Sunday, May 15, 2011

સાપેક્ષવાદના બે સિદ્ધાંતની પ્રેક્ટિકલ ચકાસણીનું પરિણામ: આઇન્સ્ટાઇન ફુલ્લી પાસ, પરીક્ષકને એટીકેટી

બાવન વર્ષની મથામણ અને પંચોતેર કરોડ ડોલરના ખર્ચ પછી જનરલ થિયરી ઓફ રિલેટીવિટીના બે સિદ્ધાંતની તપાસ પૂરી થઇ. ‘નાસા’ના ગ્રેવિટી પ્રોબ-બી યાને આપેલાં અને આ માસના આરંભે જાહેર થયેલાં પરિણામ શું સૂચવે છે?


વર્ષ : ૧૯૧૬
આઇન્સ્ટાઇને સાપેક્ષવાદ તરીકે જાણીતો બનેલો ‘જનરલ થિયરી ઓફ રિલેટીવીટી’નો સિદ્ધાંત આપ્યો. તેમાં
ગુરૂત્વાકર્ષણની સમજૂતી આપતાં આઇન્સ્ટાઇને દર્શાવ્યું કે બ્રહ્માંડનો દરેક પદાર્થ સ્પેસના તાણા અને ટાઇમ (સમય)ના વાણાથી રચાતા અદૃશ્ય, ત્રિપરિમાણીય (થ્રી-ડી) તાણાવાણામાં રહે છે. ગુરૂત્વાકર્ષણ તરીકે ઓળખાતું, મોટો પદાર્થ નાના પદાર્થને પોતાના ભણી ખેંચે એવું બળ પણ અદૃશ્ય તાણાવાણામાં પડતા ઝોલને આભારી છે.

સ્પેસ-ટાઇમના સર્વવ્યાપી તાણાવાણા માટે પ્રચલિત ઉપમા રબરિયા ચાદરની છે. એની અવેજીમાં, સરકસમાં ઝૂલા ના ખેલ વખતે બંધાતી જાળીનું ઉદાહરણ પણ લઇ શકાય. એ જાળી દ્વિપરિમાણીય (ટુ-ડી) હોય છે, પણ પ્રાથમિક ખ્યાલ મેળવવા માટે તે પૂરતી છે.

ધારો કે ઝૂલાના ખેલ વખતે બંધાયેલા જાળીમાં જુદા જુદા વજનના નાના-મોટા ગોળા છૂટાછવાયા મૂકવામાં આવે તો? દરેક ગોળાના કદ-વજન પ્રમાણે જાળીમાં ઝોલ પડે અને ગોળાની આજુબાજૂના જાળીના હિસ્સામાં ઢોળાવ પેદા થાય. એ ઢોળાવની હદમાં કોઇ નાનો ગોળો આવે, તો દેખીતી રીતે જ ઢોળાવ તરફ- અને તે પેદા કરનાર મોટા ગોળા તરફ- આકર્ષાય. સ્પેસ-ટાઇમની થ્રી-ડી ‘જાળી’માં પ્રત્યેક ગોળાના ઝોલ થકી પેદા થતું આકર્ષણ એટલે ગુરૂત્વાકર્ષણ.

થ્રી-ડી ‘જાળી’માં ઝોલ પાડનાર ગોળો સ્થિર નહીં, પણ પોતાની ધરી પર ફરતો હોય તો? તેની આસપાસ રહેલી જાળી પણ ગોળાની ગતિ સાથે મરોડાય કે નહીં? આ બાબત સમજાવવા માટે વૈજ્ઞાનિકોએ પ્રયોજેલી બીજી ઉપમાઃ મધ ભરેલા પ્યાલામાં (પોતાની ધરી પર) ગોળ ફરતી લખોટી નાખવામાં આવે તો? લખોટીની ફેરફુદરડીના- તેના ધરીભ્રમણના પ્રતાપે, લખોટીની આજુબાજુ રહેલા મધનો થોડો હિસ્સો તરડાવો-મરડાવો જોઇએ- પ્યાલામાં ભરેલું બાકીનું મધ ભલે સ્થિર રહે.

વર્ષ : ૧૯૫૯-૬૪
અમેરિકાની સ્ટેન્ફર્ડ યુનિવર્સિટી અને એમ.આઇ.ટી.ના બે સંશોધકોએ વિચાર્યું : પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. તેને કારણે, આઇન્સ્ટાઇનની થિયરી પ્રમાણે, પૃથ્વીની આસપાસ સ્પેસ-ટાઇમની ‘જાળી’માં નજીવો મરોડ આવવો જોઇએ. એ મરોડ માપી શકાય તો આઇન્સ્ટાઇનની થિયરીને પ્રમાણભૂત રીતે સાચી ઠેરવી શકાય. પણ માપણી માટેનાં સાધનો શી રીતે તૈયાર કરવાં? એ સમયે ભારે ચોક્સાઇ ધરાવતાં દિશાસૂચક જાયરોસ્કોપ બનાવવાનું શક્ય ન હતું. ઉપગ્રહયુગની પણ શરૂઆત હતી.

આ મથામણ ચાલુ હતી ત્યારે ૧૯૬૨માં ડોક્ટરેટ પછીના અભ્યાસ માટે ફ્રાન્સિસ એવરીટ સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાં જોડાયા. તેમણે થિયરીની ચકાસણી માટેની વૈજ્ઞાનિક જરૂરિયાતોથી માંડીને રાજકીય -આર્થિક રીતે પ્રોજેક્ટ માટે લોબીઇંગ કરવામાં ઊંડો રસ લીધો અને ૪૯ વર્ષ જેટલા લાંબા સમય સુધી (છેક અંત સુધી) પ્રોજેક્ટ સાથે સંકળાયેલા રહ્યા.

૧૯૬૪માં અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’એ સ્ટેનફર્ડ યુનિવર્સિટી સાથે મળીને આઇન્સ્ટાઇનની થિયરીના બે મુદ્દા ચકાસવાનું બીડું ઝડપ્યું. વિજ્ઞાનની પરિભાષામાં એ બે મુદ્દા હતાઃ ૧) જીઓડેટિક ઇફેક્ટ :પૃથ્વીને કારણે સ્પેસ-ટાઇમની જાળી પર થતી અસર- તેમાં પેદા થતો ઝોલ ૨) ફ્રેમ ડ્રેગિંગ : પૃથ્વીના ધરીભ્રમણને કારણે સ્પેસ-ટાઇમની જાળીમાં આવતો મરોડ.

વર્ષ : ૨૦૦૪
લગભગ સાડા ચાર દાયકા પછી ‘ગ્રેવિટી પ્રોબ-બી’ મિશન વિચાર મટીને વાસ્તવિકતા બન્યું. એપ્રિલ ૨૦, ૨૦૦૪ના રોજ ‘ગ્રેવિટી પ્રોબ-બી’નું માળખું લો અર્થ ઓરબિટમાં- પૃથ્વીથી ૬૪૨ કિલોમીટર ઊંચે, ધ્રુવીય ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું. તેને ચાર જાયરોસ્કોપથી સજ્જ કરવામાં આવ્યું હતું. જાયરોસ્કોપની ચોક્સાઇ માટેનો દાવો એવો હતો કે તેની દિશામાં દર કલાકે એક અંશના એક અબજમા ભાગ કરતાં વધારે ફરક નહીં પડે. ચારે જાયરોસ્કોપમાં વપરાયેલા ગોળાને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્‌સે અત્યાર સુધીના ઇતિહાસમાં બનેલા ‘મોસ્ટ પરફેક્ટ’ ગોળાનું પ્રમાણપત્ર આપ્યું હતું. ગ્રેવિટી પ્રોબ-બીનાં ચારે જાયરોસ્કોપને આઇએમ પેગાસી નામના એક તારા ભણી તાકવામાં આવ્યાં.


ગુરૂત્વાકર્ષણને મામલે ન્યૂટન સાચો હોય તો બ્રહ્માંડમાં જીઓડેટિક ઇફેક્ટ કે ફ્રેમ ડ્રેગિંગ જેવું કશું બનવાનું ન હતું અને જાયરોસ્કોપની દિશામાં કોઇ ફરક પડવાનો ન હતો. પણ જો આઇન્સ્ટાઇનની થીયરી સાચી હોય તો? તારો ભલે પોતાની જગ્યાએ અવિચળ હોય, પણ પૃથ્વીના ધરીભ્રમણને કારણે સ્પેસ-ટાઇમની ‘જાળી’માં મરોડ પેદા થવો જોઇએ. પરિણામે, ગ્રેવિટી પ્રોબ-બીનાં જાયરોસ્કોપને તારો એની જગ્યાએથો થોડો ખસેલો લાગવો જોઇએ. એટલે કે તારાને તાકી રહેલાં જાયરોસ્કોપની મૂળ દિશા અને થોડા સમય પછીની દિશામાં મામુલી તફાવત નોંધાવો જોઇએ.

વર્ષઃ ૨૦૧૧
ડિસેમ્બર, ૨૦૧૦માં ગ્રેવિટી પ્રોબ-બીનું અવતાર કાર્ય પૂરું થયેલું જાહેર કરવામાં આવ્યું, પરંતુ ત્યાર પહેલાં આ પ્રયોગની કહાણીમાં ઘણા મરોડ આવી ચૂક્યા હતા. પ્રયોગ શરૂ થતાં પહેલાં સાતેક વખત તેને રદ કરવાનો નિર્ણય લેવાઇ ગયો હતો. એ વખતે એવરીટે દૃઢ નિશ્ચય અને મક્કમ પ્રયાસોથી પ્રયોગને જીવતદાન અપાવ્યું. એ માટે નાસાના અધિકારીઓથી માંડીને અમેરિકાના સાંસદોને સમજાવવામાં એવરીટ પાછા પડ્યા નહીં.

એપ્રિલ ૨૦૦૪થી ઓગસ્ટ ૨૦૦૫ સુધી ગ્રેવિટી પ્રોબ-બીએ માહિતી એકઠી કરવાનું ચાલુ રાખ્યું. પરંતુ તેના દ્વારા મળેલી માહિતી પરથી જણાયું કે અભૂતપૂર્વ ચોક્સાઇ ધરાવતાં જાયરોસ્કોપ ખરાબે ચડીને દિશાભાન ગુમાવી બેઠાં હતાં અને ઘણી વાર આડીઅવળી દિશાઓ ભણી તકાઇ જતાં હતાં. ‘નાસા’ના ઇતિહાસમાં સૌથી લાંબા પ્રોજેક્ટમાંના એક ગણાતા ‘ગ્રેવિટી પ્રોબ-બી’ માટે આ ખેદની વાત હતી. ૨૦૦૮માં ‘નાસા’એ આ પ્રોજેક્ટને ખાડે ગયેલો ગણીને તેને ભંડોળ આપવાનું બંધ કર્યું, ત્યારે ગ્રેવિટી પ્રોબ-બી થકી મળેલી ઘણી માહિતીનો અભ્યાસ અને તેનું પૃથક્કરણ બાકી હતાં. પ્રોજેક્ટ સાથે પોતાનું જીવન જોડી ચૂકેલા એવરેટે હિંમત હાર્યા વગર ખાનગી ભંડોળ માટે પ્રયાસ આદર્યા. એ પ્રયત્નો સફળ થતાં કામ આગળ ચાલ્યું. આખરે ૪ મે, ૨૦૦ના રોજ સંશોધકોએ ‘ગ્રેવિટી પ્રોબ-બી’ના પ્રયોગનાં પરિણામ જાહેર કર્યાં, જે આઇન્સ્ટાઇનની બન્ને થિયરીની પુષ્ટિ કરતાં હતાં.

અલબત્ત, ગ્રેવિટી પ્રોબ-બીનાં પરિણામના મહત્ત્વ અંગે સંશોધકો વચ્ચે મતભેદ પ્રવર્તે છે. ઘણા અભ્યાસીઓ માને છે કે ગ્રેવિટી પ્રોબ-બીનાં પરિણામ નવાં કે પહેલી વારનાં નથી. અત્યાર લગીમાં બીજાં મિશનો દરમિયાન આઇનસ્ટાઇનના બન્ને સિદ્ધાંતની સાબિતી મળતી રહી છે. જેમ કે શનિ અને તેના ઉપગ્રહોના અભ્યાસ માટે ‘નાસા’એ ‘કાસિની’ નામનું યાન રવાના કર્યું હતું. એ યાનમાંથી પૃથ્વી પર આવતા રેડિયોતરંગો સૂર્યના ગુરૂત્વાકર્ષણમાંથી પસાર થતી વખતે (સ્પેસ-ટાઇમની ‘જાળી’માં સૂર્યને કારણે પેદા થયેલા ઝોલની અસરથી) મરોડાયા હતા. બીજો વાંધો ગ્રેવિટી પ્રોબ-બીનાં પરિણામોની ચોક્સાઇ સામે છે. તેના કરતાં અગાઉનાં બીજાં મિશનની આડપેદાશ તરીકે મળેલાં પરિણામ વધારે ચોક્કસ હતાં.

તેમ છતાં, માત્ર ને માત્ર જનરલ થિયરી ઓફ રિલેટીવિટીની ખરાઇ માટેના મિશન તરીકે ગ્રેવિટી પ્રોબ-બીનું નામ વિજ્ઞાનના ઇતિહાસમાં લખાઇ ગયું છે એમાં બેમત નથી.

Saturday, May 14, 2011

ભાવવધારાની પૂર્વસંધ્યાએ બચતનો આનંદ

આજે મધરાતથી પેટ્રોલમાં લીટર દીઠ રૂ. પાંચનો ભાવવધારો જાહેર થયો, તેના થોડા સમય પછી પેટ્રોલપમ્પ જોવા મળેલું આ દૃશ્ય, અગાઉ પણ ઘણી વાર જોયેલું છે અને દરેક વખતે એ જોઇને મેં નવાઇ, રમૂજ, થોડું માન અને એ સિવાયની અનેક લાગણીનું મિશ્રણ અનુભવ્યું છે. (આ તસવીરમાં સામા છેડે થયેલી અને રસ્તા પર ટ્રાફિકમાં થોડી અડચણરૂપ બનેલી કારની લાંબી લાઇન તો દેખાતી નથી.)

