Saturday, May 29, 2021
વૅક્સિન મૈત્રી : ૮૪ ટકા જૂઠાણું, ૧૬ ટકા સચ્ચાઈ
એપ્રિલ-મે, ૨૦૨૧માં કરપીણ રીતે નિષ્ફળ પુરવાર થયેલી સરકારનાં તેવર થોડા વખત પહેલાં સુધી સાવ જુદાં હતાં. નવા શબ્દપ્રયોગો અને સ્લોગનમાં માહેર સરકાર તરફથી મુકાયેલો નવો ઘુઘરો હતોઃ 'વૅક્સિન મૈત્રી.' કેટલાકને વાસ્તવિકતા કરતાં સ્લોગનબાજી વધારે અનુકૂળ આવે છે. કરૂણ વાસ્તવિકતા ભૂલાવીને 'દવાઈ ભી, કડાઈ ભી' કેવું મહાન સૂત્ર છે તેની વાત કરતાં તે ઓળઘોળ થઈ શકે છે. વેક્સિન મૈત્રીનો મામલો પણ કંઈક એવો જ થયો.
કોવિશિલ્ડ અને કોવેક્સિન--એ બંને વિશે કેટલીક પાયાની વિગતો આપતી એક પોસ્ટ જાન્યુઆરીમાં મુકી હતી. તેમાંથી સ્પષ્ટ થતું હતું કે સિરમ ઇન્સ્ટિટ્યૂટને ભારત સરકારે કશી મદદ કરી નથી. પણ રસીકરણને લગતી વૈશ્વિક કામગીરી કરતી સંસ્થા 'GAVI'એ તેને ૩૦ કરોડ ડૉલર ફાળવ્યા છે. માટે, સ્વાભાવિક રીતે જ સિરમ ઇન્સ્ટિટ્યૂટની પણ કોઈ વળતી જવાબદારી હશે.
પરંતુ જોતજોતાંમાં 'વેક્સિન મૈત્રી'ની ડુગડુગી વાગવાની ચાલુ થઈ. સરકાર તરફથી એવા દાવા થવા લાગ્યા કે વેક્સિન મૈત્રી કાર્યક્રમ અંતર્ગત ૮૫ દેશોમાં રસીના ૬.૪૫ કરોડ ડોઝ મોકલવામાં આવ્યા છે. (તેના એક નમૂના તરીકે એપ્રિલ ૯, ૨૦૨૧ના રોજ પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરોએ જારી કરેલી આ પ્રેસનોટ) 'વિશ્વગુરુ' તરીકે ભારતનો જયજયકાર કરવાનો અને દુનિયાની મદદે આવેલા ભારતની છાપ ઊભી કરવાનો કાર્યક્રમ જોરશોરથી ચાલ્યો.
ત્યાર પછી ભારતમાં કોરોનાનો ક્રૂર સપાટો ચાલ્યો. કદી ન જોઈ હોય એવી કરુણ પરિસ્થિતિ..દવા-ઇન્જેક્શન-ઑક્સિજનથી માંડીને અનેક બાબતોમાં અભૂતપૂર્વ અરાજકતા સર્જાઈ. આટલી નિષ્ફળતા ઓછી હોય તેમ, અલગ પ્રકારના મિસમૅનેજમૅન્ટના પરિણામે રસીનો પુરવઠો ખૂટી પડ્યો અને રસીકરણ કાર્યક્રમ ધીમો પાડવાનો વારો આવ્યો.
ઘરઆંગણે રસી ખૂટી ગઈ એટલે સ્વાભાવિક રીતે જ, પૂરતી ગણતરી વિના પરદેશમાં રસી મોકલવા બદલ સરકારની આકરી ટીકા થઈ. કેમ કે, સરકારે પોતે જ 'વેક્સિન મૈત્રી'ના વાવટા ખોડ્યા હતા અને 'વેક્સિન મૈત્રી' અંતર્ગત '૮૫ દેશોમાં રસીના ૬.૪૫ કરોડ ડોઝ'ના દાવા કર્યા હતા.
પગ તળે રેલો આવ્યો, એટલે સરકારે વેક્સિન-મૈત્રીના વાવટા ધીમે રહીને સંકેલ્યા. સરકાર તરફથી (પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો તરફથી) આ સ્પષ્ટતા ક્યારે થઈ, એ તો ખ્યાલ નથી. પણ ભાજપના પ્રવક્તાએ પંદરેક દિવસ પહેલાં (મે ૧૨, ૨૦૨૧ના રોજ) કહ્યું કે ભારતે પરદેશ મોકલેલા ૬.૬૩ કરોડથી પણ વધુ ડોઝમાંથી ૮૪ ટકા હિસ્સો તો કંપનીઓની વ્યાવસાયિક અને લાઇસન્સિંગને લગતી જવાબદારીઓનો હિસ્સો હતો. (લિન્ક)
ઉપરના વિધાનનો સ્પષ્ટ અર્થ એટલો થાય કે-
૧. સરકારની વેક્સિન મૈત્રીની વાતોમાં ૮૪ ટકા જૂઠાણું અને ૧૬ ટકા સચ્ચાઈ હતાં.
૨. વેક્સિન મેત્રીના રૂપાળા નામ હેઠળ ગણાવાતા રસીના કુલ જથ્થામાંથી ૮૪ ટકા હિસ્સો મોકલવામાં ભારત સરકારનો કોઈ હિસ્સો ન હતો. એ ભારત સરકારનો નિર્ણય પણ ન હતો. એ તો કંપનીઓની વ્યાવસાયિક અને લાઇસન્સિંગને લગતી જવાબદારી (commercial and licensing liabilities) હતી.
એટલે જ, આ સરકાર કંઈ પણ કહે--અને લેખિતમાં કહે--તો પણ તેની પર વિશ્વાસ નહીં, શંકા જ પડે છે અને દેશના કમનસીબે ઘણુંખરું એ શંકા સાચી જ પડે છે.Tuesday, May 25, 2021
મિટિંગ-ગંગા, ઇમેજ-ચંગા
એક મિટિંગ ભરાઈ છે. તેમાં મહત્ત્વના મુ્દ્દા અંગે ચર્ચા ચાલે છે.
અફસર: આ પેલું શબવાહિનીનું શું કરીશું?
કર્મચારી ૧: હવે તો મરણાંક ઓછો થયો છે. એટલે કહેવામાં વાંધો નથી કે હવે તો શબવાહિનીની ખરેખર અછત નથી.
કર્મચારી ૨: પણ કહેતી વખતે જરા ધ્યાન રાખવું પડે. ‘હવે’ અને ‘ખરેખર’ જેવા શબ્દો કહીશું તો લોકો તૂટી પડશે કે પહેલાં ખરેખર શબવાહિનીની અછત હતી.
અફસર: તમને શું લાગે છે? આપણે શબવાહિની જેવા વિષય પર આટલો સમય બગાડવા ભેગાં થયાં છીએ? હું તો પેલી શબવાહિની ગંગાની વાત કરતો હતો.
કર્મચારી ૩: અરે હા, એ કવિતાએ તો જબરો ઉપાડો લીધો ને કાંઈ. મને તો એમ કે ગુજરાતમાં ગળપણવાળી કવિતા જ ખપે.
કર્મચારી ૧: આપણે એ લાઇનના ઘણા લોકો જોડે દોસ્તી છે. આપણે એમને ક્લબમાં બોલાવીએ ને એટલે. તેમાંથી એક જણે મને જવાબ આપવાને બદલે સામું પૂછ્યું કે પેલું ‘કોલાવરી કોલાવરી ડી’ ગાયન કેમ ચાલ્યું હતું?
કર્મચારી ૩: (માથું ખંજવાળીને) કેમ ચાલ્યું હતું?
કર્મચારી ૧: એમને પણ ખબર ન હતી. એટલે કહે, એવું જ છે. અમુક વસ્તુ કેમ ચાલે છે, એની ચૂંથમાં નહીં પડવાનું . એ ચાલતી હોય ત્યારે એની અડફેટે આવી ન જવાય એટલું જ ધ્યાન રાખવાનું.
અફસર: લોકલાગણી?
કર્મચારી ૧: ના. ધંધાનું ધ્યાન.
અફસર: પણ ઘણાએ તો એનો બહુ વિરોધ કર્યો.
કર્મચારી ૨: કેમ સાહેબ? ધંધાનું ધ્યાન એક જ રીતે રખાય?
કર્મચારી ૩: પણ મારા હિસાબે, કવિતાની તરફેણ કરનારા બધા ચોખ્ખા ન હોય ને વિરોધ કરનારા બધા વેચાયેલા પણ ન હોય. ખરું કે નહીં?
કર્મચારી ૧: ચોક્કસ વળી. ઘણા માટે આ ધંધાનો નહીં, ધાર્મિક લાગણીનો મુદ્દો બની ગયો.
અફસર: ગંગાને શબવાહિની કહી એટલે?
કર્મચારી ૧: ના ભઈ ના. એવું હોત તો ગંગામાં વહેતા મૃતદેહોથી જ તેમની લાગણી ન દુભાઈ ગઈ હોત? પણ સાહેબધર્મીઓ માટે તો ધાર્મિક લાગણી એટલે સાહેબની ટીકા.
કર્મચારી ૩: પણ એક વિદ્વાને તો મને એવું સમજાવ્યું કે ગંગામાં મૃતદેહો વહેતા મુકવા એ તો આપણી પરંપરા છે. એ તો સનાતન ધર્મ ને આપદ્ ધર્મ ને યુગ ધર્મ ને એવું બધું ભારેભારે કહેતા હતા ને કંઈક નામો પણ ગબડાવતા હતા.
કર્મચારી ૧: પછી?
કર્મચારી ૩: હું તો તેમના પગે પડી ગયો. મેં કહ્યું કે મહારાજ, તમારા શાસ્ત્રજ્ઞાન આગળ મારી શી વિસાત? તમે કહેતા હો તો તમારા માટેની આવી વ્યવસ્થાની જવાબદારી હું ઉપાડી લઉં. હું તો ઇચ્છું કે તમે સવા સો વરસ જીવો ને પછી વિદાય લો. ત્યારે હું તો ન હોઉં. એ વખતે તમને આવી શાસ્ત્રોક્ત ગતિ પ્રાપ્ત થાય એની જવાબદારી મારા વારસોને ચીંધતો જાઉં.
