Tuesday, May 04, 2021

એક કોરોના-મિટિંગ

કોરોનાની વણસેલી પરિસ્થિતિને જોતાં સાહેબ અને અધિકારીઓ વચ્ચે મિટિંગ યોજાઈ છે. એક પછી એક માસ્કધારીઓ આવે છે અને લાંબા ટેબલની ફરતે ગોઠવાય છે.

અધિકારી ૧ (પ્યૂનને): ભાઈ, એસી વધાર જરા. પરસેવો છૂટી ગયો છે. 

પ્યૂન: સાહેબ, એસી વધારે જ છે. ક્યારનું ઠંડું કરી રાખ્યું છે. પણ તમને લોકોના ગુસ્સાને લીધે કદાચ...

(અધિકારી ડોળા કાઢે છે. એટલે પ્યૂન બોલતો અટકી જાય છે.)

અધિકારી ૨: આવા વખતે માસ્ક કેટલા સારા પડે, નહીં? 

અધિકારી ૩: હાસ્તો, ઇન્ફેક્શનની ચિંતા નહીં

અધિકારી ૨: ને ઓળખાઈ જવાની પણ. 

(સાહેબની પધરામણી થાય છે. સાહેબ પણ પરસેવો લૂછે છે. અધિકારી ૧ પ્યૂન સામે જુએ છે. પ્યૂન નીચું જોઈ જાય છે.)

સાહેબ: તમે લોકો શું કરો છો? આ બધું શું છે?

ખૂણામાંથી અવાજ: આ સવાલ પહેલાં તમારે તમારી જાતને પૂછવો જોઈએ એવું નથી લાગતું?

(સાહેબ ચમકીને અવાજ તરફ જુએ છે, પણ કંઈ દેખાતું નથી.)

સાહેબ (અધિકારી ૧ને) : તમે હમણાં કંઈ સાંભળ્યું?

અધિકારી ૧: તમે સાંભળ્યું, સાહેબ?

સાહેબ: ના.

અધિકારી ૧: બસ તો પછી, સાહેબ. તમે જે ન સાંભળી શકો, એ મેં શી રીતે સાંભળ્યું હોય? મારાથી સંભળાય જ શી રીતે? હું તો રાજ્યનો એટલે કે પક્ષનો એટલે કે આપનો...

ખૂણામાંથી અવાજ: ટૂંકમાં રાજ્યના લોકો સિવાય બધાનો...

(સાહેબ અવાજને અવગણીને ખોંખારો ખાય છે અને કપાળેથી પરસેવો લૂછીને ફરી શરૂ કરે છે. આ વખતે પ્યૂન મૂછમાં હસતો પાણી લાવવાના બહાને બહાર જતો રહે છે)

સાહેબ: તમને ખબર છે, આવું ને આવું ચાલશે તો શું થશે?

અધિકારી ૪: હા, સાહેબ. આપણે ચૂંટણી હારી જઈશું.

અધિકારી ૫: અહીં લોકોના જીવ જાય છે, સ્મશાનમાં ભઠ્ઠીઓ ને લાકડાં ખૂટી પડ્યાં છે ને તમને ચૂંટણીની પડી છે?

ખૂણામાંનો અવાજ: કોણે બોલવાના ડાયલોગ કોણ બોલે છે....

(સાહેબના હાવભાવ પરથી જણાય છે કે તેમણે અવાજ સાંભળ્યો તો છે. પણ તે અકળામણથી અવગણે છે.)

સાહેબ (અધિકારી ૪ને): પરિસ્થિતિ આટલી ગંભીર છે—વાત ચૂંટણીમાં ખરાબ અસર પડવા સુધી આવી ગઈ છે અને તમે લોકો કંઈ કરતા નથી? તમને સમજાતું નથી કે દેશના ભવિષ્યનો સવાલ છે? 

અધિકારી ૪: એવું નથી સાહેબ, અમે થાય એટલું બધું કરીએ છીએ. (એમ કહીને આખા રાજ્યમાં આટલા બેડ છે, આટલો ઓક્સિજન છે, આટલી રેમડેસિવિર છે એવા આંકડા બોલવાના ચાલુ કરે છે.)

સાહેબ : તમે લોકો મને મૂરખ સમજો છો? આ તો કાલે આપણી જાહેરખબરમાં છાપવાના આંકડા છે. 