પેટ્રોલના દરેક ભાવવધારાની જાહેરાતની સાંજે પમ્પ પર લાઇનો જોઇને મને થાય કે આ લોકો એમ કેટલું પેટ્રોલ પુરાવી લેશે? અને કેટલા રૂપિયા બચાવી લેશે? બચત કરવી-રૂપિયાની કિંમત સમજવી એ સારો ગુણ છે. તેને માન આપવું ઘટે, પણ આ લાઇનોમાંના કેટલા ખરેખર પેટ્રોલનો હિસાબ ગણતા હશે? (ખાસ કરીને કારમાલિકો) અને કેટલા 'ખાળે ડૂચા, દરવાજા મોકળા' ટાઇપના હશે? વાહન ચલાવવાની લોકોની રીત સુધરે તો વાહનની એવરેજ સુધરે અને ઠીક ઠીક બચત થઇ શકે. પણ એમાં બચતની 'કીક' ન આવે. કારણ કે એ અદૃશ્ય અને લાંબા ગાળાની પ્રક્રિયા છે. એના સીધા ફાયદા દેખાતા નથી. ભાવવધારાની પૂર્વસંધ્યાએ એકસામટું પેટ્રોલ ભરાવીને કરેલી બચત રોકડી ગણી શકાય છે. એવી બચત કરવા માટે લાંબી લાઇનમાં ઉભા રહેવાની અને સમયનો ભોગ આપવાની પણ એક મઝા હશે.

બચતવીરો આ અંગે પોતાના અનુભવો જણાવી શકે છે...

Wednesday, May 11, 2011

હવે દાઉદનું શું થશે?

ઓસામા પર અમેરિકાએ ધડબડાટી બોલાવી એટલે ભારતમાંથી પણ ‘દાઉદનું કંઇક કરવું જોઇએ’ એવી માગણી ઉઠી. તે વ્યાપક સ્વરૂપ પકડે -અને પાછું કોઇ જંતરમંતર પર જઇને ઉપવાસ કરવા બેસી જાય- એ પહેલાં ભારતના નેતાઓની એક સર્વપક્ષીય બેઠક મળે, તો તેમાં કેવી ચર્ચા થાય?
***
નેતા ૧ : આપ સૌને ખ્યાલ હશે, છતાં યાદ કરાવી દઉં કે આપણે કોઇ કૌભાંડની ચર્ચા માટે ભેગા થયા નથી. આ ઓલ પાર્ટી મિટિગ એક ટોપ સિક્રેટ મિશન માટેની છે. તેની કોઇ વિગત ‘વિકિલિક્સ’માં પહોંચી ન જાય, એટલે મિટિગ દરમિયાન આપણે એકબીજાને નામથી નહીં બોલાવીએ.

નેતા ૨ : ટૂંકમાં કહી દો ને કે આજની મિટિગની વિગતો આપણે સ્વિસ બેન્કના ખાતા નંબરની જેટલી ગુપ્ત રાખવાની છે. બધા સમજી જશે.

નેતા ૩ : પણ ટોપ સિક્રેટ મિશન કયું છે? કોમનવેલ્થ ગેમ્સ પછી હવે ઓલિમ્પિક યોજવાની છે? ૪-જી સ્પેક્ટ્રમની ફાળવણીની કોઇ સ્કીમ છે? ભ્રષ્ટાચાર સામેની લડત સામેની લડતનો કોઇ નવો મોરચો ખોલવાનો છે?

નેતા ૧ : ના. આ ત્રાસવાદવિરોધી મિશન છે.

નેતા ૪ : કેમ? અત્યારથી ત્રાસવાદનું શું છે? ચૂંટણીની તો હજી બહુ વાર છે. વખત આવે ત્યારે બે-ચાર ગુંડાને ત્રાસવાદી તરીકે ખપાવીને તેમનાં ફેક એન્કાઉન્ટર કરતાં કેટલી વાર લાગવાની છે? ‘ગુંડાને માર્યો એમાં શું ખોટું કર્યું?’ એવું કહેનારા ચીયરલીડરો તો આપણને મળી રહેવાના છે.

નેતા ૧ : એવું નથી. આ મિશન રાષ્ટ્રહિત માટે છે.

નેતાઓ (સમુહમાં) : હં...રાષ્ટ્રહિત...શબ્દ ક્યાંક સાંભળેલો લાગે છે.

નેતા ૧ : મિશનનો હેતુ આપણા રાષ્ટ્રપ્રેમને અમલમાં મુકવાનો અને રાષ્ટ્રિય ગૌરવની પુનઃસ્થાપના કરવાનો છે.

બે-ચાર બોલકા નેતાઃ એક મિનીટ...તમારી કંઇક ગેરસમજ થાય છે. આ લાલ કિલ્લો નથી અને આજે ૧૫મી ઓગસ્ટ નથી. આ બધી કવિતાઓ શું કામ કરો છો?

નેતા ૧ : પ્લીઝ, થોડી ધીરજ તો રાખો. મિશન ટોપ સિક્રેટ છે.

નેતાઓ (સમુહમાં) : ધીરજ ક્યાંથી રાખે? એ.રાજાએ ધીરજ રાખી. તેમને શું મળ્યું? જેલ? કલમાડીએ ધીરજ રાખી. એમને શું મળ્યું? ધરપકડ? કનિમોઝીએ ધીરજ રાખી. એમને શું મળ્યું? સીબીઆઇનું ચાર્જશીટ? જે હોય તો જલ્દી બોલી જાવ. હવે કોઇ રાષ્ટ્રહિત અને રાષ્ટ્રપ્રેમની વાત કરે એટલે અમને ધંધો જોખમમાં લાગવા માંડે છે.

નેતા ૧ : સારું. તો સાંભળો. આપણે વિચારીએ છીએ કે અમેરિકા પાકિસ્તાનમાં ધૂસીને લાદેનને ખતમ કરે છે, તો આપણે એ રીતે દાઉદનો ખેલ ખતમ ન કરીએ?

નેતા ૪ : આઇડીયા સારો છે. કોનો છે? જેનો હોય એનો, પણ હું તો એમ જ કહીશ કે આ આઇડીયા મેં આપેલો. મારી પ્રજા માની પણ જશે.

નેતા ૧ : હજુ આઇડીયા પર ઘણું કામ કરવાનું છે. તેમાં તમારા સૌનાં સૂચનો લેવા માટે આજની બેઠક યોજી છે.

નેતા ૫ : મને લાગે છે કે સૌથી પહેલાં આપણે ‘રિસ્ક એસેસમેન્ટ’ અને ‘ફિઝીબિલિટી રીપોર્ટ’ તૈયાર કરાવવા જોઇએ. મારા સાળાની મલ્ટિનેશનલ કંપની રિસ્ક મેનેજમેન્ટનું કરે છે. એનું દિવસ-રાત કામ જ આ છે. કહેતા હો તો...

થોડા નેતાઃ કેમ ભાઇ? તમારે એકલાને જ સાળા હોય? અરે, રાજકારણમાં તો અપરણીતોને પણ સાળા હોય છે- મુંહબોલા ને મોંએ ચઢાવેલા...બધાને કમાવાનો સરખો અધિકાર છે. આ લોકશાહી છે.

નેતા ૧ : ઓ.કે.. આગળ વધો.

નેતા ૬ : દાઉદ પાકિસ્તાનમાં સંતાયો છે એવું માની લઇએ તો, સૌથી પહેલાં પાકિસ્તાનના નકશાની જરૂર પડશે. હું સૂચવું છું કે પાકિસ્તાનનો આપણી જરૂરિયાત પ્રમાણેનો નકશો બનાવવા માટે એક કમિટી નીમવી જોઇએ.

નેતા ૧ : પાકિસ્તાનના નકશા જોઇએ એટલા બજારમાં મળે છે.

નેતા ૬ : ત્યાં જ તમે થાપ ખાઇ જાવ છો. આપણે એવો નહીં, ખાસ નકશો જોઇએ. એવો નકશો, જેને તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ આપવો પડે અને જેને તૈયાર થતાં ઓછામાં ઓછા ત્રણ મહિના લાગે.

નેતા ૧ : પણ ત્યાં સુધી શું કરવાનું?

નેતા ૭ : એનો આઇડીયા મારી જોડે છે. પાકિસ્તાનનો આખો નકશો તૈયાર થતો હોય ત્યાં સુધી તેનાં મુખ્ય શહેરો અને જિલ્લા મથકોના નકશા તૈયાર કરવાના કોન્ટ્રાક્ટ પણ આપવા. એવા નકશાની અને કોન્ટ્રાક્ટની સંખ્યા એટલી તો હશે કે અહીં બેઠેલા કોઇને ફરિયાદ કરવાનું કારણ નહીં રહે.

નેતા ૧ (તેમના સહાયકને) : લખ્યું? શહેર પ્રમાણે નકશા. બરાબર. હવે?

નેતા ૨ : તમે લોકો હજુ નકશાની પાછળ પડ્યા છો, પણ હુમલો કેવી રીતે કરશો?

નેતા ૪ : મેં ક્યારનું વિચારી રાખ્યું છે. હું મારા ઉદ્યોગપતિઓને કહી દઇશ તો એ દાઉદ જોડે વેપારના કરાર કરી નાખશે. પછી તેને મારવાની ઝંઝટ નહીં રહે.

નેતા ૧ : પણ એ યોગ્ય રસ્તો નથી. હવે દાઉદનો ખેલ ખતમ કર્યે જ પાર.

નેતા ૪ : તો અમારી પોલીસને કહી દઇશું. એ પાકિસ્તાનમાંથી એવા વેપારીઓને શોધી કાઢશે, જે દાઉદથી અસંતુષ્ટ હોય. તેમની પાસે એ દાઉદની સોપારી લેવાની ઓફર મુકશે અને દાઉદનો ફેંસલો કરીને રૂપિયા ઘરભેગા કરી લેશે. આપણું કામ થઇ જશે ને આપણી પોલીસ બે પૈસા કમાશે. અમારી પોલીસ બહુ કાર્યક્ષમ છે.

નેતા ૬ : મને લાગે છે કે સૌથી પહેલાં આપણે ઓપરેશન માટે અદ્યતન શસ્ત્રો ખરીદવાં જોઇએ. લેટેસ્ટ હેલિકોપ્ટર, એમાંથી છોડી શકાય એવાં મિસાઇલ, અત્યાઘુનિક બંદૂકો, મિશનમાં લઇ જવાના ખાસ કૂતરા...અમુક હજાર કરોડનો મામલો થઇ જશે.

નેતા ૨ : વાહ, મઝા પડી જશે. અત્યાર સુધી આપણને દાઉદની પાછળ પડવાનો આઇડીયા કેમ ન આવ્યો?

નેતા ૩ : આટલી મોટી રકમનો સોદો હોય તો આપણે દૂરંદેશી રાખીને અત્યારથી જ એ સોદામાં ગોટાળાના આરોપની તપાસ માટે ‘એમ્પાવર્ડ ગુ્રપ ઓફ મિનિસ્ટર્સ’ની રચના કરી નાખવી જોઇએ.

નેતા ૭ : એમ થોડું ચાલે? હું પણ કહી દઉં છું. ગુ્રપ ઓફ મિનિસ્ટર્સની કામગીરીથી અમને સંતોષ નહીં જ થાય. એટલે સંયુક્ત સંસદીય સમિતિ- જેપીસી-પણ અત્યારથી નીમી દેવી જોઇએ. આટલા મોટા કામમાં આપણે સંસદીય લોકશાહીની ઉજ્જવળ પરંપરાઓ શી રીતે કોરાણે મૂકી શકીએ?

નેતા ૧ : ઓકે. ડન. અમે તમારી માગણીનો પહેલાં વિરોધ કરીશું અને પછી સ્વીકાર કરીશું. બસ? પછી?
બધા નેતાઃ પણ આ રીતે ઓપરેશન કેટલું લાંબું ચાલશે?

નેતા ૧ : હું જાણું છું કે તમને બધાને ઓપરેશન જલ્દી પૂરું ન થઇ જાય એની બહુ ફિકર છે. ગભરાશો નહીં. આપણું ઓપરેશન લગભગ પંદર -વીસ વર્ષ સુધી ચાલશે. ત્યાં સુધી આપણો બધાનો વારો આવી જશે.

થોડા નેતાઃ પણ આટલું મોડું થશે તો લોકો લોહી પી જશે.

નેતા ૧ : એનો ખુલાસો પણ મારી પાસે તૈયાર છેઃ અમેરિકા જેવા સુપરપાવરને ઓપરેશન ઓસામા પાછળ આઠેક વર્ષ લાગ્યાં, તો આપણને પંદર-વીસ વર્ષ લાગે એમાં શી નવાઇ? ત્યાં સુધીમાં દાઉદ કુદરતી રીતે આપણા રસ્તામાંથી કે એના ધંધામાંથી રવાના થઇ ગયો હશે. એટલે આપણું મિશન સક્સેલફુલ!

બધા નેતા (સમુહમાં) : દાઉદ ઇબ્રાહિમકી..ના, ના, ભારતમાતાકી...

(ઉત્સાહના ઘોંઘાટમાં જયનાદ ડૂબી જાય છે.)

Tuesday, May 10, 2011

જૂની સમજણ, નવા સુધારા

કેટલાંક વાક્યો કે ઉદ્‌ગાર વર્ષોથી શાણપણ, અનુભવ કે આદર્શના નીચોડ તરીકે એવાં ચલણમાં છે કે તેના વિશે ફરીથી વિચારવાની બત્તી ઝટ થતી નથી. મોટે ભાગે સમજ્યા વિના, કેવળ આદતવશ તેમનું રટણ થતું રહે છે. રોજિદા વ્યવહારમાં સગવડે વપરાતાં અને વખતોવખત સુધારોવધારો માગતાં ‘સનાતન સત્ય’ વિશે થોડો ફેરવિચાર.

વ્યક્તિ નહીં, સંસ્થા મહાન છે
આ સૂત્ર ક્યાંથી આવ્યું એ ખબર નથી, પણ વ્યક્તિનું આગવાપણું ઓગાળી નાખવાની ભારતીય પરંપરામાં એ બરાબર જામી પડ્યું. જાહેર પ્રવૃત્તિઓથી માંડીને ખાનગી કંપનીઓમાં ‘મેનેજમેન્ટ’ તરીકે ઓળખાતી વ્યવસ્થાને આ સત્ય દેવવાણી જેવું પવિત્ર અને અફર લાગે એ સ્વાભાવિક છે. કારણ કે તેમાં વ્યક્તિના વ્યક્તિત્વનો ઇન્કાર કરીને તેને વિરાટ યંત્રનો પૂરજો ગણી કાઢવાની- અને એ બદલ અપરાધભાવ નહીં અનુભવવાની- સુવિધા મળી જાય છે. જૂના વખતમાં બ્રાહ્મણોએ જેમ સર્વોચ્ચ સ્થાન મેળવવા-ટકાવી રાખવા તથા બીજાને પોતાનાથી નીચા રાખવા માટે ધર્મગ્રંથોનો દુરુપયોગ કર્યો હતો, એવી જ રીતે મેનેજમેન્ટ કહેવાતું તંત્ર-કે યંત્ર- આ વાક્યને મહાન સત્ય ગણાવીને ટાણેકટાણે ફટકાર્યે રાખે છે.

