Friday, September 12, 2014

પ્રકાશ ન. શાહ : પંચોતેરમે

’આવતી કાલે પ્રકાશભાઇને પંચોતેરમું વર્ષ બેસશે’ એવું બિનીત મોદીએ ગઇ કાલે કહ્યું, ત્યારે મેં ફક્ત ’હા, હં’ કહીને નોંધ લીધી ને ફોન મૂકી દીધો. પછી આજે સવારે વિચાર આવ્યો કે ઝડપથી અને શોર્ટ નોટિસમાં મળી શકે એવા પ્રકાશભાઇના પ્રેમી મિત્રો એમના ઘરે ભેગા થઇએ. ’મઝા આવશે’ એ તો પ્રકાશભાઇને મળવાનું હોય એટલે નક્કી જ હોય.

એવી રીતે અમે થોડા મિત્રો મળ્યા. બિનીત મોદીને કેક લાવવાની જવાબદારી સોંપી હતી. (સોરી, દીનાનાથ બત્રા). બિનીત મોદી જગતમાં એક જ અને અનોખી જણસ છે. એ કેકની દુકાનેથી બિલ લાવ્યો, પણ કોના નામનું? ’પીયુસીએલ, રીપબ્લિક ઓફ ચાઇના.’ (પીયુસીએલ -પીપલ્સ યુનિઅન ઓફ સિવિલ લીબર્ટીઝ- સાથે પ્રકાશભાઇના સંબંધો જાણનારા આ બિનીતબ્રાન્ડ જોક વધારે માણી શકશે.)



અપેક્ષા મુજબ જ અમે ભારે જલસા કર્યા. પ્રકાશભાઇના પરમ મિત્ર અને અમારા સ્નેહી વડીલ વિપુલ કલ્યાણી (લંડન) સાથે ફોન પર ગોષ્ઠિ કરીને તેમને પણ મહેફિલમાં સામેલ કર્યા.

’નવગુજરાત સમય’ના તંત્રી અને ’(વર્ષો પહેલાં વડોદરા લોકસત્તામાં) પ્રકાશભાઇએ મને બસની ટિકીટની પાછળ અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપ્યો હતો’ એવું વખતોવખત ગૌરવપૂર્વક કહેનારા અજય ઉમટ પણ તેમને વિશ કરવા આવ્યા હતા. આ ઘરેલુ જલસાપાર્ટીની થોડી તસવીરો પ્રકાશભાઇના પ્રેમીઓ-ચાહકોના લાભાર્થે મૂકું છું. સાથોસાથ, થોડા વખત પહેલાં જસવંતભાઇ રાવલે ’નયા પડકાર’ માટે પ્રકાશભાઇ વિશે મારી પાસે એક લેખ લખાવ્યો હતો. એ લેખ પણ અહીં મૂકું છું. એને પ્રકાશભાઇનો સ્નેપ-પ્રોફાઇલ કહી શકાય.

તો આ તસવીરો.. અને પછી લેખ..

પ્રકાશભાઇના જાહેર જીવનમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા- કટોકટી અને જેલવાસના
વર્ષ ૧૯૭૫ અને ૭૫મા વર્ષનો મેળ બેસાડતું બિનીત મોદીનું લખાણઃ
બેકરીવાળાને ગુજરાતી લખતાં ન આવડે એટલે જાતે જ લખવું પડ્યું.

પ્રકાશભાઇને ચોકલેટ ખવડાવીને બાકાયદા મોં મીઠુ કરાવતો બિનીત, વચ્ચે અજય
ઉમટ અને પાછળ દિવ્યેશ વ્યાસ 

કેક કાપવા વિશે પ્રકાશભાઇ એકાદ સારો શબ્દ આપે એની
રાહ જોઇએ (પ્રકાશભાઇ- નયનાબહેન)

પ્રકાશભાઇ-નયનાબહેન / Prakash N.Shah-Nayna Shah

ડાબેથીઃ બિનીત મોદી/Binit Modi, દિવ્યેશ વ્યાસ/Divyesh Vyas, અજય ઉમટ/
Ajay Umat, પ્રકાશ ન.શાહ/Prakash N.Shah, આશિષ કક્કડ/Ashish Kakkad,
ઉર્વીશ કોઠારી/Urvish Kothari

મંડળી મળવાથી થતા ફાયદાઃ નયનાબહેન/Nayna Shah, પ્રકાશભાઇ/Prakash N.Shah,
 આશિષ કક્કડ/Ashish Kakkad, દિવ્યેશ વ્યાસ/Divyesh Vyas, કેતન રૂપેરા/
Ketan Rupera,  સંજય ભાવે/Sanjay Bhave, બિનીત મોદી/Binit Modi

