Tuesday, January 07, 2014

આમઆદમીનું રાજકારણ : આનંદ પછીનું મંથન

દિલ્હીમાં કેજરીવાલના મુખ્ય મંત્રીપદે આમઆદમી પક્ષની સરકાર બની અને વિશ્વાસનો મત મેળવીને ટકી પણ ખરી. એટલા પૂરતું, જવાબદારીથી ભાગવાનું મહેણું ટળ્યું. લાલ બત્તી, ઝેડ સુરક્ષા વગેરેની મનાઇ કરીને કેજરીવાલે આમઆદમી રાજકારણના રસ્તે સફરનો આરંભ કરી દીધો છે.

‘જેનો વિરોધ કર્યો હતો એ કોંગ્રેસનો ટેકો લીધો’ એવી ભાજપી  દલીલ કેટલી પોકળ છે, એ સામાન્ય નાગરિકોને સમજાવું જોઇએ. ટેકો મેળવવા માટે આઘાપાછા થતા પક્ષ બહુ જોયા, પણ એવું ક્યારે જોયું હતું કે ટેકો આપવા માટે (કોંગ્રેસ જેવો) પક્ષ ગરજ બતાવે? બિનકોંગ્રેસી-બિનભાજપી લોકો આખી સ્થિતિને આ રીતે પણ જોઇ શકે : જે આમઆદમી પક્ષે દિલ્હીમાં કોંગ્રેસના પંદર વર્ષના શાસન પર અણધાર્યું સ્ટીમ રોલર ફેરવી દીઘું, તેનાં ત્રણ મુદતનાં મુખ્ય મંત્રીને ચૂંટણીમાં હરાવીને ધારાસભ્ય પણ ન થવા દીધાં, એવા પક્ષને ટેકો આપવાની કોંગ્રેસને (જખ મારીને) ફરજ પડી છે. આમઆદમી પક્ષે કોંગ્રેસ સાથે ‘હાથ મિલાવ્યા છે’ એવો પ્રચાર વાસ્તવમાં બન્ને પક્ષો માટે પડ્યા પછી ટંગડી ઊંચી રાખવાની કવાયત છે. રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદી સામે આંખે પાટા બાંધીને જોનારા ઘણા કેજરીવાલ માટે  એક્સ-રે દૃષ્ટિ વાપરે છે. કેજરીવાલની ભક્તિ કરવાની ન જ હોય, પણ તેમની સરકારને થોડો સમય આપવા જેટલી ધીરજ ન રાખી શકાય? તેમને ‘ઉઘાડા પાડવાની’ ઝનૂની ઉતાવળ પાછળ નાગરિક નિસબત દેખાતી નથી.

કેટલાક વઘુ ચબરાક લોકો ‘સાહેબ’ના રાજકારણ વિશે ટીકાનો હરફ સુદ્ધાં ઉચ્ચાર્યા વિના, આમઆદમી પક્ષની બિરદાવલીઓ ગાય છે. આ મુખ્યત્વે એક ગુજરાતી લલિત કળા (ફાઇન આર્ટ) છે : આમઆદમી પક્ષના સ્વચ્છ-લોકલક્ષી રાજકારણનો જયજયકાર કરવાનો, પણ ‘સાહેબ’ના તેનાથી સાવ સામા છેડાના રાજકારણનો વિરોધ કર્યા વિના. (જેમ ગાંધીનગરના ભ્રષ્ટાચાર ભણી આંખ આડા કાન કરીને, અન્ના હજારેના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનનાં ગુણગાન ગવાતાં હતાં.) આવા ‘કળાકારો’નાં બેવડાં ધોરણની વઘુ કસોટી ચૂંટણી નજીક આવે અને આમઆદમી પક્ષ ભાજપ માટે સ્થાનિક સ્તરે પડકાર બની રહે ત્યારે થશે. દિલ્હીમાં કોંગ્રેસના ભ્રષ્ટાચારની યોગ્ય રીતે કડક ટીકા કરનારને ગુજરાતમાં ભાજપનો અનેક પ્રકારનો ભ્રષ્ટાચાર દેખાતો હોય, તો જ ‘આપ’ની તેમણે કરેલી પ્રશંસા તકવાદી-તકલાદીને બદલે ઠોસ ગણી શકાય.
વચનની કિંમત કેટલી?