પરંતુ પરંપરાનો બોજ બાજુએ મૂકીને વિચારતાં આ વાક્યની પોકળતા છતી થઇ જશે. આખરે મહાન સંસ્થાઓ બને છે કેવી રીતે? સાબરમતી આશ્રમ કે શાંતિનિકેતન આકાશમાંથી સીધેસીધાં ધરતી પર આવી પડ્યાં હતાં? નાના પાયે સ્કૂલ કે યુનિવર્સિટીથી શરૂ કરીને મોટા પાયે રાષ્ટ્રની જાહેર સંસ્થાઓ-સ્વૈચ્છિક સંસ્થાઓ અને ખાનગી કંપનીઓમાં સફળતા ટીમવર્કનું પરિણામ હશે, પણ સહેજ ઝીણવટથી જોતાં તેની પાછળ અવશ્ય કોઇ એક વ્યક્તિનું સ્પષ્ટ, દૂરંદેશી દર્શન કામ કરતું જણાશે. એવા ઠેકાણે વ્યક્તિને બદલે સંસ્થા પર મહાનતાના ગમે તેટલા કળશ ચડાવવામાં આવે, પણ એ વ્યક્તિની ગેરહાજરી છાપરે ચડીને પોકાર્યા વિના નહીં રહે.

ગાંધી વગરના ગાંધીઆશ્રમ-ગાંધીસંસ્થાઓ કે ટાગોર વગરના શાંતિનિકેતનની સ્થિતિ વિશે ફોડ પાડીને કહેવાની જરૂર ખરી? એવું જ દેશની બંધારણીય સંસ્થાઓનું. તેમનું ચરિત્ર પ્રવાહી હોય છેઃ જે વાસણમાં હોય એના જેવો આકાર ધારણ કરે. ટી.એન.શેષાન ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા ત્યાર પહેલાં નાગરિકોને ચૂંટણીપંચ જેવી સંસ્થાની ‘મહાનતા’ જોવા મળી હતી? સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતો પોથીપંડિતાઇ મુજબ લોકશાહીની મહાન સંસ્થાઓ છે, પણ તેમને ખરેખર મહાનતા બક્ષવાનું કામ કોઇની શેહશરમ નહીં ભરનારા તટસ્થ ન્યાયાધીશો - એટલે કે વ્યક્તિઓ- જ કરે છે. નાના પાયે સ્કૂલ કે યુનિવર્સિટીમાં એક સારા શિક્ષક કે એક સારા વાઇસ ચાન્સેલરની સજ્જતાની આખી સંસ્થા પર હકારાત્મક અસર પડી શકે છે.

ફક્ત સારી સંસ્થા માટે જ નહીં, ખરાબ સંસ્થાઓ માટે પણ ‘સંસ્થા મહાન છે’નું સૂત્ર પોકળ ઠરે છે. આશ્રમ હોય કે અલ-કાઇદા, અમદાવાદ હોય કે એબોટાબાદ, એક વ્યક્તિનું કેટલું મહત્ત્વ છે તે સૌ જાણે છે. એટલે જ, ઓસામા તેના લડવૈયાઓની જેમ ફીદાઇન બનવાને બદલે, લપાઇછુપાઇને સલામત રહેવાનું પસંદ કરે છે અને સંસ્થામાં એક માણસનું મહત્ત્વ સમજીને, તેને ખતમ કરવા માટે અમેરિકા ડોલરના ઘુમાડા કરે છે, જોખમી ઓપરેશન હાથ ધરે છે.

ભારત જેવા દેશ માટે આ સૂત્રનું વિરોધી સૂત્ર ઘણી વાર વધારે સાચું હોઇ શકે છે. એટલે કે, ‘વ્યક્તિ નહીં, સંસ્થા ખરાબ છે.’ ઘણીખરી સંસ્થાઓનાં માળખાં એવાં ઉભાં કરવામાં આવે છે કે એમાં પ્રવેશેલો સારો માણસ પણ તેમાં ખાસ સુધારો કરી શકે નહીં. તેનાં મોટા ભાગનાં સમય-શક્તિ માળખાને ખાડેથી સપાટી પર લાવવામાં જતાં રહે- ટોચ તો બહુ દૂરની વાત છે. તેની સરખામણીમાં કેટલાક પશ્ચિમી દેશોમાં સીસ્ટમ એવી રીતે ગોઠવાયેલી હોય છે કે વ્યક્તિ ઇચ્છે તો પણ એક હદથી વધારે બગાડો કરવાનું તેના માટે શક્ય ન બને. પરંતુ એવા દેશો તેના વ્યક્તિવાદી, વ્યક્તિકેન્દ્રી અભિગમ માટે જાણીતા છે.

મતભેદ છે, મનભેદ નથી
સીધાસાદા વાદવિવાદથી માંડીને ઉગ્ર શબ્દયુદ્ધોના અંતે ઘણી વાર આ વચન સાંભળવા મળે છે. મતભેદ હોવો ને મનભેદ ન હોવો એ આદર્શ સ્થિતિ છે. કહેનાર એ જાણે છે. એટલે કંઇ નહીં તો પોતાના આદર્શ વર્તનના પુરાવા તરીકે પણ તે આ વાક્ય રમતું મૂકી દે છે.

સાંભળવામાં આ વાક્ય જેટલું ગળચટ્ટું લાગે છે, એટલું તે અસલમાં અને હંમેશાં હોતું નથી. મતભેદને કારણે મનભેદ થાય કે નહીં તેનો ઘણો આધાર મતભેદ ધરાવનાર વ્યક્તિઓના સંબંધ પર હોય છે, પણ એ હકીકત ભાગ્યે જ લક્ષ્યમાં લેવાય છે.

ધારો કે બે મિત્રો વચ્ચે કોઇ ચોક્કસ મુદ્દે મતભેદ થાય તો બને કે એ નિમિત્તે મનમાં ખટકો જાગે, કદાચ એ મુદ્દા પૂરતી મનના ખૂણે ગાંઠ પડે. છતાં મનભેદ ન થાય. કારણ કે બન્ને મિત્રો વચ્ચે બીજા અનેક તંતુઓથી લાગણીબંધન રચાયેલું હોય છે.

કોઇ અજાણી કે અંગત પરિચય વગરની વ્યક્તિ સાથે અમુક મુદ્દે તીવ્ર અસંમતિ થાય ત્યારે બન્ને શક્યતા ઉભી રહે છેઃ સામેની વ્યક્તિના પ્રદાન વિશે અથવા તેમની બીજી કામગીરી વિશે ઉંચો અભિપ્રાય હોય, તો મનમાં રહેલી એમની છબી મતભેદનો ઘસરકો ખમી જાય એટલી મજબૂત હોય છે. પરંતુ કોઇ વ્યક્તિ પ્રત્યે ફક્ત ઉંમર કે વરિષ્ઠતા જેવાં કારણોસર સૌજન્યપૂર્ણ આદર હોય તો, એવો આદર મતભેદ વખતે જોખમમાં આવી પડે છે. એ સંજોગોમાં મતભેદ મનભેદમાં ફેરવાઇ શકે છે.

ઇન્ટરનેટના યુગમાં અજાણી વ્યક્તિઓ સાથે ઓનલાઇન સંપર્ક કે વાતચીત થાય એવા સંજોગ બહુ વધી ગયા છે. વ્યક્તિ અજાણી હોય કે જાણીતી, પણ તેના વિશે બીજી કોઇ રીતે આદરમાન ન હોય કે તેની સાથે પ્રેમભાવનો તંતુ જોડાયેલો ન હોય, ત્યારે અજાણ્યા માણસ માટે વ્યક્તિનો મત તેની એકમાત્ર ઓળખ બની રહે છે. આ પરિસ્થિતિમાં થતા મતભેદ મનભેદમાં ફેરવાય એવી પૂરી સંભાવના રહે છે.

વૈચારિક ઉદારતાનો આદર્શ એવો છે કે કોઇ પણ વ્યક્તિ સાથેના મતભેદ મનભેદમાં ન ફેરવાય. પરંતુ બીજા ઘણા આદર્શોની જેમ આ આદર્શનું ઉપરછલ્લું પાલન પ્રચંડ માત્રામાં દંભ પેદા કરે છે. તેનાથી દોરવાઇને, મનમાં ભારોભાર ખાર કે રોષ ભરીને બેઠેલા દંભીઓ એક તરફ પોતાના મતવિરોધીને શક્ય એટલી તમામ રીતે, સૌજન્યના તમામ તકાદા બાજુ પર મૂકીને, નીચો પાડવાની કોશિશ કરે છે અને બીજી તરફ દંભનું મહોરું ઓઢીને ‘મતભેદ છે, પણ મનભેદ નથી’નું ગાણું ગાયા કરે છે. આ બન્ને વચ્ચે રહેલો દેખીતો વિરોધાભાસ તે જોવા માગતા નથી અને ઇચ્છે છે કે બીજા પણ ‘મતભેદ છે, મનભેદ નથી’ના તેમના રટણથી ભરમાતા રહે.

આવા દંભ કરતાં, ‘હા, મતભેદ છે અને એને કારણે મનભેદ પણ છે’ એવું સ્વીકારી લેવામાં ઘણી વધારે પ્રામાણિકતા રહેલી છે. એ ભલે આદર્શ ન હોય, પણ જો સચ્ચાઇ એ જ હોય તો દંભના દાંડિયારાસ રમવાને બદલે, સચ્ચાઇ સ્વીકારવામાં વધારે ગરવાઇ ને ગરીમા છે. એમ કરવાથી બન્ને પક્ષો વચ્ચે પ્રેમ ભલે ન રહે (જે અમસ્તો પણ નથી હોતો), પણ વચ્ચે રહેતા અંતરને કારણે કડવાશ વધતી અટકે છે અને બીજા લોકો આગળ ‘અમે તો અમથું અમથું લડતા’તા. અમારી વચ્ચે એવું કાંઇ નથી. અમે તો ભેગા થઇને ખાઇ-પીને એય...મોજ કરીએ છીએ.’ એવાં જૂઠાણાં બોલવામાંથી બચી જવાય છે. દોસ્તીના દંભ કરતાં કેટલીક સ્પષ્ટતાઓ સાથેનું અંતર બન્ને પક્ષે વધારે ઉપકારક નીવડી શકે છે.

સીઇંગ ઇઝ બીલિવિગ
ઇ.સં. પૂર્વે (એટલે કે ઇન્ટરનેટ સંવત પહેલાં) અખબારી વાચકો ‘ફોટો ન હોય ખોટો’ એવી ગેરસમજણથી પીડાતા હતા. તસવીરો પાડનાર ઇચ્છે તો વીસ-પચીસ જણના દેખાવને ‘ભવ્ય વિરોધપ્રદર્શન’ તરીકે ઓળખાવી શકે અને ધારે તો પાંચ હજાર માણસની સભામાં છેલ્લે ખાલી પડેલી ખુરશીઓ બતાવીને તેને નિષ્ફળ ગણાવી શકે. આ તરકીબો ટીવી ચેનલોના આગમન પછી વઘુ વિકસી- ફૂલીફાલી. ચેનલોએ ખાસ અહેવાલોમાં, રીઆલીટી શોમાં અને સમાચારમાં સુદ્ધાં ‘સીઇંગ ઇઝ બીલિવિગ’ના સૂત્રનું સાવ શીર્ષાસન કરાવી દીઘું છે. તેના લીધે ઘણા લોકો આંખ અને ટીવી કેમેરા વચ્ચેનો ભેદ પારખતા થયા છે. ટીવી કેમેરાથી જોવા મળે તે બઘું આંખને મળતાં દૃશ્યો જેવું ‘પહેલી ધારનું’ નથી હોતું, એ સમજતા પણ થયા છે.

ફોટોશોપ અને એડિટિગના બીજા અનેક સોફ્‌ટવેરના યુગને કારણે પણ અગાઉનાં બે સૂત્રોની સરખામણીએ આ વાક્યનો મહિમા ઘટ્યો છે. છતાં, પ્રકૃતિવશ કે ટેવવશ સામે દેખાય તેને સાચું માની લેવાની વૃત્તિ માણસને થઇ આવે છે. ‘મેરી નજરેં ધોખા નહીં ખા સકતી...મેં જોયું એ ખોટું?’ એવો છૂપો અહમ્‌ પણ ‘સીઇંગ ઇઝ બીલિવિગ’ની માન્યતા સાથે ભળેલો હોય છે. ઘણી વાર એવું લાગે જાણે દૃશ્યેન્દ્રિય સક્રિય થતાંની સાથે જ વિચારેન્દ્રિય નિષ્ક્રિય ન થતી હોય!

એટલે જ, ઓપરેશન ઓસામા પછી જોતજોતામાં ઓસામાના લોહીલુહાણ ચહેરાની નકલી તસવીરો કે ઓસામા પર હુમલાની નકલી વિડીયો ઇન્ટરનેટ પર ચોમેર ફેલાઇ જાય છે. તેને જોનારા અને જોઇને કે જોયા વિના ફોરવર્ડ કરનારા એ વિચારવાની તસ્દી લેતા નથી કે અમેરિકાએ જારી ન કરેલી આ વિડીયો આપણા સુધી કેવી રીતે પહોંચી ગઇ. ‘વિકિલિક્સ’ જેવી ભંડાફોડને લીધે ગમે તેવાં જૂઠાણાં માની લેવાની લોકોની ‘ક્ષમતા’માં વધારો જરૂર થયો છે, પણ અસલી મુદ્દો મૂળભૂત વૃત્તિનો અને છેતરાવા માટેની તત્પરતાનો છે.

તમે ભણેલા થઇને...
ભણેલા, ડિગ્રીધારી લોકો વિવેકબુદ્ધિ અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા હોય છે એવું, બાય ડીફોલ્ટ, ડિગ્રીની રૂએ માની લેવામાં આવે છે. એવા લોકો જ્યારે એક યા બીજા પ્રકારની અંધશ્રદ્ધાનું શરણું લે ત્યારે બીજા અંધશ્રદ્ધાળુઓ તેમને પોતાના ટેકામાં ટાંકે છે અને અંધશ્રદ્ધાના વિરોધીઓ નિઃસાસો નાખે છે, ‘ભણેલા થઇને તમે આવું કરો છો!’ હકીકત એ છે કે શ્રદ્ધા-અંધશ્રદ્ધા અને ભણતર વચ્ચે કોઇ સંબંધ નથી- અત્યારે જે ભણતર અપાયે છે તેમાં તો બિલકુલ નહીં. ભણતરથી મુખ્યત્વે સંબંધિત વિષયોનું અને તે પણ પોપટિયું જ્ઞાન પ્રાપ્ત થાય છે. બહુ ઓછા લોકો વિષયને આત્મસાત્‌ કરીને તેમાં આગળ વધે છે. એવા લોકો પણ છેવટે વિષયના નિષ્ણાત બને છે. સર્જન ડોક્ટર સર્જરીનો નિષ્ણાત હોય, સી.એ. આંકડાનો ખાં હોય, રોકેટ સાયન્ટિસ્ટ તેની થિયરીનો દાદો હોય, પણ આ બધા ધર્મ કે ભક્તિના ક્ષેત્રમાં પ્રવેશે, ત્યારે તેમની ડીગ્રીનાં પીંછાં ખરી પડે છે અને બૌદ્ધિકતા તથા માનસિકતા વચ્ચેનો તફાવત સ્પષ્ટ થઇ જાય છે.

