Friday, January 24, 2014

માથાની ખંજવાળ : યે અંદરકી બાત હૈ

‘મારું જીવન એ જ મારો સંદેશ’- આવું કહેવા માટે મહાત્મા   બનવું પડે, પણ ‘મારું કર્મ એ જ મારો સંદેશ’ એવું કહેવા માટે ગાંધી બનવાની જરૂર નથી. ફક્ત માથું ખંજવાળવું જ પૂરતું છે. માથું ખંજવાળનારે ‘હું મુંઝાયો છું.’ એવું અલગથી કહેવું પડતું નથી. તેમનું  ઉત્કટ મસ્તિષ્કઉત્ખનન કર્મ જોઇને સુજ્ઞ જનો સંદેશો મેળવી લે છે કે ‘આ ભાઇ (અથવા બહેન) ગુંચવાયાં લાગે છે.’

અઘ્યાત્મ માર્ગના કેટલાક પ્રવાસીઓને મોહમાયાભર્યું જીવન તુચ્છ લાગે, તેથી જીવન તુચ્છ બની જાય છે? એવું જ માથું ખંજવાળવાની ક્રિયા વિશે પણ માની શકાય. અંતરચક્ષુ પર સાંસારિક બુદ્ધિનાં પડળ ચડેલાં હોય, એવા લોકો માથું ખંજવાળવાની ક્રિયાને ક્ષુલ્લક ગણે છે અને તેના કર્તા પ્રત્યે કંઇક ચીડની નજરે જુએ છે. તેમાંથી એવો તુચ્છકાર વરસતો હોય છે કે ‘આ તે કેવો માણસ છે? જાહેરમાં માથું ખંજવાળે છે. વાળ ઘુએ છે કે નહીં? અને ધુએ છે તો પછી આમ વારેઘડીએ જુઓના અડ્ડા પર છાપો મારતો હોય એમ, માથું શા માટે ખંજવાળે છે? સભ્યતા જેવું કંઇ સમજે છે કે નહીં?’

કબૂલ કે સુધરેલા સમાજમાં સભ્યતાના તકાદા આકરા હોય છે. તેમાં ધર્મના કે સંસ્કૃતિના, આબરૂના કે આપદ્‌ધર્મના, ક્રિયાના કે પ્રતિક્રિયાના નામે સરેઆમ (બીજાનાં) માથાં કાપી શકાય છે, પણ (પોતાનું) માથું નિરાંતે ખંજવાળી શકાતું નથી. આ વાંચીને માથું ખંજવાળવા માટે હાથ ઉપડે તો બે ઘડી થોભીને વિચારી લેજો : તમારી ગણતરી પણ શિષ્ટાચારવિહોણા માણસ તરીકે થઇ શકે છે. ‘જાહેરમાં માથું ખંજવાળવું એ અઘૂરી કેળવણીની નિશાની છે’ આવું કોઇ અવતરણ ગાંધીજીના કે બર્નાડ શોના કે ચર્ચિલન નામે હજુ સુધી ચલણી બન્યું નથી, એ જ નવાઇની વાત છે. સપાયાનો સવાલ એ છે કે માણસ માથું ખંજવાળે છે શા માટે?

સંસારી જીવો કહી શકે છે કે માણસ છે તો માથું છે ને માથું છે તો ખંજવાળ છે. પછી તેમાં ઊંડો વિચાર કરવાપણું ક્યાં રહ્યું? પરંતુ ફિલસૂફીના કીડા એમ સસ્તામાં અને સીધી રીતે સંતુષ્ટ થતા નથી. એ વિચારે છે : માથું છે, માટે માણસ તેને ખંજવાળે છે ? કે પછી માણસ ખંજવાળી શકે એટલા માટે માથું છે? આ ગહન સવાલ આદિકાળથી ચિંતકોને પીડતો રહ્યો છે. દેકાર્તે ખરેખર તો એમ કહ્યું હતું કે ‘આઇ સ્ક્રેચ (માય હેડ) ધેર ફોર આઇ એમ.’ પરંતુ લોકો આવી અભિવ્યક્તિ નહીં સમજી શકે એવું લાગતાં, તેમણે સહેલી ભાષામાં કહેવું પડ્યું, ‘આઇ થિન્ક ધેરફોર આઇ એમ’. ચર્ચાસ્પદ ફિલસૂફ નીત્શે ‘ગૉડ ઇઝ ડેડ’ કહેવા જેટલી હિંમત દાખવી શક્યા, પણ ‘ડેન્ડ્રફ ઇઝ ડેડ’ (માથાનો ખોડો નષ્ટ થયો છે) એવું તેમણે કદી કહ્યું નથી.