નયનાબહેન, પ્રકાશભાઇ, આશિષ કક્કડ, સંજય ભાવે, ઉર્વીશ કોઠારી, કેતન રૂપેરા,
દિવ્યેશ વ્યાસ 


પ્રકાશ ન. શાહ : અડીખમ નાગરિકધર્મનું મુક્ત હાસ્ય

ગુજરાતના જાહેર જીવનમાં ભીની બૌદ્ધિકતા, નિર્ભાર વિદ્વત્તા, તીક્ષ્ણ રમૂજવૃત્તિ- મુક્ત હાસ્યની ઓથે છુપાયેલું ગાંભીર્ય અને એ બધામાં શિરમોર ‘નો સર’ કહેવાની ઠંડી મક્કમતા- આ ગુણો સ્વતંત્રપણે દુર્લભ બની ગયા હોય, ત્યારે તેમના સંયોજન માટે કયા શબ્દો વાપરવા? આશ્ચર્યજનક ચમત્કાર? સુખદ અકસ્માત? વીરલ યોગાનુયોગ?

એમાંનો એક પણ પ્રયોગ ન વાપરવો હોય તો, ફક્ત ‘પ્રકાશ ન.શાહ’ કહેવું  પૂરતું છે.

સરળતા ખાતર પ્રકાશભાઇની ટૂંકી ઓળખાણ ‘નિરીક્ષક’ વિચારપત્રના તંત્રી અને ‘દિવ્ય ભાસ્કર’ના કટારલેખક તરીકે આપી શકાય. ૨૦૦૨ પછીના ગુજરાતમાં તેમની એક પ્રમુખ ઓળખ મુખ્ય મંત્રીના મુખ્ય ટીકાકાર તરીકેની પણ રહી છે. કાયદો-વ્યવસ્થા અને ન્યાયના શાસનની વાત કરનારાને ‘સ્યુડો-સેક્યુલર’ તરીકે ઓળખવાની ગુજરાતી ફેશન પ્રમાણે, પ્રકાશભાઇ ‘સેક્યુલર ટોળકીના પોપ’ જેવું બિરૂદ પણ પામ્યા છે. ઇંદિરા ગાંધીની આપખુદશાહીનો ખુલ્લો વિરોધ કરનારા અને કટોકટી વખતે જેલવાસ ભોગવી ચૂકેલા પ્રકાશભાઇને કોમવાદી-વ્યક્તિકેન્દ્રી રાજકારણનો વિરોધ કરવા બદલ કોંગ્રેસી ગણવામાં આવે, તે વિશિષ્ટ વિરોધાભાસ છે.

પ્રકાશભાઇમાં એક સાથે (અસલી) અધ્યાપક, પત્રકાર, સાહિત્યકાર અને ચળવળકારનું ચેતન ધબકે છે. આજે જેમનાં નામ સાંભળીને અહોભાવયુક્ત આદર થઇ આવે એવાં અનેક ઐતિહાસિક વ્યક્તિત્વો સાથે તેમને ગાઢ સંપર્ક હતો. એ યાદીમાં આચાર્ય કૃપાલાણી અને જયપ્રકાશ નારાયણથી માંડીને ગાંધીબિરાદરી-જાહેર જીવન-સાહિત્ય-પત્રકારત્વનાં ઘણાં નામ આવી જાય. રામનાથ ગોએન્કાના ‘એક્સપ્રેસ જૂથ’માં તેમણે ‘જનસત્તા’ દૈનિકનું તંત્રીપદ સંભાળ્યું હતું.

લેખન- પત્રકારત્વ સાથે પ્રકાશભાઇનો સંબંધ લગભગ પાંચેક દાયકાથી છે. ભોગીલાલ ગાંધીના ‘વિશ્વમાનવ’ અને પ્રબોધ ચોક્સીના તંત્રીપદ હેઠળના ‘નિરીક્ષક’માં લખનારા પ્રકાશભાઇ રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકે નિરાંતે જિંદગી વીતાવી શક્યા હોત, પણ અધ્યાપકપદું તેમની કારકિર્દીમાં કેવળ અલ્પવિરામ બની રહ્યું. સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા તૈયાર થઇ રહેલા ગુજરાતી જ્ઞાનકોશ ‘જ્ઞાનગંગોત્રી’માં ભોગીલાલ ગાંધી સાથે કામ કરવાની દરખાસ્ત આવતાં, તેમણે અધ્યાપક તરીકેની નોકરી છોડી દીધી. પત્રકારત્વમાં ‘એક્સપ્રેસ જૂથ’ના ‘નૂતન ગુજરાત’ અને પછી ‘જનસત્તા’ના તંત્રી તરીકે તેમની કામગીરી યાદગાર રહી.