વ્યક્તિની માનસિકતા માટે બાળપણના ઉછેરથી માંડીને કૌટુંબિક- વ્યાવસાયિક પરિબળો, ટોચ તરફની ગતિમાં રહેલી અસલામતી, મહત્ત્વાકાંક્ષા, પ્રવાહથી વિરુદ્ધ નહીં જવાનું વલણ, આંતરિક ખાલીપો કે જરૂરિયાત જેવાં અનેક પરિબળ જવાબદાર હોઇ શકે છે. ‘ભણેલાગણેલા’ લોકોની અંધશ્રદ્ધા બીજા અનેક લોકો માટે નમૂનારૂપ બની રહે છે અને બેશક સમાજને નુકસાનકારક નીવડે છે. પણ તેનો સીધો-ટૂંકો ઉપાય એ નથી કે

ભણેલાગણેલાને સુધારવા. એ બહુ લાંબી પ્રક્રિયા છે. વધારે સાદો અને વ્યવહારુ રસ્તો એ છે કે ભણેલાગણેલા લોકોને આગળ જણાવેલી રીતે જોવા-સમજવા અને તેમને તેમના વિષય સિવાયની બાબતોમાં રોલમોડેલ કે આદર્શ ગણવાનું બંધ કરવું.

Monday, May 09, 2011

ડખા-ત્રીજઃ આંખનું કાજળ ગાલે...

(Akho : drawing by Ravishankar Raval)

નવા તહેવારો અને ‘પરંપરા’ કેવી રીતે શરૂ થતી હશે, તેનો એક નમૂનો ત્રણ દિવસ પહેલાંની અખાત્રીજે મળ્યો. તિથીનું મૂળ નામઃ અક્ષયતૃતિયા.એટલે કે પૂનમ પછી ચંદ્રની કળામાં બચતખાતાના વ્યાજદરોની જેમ કપાત થવા લાગે ત્યારે આવતી ત્રીજ. એ તિથીનું હિદુ અને જૈન શ્રદ્ધાળુઓમાં ઘણું મહત્ત્વ. એ દિવસે ત્રેતાયુગ શરૂ થયો હોવાની, ગંગાનું અવતરણ પૃથ્વી પર થયાની કે પરશુરામનો જન્મ થયાની પુરાણકથાઓ તો હવે વિકિપીડીયા પર પણ મળે. દાનપુણ્ય, શુભકામો અને સોનાચાંદીની ખરીદી માટે પણ એ દિવસ શુભ ગણાય.

પરંતુ આ અખાત્રીજે એક નવું તૂત જાગ્યું. ખબર નહીં કોણે, પણ ફક્ત તિથીના નામ પરથી એવું ગબડાવ્યું કે અખાત્રીજ એટલે મહાન ગુજરાતી કવિ અખાની જન્મતિથી! મઘ્ય યુગમાં થઇ ગયેલા અખાનાં જન્મ-મૃત્યુનાં વર્ષોમાં પૂરેપૂરી ચોક્સાઇ ન હોય ત્યારે તેમની જન્મતિથી શી રીતે નક્કી થઇ, એ તો કોણ જાણે? (‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’માં રમેશ મ.શુક્લે તેમનો સમયગાળો ‘અંદાજે ૧૬૦૦-૧૬૫૫’ નોંઘ્યો છે.)

પણ અમદાવાદમાં નામી શિલ્પકાર રતિલાલ કાંસોદરીયાએ તૈયાર કરેલી અખાની સરસ પ્રતિમા પાસે ઉત્સાહીઓ પહોંચી ગયા, હારતોરા કર્યા અને ભલું હશે તો સાંસ્કૃતિક વારસાનું ગૌરવ પણ લીઘું હશે. તેનો સચિત્ર અહેવાલ પણ પ્રગટ થયો. મિત્ર પ્રણવ અઘ્યારુએ ઘ્યાન દોર્યું એટલે એ વિશે જાણ થઇ.

‘હકારાત્મક’ જોવાના આગ્રહીઓ એવું કહી શકે કે ‘ચલો, એ બહાને અખાને યાદ તો કર્યો’, પણ ગાંધીજીને જેમ ‘ચીયર્સ’ કરીને યાદ ન કરી શકાય, એવી જ રીતે અખાને વગર વિચાર્યે, ‘આંખનું કાજળ ગાલે ઘસીને’ શી રીતે યાદ કરી શકાય?

Sunday, May 08, 2011

ભારત-અમેરિકા વચ્ચે સેતુરૂપ બનેલા ગુજરાતી કવિ-નાટ્યકાર, અંગ્રેજી લેખક-પત્રકાર કૃષ્ણલાલ શ્રીધરાણી

Krishnlal Shridharani

અમેરિકા જનારા ભારતીયો અમેરિકામાં ભારત વિશે કે ભારતમાં અમેરિકા વિશે વાત કરે, ત્યારે તેમાં ભાગ્યે જ પ્રમાણભાન જળવાતું જોવા મળે છે. વૈશ્વિકીકરણના જમાનામાં આ સ્થિતિ હોય, તો ૧૯૩૦ના દાયકામાં કેવી હાલત હશે તેની કલ્પના જ કરવી રહી! પરંતુ કૃષ્ણલાલ શ્રીધરાણીની વાત જુદી હતી.

ગુજરાતી કવિ-નાટ્યકાર અને દાંડીકૂચના સત્યાગ્રહી તરીકે પ્રતિષ્ઠિત શ્રીધરાણી ૧૯૩૪માં અમેરિકા ગયા પછી બન્ને સંસ્કૃતિઓનાં ઉત્તમ તત્ત્વો વિશે સમતાપૂર્વક વિચારતા-વાત કરતા રહ્યા. ભારતમાં એ કારકુનો પેદા કરતી અંગ્રેજ કેળવણીના નહીં, દક્ષિણામૂર્તિ-વિદ્યાપીઠ-શાંતિનિકેતન જેવી રાષ્ટ્રિય શાળાઓના અને સવાઇ રાષ્ટ્રિય શાળાઓની ગરજ સારતી અંગ્રેજ જેલના ‘વિદ્યાર્થી’ રહી ચૂક્યા હતા. (આગળ જતાં અમેરિકાની કેળવણી વિશે તેમણે લખ્યું: ‘અમેરિકામાં વિદ્યાર્થીને શું આવડે છે એ જાણવા માટે પરીક્ષા લેવાય છે અને ભારતમાં વિદ્યાર્થીને શું નથી આવડતું એ જાણવા માટે!’ )

અમેરિકામાં તેમણે પત્રકારત્વનો અભ્યાસ કર્યો અને કોલંબિયા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. થયા. પરંતુ પોતાનાં મૂળીયાં ચાવી ગયા વિના, અમેરિકાની ઉત્તમ બાબતોને તેમણે આત્મસાત્‌ કરી. તેનું પરિણામ એટલે શ્રીધરાણીનું યાદગાર પુસ્તક: ‘માય ઇન્ડિયા, માય અમેરિકા’ (૧૯૪૧).

સત્યાગ્રહના સિદ્ધાંત વિશેના તેમના અગાઉના પુસ્તક ‘વોર વિધાઉટ વાયોલન્સ’ (૧૯૩૯)ની જેમ આ પુસ્તક પણ અમેરિકા અને બ્રિટન એમ બે ઠેકાણેથી પ્રકાશિત થયું, પ્રજ્ઞાચક્ષુ વાચકો માટે તેની બ્રેઇલ આવૃત્તિ તૈયાર થઇ. અમેરિકામાં રંગભેદ સામે લડતી ખ્યાતનામ સંસ્થા ‘કોંગ્રેસ ફોર રેશિઅલ ઇક્વાલિટી’ (‘કોર’) માટે શ્રીધરાણીનું પુસ્તક ‘સેમીઓફિશ્યલ બાઇબલ’ બની ગયું હોવાનું અભ્યાસીઓએ નોંઘ્યું છે.

અમેરિકામાં ભારત વિશેની છાપ ગણીગાંઠી અંગ્રેજી ફિલ્મો કે કેટલાક અંગ્રેજ-અમેરિકન લેખકોની તુક્કાબાજીથી ઉભી થયેલી હતી. પરંતુ શ્રીધરાણીએ લખાણ તથા પ્રવચનો દ્વારા અમેરિકાના લોકો સમક્ષ ભારતનું સાચું ચિત્ર રજૂ કર્યું. સાથોસાથ તેમણે ભારત-અમેરિકાના સ્વાતંત્ર્ય સંગ્રામોની સરખામણી કરી. એટલું જ નહીં, અમેરિકામાં વસનારા પહેલા ભારતીયો (શીખો) ત્યાં કેવી રીતે સ્થાયી થયા અને અમેરિકાના મુક્ત વાતાવરણમાં ‘ગદર પક્ષ’ની સ્થાપના દ્વારા ભારતની આઝાદીની લડાઇને કેવી રીતે પ્રોત્સાહન મળતું થયું, તેની વિગતો પણ શ્રીધરાણીએ આપી. વિશ્વયુદ્ધમાં અમેરિકા બ્રિટનનું સાથી રાષ્ટ્ર બન્યા પછી ભારતીય ક્રાંતિકારીઓ પર ઉતરેલી તવાઇ વિશે પણ તેમણે લખ્યું અને ભારતમાં ગાંધીજીના સત્યાગ્રહની બોલબાલા પછી અમેરિકાના ક્રાંતિકારી ભારતીયોની દયનીય હાલત પણ પૂરા આદર સાથે નોંધી. ભારતની આઝાદીની લડાઇમાં વિદેશ વસતા ક્રાંતિકારીઓનો ક્યારેક સગવડીયો અને ખપજોગો ઉલ્લેખ થાય છે, પણ તેમાં અમેરિકા તરફથી મળેલા અને પાછા ખેંચાયેલા ટેકાનો ખાસ ઉલ્લેખ જોવા મળતો નથી. એ દૃષ્ટિએ શ્રીધરાણીનું પુસ્તક ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના અને ભારત-અમેરિકા સંબંધના ઓછા જાણીતા ખૂણા પર પ્રકાશ પાડે છે.

અમેરિકા જતાં પહેલાં કિશોરાવસ્થામાં કુંવારા રહેવા માટે કરવો પડેલો સંઘર્ષ અને ‘મારે સારા હિંદુ બનવું હતું, પણ ઇસવી સન પૂર્વે ૧૯૨૫ના હિંદુ નહીં, ઇસવી સન ૧૯૨૫ના હિંદુ!’ એવું વિધાન શ્રીધરાણીની વૈચારિક સ્પષ્ટતાનો ખ્યાલ આપે છે. રાષ્ટ્રવાદી સંસ્કારોને કારણે તે ગાંધીજીના ભક્ત બન્યા હતા અને તેમનો એ ભાવ છેક લગી ટકી રહ્યો. પણ ગાંધીજીની ગુજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા પછી ‘વર્ગોમાં મઝા આવતી ન હતી. તે નીરસ અને અકારણ ગંભીર લાગતા હતા’ અને ‘ભણેલા યુવાનોમાં ફક્ત રોમાંચ ખાતર સત્યાગ્રહમાં જોડાનારાનું પ્રમાણ મોટું હતું’ એવી ટીપ્પણી તે કરી શક્યા હતા.

ગાંધીજી પ્રત્યેનો તેમનો અહોભાવ ‘માય ઇન્ડિયા,માય અમેરિકા’માં તેમણે પૂરા સદ્‌ભાવથી કરેલા ડો.આંબેડકરના ચરિત્રચિત્રણમાં જોઇ શકાય છે. તેમણે ગાંધી-આંબેડકર સંઘર્ષ વિશે કે આંબેડકરના ગાંધી વિશેના અભિપ્રાયો વિશે ઉલ્લેખ સુદ્ધાં કર્યા વિના, ચોટડુક શબ્દોમાં પ્રશંસાના ભાવ સાથે લખ્યું છે, ‘આંબેડકર અને તેમના સાથીદારો અત્યાચારીઓને માયાળુ થવાની તક આપ્યા વિના પોતાની બેડીઓ ભાંગવા નીકળ્યાા હતા.’

અલબત્ત, જ્ઞાતિપ્રથાના અંત વિશે શ્રીધરાણીનાં વિધાનો આજે વઘુ પડતાં આશાવાદી અથવા ગાંધીપ્રભાવથી ગ્રસ્ત લાગે. તેમણે ૧૯૪૧માં લખ્યું હતું, ‘(ગાંધીજીની ચળવળથી) અસ્પૃશ્યતાએ તેની ઘણીખરી સામાજિક માન્યતા ગુમાવી દીધી છે. અસ્પૃશ્યતાનો ઉકેલ આણવાનું કાર્ય અમેરિકાના નીગ્રો પ્રોબ્લેમ કરતાં ઓછું ગંજાવર નીવડ્યું છે. સદીઓ જૂની (અસ્પૃશ્યતાની) પ્રથા એમ એક પેઢીમાં સમાપ્ત ન થઇ જાય, પણ ભારત અસ્પૃશ્યોની અમાનવીય સ્થિતિ ભૂંસી નાખવાના રસ્તે આગળ વધી રહ્યું છે.’

અમેરિકા જતાં પહેલાં ગુજરાતમાં કવિ તરીકે નામ કાઢનારા અને ૧૯૩૧ના કોંગ્રેસ અધિવેશનમાં ‘પ્રજાબંઘુ’ના ખબરપત્રી તરીકે હાજર રહેનાર શ્રીધરાણી એક વાર દેશ છોડ્યા પછી ગુજરાતી ભાષાથી જાણે દૂર જતા રહ્યા. ‘મે, ૧૯૩૪માં ભારતનો કિનારો છોડ્યા પછી હજુ મનમાં ભારત ગુંજતું હતું અને તેનો પડઘો મારી કવિતામાં પડતો હતો, પણ યુરોપની નજીક પહોંચ્યા પછી કાવ્યો રચાવાં બંધ થઇ ગયાં. મારી સામે નવી દુનિયા પડી હતી, જેનાં ગીત રચતાં પહેલાં તેને ઓળખવી જરૂરી હતી.’