અફસર: શું વાત કરો છો.
કર્મચારી ૩: ભઈ, આપણે આનાથી વધારે શું કરી શકીએ?
કર્મચારી ૧: તેમણે શું કહ્યું?
કર્મચારી ૩: મને એમ કે મારી વાત સાંભળીને તે રાજી થશે. પણ એ તો નારાજ થઈ ગયા અને ધુંધવાતા રામ..રામ..બોલતા ચાલ્યા ગયા. એમના ગયા પછી મને કોઈકે સમજાવ્યું કે કે એ રામ..રામ.. નહીં, નથુરામ..નથુરામ...બોલતા હતા. ફરી ધ્યાન રાખજો.
કર્મચારી ૨: વાહ, શી એમની ધાર્મિકતા ને શી એમની શાસ્ત્રસમજ.
અફસર: પણ આપણી ચર્ચા તો ઊભી જ છે. એ કવિતાનું કરવાનું શું?
કર્મચારી ૩: સૉરી સાહેબ, પણ મારે પહેલાં તો એક ચોખવટ પૂછવી છેઃ કવિતા એ રાજ્યનો વિષય ગણાય કે કેન્દ્રનો?
કર્મચારી ૧: એવી કોઈ માર્ગદર્શિકા નથી. વત્તા કવિતા ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ એક્ટમાં આવે કે નહીં, એ પણ સ્પષ્ટ થતું નથી.
અફસર: કવિતા નબળી હોય તો ડિઝાસ્ટર એક્ટમાં ન આવે. પણ કવિતા સબળી હોય ને સરકાર માટે ડિઝાસ્ટર જેવી પુરવાર થાય તો કદાચ આપણે તેને એક્ટમાં આવરી શકીએ.
કર્મચારી ૨: અને આપણી તરફેણમાં બોલનારા આટલા બધા લોકોની સેવાઓનું શું?
અફસર: સેવાઓ? (મોટેથી હસે છે) તમે આટલા બધા ભોળા રહેશો તો કેમ ચાલશે?... પણ મૂળ સવાલ એ છે કે આ કવિતાનું શું કરવું?
કર્મચારી ૧: સાહેબ, આ તો જંગલમાં સિંહ સામે મળે તો શું કરવું, એના જેવો સવાલ છે. જે કરવાનું હતું એ તો કવિતાએ કરી જ લીધું છે.
અફસર: તમને શું લાગે છે? લોકો ખરેખર આટલા દુઃખી હશે? કે આ દેશને બદનામ કરવાનું કાવતરું છે?
કર્મચારી ૧: સાહેબ, મને તો બિલ્લા-રંગાને બદનામ કરવાનું કાવતરું લાગે છે.
અફસર: શીઇઇઇઇઇશ...એ બે નામ તો આપણે ચર્ચામાં લાવવાનાં જ નથી. મારા સવાલનો જવાબ વિચારવાનો છે.
કર્મચારી ૧: સાહેબ, મેં આ લાઇનના કેટલાક લોકો જોડે વાત કરી. એમને તો લાગે છે કે લોકો જરાય દુઃખી નથી અને હોય તો પણ એમાં આપણી કશી જવાબદારી નથી. જે થયું એના માટે લોકો જ જવાબદાર છે. એટલે મને તો લાગે છે કે કવિતા લખનારને છોડો, લોકો સામે જ રાજદ્રોહની કાર્યવાહી અંગે વિચારવું જોઈએ—અને શક્ય હોય તો શબવાહિની બની ગયેલી ગંગામાં તરતા મૃતદેહોને પણ તેમાં સામેલ કરવા અંગે વિચારવું જોઈએ. આખરે તો આપણી એટલે કે દેશની ઇમેજનો સવાલ છે, સાહેબ.
Monday, May 17, 2021
મોટિવેશનની મહામારી
વર્તમાન મહામારીમાં સૌથી મોટી, ગંભીર અને અક્ષમ્ય જવાબદારી સરકારની જ છે.
પરંતુ અફસોસ અને ગુજરાતી તરીકેની શરમ સાથે જણાવવાનું કે--
નપાવટ, ચાપલૂસ, ખોળે બેઠેલા કે ખોળે બેસવા ઉત્સુક, આત્મકેન્દ્રી, વક્તા તરીકેનો ધંધો ધમધમતો રાખવા માટે સત્તાનો વિરોધ કરવાની પ્રામાણિકતા ગુમાવી કે વેચી બેઠેલા મોટિવેશનલિયાઓ આપણું જ પાપ છે.
પ્રજા તરીકે આપણે જ તેમને માથે ચડાવ્યા છે. તેમની ૯૯ અપ્રામાણિકતાઓ નજરઅંદાજ કરીને, 'ગમે તે કહો, પણ એમનો પેલો લેખ બાકી ટૉપ હતો'--એવાં ઓવારણાં લીધાં છે. તેમના એક સારા લેખના બદલામાં સો હલકાઈઓ હોંશે હોંશે માફ કરતા રહ્યા છીએ.
તે વણઝારાના ખોળે બેસે કે નરેન્દ્ર મોદીના-- એ તો તેમનાં લખ્ખણ બતાવતાં જ રહ્યાં છે. આપણે, ગુજરાતીઓ, દોડી દોડીને તેમની પાસે મૂરખ બનવા ધસી જઈએ છીએ અને મૂરખ બન્યા પછી સંસ્કારિતાનો-ધન્યતાનો અનુભવ કરીને રાજી થઈએ છીએ.
પ્રજામાં કેટલાક તો વળી એવા હોય છે, જે મોઢે ટીકા કરતા જાય અને અંદરથી આવા નમૂનાઓને સેલિબ્રિટી ગણીને પ્રભાવિત થતા જાય. તો કેટલાક બંને બાજુ 'વાહ, વાહ' કરીને સંબંધો સાચવી આવે. આવા પ્રજાકીય પ્રતિભાવથી નવા લખનારા પણ લોકોને મૂરખ બનવાના જ રવાડે ચડ્યા છે.
આવું લખનારી પ્રજાતિની ટીકા કરવામાં આવે ત્યારે તેમનો કાયમી આરોપ: 'લોકોને અમારી લોકપ્રિયતાની ઇર્ષ્યા આવે છે.' ના બાબા કે બેબી, એવું ન હોય. તમારા રસ્તે મળતી, તમને મળી છે એવી લોકપ્રિયતાની ઠેકાણાસરના કોઈ માણસને ઇર્ષ્યા ન આવે. (તમને અંદરોઅંદર એકબીજાની ઇર્ષ્યા આવે એ જુદી વાત થઈ) એવી લોકપ્રિયતા વિશે અરેરાટી કે અનુકંપા જ થાય. ખેદ ઉપજે છે આપણી પ્રજા માટે, જે ખોળને ગોળ ગણીને ધન્યતામાં જીવન કાઢી નાખે છે.
આવા લેખકો અને આવી પ્રજાની જુગલબંદીને કારણે, આજની કારમી ઘડીમાં પ્રેરણાનાં આ બારમાસી ખાબોચિયાં લોકોનાં દુઃખદર્દથી નથી છલકતાં, સરકારની ટીકા માટેનાં આંસુથી છલકે છે.
મોટિવેશનલિયાઓમાંથી કેટલાંક સાવ સામે છે ને કેટલાક બંને બાજુ હાજરી પુરાવીને ધંધો સાચવી લે છે. બોલવાનો સ્વભાવ ન હોય તો મૌન નથી રહેતા. પણ કૂદી કૂદીને સરકારના બચાવમાં ઉતરી પડે છે તે લોકો આજે પીડીત લોકોની સાથે નથી. હોય પણ ક્યાંથી? એવી અપેક્ષા રાખનારાનો જ વાંક છે.
મહામારીમાં કોની કેટલી જવાબદારી, એ વિશેની લિન્ક તો છેક છેલ્લે આપી છે, પણ તળિયા વગરના, લોકવિરોધી, ચાપલૂસ મોટિવેશનલિયાઓની મહામારી માટે પ્રજા તરીકે આપણી જવાબદારી સૌથી મોટી છે.
તમારા અણગમતા એક-બે લખનારાને ગાળ દઈને સંતોષ માની લેવાને બદલે આવી આખી પ્રજાતિ માટે વિચારી જોજો. તેમના ઉપદ્રવમાં આપણી ભૂમિકા કેટલી મોટી છે, એ પણ વિચારજો અને જાતે વિચારી જોજો.
જાતે વિચારવાનું શરૂ નહીં કરો તો આ મોટિવેશનલિયાઓની મહામારી હજુ વકરશે. વકર્યા જ કરશે.
Friday, May 14, 2021
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા: પારૂલ ખખ્ખરની કવિતા નિમિત્તે
ફેસબુક પર પારૂલબહેન ખખ્ખરની કવિતા મુકાયા પછી ઘણી શૅર થઈ, શરૂઆતમાં ઘણી વખણાઈ અને પછી ટ્રોલિંગ પણ શરૂ થયું. સમર્થનમાં અને વિરોધમાં પ્રતિકાવ્યો લખાયાં. સવારે એ કવિતા મુકાયા પછી, મેં તે કવિતા અને ઇલિયાસ શેખે કરેલો તેનો હિંદી અનુવાદ શૅર તો કર્યાં. ઉપરાંત, ફેસબુક પર એ મુદ્દે જે કંઈ લખ્યું તે રેકોર્ડ પૂરતું અહીં મુકું છું.
***
મે ૧૧, ૨૦૨૧ (બપોરે)
અમુક પ્રકારની પ્રજા એટલી 'સંસ્કારી' હોય છે કે તેમને કશુંક પદ્યમાં લખાઈને આવે તો જ અડે.
તો લો, તમારા માટે Parul Khakhar ની આ કવિતા.
