Friday, September 05, 2014

થોડું શિક્ષણચિંતન : વિઝન ૨૦૨૫

‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા’ એવું વિધાન ચાણક્યના નામે જાણીતું બલ્કે ચવાયેલું છે. ચંદ્રગુપ્તના રાજમાં ‘વિદ્યાસહાયકો’ ન હતા, એટલે ચાણક્ય બેધડક આવું કહી શક્યા. બીજું એ પણ ખરું કે ચાણક્ય પોતાની જાતને મૂળભૂત રીતે શિક્ષક ગણતા હતા (જેમ છઠ્ઠા પગારપંચ પહેલાંના યુગમાં સમાજના ઘણા લોકો અઘ્યાપકોને ‘મૂળભૂત રીતે માસ્તર’ ગણતા હતા.) એટલે શિક્ષકો પ્રત્યે તેમનો પક્ષપાત સમજી શકાય.

પરંતુ ચાણક્ય વિશે અને તેમના સમયના બીજા શિક્ષકો વિશે કેટલીક અગત્યની માહિતી સંતોષકારક રીતે જાણવા મળતી નથી. જેમ કે, ચાણક્ય ત્રણ પાળીમાં ટ્યુશનક્લાસ ચલાવતા હતા? જેટલી વાર ચંદ્રગુપ્તની - અને ધીમે ધીમે કરતાં મગધના કોઇ પણ માણસની- વાત નીકળે એટલી વાર, ‘એંહ, એ તો મારો વિદ્યાર્થી’ એવું કહેતા હતા? મગધ યુનિવર્સિટીના કુલપતિ તરીકે પોતાના માણસને ગોઠવવા માટે ચાણક્યે કંઇ કર્યું હતું? ચંદ્રગુપ્તની નજરે (આંખે નહીં, નજરે) ચડીને,મગધ યુનિવર્સિટીના કુલપતિ તરીકે ગોઠવાઇ શકાય એ માટે ચાણક્યને પ્રસન્ન કરવા માટે એ સમયના બીજા આચાર્યોએ કશું કર્યું હતું?

ચાણક્યના જમાનામાં પેપરો ફૂટતાં હતાં? પેપરો ફૂટતાં અટકાવવા માટે ચાણક્યે તેમના ગ્રંથ ‘અર્થશાસ્ત્ર’માં કોઇ સૂચનાઓ આપી છે? તક્ષશીલા-નાલંદાના કુલપતિઓ ‘બાઉન્સર’ રાખતા હતા? તેમને પોતાની સુરક્ષાની અને રાજાઓને વહાલા થવાની ચિંતા હરપળ સતાવતી હતી? એ સમયના શિક્ષણમંત્રીઓ ચાણક્યની સામે આંખમાં આંખ મિલાવીને વાત કરી શકાય અને તેમને પણ આદેશો આપી શકાય એ માટે પરદેશી યુનિવર્સિટીઓમાંથી એક અઠવાડિયાના સર્ટિફિકેટ કોર્સ કરી લાવતા હતા?

ચાણક્યના જમાનામાં નામી સરકારી મહાવિદ્યાલયોની સાથોસાથ મોંમાગી સુવર્ણમુદ્રાઓ લઇને ઇચ્છિત ડિગ્રી આપતાં સેલ્ફ ફાયનાન્સ્ડ મહાવિદ્યાલયો હતાં? ‘ગ્રીસની યુનિવર્સિટી સાથે અમારું જોડાણ છે. અમારે ત્યાંથી કોર્સ કરનારને ગ્રીસ જવાની શાહી પરવાનગી સત્વરે મળી જશે’ એમ કહીને દેશી વિદ્યાર્થીઓને આકર્ષવાનો ત્યારે રિવાજ હતો? ચંદ્રગુપ્તના રાજમાં સ્કૂલમાં વિદ્યાર્થીઓના પ્રવેશોત્સવો થતા હતા? શિક્ષણક્ષેત્રે શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓમાં કેટલાં નાણાં ખર્ચવાં જોઇએ, એ વિશે કૌટિલ્યે કશું ચિંતન કર્યું હતું? (કે એ બાબતમાં ગુજરાત સરકાર તેમના કરતાં બે ડગલા આગળ નીકળી ગઇ કહેવાય?)