છેલ્લી ગુજરાતી કવિતા જૂન, ૧૯૩૪માં પેરિસમાં લખ્યા પછી ૧૯૪૬માં તે ભારત પાછા આવ્યા ત્યારે, તેમના જ શબ્દોમાં કહીએ તો, ‘જીવનનાં બે પાસાં વચ્ચે ખૈબરખાટ પડ્યો હતો.’ જેલના કેદીઓ વિશેની કથા ‘ઇન્સાન મીટા દૂંગા’ની બીજી આવૃત્તિ (૧૯૫૦)ની ‘અભિજ્ઞાન શ્રીધરાયણમ્‌- એક પ્રસ્તાવના’ માં તેમણે યાદ કર્યું છે કે અમેરિકાથી પાછા આવ્યા પછી કરાચીમાં સભા થઇ હતી. તેમાં ‘ત્રીશ કોટી શિશ પ્રણમે તને ભારતની ઓ ધર્મ-ધજા, નવલખ તારા આશિષ ઝમે, ભારતની ઓ કર્મ-ધજા’ એ ગીત ગવાયું. ગીત પસંદ આવતાં શ્રીધરાણીએ તેના કવિનું નામ પૂછ્‌યું. ત્યારે તેમને જવાબ મળ્યો કે આ તો એમની જ (શ્રીધરાણીનું જ ) રચના છે!

ભારત પાછા ફર્યા પછી થોડો સમય તેમણે પંજાબના શરણાર્થીઓ વચ્ચે કામ કર્યું. કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયમાં જવાહરલાલ નેહરુના ‘ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી’ તરીકે સેવાઓ આપી. કોલકાતાના ‘અમૃતબઝાર પત્રિકા’ના દિલ્હીના પ્રતિનિધી તરીકે રહ્યા. સાથોસાથ ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ અને જાપાનના ‘ટોકિયો શિમ્બુન’ જેવાં નામી અખબારોમાં અને ‘વોગ’ અને ‘સેટરડે રીવ્યુ ઓફ લિટરેચર’ જેવાં સામયિકોમાં તેમણે લખ્યું.

ભારત પાછા ફર્યા પછી ‘ગુજરાતીનો રણકાર પાછો પ્રાપ્ત કરવા માટે બે-ત્રણ વર્ષ નીકળી ગયાં.’ એવું શ્રીધરાણીએ કહ્યું છે. પણ એ રણકાર, જરા જુદા સ્વરુપે અને વચ્ચેના સમયગાળાના અનુભવોમાંથી રસાઇને, પ્રગટ થયો ખરો. ભારત પાછા આવ્યા પછીનું તેમનું કાવ્ય ‘આઠમું દિલ્હી’ (૧૯૫૬) શ્રીધરાણીની યાદગાર કૃતિ ગણાય છે. ‘નવા’ શ્રીધરાણીના મિજાજનો ખ્યાલ આપતી ‘આઠમું દિલ્હી’ની કેટલીક પંક્તિઓઃ

સર્વવ્યાપ્ત સરકાર બિરાજે, કવિને કરતી ભાટ / જંગલ છોડી દિલ્હી-કાંઠે યોગી માંડે હાટ/ પદવી છે, પહેરામણ છે, છે બિલ્લા એક અનેક/રાજ્યસ€ભા છે, લોકસભા છે ને જાવું જો છેક/ રચજો કવિતા, લખજો નાટક, કરજો રાજ્યપ્રચાર/ નવ દિલ્હીના આકાર!

આ કાવ્યના અંતે ‘ભવિષ્યની કોદાળી જ્યારે નમશે’ ત્યારે પાદર થયેલા દિલ્હીમાંથી શું જડશે? કવિએ લખ્યું હતુ: ‘જડશે ચંદ્રક એક અનેક/ નહીં જડશે શુદ્ધ વિવેક’.

દિલ્હીમાં શ્રીધરાણી દયારામ ગીદુમલનાં પુત્રી સુંદરીના પરિચયમાં આવ્યા અને પરણ્યા. ત્યાર પછી શ્રીધરાણીએ ૧૯૬૦માં ૪૯ વર્ષની વયે અકાળે વિદાય લીધી, પણ નવ દાયકા વટાવી ચુકેલાં સુંદરીબહેન તેમની ખ્યાતનામ કળાસંસ્થા ‘ત્રિવેણી કલાસંગમ’ સાથે હજુ દિલ્હીમાં મોજૂદ છે. તેમના પુત્ર અમર શ્રીધરાણી મુંબઇમાં અને પુત્રી કવિતા અમેરિકા છે. સુંદરીબહેન બિનગુજરાતી હોવાને કારણે અને સંતાનોનો ઉછેર દિલ્હીમાં થવાને લીધે, તે ગુજરાતી વાંચી કે બોલી શકતાં નથી. પરંતુ શ્રીધરાણીના ભત્રીજાઓ મયુરભાઇ અને પંકજભાઇ તેમના કાકા વિશે ગુજરાતીમાં વાત કરી શકે છે.

શ્રીધરાણીની જન્મશતાબ્દિ ઉજવાઇ રહી છે ત્યારે તેમનાં અપ્રાપ્ય ગુજરાતી પુસ્તકો ઉપરાંત સાત-આઠ અંગ્રેજી પુસ્તકો અને દાંડીકૂચ વખતે તેમણે લખેલી- ‘સિનેમાના પડદે રજૂ થતી કોઇ ભવ્ય કથા સમી તાદૃશ’- ડાયરી ઉપલબ્ધ બને તો શતાબ્દિની ઉજવણી વધારે સાર્થક બને.

Thursday, May 05, 2011

ભાષા આધારિત રાજ્યોઃ ભાગ કે ભાગલા?

ગુજરાત-મહારાષ્ટ્રનો સ્થાપના દિન ૧ મે બન્ને રાજ્યોની સત્તાવાર ઉજવણીના માહોલમાં વીતી જાય છે. પરંતુ ૧ મે, ૧૯૬૦ પહેલાં અને ત્યાર પછી પણ ભાષાના આધારે રાજ્યોની વહેંચણીનો મુદ્દો તીવ્ર પ્રતિક્રિયા જગવતો રહ્યો છે.

ગુજરાત આઝાદી વખતે મુંબઇ રાજ્યનો હિસ્સો હતું, એ વાત છેલ્લી એકાદ-બે પેઢીને ‘હા, એવું કંઇક સાંભળ્યું છે ખરું’ પ્રકારની લાગી શકે. ભાષાકીય બહુમતી માટે જુદું રાજ્ય માગવાના મુદ્દે દલીલો અને આક્ષેપો, રાજકારણ ને અર્થકારણના કેવા આટાપાટા ખેલાયા હશે, તેનો અત્યારે ભાગ્યે જ અંદાજ આવે.

પરંતુ લેવાનારા નિર્ણયો વિશેની ગરમાગરમ ચર્ચા અને અભિપ્રાયો, એ નિર્ણયો અમલમાં મૂકાયાના પાંચ-છ દાયકા પછી ફરી તપાસવાની જુદી જ મઝા છે.

આઝાદીની આસપાસ
આઝાદી પહેલાંના મુંબઇ રાજ્યમાં હાલના ગુજરાત-મહારાષ્ટ્રના ઘણા પ્રાંતનો સમાવેશ થતો હતો, પણ રજવાડાંથી છવાયેલું સૌરાષ્ટ્ર અને કચ્છ તેમાંથી બાકાત હતાં. મુંબઇ રાજ્યમાંથી ગુજરાતીભાષી ગુજરાત અને મરાઠીભાષી મહારાષ્ટ્રના અલગ પડવાનો પ્રશ્ન આઝાદી પછીના દાયકામાં ઉભો થયો. તેની સાથેનો, બલ્કે વધારે સળગતો સવાલ હતોઃ મુંબઇને મહારાષ્ટ્ર સાથે જોડવું કે તેને અલગ ‘સીટી સ્ટેટ’ બનાવવું?

મુંબઇ રાજ્યના વિભાજનો વિખવાદ જાગ્યો તેના દાયકાઓ પહેલાં, ૧૯૧૩થી ભાષા આધારિત પ્રાંતોનો ખ્યાલ માથું ઉંચકવા લાગ્યો હતો. તેલુગુભાષીઓને પોતાનું અલગ આંધ્ર જોઇતું હતું. કોંગ્રેસનો એ વખતે ચડતો સિતારો હતો. ગાંધીજીના આગમન પછી નાગપુર અધિવેશન (૧૯૨૦)માં ફક્ત વકીલો-બેરિસ્ટરોને બદલે આમજનતા માટે પણ કોંગ્રેસના દરવાજા ખુલી ગયા. એ અધિવેશનમાં કોંગ્રેસે પક્ષના વહીવટની સરળતા ખાતર આખા દેશને ભાષા આધારિત ૨૧ ભાગ (રાજ્યો)માં વહેંચ્યો. અખંડ ભારતના એ સમયના નકશામાં બર્મા (અત્યારના મ્યાંમાર)નો સમાવેશ પણ થતો હતો.

તેલુગુભાષીઓની ૧૯૧૩થી શરૂ થયેલી માગણી સમય જતાં મોળી પડવાને બદલે મજબૂત બની, પરંતુ અંગ્રેજોનું રાજ હતું ત્યાં સુધી સિધ અને ઓરિસ્સા સિવાય બીજો કોઇ નવો પ્રાંત રચાયો નહીં. આઝાદી હાથવેંતમાં હતી અને ભારતનું બંધારણ ઘડવા માટે બંધારણ સભા નીમાઇ ત્યારે ભાષાકીય પ્રાંતોની રચના માટેની માગણી સતત ચાલુ રહી. કોંગ્રેસ એ માગણીનો સ્પષ્ટ વિરોધ કરી શકે એમ ન હતી. કારણ કે તેણે પોતે એ સિદ્ધાંતના આધારે પ્રાંતો પાડીને પ્રાદેશિક સમિતિઓ નીમી હતી. એટલું જ નહીં, અંગ્રેજી શાસનમાં થયેલી પહેલી ચૂંટણી (૧૯૩૫)ના ઢંઢેરામાં કોંગ્રેસે જાહેર કર્યું હતું કે ‘રાષ્ટ્રમાં દરેક જૂથ અને પ્રાદેશિક વિસ્તારની સ્વતંત્રતા જળવાઇ રહે તથા રાષ્ટ્રના વિશાળ માળખામાં તેનો વિકાસ થાય...એ માટે ભાષાકીય અને સાંસ્કારિક ધોરણે આ પ્રકારના પ્રદેશો અને પ્રાંતોનો વિચાર થવો ઘટે.’

ગાંધીજીને પ્રાંતોની પુનઃરચના માટે ભાષાકીય પાયો સાચો લાગતો હતો. પણ આઝાદીની આસપાસના અરસામાં તેમનું વલણ એ જાતનું હતું કે ‘અત્યારની અશાંત પરિસ્થિતિ પ્રાંતોની પુનઃરચના કરવાનો યોગ્ય સમય નથી.’ રાજ્યો લડવા-ઝઘડવાને બદલે અંદરોઅંદર સમજીને સરહદો નક્કી કરે એવું તેમનું સૂચન હતું. (જેનો અમલ ત્યારે પણ અશક્ય લાગે એટલી હુંસાતૂંસીનું વાતાવરણ હતું.)

આઝાદી પછી ભાષાઆધારિત પ્રાંતોની લોકલાગણી-માગણી સંતોષવા માટે એસ.કે.ધારની આગેવાની હેઠળ ભાષાવાર પ્રાંત પુનઃરચના માટેનું ‘ધાર કમિશન’ રચાયું. તેનો અહેવાલથી અસંતોષમાં ઘટાડો ન થતાં, એ જ વર્ષે, ૧૯૪૮માં કોંગ્રેસે જવાહરલાલ, વલ્લભભાઇ અને પટ્ટાભિ સીતારમૈયા- એમ ત્રણ વરિષ્ઠ નેતાઓનું બનેલું ‘જેવીપી કમિશન’ નીમ્યું. ૧૯૪૯માં આ કમિશને રજૂ કરેલા અહેવાલમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે ‘ભાષા કેવળ એકતાનું નહીં, વિખવાદનું કારણ પણ છે.’ અને ‘કોંગ્રેસે ભાષાવાર પ્રાંતોના સિદ્ધાંતને બહાલી આપી ત્યારે તેના વ્યવહારુ સવાલોનો અને બધાં પરિણામોનો ખ્યાલ કર્યો ન હતો.’ ભાષા આધારિત વિભાજનની વાત કરતી વખતે દેશની એકતા, સુરક્ષા અને આર્થિક સ્થિતિને પ્રાથમિકતા આપવી જોઇએ, એવું જાહેર કરવા છતાં, લોકલાગણીને માન આપવાનો વિકલ્પ તેમાં રખાયો હતો.

એ દિવસ માટે ઝાઝાં વર્ષ રાહ ન જોવી પડી. ૧૯૫૨માં તેલુગુભાષી આંધ્રપ્રદેશની માગણી સાથે પોટ્ટી સીરામુલુએ આમરણ ઉપવાસ કર્યા. ૫૬ દિવસના ઉપવાસ પછી તેમનું મૃત્યુ થતાં તોફાનો ફાટી નીકળ્યાં, પરિસ્થિતિ બેકાબૂ બની અને કેન્દ્ર સરકારે તરત અલગ આંધ્ર પ્રદેશનું વચન આપી દીઘું. તેનો અમલ પણ કરી દીધો.
આઝાદ ભારતમાં ભાષા આધારિત પ્રાંતરચનાનો આ પહેલો પ્રસંગ હતો.

ગુજરાતીઓ, મુંબઇ અને ડો.આંબેડકર

બંધારણની ડ્રાફિ્‌ટંગ કમિટીના અઘ્યક્ષ, પ્રખર વિદ્વાન અને તેજસ્વી ધારાશાસ્ત્રી ડો.આંબેડકરે ૧૯૪૮માં રચાયેલા ધાર કમિશન માટે એક અભ્યાસપૂર્ણ આવેદનપત્ર તૈયાર કર્યું હતું. ‘મહારાષ્ટ્ર એઝ એ લિગ્વિસ્ટિક પ્રોવિન્સ’ મથાળું ધરાવતી એ રજૂઆતમાં મુખ્ય બે વિવાદાસ્પદ મુદ્દા ચર્ચવામાં આવ્યા હતાઃ મરાઠીભાષીઓના મહારાષ્ટ્રમાં કયા પ્રદેશો લેવા અને મુંબઇને મહારાષ્ટ્રથી અલગ રાખવું કે સાથે.

અલગ ગુજરાતની રચનામાં વિખવાદો હતા- ખાસ કરીને ડાંગ અને આબુને ગુજરાતમાં ભેળવવા બાબતે. પરંતુ ગુજરાતીઓ-મરાઠીઓ વચ્ચેનો વઘુ આકરો સંઘર્ષ મુંબઇના મુદ્દે જાગ્યો. ભૂગોળની રીતે મુંબઇને ગુજરાત સાથે ભેળવવાનું શક્ય ન હતું. પણ ગુજરાતીઓમાં પ્રવર્તતી સામાન્ય છાપ એવી હતી કે ‘મુંબઇની જાહોજલાલીમાં ગુજરાતીઓનો મોટો હિસ્સો છે. મુંબઇ મહારાષ્ટ્રમાં ભળી જશે તો મુંબઇના ગુજરાતીઓને વેઠવાનું આવશે.’ તેમની માગણી હતી કે મુંબઇનું અસ્તિત્ત્વ મહારાષ્ટ્ર અને ગુજરાત બન્નેથી અલગ રહેવું જોઇએ, જેથી ગુજરાતીઓનું હિત અને ખાસ તો તેમની મુંબઇ પરની પકડ જળવાઇ રહે.