આભાર પારૂલબહેન, આ લખવા બદલ.
*
બીજી વાતઃ અત્યારે સાચી પરિસ્થિતિનું બયાન કરનારાની હિંમતને બિરદાવીને છટકી જશો નહીં. પારૂલબહેન કે બીજા કોઈ લોકો આગળ બહાદુરીના સીન નાખવા માટે ન લખતાં હોય. (બતાવવાની બહાદુરી માટે લખતી પ્રજા જુદી હોય છે. એ તો અત્યારે કેમ કરીને બધા છેડા સાચવવા, એમાં વ્યસ્ત હોય.)
તેમણે આપણા સમાજમાં વ્યાપેલી ભયંકર વ્યથાનું પ્રતિબિંબ પાડ્યું છે અને તેમાં સરકારની સીધી જવાબદારી-આવામાં પણ હેડલાઇનો મૅનેેજ કરવાની સરકારની વૃત્તિ સામે આયનો બતાવ્યો છે. આ તેમની પ્રતિબદ્ધતા છે.
તેમની પ્રતિબદ્ધતાને સલામ કરીને નીકળી જવાને બદલે, આ સમજ ઉગે-વધે-વિસ્તરે એ માટેના પ્રયત્નોમાં આપણાથી બનતું કરી છૂટીએ.
પારૂલબહેને સર્જકધર્મ અદા કર્યો. આપણે નાગરિકધર્મ અદા કરીએ.
ફરી એક વાર પારૂલબહેનને ધન્યવાદ સાથે તેમની કવિતા.
*
એક અવાજે મડદા બોલ્યાં 'સબ કુછ ચંગા-ચંગા'
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
રાજ, તમારા મસાણ ખૂટયા, ખૂટયા લક્કડભારા,
રાજ, અમારા ડાઘૂ ખૂટયા, ખૂટયા રોવણહારા,
ઘરેઘરે જઈ જમડાંટોળી કરતી નાચ કઢંગા
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
રાજ, તમારી ધગધગ ધૂણતી ચીમની પોરો માંગે,
રાજ, અમારી ચૂડલી ફૂટે, ધડધડ છાતી ભાંગે
બળતું જોઈ ફીડલ વગાડે 'વાહ રે બિલ્લા-રંગા'!
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
રાજ, તમારા દિવ્ય વસ્ત્ર ને દિવ્ય તમારી જ્યોતિ
રાજ, તમોને અસલી રૂપે આખી નગરી જોતી
હોય મરદ તે આવી બોલો 'રાજા મેરા નંગા'
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
-પારુલ ખખ્ખર
***
મે ૧૧, ૨૦૨૧ (રાત્રે)
આજે બપોરે Parul Khakharની કવિતા અને પછી તેનો Iliyas Shaikhએ કરેલો હિંદી અનુવાદ વાંચીને બહુ સારું લાગ્યું. વાસ્તવિકતાને ઉજાગર કરતા અવાજોમાં એક કવયિત્રીનો અવાજ પણ ઉમેરાયો તેનો આનંદ થયો. મૂળ કવિતા અને અનુવાદ ફેસબુક અને ટિ્વટર પર ભાવથી શૅર પણ કર્યાં.
- સાથોસાથ, એવું પણ થયું કે જેમને અત્યાર સુધી આટઆટલા અહેવાલો, કરુણ પ્રસંગો, સરકારનું ગુનાઈત મિસમૅનેજમૅન્ટ, લોકોની વ્યથાવેદના--એ કશું અડ્યું ન હોય અને ફક્ત એક કવિતાથી જ વેદનાનો સણકો આવ્યો હોય, તેમણે પોતાનું સંવેદનતંત્ર વેળાસર ચૅક કરાવી લેવું જોઈએ. તેના વાયરિંગમાં નક્કી ગરબડ હોવી જોઈએ.
- લોકોની વેદનાને વાચા આપનાર-તે માટે સરકારની કે સ્થાપિત હિતોની ટીકા કરનારને મૂક કે બોલકો સાથ આપવો જ જોઈએ. પરંતુ 'તેજાબી કલમ'થી માંડીને એવાં બીજાં નિરર્થક વિશેષણો વાપરવાથી બચવું જોઈએ. એમ કરવાથી ઘણાં નુકસાન થઈ શકે છે.
- ગુજરાતી લેખનમાં તેજાબી કલમના નામે બહુ ધુપ્પલ ચાલ્યાં છે. લખનારનું કામ સહેતુક તેજાબી લખાણની નાટકીયા પટાબાજી ખેલીને ઉત્તેજનાપૂર્ણ મનોરંજન પૂરું પાડવાનું નથી. તેનાથી વાંચનારને કામચલાઉ કીક મળી શકે--વિચાર નહીં. ઉલટું, ઘણી વાર તો એ વાંચનારની સ્વતંત્ર વિચારશક્તિ હણી લેવાનું કામ પણ કરી શકે છે. એ જોતાં તેમના માટે 'તેજાબી'ને બદલે 'અફીણી' વિશેષણ વધારે યોગ્ય ન ગણાય? અને લખનાર સાવધ ન રહે (જેવું ફેસબુક જેવાં માધ્યમમાં બહુ બનતું હોય છે) તો તે ખુદ પોતાની 'તેજાબી' છબીના પ્રેમમાં પડીને અવગતે જઈ શકે છે.
- પારૂલબહેનની કવિતા કે એ પ્રકારનાં બીજાં અનેક લખાણોનો આશય એ જ હોય છે કે લોકો એક યા બીજા પક્ષે તાળીઓ વગાડીને, 'વાહ, વાહ ક્યા બાત હૈ' કરીને, ખંખેરીને જતા રહેવાને બદલે જાતે વિચારતા-સંવેદન અનુભવતા થાય. અભિવ્યક્તિ સૌ પોતપોતાની પ્રકૃતિ ને આવડત પ્રમાણે કરે કે ન પણ કરે, પરંતુ આટલી મોટી મહામારી અને આટલી કરુણ માનવસર્જિત ગેરવ્યવસ્થા ચાલતાં હોય ત્યારે, કહેવાતી તટસ્થતા છોડીને વાસ્તવિકતા સ્વીકારવા-સમજવા-અનુભવવાનું જરૂરી છે.
માટે, જે ગમે તેની પ્રશંસા જરૂર કરવી. પણ મુશાયરમાં છીછરી દાદ આપનારા જેવા ન બની જવું, વિશેષણોનો અતિરેક ટાળવો અને ફક્ત વખાણ કરીને અટકી ન જવું. ત્યાંથી કામ પૂરું નહીં, શરૂ થાય છે.
***
કેટલાક પ્રાથમિક મુદ્દા અને નિરીક્ષણો~
મે ૧૨, ૨૦૨૧ (બપોરે)
૧. ભૂતકાળમાં જેમણે મોદીનું-ભાજપનું (કે વણઝારા સહિતની મોદીની ઇકો-સિસ્ટમનું) સમર્થન કર્યું હોય એવી કોઈ પણ વ્યક્તિ અત્યારે મોદીની-ભાજપની ટીકા કરી જ શકે. દરેક વ્યક્તિને સમજ વિસ્તારવાનો અને સમજ પ્રમાણે વિચાર બદલવાનો કુદરતી અધિકાર છે.
૨. ‘અમે તો મુદ્દા-આધારિત સ્ટેન્ડ લઈએ છીએ.’ તે આમ તો બહુ આદર્શ લાગે એવું વિધાન છે. પણ ગુજરાતીમાં લખનારાની વાસ્તવિકતા ધ્યાનમાં રાખતાં, તે 'મુદ્દા-આધારિત' નહીં, 'વહેણ-આધારિત' વધારે હોય છે. તેમના ‘મુદ્દા-આધારિત સ્ટેન્ડ’નું ગુજરાતી એવું થાય કે ‘વહેણ જોઈને અમે વણઝારાની આરતી પણ ઉતારીએ ને વહેણ જોઈને મોદીની ટીકા પણ કરી લઈએ. હા, અમે તો સખ્ખત મુદ્દા-આધારિત.’
અત્યારના સમયની વાત કરીએ તો, તેમાં ‘મુદ્દા-આધારિત સ્ટેન્ડ’નો મતલબ છેઃ ‘અમારે સરકારને છાવરવી છે. પણ માત્ર એવું કરીએ તો લોકોની નજરમાંથી સાવ ઉતરી જવાય. એટલે અમે અક્ષમ્ય રીતે નિષ્ફળ ગયેલી સરકારનો બચાવ કરતા રહીને, વચ્ચે વચ્ચે સરકારને ચૂંટલીઓ ખણતા રહીશું ને સરકારની વર્ચ્યુઅલ સોડમાં રહેતાં રહેતાં તટસ્થતાનો ખેલ પાડતાં રહીશું. મુદ્દા-આધારિત. સમજ્યા કે નહીં?
૩. અત્યારના સંજોગોમાં સરકારની ચમચાગીરી (બીજો હળવો શબ્દ જડતો નથી) કરવી હોય અથવા સરકારની ગુડ બુકમાં રહેવું હોય એ જ માણસ, સરકારની ઘોર નિષ્ફળતા-નઠોરતાને ‘બૅલેન્સ કરવા માટે’ સરકારનાં વખાણ કરી શકે. (એવા ‘બૅલેન્સ’ માટે તલ જેવડી સરકારી કામગીરીને તરબૂચ જેવડી ચિતરીને લોકોને મૂરખ બનાવવા પડે એનો વાંધો નહીં.) સરકારના બચાવકારો કે સમર્થકોનો ત્રીજો પ્રકાર કોઈ લાભ વિના, કોમવાદી કે બીજા પ્રકારના દ્વેષથી સરકારની પડખે રહેવાનો છે. આ સિવાયના કોઈ પ્રકારો જાણમાં નથી.