રાષ્ટ્રિય સ્તરના ભાજપી નેતાઓ આમઆદમી પક્ષની સરકારને ‘સપનાંના સોદાગરની સરકાર’ તરીકે ઓળખાવે છે- કેમ જાણે, તેમનો પક્ષ વાસ્તવદર્શીઓથી છલકાતો હોય. ભાજપ-કોંગ્રેસ સહિતના તમામ પક્ષો ચૂંટણીટાણે છૂટા હાથની વાયદાબાજી માટે બદનામ છે. તેમની મથરાવટી એટલી હદે સરાજાહેર મેલી છે કે તેમના ચૂંટણીઢંઢેરાનો શિયાળામાં તાપણું કરવા સિવાય ભાગ્યે જ બીજો કશો ઉપયોગ હોય છે.

ચૂંટણીલક્ષી વચનો ગંભીરતાથી લેવાની ચીજ હોઇ શકે છે, એવું વર્ષો પછી આમઆદમી પક્ષના પ્રતાપે લોકોને લાગ્યું છે. દિલ્હીમાં આમઆદમી પક્ષે મતવિસ્તાર પ્રમાણે તેની સમસ્યાઓને અનુરૂપ ઢંઢેરો તૈયાર કરવાનો પ્રયોગ કર્યો હતો. કોંગ્રેસનો ટેકો લેતાં પહેલાં તેની સામે મુકાયેલા ૧૮ મુદ્દાના કાર્યક્રમમાં પક્ષનાં કેટલાંક મૂળભૂત સર્વસામાન્ય વચનનો સમાવેશ થાય છે. આમઆદમી પક્ષે આપેલાં વચનોની ઇચ્છનીયતા, વ્યવહારુતા અને અમલ થવાની સંભાવના વિશે મતભેદ હોઇ શકે. તેમાંનાં કેટલાંક વચનો ચૂંટણીલક્ષી પોપ્યુલિસ્ટ (લોકરંજની) રાજકારણની યાદ અપાવી શકે. પરંતુ બાકી બધી ચર્ચા પછી. પહેલો મુદ્દો અમલીકરણ માટેની દાનતનો છે.

બીજી રીતે કહીએ તો, વચનો વિશેની તાત્ત્વિક ચર્ચા બીજા નંબરે આવે. પહેલા નંબરનો મુદ્દો વચન આપનારની વિશ્વસનીયતાનો, એ બોલેલું પાળે છે કે નહીં તેનો છે. ભાજપી-કોંગ્રેસી નેતાઓ ‘આજે મંગળવાર છે’ એવું કહે તો પણ કેલેન્ડરમાં જોયા વિના માની ન લેવાય- અને ‘હમણાં તે આ વાતને પોતાના ફાયદામાં વિકૃતપણે વાળી દેશે’ એવી શંકા રહે. આ સ્થિતિમાં બોલેલું પાળવાની દાનત ધરાવતો અને એ માટે પ્રયાસ કરતો કોઇ પક્ષ સત્તા પર હોય, તો પછી તેના ચોક્કસ પગલાનાં ફાયદા-નુકસાન વિશે ચર્ચા થઇ શકે, જરૂર પડ્યે બાકીના મુદ્દે સહયોગ ચાલુ રાખીને ચોક્કસ બાબતે અસંમત થઇ શકાય. પરંતુ એ દરેક તબક્કે એટલી ખાતરી તો હોય કે આ પક્ષને જબાનની કિંમત છે અને જે બોલે છે, એમાંનું ઘણુંબઘું કરવાનો પ્રયાસ તે ખરેખર કરશે. જો આટલી હવા બંધાય - જે અત્યારે તો બંધાતી લાગે છે- તો કોંગ્રેસ-ભાજપ બન્નેને ઠીક ઠીક તકલીફ પડે. ભ્રષ્ટાચારના આરોપી યેદ્દીયુરપ્પાને હરખથી પક્ષમાં પાછા સામેલ કરવા અને આદર્શ કૌભાંડનો તપાસ અહેવાલ ફગાવ્યા પછી સગવડે સ્વીકારવો- આવાં લક્ષણ પરથી હજુ સુધી તો ભાજપ-કોંગ્રેસે કશો ધડો લીધો હોય એમ લાગતું નથી.