ચાણક્યના જમાનામાં ચંદ્રગુપ્ત આખા મગધના શિક્ષણની માઠી દશા કર્યા પછી, શિક્ષકોનું દેશના ઘડતરમાં કેટલું મહત્ત્વ છે તેનાં ભાષણ ઝૂડી શકતો હતો? અને ચંદ્રગુપ્તનું ભાષણ એકસાથે મગધનાં તમામ શિક્ષણકેન્દ્રોમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચી જાય એવી વ્યવસ્થા ત્યારે ગોઠવાયેલી હતી? શિક્ષણના ચાણક્યયુગમાં મોટા ભાગની ખાનગી સ્કૂલો ચંદ્રગુપ્તના દરબારીઓની કે તેમનાં સગાંવહાલાંની હતી? અને નફાખોરીની બાબતમાં ‘સો દુકાનો બરાબર એક સ્કૂલ’નું સમીકરણ ત્યારે પ્રચલિત હતું?

ચંદ્રગુપ્તના રાજમાં દરેક વર્ષે ઉઘડતી સ્કૂલે પાઠ્યપુસ્તકો પહોંચવામાં કકળાટ થતો હતો? પાઠ્યપુસ્તકોની સાથે ચંદ્રગુપ્તના મળતીયાઓનાં પુસ્તકો પૂરક વાચન તરીકે ધૂસાડવામાં આવતાં હતાં? એ જમાનામાં ‘વિદ્યાવાચસ્પતિ’ની જેમ ‘વિદ્યાવાણિજ્યપતિ’ની કોઇ ઉપાધિ મળતી હતી? આખા મગધની વિદ્યાપીઠોમાં કોણે નક્કી કરેલો અભ્યાસક્રમ ચાલે, એ બાબતે ચંદ્રગુપ્ત-ચાણક્ય વચ્ચે કદી ખટરાગ થતો? અને ચાણક્ય મગધ છોડીને ગયા એ માટે આવો કોઇ ખટરાગ જવાબદાર હતો?

આવા અનેક સવાલ ઊંડું સંશોધન માગી લે છે. ચાણક્ય મગધ છોડીને કેમ પોતાની વિદ્યાપ્રવૃત્તિમાં પાછા જોડાઇ ગયા, એવો સવાલ અત્યારના કોઇ ‘વિદ્યાવાણિજ્યપતિ’ (શિક્ષણના વેપારી)ને પૂછવામાં આવે તો એ રીઢા બિઝનેસમેન જેવા (‘હું કેવો સ્માર્ટ, તમે કેવા ડફોળ’ પ્રકારના) સ્મિત સાથે કહી દેશે, ‘રાજ કરીને શું લેવાનું? એ લોહીઉકાળામાં કોણ પડે? એના કરતાં આપણી જેટલી સ્કૂલો-કોલેજો છે એ ચલાવીને બેસી રહીએ તો બખ્ખા જ બખ્ખા છે.’

આધુનિક ભારતમાં શિક્ષકનો ભાવ નથી, એવું તો કેમ કહેવાય? ક્લાસીસના આયોજકો ટ્યુશન ચલાવે છે કે ટંકશાળ, એ નક્કી કરવું અઘરું છે. બારમા ધોરણ માટેનાં એડમિશન બે વર્ષ પહેલાં અને એડ્‌વાન્સ રૂપિયા આપીને લઇ લેવાં પડે એવી સ્થિતિ છે. શિક્ષક બનવા માટે પણ છ આંકડાની રકમ આપવી પડે છે. શિક્ષકનો ભાવ ન હોય તો આ શી રીતે શક્ય બને?

-અને શિક્ષણની કિંમત નથી, એવું કહેવાની હિંમત જ શી રીતે ચાલે? ભણવા માટે લોન લેવી પડે એવી ફી હોય છે અને એ રીતે ભણ્યા પછી મોટા ભાગના લોકોને મળતી નોકરી એવી હોય છે કે લોન પાછી ભરવાનાં ફાંફાં પડે. પહેલાંના જમાનામાં સંસારી, બચરવાળ માણસો માંદગી માટે રૂપિયા બચાવી રાખતા હતા અને ક્યારેક તેમાં દેવાદાર પણ થઇ જતા હતા. આઘુનિક યુગમાં શિક્ષણની એટલી બધી ‘કિંમત’ છે કે બાળકોને ભણાવવા માટે લોકો રૂપિયા બચાવી રાખે છે અને દેવું કરે છે. ‘દેવું કરીને પણ ઘી પીઓ’ એવું ચરક-વાક્ય હવે બદલાઇ ગયું છે : ‘દેવું કરીને પણ ડિગ્રી લઇ આવો.’ શિક્ષણનો ધંધો એવો છે કે મોટાં કોર્પોરેટ હાઉસને પણ તેમાં એકાદ આંગળી રાખવાનું મન થાય.