૪. આપણી સાથે અંગત નિકટતા ધરાવતી વ્યક્તિ આપણા વિચારની વિરોધી હોઈ જ શકે. અને તેમ છતાં તે અંગત રહી જ શકે. આવા સંજોગોમાં વૈચારિક બાબતે તેમની ટીકા કે પ્રશંસા કશું કરવાની જરૂર નથી. તે વ્યક્તિગત કારણોસર અંગત હતાં, છે ને રહેશે. પરંતુ એક તરફ સરકારનો વિરોધ કરવો અને બીજી તરફ, તેના બચાવકારો-'બૅલેન્સવાદીઓ'ને વૈચારિક સમર્થન આપવું, એ હળાહળ વૈચારિક અપ્રામાણિકતા છે. સંબંધ અને પ્રામાણિકતાને એકબીજાની અવેજીમાં રાખવાની જરૂર નથી. આપણી ઘણી પ્રજા મૂરખ બનાવનારની શોધમાં રહેતી હોય છે. એટલે લોકો તો આ રીતે પણ મૂરખ બની જશે. પરંતુ લખનાર તેની જાણબહાર તેની વૈચારિક અપ્રામાણિકતા બતાવી બેસશે.
૫. ગઈ કાલે પણ લખ્યું હતું કે લખનારા માટે તેજાબી કલમને એવી બધી અતિશયોક્તિઓ ન કરવી. સિંહ-સિંહણ જંગલમાં હોય ને ત્યાં જ શોભે. કંઈ પણ લખવા માટે સિંહ કે સિંહણના કલેજાની નહીં કે છપ્પનની છાતીની કે એવી બધી ફિલ્મી જરૂરિયાતો નથી હોતી. (એ બધી જરૂરિયાતો સીન નાખવા માટે જ હોય છે). ચમચાગીરી કે 'સરકારી તટસ્થતા' સિવાયનું લખવા માટે મૂળભૂત રીતે સંવેદનશીલતાની અને પ્રતિબદ્ધતાની જ જરૂર હોય છે.
૬. એક નાગરિક તરીકે મારા માટે તો, પારૂલબહેને આ કવિતા લખી એટલું પૂરતું છે. લોકોની વ્યથા જોઈને, લોકો વતી સરકારની સામે ઉઠતા કડક ટીકાના સૂરમાં વધુ એક સૂર ઉમેરાયો તેનો આનંદ છે. પણ એ પહેલો સૂર નથી ને છેલ્લો પણ નહીં. પારૂલબહેને પણ એવો કશો દાવો કર્યો નથી. આવા વખતે ‘સિંહણનું કલેજું’ વગેરે ઠાલાં વિશેષણો લખવાથી એવો સંદેશો જાય છે કે ‘આ તો ભઈ, આપણું કામ નહીં. સિંહ/સિંહણનું કલેજું જોઈએ.’
ખરેખર તો, એવું ન હોય. આ દરેક નાગરિકનું અને તેની પહોંચમાં આવે એવું કામ છે. કેટલાક કિસ્સામાં એવી પણ શંકા જાય કે કશી બહાદુરી વિના, માત્ર પ્રતીતિથી લખનારને સિંહ/સિંહણ સાથે સરખાવવાનો હેતુ પોતાનું નમાલાપણું ઢાંકવાનો તો નહીં હોય?
૭. પારૂલબહેનની કવિતા પરિસ્થિતિનું બયાન છે. તે કવિતા બને છે કે નહીં, તેની પંડિતાઈભરી ચર્ચા આવતા વર્ષે રાખવી. તે અત્યારે લખાઈ તે પ્રશંસાને પાત્ર છે. અત્યારે એટલું જ વિચારવું-કહેવું કે તેમાં આલેખાયેલી વાત હકીકત છે કે નહીં? સાહેબની ટીકાથી મૂળીયાં બળી ગયાં હોય, તો સાહિત્યનો ને કાવ્યશાસ્ત્રનો માપદંડ લઈને કવિતાને ઝૂડવાની જરૂર નથી.
૮. ‘આ કવિતા રાજકીય નથી’ અથવા તો ‘તેની ફલાણી કડીનો અર્થ ખરેખર તો આવો નહીં, પણ તેવો થાય છે’—આ બધું માત્ર ને માત્ર સરકારની ચાપલૂસીમાં ખપશે. કેમ કે, કવિતાનો એક જ અર્થ થાય છે અને તે સાફ સમજાય એવો છે.
૯. પારૂલબહેન વિશે પણ ચુકાદા ફાડવાની જરૂર નથી. હું તેમને ઓળખતો નથી ને તેની જરૂર પણ નથી. તેમણે કશો દાવો કર્યો નથી. કવિતાને મળેલા બંને પ્રકારના પ્રચંડ પ્રતિસાદથી કોઈ પણ માણસ ડઘાઈ જાય. ટ્રોલિંગ વગેરેથી ન ટેવાયેલો સામાન્ય માણસ ભક્તોના આક્રમણથી ડીફેન્સિવ પણ બની જાય. તેમણે બહાદુરીના કશા દાવા વિના, પ્રતીતિપૂર્વક કવિતા લખી. એ આપણા માટે પૂરતું હોવું જોઈએ.
આપણે જ એમને સિંહણનાં કલેજાવાળાં જાહેર કરીએ ને આપણે જ એમની કથિત પીછેહઠની ટીકા કરીએ, તો એ બંને આપણા પ્રોબ્લેમ છે—એમના નહીં. તેમને નાયિકા કે ખલનાયિકા બનાવવાથી બચવા જેવું છે. તેમની કવિતામાં પ્રતિબિંબિત થતી કરુણતા અને વેદનાને યાદ રાખવા જેવી છે. અસલી ચીજ એ છે.
(મુદ્દા શાંતિથી વિચારજો અને યોગ્ય લાગે તો શૅર કરી શકો છો)
Tuesday, May 11, 2021
કળીયુગની ભક્તસંહિતા
--પછી શિષ્યોએ પૂછ્યું કે ‘હે ગુરુદેવ, મધ્યકાળમાં ભક્તોની ઓળખ સરળ હતી. તે ભજનો રચતાં, ગાતાં અને ભવિષ્યનાં પાઠ્યપુસ્તકો માટે સામગ્રી પૂરી પાડવાની કોઈ સભાનતા વિના, દુનિયાદારીનું ભાન ભૂલીને ઈશ્વરની ભક્તિમાં લીન રહેતાં. પરંતુ ઘોર કળીયુગમાં ભક્તોની પિછાણ શી રીતે કરવી? અમારા સંશયનું છેદન અને જિજ્ઞાસાનું શમન કરો.’
ગુરુ બોલ્યા,
‘હે શિષ્યો, ઘોર કળીયુગમાં જ્યારે વિદ્યાને બદલે અવિદ્યાનો મહિમા છે, ત્યારે તમારાં સંશય અને જિજ્ઞાસા વિશે જાણીને હું પ્રસન્ન થયો છું. તેથી જેટલું બોલીને હું પૉઝિટિવિટીના કે પ્રેરણાના કે લાઇફ-કોચિંગના વર્ગોમાંથી તગડી રકમ પ્રાપ્ત કરી શકું, તેટલું જ્ઞાન હું તમને—મારા ટ્યૂશનાર્થીઓને—વધારાની કોઈ ફી વિના આપીશ.’
‘હે શિષ્યો, જેમ વરસાદ વિશે જાણવા માટે વાદળાં વિશે જાણવું આવશ્યક છે, તેમ કળીકાળમાં ભક્તોના પ્રકાર વિશે જાણતાં પહેલાં તેમના આરાધ્ય વિશે જાણવું અનિવાર્ય છે. અલબત્ત, વર્તમાન કાલખંડમાં ગુર્જરદેશ અને સમગ્રતયા ભારતવર્ષમાં એક જ આરાધ્ય વિદ્યમાન હોવાનું પ્રતીત થાય છે. એટલે તેમના ભક્તોને લક્ષ્યમાં રાખીને હું મીમાંસા કરીશ.’
‘ભક્તોના મુખ્યત્વે ત્રણ પ્રકાર હોય છે. પહેલો અને મુખ્ય પ્રકાર ભારતની પ્રાચીન ભક્ત પરંપરા સાથે સીધું સામ્ય ધરાવે છે. પ્રાચીન ભક્તો પોતાની ભક્તિ છુપાવવાને બદલે તેને બેધડક જાહેર કરતા હતા. સંજોગો વિપરીત હોય કે અનુકૂલ, ભક્તિથી નુકસાન થવાનો સંભવ હોય કે ફાયદો, તે આવો કશો વિચાર કરવાને બદલે, લોકલાજથી ડર્યા વિના કે લોકનિંદાથી ડગ્યા વિના, ‘એવા રે અમે એવા’ કહેતા હતા. વર્તમાનમાં પણ આ પ્રકારના ભક્તો નોંધપાત્ર સંખ્યામાં જોવા મળે છે. તે લાભાલાભ જોવાને બદલે, પ્રતિષ્ઠાનું કે સન્માનનું બલિદાન આપીને પણ ભક્તિમાર્ગેથી ચળતા નથી. વાસ્તવિકતાનાં ગમે તેટલાં પ્રમાણપુરાવા કે આલેખન તેમને ભક્તિમાર્ગેથી પાછા વાળી શકતાં નથી. આરાધ્ય સાથે તેમનું મનોસંધાન એ હદે એકરૂપ થયેલું હોય છે કે બ્રેઇન સ્ટ્રોકને પણ તે માસ્ટર સ્ટ્રોક ગણીને તેનો ઉત્સવ મનાવી શકે છે.’