ઉત્સાહ અને ઉચાટ 

અહીં એવો સવાલ થાય કે આમઆદમી પક્ષ વચનો પાળવામાં ગંભીર હોય, છતાં તેનાં વચનો જ લાંબા ગાળે દેશના અર્થતંત્રને નુકસાન કરનારાં હોય- ચિંતાજનક આડઅસરો ધરાવતાં હોય તો શું કરવું?
 સંભાવના તરીકે આવું ધારીએ તો પણ, એટલું તો નક્કી છે કે આમઆદમી પક્ષ કોંગ્રેસના હાઇકમાન્ડ (ગાંધીપરિવાર) કે ભાજપના બિનસત્તાવાર હાઇકમાન્ડ (મોદીની મરજી)ની માફક આપખુદ ન થઇ શકે. આ બન્ને પક્ષો અને બાકીના મોટા ભાગના રાજકીય પક્ષો વ્યક્તિકેન્દ્રી બની ગયા છે. એમ તો, આમઆદમી પક્ષ કેજરીવાલ-કેન્દ્રી હોવાનો આરોપ કરી શકાય. પરંતુ પાયાનો તફાવત એ છે કે આમઆદમી પક્ષની અત્યાર સુધીની નીતિ વિકેન્દ્રીકરણની અને સીધી લોકસામેલગીરીની રહી છે. બીજા પક્ષોના મોટા ભાગના નેતાઓનો મતદારો સાથે સીધો સંપર્ક રહ્યો નથી (વિરાટ જાહેર સભાઓ લોકસંપર્ક ન ગણાય), જ્યારે આમઆદમી પક્ષ, ભલે ક્યારેક આત્યંતિક લાગે એ રીતે પણ, મહોલ્લાસભાઓથી માંડીને સોશ્યલ નેટવર્કિંગનો ભરપૂર ઉપયોગ કરે છે- અને એ વિકસી રહેલું મોડેલ છે, જેને સ્થાનિક જરૂરિયાતો પ્રમાણે ઘાટધૂટ આપવામાં જાગ્રત નાગરિકો મદદરૂપ થઇ શકે છે.

આમઆદમી પક્ષની સફળતા થકી થઇ રહેલી સામાન્ય મતદારની પુનઃપ્રતિષ્ઠા લોકશાહીના કોઇ પણ પ્રેમીને હરખ અને ચિંતા ઉપજાવનારી છે. હરખ એ વાતનો કે યોગ્ય દિશામાં આ એક નાની પણ નક્કર શરૂઆત છે અને ઉચાટ એ વાતનો કે તેમાં ડગલે ને પગલે લપસી પડવાનું જોખમ છે. એવું થાય તો સ્થાપિત રાજકીય પક્ષો બમણા ઝનૂનથી ચડી બેસે અને લોકલક્ષી રાજકારણનું બાળમરણ થઇ જાય.

આમઆદમી પક્ષનો વાવટો ફરફરે છે ત્યાં સુધી ભાજપ અને કોંગ્રેસ જેવા મુખ્ય રાજકીય પક્ષો પણ લોકલક્ષી રાજકારણના ખેલાડી તરીકે દેખાવા પ્રયાસ કરી શકે. પરંતુ નાગરિકોએ યાદ રાખવા જેવું છે કે આ પક્ષો લોકલક્ષી રાજકારણના મોટા વિરોધી છે. તેમનો પૂરો પ્રયાસ આમઆદમી પક્ષની સફળતાને કેવળ અપવાદરૂપ પ્રયોગ તરીકે ખપાવવાનો અને વહેલી તકે તેને નિષ્ફળ બનાવવાનો રહેશે. આવું કરવા માટે એ સિદ્ધાંતચર્ચાથી માંડીને જૂઠા આરોપ સુધીની અનેક તરકીબો પ્રયોજશે. એ રીતે ફક્ત આમઆદમી પક્ષ માટે જ નહીં, લોકલક્ષી રાજકારણ ઇચ્છતા સૌ કોઇ માટે આ કસોટીનો સમય છે.

અત્યાર લગી સમયનું બળ આમઆદમીના પક્ષે રહ્યું છે. ધારો કે લોકસભાની ચૂંટણી દિલ્હીની ચૂંટણીઓ પછી બે-ત્રણ વર્ષે આવતી હોત તો? શક્ય છે કે ભાજપને નૈતિકતાનો એટેક ન આવ્યો હોત અને આમઆદમી પક્ષની સરકાર પણ ન બની હોત. પરંતુ અત્યારની સ્થિતિમાં લોકસભાની ચૂંટણી સુધીનો સમયગાળો આમઆદમી પક્ષ માટે ટ્‌વેન્ટી ટ્‌વેન્ટીના ‘પાવરપ્લે’ જેવો છે. તેમાં વઘુમાં વઘુ અનુકૂળતા, વઘુમાં વઘુ તકો અને એટલું જ મોટું જોખમ પણ છે. આ સમય દરમિયાન  આમઆદમી પક્ષે લોકલક્ષી અને લોકરંજક વચ્ચેનો ભેદ સ્પષ્ટ રીતે આંકવાનો છે, કુમાર વિશ્વાસ જેવા ‘ઉત્સાહી’ સાથીદારો કશો અણછાજતો બફાટ કરી ન બેસે એ જોવાનું છે, દિલ્હીમાં પોતાની વહીવટી ક્ષમતા શક્ય હોય એટલી બતાવવાની છે અને લોકસભાની ચૂંટણી માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવાની છે.

