાળકેનાં સિદ્ધિ, સંઘર્ષ અને કરુણાંત વિશે કોઇ મતભેદ નથી.
Labels:
film/ફિલ્મ
Wednesday, June 27, 2012
ચલણી નોટો પર ચિત્ર અંગે ગાંધીજીનો ઇન્ટરવ્યુ
ભારતમાં શબ્દાર્થમાં અને ઘ્વન્યાર્થમાં સિક્કા અનેક નેતાઓના પડ્યા છે, પણ જેમનું ચિત્ર ચલણી નોટ પર આવ્યું હોય એવા એક માત્ર નેતા છેઃ ગાંધીજી. ગાંધીજીના સિદ્ધાંતોની ગડી કરીને ગજવે ઘાલીને ફરવાની ભારતીયોને પૂરતી પ્રેક્ટિસ હતી. ગાંધીજીના ચિત્રવાળી ચલણી નોટો એ જ પ્રક્રિયાના ભૌતિક સ્વરૂપ જેવી હોવાથી, લોકોને તેમાં કશું અજુગતું ન લાગ્યું. ઘણા લોકોએ તેને રાષ્ટ્રપિતાના બહુમાન તરીકે જોયું. એમાં લોકોનો પણ શો વાંક? રાષ્ટ્રપિતાના બહુમાન માટે કરાતી મોટા ભાગની પ્રવૃત્તિઓ- પૂતળાં, હારતોરા, ઉજવણાં, ઉત્સવો- એક યા બીજી રીતે તેમના સિદ્ધાંતોનું અપમાન કરનારી હોય તો આ એક વધારે.
ગાંધીજીના ચિત્રને કારણે ‘ગાંધીછાપ’ તરીકે ઓળખાતી નોટો ભ્રષ્ટાચારીઓમાં ભારે લોકપ્રિય બની. વ્યવહારમાં ગીતાના સોગંદ કરતાં ગાંધીછાપ નોટોના સોગંદ વધારે વિશ્વસનીય ગણાવા લાગ્યા. હવે, સરકાર ચલણી નોટો પર બીજા નેતાઓનાં પણ ચિત્ર મૂકવાનું વિચારી રહી છે. એ સમાચાર જાણીને અને અત્યાર સુધી ચલણી નોટ પર મુકાયેલું પોતાનું ચિત્ર જોઇને ગાંધીજી શું વિચારતા હશે?
તુક્કા લડાવવાને બદલે ખુદ બાપુને જ પૂછવું જોઇએ, એમ વિચારીને એમને ફોન જોડ્યો. (તેમનો મોબાઇલ નંબર માગીને શરમમાં ન નાખવા વિનંતી.)
પ્રઃ હલો, બાપુ?
ગાંધીજીઃ ના, ભાઇ. રોંગ નંબર.
પ્રઃ તો તમે કોણ બોલો છો?
ગાંધીજીઃ હું મો.ક. ગાંધી છું.
પ્રઃ મૉક ગાંધી? બનાવટી ગાંધી? એ તો અહીં ગાંધીનગરમાં ને ગુજરાતમાં ને ભારતમાં હોય. મેં તો ઉપરનો નંબર લગાડ્યો છે.
ગાંધીજીઃ ‘મૉક’ નહીં, મો.ક.- મોહનદાસ કરમચંદ.
પ્રઃ અરે, તમે ગાંધીબાપુ બોલો છો, તો પછી રોંગ નંબર કેમ કહો છો? વાત ન કરવી હોય તો સીધી રીતે ના પાડી દેવી જોઇએ. ‘સત્યના પ્રયોગો’ના લેખક થઇને આવી નાની નાની બાબતોમાં જૂઠું બોલો છો? તમને દૂર રહીને પણ ચિંતાજનક ચિંતકોનો ચેપ લાગવા માંડ્યો?
ગાંધીજીઃ ભાઇ, ગુજરાતમાં લોકોને આજકાલ ‘બાપુ’ કહેતાં મોરારીબાપુનું કામ વધારે પડે છે. હું પર્વો-બર્વો યોજતો નથી ને લોકોને પરદેશ ફરવા લઇ જતો નથી. મારું કામ લોકોને અળખામણી લાગે એવી, પણ સાચી વાતો કહેવાનું છે. હું મોરારીબાપુ નહીં, પણ ગાંધીબાપુ છું - એ જાણ્યા પછી ઘણા લોકો ‘સોરી, રોંગ નંબર’ કહીને ફોન મૂકી દે છે. એટલે હું સમજ્યો કે તમારું પણ એવું જ હશે.
પ્રઃ ના, મારે તો અસલી બાપુનું કામ છે.
ગાંધીજીઃ જાણીને રાજી થયો. પણ હિંદનો કોઇ માણસ આવું કહે ત્યારે મને ધ્રાસ્કો પડે છે. સરદારે એક વાર મને સમજાવ્યું હતું કે ‘અત્યારના ભારતમાં અસલી ગાંધી એટલે પાંચસો રૂપિયાની નોટ.’ મને થયું કે સરદાર એમની પ્રકૃતિ પ્રમાણે ટીખળ કરતા હશે. પછી એમના કહેવાથી મહાદેવે મને છાપાનું એક કતરણ વંચાવ્યું. એમાં પાંચસો રૂપિયાની નોટ માટે ‘ગાંધીછાપ’ શબ્દ વાપર્યો હતો. હું ધારું છું કે તારે ગાંધીછાપનું નહીં, પણ ગાંધીનું જ કામ હશે.
સરદારઃ (બીજા રિસીવર પરથી) ગાંધીછાપનું કામ હોય તો એક મિનીટ ચાલુ રાખ. હું મહાદેવને કહી દઉં છું. એ તને ઇંદુનો (ઇંદિરા ગાંધીનો) ફોન નંબર આપી દેશે.
પ્રઃ અરે, સરદાર. તમે ક્યાંથી લાઇન પર? કે પછી તમે બાપુના ફોન પર જાપ્તો રાખો છો?