‘આવા ભક્તોની ઓળખ જરાય કઠણ નથી. તમારું ધ્યાન ન હોય તો તે તમને સામેથી ઢંઢોળીને પોતાની ભક્તિના પુરાવા અને નિદર્શન આપ્યા કરશે. એક ચૂકી ગયા તો બીજું ને બીજું ચૂક્યા તો ત્રીજું. હા, એટલું ખરું કે આટલી પ્રખર ભક્તિ માટે કયાં પરિબળ જવાબદાર છે તે દરેક પ્રસંગે જાણવું શક્ય નથી હોતું. પરંતુ સામાન્ય રીતે વિધર્મીદ્વેષ અને વિચારદોષથી માંડીને આર્થિક પ્રલોભન જેવાં કારણોમાંથી તે જન્મે છે અને પોતાની ઓળખના પર્યાય તરીકે તે સ્થિર થાય છે. ત્યાર પછીનો તબક્કો ભક્ત અને આરાધ્યના--જીવ અને શિવના—એકપક્ષી એકત્વનો છે. તેમાં આરાધ્યના અપમાનમાં ભક્તને પોતાનું અપમાન લાગે છે અને આરાધ્યની અક્ષમ્ય ભૂલ અભૂતપૂર્વ ઐતિહાસિક સિદ્ધિ લાગે છે. સંસારમાં આવા ભક્તોના વિચરણથી ભક્તિમાર્ગ ફૂલેફાલે છે.’
આટલું કહીને ગુરુજી અટક્યા, કપાળ પર એકઠી થયેલી રેખાઓને વેરવિખેર થવા થોડી ક્ષણો આપી, પછી પાણીના બે ઘૂંટ પીને, ઊંડો શ્વાસ લઈને તેમણે આગળ ચલાવ્યું.
‘બીજા પ્રકારના ભક્તો સંસારના સામાન્ય વ્યાપારો પૂરી સ્વસ્થતાથી પાર પાડે છે. પોતે ભક્ત છે એવું જાહેર કરવું તેમને ગમતું નથી. પોતાના આરાધ્યની છબી ચિત્તમાં સ્થાપીને તે આશ્વસ્ત અને સંતુષ્ટ હોય છે. ભક્ત તરીકે ઓળખાવાની તેમને કોઈ એષણા હોતી નથી. ઉલટું તે પોતે સંસારીઓને છેતરવા માટે એવો સ્વાંગ ધરે છે, જાણે તે ભક્ત નથી. કેમ કે, તેમને મન આ તેમના અને તેમના આરાધ્ય વચ્ચેનો સંબંધ છે. તેને દુનિયા સમક્ષ છતો કરીને એ સંબંધની નજાકતને શા માટે આંચ આવવા દેવી? પરંતુ કસોટીની ઘડીમાં આરાધ્ય પર પ્રહારો થાય ત્યારે આવા ભક્તો પાછા પડતા નથી. તે આરાધ્યના સીધા કે આડકતરા સમર્થનમાં તર્કાભાસી દાખલાદલીલો કરે છે, આરાધ્યના ટીકાકારોની સમજશક્તિ વિશે શંકા વ્યક્ત કરે છે અને ઠાવકાઈ છોડ્યા વિના, અંતરમાં રહેલી આરાધ્યની છબી છતી થઈ ન જાય એ રીતે, આરાધ્યના આક્રમક કે રક્ષણાત્મક બચાવમાં પ્રવૃત્ત રહે છે. તેમને ભક્ત કહેવામાં આવે, તો તે અંદરથી ટાઢક અનુભવતા હોવા છતાં સંસારીઓને અંધારામાં રાખવા માટે હળવો રોષ પણ વ્યક્ત કરે છે.’
‘અને ત્રીજો પ્રકાર?’ એક શિષ્યે અધીરાઈથી પૂછ્યું.
‘એ પ્રકારની ઓળખ ઘણા માટે કસોટીરૂપ બની રહે છે. પહેલા બંને પ્રકારના ભક્તો બરાબર સમજે છે કે પોતે ભક્ત છે. પરંતુ ત્રીજા પ્રકારના ભક્તો પોતાની જાતને પણ એવું જ ઠસાવે છે કે તે ભક્ત નથી. કુદરતની લીલા એવી છે કે આ કિસ્સામાં જાતને છેતરવી સહેલી છે, પણ બીજાને છેતરવાનું અઘરું છે. કોઈને જ્યારે તેમના આરાધ્યના પહાડ જેવડા દોષ રજકણ જેવા લાગતા હોય, એ દોષની ટીકા કરનારા દિશા ભટકી ગયેલા કે સમાજના-દેશના હિતશત્રુ લાગતા હોય, આરાધ્યના ગૌરવ અને આરાધ્યની પીડા સામે બાકીના લોકોની પીડા અને ગૌરવ તેમને ગૌણ લાગતાં હોય, તે હકારાત્મકતા, ચિંતન, આશા, પ્રેરણાની પીંછીથી આરાધ્યના ટીકાકારોને હલકા ચીતરીને, આરાધ્યને આંચમુક્ત રાખવા પ્રવૃત્ત હોય, ત્યારે તેમને આ પ્રકારના ભક્ત જાણવા. જો તે સ્વીકારતા હોત તો બીજા પ્રકારમાં હોત. એટલે આ કિસ્સામાં તેમનો અસ્વીકાર એ પણ તેમની ભક્તિનું પ્રમાણ છે. અસ્તુ.’
આ સાંભળીને જેમ શિષ્યોની જિજ્ઞાસાનું શમન થયું, તેમ વાચકોની જિજ્ઞાસાનું પણ થાઓ.
Saturday, May 08, 2021
એક નેતાની કોરોના ડાયરી
આ તે કંઈ જીવન છે? ચોમેર જ્યાં જુઓ ત્યાં અવ્યવસ્થાના, લાઇનોના અને મોતના જ સમાચાર. આપણે આવું કશું કરાવ્યું ન હોય છતાં આ બધું થાય ત્યારે સમજાય છે કે આપણાથી મોટી પણ કોઈ શક્તિ હશે. ‘લોકશક્તિ’ તો, મને કોઈએ કહેલું કે ટ્રેનનું નામ છે. એટલે બીજી કોઈ શક્તિ હોવી જોઈએ.
કોરોનાએ જબરી કસોટી કરી લીધી. ના, આ તો ખાનગી ડાયરી છે. એટલે લોકોને પડેલી હાડમારીની વાત નથી કરતો. પણ ક્યાંય બહાર જવાય નહીં. લોકોને મોં તો આમ પણ ક્યાં બતાવતા હતા? પણ આડા દિવસે લોકો ચલાવી લેતા હતા. અને પાંચ વર્ષે વોટ તો સાહેબના નામે જ માગવાના હતા. રૂપિયાની આત્મનિર્ભરતા પણ આવી ગઈ હોય. હવે તકલીફ એ થઈ છે કે બહાર નીકળીને જાહેરમાં દેખાઈ ન જવાય તેનું ધ્યાન રાખવું પડે છે.
મારું સોશિયલ મિડીયા સંભાળનારો છોકરો કહેતો હતો કે લોકો બહુ ગુસ્સામાં છે. જોકે તેણે એમ પણ કહ્યું કે આવા વાતાવરણમાં પણ આપણો બચાવ કરનારા લોકો નીકળી આવે છે. એટલું જ નહીં, એ લોકો આપણો એવી રીતે બચાવ કરે છે કે આપણે પણ નવાઈ પામી જઈએ. એણે મને કેટલાંક લખાણ દેખાડ્યાં. તે જોઈને મને યાદ આવ્યું. બી.એ.માં ભણતો હતો ત્યારે એક સાહેબ ભક્તિયુગની કવિતાઓ ભણાવતા હતા. મને થાય છે કે એક વાર કોરોના પતી જાય ને બધાનાં મગજ ઠેકાણે આવી જાય, પછી સાહિત્યના પાઠ્યપુસ્તકમાં અત્યારના ભક્તિયુગનાં લખાણ મુકવાં જોઈશે, જેથી નવી પેઢી વંઠી જઈને સ્વતંત્ર રીતે વિચાર કરવાને બદલે આપણા દેશની ભક્તિની પરંપરાના રસ્તે ચાલે.
હું તો આવી બધી બાબતોમાં બહુ એડવાન્સ ચાલુ છું. સાહેબમાંથી પ્રેરણા લેવી પડે કે નહીં? હજુ તો મારે બહુ આગળ જવાનું છે. એટલે મેં એક વીસી જોડેથી નંબર લઈને એક પ્રોફેસરને ફોન કર્યો. એ તો મારી વાત સાંભળીને રાજી થઈ ગયો. કહે, કેમ નહીં, સાહેબ? આપણે અભ્યાસક્રમમાં તેને ‘ગુજરાતી સાહિત્ય અને સમાજજીવનમાં અનુઆધુનિક ભક્તિયુગ’ એવા વિષય તરીકે દાખલ કરી દઈશું. પછી કહે, ‘સાહેબ, આ વિષય પર હું આજથી જ ચોપડી લખવાની શરૂઆત કરી દઉં છું. આ વિષય જાહેર થશે ત્યારે બજારમાં ફક્ત મારી એકલાની જ ચોપડી હશે. તમે જો એને ટેક્સ્ટ બુક તરીકે કરાવી આપો તો...’
હું સમજી ગયો. કહ્યું, ‘માસ્તર, ચિંતા ના કર. ટેક્સ્ટ બુક તારી ને ગાઇડેય તારી, બસ?’ બિચારો ખુશ ખુશ થઈ ગયો. કેટલા બધા આશીર્વાદ આપ્યા—અને લોકો કહે છે, અમે ખોવાઈ ગયા છીએ. કામ નથી કરતા. તેમને કોણ સમજાવે કે બધાં કામ માટે દેખાવું જરૂરી નથી.
***
રોજ દહાડો ઉગે ને કંઈક નવું સળગતું લાકડું આવે છે. આ કોરોનાએ તો જિંદગી ઝેર કરી દીધી છે. ના, ઘરમાં કોઈને ઓક્સિજનની તંગી નથી નડી કે દવાખાને-દવાખાને ફરવું નથી પડ્યું. પણ હવે કહે છે કે રાજકીય રેલી નહીં કાઢવાની. ચૂંટણી સરઘસ નહીં કાઢવાના. સભા નહીં ભરવાની. આ તે કોરોના છે કે આચારસંહિતા? અરે, આચારસંહિતાનો તો હવે આચાર બનાવીને ભાખરી જોડે ખાઈ ગયા,પણ કોરોનાનું શું કરવું? સભા-સરઘસ-રેલી-યાત્રા ના કાઢીએ, તો જનતાની સેવા કેવી રીતે કરવી? લોકસંપર્કનું એ એક તો માધ્યમ રહ્યું હતું. તે પણ છીનવાઈ જાય તો આપણી લોકશાહી શી રીતે ધબકતી રહેશે?
