Thursday, January 30, 2014

‘આપ’ત્તિગ્રસ્ત ભાજપની ચિંતાબેઠક

દિલ્હીમાં આમઆદમી પક્ષની સરકારે ભાજપ-કોંગ્રેસને એક મફલરે બાંધીને યમુનામાં ફેંકી દીધાં હોય સ્થિતિ સર્જાઇ છે. પોતે જે રમત વિશે સાંભળ્યું હોય પણ કદી રમ્યા ન હોય, તેમાં એ જ રમતમાં ચેમ્પિયન ટીમ સામે ઉતરવાનું થાય તો કેવી દશા થાય? કંઇક એવું જ કોંગ્રેસ-ભાજપના નેતાઓ અનુભવી રહ્યા હશે. વ્યાપક માન્યતા એવી છે કે ‘આપ’થી કોંગ્રેસ કરતાં ભાજપને વધારે તકલીફ છે. ‘આપ’ના પડકાર વિશે ભાજપની ચિંતાબેઠક યોજાતી જ હશે, પણ તેના અહેવાલ જાહેર થતા નથી. ધારો કે એકાદ બેઠકનું સ્ટિંગ ઓપરેશન થઇ જાય તો કેવી ચર્ચા સાંભળવા મળે? બેઠકનો કાલ્પનિક અહેવાલઃ

નેતા ૧ : (હાથમાં રહેલું છાપું સામે પડેલા, અખબારોના બે-ચાર મોટા થપ્પામાં મૂકતાં) હું તો થાકી ગયો, પણ ‘સાહેબ’નું કવરેજ પકડાતું નથી.

નેતા ૨ : મોબાઇલ બગડ્યો છે?

નેતા ૧ : ના, ‘સાહેબ’ને શંકા છે કે ભવિષ્ય બગડ્યું છે.

નેતા ૩ : એટલે? ઘડીકમાં કવરેજ, ઘડીકમાં ભવિષ્ય- છે શું આ બઘું?

નેતા ૧ : હું રોજ જેટલાં છાપાં તપાસું છું, એટલાં ગાયને ખાવા આપું તો ‘અખિલ ભારત ગૌઅસ્મિતા મંડળ’ મારું સન્માન કરે, પરંતુ આટલાં બધાં છાપાંમાં પણ ‘સાહેબ’ બહુ દેખાતા નથી.

નેતા ૨ : શું વાત કરો છો? (આંગળીઓથી રૂપિયાનો ઇશારો કરીને) આટલી વ્યવસ્થા કર્યા પછી પણ?

નેતા ૪ : (એકદમ ઉતાવળે) કઇ વ્યવસ્થા? શાની વ્યવસ્થા? આપણે તો ઓફિસ માટે ચાની કીટલી ખરીદવાની હતી એની વાત કરીએ છીએ ને? (સાવ ધીમા અવાજે) વહીવટોની વાતો જરા ધીમેથી કરો. આજકાલ કોઇ પણ સ્ટિંગ ઓપરેશન કરી નાખશે. પેલા મફલરધારીએ છૂટો દોર આપી દીધો છે બધાને.

નેતા ૫ : આ રીતે લોકશાહી અને ગણતંત્ર કેવી રીતે ચાલશે? અરાજકતા ફેલાશે અરાજકતા. પણ આપણે લોકોને ખોંખારીને કહેવું જોઇએ કે અમે છીએ ત્યાં સુધી બીજા કોઇને અરાજકતા ફેલાવવા નહીં દઇએ. બોલો, ભાર..ત માતાકીઇઇઇ...

નેતા ૪ : છાનો રહે ભાઇ. અત્યારે આપણી ચિંતા કરવાની છે. આપણે જ ન રહીએ તો પછી ભારતમાતાને શું કરવાની?

નેતા ૧ : (નિઃસાસો નાખતાં)  કેવા દિવસો હતા એ...

યુવા નેતા : કયા? કટોકટીના?