અધિકારી ૧ : સૉરી સાહેબ. ભૂલથી બીજું કાગળ આવી ગયું હતું. અમારો ઇરાદો તમને ગેરરસ્તે દોરવાનો કે તમારા સવાલનો ઉડાઉ જવાબ ન હતો. રીઅલી સૉરી.

સાહેબ: ઇટ્સ ઑલ રાઇટ. આગળ વધો. બોલો. તમે શું કર્યું?

અધિકારી ૧ : સાહેબ, પેલું રેમડેસિવિરનાં ઇન્જેક્શનવાળું થયું હતું ને? 

સાહેબ (સહેજ ચિઢાઈને) : હા, તે એનું શું છે? એવાં સળગતાં લાકડાં શું કરવા યાદ કરાવો છો?

અધિકારી ૧ : ના સાહેબ. એ જ કહેવા માટે કે એ સળગતું લાકડું કેવું એક જ દિવસમાં ઓલવી નાખ્યું? પછી એના વિશે કોઈએ કંઈ લખ્યું?

સાહેબ: ઠીક છે. પણ આ તો ડૅમેજ કન્ટ્રોલ થયો. પૉઝિટિવ કામ શું કર્યું?

અધિકારી ૨ : હોય સાહેબ? સૂચના મુજબ સોશિયલ મિડીયા પર કેટલા બધા લોકોને પૉઝિટિવ લખવા અને પૉઝિટિવિટી ફેલાવવા લગાડી દીધા છે. બીજા કેટલાકને એવું સોંપી દીધું છે કે તમે મહારાષ્ટ્ર અને બંગાળની, રેલી સિવાયની, વાતો લાવતા રહો. ત્રીજો વર્ગ ‘દેશે તમારા માટે શું કર્યું એ નહીં, તમે દેશ માટે શું કર્યું એ કહો.’—એવું બધું લખીને રોષે ભરાયેલા લોકોને શરમમાં નાખવા કોશિશ કરે છે. તમે કહેતા હો તો ટીકાકારો પર યુએપીએ કે રાજદ્રોહ...?

સાહેબ (પ્રસન્નતા માંડમાંડ ખાળીને) : હમણાં એ રહેવા દો. પછી જોઈશું. અત્યારે આપણે મુખ્ય કામમાં ધ્યાન આપો. 

ખૂણાનો અવાજ: મુખ્ય કામ એટલે મેટ્રો કે કોઈ નવું વિશ્વનું વધુ મોટામાં મોટું સ્ટેડિયમ કે સ્ટેચ્યુ ઑફ કૅલેમિટી કે એવું કંઈ? 

સાહેબ (ગિન્નાઈને, અધિકારી ૧ને) : સૌથી પહેલાં તો, આવતી વખતથી તમે મિટિંગનું સ્થળ બદલી નાખજો. અને બીજો મિટિંગ હૉલ ન હોય તો તે બંધાવી દેજો. આ જગ્યામાં કંઈક લાગે છે. ભૂત-પ્રેત-આત્મા...તમે માનો છો એવું કંઈ?

અધિકારી ૧ : બિલકુલ નહીં સાહેબ. હું તો આત્મામાં કે આત્માના અવાજમાં—કશાયમાં નથી માનતો. 

સાહેબ: વેરી ગુડ. દેશ આવી રીતે વિજ્ઞાનના રસ્તે ચાલશે તો જ આગળ આવશે. 

અધિકારી ૧ : પણ અગાઉના અધિકારી કહેતા હતા કે આ રૂમમાં ઘણાને આત્માનો ખોવાયેલો અવાજ સંભળાય છે.

સાહેબ: છોડો એ વાત. આપણે એટલું કરી દો કે જિલ્લે જિલ્લે, તાલુકે તાલુકે, ગામડે ગામડે આપણા કાર્યકરો નીમી દો. 

અધિકારી ૧ : એ લોકોને કોરોના-મૅનેજમૅન્ટ ફાવશે?

સાહેબ : એની કોણ વાત કરે છે? એ લોકો સ્થાનિક લોકોનો ગુસ્સો ઉતરે, એટલે તેમને ફરી આપણી બાજુ વાળી લેશે. એક વાર આવતી ચૂંટણી આપણે જીતી જઈએ તો કોરોના-ફોરોનાને તો જોઈ લઈશું. 

(ગુજરાતમિત્ર, રવિવારની પૂર્તિ, ૨૫-૪-૨૧. લખ્યા તા. ૨૧-૪-૨૧)

No comments:

Post a Comment