પહેલાં લોકો સાતમું ધોરણ પાસ થયા પછી નોકરી માટે લાયક ગણાતા હતા. હવે બી.ઇ. થયા પછી પણ નોકરી માટેની લાયકાત શંકાસ્પદ રહે છે. દેશદ્રોહીઓ એનાથી દુઃખી થાય છે. ખરેખર તો તેમણે રાજી થવું જોઇએ કે આપણા દેશમાં શિક્ષણનું સ્તર કેટલું ઊંચું ગયું. ‘વિઝન ૨૦૨૫’ તો એ હોવું જોઇએ કે દરેક સરકારી ઓફિસનો ચોથા વર્ગનો કર્મચારી ઓછામાં ઓછો પીએચ.ડી. હશે અને ભલું હશે તો એકાદ ફોરેન યુનિવર્સિટીની ડિગ્રી પણ તેની પાસે હશે.

દેશમાં ડિજિટલ ક્રાંતિ થયા પછી ડિગ્રીઓ ‘ઑન ડીમાન્ડ’ મળતી હશે. ઇ-કોમર્સની સાઇટો પરથી તેને ‘કેશ ઑન ડિલીવરી’ તથા ‘ફ્રી હોમ ડિલીવરી’ના ઑપ્શન સાથે ખરીદી શકાશે. દરેક ડિગ્રી સર્ટિફિકેટ પર વડાપ્રધાનની તસવીર છપાઇને આવે અને એવી તસવીર ન હોય એ ડિગ્રી નકલી ગણાશે, એવો કાયદો થાય તો પણ નવાઇ નહીં. ભારતમાં ડિગ્રીનું માર્કેટ ખુલી ગયા પછી વિદેશી હુંડિયામણની આવકમાં ભારે ઉછાળો આવશે. પહેલાં ભારતના ઠોઠ માલેતુજારો પરદેશ જઇને ભળતીસળતી ડિગ્રીઓનું શોપિંગ કરી લાવતા હતા. ભવિષ્યમાં ભારતીય ડિગ્રીઓનું બજાર એવું ગરમ થશે કે પરદેશી ટુરિસ્ટ શિયાળામાં ભારત ફરવા આવશે ત્યારે પાછા જતી વખતે પોતાના માટે કે પોતાના સંતાનો-યારો-દોસ્તો માટે બે-ચાર ડિગ્રી સર્ટિફિકેટ ખરીદતાં જશે.

ભારતના શિક્ષણનો એ સુવર્ણયુગ હશે. તેની કલ્પના કરતાં શરીરમાંથી રોમાંચનું લખલખું પસાર થઇ જાય છે. કેટલાકને તે ભયની ધ્રુજારી લાગે તો એ તેમની દૃષ્ટિનો દોષ ગણાય. 

2 comments:

  1. Anonymous9:11:00 PM

    Urvishbhai,
    It is true(reality), but we all are used to with it and even support them.
    Manhar Sutaria

    ReplyDelete
  2. ભરતકુમાર ઝાલા12:17:00 AM

    બી.એડના અભ્યાસ વખતે હું ગોધરા હતો, ત્યારે સાવ બાઘા જેવા અમારા એક લેક્ચરરને પી.એચ.ડીનો અભ્યાસ કરતા જોઈ મેં પાણી મૂકેલું કે હું કદી પી.એચ.ડી નહીં કરું. તમે લેખમાં ભલેને 2025 નું બતાવ્યું હોય, હું એ કાળમાં 2004 માં આંટો મારી આવ્યો છું. એમ.ફીલ કરતા એક વિદ્યાર્થીને એના ગાઈડ જ ઉતારા માટે નોટ આપતા હોય, એવી ક્ષણોનો પણ હું સાક્ષી રહી ચૂક્યો છું, એટલે મને આ વાંચીને બિલકુલ નવાઈ નથી લાગતી. ગાળો દેવાનું મન થાય, એવી પળોને હાસ્યના શીર્ષક હેઠળ લખો છો, ત્યારે બીક એક જ વાતની રહે છે કે આ સઘળું હસવામાં ન ખપી જાય તો સારું.

    ReplyDelete