હું જરા લાગણીમાં તણાઈ ગયો. મારે આટલા સ્વાર્થી ન બનવું જોઈએ. એમ તો સાહેબ પણ બિચારા કેટલા બધા મહિનાથી પરદેશ નથી ગયા વિશ્વગુરુના રોલ માટે તેમણે દાઢી વધારી હશે, પણ એ તો શરૂ થતાં પહેલાં જ ઘાંચમાં પડ્યું. માણસને કેટલું વીતતું હશે? એની સામે મારા દુઃખની શી વિસાત? કમ સે કમ, મને એ વાતનું તો અભિમાન છે કે ચાલુ કોરોનાએ બંગાળની રેલીઓમાં ભીડની હાજરીના વિક્રમો તૂટ્યા. કોરોનાના વિક્રમની ચિંતા શા માટે કરવી? એ તો આમ પણ કુદરતી આફતમાં જ ગણાય છે.
સ્વામી વિવેકાનંદે કહ્યું છે (આવું મને એક ચેનલવાળાએ કહેલું) કે માણસની ખરી કસોટી મુશ્કેલીના સમયમાં થાય છે. મને જોકે એવું થયું કે આવું તો હું પણ કહી શકું. એમાં શી મોટી વાત છે? પણ સવાલ કસોટીનો છે અને હું જ નહીં, મારા બીજા સાથીદારો પણ કસોટી આપવા તૈયાર છીએ, બલકે આપી જ રહ્યા છીએ. લોકોને એવું લાગે છે કે અમે આ કસોટીમાં ઊંધા પડી જઈશું. એમને ક્યાં ખબર છે કે આવા સમયમાં કસોટીઓનું દબાણ કામચલાઉ હોય છે. એટલો સમય હેમખેમ નીકળી જાય તો પછી માસ પ્રમોશનની ગોઠવણ હાથવગી રાખેલી જ હોય છે. લોકો એટલું બધું અને એટલી ઝડપથી ભૂલી જાય છે કે તે અમને માસ પ્રમોશનવાળાને ડિસ્ટિંક્શનવાળા માની લે છે. કોરોના તો મટી જશે, પણ રાહત એ વાતની છે કે લોકોની ખરાબ યાદશક્તિ ટકી રહેવાની છે.
ગમે તે કહો, આખરે છે તો લોકશાહી. લોકો છે, તેમની ખરાબ યાદશક્તિ છે, તેમનાં સંકુચિત સમીકરણો છે...આ બધું છે તો અમે છીએ ને અમે છીએ તો લોકશાહી છે. જય હિંદ.
Tuesday, May 04, 2021
એક કોરોના-મિટિંગ
કોરોનાની વણસેલી પરિસ્થિતિને જોતાં સાહેબ અને અધિકારીઓ વચ્ચે મિટિંગ યોજાઈ છે. એક પછી એક માસ્કધારીઓ આવે છે અને લાંબા ટેબલની ફરતે ગોઠવાય છે.
અધિકારી ૧ (પ્યૂનને): ભાઈ, એસી વધાર જરા. પરસેવો છૂટી ગયો છે.
પ્યૂન: સાહેબ, એસી વધારે જ છે. ક્યારનું ઠંડું કરી રાખ્યું છે. પણ તમને લોકોના ગુસ્સાને લીધે કદાચ...
(અધિકારી ડોળા કાઢે છે. એટલે પ્યૂન બોલતો અટકી જાય છે.)
અધિકારી ૨: આવા વખતે માસ્ક કેટલા સારા પડે, નહીં?
અધિકારી ૩: હાસ્તો, ઇન્ફેક્શનની ચિંતા નહીં
અધિકારી ૨: ને ઓળખાઈ જવાની પણ.
(સાહેબની પધરામણી થાય છે. સાહેબ પણ પરસેવો લૂછે છે. અધિકારી ૧ પ્યૂન સામે જુએ છે. પ્યૂન નીચું જોઈ જાય છે.)
સાહેબ: તમે લોકો શું કરો છો? આ બધું શું છે?
ખૂણામાંથી અવાજ: આ સવાલ પહેલાં તમારે તમારી જાતને પૂછવો જોઈએ એવું નથી લાગતું?
(સાહેબ ચમકીને અવાજ તરફ જુએ છે, પણ કંઈ દેખાતું નથી.)
સાહેબ (અધિકારી ૧ને) : તમે હમણાં કંઈ સાંભળ્યું?
અધિકારી ૧: તમે સાંભળ્યું, સાહેબ?
સાહેબ: ના.
અધિકારી ૧: બસ તો પછી, સાહેબ. તમે જે ન સાંભળી શકો, એ મેં શી રીતે સાંભળ્યું હોય? મારાથી સંભળાય જ શી રીતે? હું તો રાજ્યનો એટલે કે પક્ષનો એટલે કે આપનો...
ખૂણામાંથી અવાજ: ટૂંકમાં રાજ્યના લોકો સિવાય બધાનો...
(સાહેબ અવાજને અવગણીને ખોંખારો ખાય છે અને કપાળેથી પરસેવો લૂછીને ફરી શરૂ કરે છે. આ વખતે પ્યૂન મૂછમાં હસતો પાણી લાવવાના બહાને બહાર જતો રહે છે)
સાહેબ: તમને ખબર છે, આવું ને આવું ચાલશે તો શું થશે?
અધિકારી ૪: હા, સાહેબ. આપણે ચૂંટણી હારી જઈશું.
અધિકારી ૫: અહીં લોકોના જીવ જાય છે, સ્મશાનમાં ભઠ્ઠીઓ ને લાકડાં ખૂટી પડ્યાં છે ને તમને ચૂંટણીની પડી છે?
ખૂણામાંનો અવાજ: કોણે બોલવાના ડાયલોગ કોણ બોલે છે....
(સાહેબના હાવભાવ પરથી જણાય છે કે તેમણે અવાજ સાંભળ્યો તો છે. પણ તે અકળામણથી અવગણે છે.)
સાહેબ (અધિકારી ૪ને): પરિસ્થિતિ આટલી ગંભીર છે—વાત ચૂંટણીમાં ખરાબ અસર પડવા સુધી આવી ગઈ છે અને તમે લોકો કંઈ કરતા નથી? તમને સમજાતું નથી કે દેશના ભવિષ્યનો સવાલ છે?
અધિકારી ૪: એવું નથી સાહેબ, અમે થાય એટલું બધું કરીએ છીએ. (એમ કહીને આખા રાજ્યમાં આટલા બેડ છે, આટલો ઓક્સિજન છે, આટલી રેમડેસિવિર છે એવા આંકડા બોલવાના ચાલુ કરે છે.)
સાહેબ : તમે લોકો મને મૂરખ સમજો છો? આ તો કાલે આપણી જાહેરખબરમાં છાપવાના આંકડા છે.
અધિકારી ૧ : સૉરી સાહેબ. ભૂલથી બીજું કાગળ આવી ગયું હતું. અમારો ઇરાદો તમને ગેરરસ્તે દોરવાનો કે તમારા સવાલનો ઉડાઉ જવાબ ન હતો. રીઅલી સૉરી.
સાહેબ: ઇટ્સ ઑલ રાઇટ. આગળ વધો. બોલો. તમે શું કર્યું?
અધિકારી ૧ : સાહેબ, પેલું રેમડેસિવિરનાં ઇન્જેક્શનવાળું થયું હતું ને?
સાહેબ (સહેજ ચિઢાઈને) : હા, તે એનું શું છે? એવાં સળગતાં લાકડાં શું કરવા યાદ કરાવો છો?
અધિકારી ૧ : ના સાહેબ. એ જ કહેવા માટે કે એ સળગતું લાકડું કેવું એક જ દિવસમાં ઓલવી નાખ્યું? પછી એના વિશે કોઈએ કંઈ લખ્યું?
સાહેબ: ઠીક છે. પણ આ તો ડૅમેજ કન્ટ્રોલ થયો. પૉઝિટિવ કામ શું કર્યું?
અધિકારી ૨ : હોય સાહેબ? સૂચના મુજબ સોશિયલ મિડીયા પર કેટલા બધા લોકોને પૉઝિટિવ લખવા અને પૉઝિટિવિટી ફેલાવવા લગાડી દીધા છે. બીજા કેટલાકને એવું સોંપી દીધું છે કે તમે મહારાષ્ટ્ર અને બંગાળની, રેલી સિવાયની, વાતો લાવતા રહો. ત્રીજો વર્ગ ‘દેશે તમારા માટે શું કર્યું એ નહીં, તમે દેશ માટે શું કર્યું એ કહો.’—એવું બધું લખીને રોષે ભરાયેલા લોકોને શરમમાં નાખવા કોશિશ કરે છે. તમે કહેતા હો તો ટીકાકારો પર યુએપીએ કે રાજદ્રોહ...?
સાહેબ (પ્રસન્નતા માંડમાંડ ખાળીને) : હમણાં એ રહેવા દો. પછી જોઈશું. અત્યારે આપણે મુખ્ય કામમાં ધ્યાન આપો.
ખૂણાનો અવાજ: મુખ્ય કામ એટલે મેટ્રો કે કોઈ નવું વિશ્વનું વધુ મોટામાં મોટું સ્ટેડિયમ કે સ્ટેચ્યુ ઑફ કૅલેમિટી કે એવું કંઈ?
સાહેબ (ગિન્નાઈને, અધિકારી ૧ને) : સૌથી પહેલાં તો, આવતી વખતથી તમે મિટિંગનું સ્થળ બદલી નાખજો. અને બીજો મિટિંગ હૉલ ન હોય તો તે બંધાવી દેજો. આ જગ્યામાં કંઈક લાગે છે. ભૂત-પ્રેત-આત્મા...તમે માનો છો એવું કંઈ?