સરદારઃ ના રે, મારે ક્યાં વડાપ્રધાન બનવું છે તે એવા બધા ધંધા કરવા પડે? આ તો કેટલાક ડોબાઓએ બાપુ સાથે ફોન પર વાત કર્યા પછી, એમના નામે ગમે તેવું છાપી માર્યું હતું. ત્યારથી મેં ને મહાદેવે નક્કી કર્યું કે બાપુ ફોન પર ઇન્ટરવ્યુ આપવાના હોય ત્યારે બીજા રિસીવર પર મારે વાત સાંભળવી. પાછળથી કોઇ માથાકૂટ ન જોઇએ.
પ્રઃ ઓકે. બાપુ, મેં તમને જેના માટે ફોન કર્યો હતો એ મુદ્દો તમે સામેથી જ છેડી દીધો છે. મારે તમને એ જ પૂછવું હતું કે સો-પાંચસો રૂપિયાની ચલણી નોટો પર તમારું ચિત્ર જોઇને તમને કેવું લાગે છે?
ગાંધીજીઃ મારા જેવા બુઢ્ઢાને બદલે દેશના દરિદ્રનારાયણનું કોઇ પ્રતીક મૂક્યું હોત તો મને વધારે ગમત.
પ્રઃ હં, પણ એમાં મારા સવાલનો જવાબ મળતો નથી. અત્યારે તમારું ચિત્ર છે એનાથી તમને કેવું લાગે છે?
ગાંધીજીઃ મને થાય છે કે હું પાછો પૃથ્વી પર-ભારતમાં આવું અને આફ્રિકામાં જેમ પરવાનાની હોળી કરી હતી, એમ મારા ચિત્રવાળી નોટોની પ્રતિકૃતિ તૈયાર કરાવીને તેની હોળી કરું...
પ્રઃ એટલે તમે નકલી નોટો છાપશો? ખબર નથી, નકલી નોટો છાપવી એ ગુનો છે?
સરદાર (વચ્ચે પડીને) : એ ભાઇ, ફક્ત નકલી નોટો જ નહીં, નકલી ક્વોટો (અવતરણો) છાપવાની પણ મનાઇ છે. ખબર છે કે નહીં? આ હું, ભારતનો પહેલા માહિતી-પ્રસારણ મંત્રી તને કહી રહ્યો છું.
પ્રઃ ઓહો, સરદાર, તમે લાઇન પર છો, નહીં? હું તો ભૂલી જ ગયો. સારું થયું તમે આવ્યા. તમને ખબર છે, ચલણી નોટો પર તમારું ચિત્ર મૂકવાની ઝુંબેશ ચાલે છે?
સરદારઃ અરે વાહ, દેશમાં હજુ ઝુંબેશો ચાલે છે? સરસ. કેટલા મર્યા, કેટલા ઘવાયા ને કેટલા જેલમાં ગયા?
પ્રઃ (ગૂંચવાઇને) એટલે? સમજ્યો નહીં.
સરદારઃ તે કહ્યું ને કે નોટો પર મારું ચિત્ર મૂકાવવાની ઝુંબેશ ચાલે છે. તો એ ઝુંબેશ કરતાં કેટલા લોકોએ રસ્તા પર અહિંસક દેખાવો કર્યા? સવિનય કાનૂનભંગ કર્યો? અને ધરપકડ વહોરી? કેટલાંનાં માથાં પોલીસના મારથી રંગાયાં?
પ્રઃ સરદારસાહેબ, તમને જાણીને બહુ આનંદ થશે કે બાપુની અહિંસાને પ્રજાએ બરાબર આત્મસાત્ કરી છે. હવે ઘણી ઝુંબેશો અને ઘણાં આંદોલન ઓનલાઇન થાય છે. હિંસાનું નામોનિશાન નહીં. શરીરબળનું કોઇ પ્રદર્શન નહીં. બસ, એક આંગળીથી માઉસ ક્લિક કરીને સત્યાગ્રહી બની શકાય છે. અંગુઠાથી મોબાઇલનાં બટન દબાવીને, મિસ્ડ કોલ કરીને રાષ્ટ્રવ્યાપી ચળવળમાં ભાગ લઇ શકાય છે. બાપુ સૂતરના તાંતણે આઝાદીની વાત કરતા હતા ને. આ તો એનાથી પણ બે ડગલાં આગળ છે. ભવિષ્યમાં સત્યાગ્રહીનાં પેન્શન લેવાનાં થાય ત્યારે પણ કોઇ ગોટાળા નહીં. બસ, જોઇ લેવાનું કે કેટલા લોકોએ લિન્ક ક્લિક કરી હતી ને કેટલાએ મિસ્ડકોલ કર્યા હતા.
ગાંધીજીઃ આવી ચળવળોમાં ભાગ લેવા માટે કેટલું બલિદાન આપવાની તૈયારી રાખવી પડે?
સરદારઃ કેટલું નહીં, શાનું...આ ચળવળોમાં ભાગ લેવા માટે સામાન્ય બુદ્ધિનું બલિદાન આપવાની પૂરેપૂરી તૈયારી રાખવી પડે, બાપુ. નવા જમાનામાં સત્યાગ્રહી થવું સહેલું નથી.
પ્રઃ સરદારસાહેબ, મને એમ કે તમે રાજી થશો- તમારું ચિત્ર મૂકવાની વાતથી અને તમને થયેલો અન્યાય થોડો હળવો થશે.
સરદારઃ અલ્યા, અમે નોટો પર ચિત્રો મૂકાવવા માટે બાપુ સાથે જોડાયા હતા? મારા ચિત્ર માટે કોણ ઝુંબેશ ચલાવે છે? કોને પૂછીને ચલાવે છે? અને શાનો અન્યાય?
પ્રઃ (અવાજમાં ખચકાટ સાથે) એ તો...ગાંધીજીએ તમને વડાપ્રધાન બનાવ્યા નહીં.
સરદારઃ (ખડખડાટ હસતાં) તે એનું આટલા વર્ષે શું છે? અને તને ખબર ન હોય તો કહી દઉં. મારા ખભે બાપુ પર બંદૂક ફોડનારાને તો હું પેલા ગોડસે કરતાં પણ ગયેલા ગણું છું...એમને એટલી પણ ખબર પડતી નથી કે સેનાપતિને નીચો પાડીને સિપાઇને મોટો ન બનાવાય...બોલ, બીજું કંઇ પૂછવાનું છે બાપુને?
