Saturday, May 01, 2021

બંગાળનાં પરિણામો પહેલાં

(૧) ઇવીએમ હેક થઈ શકે અને તેના હૅકિંગથી ચૂંટણી જીતી શકાય, એવું હજુ સુધી હું માનતો નથી. તેને લગતી દલીલો ઘણી થઈ છે, પણ હજુ સુધી મને તે ગળે ઉતરી નથી. એટલે, બંગાળની ચૂંટણીનાં જે કંઈ પરિણામ આવે તે શાંતિથી સ્વીકારવાં જોઈએ.

(૨) આ વખતે નવું જાણવા એ મળ્યું કે ઇવીએમ હૅક કર્યા વિના, તેમાંથી અમુક યુનિટને સાવેસાવ ગુમ કરી શકાય, થોડા સમય માટે તેમનો ફિઝીકલ કબજો મેળવીને (કદાચ તેમાંની ચીપ બદલીને) તેમને પાછાં મુકી શકાય, અમુક મશીન ગણતરીમાં જ ન લેવાય એવું તરકટ રચી શકાય...આ બધું સ્વીકાર્યા પછી પણ, ગુનો નિર્ણાયક રીતે સાબીત ન થાય અથવા તેના મજબૂત સાંયોગિક પુરાવા ન મળે, ત્યાં સુધી ચૂંટણીનું પરિણામ દલીલ વગર સ્વીકારવું પડે.

(૩) સૈંયા કોતવાલ હોય, ચૂંટણીપંચનું વલણ દેખીતી રીતે સરકારતરફી હોય, ત્યારે કશું નિર્ણાયક રીતે સાબીત કરવું અઘરું છે. છેલ્લા થોડા વખતમાં ચૂંટણીપંચ તરફથી એક વાર મુકેલાં પરિણામ ઉતારીને બીજી વાર પરિણામો મુકવા સુધીની સંદેહાસ્પદ ચેષ્ટાઓ થઈ છે. તેમ છતાં, ફક્ત આરોપ કરવાથી કશું વળે નહીં. એટલે, ચૂંટણીમાં ઉતર્યા તો પછી તેનું પરિણામ શાંતિથી સ્વીકારવું રહ્યું અને ગરબડ લાગતી હોય તો તે શી રીતે આધાર સાથે રજૂ કરી શકાય, તેના પ્રયાસોમાં રાજકીય પક્ષે ધ્યાન પરોવવું જોઈએ.

(૪) બંગાળમાં હરીફાઈ બે સજ્જન લોકશાહીપ્રેમીઓ વચ્ચેની નથી. એ બે આપખુદશાહો વચ્ચેની છે. મમતા બૅનરજી પણ તેમના બિનલોકશાહી વલણ માટે નામીચાં છે. છતાં, મમતા જીતશે તો જે આનંદ થશે, તે મમતાની જીતનો નહીં, તેમના કરતાં અનેક ગણા વધારે આપખુદોની હારનો થશે.

(૫) બંને સરખાં ખરાબ હોય તો એક પ્રત્યે પક્ષપાત કેમ? એવું કોઈને થઈ શકે. સીધી વાત છેઃ ભાજપ રાષ્ટ્રીય હાજરી અને કેન્દ્રમાં એકહથ્થુ સત્તા ધરાવતો વ્યક્તિકેન્દ્રી પક્ષ છે. તે જીતે તો તેની સત્તાના ભયંકર કેન્દ્રીકરણમાં વધારો થશે, આંગળીના વેઢે ગણાય એટલા વિપક્ષમાંથી પણ એક ઓછો થશે. સામે પક્ષે, મમતા જીતશે તો તેમના માથે કેન્દ્ર સરકારની લટકતી તલવાર રહેવાની જ છે અને તેમની હાજરી સ્થાનિક છે. એટલે મમતાની આપખુદશાહીથી આખા દેશને  ખતરો નથી, જ્યારે ભાજપી આપખુદશાહીનો ખતરો દેશની લોકશાહી માટે ચાલુ વર્તમાનકાળ છે. એ બંનેને શી રીતે એકસરખાં ગણી શકાય? કોઈ દલીલ ખાતર કહી શકે કે મોદી પણ રાજ્યસ્તરેથી જ ઊભા થયા હતા. તેનો જવાબ એટલો જ છે કે મોદીની પછવાડે રાષ્ટ્રીય હાજરી ધરાવતા પક્ષ ભાજપ અને સંગઠનન આર.એસ.એસ.નું પીઠબળ હતું. મમતા પાસે બંનેમાંથી કશું નથી.  

(૬) બંગાળમાં ભાજપને સત્તા નહીં મળે, તો બંગાળમાં રામરાજ્ય નથી આવી જવાનું. પણ તેનાથી સૌથી મોટો ફાયદો એ થશે કે વિપક્ષને કોઈ પણ ભોગે—ખરીદીને કે ડરાવીને—નેસ્તનાબૂદ કરવાના મોદી-શાહ એન્ડ કંપનીના પ્રયાસો પર થોડીક બ્રેક વાગશે. સત્તાના સંપૂર્ણ કેન્દ્રીકરણ દ્વારા લોકશાહીમાં જ આપખુદશાહી સર્જવાના તેમના અત્યાર સુધીના પ્રયાસોને ભારે સફળતા મળી છે. તેમની બધી અનિષ્ટ પ્રવૃત્તિઓના કરુણ શીખર જેવા કોવિડના ભયંકર મિસમૅનેજમૅન્ટ પછી, હવે તેમની રાજકીય પીછેહઠ થવી દેશ માટે આવશ્યક છે.

(૭) બંગાળનું ચૂંટણીયુદ્ધ સ્થાનિક મુદ્દાઓ અને નેતાઓની ન્યૂસન્સ વૅલ્યુના જોરે લડાયું હતું. તેનું પરિણામ આવશે તેમાંથી એ જોવાનું મળશે કે સ્થાનિક લોકોને કોની ન્યૂસન્સ વૅલ્યુ વધારે સ્વીકાર્ય લાગે છે. તે પરિણામોને કેન્દ્ર સરકારની વહીવટી (અણ)આવડતના લોકોએ કરેલા સ્વીકાર કે અસ્વીકાર તરીકે ખપાવી શકાય નહીં.

આટલું સમજવા માટે પરિણામોની રાહ જોવાની જરૂર નથી. મારે પણ નહીં ને તમારે પણ નહીં.

આપણે નાગરિક છીએ. આપણા મનમાં સ્પષ્ટ હોવું જોઈએ કે આપણે શાનો વિરોધ કરીએ છીએ અને કયા કારણથી. તો જ એ વિરોધ ટકે, ઠરે અને આપણને કોઈની પણ ભક્તિના રસ્તે જવા ન દે,

વિચારી જોજો અને યોગ્ય લાગે તો શૅર કરજો.

No comments:

Post a Comment