મુખ્ય ધારાનાં ગુજરાતી અખબારો માટે અસ્પૃશ્ય રહેલા ઘણા વિષયો તેમણે ‘જનસત્તા’માં સામેલ કર્યા. એ વિષય પર વાચકોના પ્રતિભાવો અને તેના દ્વારા ચર્ચાનો માહોલ ઊભો કર્યો. હસમુખ ગાંધીના તંત્રીપદ હેઠળ એક્સપ્રેસ જૂથના ‘સમકાલીન’માં પ્રકાશભાઇએ નિયમિત લખ્યું. ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ની ગુજરાતી આવૃત્તિ શરૂ થઇ ત્યારે તેની ધુરા સંભાળવા માટે, ઉમાશંકર જોશી અને પુરુષોત્તમ માવળંકર બન્ને પાસેથી ‘ટાઇમ્સ’ને પ્રકાશભાઇનું જ નામ મળ્યું. જોકે, ‘ટાઇમ્સ’ના વ્યાવસાયિક માહોલમાં તેમને લાંબો સમય ગોઠ્યું નહીં.
‘દિવ્ય ભાસ્કર’  શરૂ થયું ત્યારે શરૂઆતનાં વર્ષોમાં તેના તંત્રીપાનાની જવાબદારી પ્રકાશભાઇ સંભાળતા હતા. ગુજરાતનાં મુખ્ય ધારાનાં અને માતબર ફેલાવો ધરાવતા અખબારોમાં પહેલી વાર તે આવ્યા અને જણાયા પણ ખરા. ગુજરાતી અખબારોમાં તંત્રીલેખો ઘણુંખરું ઔપચારિકતા પૂરી કરવા ખાતર લખાતા અને છપાતા હોય છે, પણ પ્રકાશભાઇના તંત્રીલેખો અસંખ્ય મુદ્દા પર વાચકોને નરવું વિચારભાથું પૂરું પાડનારા બની રહ્યા. રાજકારણ ને સમાજના ગંભીર વિષયો જેટલી જ સાહજિકતાથી સચિન તેંડુલકર- અનિલ કુંબલેની ક્રિકેટકલા વિશેના તંત્રીલેખોમાં પ્રકાશભાઇ ખીલી ઉઠતા હતા.

તંત્રીલેખ અને બીજા લેખોમાં પ્રકાશભાઇની ભાષા કાયમી ચર્ચાનો વિષય રહી છે. ‘પ્રકાશભાઇનું ગુજરાતી વાંચવું હોય તો તેનો અનુવાદ કરાવવો પડે’ એવી રમૂજ વર્ષોથી થાય છે. તેમની લેખિત ભાષા સરળ કે સીધીસટ નથી, પરંતુ ધ્યાન અને મન દઇને વાંચનારને તેમાંથી ફક્ત સચોટ-સર્વાંગી વિશ્લેષણનો જ નહીં, ભાષાની તાજગી અને નવા શબ્દપ્રયોગોનો પણ આનંદ મળે છે. ગુજરાતી કટારલેખકોમાં બહુ ઓછા એવા છે, જેમને ખરેખર કંઇ કહેવાનું હોય. પ્રકાશભાઇ એમાંના એક છે, તેનો દૃઢ અહેસાસ થઇ ગયા પછી તેમના લેખો વાંચવાનું અઘરું પડતું નથી. બલ્કે, સમજાય છે કે મામલો મુખ્યત્વે મગજને તસ્દી આપવાનો જ છે.