પ્રઃ ચલણી નોટો પર મૂકવાના ચિત્ર વિશે તો થોડો પ્રકાશ પાડો.
સરદારઃ નોટો પર ચિત્ર છાપવું જ હોય તો હસતા બાપુનું નહીં, પણ ઉપવાસ પર બેઠેલા ગમગીન બાપુનું ચિત્ર છાપજો. જેથી લોકોને ખબર પડે કે પ્રામાણિકતાને બદલે કેવળ પૈસાની બોલબાલાથી બાપુ કેટલા દુઃખી છે અને એ ભારતમાં હોત તો તેમણે કૌભાંડો સામે અચૂક ઉપવાસ કર્યા હોત.
પ્રઃ અન્ના હજારેની જેમ?
સરદારઃ ના, બાપુને પ્રસિદ્ધિ પચાવતાં આવડે છે. એટલે ખોટી સરખામણીઓ કરીને તમે લોકો એમને વધારે બદનામ ન કરશો. બસ, હવે સવાલજવાબ બહુ થઇ ગયા. બાપુનો પ્રાર્થનાનો સમય થઇ ગયો છે.
(ફોન કપાઇ જાય છે અને તેના કર્કશ અવાજને બદલે ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ સંભળાતું હોય એવો ભાસ થાય છે.)
Tuesday, June 26, 2012
રૂપિયાનું અવમૂલ્યનઃ ચિંતા કે રાહત?
ગયા સપ્તાહે ભારતના ચલણ તરીકે રૂપિયાએ નવો વિક્રમ સ્થાપિત કર્યો. શુક્રવારના રોજ તેનું મૂલ્ય થયું ઃ ૧ અમેરિકન ડોલર બરાબર ૫૭.૩૩ રૂપિયા. ડોલર સામે રૂપિયાનું મૂલ્ય આટલું નીચું અગાઉ કદી ઉતર્યું ન હતું.
હકીકત એ પણ છે કે છેલ્લા ઘણા સમયથી ‘રૂપિયો અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ’ - એ મથાળું વારંવાર વાંચવા મળે છે. મહિનાઓથી ચાલતું રૂપિયાનું ‘દક્ષિણાયન’- તેની અધોગતિ અવિરતપણે ચાલુ છે- અને સંભવ છે કે આ લેખ તમારા સુધી પહોંચે ત્યારે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ૫૭.૩૩થી પણ આગળ વધી ચૂક્યું હોય. કેટલાક લોકો રમૂજમાં કહે છે તેમ, રૂપિયો હવે ‘સિનિયર સિટિઝન’ બનવાની તૈયારીમાં છે. એટલે કે ૧ ડોલર બરાબર ૬૦ રૂપિયાનો વિનિમય દર હવે હાથવેંતમાં છે.
આંતરરાષ્ટ્રિય બજારમાં રૂપિયાના ભાવ ગગડતા જાય, એટલે પ્રાથમિક પ્રતિક્રિયા અરેરાટી, ચિંતા અને ટીકાની આવે. ‘એક ડોલર બરાબર રૂ.૪૦-૪૫ની સપાટીએથી ડૂબકી લગાવીને રૂપિયો છેક સિનિયર સિટિઝન બનવાની નજીક પહોંચી ગયો. કેટલું ખરાબ કહેવાય? ભારતનું અર્થતંત્ર સાવ ખાડે ગયું છે.’ એ પ્રકારના ઉદ્ગાર ઘણી વાર સાંભળવા મળે છે.
‘ડોલરની સામે રૂપિયો મજબૂત રહેવો જોઇએ. એમાં ભારતની મજબૂતી દેખાય અને તેનો વટ પડે’ એવું પણ અર્થશાસ્ત્ર સાથે સંબંધ ન ધરાવતા ઘણા લોકો માનવા પ્રેરાય છે. પરંતુ ઘરનું અર્થતંત્ર અને દેશનું અર્થતંત્ર જુદી બાબતો છે. મૂળભૂત સિદ્ધાંતો સરખા હોવા છતાં, દેશના વિશાળ અર્થતંત્ર પર સીધી અને આડકતરી રીતે અસર કરતાં પરિબળોની સંખ્યા એટલી મોટી હોય છે કે તેમાં એક ને એક બે જેવા સીધા હિસાબ બેસાડી શકાતા નથી.
મજબૂતીના માપદંડ
રૂપિયાના અવમૂલ્યનની જ વાત કરીએ તો, ઘણા નિષ્ણાતો માને છે કે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટે તે અર્થતંત્ર માટે (અમુક મર્યાદા સુધીમાં) સારું ગણાય. ગયા મહિને લગભગ આ જ તારીખોમાં એક ડોલરનો ભાવ હતોઃ ૫૬.૪૦ રૂપિયા. એ વખતે કેટલાક અભ્યાસીઓ અને આર્થિક અખબારોના લેખકોએ અવમૂલ્યનને આવકારદાયક ગણાવ્યું.
ફક્ત એક જ વર્ષ પહેલાં, એક ડોલર બરાબર ૪૫ રૂપિયાની આસપાસનો ભાવ ચાલતો હતો. એ વધીને (એટલે કે, ડોલરની સરખામણીમાં ઘટીને) રૂ.૫૫ની આસપાસ ભલે પહોંચ્યો. તેમાં ખાસ ચિંતા કરવાપણું નથી- એવું ભારપૂર્વક કહેવામાં આવ્યું. તેના માટે અપાયેલું એક કારણઃ વિશ્વનાં કેટલાંક ચલણોની સરખામણીમાં રૂપિયો અપ્રમાણસરનો ‘મજબૂત’ હતો. એટલે કે તેની મજબૂતી અવાસ્તવિક અને ફુગાવાથી પ્રેરિત હતી.
