Tuesday, May 25, 2021

મિટિંગ-ગંગા, ઇમેજ-ચંગા

એક મિટિંગ ભરાઈ છે. તેમાં મહત્ત્વના મુ્દ્દા અંગે ચર્ચા ચાલે છે.  

અફસર: આ પેલું શબવાહિનીનું શું કરીશું?

કર્મચારી ૧: હવે તો મરણાંક ઓછો થયો છે. એટલે કહેવામાં વાંધો નથી કે હવે તો શબવાહિનીની ખરેખર અછત નથી.

કર્મચારી ૨: પણ કહેતી વખતે જરા ધ્યાન રાખવું પડે. ‘હવે’ અને ‘ખરેખર’ જેવા શબ્દો કહીશું તો લોકો તૂટી પડશે કે પહેલાં ખરેખર શબવાહિનીની અછત હતી. 

અફસર: તમને શું લાગે છે? આપણે શબવાહિની જેવા વિષય પર આટલો સમય બગાડવા ભેગાં થયાં છીએ? હું તો પેલી શબવાહિની ગંગાની વાત કરતો હતો.

કર્મચારી ૩: અરે હા, એ કવિતાએ તો જબરો ઉપાડો લીધો ને કાંઈ. મને તો એમ કે ગુજરાતમાં ગળપણવાળી કવિતા જ ખપે.

કર્મચારી ૧: આપણે એ લાઇનના ઘણા લોકો જોડે દોસ્તી છે. આપણે એમને ક્લબમાં બોલાવીએ ને એટલે. તેમાંથી એક જણે મને જવાબ આપવાને બદલે સામું પૂછ્યું કે પેલું ‘કોલાવરી કોલાવરી ડી’ ગાયન કેમ ચાલ્યું હતું?

કર્મચારી ૩: (માથું ખંજવાળીને) કેમ ચાલ્યું હતું?

કર્મચારી ૧: એમને પણ ખબર ન હતી. એટલે કહે, એવું જ છે. અમુક વસ્તુ કેમ ચાલે છે, એની ચૂંથમાં નહીં પડવાનું . એ ચાલતી હોય ત્યારે એની અડફેટે આવી ન જવાય એટલું જ ધ્યાન રાખવાનું. 

અફસર: લોકલાગણી?

કર્મચારી ૧: ના. ધંધાનું ધ્યાન.
અફસર: પણ ઘણાએ તો એનો બહુ વિરોધ કર્યો. 

કર્મચારી ૨: કેમ સાહેબ? ધંધાનું ધ્યાન એક જ રીતે રખાય?

કર્મચારી ૩: પણ મારા હિસાબે, કવિતાની તરફેણ કરનારા બધા ચોખ્ખા ન હોય ને વિરોધ કરનારા બધા વેચાયેલા પણ ન હોય. ખરું કે નહીં?

કર્મચારી ૧: ચોક્કસ વળી. ઘણા માટે આ ધંધાનો નહીં, ધાર્મિક લાગણીનો મુદ્દો બની ગયો.

અફસર: ગંગાને શબવાહિની કહી એટલે? 

કર્મચારી ૧: ના ભઈ ના. એવું હોત તો ગંગામાં વહેતા મૃતદેહોથી જ તેમની લાગણી ન દુભાઈ ગઈ હોત? પણ સાહેબધર્મીઓ માટે તો ધાર્મિક લાગણી એટલે સાહેબની ટીકા.

કર્મચારી ૩: પણ એક વિદ્વાને તો મને એવું સમજાવ્યું કે ગંગામાં મૃતદેહો વહેતા મુકવા એ તો આપણી પરંપરા છે. એ તો સનાતન ધર્મ ને આપદ્ ધર્મ ને યુગ ધર્મ ને એવું બધું ભારેભારે કહેતા હતા ને કંઈક નામો પણ ગબડાવતા હતા. 

કર્મચારી ૧: પછી?