અધિકારી ૧ : બિલકુલ નહીં સાહેબ. હું તો આત્મામાં કે આત્માના અવાજમાં—કશાયમાં નથી માનતો.
સાહેબ: વેરી ગુડ. દેશ આવી રીતે વિજ્ઞાનના રસ્તે ચાલશે તો જ આગળ આવશે.
અધિકારી ૧ : પણ અગાઉના અધિકારી કહેતા હતા કે આ રૂમમાં ઘણાને આત્માનો ખોવાયેલો અવાજ સંભળાય છે.
સાહેબ: છોડો એ વાત. આપણે એટલું કરી દો કે જિલ્લે જિલ્લે, તાલુકે તાલુકે, ગામડે ગામડે આપણા કાર્યકરો નીમી દો.
અધિકારી ૧ : એ લોકોને કોરોના-મૅનેજમૅન્ટ ફાવશે?
સાહેબ : એની કોણ વાત કરે છે? એ લોકો સ્થાનિક લોકોનો ગુસ્સો ઉતરે, એટલે તેમને ફરી આપણી બાજુ વાળી લેશે. એક વાર આવતી ચૂંટણી આપણે જીતી જઈએ તો કોરોના-ફોરોનાને તો જોઈ લઈશું.
(ગુજરાતમિત્ર, રવિવારની પૂર્તિ, ૨૫-૪-૨૧. લખ્યા તા. ૨૧-૪-૨૧)
Monday, May 03, 2021
સરકારની જવાબદારી કેટલી?
વર્તમાન મહામારીમાં સરકારની ફરજનાં મુખ્યત્વે આટલાં ક્ષેત્રો ગણાય.
૧) આગોતરું આયોજન અને તૈયારી કરવાં.
૨) આવી મહામારી સંપૂર્ણપણે ટળી ન હોય ત્યાં સુધી નિષ્ણાતોને સાથે રાખવા, તેમની સલાહ સાંભળવી અને રાજકીય અનુકૂળતા પ્રમાણે નહીં, લોકોના હિતમાં જરૂરી હોય તે બધાનો અમલ કરવો.
૩) વાઇરસ ફરી ત્રાટકે ત્યારે તેનો ફેલાવો ઘટાડવાના પ્રયાસ કરવા.
૪) મેળાવડા ટાળવા-નિયમો પાળવા-ધાર્મિક લાગણીઓ પંપાળવાની લાલચ ટાળવી-ચૂંટણીઓ પાછી ઠેલવી.
૫) ટેસ્ટિંગ માટેની શક્ય એટલી વધુ સુવિધા અને ક્ષમતા ઊભાં કરવાં.
૬) લોકોને સાચી માહિતી અને સાચું માર્ગદર્શન મળી રહે તે માટેનાં ઠેકઠેકાણે કેન્દ્રો, હેલ્પલાઇન, સોશિયલ મિડીયા કે બીજી ટૅક્નોલોજીની મદદથી સંવાદ સાધવો.
૭) સરકારે હાથ ઊંચા નથી કરી દીધા, પણ તે લોકોની સાથે છે—અને કેવળ પ્રસિદ્ધિ મેળવવા કે પોતે કેવાં મહાન પગલાં લીધાં તેના દાવા કરવા માટે નહીં, લોકોને વાસ્તવિક રીતે મદદરૂપ થવા માટે—તેનો અહેસાસ કરાવવો.
૮) બીમારોને યોગ્ય સારવાર મળી રહે તે માટેની અસરકારક વ્યવસ્થા ગોઠવવી.
૯) જરૂરી દવાઓ, ઑક્સિજન અને મૅડિકલ સાધનોની અછત ન સર્જાય અને તે દર્દીઓને મળી રહે તે જોવું. મોટાં શહેરોમાં તે લેવા માટે બહુ દૂર દૂર સુધી ન જવું પડે તેવું ગોઠવવું.
૧૦) તેનાં કાળાં બજાર ન થાય તે જોવું અને શક્ય હોય તો દર્દીને તે રાહત ભાવે આપવા પ્રયત્ન કરવો.
૧૧) આટલી મોટી આફતમાં પહોંચી વળવા માટે શક્ય એટલી સંસ્થાઓ-સંગઠનો-લોકોને જોતરવા પ્રયાસ કરવો. એ માટે પોતાનો અહંકાર બાજુ પર મુકવો અને વિચારધારાના વિરોધી હોય તેમની પણ મદદ માગવી.
૧૨) જૂઠાણાં ફેલાવવાં નહીં. ગૌરવ લેવાના અને પ્રસિદ્ધિ ખાટવાના ઉધામા થોડા સમય માટે બંધ કરવા. દરેક બાબતને વડાપ્રધાન-મુખ્ય મંત્રીના જયજયકારમાં ઝબકોળીને રજૂ કરવી નહીં.
***
આ યાદી હજુ ઘણી લંબાઈ શકે. તેમાં પેટામુદ્દા ઉમેરી શકાય. પરંતુ સરકારની કામગીરીના વ્યાપનો અંદાજ આપવા માટે આટલું પૂરતું છે.
કોઈ પણ સરકાર આટલું કરે ત્યાં સુધી એ કશી ધાડ નથી મારતી. આ બધું તેની ફરજમાં આવે છે. સરકાર પ્રત્યે ભક્તિભાવ ન હોય એવી કોઈ પણ વ્યક્તિને સમજાઈ જશે કે ઉપરની લગભગ તમામ બાબતોમાં ગુજરાત સરકાર નિષ્ફળ રહી છે.
ફક્ત બે જ ઉદાહરણઃ એક મહિના પછી પણ હજુ રેમડેસિવિરનાં ઇન્જેક્શન સહેલાઈથી મળતાં થયાં નથી અને હજુ પણ ઑક્સિજનના અભાવે લોકો મૃત્યુ પામે છે.
***
સરકારી તંત્રમાં થયેલો વ્યક્તિગત સારો અનુભવ કોઈ શૅર કરે કે તે બાબતનો આનંદ કરે, તે સરકારની ભક્તિ નથી. પરંતુ એ વ્યક્તિ પોતાના અનુભવનું સામાન્યીકરણ કરીને, સરકારની એકંદર કામગીરીને બિરદાવવા બેસી જાય ત્યારે તે ભક્તિ બની જાય છે. કારણ કે, તેમાં બીજા અસંખ્ય લોકોની પીડા-વેદના-સ્વજનમૃત્યુની કારમી વાસ્તવિકતાનો ઇન્કાર કે અસ્વીકાર થાય છે.
ઉપરની યાદીમાંથી સરકાર કશુંક, થોડુંઘણું કરે કે તરત તેનાં ગીતડાં ગાવા બેસી જવું કે પછી સરકારનું ઉપરાણું તાણીને ‘ઓચિંતી આફત આવે તો સરકાર પણ બિચારી શું કરે’—એમ કહેવું, એ ભક્તિનો પોઝિટિવ ટેસ્ટ છે. સરકારની મુશ્કેલી સમજવા માટે પારાવાર ઉત્સુક અને સરકારના ટીકાકારોને ઉપદેશ આપવા તલપાપડ લોકો પોતાની જાતને 'તટસ્થ', 'પોઝિટિવ', ‘બંને બાજુનું જોનાર’ કે બીજું જે ગણતા હોય તે, પણ સાદા શબ્દોમાં તે ભક્તિમાર્ગી ગણાય. સામાન્ય રીતે આ માર્ગે કોઈ ભૂલથી ચઢતું નથી. છતાં, જેને એવું લાગતું હોય કે ભૂલથી કુંડાળામાં પગ પડી ગયો, તેમના માટે પાછા ફરવાનો સહેલો રસ્તો છેઃ સરકારની ટીકાને બદલે નાગરિકોની મુશ્કેલીઓ અંગે વધુ જીવ બાળવો-વધુ દુઃખી થવું.
જે ભક્તો કહેતા હોય કે 'અણધારી આફત આવી પડી, તેમાં સરકાર શું કરે' અને 'આવી તો કોઈને કલ્પના પણ નહીં' તેમને અહીં આપેલી લિન્ક અથવા ગુગલ પર શોધીને એ પ્રકારની બીજી લિન્ક આપવી. તેમાં ચોખ્ખું લખ્યું છે કે નવેમ્બર 2020માં સંસદીય સમિતિએ કેવી ચિંતા કરી હતી અને ઑક્સિજનના ઉત્પાદન અંગે પણ કેવી ભલામણ કરી હતી. શોધતાં આવા બીજા પણ ઘણા પુરાવા મળશે.
ઑક્સિજનના ઉત્પાદન અંગેની તૈયારીમાં સરકારી ગેરવહીવટ કેવો હતો તેનો ખ્યાલ આપતી આ લિન્ક પણ સાથે આપી શકાય.
https://www.barandbench.com/columns/10-things-to-know-about-oxygen-regulation-in-india
***
વાઇરસનો ચેપ આટલો વકર્યો તેના માટે લોકોની બેદરકારી બેશક એક મોટું પરિબળ છે. સાથોસાથ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી માંડીને નેતાઓની ફાંકાફોજદારી સુધી સરકાર પક્ષે લોકોને કયો સંદેશો આપ્યો છે? વડપ્રધાન લાખ-લાખ માણસની રેલીઓ કાઢતા હોય, રાજ્યના પક્ષપ્રમુખ માસ્ક વગર દાદા થઈને ફરતા હોય...
તેમ છતાં, બે ખોટાનો સામસામો છેદ નથી ઉડાડી શકાતો. લોકોની ભૂલ છે તે છે જ. પરંતુ તે વાઇરસનો ચેપ ફેલાવાના તબક્કા સુધી. (ઉપરની યાદીમાં તબક્કો ૩ અને ૪) એ સિવાયના બધા જ તબક્કામાં લોકો નથી આવતા. એટલે, જવાબદારીનો આળિયોગાળિયો લોકોના માથે નાખીને સરકારને બેકસૂર ઠરાવવાની અથવા સરકારનો દોષ ઓછો કરવાની ભરમાવું નહીં.