ડોલરની સામે રૂપિયો મજબૂત હોય તો દેશની આયાત-નિકાસ પર અને દેશના ચાલુ ખાતાના- કરન્ટ એકાઉન્ટના- સરવૈયા પર તેની કેવી અસર થાય? સમજૂતી ખાતર ધારો કે ૧૦૦૦ ડોલરનો માલ આયાત કરવાનો છે. ડોલર સામે રૂપિયાનો દર ૪૫ હોય તો એ માલ ૪૫ હજાર રૂપિયામાં પડે અને ૫૫ હોય તો એ માલ રૂ.૫૫ હજારમાં પડે. આમ, રૂપિયો મજબૂત હોય તો આયાત કરવાનું ફાયદેમંદ નીવડે.
એ જ સમીકરણ નિકાસમાં લગાડીએ તો? આંતરરાષ્ટ્રિય બજારમાં ૧ હજાર ડોલરનો માલ વેચતાં, એક ડોલર દીઠ રૂપિયાનો દર ૪૫ હોય તો નિકાસ કરનારને રૂ.૪૫ હજાર મળે અને રૂપિયાનો દર ૫૫ હોય તો એ જ માલ પેટે નિકાસ કરનારને પ૫ હજાર રૂપિયા મળે.
પરિણામે થાય એવું કે ડોલર સામે રૂપિયો મજબૂત હોય ત્યારે આયાતને પ્રોત્સાહન મળે અને નિકાસમાં એટલો કસ ન રહે. એમાં થતો ફાયદો ઘટે. આમ, રૂપિયો મજબૂત હોય ત્યારે એકંદરે ખરીદી વધે અને વેચાણ ઘટે. જાવક વધે અને આવક ઘટે. એટલે વેપારક્ષેત્રે સરવૈયામાં ખાધ ઊભી થાય, જે દેશના અર્થતંત્ર પર અવળી અસર કરે.
ખાધ પર અને આયાત-નિકાસ (આવક-જાવક)ની આર્થિક અસમતુલા પર કાબૂ મેળવવા માટે દેશો ચલણનું અવમૂલ્યન કરવાનો - કે એ થવા દેવાનો- રસ્તો અપનાવે છે. ભારતની વાત કરીએ તો ડોલર દીઠ રૂપિયાનો દર ૪૫માંથી ૫૫ થાય એટલે માલની આયાત મોંઘી પડવા લાગે અને નિકાસમાં મળતર વધી જાય. તેના લીધે આડેધડ આયાત પર અંકુશ આવે અને નિકાસને પ્રોત્સાહન મળે. એટલે, વધારે જાવક-ઓછી આવક વચ્ચેની ખાઇ પુરાવા લાગે.
એ દૃષ્ટિએ વિચારતા ઘણા નિષ્ણાતોને રૂપિયાનું વર્તમાન અવમૂલ્યન ‘જરૂર કરતાં થોડું વધારે ખરું, પણ જરાય ચિંતાજનક નહીં’- એવું લાગે છે. ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે પણ જાહેર કર્યું છે કે રૂપિયાના અવમૂલ્યથી ભારતના રેટિંગ પર કોઇ અવળી અસર નહીં પડે. એ માટે તેણે આપેલું કારણઃ સરકારના કુલ દેવામાંથી ફક્ત ૭ ટકા દેવું વિદેશમાં છે. વિદેશી દેવાની મુશ્કેલી એ છે કે ૧૦૦ ડોલરનું દેવું હોય ને ડોલર સામે રૂપિયાનો દર ૪૫ હોય તો એ દેવું ૪૫ હજાર રૂ. થાય, પણ રૂપિયાનો દર ૫૫ થાય તો એ જ દેવું ૫૫ હજાર રૂ. થઇ જાય.
અર્થતંત્રમાં સંતુલન જાળવવા માટે ચલણનું માપસરનું અવમૂલ્યન કેટલું જરુરી છે, તે સમજાવવા માટે ગ્રીસનો દાખલો આપવામાં આવે છે. ગ્રીસમાં આર્થિક અસમતુલાનો પાર નથી. પરંતુ ગ્રીસે પોતાનું ચલણ છોડીને યુરોઝોનનું સહિયારું ચલણ ‘યુરો’ અપનાવ્યું છે. તેનું અવમૂલ્યન ગ્રીસ પોતાની મુન્સફી પ્રમાણે કરી શકતું નથી. એટલે ચલણના અવમૂલ્યન દ્વારા સંતુલન સ્થાપવાનો મોટો વિકલ્પ ગ્રીસ પાસે રહ્યો નથી. પરિણામે, તેને વધારે આકરાં લાગે અને સામાન્ય નાગરિકોને સીધાં સ્પર્શે એવાં કરકસરનાં વ્યાપક પગલાં લેવા પડે છે. એમ કરવાથી લોકોનો રોષ વહોર્યા પછી પણ અર્થતંત્ર ઠેકાણે આવતું નથી.
વધઘટના વહીવટ
આખી ચર્ચામાં પ્રાથમિક સવાલ એ થાય કે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધઘટ શી રીતે થાય છે? ગૌહત્તીના એક વાસ્તુશાસ્ત્રીએ કહ્યું છે કે ‘રૂપિયાના નવા પ્રતીકની ડીઝાઇનમાં બે કાપા છે, એ બરાબર નથી. તેમના પાપે રૂપિયાની અને અર્થતંત્રની દશા બેઠી છે.’ આવું હવાઇ કારણ બાજુ પર રાખીએ તો, રૂપિયાની મજબૂતી પર અસર કરતું એક મુખ્ય પરિબળ છેઃ વિદેશી મૂડીરોકાણ.
ભારતમાં કંપનીઓ દ્વારા કે વ્યક્તિગત રીતે થતું વિદેશી મૂડીરોકાણ જેટલું વધારે, એટલી ભારત પાસે ડોલરની છત. ભારતની તિજોરીમાં ડોલર જેટલા વધારે એટલો રૂપિયો મજબૂત. એપ્રિલ, ૨૦૧૨માં એન.આર.આઇ. દ્વારા થયેલા મૂડીરોકાણનો આંકડો ૩ અબજ ડોલરને આંબી ગયો હતો, જે એપ્રિલ, ૨૦૧૧ની સરખામણીમાં આશરે આઠ ગણો વધારે હતો. છતાં, વિદેશી રોકાણકારોએ પાછી ખેંચી લીધેલી મૂડીને કારણે અને આયાત-નિકાસ વચ્ચે પડતી મોટી ઘટને કારણે એન.આર.આઇ. ડીપોઝીટની ધારી અસર પડી નથી.
