Tuesday, April 05, 2016

ભવ્ય વારસાનું ગૌરવ લેવા માટેનો આદર્શ કોણ? આર્યભટ્ટ કે જીવરામ ભટ્ટ?

મનુષ્યના જન્મસમયે તેના ગ્રહોની સ્થિતિ જોઇને ભવિષ્યનો વર્તારો કાઢવાનું શાસ્ત્રએટલે ફળજ્યોતિષ. તેનું કોઇ શાસ્ત્ર છે કે કેમ, એ ગંભીર શંકાનો મુદ્દો છે. એ હોય તો પણ હજુ સુધી વિજ્ઞાનની અગ્નિપરીક્ષામાંથી પાસ થઇ શક્યું નથી, એ હકીકત છે. ફળજ્યોતિષના નામે ચાલતી અનેકવિધ છેતરપીંડીઓ અને માણસની લાચારીનો ગેરલાભ લેવાના ગોરખધંધાને લીધે ફળજ્યોતિષ ફક્ત અવૈજ્ઞાનિકતા-અંધશ્રદ્ધા જ નહીં, ઠગાઇ માટે પણ ચર્ચામાં રહે છે. વાસ્તવમાં ભારતનો ભવ્ય વારસો ફળજ્યોતિષનો નહીં, નક્કર વિજ્ઞાન એવા ખગોળશાસ્ત્રનો હતો. સાયન્સ ઇન એન્શ્યન્ટ ઇન્ડિયા’ (બ્રેકથ્રુ સાયન્સ સોસાયટી, કૉલકાતા)માં  જણાવ્યા પ્રમાણે, વૈદિક કાળમાં (ઇસવી સન પૂર્વે ૧૫૦૦થી ઇસવી સન પૂર્વે ૬૦૦ વચ્ચે) ભારતમાં ફળજ્યોતિષનું અસ્તિત્ત્વ જ ન હતું. એટલે કે, ગ્રહોની માનવજીવન પર અસર થાય છે એવી માન્યતા ત્યારે ન હતી.

વૈદિક કાળ પછીના સમયમાં, ઇસવી સન ૧૦૦થી ઇસવી સન ૫૦૦ વચ્ચે ખગોળશાસ્ત્રમાં નોંધપાત્ર કામ થયું, જે સિદ્ધાંત જ્યોતિષતરીકે ઓળખાય છે. એ સમયગાળા દરમિયાન લખાયેલાં સૂર્યસિદ્ધાંત’, ‘વશિષ્ટસિદ્ધાંત’, ‘પિતામહસિદ્ધાંતજેવાં ઘણાં પુસ્તકોનો જ્ઞાનસંગ્રહ સામુહિક રીતે સિદ્ધાંતજ્યોતિષ કહેવાય છે. આ શ્રેણીનાં પુસ્તકોમાં ભારતીય જ્ઞાન ઉપરાંત યવનસિદ્ધાંત’, ‘પૌલિશસિદ્ધાંતજેવા કેટલાક ગ્રંથો પણ છે, જે સિકંદર (ઇસવી સન પૂર્વે ૩૫૬થી ઇસવી સન પૂર્વે ૩૨૩) પછીના સમયગાળામાં રચાયા. બન્ને પ્રજાઓ વચ્ચેના આદાનપ્રદાનના પરિણામ જેવા આ ગ્રંથોમાં ગ્રીક અને રોમન પ્રજામાં પ્રચલિત વિચારો-માહિતીના સંગ્રહ છે. ફળજ્યોતિષનો- ગ્રહોની માનવજીવન પર કથિત અસરનો ખ્યાલ પહેલી વાર આ ગ્રંથોમાં જોવા મળે છે, એવું નોંધીને સાયન્સ ઇન એન્શ્યન્ટ ઇન્ડિયામાં જણાવાયું છે, ‘(ફળજ્યોતિષના નામે ચાલતી) અંધશ્રદ્ધા આપણે ત્યાં પશ્ચિમથી આયાત થઇ હોય એમ જણાય છે.

જે કાળમાં પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, એ વાત સમજાઇ ન હતી, ત્યારે એક વર્ષની લંબાઇ (એટલે કે પૃથ્વીને સૂર્યની આસપાસ આખું પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય) સિદ્ધાંતજ્યોતિષમાં આબાદ રીતે ગણી કાઢવામાં આવી હતી. એ સમયના અભ્યાસીઓએ જોયું કે સૂર્ય રોજ પૃથ્વીને ચકરાવો મારીને આથમે છે, પણ બીજા દિવસે તેની ઉગવાની જગ્યા થોડી બદલાતી રહે છે. રોજ સૂર્ય એક જગ્યાએથી ઉગતો નથી, પણ દર ૩૬૫ દિવસે ફરી લગભગ એ જ જગ્યાએથી તેનો ઉદય થાય છે. અલબત્ત, એ જગ્યામાં અને ૩૬૫ દિવસ પહેલાં સૂર્ય જ્યાંથી ઉગ્યો હતો એ જગ્યામાં મામુલી તફાવત તો રહી જાય છે.