**
આ ઉપરાંત બીજા બે જવાબદારો છેઃ અફસરશાહી અને નફાખોરો-કાળાં બજારિયા-કૌભાંડીઓ-સંઘરાખોરો. બીજો વર્ગ મહદ્ અંશે સામજિક દૂષણ છે. તેમાં કોઈ સત્તાધીશની સામેલગીરી ન હોય તો તે સરકારનો દોષ નથી.
બાકી રહી અફસરશાહી. કોરોના જેવી પરિસ્થિતિમાં અફસરો શું કરી શકે? સરકારને ઢંઢોળી શકે, આગોતરું આયોજન કરી શકે, તેને અણગમતી વાસ્તવિકતા બતાવી શકે, તેનો મુકાબલો કરવાનું આયોજન રજૂ કરી શકે, તેમાં આવતી અડચણોના પોતાની આવડતથી ઉકેલ કાઢી શકે, આયોજનને અમલી બનાવવામાં સક્રિય ભૂમિકા ભજવી શકે. આઇ.એ.એસ. થયેલા લોકોની આવડત ધ્યાનમાં રાખતાં, તેમની પાસેથી આટલી અપેક્ષા રાખવાનું જરાય વધુ પડતું નથી.
તેમણે કમ સે કમ શું ન કરવું જોઈએ? સરકારને છાવરવી ન જોઈએ, તેના વતી જૂઠું ન બોલવું જોઈએ, તેના ઇમેજ મૅનેજમૅન્ટ અને હેડલાઇન મૅનેજમૅન્ટની લોકવિરોધી કામગીરી કરવી ન જોઈએ. ભ્રષ્ટાચાર વગેરે મુદ્દા અહીં લખવાની જરૂર નથી. એ તો કાયમી છે.
બીજા વેવના ખતરનાક સ્વરૂપના એક મહિના પછી પણ જે ભયંકર સ્થિતિ છે, તે ધ્યાનમાં રાખતાં કરવા જેવાં કામમાંથી બહુ ઓછાં થઈ શક્યાં હશે, એવું સહેજે માની શકાય. અફસરોનાં સારાં કામનો જશ સરકાર લે છે-તે પોતાની દેખરેખ-સૂચના-આગેવાની તળે થયેલાં ગણાવે છે. માટે જે કંઈ ન થયું તેની નિષ્ફળતાનો અપજશ પણ સરકારનો જ ગણાય.
મોટા ભાગના અફસરો નેતાઓની મરજીથી ઉપરવટ જઈને કંઈ કરતા નથી અથવા કરી શકતા નથી. એટલા માટે પણ અફસરશાહીના અપજશની સંપૂર્ણ જવાબદારી સરકારની ગણાય. એને બદલે સરકાર 'સિસ્ટમ' કહેતાં અફસરશાહીના માથે દોષનો ટોપલો ઢોળીને પોતે સાફ છટકી જવાની ફિરાકમાં રહે છે.
***
જાહેર-ખાનગી, સેવાભાવી-વ્યાવસાયિક, એમ હોસ્પિટલના તમામ પ્રકારના સ્ટાફથી માંડીને સ્વૈચ્છિક પ્રયત્નો દ્વારા દર્દીઓને મદદરૂપ થનારા તબીબી કર્મીઓ પોતપોતાની આવડત અને મર્યાદા પ્રમાણે કામ કરતા રહ્યા છે. બધાં માણસ સરખાં ન હોય—અને ખાસ કરીને આવા સંજોગોમાં ભલભલાની કસોટી થઈ જાય. તેમ છતાં જે કંઈ થઈ શક્યું તેમાં તબીબી સેવાકર્મીઓની કામગીરીનો મોટો ફાળો છે. આવા કપરા સંજોગોમાં કામ કરનારાં સૌ કોઈ તબીબી કર્મીઓને સલામ.
Saturday, May 01, 2021
બંગાળનાં પરિણામો પહેલાં
(૨) આ વખતે નવું જાણવા એ મળ્યું કે ઇવીએમ હૅક કર્યા વિના, તેમાંથી અમુક યુનિટને સાવેસાવ ગુમ કરી શકાય, થોડા સમય માટે તેમનો ફિઝીકલ કબજો મેળવીને (કદાચ તેમાંની ચીપ બદલીને) તેમને પાછાં મુકી શકાય, અમુક મશીન ગણતરીમાં જ ન લેવાય એવું તરકટ રચી શકાય...આ બધું સ્વીકાર્યા પછી પણ, ગુનો નિર્ણાયક રીતે સાબીત ન થાય અથવા તેના મજબૂત સાંયોગિક પુરાવા ન મળે, ત્યાં સુધી ચૂંટણીનું પરિણામ દલીલ વગર સ્વીકારવું પડે.
(૩) સૈંયા કોતવાલ હોય, ચૂંટણીપંચનું વલણ દેખીતી રીતે સરકારતરફી હોય, ત્યારે કશું નિર્ણાયક રીતે સાબીત કરવું અઘરું છે. છેલ્લા થોડા વખતમાં ચૂંટણીપંચ તરફથી એક વાર મુકેલાં પરિણામ ઉતારીને બીજી વાર પરિણામો મુકવા સુધીની સંદેહાસ્પદ ચેષ્ટાઓ થઈ છે. તેમ છતાં, ફક્ત આરોપ કરવાથી કશું વળે નહીં. એટલે, ચૂંટણીમાં ઉતર્યા તો પછી તેનું પરિણામ શાંતિથી સ્વીકારવું રહ્યું અને ગરબડ લાગતી હોય તો તે શી રીતે આધાર સાથે રજૂ કરી શકાય, તેના પ્રયાસોમાં રાજકીય પક્ષે ધ્યાન પરોવવું જોઈએ.
(૪) બંગાળમાં હરીફાઈ બે સજ્જન લોકશાહીપ્રેમીઓ વચ્ચેની નથી. એ બે આપખુદશાહો વચ્ચેની છે. મમતા બૅનરજી પણ તેમના બિનલોકશાહી વલણ માટે નામીચાં છે. છતાં, મમતા જીતશે તો જે આનંદ થશે, તે મમતાની જીતનો નહીં, તેમના કરતાં અનેક ગણા વધારે આપખુદોની હારનો થશે.
(૫) બંને સરખાં ખરાબ હોય તો એક પ્રત્યે પક્ષપાત કેમ? એવું કોઈને થઈ શકે. સીધી વાત છેઃ ભાજપ રાષ્ટ્રીય હાજરી અને કેન્દ્રમાં એકહથ્થુ સત્તા ધરાવતો વ્યક્તિકેન્દ્રી પક્ષ છે. તે જીતે તો તેની સત્તાના ભયંકર કેન્દ્રીકરણમાં વધારો થશે, આંગળીના વેઢે ગણાય એટલા વિપક્ષમાંથી પણ એક ઓછો થશે. સામે પક્ષે, મમતા જીતશે તો તેમના માથે કેન્દ્ર સરકારની લટકતી તલવાર રહેવાની જ છે અને તેમની હાજરી સ્થાનિક છે. એટલે મમતાની આપખુદશાહીથી આખા દેશને ખતરો નથી, જ્યારે ભાજપી આપખુદશાહીનો ખતરો દેશની લોકશાહી માટે ચાલુ વર્તમાનકાળ છે. એ બંનેને શી રીતે એકસરખાં ગણી શકાય? કોઈ દલીલ ખાતર કહી શકે કે મોદી પણ રાજ્યસ્તરેથી જ ઊભા થયા હતા. તેનો જવાબ એટલો જ છે કે મોદીની પછવાડે રાષ્ટ્રીય હાજરી ધરાવતા પક્ષ ભાજપ અને સંગઠનન આર.એસ.એસ.નું પીઠબળ હતું. મમતા પાસે બંનેમાંથી કશું નથી.
(૬) બંગાળમાં ભાજપને સત્તા નહીં મળે, તો બંગાળમાં રામરાજ્ય નથી આવી જવાનું. પણ તેનાથી સૌથી મોટો ફાયદો એ થશે કે વિપક્ષને કોઈ પણ ભોગે—ખરીદીને કે ડરાવીને—નેસ્તનાબૂદ કરવાના મોદી-શાહ એન્ડ કંપનીના પ્રયાસો પર થોડીક બ્રેક વાગશે. સત્તાના સંપૂર્ણ કેન્દ્રીકરણ દ્વારા લોકશાહીમાં જ આપખુદશાહી સર્જવાના તેમના અત્યાર સુધીના પ્રયાસોને ભારે સફળતા મળી છે. તેમની બધી અનિષ્ટ પ્રવૃત્તિઓના કરુણ શીખર જેવા કોવિડના ભયંકર મિસમૅનેજમૅન્ટ પછી, હવે તેમની રાજકીય પીછેહઠ થવી દેશ માટે આવશ્યક છે.
(૭) બંગાળનું ચૂંટણીયુદ્ધ સ્થાનિક મુદ્દાઓ અને નેતાઓની ન્યૂસન્સ વૅલ્યુના જોરે લડાયું હતું. તેનું પરિણામ આવશે તેમાંથી એ જોવાનું મળશે કે સ્થાનિક લોકોને કોની ન્યૂસન્સ વૅલ્યુ વધારે સ્વીકાર્ય લાગે છે. તે પરિણામોને કેન્દ્ર સરકારની વહીવટી (અણ)આવડતના લોકોએ કરેલા સ્વીકાર કે અસ્વીકાર તરીકે ખપાવી શકાય નહીં.
આટલું સમજવા માટે પરિણામોની રાહ જોવાની જરૂર નથી. મારે પણ નહીં ને તમારે પણ નહીં.
આપણે નાગરિક છીએ. આપણા મનમાં સ્પષ્ટ હોવું જોઈએ કે આપણે શાનો વિરોધ કરીએ છીએ અને કયા કારણથી. તો જ એ વિરોધ ટકે, ઠરે અને આપણને કોઈની પણ ભક્તિના રસ્તે જવા ન દે,
વિચારી જોજો અને યોગ્ય લાગે તો શૅર કરજો.