વિદેશી રોકાણકારો ક્યારે રોકાણ કરે છે અને ક્યારે પાછું ખેંચી લે છે તેનો આધાર વૈશ્વિક પરિબળો અને રેટિંગ એજન્સીઓના અહેવાલોથી માંડીને ‘સેન્ટીમેન્ટ’ (બજારની હવા) જેવી અમૂર્ત બાબતો પર હોય છે. બે રેટિંગ એજન્સીઓએ આ મહિને ચીમકી આપી છે કે ભારતની આર્થિક સ્થિતિમાં સુધારો નહીં આવે તો તેનું રેટિંગ નીચું ઉતારવામાં આવશે. રેટિંગ નીચું ઉતરે એટલે વિદેશી રોકાણકારો ભારતમાં રોકાણ કરતાં ખચકાય અથવા કરેલું રોકાણ પાછું ખેંચી લે. વિદેશી રોકાણ ઘટે એટલે સ્થિતિ વધારે કથળે અને બજારની હવા ખરાબ થાય.
ડોલરની સરખામણીમાં રૂપિયાનું મૂલ્ય સતત ઘટતું હોય, ત્યારે રીઝર્વ બેન્ક પર ‘કંઇક’ કરવાનું ઘણું દબાણ હોય છે. એમાં પણ રૂપિયાનું અવમૂલ્યન રાજકીય કે દેશની શાનને લગતો મુદ્દો બને ત્યારે કાગારોળ મચે છે. એવા વખતે રીઝર્વ બેન્ક પોતાની પાસે રહેલા ડોલરના રીઝર્વ (અનામત) ભંડોળમાંથી થોડા ડોલર છૂટા કરે. બજારમાં ડોલરની છત થતાં તેનું મૂલ્ય ઘટે છે અને તેની સરખામણીમાં રૂપિયો ઊંચો આવે છે. પરંતુ આ લખાય છે ત્યાં સુધી રીઝર્વ બેન્કે રૂપિયાની અધોગતિ અટકાવવા એવાં કોઇ પગલાં લીધાં નથી. કારણ કે ડોલરનું અનામત ભંડોળ કિમતી હોય છે અને યોગ્ય-અનિવાર્ય કારણો વિના એ ભંડોળને અડવાનું રીઝર્વ બેન્ક પસંદ કરતી નથી.
રૂપિયાના વર્તમાન -અને હદ વટાવતા- અવમૂલ્યનને કાબૂમાં રાખવાના એક પ્રયાસ તરીકે રીઝર્વ બેન્કે સરકારી ઓઇલ કંપનીઓની મદદ માગી છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ- એ ત્રણે ઓઇલ કંપનીઓને દર મહિને ક્રુડ ઓઇલની આયાત માટે આશરે ૮ અબજ ડોલરની જરૂર પડે છે. ડોલરનું ચલણ વાજબી ભાવે મેળવવા માટે આ કંપનીઓ ઘણી બેન્કો પાસેથી ભાવ મંગાવે છે. કંપનીને જરૂર હોય ૧ કરોડ ડોલરની અને એ ૧૦ બેન્કો પાસેથી ભાવ મંગાવે, એટલે બજારમાં ૧૦ કરોડ ડોલરની માગ હોય, એવું વાતાવરણ ઊભું થાય. એ હવાને કારણે પણ ડોલરની મજબૂતી અને રૂપિયાની નબળાઇમાં વધારો થઇ શકે છે.
આ પરિસ્થિતિ નીવારવા માટે રીઝર્વ બેન્કે સરકારી ઓઇલ કંપનીઓને આદેશ આપ્યો છે કે જેટલા ડોલરની જરૂર હોય તેમાંથી અડધા ડોલર જાહેર ક્ષેત્રની કોઇ એક બેન્ક પાસેથી જ ખરીદવા. એમ કરવાથી બજારમાં ડોલરની માગ અંગેનું અતિશયોક્તિભર્યું વાતાવરણ સર્જાતું અટકે. અલબત્ત, રિલાયન્સ અને એસ્સાર જેવી, ક્રુડ ઓઇલની કુલ આયાતમાં ૪૦ ટકા હિસ્સો ધરાવતી કંપનીઓને આ નિયમ લાગુ પડતો નથી. એટલે, તેનાથી ‘સેન્ટીમેન્ટ’ (હવા) સિવાયનો નક્કર ફરક કેટલો પડશે, એ જોવાનું રહે છે.
આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં સીધા વિદેશી મૂડીરોકાણ-ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ-થી રૂપિયાની અને અર્થતંત્રની પરિસ્થિતિ સુધરે એમ છે, પરંતુ એ રાજકીય મુદ્દો છે. એટલે સુષુપ્ત સરકાર અને તેનાં મમતા બેનરજી જેવ સાથીદારોને કારણે એ દિશામાં પ્રગતિ થઇ શકે એવું અત્યારે લાગતું નથી.
આશ્વાસન અને આશા
રૂપિયાના રેકોર્ડબ્રેક અવમૂલ્યન ટાણે આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રુડ ઓઇલનો ભાવ બેરલ દીઠ ૧૧૦-૧૧૫ ડોલરને બદલે ૯૦ ડોલર જેટલો નીચો ચાલે છે. તેના લીધે ખરેખર તો ઓઇલ કંપનીઓને ફાયદો થાય અને તેની અસર પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં ઘટાડા તરીકે ગ્રાહકોને મળી શકે. પરંતુ રૂપિયાના અવમૂલ્યનને કારણે એક ડોલરના વધારે રૂપિયા ચૂકવવા પડે છે. એટલે ક્રુડના ભાવઘટાડાથી થતા ફાયદાનો ખાસ્સો છેદ ઉડી જાય છે. આશ્વાસન હોય તો એટલું કે અત્યારે ક્રુડનો ભાવ વધારે નથી. એવું થાય તો ક્રુડ અને ડોલર એમ બેવડા ભાવવધારાને કારણે ગ્રાહકોને બમણો માર વેઠવાનો આવે.