ચોક્સાઇપૂર્વકની ગણતરી માંડીને તેમણે શોધી કાઢ્‌યું કે ૪૩,૨૦,૦૦૦ વર્ષના એક મહાયુગપછી સૂર્ય બરાબર અગાઉના રસ્તે ઉગવો જોઇએ. એ વખતે દશાંશ પદ્ધતિ શોધાઇ ન હતી. તેની અવેજીમાં લાંબા સમયગાળાનો અને મોટી રકમોનો ઉપયોગ કરવામાં આવતો. સિદ્ધાંતજ્યોતિષનાં પુસ્તકોમાં તારવેલા આંકડા પ્રમાણે  ગણતરી માંડવામાં આવે, તો એક વર્ષની લંબાઇ ૩૬૫.૨૫૮ દિવસ થાય.  આ માપ એક વર્ષના અત્યારના માપ (૩૬૫.૨૪૨ દિવસ)થી સાવ નજીકનું છે.

ખગોળની જેમ ભાષાના મામલે પણ પ્રાચીન ભારતમાં નોંધપાત્ર કામ થયું. ઇસવી સન પૂર્વે ચોથી સદીમાં થયેલા પાણિનીએ સંસ્કૃત વ્યાકરણના નિયમો તૈયાર કર્યા અને ભાષાને સુવ્યવસ્થિત સ્વરૂપ આપ્યું. ત્યાર પહેલાંના સમયમાં (વેદકાળમાં) સંસ્કૃતનાં અનેક સ્વરૂપ હતાં. પાણિનીએ તેમાંથી સ્ટાન્ડર્ડ અને સર્વમાન્ય-સર્વસામાન્ય બની રહે એવી સંસ્કૃત ભાષાનું માળખું ઘડ્યું. દેવનાગરી કક્કામાં મોઢામાંથી અક્ષર ક્યાંથી ઉચ્ચારાય છે, તેના સ્થાન પ્રમાણે પાંચ-પાંચના ઝૂમખામાં મૂળાક્ષરોની ગોઠવણી ભાષાકીય દૃષ્ટિએ અદ્વિતિય વૈજ્ઞાનિક સિદ્ધિ છે.




સિદ્ધાંતજ્યોતિષ પછીના સમયમાં ખગોળ અને ગણિતમાં મોટી સિદ્ધિઓ મેળવનારા વિદ્વાનો પાક્યા. ભારતના પહેલા કૃત્રિમ ઉપગ્રહને જેમનું નામ આપવામાં આવ્યું હતું તે આર્યભટ્ટ (ઇસવી સન પાંચમી સદી)થી માંડીને વરાહમિહિર (છઠ્ઠી સદી), બ્રહ્મગુપ્ત (સાતમી સદી) જેવાં બીજાં પણ ઘણાં નામ તેમાં ગણાવી શકાય. આર્યભટ્ટે સિદ્ધાંતિક ખગોળશાસ્ત્રની --એટલે કે ગણિતની મદદથી ગ્રહોનાં સ્થાન  જાણવાની શરૂઆત કરી. ત્યારથી ખગોળ અને ગણિત અભિન્ન બની રહ્યાં છે. આગળ જણાવ્યું તેમ, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એ ત્યારના લોકોને સમજાયું ન હતું. પણ આર્યભટ્ટ એવા પહેલા વિદ્વાન હતા, જેમણે કહ્યું કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે. એટલે જ પૃથ્વી પરથી સૂર્ય ગતિ કરતો દેખાય છે. હકીકત એ પણ છે કે તેમના પછી આવેલા વરાહમિહિર અને બ્રહ્મગુપ્ત જેવા વિદ્વાનોએ ખગોળશાસ્ત્રમાં પૃથ્વીના ધરીભ્રમણ જેવો કાલ્પનિકખ્યાલ રજૂ કરવા બદલ આર્યભટ્ટની ટીકા કરી હતી. ૧૫મી સદીમાં યુરોપમાં રેનેસાં (નવજાગરણ) યુગ પછી ટેલીસ્કોપની મદદથી ગેલિલિયો અને કૉપરનિકસ જેવાઓએ ખગોળશાસ્ત્રની સમજમાં ક્રાંતિકારી પરિવર્તન આણ્યું, જેની સાથે ભારતીય કે અરબી ખગોળશાસ્ત્ર કદમ મિલાવી શક્યું નહીં.

પ્રાચીન ભારતની આવી ઘણી સિદ્ધિઓ વિશે વાત કરતું પુસ્તક સાયન્સ ઇન એન્શ્યન્ટ ઇન્ડિયાટૂંક સમયમાં ગુજરાતીમાં પણ પ્રકાશિત થવાનું છે. માટે, વાસ્તવિક સિદ્ધિઓ અને વાર્તાઓનાં બીજાં ઉદાહરણની વાત રહેવા દઇને, મુખ્ય સવાલની વાત કરીએ : ભારતમાં સર્જાયેલો જ્ઞાનભંડાર ગયો ક્યાં? ભારતની અવદશા કેમ થઇ?