નેતા ૧ : અરે ના...(સ્વપ્નિલ બનીને) એ દિવસો, જ્યારે ‘સાહેબ’ રોજેરોજ મથાળાંમાં છવાયેલા રહેતા હતા. આહા... સાહેબે દિલ્હીની એક કોલેજમાં જઇને છીંક ખાધી...પટણામાં સાહેબને ઉધરસ આવી...હૈદરાબાદમાં સાહેબે એટલું મોટું બગાસું ખાઘું કે ઉપસ્થિત મેદનીને તેમાં સમગ્ર બ્રહ્માંડનાં દર્શન થઇ ગયાં...મુંબઇમાં...(સુખભર્યાં સંભારણાંમાં મગ્ન થઇને શૂન્યમાં તાકી રહે છે)

નેતા ૪ : આ ભૂતકાળમાં સરી પડવાનો સમય નથી. હજુ આપણે ભવિષ્ય બનાવવાનું છે. એ માટે આપણે મફલર કસીને સજ્જ થવાનું છે.

નેતા ૧,૨,૩ : મફલર?

નેતા ૪ : અરર. શો જમાનો આવ્યો છે? હું કમર બોલું છું ને તમને મફલર સંભળાય છે. પેલો મફલરવાળો બધાના મન પર આટલો બધો ચડી બેઠો છે? ખરેખર મને ચિંતા થાય છે.

યુવા નેતા : કોની? દેશની?

નેતા ૪ : અરે, આપણી - દેશની ચિંતા કરનારાની. મફલરવાળાને કેમ કરીને પાડવો?

નેતા ૧ : મારી પાસે એક જોરદાર આઇડીયા છે. સાહેબ પણ સાંભળશે તો અમિતભાઇની જેમ મારો જેલઇતિહાસ માફ કરીને મને પ્રભારી બનાવી દેશે.

(બાકીના નેતાઓ કતરાતી નજરે જુએ છે)

નેતા ૧ : (ખંઘુ હસીને) પણ ચિંતા ન કરો. મારા માટે પક્ષહિત સર્વોપરી છે. એટલે હું એ આઇડિયા કહી જ દઉં. સાહેબ જેમ કોંગ્રેસ સરકાર માટે ‘દિલ્હી સલ્તનત’ અને રાહુલ ગાંધી માટે ‘શહજાદા’ એવા મુસ્લિમ સંબંધિત શબ્દો વાપરીને એક કાંકરે બે તીર મારે છે, એ જ પ્રકારે આપણે કેજરીવાલનું નામ ‘મફલરમિંયા’ પાડી દઇએ તો? એ જરા ડાયરેક્ટ લાગતું હોય તો ‘મફલરખાન’ પણ રાખી શકાય.

નેતા ૨ : હા, આ તો સાહેબને બહુ ફાવે. ભાષણમાં એક જ વાર ‘મફલરમિંયા’ બોલવાનું. બાકી ‘મિંયા’ આમ ને ‘મિંયા’ તેમ- એવી જ રીતે બેટિંગ...

નેતા ૪ : (ઘુંધવાઇને) તમે લોકો ક્યારે સુધરશો? હવે તો સાહેબ પણ સુધરી ગયા.

નેતા ૩ : એટલે સાહેબ સેક્યુલર થઇ ગયા? મસ્ક્યુલરમાંથી સેક્યુલર?

(નેતા ૪ સિવાયના બધા નેતા તાળીઓ મારીને ખડખડાટ હસે છે. નેતા ૪ને કેવી પ્રતિક્રિયા આપવી એ સમજાતું નથી. એટલે તે સમસમીને, શાંત ચહેરે બેસી રહે છે.)

નેતા ૪ : કોમેડી સર્કસ પૂરું થયું હોય તો આગળ વાત કરીએ?

નેતા ૧ : કરો, કરો..નહીંતર પછી પાંચ વર્ષ એ જ કરવાનો વારો આવશે અને એ વખતે થશે કે જેટલા રૂપિયા વેર્યા એટલા બચાવ્યા હોત તો  પેઢીઓની પેઢીઓ બેઠી બેઠી ખાત.

નેતા ૫ : આપણે સંકુચિત ગણતરીઓ છોડી દેવી જોઇએ. શ્યામાપ્રસાદ મુખરજીએ કહ્યું હતું કે -

યુવા નેતા : કરવું તો ટુ-જી સ્પેક્ટ્રમ જેવું કરવું. સંકુચિત ગણતરીઓમાં શું પડવું?