નવા અને શબ્દકોશમાં ન હોય (છતાં તેમાં સ્થાન પામી શકે) એવા ગુજરાતી શબ્દો નીપજાવવામાં પ્રકાશભાઇ માહેર છે. જાદુગર હવામાંથી અજબગજબની ચીજો પેદા કરે, તેમ પ્રકાશભાઇ હસતાંરમતાં નવા શબ્દો બનાવે અને વાપરે છે. મોટી ઇમારતો બનાવવાની ઘેલછા માટે ‘દૈત્યકાય ઇમારતવાદ’, મીડિયાના આક્રમણ માટે ‘મીડિયામારી’, ક્રિકેટની ચીઅર ગર્લ્સ માટે ‘ચિયરાંગના’, તો અન્ડરવેઇટ બાળકો માટે ‘ઋણવજનિયાં’ જેવા પ્રયોગો તેમને મન સહજ અભિવ્યક્તિનો એક ભાગ છે. ભદ્રંભદ્ર બન્યા વગર તે ‘ગોલ્ડન જ્યુબિલી’ માટે ‘સુવર્ણજયંતિ’ને બદલે ‘પચાસવર્ષી’, ‘રોલમોડેલ’ને બદલે ‘વેશનમૂનો’, ‘નોનસ્ટાર્ટર’ માટે ‘અનારંભી’ અને ‘વન અપમેનશિપ’ માટે ‘અમે-તમારાથી-ચડિયાતા-શાઇ’ જેવા સોંસરવા ગુજરાતી પ્રયોગો આબાદ પ્રયોજી જાણે છે. ‘કિંકર્તવ્યમૂઢ’ જેટલી જ સહેલાઇથી તે ‘કિંદર્શિતવ્યંમૂઢ’ (ટીવી પર શું જોવું તેની ખબર ન પડે એ અર્થમાં) લગાડી શકે છે.

છીછરી લોકપ્રિયતામાં છબછબીયાં કરનારા અકારણ અને કૃતક ‘ગુજલિશ’ દ્વારા ગુજરાતીનું ચિરહરણ કરી રહ્યા છે, ત્યારે પ્રકાશભાઇના લખાણની ભાષામાં ગુજરાતી ભાષાનો જુદો-મૌલિક-પ્રકાશીય રંગ જોવા મળે છે. પણ ઘણી વાર પ્રકાશભાઇના રાજકીય વિચારોના વિરોધ માટે તેમની ભાષાની ‘દુર્બોધતા’નો મુદ્દો વીંઝાતો જોવા મળે છે.

પ્રકાશભાઇના ભલભલા વિચારવિરોધીઓ તેમની રમૂજવૃત્તિની પ્રશંસામાં એકમત છે. સહજ સંવાદમાં રમૂજની છોળો ઉડાડતા પ્રકાશભાઇની હાજરી દૂરથી જ પરખાઇ જાય. પ્રેમાળ અટ્ટહાસ્ય પ્રકાશભાઇનું ઓળખપત્ર છે. રમૂજ કરવાની અને માણવાની તેમની ક્ષમતાને કારણે જ કદાચ, તે ‘નિરીક્ષક’ જેવું સામયિક ચલાવવા છતાં અને ચાર-ચાર દાયકાથી જાહેર જીવનમાં સક્રિય હોવા છતાં, નિરાશાવાદી કે કડવા થયા નથી. હસતા મોંએ તે ટીકા સહન કરી શકે છે અને કટુ થયા વિના ટીકા કરી પણ શકે છે. તેમાં કશો દંભ નથી. નકરી સ્વાભાવિકતા હોય છે.

પ્રકાશભાઇને લખતાં વાર લાગતી નથી, પણ તેમને લખવા બેસાડવાનું કામ ભગીરથ હોય છે. લખવા બેઠા પછી તે એક બેઠકે અને એકસરખા સુવાચ્ય અક્ષરોમાં વસંત-રજબ વિશેની આખી પરિચય પુસ્તિકા લખી કાઢે છે. પણ તે લખવા બેસે એવો યોગ આણવાનું બહુ કપરું છે. (ચાર દાયકાના લેખન પછી પણ તેમના નામે એકેય પુસ્તક નથી.) તેની સરખામણીમાં પ્રકાશભાઇ પાસેથી બોલાવવું પ્રમાણમાં ઘણું સહેલું છે. વક્તવ્ય માટે તે મોટે ભાગે ‘ના’ પાડતા નથી અને કદી ઉપરછલ્લું, લોકરંજક કે આત્મરતિભર્યું વક્તવ્ય આપતા નથી. ઇતિહાસ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સાહિત્ય, કળા, ધર્મ, ફિલસૂફી, ગાંધી જેવા અનેક વિષયોમાં તેમની ઊંડી સમજણ, ‘હું’પણાની બાદબાકી સાથે, તેમનાં વક્તવ્યોમાં ઘોળાઇને આવે છે. ‘લોકપ્રિય’ તરીકે જાણીતા લોકરંજક વક્તાઓની જેમ, તેમના પ્રવચનમાં શ્રોતાઓને આંજી નાખવાનો કશો વ્યાયામ હોતો નથી, પણ નિરાંતે આખું વક્તવ્ય સાંભળનાર શ્રોતા છેવટે કશુંક નક્કર પામીને ઊભો થાય છે. (તેમનું વક્તવ્ય ફક્ત ‘ઓડિયો’ નહીં, પણ ‘ઓડિયો-વિઝ્યુઅલ’ અનુભવ હોય છે.) તેમાં અનાયાસ અને આબાદ રીતે આવી જતા અઢળક સંદર્ભો શ્રોતાઓના મનની ક્ષિતિજો વિસ્તારવામાં મદદરૂપ થાય છે.