આમઆદમી પક્ષ સામેનો એક મોટો પડકાર પક્ષમાં જોડાવા માટે થઇ રહેલા અને પછી ઉમેદવારી માટે થનારા ધસારાને નાણવાનો અને ખાળવાનો છે. કનુભાઇ કળસરિયા જેવા અપવાદોને બાદ કરતાં, આમઆદમીના લોકલક્ષી રાજકારણ સાથે કે તેનાં લોકશાહી મૂલ્યો સાથે કશી લેવાદેવા ન હોય એવા અનેક નાના-મોટા લોકો, પક્ષની સફળતાથી મોહાઇને પોતાની જાતને ‘આમઆદમી પક્ષને લાયક’ ગણતા-ગણાવતા થઇ ગયા છે. કોંગ્રેસ-ભાજપમાં અસંતુષ્ટ તરીકે બાકીનું જીવન વીતાવવાને બદલે ‘આપ’માં જોડાઇને ચૂંટણી લડવા ઇચ્છતા લોકોએ અત્યારથી પક્ષની ઓફિસે ભીડ જમાવવાનું શરૂ કરી દીઘું હશે. રાજકીય પક્ષ લઇને બેઠા પછી, કોઇને આવતા ટાળી ન શકાય અને પ્રતિનિધિઓ પસંદ કરવામાં ગફલત થાય તો પક્ષનું ફીંડલું વળી જાય- આ દ્વિધાભરી સ્થિતિ આમઆદમી પક્ષ સામેનો મોટો પડકાર બની રહેશે. તેમાં છાપેલાં કાટલાં જેવાં નામોને બદલે કોરી પાટી ધરાવતા, બિનઅનુભવી અને કંઇક કરવાની સાચી ધગશ ધરાવતા જુવાનો ઉમેદવાર તરીકે પસંદગી પામે અને બાકીના લોકોનો ચૂંટણીના મેનેજમેન્ટમાં લાભ લેવાય, તે ઇચ્છનીય જણાય છે.

ભારતની લોકશાહીમાં આવી તકો ઓછી આવી છે અને જે આવી તે પણ જૂના રાજકારણને વધારે દૃઢ બનાવે એ રીતે વેડફાતી રહી છે. આ વખતે એવું ન બને એ જોવાની આમઆદમી પક્ષના - અને લોકલક્ષી રાજકારણ ઝંખતા સૌના -માથે મોટી જવાબદારી છે. 

2 comments:

  1. Urvashibhai, vyakti puja ma aam to Bhartiyo no joto nathee. Ame emay aapna Gujjuo to sauthee mokhare. AAp ni saari sahruaat ne vakhani raha chee pan tame lakhyun chhe tem athwa to beejaa shabdo ma kahiye to 'Naa chhutke.' Modi no moh etli jaldi chhootwano nathee. aaama kyan to gabhraat pan bhoomikabhajvi rahyo chhe. Congress and BJPbanne magabhraat felaylo jova male chhe. AAP kendra ma saat melvi to nahinj shake pan dishaa jaroor badlashe. Samay laagshe pan aa manthan maa thee kaink saarun chokkas nikadshe.

    ReplyDelete
  2. Anonymous12:55:00 PM

    અમદવાદ શહેરમાં કામદારો હડતાળ પર છે. તેમના મુદ્દા શું છે અને ભાજપ સંચાલિત સુધરાઈને શું વાંધો છે એ તથ્યો ગમે તે હોય પણ શહેરમાં જે કચરાના ઢગ થયા છે તે હડતાળિયાઓ (વંચિત વર્ગના કચડાયેલાઓએ)ના કારણે જ થયા છે એવું કહેવામાં આવી રહ્યું છે. શહેરની ગંદકી સાફ કરવાની જવાબદારી આ પ્રકારના કચડાયેલા વર્ગના લોકોની જ શા માટે એ સવાલ કોઈને થતો નથી. ઉજળિયાત વર્ગની માનસિકતાને જલદીમાં જલદી ઉજાગર કરો તેવી વિનંતી.

    ReplyDelete