રૂપિયાનું અવમૂલ્યન અંકુશિત રહેવાને બદલે સમગ્ર અર્થતંત્રની નબળી સ્થિતિનું સૂચક બને ત્યારે એમાં ચિંતા કરવાપણું થાય છે. એ દિશામાં ગતિ આરંભાઇ ચૂકી હોવા છતાં ગંભીર ચિંતાનો તબક્કો હજુ દૂર છે. ત્યાં સુધીમાં તત્કાળ અને લાંબા ગાળાનાં નીતિવિષયક- એમ બન્ને પ્રકારનાં પગલાં લઇને અર્થતંત્રને પાટે ચડાવવાનો રીઝર્વ બેન્ક અને નાણાં મંત્રાલય પાસે સમય છે. જરૂર છે એ સમયનો યોગ્ય ઉપયોગ કરવાની.
Labels:
economy
Sunday, June 24, 2012
જૈન ધર્મની પ્રાચીનતા સિદ્ધ કરનાર બહુમુખી પ્રતિભાવાન પુરાતત્ત્વવિદ્ : ભગવાનલાલ ઇન્દ્રજી
![]() |
| ભગવાનલાલ ઇન્દ્રજી/ Bhagwanlal Indraji |
પુરાતત્ત્વ જેવી ‘શુષ્ક’ વિદ્યાશાખા અને તેના અભ્યાસીઓ સાથે સામાન્ય માણસને શી લેવાદેવા? એવી માન્યતા પ્રચલિત છે. પરંતુ ભગવાનલાલ ઇન્દ્રજી (૧૮૩૯-૧૮૮૮) જેવા અભ્યાસી-સંશોધકના કામ વિશે જાણ્યા પછી એ ખ્યાલ કેટલો ખોટો છે તે સમજાય.
ઉદાહરણ તરીકે જૈન ધર્મના ઇતિહાસની વાત કરીએ. ધર્મપ્રેમી જૈનોમાંથી કેટલા જાણતા હશે કે જૈન ધર્મ એક સમયે બૌદ્ધ ધર્મની શાખા ગણાતો હતો? ભગવાનલાલના સમકાલીન અભ્યાસીઓ માનતા હતા કે જૈન ધર્મ ઇસુ પૂર્વે બે સદીથી વધારે જૂનો નથી. પરંતુ ભગવાનલાલે ઉદયગિરિ (ઓરિસ્સા)ની જૈન ગુફાઓ અને મથુરાના જૈન સ્તૂપના અભ્યાસ પછી દર્શાવી આપ્યું કે શરૂઆતનાં વર્ષોમાં જૈન અને બૌદ્ધ ધર્મોની ઘણી બાબતો મળતી આવતી હતી. બૌદ્ધોની જેમ જૈનો પણ સ્તૂપની પૂજા કરતા હતા. તેને કારણે ઘણા જૈન સ્તૂપોને બૌદ્ધ સ્તૂપ માની લેવામાં આવતા હતા. એવી જ રીતે ઉદયગિરિની ગુફાઓમાં રહેલા રાજા ખારવેલના લેખને પણ વિદ્વાનો સાચી રીતે વાંચી શક્યા ન હતા.
ભગવાનલાલે સ્તૂપ સાથેના લખાણની મદદથી અને ખારવેલનો લેખ યોગ્ય રીતે વાંચીને જૈન ધર્મની પ્રાચીનતા દર્શાવી આપી. આ વિગતો ‘ભગવાનલાલ ઇન્દ્રજીઃ પુરાતત્ત્વ વિદ્યાના ભારતીય આદ્યપુરૂષ’ એ પુસ્તકમાં નોંધતાં વીરચંદ ધરમસીએ લખ્યું છેઃ ‘જૈન ઇતિહાસ લખનારા હાલના મોટા ભાગના વિદ્યાવંતો એ વાતથી અજાણ દેખાય છે કે ભગવાનલાલ જૈન અઘ્યયના અગ્રિમ વિદ્યાવંત હતા.’
ભગવાનલાલની અભ્યાસનિષ્ઠા કોઇ ધર્મ-સંપ્રદાય કે વિસ્તાર-પ્રદેશ પૂરતી મર્યાદિત ન હતી. ૧૮૭૩-૭૪માં પાંચ મહિના માટે તે નેપાળ ગયા હતા. ત્યાં જવાનો હેતુ બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરીને શક્ય એટલી વિગતો મેળવવાનો- શોધી કાઢવાનો હતો. એ માટે તે નેપાળી ભાષા પણ શીખ્યા હતા. નેપાળમાં તેમણે કેટલાંક પ્રાચીન સ્મારકો શોધી કાઢ્યાં. તેમાં ચાંગુનારાયણનો ગરુડ-સ્તંભ મુખ્ય છે. બૌદ્ધ ધર્મની ગુપ્ત ગણાતી હસ્તપ્રતો ત્યાંના ધર્માચાર્યો કોઇને બતાવતા નહીં, પણ ભગવાનલાલની વિદ્વત્તાથી પ્રભાવીત થયેલા ધર્માચાર્યોએ તેમને એ હસ્તપ્રતો બતાવી.
નેપાળમાં ભગવાનલાલે પ્રાચીન સ્મારકો અને હસ્તપ્રતોથી માંડીને સાંપ્રત સમાજ અને જીવન વિશેની ઘણી નોંધો કરી. તેને કારણે નેપાળના ઇતિહાસમાં પણ ભગવાનલાલ ઇંદ્રજીનું પાયાનું પ્રદાન સર્વસ્વીકૃત બન્યું. વીરચંદ ધરમસી લિખિત ભગવાનલાલના ચરિત્રની ગુજરાતી આવૃત્તિમાં લગભગ સવા સો છપાયેલાં પાનાંમાં તેમણે નેપાળ સહિતના વિવિધ પ્રવાસો દરમિયાન કરેલી નોંધો સમાવવામાં આવી છે. પુસ્તકની દળદાર અંગ્રેજી આવૃત્તિની સરખામણીમાં ગુજરાતી ચરિત્ર પ્રમાણમાં ટૂંકું હોવા છતાં, ભગવાનલાલની નોંધોને કારણે તે અત્યંત મૂલ્યવાન બન્યું છે.