આ હિલચાલથી મરાઠીભાષીઓ ઉકળી ઉઠ્યા હતા. ડો.આંબેડકરે નેતાના ઉકળાટને બદલે વકીલની ટાઢકથી ૧૯૪૮માં ભાષાવાર પ્રાંત પુનઃરચના કમિશન સમક્ષ પોતાની દલીલો રજૂ કરી. આગળ જતાં ૧૯૫૫માં તેમણે ‘થોટ્‌સ ઓન લિગ્વિસ્ટિક સ્ટેટ્‌સ’ નામે અભ્યાસલેખ દ્વારા ફરી એક વાર આંકડા સહિત દાખલાદલીલો ટાંકીને પોતાની સજ્જતા-વિદ્વત્તાનો પરિચય આપ્યો. ભાષાવાર પ્રાંતો અંગે પોતાના અગાઉના કેટલાક વિચારો, પૂરતી માહિતી અને વિગતો મળ્યા પછી બદલાયા છે, એવું જાહેર કરીને ડો.આંબેડકરે લખ્યું હતું કે ‘ભાષાવાર રાજ્યો જરૂરી છે, પણ તે ધાકધમકી કે મવાલીગીરીથી નક્કી થવાં ન જોઇએ. એ જ પ્રમાણે, સાંકડાં પક્ષીય હિતોને ઘ્યાનમાં રાખીને પણ આ સવાલ ઉકેલાવો ન જોઇએ.

પ્રાંત પુનઃરચના કમિશન મુંબઇ રાજ્યને ‘આદર્શ’ પ્રકારનું મિશ્રભાષી રાજ્ય ગણાવતું હતું, પરંતુ ડો.આંબેડકરના મતે ગુજરાતી-મરાઠી ભાષીઓના મિશ્રણ જેવું મુંબઇ સદંતર નિષ્ફળ હતું. તેમણે લખ્યું હતું કે ‘છેલ્લાં વીસ વર્ષમાં ગુજરાતીઓ અને મરાઠીઓ વચ્ચે જે જાતની શત્રુવટ ઉભી થઇ છે, એ જોતાં ભાગ્યે જ મુંબઇ રાજ્યને કોઇ આદર્શ ગણી શકે.’

‘એક ભાષા લોકોને જોડે છે અને બે ભાષા તેમના ભાગલા પાડે છે’ એમ જણાવીને ડો.આંબેડકરે કહ્યું હતું કે ભાષાવાર રાજ્યો ભલે અલગ પડે, પણ તેમની સત્તાવાર ભાષા એક જ (હિદી) હોવી જોઇએ...જે ભારતીય આ દરખાસ્તને ભાષાવાર પ્રાંતના અભિન્ન અંગ તરીકે સ્વીકારે નહીં, તે કદાચ સો ટકા મરાઠી, સો ટકા ગુજરાતી કે સો ટકા તમિલ હોઇ શકે, પણ સો ટકા ભારતીય કદાપી ન હોય.’ ભાષાવાર રાજ્યોમાં સ્થાનિક ભાષાને સત્તાવાર દરજ્જો આપવાનું પગલું તેમને ભારતની અખંડિતતા માટે વિઘાતક લાગ્યું હતું.

‘મુંબઇ ગુજરાતીઓનું છે’ એવી દલીલને ડો.આંબેડકરે અનેક તાર્કિક જવાબો સાથે ફગાવી દીધી હતી. મુંબઇને મહારાષ્ટ્રથી અલગ રાખવાના મુદ્દે એ કહેતા હતા કે મદ્રાસ કે કલકત્તા અલગ ‘સીટી સ્ટેટ’ ન હોય તો ફક્ત મુંબઇ જ શા માટે? ગુજરાતીઓના દાવાનો અસ્વીકાર કર્યા પછી જોકે, તેમણે મુંબઇને અલગ રાખવું જ હોય તો તેની આર્થિકથી માંડીને વીજળી સહિતની કઇ જરૂરિયાતોનો વિચાર થવો જોઇએ, તેની વાત કરી હતી. ‘એક રાજ્ય, એક ભાષા’નો ખ્યાલ તેમને મંજૂર હતો, પણ ‘એક ભાષા, એક (જ) રાજ્ય’ તેમને કબૂલ ન હતું. તેમણે મુંબઇ રાજ્યમાંથી અલગ પડેલા મરાઠીભાષી મહારાષ્ટ્રને ચાર ભાગમાં વહેંચવાની યોજના રજૂ કરી હતી. તેમના મતે એક જ ભાષા ધરાવતા પ્રદેશને કેટલાં રાજ્યોમાં વહેંચવો જોઇએ, એ નક્કી કરવા માટે વહીવટી અસરકારકતા, વિવિધ વિસ્તારોની ખાસ જરૂરિયાતો, જુદા જુદા વિસ્તારોની લાગણી અને બહુમતી-લધુમતીનું પ્રમાણ ઘ્યાનમાં લેવાં જોઇએ. ભાષાકીય લધુમતીના હકો જોખમાય નહીં એ માટે તેમણે બંધારણમાં ફેરફાર કરવાનું પણ સૂચવ્યું હતું.

મુંબઇને મહારાષ્ટ્રથી અલગ રાખવા સામે મરાઠીઓનો વાંધો દૂર કરવા માટે તેમણે મુંબઇને ‘મહારાષ્ટ્ર સીટી સ્ટેટ’ જેવું નામ પણ સૂચવ્યું હતું, જેથી તે મહારાષ્ટ્રનો જ ચોથો હિસ્સો બની રહે. તેમની દૃઢ પ્રતીતિ હતી કે એક ભાષા બોલતા રાજ્યના જુદા જુદા હિસ્સા વચ્ચે પણ અનેક પ્રકારની અસમાનતા હોય છે. (ગુજરાતમાં પણ તે અનુભવી શકાય છે.) તેમને એક છત્ર નીચે લાવવાથી પ્રભુત્વ ધરાવનારા પ્રદેશના લોકો વધારે મજબૂત બનશે અને વંચિત પ્રદેશના લોકો વધુ ને વઘુ ખૂણામાં ધકેલાશે. ડો.આંબેડકરે તો આખા દેશ માટે એક પાટનગર અપૂરતું ગણાવીને, હૈદ્રાબાદ-સિકંદરાબાદ વિસ્તારમાં બીજું પાટનગર સ્થાપવાનું સૂચવ્યું હતું. તેનાથી બીજા ફાયદા ઉપરાંત ‘ઉત્તર ભારતીયો અમારી પર રાજ કરે છે’ એવી દક્ષિણના લોકોની ફરિયાદ પણ દૂર થશે એવી તેમની દલીલ હતી.

આશા અને આશંકા
ભાષાવાર પ્રાંતરચનાનાં જોખમોથી પૂરેપૂરા વાકેફ એવા ડો.આંબેડકર મુંબઇના દ્વિભાષી રાજ્યમાંથી ગુજરાત-મહારાષ્ટ્ર છૂટાં પડી જાય એમ ઇચ્છતા હતા, ત્યારે ઉમાશંકર જોશી કે દાદા ધર્માધિકારી જેવા અગ્રણીઓએ ભાષા આધારિત પ્રાંતોનો કડક વિરોધ કર્યો હતો. ભાષા પુનઃરચના પંચની કામગીરીની આકરી ટીકા કરીને, ડો. આંબેડકરે જે સંયુક્ત મુંબઇ રાજ્યને ‘સદંતર નિષ્ફળ’ નિષ્ફળ ગણાવ્યું હતું, તેના વિશે ઉમાશંકરે લખ્યું હતું, ‘(પંચ) દ્વારા રાજકારણીઓએ દેશની રહીસહી એકતાને છેક ચૂંથી નાખી. તેમાંથી મુંબઇનું બૃહદ રાજ્ય એક આશાસ્પદ અપવાદરૂપે બચી જવા પામ્યું છે. ભવિષ્યમાં પશ્ચિમ મંડળ (વેસ્ટર્ન ઝોન) તરીકે એ વિકસશે અને હિદમાં એવાં બીજાં બેચાર મંડળોની રચના માટે પ્રેરણારૂપ બનશે, એવી આશા રાખીએ. (સંસ્કૃતિ, નવેમ્બર, ૧૯૫૬)

ગુજરાત અને મુંબઇ સહિતનું મહારાષ્ટ્ર ૧ મે, ૧૯૬૦ના રોજ અલગ પડ્યાં, તેના પછીના વર્ષે કંઠી વગરના ગાંધીવાદી વિદ્વાન દાદા ધર્માધિકારીએ કહ્યું હતું, ‘આજે આપણે બહુરાજ્યવાદ અને બહુરાષ્ટ્રવાદમાં ચકચૂર છીએ...આજે દેશમાં...નર્યો ઉદ્દંડ ભાષાવાદ છે. એમાંથી ભાષાવાર રાજ્યોનો જન્મ થયો છે. અહીંનું એ દુર્ભાગ્ય છે કે અહીંની સંસ્કૃતિ, ઇતિહાસ, ભાષા, લિપિ બઘું સંપ્રદાય સાથે ચાલે છે.’

ભાષાવાર પ્રાંતરચનાનો મુદ્દો મોટા ભાગના પ્રાંતો પૂરતો હવે ઉકલી ગયો છે. પરંતુ ‘સંસ્કૃતિ’ (ઓગસ્ટ, ૧૯૫૬)માં ઉમાશંકર જોશીએ આપેલી ચેતવણી, વર્તમાન ગુજરાતના શાસકોના વલણને ઘ્યાનમાં રાખતા યાદ રાખવા જેવી લાગે છે. તેમણે લખ્યું હતું,‘અત્યારે આપણો સૌથી મોટો દુશ્મન છે ઉપરાષ્ટ્રવાદ (સબનેશનાલિઝમ). તેને દૂર કરવા માટે જે કંઇ કરીએ તે ઓછું છે.’

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેના પક્ષીય ઝઘડામાં પ્રાંતવાદ અને ઉપરાષ્ટ્રવાદનું ઝેર રેડવાથી સરવાળે રાષ્ટ્રનું હિત થશે કે અહિત, તે સૌએ વિચારવાનું છે.

Wednesday, May 04, 2011

રૂપિયા (ન) આપવાની રીતો

મિત્રો કેવી રીતે બનાવવા, લોકોને પ્રભાવિત કેવી રીતે કરવા, અસરકારક વ્યાખ્યાન કેવી રીતે આપવું- એવા અનેક વિષયોનાં પુસ્તકો બજારમાં મળે છે. ઇંગ્લીશ-સ્પીકિંગ, રસોઇ, કરાટે જેવા અનેક વિષયોના ક્લાસ ચાલે છે. પરંતુ કોઇને રૂપિયા કેવી રીતે ચૂકવવા એ વિશે પુસ્તકો નથી ને ક્લાસ પણ નહીં. અત્યારનો ટ્રેન્ડ જોતાં ‘રૂપિયા કેવી રીતે ન ચૂકવવા’ એવાં પુસ્તકો કે ક્લાસ નીકળી આવે તો કહેવાય નહીં.

સાવ સીધીસાદી લાગતી દરેક અટપટી પ્રક્રિયાની જેમ રૂપિયા ચૂકવવા વિશે ઘણાને એવું થશે કે એમાં શું શીખવાનું? વસ્તુ લીધી એટલે ખિસ્સામાંથી કે પાકિટમાંથી એની કિંમત જેટલા રૂપિયા ગણીને આપી દેવાના. પણ ના. કળાકારી એને કહેવાય જે સાદામાં સાદી વાતને ગૂઢતા અને સંકુલતાની ઉંચાઇ પર લઇ જઇ શકે. પટ્ દઇને રૂપિયા ચૂકવી દેવા એ તો કલાદૃષ્ટિ વગરના લોકોનું કામ. સાચો કળાકાર મહાનતાની મંઝિલે પહોંચવા માટે કદી સહેલો રસ્તો અખત્યાર કરતો નથી. એ જાણે છે કે જીવનમાં અંતિમ લક્ષ્ય કરતાં વધારે મહત્ત્વ સફરનું છે. વ્યવહારમાં ચાલતી રૂપિયા ચૂકવવાની, બલ્કે રૂપિયા ચૂકવવાનો ઇરાદો જાહેર કરીને રૂપિયા ન ચૂકવવાની કેટલીક રીતો વિશે જાણ્યા પછી આ મુદ્દે વધુ કંઇ કહેવાની જરૂર નહીં રહે.

ચેકથી

વિરહી પ્રેમી તેની પ્રેમિકાને ભૂલવા ઇચ્છતો હોવા છતાં ભૂલી શકતો નથી. એવી જ રીતે કેટલાક લોકો રૂપિયા ચૂકવવા ઇચ્છતા હોવા છતાં સ્વભાવિક- સ્વભાવને લગતાં- કારણોસર રૂપિયા ચૂકવી શકતા નથી. તેમને માટે ચેકનો વિકલ્પ હાથવગો છે. ચેકનું સુખ એ છે કે પોતાના ઘરના હિંચકે બેઠાં બેઠાં બિલ ગેટ્સને કે બરાક ઓબામાને બસો-પાંચસોથી માંડીને બે-પાંચ બિલિયનનો ચેક લખી શકાય છે. કરન્સીનો કોઇ બાધ નથી. રૂપિયા લખો કે ડોલર, તમારી મરજી. યોગભ્રષ્ટ આત્માની જેમ જેના પાછા ફરવાનું નક્કી જ હોય, એવા ચેકમાં વિગતોનું શું મહત્ત્વ? હવે જોકે ચેક પાછો ફરે તો સજાની જોગવાઇ થઇ છે, પણ રીઢા ચેકબાજો ચેક પર તારીખ લખતી વખતે વચ્ચે વાટાઘાટો થઇ શકે અને સામી પાર્ટી આગળ વાર્તાઓ કરીને તેને એ ચેક ન વટાવવા સમજાવી શકાય, એટલો સમયગાળો હંમેશાં રાખે છે. નહીં ચૂકવવાના ચેક લખતી વખતે ‘બે ચેક વચ્ચે કેટલો સમય રાખવો’ એવું ‘ચેક-નિયોજન’ તેમને બરાબર આવડે છે. ચેકનો બીજો અહિંસક ઉપયોગ નાની રકમનું તત્કાળ ચૂકવણું (ન) કરવા માટે પણ થાય છે. નાની રકમ એટલે બસો-પાંચસો કે બે-પાંચ હજાર રૂપિયાની વાત નથી. એક ગુજરાતી નાટ્યકારે રિક્ષાવાળાને દસ રૂપિયાનો ચેક આપ્યો હતો, એ ઘટના દંતકથાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાયેલી છે.