પાશ્ચાત્ય દર્શનને બદલે ભારતીય ચિંતન ભણી આવવું હોય તો ચાણક્ય સૌથી હાથવગા છે. ‘શિક્ષક કભી સામાન્ય નહીં હોતા’ એવું ચાણક્યનું અવતરણ લોકો એવી રીતે વાપરે છે, જાણે ચાણક્યે  ફેબ્રુઆરી-માર્ચમાં સરકારી ગ્રાન્ટ વાપરવા માટે થતા કોઇ સેમિનારમાં જ એ કહ્યું હોય. સંશોધનવૃત્તિના અભાવે કોઇ એ વિચારતું નથી કે ચાણક્ય શીખા બાંધવાને બદલે વાળ ખુલ્લા શા માટે રાખતા હતા. ‘નંદવંશનો નાશ નહીં થાય ત્યાં લગી શીખા નહીં બાંઘું’ એવી તેમની પ્રતિજ્ઞાની વાર્તા બધાએ સાંભળી છે, પણ ઐતિહાસિક દંતકથાઓ એમ સીધેસીધી થોડી માની લેવાય? કોઇ સંશોધકમાં એટલી ખાંખત નથી કે તે ચાણક્યના વાળમાં ખોડાની સમસ્યા હતી કે કેમ અને શીખા ન બાંધવા સાથે તેને કંઇ સંબંધ હતો કે કેમ, એ વિશે ઊંડા ઉતરે?

પૌર્વાત્ય અને પાશ્ચાત્ય સંસ્કૃતિમાં આટલા વિહાર પછી સહેલાઇથી કહી શકાય કે માથું ખંજવાળવું એ સંસ્કૃતિકાર્ય છે- અથવા હોઇ શકે છે. છતાં, કોઇ પણ ઘટનાને વિશાળ ફલક પર, સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં ન જોઇ શકતા લોકોનો દુન્યવી સવાલ ઊભો રહે છે : ‘માણસ માથું શા માટે ખંજવાળે છે?’ એ દિશામાં આગળ વધતાં પહેલાં લોકો માથું કેવી રીતે ખંજવાળે છે એ વિશે પણ થોડો વિચાર કરવો જોઇએ.

જાહેરમાં માથું ખંજવાળવાનો પ્રસંગ પડે ત્યારે કેટલાક લોકો, આજુબાજુ જોઇને કોઇ જોતું નથી તેની ખાતરી થયા પછી સિગરેટનો કશ મારી લેતા હોય તેમ, એકાદ આંગળી વડે માથામાં બે-ચાર વાર ખંજવાળી લે છે. આંગળી પર સાયલેન્સર ચડાવ્યું હોય તેમ, તેમની આ ક્રિયા દરમિયાન બિલકુલ અવાજ આવતો નથી. જોનાર સાવધ ન હોય તો, ‘હમણાં પેલા ભાઇએ ખરેખર માથું ખંજવાળેલું કે મને ભ્રમ થયો?’ એ વિચારે તે પોતે માથું ખંજવાળતો થઇ જાય. માથું ખંજવાળવામાં એક સુખ છે : તેનો કોઇ પણ ભાગ જાતે, સ્વહસ્તે ખંજવાળી શકાય છે. પીઠની ખંજવાળની જેમ પરાવલંબી બનવું પડતું નથી.

એ જ કારણથી, માથાની ખંજવાળ ટાળવાનું વધારે અઘરું છે. સહેજ ઇચ્છા થઇ કે આંગળીઓ માથામાં. કેટલાકને જેમ દાળભાત વિના જમ્યાનો સંતોષ થતો નથી, એમ માથામાં બે-ચાર વાર આંગળી આમતેમ કર્યાથી ખંજવાળનો સંતોષ થતો નથી. એ લોકો ભલે એક આંગળી વડે, ધીમેથી પણ સતત ચોક્કસ જગ્યાએ ખંજવાળતા રહે છે. એક જ જગ્યા પર હળવા હાથે ચાલતી તેમની પ્રવૃત્તિ જોઇને એવું લાગે, જાણે પુરાતત્ત્વવાળાનું ખોદકામ-સફાઇકામ ચાલી રહ્યું છે અને હમણાં અંદરથી એકાદ માટીનું સીલ કે જૂનું વાસણ નીકળી આવશે. માથામાં ખોડો થતો હોય અથવા બીજાં કારણ હોય, ત્યારે આવતી ખંજવાળમાં પુરાતત્ત્વ સ્ટાઇલથી નહીં, પણ મ્યુનિસિપાલિટી સ્ટાઇલથી કામ લેવું પડે છે. ખંજવાળનાર તેમાં બન્ને હાથે એટલા જોશથી મચી પડે છે કે જોનારને ચિંતા થાય. તે આખું માથું ખંજવાળતા નહીં, પણ ખેડતા હોય એવું લાગે અને એવો પણ વિચાર આવે કે આ ક્યાંક ટ્રેક્ટર ન બોલાવી લે.