જૂના લેખો વાંચવાનું કામ કેટલું કઠણ હતું અને ભગવાનલાલ તેમાં કેટલા નિષ્ણાત હતા તેનો એક જ નમૂનોઃ મોહેં-જો-દડોના શોધક રાખાલદાસ બેનરજી અને મુનિ જિનવિજયજી- આ બન્નેએ (ભગવાનલાલના મૃત્યુના દાયકાઓ પછી) ખારવેલનો લેખ ઉકેલવા માટે પૂરી સાધનસુવિધા સાથે પોતપોતાની રીતે પ્રયાસ કર્યા હતા. બેનરજીની મદદે બે કુશળ કલાકારો અને એક વિદ્વાન ઉપરાંત સરકારી સંસાધનો હતાં, જ્યારે મુનિ જિનવિજયજી પટના મ્યુઝિયમમાં એક અભ્યાસી સાથે રોજ ત્રણ-ચાર કલાક એમ એક અઠવાડિયા સુધી એ લેખના અક્ષરો બેસાડવા પ્રયાસ કરતા હતા. આ બન્ને મહાનુભાવોએ ભગવાનલાલ પ્રત્યે અપાર આદર સાથે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે પૂરતી સુવિધા વિના, સ્થળ પર જઇને નરી આંખે ફક્ત બે જ દિવસમાં ભગવાનલાલ આ લેખની આટલી ઉત્તમ નકલ શી રીતે ઉતારી શક્યા હશે?
પુરાતત્ત્વવિદ્ તરીકે ખ્યાતિ મેળવનાર ભગવાનલાલે પોતાની અભ્યાસી દૃષ્ટિથી ઇતિહાસમાં કરેલું કામ ઇતિહાસકારો પણ યાદ કરતા નથી. જે સમયે ઇતિહાસના નામે અભ્યાસીઓ દંતકથા અને મૌખિક ઇતિહાસથી કામ ચલાવી લેતા હતા, ત્યારે ભગવાનલાલે જૂના અભિલેખો, સ્થાપત્યો-સ્મારકો અને સિક્કા જેવી નક્કર સામગ્રીના આધારે ગુજરાતનો આરંભિક ઇતિહાસ રજૂ કર્યો. ‘અર્લી હિસ્ટરી ઓફ ગુજરાત’ તેમનો પહેલો વ્યવસ્થિત અભ્યાસગ્રંથ હતો.
ભગવાનલાલ ભારતીય સંસ્કૃતિના પ્રેમી હોવા છતાં, તથ્યોના અર્થઘટનની બાબતમાં તે સંસ્કૃતિના મિથ્યાભિમાનથી દોરવાતા નહીં. ભારતીય માનસની મર્યાદાઓથી તે બરાબર પરિચિત હતા. એ માનસને રૂચે અને પચે એવાં તારણો કાઢી આપતા સરકારી કે લોકપ્રિય ઇતિહાસકારો જેવો ધંધો ભગવાનલાલે કદી ન કર્યો. ગુજરાતના અને કાઠિયાવાડનાં ઘણાં રજપૂત કુટુંબોનું પગેરું સાધારણ અથવા અજાણ્યા કુળ સુધી પહોંચતું હોવાનું તેમણે સાફ શબ્દોમાં જણાવ્યું હતું. (તેમના ચરિત્રકાર વીરચંદ ધરમસીએ લખ્યું તેમ, જુદાં જુદાં જૂથો પોતાને જાણીતાં કુળ સાથે જોડતાં હોય ત્યારે ભગવાનલાલનું આ વિધાન ઘણું હિંમતભર્યું ગણી શકાય.) ૧૮૬૨માં તે અજંટાની ગુફાઓના અભ્યાસ માટે ગયા ત્યારે સ્થાનિક રહેવાસીઓ ગુફાને પાંડવની ગુફા તરીકે ઓળખતા હતા. એ સમયે ભગવાનલાલે નોંઘ્યું હતું કે ‘જેટલે ઠેકાણે ગુફાઓ છે તેને લોકો ઘણું કરીને પાંડવોના ગુફા જ કેહે છે.’
સિદ્ધરાજ જયસિંહે બાબરા ભૂતને વશ કરેલો એવી કથા વિશે ભગવાનલાલે લખ્યું હતું કે ‘બર્બરોનો એક સમુદાય દક્ષિણ સૌરાષ્ટ્રમાં વસેલો. એ વિસ્તાર આજે બાબરિયાવાડ તરીકે જાણીતો છે. તેની પર સિદ્ધરાજે જીત મેળવી હતી.’ સિદ્ધરાજના યુગમાં ચાલેલી ગાદીના વારસા માટેની ખટપટની પણ તેમણે નોંધ લીધી હતી. ધાર (મઘ્ય પ્રદેશ)ની એક મસ્જિદમાં ૨૪ ફૂટ લાંબો અને ૧૧ ઇંચનો ચોરસ એવો લોઢાનો સ્તંભ હતો. એ સ્તંભ વિશે એવી દંતકથા હતી કે સ્તંભ બહાર કરતાં જમીનમાં ઘણો લાંબો છે અને તેનો છેડો દોઢ માઇલ દૂર એક વાવમાં નીકળે છે. સ્થાનિક અમલદારો સુદ્ધાં આ વાત માનતા હતા, પણ ભગવાનલાલે જઇને સ્તંભ ખોદાવ્યો ત્યારે ખબર પડી કે જમીનમાં તે ફક્ત દોઢ ફૂટ ઊંડો જ હતો.