કોઇની સાથે

દુનિયા સંકોચાઇને ગામડું-ગ્લોબલ વિલેજ- બની ગઇ છે તેનો વધુ એક વાર ખ્યાલ ત્યારે આવે છે, જ્યારે કોઇ લેણદાર કહે છે, ‘તમારા રૂપિયા કોની જોડે મોકલી આપું? તમારા શહેરમાં મારા બહુ ઓળખીતા-મિત્રો રહે છે.’ આવી પૃચ્છાથી મૂંઝાયેલો દેણદાર ‘સાધન’ની પસંદગીમાં પડવાને બદલે સાધ્યનું મહત્ત્વ પ્રસ્થાપિત કરતાં કહે છે, ‘એ તમારો વિષય છે. મારે તો મારા રૂપિયા જોઇએ.’ વાત પચીસ-પચાસ હજાર કે એથી પણ મોટી રકમની હોય તો ‘કોની સાથે મોકલવી? આજકાલ કોઇની પર વિશ્વાસ કરવા જેવો નથી રહ્યો’ એવું બ્રહ્મસત્ય પણ લેણદાર ઉચ્ચારે છે. દેણદાર મનમાં કહે છે, ‘ખરી વાત છે. જુઓને, તમારી પર વિશ્વાસ મૂકીને તમને રૂપિયા આપ્યા, પણ હવે તમે કેવી ફિલ્ડિંગ ભરાવો છો.’ પરંતુ મોટી રકમ મોકલનાર ચિંતા કરે એમાં કશી ખૂબી નથી. ખરી મઝા ત્યારે છે, જ્યારે કોઇને પુસ્તક કે લવાજમ કે એવા કોઇ કામ પેટે પચાસ-સો-દોઢસો રૂપિયા મોકલવાના હોય. એટલી રકમ કવરમાં નાખીને મોકલી આપવાનું ગેરકાયદે હોવા છતાં, ભારતીય ટપાલખાતું મોટે ભાગે ઉદારતાપૂર્વક એવાં કવર સહીસલામત રીતે પહોંચાડતું હોય છે.

પરંતુ રૂપિયા મોકલનારને આટલી સીધી રીતે કામ થઇ જાય એ પસંદ નથી. દેણદારને એ કહે છે, ‘તમારા શહેરમાં મારો સાળો રહે છે, તમારા એરિયાની બાજુના એરિયામાં મારો ભાણીયો નોકરીએ લાગ્યો છે. પણ એને દિવસે ટાઇમ ન મળે. એ વહેલી સવારે કે મોડી રાત્રે ફ્રી હોય. તમારા એરિયામાં મારા મિત્રની દીકરી પરણાવી છે. એના સસરા આખો દિવસ ઘરે જ હોય છે. પણ હવે વેવાઇને આવું કામ કેવી રીતે સોંપાય? તમારી સોસાયટીની બાજુની સોસાયટીમાં હમણાં જ મારી ઓફિસમાં કામ કરતા એક ભાઇના દીકરાનો મિત્ર રહેવા આવ્યો છે. મેં જેમતેમ કરીને એનો પત્તો મેળવીને વાત કરી, પણ એ નવો છે. એટલે એને તમારી સોસાયટી વિશે ખબર જ નથી. મેં એને સમજાવ્યો કે ‘ભાઇ, આપણે રૂપિયા આપવાના હોય એનો સાવ આવી રીતે એકડો કાઢી ન નાખીએ.’ પણ એ હજુ જુવાન છે. ધીમે ધીમે સમજી જશે. તમે રૂપિયાની બિલકુલ ચિંતા ન કરશો. મેં તો હજુ તમને ચાર જ નામ ગણાવ્યાં છે. તમારા શહેરમાં રહેતા મારા ઓળખીતાનાં બીજાં ચોવીસ નામ ગણાવી શકું એમ છું.’ એ સાંભળ્યા પછી દેણદાર એવું પણ પૂછી શકતો નથી કે ‘તમારા બધા ઓળખીતા તમારા વતી માથાદીઠ એક-એક રૂપિયો આપીને બાકી રકમનું ચૂકવણું કરવાના છે?’ દેણદારને એવો વિચાર પણ આવે છે કે ‘સારું છે, હું દિલ્હીમાં રહેતો નથી. નહીંતર આ ભાઇ સો રૂપિયા ચૂકવવા માટે રાહુલ ગાંધીને મોકલવાની ઓફર પણ કરી પાડે.’

છેવટે, રૂપિયા નથી આવતા તે નથી જ આવતા. તેનો માસુમ ખુલાસો આપતાં લેણદાર કહે છે, ‘શું કરું? હું મૂંઝાઇ ગયો કે કોની સાથે તમારા રૂપિયા મોકલું? એકની સાથે મોકલું તો બીજા દસ જણ નારાજ થાય કે ‘અમને પારકા ગણ્યા? અમે તમારું કામ ન કરત?’ હવે તમે જ કહોઃ ‘તમારી સો રૂપૈડી વધારે કે આવા લાખ રૂપિયાના સંબંધ?’

દાદાગીરીથી

કોઇને થાય કે રૂપિયાની ઉઘરાણી કરવામાં દાદાગીરી હોય, પણ ચૂકવવામાં એ કેવી રીતે બને? પણ જે કોઇને ન સૂઝે એ સૂઝવું એનું નામ તો મૌલિકતા. કેટલાક રીઢરીઢેશ્વર લેણદારો એવા ખેપાની અને એમના લેણદારો એવા મીણપ્રકૃતિના હોય છે કે લાંબો વખત વીતી ગયા પછી લેણદારો દેણદારોને ખખડાવવા લાગે અને દેણદારો લેણદારથી બીતા થઇ જાય. રૂપિયા ઉછીના આપ્યાના (અને મનોમન તો એ રૂપિયાનું નાહી નાખ્યાના) ચાર-છ મહિના પછી દેણદાર લેણદારને ફોન કરે એટલે લેણદાર સામેથી તાડુકશે, ‘ખબર છે...તમારા રૂપિયા બાકી છે તે...એમાં ફોનો શાના કરો છો? કંઇ ગામ છોડીને નાસી જવાના છીએ? એક પચ્ચી હજાર રૂપૈડી માટે કોઇની આબરૂ પર હાથ નાખતાં તમને વિચાર ન આવ્યો?? આવા સંબંધને શું ધોઇ પીવાનો?’

એકાદ વાર આવું થાય એટલે દેણદાર પર એવી ધાક બેસી જાય છે કે તે લેણદારને મળવાનું ટાળે છે. ત્યારે લેણદાર સામેથી ફોન કરે છે, ‘એમ સંતાતા શાના ફરો છો? ફોન તો કરો ભલા માણસ? રૂપિયા ધીર્યા એટલે સંબંધ પણ ભૂલી જવાનો? રૂપિયા તો આજ છે ને કાલ નથી. (દેણદાર વિચારે છેઃ બરાબર છે, કાલે હતા ને આજે નથી જ.) વખત આવ્યે રૂપિયા કામ નહીં આવે, સંબંધ કામ આવશે. સમજ્યા? આવજો ત્યારે. ફોન-બોન કરતા રહેજો પાછા.’

જનરલ ઓપ્શન

ઇશ્વર સુધી પહોંચવાની જેમ, રૂપિયા ન ચૂકવવાના અનેક માર્ગ છે. જેવી જેની શ્રદ્ધા. જેવી જેની શક્તિ. રૂપિયા ચૂકવવાના અભિનયમાં પાવરધા લોકો એ બધા માર્ગોનો એકસાથે ઉપયોગ કરી શકે છે. તેમનો પહેલો નિયમ છેઃ ધોળા ધરમે પણ રૂપિયા ચૂકવવાની કદી ના પાડવી નહીં. અને બીજો નિયમ? ધોળા ધરમે રૂપિયા ચૂકવવા નહીં. દેણદાર ઉઘરાણી કરે ત્યારે એ લોકો કહે છે, ‘અરે મારા સાહેબ, અબઘડી, અબ્બી હાલ જ મોકલી આપત. પણ હું ઝુમરીતયૈલા ગયેલો છું ને મારો છોકરો ઘેર નથી. એ ટ્યુશન ગયેલો છે.’ બીજા પ્રસંગે ઉઘરાણી વખતે એ કહે છે, ‘અરે મારા સાહેબ, હમણાં એટલાં લફરાં રહે છે કે આ તો હું ભૂલી જ જાઉં છું. બોલો, કેવી રીતે મોકલું? ચેકથી? ડીડીથી? મનીઓર્ડરથી? પેઓર્ડરથી? તમારો એકાઉન્ટ નંબર આપો તો એમાં સીધા ટ્રાન્સફર કરી દઇએ. તમે કહેતા હો તો મારા ઓળખીતા જોડે મોકલી આપું. એવું હોય તો આપણને આંગડીયા પાસે મોકલવામાં પણ કોઇ પ્રોબ્લેમ નથી. આપણે તો જ્યાંત્યાં રૂપિયા આપવા છે. બસ. તમે કહેતા હો તો હવાલો પાડી દઇએ. રૂપિયા તમારા છે. તમે કહો એ રીતે આપણે મોકલી આપવાના. પછી કંઇ છે?’ આ સાંભળીને દેણદાર લગભગ કરગરીને બોલી ઉઠે છેઃ ‘હું ક્યાં કહું છું આપની હા હોવી જોઇએ? પણ ન કહો છો એમાં વ્યથા હોવી જોઇએ.’

રોકડેથી

આગળ જણાવેલા આટઆટલા સંગીન વિકલ્પો વાંચ્યા પચી કોઇને પણ થશે કે આ તે કંઇ વિકલ્પ કહેવાય?

Tuesday, May 03, 2011

અંગ્રેજ ચલે ગયે, કટલેટ છોડ ગયે


કેટલીક વસ્તુઓ કેમ ચાલતી હશે, તેની કાયમ નવાઇ લાગે. તેમના ચાલવા પાછળનું એક જ કારણ જડેઃ બસ, તે ચાલે છે - અને કોઇએ તેમાં ફેરફાર કર્યો નથી, એ જ.

વાત 'કટલેસ' તરીકે લોકપ્રિય એવી 'વેજ કટલેટ'ની છે. ટ્રેનમાં મુસાફરી કરનારાએ આ દૃશ્ય જોયું જ હશેઃ ડાઇનિંગ કારનો યુનિફોર્મ પહેરેલા માણસો હાથમાં પ્લાસ્ટિકની ટ્રે, એની અંદર એલ્યુમિનિયમની ફોઇલમાં વીંટાળેલી કટલેટ, બ્રેડની સ્લાઇસ અને કેચ-અપનાં પાઉચ લઇને 'ગરમાગરમ કટલેસ' કહેતા એક ડબ્બેથી બીજે ડબ્બે ફરતા હોય. કર્ણાવતી એક્સપ્રેસ પ્રકારની કે ગુજરાત ક્વીન પ્રકારની ટ્રેનોમાં આવાં દૃશ્ય સામાન્ય હોય છે.

જેટલી વાર ગુજરાતની-ભારતની ટ્રેનમાં કટલેટ -ઔર કટલેટ કે સિવા કુછ ભી નહીં- વેચાતી જોઉં, ત્યારે મને હંમેશાં નવાઇ અને ત્રાસ થાય છે. ભારતનો કયો જણ એવો હશે, જે નાસ્તામાં બ્રેડની સ્લાઇસ સાથે કટલેટ અને કેચ-અપ ખાતો હોય? ભારતીય નાગરિકોને ટ્રેનમાં આપી શકાય એવા ભજિયાં, ગોટા, સમોસાથી માંડીને ઇડલી-ઉપમા કે પરાઠા જેવી અનેક ચીજો મોજૂદ છે, જેનો સ્વાદ આમ અને ખાસ તમામ પ્રકારના લોકો માણી શકે છે.

ટ્રેનમાં વેચાતી વેજ કટલેટ ક્યારેક ભૂખના માર્યા કોઇ ખરીદે તો ત્યાર પછીની તેમની મૂંઝવણ જોવાલાયક હોય છે. બ્રેડની બે-ચાર સ્લાઇસ, કેચ-અપ અને કટલેટને કેવી રીતે મઝા પડે એમ ખાઇ શકાય, તેની મથામણ અઘરી હોય છે. સૌથી પહેલાં બ્રેડની સ્લાઇસ વચ્ચે કટલેટ મૂકીને તેની પર પાઉચમાંથી કેચ-અપ રેડીને તેને આરોગવાનો પ્રયાસ થાય છે. તેમાં ફાવે નહીં કે મઝા ન આવે એટલે બ્રેડ-કટલેટને અલગ પાડી દેવામાં આવે છે અને શુદ્ધ દેશી પદ્ધતિએ તેને ખાવાનો વારો આવે છે.

તો પછી ભારતીય ખાણીપીણીની પદ્ધતિ સાથે બિલકુલ મેળ ન ધરાવતી કટલેટ શા માટે હજુ ટ્રેનોમાં એકાધિકાર ભોગવે છે? ટેકનિકલ કારણ તો ખબર નથી, પણ ધારી શકાયઃ કટલેટ અસલમાં અંગ્રેજ સાહેબોની પસંદ હશે. તેમનું જોઇને ભારતીય સાહેબોએ તેને અપનાવી હશે અને 1947 પછી એને ટ્રેનના મેનુમાંથી દૂર કરવાનું કે તેની સાથે બીજી ભારતીય વાનગીઓ ઉમેરવાનું ભૂલી ગયા હશે. એટલે મંત્રીના તુક્કાથી પ્લેટફોર્મ પર ચા પીરસવામાં કપને બદલે કુલડી સુધી જઇ શકાય, પણ કટલેટનું એકચક્રી શાસન અડીખમ રહ્યું છે.

કટલેસને ટપોરી બોલીમાં 'કટ લે' કહેવાનો વખત ક્યારનો આવી ગયો નથી? કે એના માટે પણ કોઇ અન્ના હઝારેના ઉપવાસની રાહ જોવાય છે?

Sunday, May 01, 2011

અમેરિકાની રંગભેદવિરોધી ચળવળને ગાંધી-સત્યાગ્રહનો પાકો પરિચય કરાવનાર ગુજરાતી સર્જક કૃષ્ણલાલ શ્રીધરાણી

ગુજરાતી કવિ- નાટ્યકાર-વાર્તાકાર, અંગ્રેજી લેખક- પત્રકાર, નમક સત્યાગ્રહના સૈનિક, દક્ષિણામૂર્તિ-વિદ્યાપીઠ-શાંતિનિકેતનના વિદ્યાર્થી, કોલંબિયા યુનિવર્સિટીના પીએચ.ડી...કૃષ્ણલાલ શ્રીધરાણી(૧૯૧૧-૧૯૬૦)નું જન્મશતાબ્દિએ સ્મરણ

Krishnlal Shridharani


૪૯ વર્ષના આયુષ્યમાં કેટલી જિંદગી જીવાય?
આવો મોં-માથા વગરનો લાગતો સવાલ કૃષ્ણલાલ શ્રીધરાણીની કામગીરી-કારકિર્દી વિશે જાણ્યા પછી અર્થસભર લાગી શકે છે.