કર્મચારી ૩: હું તો તેમના પગે પડી ગયો. મેં કહ્યું કે મહારાજ, તમારા શાસ્ત્રજ્ઞાન આગળ મારી શી વિસાત? તમે કહેતા હો તો તમારા માટેની આવી વ્યવસ્થાની જવાબદારી હું ઉપાડી લઉં. હું તો ઇચ્છું કે તમે સવા સો વરસ જીવો ને પછી વિદાય લો. ત્યારે હું તો ન હોઉં. એ વખતે તમને આવી શાસ્ત્રોક્ત ગતિ પ્રાપ્ત થાય એની જવાબદારી મારા વારસોને ચીંધતો જાઉં.

અફસર: શું વાત કરો છો. 

કર્મચારી ૩: ભઈ, આપણે આનાથી વધારે શું કરી શકીએ? 

કર્મચારી ૧: તેમણે શું કહ્યું?

કર્મચારી ૩: મને એમ કે મારી વાત સાંભળીને તે રાજી થશે. પણ એ તો નારાજ થઈ ગયા અને ધુંધવાતા રામ..રામ..બોલતા ચાલ્યા ગયા. એમના ગયા પછી મને કોઈકે સમજાવ્યું કે કે એ રામ..રામ.. નહીં, નથુરામ..નથુરામ...બોલતા હતા. ફરી ધ્યાન રાખજો. 

કર્મચારી ૨: વાહ, શી એમની ધાર્મિકતા ને શી એમની શાસ્ત્રસમજ. 

અફસર: પણ આપણી ચર્ચા તો ઊભી જ છે. એ કવિતાનું કરવાનું શું?

કર્મચારી ૩: સૉરી સાહેબ, પણ મારે પહેલાં તો એક ચોખવટ પૂછવી છેઃ કવિતા એ રાજ્યનો વિષય ગણાય કે કેન્દ્રનો? 

કર્મચારી ૧: એવી કોઈ માર્ગદર્શિકા નથી. વત્તા કવિતા ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ એક્ટમાં આવે કે નહીં, એ પણ સ્પષ્ટ થતું નથી. 

અફસર: કવિતા નબળી હોય તો ડિઝાસ્ટર એક્ટમાં ન આવે. પણ કવિતા સબળી હોય ને સરકાર માટે ડિઝાસ્ટર જેવી પુરવાર થાય તો કદાચ આપણે તેને એક્ટમાં આવરી શકીએ. 

કર્મચારી ૨: અને આપણી તરફેણમાં બોલનારા આટલા બધા લોકોની સેવાઓનું શું?

અફસર: સેવાઓ? (મોટેથી હસે છે) તમે આટલા બધા ભોળા રહેશો તો કેમ ચાલશે?... પણ મૂળ સવાલ એ છે કે આ કવિતાનું શું કરવું?

કર્મચારી ૧: સાહેબ, આ તો જંગલમાં સિંહ સામે મળે તો શું કરવું, એના જેવો સવાલ છે. જે કરવાનું હતું એ તો કવિતાએ કરી જ લીધું છે. 

અફસર: તમને શું લાગે છે? લોકો ખરેખર આટલા દુઃખી હશે? કે આ દેશને બદનામ કરવાનું કાવતરું છે?

કર્મચારી ૧: સાહેબ, મને તો બિલ્લા-રંગાને બદનામ કરવાનું કાવતરું લાગે છે.

અફસર: શીઇઇઇઇઇશ...એ બે નામ તો આપણે ચર્ચામાં લાવવાનાં જ નથી. મારા સવાલનો જવાબ વિચારવાનો છે. 

કર્મચારી ૧: સાહેબ, મેં આ લાઇનના કેટલાક લોકો જોડે વાત કરી. એમને તો લાગે છે કે લોકો જરાય દુઃખી નથી અને હોય તો પણ એમાં આપણી કશી જવાબદારી નથી. જે થયું એના માટે લોકો જ જવાબદાર છે. એટલે મને તો લાગે છે કે કવિતા લખનારને છોડો, લોકો સામે જ રાજદ્રોહની કાર્યવાહી અંગે વિચારવું જોઈએ—અને શક્ય હોય તો શબવાહિની બની ગયેલી ગંગામાં તરતા મૃતદેહોને પણ તેમાં સામેલ કરવા અંગે વિચારવું જોઈએ. આખરે તો આપણી એટલે કે દેશની ઇમેજનો સવાલ છે, સાહેબ.

No comments:

Post a Comment