પ્રાચીન સ્મારકો-શિલાલેખો-સિક્કા જેવી નિર્જીવ સામગ્રી સાથે કામ પાડનાર ભગવાનલાલ સામાજિક રીતરિવાજો અને તેના ઇતિહાસમાં પણ જીવંત રસ ધરાવતા હતા. ૧૮૭૧-૭૨માં પ્રવાસ દરમિયાન, ઉત્તર પ્રદેશના સહારનપુર -કાલસી નજીક આવેલી પહાડીમાં તે ગયા હતા. ત્યાં બધા સગા ભાઇઓ એક જ સ્ત્રીને પરણે એવો રિવાજ હતો. એ વિશે ભગવાનલાલે વિગતે નોંધ કરી હતી. તેમણે લખ્યું હતું,‘દીકરીનાં માબાપ પણ શાદી કરતી વખતે મુખ્ય કરીને તપાસે છે કે તેઓ કેટલા ભાઇઓ છે. જો એકલો હોય તો તે ને દીકરી દેવાનું કોઇ પસંદ કરતું નથી. તેનું મુખ્ય કારણ એ બતાવે છે કે તેને રાંડવું પડશે...ચાર કે પાંચ ભાઇ હોય તેમાંથી જે ઓલાદ થાય તે સઘળી મોટા ભાની કહેવાય. તેઓમાંયના કોઇને પુછીએ કે તારા બાપનું નામ શું? તો તેના બાપો માંહેલા મોટા ભાઇનું નામ લે, પણ બોલવામાં સઘળાને બાપ કહે છે અને બધાને બાપની પ્રમાણે માન આપે છે.’ (જોડણી-ભાષા અસલ પ્રમાણે)
મુંબઇમાં ‘શેઠ અને ગુરુ’ ડૉ. ભાઉ દાજી ઉપરાંત અનેક અંગ્રેજ અફસરો-અભ્યાસીઓએ ભગવાનલાલના કામની કદર કરી. ભાઉ દાજીના મૃત્યુ પછી સ્વતંત્ર અભ્યાસી તરીકે ભગવાનલાલના નામ અને કામની, તેમના ગુજરાતી અભ્યાસલેખોના અંગ્રેજી અનુવાદની ઘણી પ્રશંસા થઇ. યુરોપના ઘણા વિદ્વાનો સાથે ભગવાનલાલની મિત્રાચારી થઇ હતી. તેમની વચ્ચે પત્રવ્યવહાર પણ ચાલતો. ભગવાનલાલ મુંબઇના વાલકેશ્વરમાં જે ઘરમાં રહેતા હતા, એ તેમને ભાટિયા અને વાણિયા લોકોએ ભેટમાં આપ્યું હતું. જન્મે પ્રશ્નોરા નાગર એવા ભગવાનલાલને વૈદકનું જ્ઞાન કુટુંબ પરંપરામાંથી મળ્યું હતું. એમાં પણ તેમણે વિકાસ સાઘ્યો હતો. નેપાળ ગયા ત્યારે તે રક્તપિત અને કોઢના રોગ માટે ઓસડિયાં લાવ્યા હતા. વિખ્યાત વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણ ઇન્દ્રજી ભગવાનલાલના શિષ્ય હતા. નાસિકની ગુફાઓના અભ્યાસ વખતે જયકૃષ્ણ ભગવાનલાલની સાથે જોડાયા હતા.
ગરીબ દર્દીઓને મફત દવા આપનારા આ પુરાતત્ત્વવિદ્ના એક મિત્ર-ચાહક હતાઃ બોમ્બે ગેઝેટીયરના સંપાદક જેમ્સ કેમ્પબેલ. તેમણે ગેઝેટીયરનું કામ કરતા ભીમભાઇ કિરપારામ અને ઝવેરીલાલ યાજ્ઞિકને ભગવાનલાલનાં સ્મરણોની નોંધ કરવાનું સૂચવ્યું હતું. પરંતુ એ કામ માંડ શરૂ થયું ત્યાં ૪૯ વર્ષની વયે, થોડી બિમારી પછી ભગવાનલાલના સભર-સમૃદ્ધ-સાર્થક જીવનનો અંત આવ્યો. છેલ્લા દિવસોમાં તેમણે કહ્યું હતું,‘મને મરણનો કોઇ ભય નથી. મારું મોટા ભાગનું જીવન એક સુંદર, પ્રામાણિક અને સત્ત્વશીલ કાર્યને મેં અર્પણ કર્યું છે.’ કેમ્પબેલે તેમને મૃત્યુનાં ત્રણ અઠવાડિયાં પહેલાં એક પત્રમાં લખ્યું હતું, ‘તમારું જીવન હવે લગભગ પૂરું થવામાં છે એ વિચારે ખિન્ન થઇ જવાય છે.આટલાં બધાં વર્ષોથી ગરીબોની માંદગી પાછળ તમે જે સમય અને નાણાં ખર્ચ્યાં છે, એ તમને તમારી કામગીરીનાં છપાયેલાં પરિણામો (અભ્યાસ-સંશોધન લેખો) કરતાં વધારે આશ્વાસન આપનારાં થઇ પડશે.’
કેમ્પબેલને શંકા હતી કે પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીની પાછળ તેમની વિદ્વત્તા અને બૌદ્ધિક પ્રદાનની થોડી વિગતો સિવાય બાકી બઘું ભૂંસાઇ જશે. ગુજરાતના અને ભારતના અભ્યાસી સહિતના લોકોએ કેમ્પબેલની આશંકાથી આગળ વધીને, ભગવાનલાલના બૌદ્ધિક પ્રદાનને પણ વિસારે પાડી દીઘું હતું. એક સદી પછી ભગવાનલાલનું જીવન-કાર્ય ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં, પૂરા કદના પુસ્તક તરીકે ઉપલબ્ધ બન્યું છે, એ દર્શક ઇતિહાસ નિધિ અને વીરચંદ ધરમસીએ ભગવાનલાલ ઇન્દ્રજીને આપેલી સાચી અંજલિ છે.
Labels:
Archeology,
Bhagwanlal Indraji,
history/ઇતિહાસ,
religion
Subscribe to:
Posts (Atom)
