શ્રીધરાણીનું નામ ગુજરાતી ભણેલા વિદ્યાર્થીઓએ એકાદ વાર (કે એકમાત્ર વાર) ક્યાંક સાંભળેલું લાગવાની શક્યતા ખરી. યાદશક્તિ પર થોડું જોર કરતાં દાંડીકૂચ વિશેની તેમની કવિતા અને ગાંધીજી માટે તેમણે કરેલો શબ્દપ્રયોગ ‘જુવાન ડોસલો’ યાદ આવી શકે. બહુ જોર કરીએ તો કદાચ સાવ બાળપણમાં આવતી કવિતા ‘પીલુડી’ સાંભરી આવેઃ ભાઇ! પેલી પીલુડી/ ઘેરી ઘેરી લીલુડી/ આભલડામાં ચાંદરડાં/પીલુડીમાં પીલુડાં...

પણ શ્રીધરાણીને ફક્ત ગુજરાતી કવિ-નાટ્યકાર તરીકે ખપાવી દેવાનું કેટલું અઘૂરું-અન્યાયી છે, તેનો ખ્યાલ મેળવવા એમના બહુઆયામી જીવનની ઉપરછલ્લી વિગતો પણ પૂરતી થઇ પડે. જેમ કે, મોસાળ ઉમરાળા (ભાવનગર સ્ટેટ)માં સપ્ટેમ્બર ૧૬, ૧૯૧૧ના રોજ જન્મેલા કૃષ્ણલાલની પહેલી કવિતા પ્રતિષ્ઠિત માસિક ‘કુમાર’ના જૂન, ૧૯૨૭ના અંકમાં - અલબત્ત, બાળવિભાગમાં અને નામ વગર- છપાઇ હતી. ‘દક્ષિણામૂર્તિ’માં અભ્યાસ પૂરો કર્યા પછી ૧૯૨૯માં તે ‘ગુજરાત વિદ્યાપીઠ’માં જોડાયા. કાકા કાલેલકરના કૃપાપાત્ર શિષ્ય બન્યા. ત્યાં સુધીમાં પોતાની ઉંમર કરતાં ઘણી વધારે પાકટ સમજણ-અભિવ્યક્તિ માટે શ્રીધરાણી અને તેમની કવિતા વખણાવા લાગ્યાં હતાં. દાંડીકૂચની સફળતા પછી મધરાતે ગાંધીજીની ધરપકડ થઇ, એ પ્રસંગના શ્રીધરાણી સાક્ષી હતા. તેમણે કરેલું ગાંધીજીની ધરપકડનું આલેખન આગળ જતાં ‘દાંડીકૂચ’ વિશેના પુસ્તકમાં લેવાયું. શ્રીધરાણીએ અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં પોતાની પીએચ.ડી.ની થીસીસમાં પણ તેનો થોડો અંશ ઉપયોગમાં લીધો.

મીઠાના સત્યાગ્રહમાં ગાંધીજીની મુખ્ય ટુકડી પછીની બીજી ટુકડીના સત્યાગ્રહી તરીકે શ્રીધરાણીની ધરપકડ થઇ. જલાલપુરના મેજિસ્ટ્રેટ સમક્ષ તેમને હાજર કરાયા, ત્યારે મીઠાનો કાયદો તોડવાનો ‘ગુનો’ કબૂલ કરીને મહત્તમ સજાની વિનંતી સાથે શ્રીધરાણીએ કહ્યું હતું, ‘તમે સજા નહીં કરો તો અમે ફરી આ જ ગુનો કરીને પકડાઇને પાછા આવીશું.’ પરિણામ? ત્રણ માસની જેલની સજા. પહેલાં અમદાવાદની સાબરમતી જેલમાં અને પછી નાશિકની જેલમાં. ત્યાં સર્જક સળવળી ઉઠ્યો. જેલજીવનની અનુભૂતિ અને બીજા કેદીઓની જાણવા મળી એટલી કથાઓનો આધાર લઇને તેમણે એક નાટક ‘વડલો’ અને એક લાંબી વાર્તા ‘ઇન્સાન મીટા દૂંગા’ લખ્યાં. ‘ઇન્સાન મીટા દૂંગા’ના પ્રવેશકમાં દક્ષિણામૂર્તિના નિયામક નાનાભાઇ (નૃસિંહપ્રસાદ) ભટ્ટે લખ્યું હતું,‘(આ કથા) આપણા સમાજતંત્રના હાડમાં પેસી ગયેલાં ડર અને સજાની સામે મૂંગી પણ સજ્જડ જેહાદ છે.’

સ્વદેશપ્રેમ અને સ્વાધીનતાની ઝંખનાનો રંગ શ્રીધરાણીની કૃતિઓમાં નવો ન હતો. અમેરિકા જઇને લખેલા પુસ્તક ‘માય ઇન્ડિયા, માય અમેરિકા’ (૧૯૪૧)માં તેમણે નોંઘ્યું છે કે ‘કુમાર’ના ૧૦૦મા અંક માટે મેં ‘ઝબકજ્યોત’ નામનું એકાંકી નાટક મોકલ્યું હતું. એ નિતાંત સાહિત્યિક કૃતિ હતી, પણ સરકારે મારા નાટકને કારણે આખા અંત પર પ્રતિબંધ મૂકી દીધો, તેની તમામ નકલો જપ્ત કરી લીધી અને પ્રકાશકો પાસેથી ભવિષ્યમાં આવું રાજકીય લખાણ નહીં છપાય એવી બાહેંધરી સાથે જામીનગીરી પેટે રૂ.બે હજારની રકમ લીધી.’

હમણાં જ જેનો એક હજારમો અંક પ્રકાશિત થયો એ ‘કુમાર’ના તત્કાલીન તંત્રી રવિશંકર રાવળે શું કર્યું? લેખકને ઠપકો આપ્યો? તેમની કૃતિઓ છાપવાનું બંધ કર્યું? શ્રીધરાણીએ લખ્યું છે, ‘એમણે મને જાણ સુદ્ધાં ન કરી અને મારી કવિતાઓ રાબેતા મુજબ ‘કુમાર’માં પ્રકાશિત થતી રહી. મને તો બહુ પાછળથી આ વાતની ખબર પડી.’

વિદ્યાપીઠ પછી રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં પ્રવેશ મેળવીને શ્રીધરાણીએ જાણે રાષ્ટ્રિય શાળાઓનું આખું વર્તુળ પૂરું કર્યું : વકીલ પિતાના પુત્ર તરીકે કૃષ્ણલાલને ‘બેરિસ્ટર’ બનાવવાનો અને એ માટે બ્રિટિશ કેળવણીની સ્કૂલમાં મૂકવાનો નિર્ણય સ્વાભાવિક હોત. પણ રાષ્ટ્રિય ભાવનાથી પ્રેરાયેલાં કૃષ્ણલાલનાં માતાએ તેમને દક્ષિણામૂર્તિ મોકલ્યા હતા. સાવ નાની વયે જૂનાગઢ મામાને ત્યાં રહેતા કૃષ્ણલાલ પ્રાકૃતિક વાતાવરણનો બાળસહજ આનંદ માણવામાં એવા મસ્ત રહેતા કે નિશાળમાં ચિત્ત ચોંટતું ન હતું. પરીક્ષા વખતે ગણિતનું પેપર તેમણે સાવ કોરું મૂકી દીઘું હતું- સ્વચ્છતાના ૧૦ માર્ક આપવાની વિનંતી સાથે! કંઇક આ જ પ્રકારની હળવાશથી તેમણે ‘માય ઇન્ડિયા, માય અમેરિકા’ પુસ્તકમાં અંગ્રેજી કેળવણી અંગે ભારતીયોના મોહ વિશે લખ્યું હતું. લંડન ગયા પછી આઇ.સી.એસ.માં નાપાસ થતા ભારતીયો મજબૂરીથી બેરિસ્ટર બને છે એમ જણાવીને તેમણે ટીપ્પણી કરી હતીઃ ‘ભારતમાં એમ્બ્યુલન્સ કરતાં બેરિસ્ટરોની સંખ્યા વધારે છે.’

શાંતિનિકેતનમાં દેશવિદેશના વિદ્વાનો અને ખાસ કરીને બે અમેરિકન અઘ્યાપકોના સંપર્કથી તેમના મનમાં અમેરિકા ભણવા જવાનો વિચાર દૃઢ થયો. અંગ્રેજોના દેશમાં ભણવા ન જવાય એવો ખ્યાલ અને અંગ્રેજી શિક્ષણપદ્ધતિની મર્યાદા પણ આ નિર્ણય માટે જવાબદાર હતાં. રવીન્દ્રનાથ ટાગોરે અંગ્રેજીમાં ડિસ્ટિંક્ડિશન સાથે પાસ થયેલા આ વિદ્યાર્થીને ફક્ત પ્રોત્સાહન જ નહીં, ભલામણ ચિઠ્ઠી પણ આપી, જે તેમણે ભાવનગરના દીવાન પ્રભાશંકર પટ્ટણી પર લખી હતી.

Krishnlal Shridharani (right) with Tagore (courtesy: Shraddha Shridharani)

પોતાની આવડત અને ટાગોર જેવાની ભલામણને લીધે ભાવનગર રાજ્ય તરફથી તેમને સ્કોરલશિપ મળતાં ૧૯૩૪માં તે અમેરિકા ઉપડ્યા. ગુજરાતમાં તેમને કવિ તરીકે વ્યાપક પ્રતિષ્ઠા અપાવનાર સંગ્રહ ‘કોડિયાં’ તેમના જતાં પહેલાં પ્રકાશિત થઇ ચૂક્યો હતો. પરંતુ અમેરિકામાં સાવ જુદી જ દુનિયા શ્રીધરાણી રાહ જોતી હતી. હા, રાહ જોતી હતી. કારણ કે એ વખતે અમેરિકામાં માંડ ત્રીસેક ભારતીય વિદ્યાર્થીઓ જુદી જુદી યુનિવર્સિટીમાં ભણતા હતા. તેમાં શ્રીધરાણી જેવી સાહિત્યિક સંવેદનશીલતા અને અભિવ્યક્તિ, બન્ને સંસ્કૃતિઓનાં સારાં પાસાં જોઇ શકવાની ખુલ્લાશ તથા ભારત વિશે અંગ્રેજોએ ફેલાવેલી ગેરમાન્યતાઓ દૂર કરી શકવા જેટલી બૌદ્ધિક સજ્જતા શ્રીધરાણી જેવા કોઇકમાં જ હોય.

અમેરિકામાં શ્રીધરાણી ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રના મુખ્ય વિષય સાથે એમ.એ. અને કોલંિબિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ જર્નાલિઝમમાંથી એમ.એસ. થયા. ત્યાર પછી કોલંબિયા યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગમાં પીએચ.ડી.ની શરૂઆત કરી. અમેરિકામાં ત્યારે રંગભેદવિરોધી ચળવળનો બાંધો ઘડાઇ રહ્યો હતો. એક તરફ પેસિફિસ્ટ તરીકે ઓળખાતા શાંતિપ્રેમીઓ અને બીજી તરફ ડબલ્યુ.ઇ.બી.દુબોઇસ જેવા વિદ્વાનો પોતપોતાની રીતે ગાંધીજીની અહંિસક ચળવળને સમજવાનો અને રંગભેદવિરોધી લડત માટે અપનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. શાંતિને જ સાઘ્ય ગણતા પેસિફિસ્ટ વિચારધારાના લોકોને ગાંધીજીમાં આઘ્યાત્મિક રીતે અને દુબોઇસ જેવાને સત્યાગ્રહની રાજકીય વ્યૂહરચનામાં રસ પડતો હતો. એ સમયગાળામાં કૃષ્ણલાલ શ્રીધરાણીનું પુસ્તક ‘વોર વિધાઉટ વાયોલન્સ’ (૧૯૩૯) ખરા અર્થમાં પ્રકાશિત થયું.

અસલમાં શ્રીધરાણીએ પીએચ.ડી.ના મહાનિબંધના એક હિસ્સા તરીકે એ લખાણ તૈયાર કર્યું હતું. પણ અમેેરિકા અને બ્રિટન એમ બે દેશોના વ્યાવસાયિક પ્રકાશકોએ તેને ઉલટભેર પ્રકાશિત કર્યું. તેમાં ગાંધીજીના સત્યાગ્રહનાં અનેક પાસાંની ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં તેમ જ રાજકીય શસ્ત્ર તરીકે છણાવટ કરવામાં આવી હતી. સત્યાગ્રહ માટે શ્રીધરાણીએ વાપરેલો અંગ્રેજી શબ્દ હતોઃ નોન-વાયોલન્ટ ડાયરેક્ટ એક્શન. તેમાં આવતો ‘ડાયરેક્ટ એક્શન’નો ભાવ શાંતિને સર્વસ્વ માનતા શાંતિવાદીઓને સંઘર્ષનો અહિંસક ગાંધીમાર્ગ ચીંધતો હતો, જે રંગભેદવિરોધી લડતમાં પણ ઉપયોગી બને તેમ હતો. પરિણામે, શ્રીધરાણીનું આ પુસ્તક, એક અભ્યાસીના નોંઘ્યા પ્રમાણે, રંગભેદ સામે ચળવળ ચલાવતી અને ટૂંકમાં ‘કોર’ તરીકે ઓળખાતી સંસ્થા ‘કોંગ્રેસ ફોર રેશિઅલ ઇક્વાલિટી’નું ‘સેમીઓફિશ્યલ બાઇબલ’/ બિનસત્તાવાર ધર્મપુસ્તક બની ગયું.

‘વોર વિધાઉટ વાયોલન્સ’નો સંદેશ પ્રસરે તે પહેલાં બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં, એ પુસ્તક ભૂલાવા લાગ્યું. બાર વર્ષ પછી ભારત પાછા આવેલા શ્રીધરાણીએ મૃત્યુ પહેલાં ‘વોર વિધાઉટ વાયોલન્સ’ની મૂળ આવૃત્તિમાં વઘુ સામગ્રી ઉમેરીને, તેની નવી આવૃત્તિ તૈયાર કરી. પરંતુ ડો.રાધાકૃષ્ણન્‌ના આવકાર સાથે તે ભારતીય વિદ્યાભવન દ્વારા ફરી (૧૯૬૨)માં પ્રકાશિત થાય, તે પહેલાં હૃદયરોગના હુમલાથી ૨૩ જુલાઇ, ૧૯૬૦ના રોજ દિલ્હીમાં ૪૯ વર્ષની વયે કૃષ્ણલાલ શ્રીધરાણીનું અવસાન થયું.