Tuesday, May 11, 2021

કળીયુગની ભક્તસંહિતા

--પછી શિષ્યોએ પૂછ્યું કે ‘હે ગુરુદેવ, મધ્યકાળમાં ભક્તોની ઓળખ સરળ હતી. તે ભજનો રચતાં, ગાતાં અને ભવિષ્યનાં પાઠ્યપુસ્તકો માટે સામગ્રી પૂરી પાડવાની કોઈ સભાનતા વિના, દુનિયાદારીનું ભાન ભૂલીને ઈશ્વરની ભક્તિમાં લીન રહેતાં. પરંતુ ઘોર કળીયુગમાં ભક્તોની પિછાણ શી રીતે કરવી? અમારા સંશયનું છેદન અને જિજ્ઞાસાનું શમન કરો.’

ગુરુ બોલ્યા,
‘હે શિષ્યો, ઘોર કળીયુગમાં જ્યારે વિદ્યાને બદલે અવિદ્યાનો મહિમા છે, ત્યારે તમારાં સંશય અને જિજ્ઞાસા વિશે જાણીને હું પ્રસન્ન થયો છું. તેથી જેટલું બોલીને હું પૉઝિટિવિટીના કે પ્રેરણાના કે લાઇફ-કોચિંગના વર્ગોમાંથી તગડી રકમ પ્રાપ્ત કરી શકું, તેટલું જ્ઞાન હું તમને—મારા ટ્યૂશનાર્થીઓને—વધારાની કોઈ ફી વિના આપીશ.’

 ‘હે શિષ્યો, જેમ વરસાદ વિશે જાણવા માટે વાદળાં વિશે જાણવું આવશ્યક છે, તેમ કળીકાળમાં ભક્તોના પ્રકાર વિશે જાણતાં પહેલાં તેમના આરાધ્ય વિશે જાણવું અનિવાર્ય છે. અલબત્ત, વર્તમાન કાલખંડમાં ગુર્જરદેશ અને સમગ્રતયા ભારતવર્ષમાં એક જ આરાધ્ય વિદ્યમાન હોવાનું પ્રતીત થાય છે. એટલે તેમના ભક્તોને લક્ષ્યમાં રાખીને હું મીમાંસા કરીશ.’

‘ભક્તોના મુખ્યત્વે ત્રણ પ્રકાર હોય છે. પહેલો અને મુખ્ય પ્રકાર ભારતની પ્રાચીન ભક્ત પરંપરા સાથે સીધું સામ્ય ધરાવે છે. પ્રાચીન ભક્તો પોતાની ભક્તિ છુપાવવાને બદલે તેને બેધડક જાહેર કરતા હતા. સંજોગો વિપરીત હોય કે અનુકૂલ, ભક્તિથી નુકસાન થવાનો સંભવ હોય કે ફાયદો, તે આવો કશો વિચાર કરવાને બદલે, લોકલાજથી ડર્યા વિના કે લોકનિંદાથી ડગ્યા વિના, ‘એવા રે અમે એવા’ કહેતા હતા. વર્તમાનમાં પણ આ પ્રકારના ભક્તો નોંધપાત્ર સંખ્યામાં જોવા મળે છે. તે લાભાલાભ જોવાને બદલે, પ્રતિષ્ઠાનું કે સન્માનનું બલિદાન આપીને પણ ભક્તિમાર્ગેથી ચળતા નથી. વાસ્તવિકતાનાં ગમે તેટલાં પ્રમાણપુરાવા કે આલેખન તેમને ભક્તિમાર્ગેથી પાછા વાળી શકતાં નથી. આરાધ્ય સાથે તેમનું મનોસંધાન એ હદે એકરૂપ થયેલું હોય છે કે બ્રેઇન સ્ટ્રોકને પણ તે માસ્ટર સ્ટ્રોક ગણીને તેનો ઉત્સવ મનાવી શકે છે.’

‘આવા ભક્તોની ઓળખ જરાય કઠણ નથી. તમારું ધ્યાન ન હોય તો તે તમને સામેથી ઢંઢોળીને પોતાની ભક્તિના પુરાવા અને નિદર્શન આપ્યા કરશે. એક ચૂકી ગયા તો બીજું ને બીજું ચૂક્યા તો ત્રીજું. હા, એટલું ખરું કે આટલી પ્રખર ભક્તિ માટે કયાં પરિબળ જવાબદાર છે તે દરેક પ્રસંગે જાણવું શક્ય નથી હોતું. પરંતુ સામાન્ય રીતે વિધર્મીદ્વેષ અને વિચારદોષથી માંડીને આર્થિક પ્રલોભન જેવાં કારણોમાંથી તે જન્મે છે અને પોતાની ઓળખના પર્યાય તરીકે તે સ્થિર થાય છે. ત્યાર પછીનો તબક્કો ભક્ત અને આરાધ્યના--જીવ અને શિવના—એકપક્ષી એકત્વનો છે. તેમાં આરાધ્યના અપમાનમાં ભક્તને પોતાનું અપમાન લાગે છે અને આરાધ્યની અક્ષમ્ય ભૂલ અભૂતપૂર્વ ઐતિહાસિક સિદ્ધિ લાગે છે. સંસારમાં આવા ભક્તોના વિચરણથી ભક્તિમાર્ગ ફૂલેફાલે છે.’