ગાંધી-કૃપાલાણી-જયપ્રકાશ-ઉમાશંકરયુગ સાથેની અનન્ય વિચારકડી તરીકે પ્રકાશભાઇ ગુજરાતનું એવું વીરલ વ્યક્તિત્વ છે, જેમના વિશે ગૌરવ લેવાનું અને જેમના પ્રદાનને યથાયોગ્ય રીતે મૂલવવાનું ઘણા ગૌરવતત્પર ગુજરાતીઓનો હજુ સૂઝ્યું નથી. 

8 comments:

  1. ‘હું માનવી માનવ થાઉં તો ઘણું’...
    પ્રકાશભાઈના સંપર્કમાં આવ્યા પછી મેં આ કહેણીને થોડી બદલી છે...
    ‘હું માનવી નાગરિક થાઉં તો ઘણું’...
    તેઓ ઓછું લખે છે કે સમજવા અઘરા એવા શબ્દો વાપરીને લખે છે એવી ચીલાચાલુ અને ચવાઇને ચુથ્થો થઈ ગયેલી ફરિયાદના કોરસગાનમાં જોડાવાની જગ્યાએ મેં એ સમસ્યાનો (જો ગણાતી હોય તો) ઉપાય ખોળી કાઢ્યો છે...
    તેમનો લેખ બે વાર વાંચવાનો અને તેઓ જ્યાં વક્તારૂપે ઉપસ્થિત રહેવાના હોય ત્યાં શક્ય હોય ત્યાં સુધી અમદાવાદમાં તો કાન દઇને હાજર રહેવું જ અને ઑડિઓ રેકૉર્ડિંગ કરી લેવું.
    તેમનું વક્તવ્ય સાંભળ્યા પછી રૂબરૂ મળવાનું તો અવશ્ય થાય. પણ મને તેમની નજીક ઊભા રહેતા પારાવાર સંકોચ થાય છે. તેમના જેવી ભાર વગરની પંડિતાઈ ઓછા પ્રમાણમાં નહીં...મેં તો જોઈ જ નથી.
    તેમના પંચોતેરમા વર્ષની પૂર્ણાહુતિ હું તેમના પુસ્તકો વગર કલ્પી શકતો નથી. એ માટે શક્ય તમામ પ્રયત્નો કરવા ઘટે...મારે તો ખરા જ...આ વાંચનારે પણ તેમાં સાથ દેવો ઘટે.

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  2. વાહ... મજા પડી....

    ReplyDelete
  3. પ્રકાશ ન. શાહ સાથે ગૂજરતા વિદ્યાપીઠમાં મુલાકાત થઇ હતી. વિદ્યાપીઠના ઉપાસના હલમાં મોતીલાલ નહેરુ પર તેમનું વ્યાખ્યાન હતું તેમા મે તેમની આભાર વિધી કરી હતી.
    ત્યારે તેમણે મારા આભારનો પણ આભાર માન્યો હતો ખરેખર તેમનામાં રમૂજવૃતિ બહુજ છે.
    આ મુલાકાત અમારા પત્રકારત્વના અશ્વીન સરે કરાવી આપી હતી

    ReplyDelete
  4. વડીલ શ્રી પ્રકાશભાઈના લેખોનું સંકલન કે ઓડીઓ/વીડિઓ રેકોર્ડીંગ ક્યાંથી મળે એ જણાવવા વિનંતી. સુંદર લેખ અને કોમેન્ટ બદલ અનુક્રમે શ્રી ઉર્વીશભાઈ અને શ્રી બીનીતભાઈનો આભાર.

    ReplyDelete
  5. "નિરીક્ષક" ક્યાંથી મેળવી શકાય ?

    ReplyDelete
    Replies
    1. સંપર્ક માટે ઇ-મેઇલ
      editor.nireekshak@gmail.com
      ફોનઃ પ્રકાશભાઈ 98799 19421

      Delete
  6. પ્રકાશ ભાઈ શાહનો બાયો ડેટા મેળવી આપશો તો આભારી થઈશ. અહીં એમનો પરિચય બાકી છે -

    https://sureshbjani.wordpress.com/index/

    ReplyDelete
  7. https://sureshbjani.wordpress.com/2019/08/22/prakash-shah/

    ReplyDelete