(નેતા ૪ જોરથી ઉધરસ ખાય છે, જેથી યુવા નેતાનો અવાજ દબાઇ જાય)

નેતા ૧ : આપણી પાસે બીજો પણ આઇડીયા છે. કેજરીવાલનો કેસ અમિતભાઇનો સોંપી દેવો. (જમણી હથેળીની બે આંગળીઓ અને અંગુઠાથી બંદૂક જેવી ચેષ્ટા કરે છે)

નેતા ૪ : ગડકરીજી તમારા કંઇ સગપણમાં થાય?

નેતા ૧ : કેમ?

નેતા ૪ : તમે જે રીતે અને જે જાતના આઇડીયા એક પછી એક આપો છો એ જોતાં ને લાગ્યું કે..

નેતા ૬ : મારી જોડે એક ફ્રેશ આઇડીયા છે.

નેતા ૧થી ૫ : ઓહો, તમે જાગો છો?

નેતા ૬ : ટોણા મારવાનું છોડો. તમે બધાએ જાગતા રહીને શું ઉખાડી લીઘું? અને પેલો ફૂટપાથ પર રજાઇ ઓઢીને સુઇ ગયો ને તમારી ઉંઘ હરામ કરતો ગયો. સાંભળો, મારો આઇડીયા જરા હાઇ ટેક છે. તેમાં સ્ટીવન સ્પીલબર્ગને સાંકળી શકાય એમ છે.

નેતા ૪ : (હસું હસું થતા ચહેરા) એમ? તો તો સાહેબને એ બહુ ગમશે.

નેતા ૬ : જુઓ, અગાઉ સંજય જોશી વખતે જે સીડી બની હતી તેની ક્વોલિટીના બહુ પ્રશ્નો હતા. એચ.ડી.ના જમાનામાં આવી સીડીઓ ન ચાલે.

નેતા ૪ : (દબાતા અવાજે) ધીમેથી બોલો...

નેતા ૬ : એની જરૂર નથી. સ્ટિંગ ઓપરેશન થશે તો હું કહી દઇશ કે આ મારો અવાજ નથી. કોઇએ મારા જેવો અવાજ કાઢ્‌યો છે...હવે મુદ્દાની વાત સાંભળો. તમને બધાને ખબર છે કે જે નથી એ આબેહૂબ બતાવવામાં સ્પીલબર્ગની માસ્ટરી છે. બસ, આપણે મફલરનો કેસ સ્પીલબર્ગને સોંપી દેવાનો. પેમેન્ટનો સાહેબ માટે ક્યાં પ્રશ્ન છે? સ્પીલબર્ગ ડોલરમાં માગશે તો ‘ઓવરસીઝ ફ્રેન્ડ્‌ઝ ઓફ બીજેપી’ને કહીને... બાકી ‘ટાઇમ’વાળો વહીવટ પાડનારી ‘એપ્કો વર્લ્ડવાઇડ’ તો છે જ..

નેતા ૪ : (અક્ષરો છૂટા પાડીને) ધી..મે...થી...

નેતા ૬ : પણ હું ક્યાં કંઇ બોલ્યો જ છું? મેં તો કહ્યું કે ‘ટાઇમ’ મેગેઝીન આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યું છે અને સ્પીલબર્ગ ઉત્તમ ડાયરેક્ટર છે.

નેતા ૪ : સારું. હું સાહેબને વાત કરી જોઇશ..

નેતા ૧ : અને હું મથાળેથી વિસ્થાપિત થયેલા સાહેબનું સંતોષકારક પુનઃવસન થાય એની રાહ જોઇશ.

નેતા ૧થી ૫ : (સામુહિક નારો લગાવે છે) વંદેએએએએ

નેતા ૬ : સ્પીલબર્ગ

(આ નારા સાથે મિટિંગ પૂરી થાય છે)

2 comments:

  1. Anonymous1:09:00 AM

    aa kharu varan karyu yar tame (જમણી હથેળીની બે આંગળીઓ અને અંગુઠાથી બંદૂક જેવી ચેષ્ટા કરે છે), pan aaj kal amitbhai avu kare to badha sachi bandhuk vagar pan ghabharai jay e vat to 100% sachi LOL

    ReplyDelete