આટલું કહીને ગુરુજી અટક્યા, કપાળ પર એકઠી થયેલી રેખાઓને વેરવિખેર થવા થોડી ક્ષણો આપી, પછી પાણીના બે ઘૂંટ પીને, ઊંડો શ્વાસ લઈને તેમણે આગળ ચલાવ્યું.

‘બીજા પ્રકારના ભક્તો સંસારના સામાન્ય વ્યાપારો પૂરી સ્વસ્થતાથી પાર પાડે છે. પોતે ભક્ત છે એવું જાહેર કરવું તેમને ગમતું નથી. પોતાના આરાધ્યની છબી ચિત્તમાં સ્થાપીને તે આશ્વસ્ત અને સંતુષ્ટ હોય છે. ભક્ત તરીકે ઓળખાવાની તેમને કોઈ એષણા હોતી નથી. ઉલટું તે પોતે સંસારીઓને છેતરવા માટે એવો સ્વાંગ ધરે છે, જાણે તે ભક્ત નથી. કેમ કે, તેમને મન આ તેમના અને તેમના આરાધ્ય વચ્ચેનો સંબંધ છે. તેને દુનિયા સમક્ષ છતો કરીને એ સંબંધની નજાકતને શા માટે આંચ આવવા દેવી? પરંતુ કસોટીની ઘડીમાં આરાધ્ય પર પ્રહારો થાય ત્યારે આવા ભક્તો પાછા પડતા નથી. તે આરાધ્યના સીધા કે આડકતરા સમર્થનમાં તર્કાભાસી દાખલાદલીલો કરે છે, આરાધ્યના ટીકાકારોની સમજશક્તિ વિશે શંકા વ્યક્ત કરે છે અને ઠાવકાઈ છોડ્યા વિના, અંતરમાં રહેલી આરાધ્યની છબી છતી થઈ ન જાય એ રીતે, આરાધ્યના આક્રમક કે રક્ષણાત્મક બચાવમાં પ્રવૃત્ત રહે છે. તેમને ભક્ત કહેવામાં આવે, તો તે અંદરથી ટાઢક અનુભવતા હોવા છતાં સંસારીઓને અંધારામાં રાખવા માટે હળવો રોષ પણ વ્યક્ત કરે છે.’

‘અને ત્રીજો પ્રકાર?’ એક શિષ્યે અધીરાઈથી પૂછ્યું.

‘એ પ્રકારની ઓળખ ઘણા માટે કસોટીરૂપ બની રહે છે. પહેલા બંને પ્રકારના ભક્તો બરાબર સમજે છે કે પોતે ભક્ત છે. પરંતુ ત્રીજા પ્રકારના ભક્તો પોતાની જાતને પણ એવું જ ઠસાવે છે કે તે ભક્ત નથી. કુદરતની લીલા એવી છે કે આ કિસ્સામાં જાતને છેતરવી સહેલી છે, પણ બીજાને છેતરવાનું અઘરું છે. કોઈને જ્યારે તેમના આરાધ્યના પહાડ જેવડા દોષ રજકણ જેવા લાગતા હોય, એ દોષની ટીકા કરનારા દિશા ભટકી ગયેલા કે સમાજના-દેશના હિતશત્રુ લાગતા હોય, આરાધ્યના ગૌરવ અને આરાધ્યની પીડા સામે બાકીના લોકોની પીડા અને ગૌરવ તેમને ગૌણ લાગતાં હોય, તે હકારાત્મકતા, ચિંતન, આશા, પ્રેરણાની પીંછીથી આરાધ્યના ટીકાકારોને હલકા ચીતરીને, આરાધ્યને આંચમુક્ત રાખવા પ્રવૃત્ત હોય, ત્યારે તેમને આ પ્રકારના ભક્ત જાણવા. જો તે સ્વીકારતા હોત તો બીજા પ્રકારમાં હોત. એટલે આ કિસ્સામાં તેમનો અસ્વીકાર એ પણ તેમની ભક્તિનું પ્રમાણ છે. અસ્તુ.’

આ સાંભળીને જેમ શિષ્યોની જિજ્ઞાસાનું શમન થયું, તેમ વાચકોની જિજ્ઞાસાનું પણ થાઓ.

1 comment:

  1. Anonymous6:34:00 PM

    some writers, poet and lecturers are coming in this third category, they show up like they are neutral but arguing with soft corner of their GOD,
    Very nice Urvishbhai, thanks
    Manhar Sutaria

    ReplyDelete