સામાન્ય રિવાજ એવો છે કે ભારતની ખરાબ સ્થિતિ માટે મુસ્લિમ આક્રમણખોરો પર દોષનો ટોપલો ઢોળવો. કેટલાક ઝનૂની મુસ્લિમ આક્રમણખોરોએ સમૃદ્ધ પુસ્તકાલયો સળગાવ્યાં હતાં એ હકીકત છે. પરંતુ એ ભારતના લુપ્ત જ્ઞાનવારસા અંગેનો સગવડીયો અને સાવ અધૂરો જવાબ છે. હકીકતમાં, જ્ઞાતિપ્રથાના ચુસ્ત અમલે જ્ઞાન પર અનેક પ્રકારની બંધીઓ લાદી. જ્ઞાનપંરપરા ઝંખવાવાનું તે એક મોટું કારણ. સુશ્રુત જેવા વૈદો મૃતદેહની ચીરફાડને જ્ઞાન માટે આવશ્યક ગણતા, પરંતુ પછીના સમયમાં મનુસ્મૃતિ અને એ પ્રકારનાં લખાણોમાં કર્મકાંડીઓની બોલબાલા થઇ અને છૂતઅછૂતની ચોખલીયાગીરી વધી પડી. એટલે મૃતદેહની ચીરફાડ કરીને જ્ઞાન મેળવવાનો રસ્તો બંધ થયો. બાકી રહેલું ઘણું કામ વેદાંતની ફિલસૂફીએ પૂરું કર્યું. ઇસવી સન આઠમી સદીમાં થયેલા આદિ શંકરાચાર્યે વેદાંત ફિલસૂફીનો ડંકો વગાડ્યો. તેનાથી આ જગત વિશે જિજ્ઞાસા દાખવવાની-નવાં સંશોધનો કરવાની વૃત્તિમાં ઓટ આવી. પરિણામે નવમી-દસમી સદી સુધીમાં છૂટાછવાયા અપવાદને બાદ કરતાં, એક પરંપરા તરીકે સંશોધનવૃત્તિ અને દુન્યવી જ્ઞાનપિપાસા લગભગ આથમી ગયાં. ત્યારે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં મુસ્લિમ આક્રમણનું નામોનિશાન ન હતું. તેરમી સદીની આસપાસ હાલના ઉત્તર ભારતમાં મુસ્લિમ શાસનની શરૂઆત થઇ. ત્યાર પછી પણ રસાયણશાસ્ત્ર-ધાતુશાસ્ત્ર જેવાં ક્ષેત્રો શસ્ત્રોના ઉત્પાદનથી માંડીને અનેક વ્યવહારુ ઉપયોગો ધરાવતા હોવાથી, તેમને રાજ્યાશ્રય મળ્યો. એટલે તેમાં પ્રગતિ ચાલુ રહી.

આપણી પાસે આટલો નક્કર-સમૃદ્ધ વારસો મોજૂદ હોય ત્યારે લાખો વરસના પહેલાં અમારા ૠષિમુનિઓ બઘું શોધી ગયાએવું દલપતરામના પાત્ર જીવરામ ભટ્ટ પ્રકારનું મિથ્યાભિમાન  રાખવું અને ફેલાવવું એ હકીકતમાં આપણા અસલી વારસાનું અને તે મૂકી જનાર વિદ્વાનોનું અપમાન કરવા બરાબર નથી?

1 comment:

  1. મનુસ્મૃતિ ઇસવીસનપૂર્વે ૧૦મી સદીમાં લખાયેલ હોવાનો અંદાજ છે. અમુક ઇતિહાસકારો તેને ઇસુની ૨જી કે ૩જી સદીની આસપાસ લખાયેલ માને છે.

    આર્યભટ્ટ ઇસુની પાંચમી સદીમાં થઇ ગયા. વરાહમિહિરનો સમયગાળો ૬ઠ્ઠી સદીનો મનાય છે. બ્રહ્મગુપ્તનો સમયગાળો ૭મી સદીનો મનાય છે. આ બધા જ વૈજ્ઞાનિકો મનુસ્મૃતિ લખાયાના અનેક સદીઓ બાદ થઇ ગયા છે. આથી જ્ઞાતિપ્રથા અને મનુસ્મૃતિને આપ જે દોશ આપી રહ્યા છો, તે ઐતિહાસિક રીતે સાચો લાગતો નથી.
    ભારતમાં મુસ્લીમ આક્રમણની શરૂઆત ૭મી સદીના મધ્યભાગમાં વર્તમાન અફઘાનીસ્તાન પર હુમલાથી થઇ, જે તેના સમયબાદ વધતી ગઇ. આ પણ ઇતિહાસિક હકીકત છે.

    ReplyDelete