માણસ ખંજવાળે છે શા માટે, તેના જવાબની શોધમાં ટીવી ચેનલો પાસે જતાં સમજાશે કે જગતની દસ મહાન સમસ્યાઓમાંની એક છે : ડેન્ડ્રફ ઉર્ફે ખોડો. (બાકીની નવ સમસ્યાઓમાં ‘રુખી ત્વચા’ અને શ્યામ રંગથી માંડીને શ્વાસમાં દુર્ગંધ અને પરસેવાનો સમાવેશ થાય છે.) ખોડો દૂર કરવાનો દાવો કરતાં શેમ્પુ-કન્ડીશનરોની જાહેરાતોમાં ગાઇ-વગાડીને કહેવામાં આવે છે કે અમારું ઉત્પાદન વાપરો અને ખોડાથી - એટલે કે માથાની ખંજવાળમાંથી- રાહત મેળવો. એ જોઇને માથાની ખંજવાળ તો મટે ત્યારે ખરી, પણ ઘણાની હથેળીમાં અમુક હીરોઇનવાળું કે તમુક હીરોવાળું શેમ્પુ ખરીદવાની ખંજવાળ શરૂ થઇ જાય છે.

દેકાર્તના અવતરણમાં જોયું તેમ, માથું ખંજવાળવું એ વિચારવાનું પ્રતીક છે અને જાહેરખબરોનો આશય એક જ હોય છે : ગ્રાહક વિચારતો બંધ થઇ જાય. એવું થાય તો જ તે નકામી ચીજો ખરીદે ને કંપનીઓ કમાય. આ થિયરી પ્રમાણે વિચારતાં, શેમ્પુ-કન્ડીશનરોની જાહેરખબરો લોકોને ઉપભોક્તાવાદના માર્ગે ધકેલવાના કાવતરાનો ભાગ છે કે કેમ, તેની તપાસ કરવી પડે. સપહેલાંના સમયમાં માતાઓ બાળકોના માથાની ખંજવાળ દૂર કરવા માટે શેમ્પુ-કન્ડીશનર જેવાં રાસાયણિક હથિયારોને બદલે, કાંસકા-કાંસકી જેવાં પરંપરાગત હથિયારો પર વધારે મદાર રાખતી હતી. બાળકોના- ખાસ કરીને છોકરીઓના- વાળ ઓળતી વખતે ઝીણા દાંતાવાળી બેધારી કાંસકી માતાના હાથમાં એવી રીતે શોભતી, જાણે કાલીમાતાના હાથમાં ખડ્‌ગ. દીકરી આગળ બેઠી હોય, તેના વાળ પાછળ પથરાયેલા હોય, તેની પાછળ કાંસકીધારિણી માતા હોય, પછી જુ છટકીને જાય ક્યાં? આઘુનિક માતાઓ આ કવાયત અને તેમાં સમાયેલા ફરજપાલનના આનંદથી વંચિત રહી જાય છે, તો અંગ્રેજી મીડિયમમાં ભણતાં બાળકોની માતા જૂને અંગ્રેજીમાં શું કહેવાય, એ વિચારે પોતે જ માથું ખંજવાળતી થઇ જાય છે.

માથામાં ખંજવાળની સમસ્યા હજુ હળવી બની નથી. પરંતુ તેના નિવારણ પાછળ અઢળક નાણાં ખર્ચાવાને કારણે લોકોને લાગે છે કે તેનો જોરદાર મુકાબલો થઇ રહ્યો છે. હકીકતમાં એ ભ્રમ છે. માથું ખંજવાળવું એ માણસની મૂળભૂત જરૂરિયાત અને તેનો બંધારણદીધો હક છે. બંધારણમાં ભલે એવું ન લખ્યું હોય કે ‘દરેક નાગરિક બેરોકટોક પોતાનું અને યોગ્ય મંજૂરી મળ્યા પછી બીજાનું માથું પણ ખંજવાળી શકે છે.’ પરંતુ લોકોની લાગણી દુભાવાની તીવ્રતા અને અદાલતોની વર્તમાન સક્રિયતા જોતાં એવી આશા રહે છે કે એક જણના જાહેરમાં માથું ખંજવાળવાથી બીજાની લાગણી દુભાશે અને મામલો અદાલતે પહોંચતાં વિદ્વાન ન્યાયાધીશોએ જાહેર કરવું પડશે કે માથું ખંજવાળવું એ વ્યક્તિસ્વાતંત્ર્યનું અભિન્ન અંગ છે.

એક વાર માથું ખંજવાળવા પર લાગેલું કલંક દૂર થાય, તો (ખાસ કરીને ગુજરાતમાં) વિચાર કરવા સાથે સંકળાયેલી શરમ દૂર થાય, એવી આશા પણ રાખી શકાશે.

1 comment:

  1. Sir, It is wonderful article. I laughed at loud while reading this.

    ReplyDelete