Monday, January 20, 2014

સૌથી વડીલ મિત્ર પ્રાણલાલ પટેલની વિદાય : વસમી તો લાગે છે પણ...

 બે-એક અઠવાડિયાં પહેલાં મિત્ર વિવેક દેસાઇને મળવાનું થયું ત્યારે રાબેતા મુજબ પ્રાણલાલ પટેલ ’દાદા’ની વાત નીકળી. એટલે વિવેકે કહ્યું, ’દાદાને મળવું હોય તો મળી આવજો. હવે બહુ કાઢે એમ લાગતું નથી.’ સામાન્ય રીતે ૧૦૫ વર્ષની ઉંમર ધરાવતા માણસ વિશે આવું સાંભળીને આઘાત ન લાગવો જોઇએ. ધક્કો પણ નહીં.  પ્રાણલાલદાદા સાથે ૧૬ વર્ષ જૂની દોસ્તીને કારણે એ પણ ખબર હતી કે થોડા વખતથી તેમની જિજિવિષા જતી રહી છે. છતાં વિવેકની વાત સાંભળીને આઘાત અને ધક્કો બન્ને લાગ્યાં. આ વખતે દાદાની સત્તાવાર વર્ષગાંઠે- પહેલી જાન્યુઆરીએ જઇ શકાયું ન હતું, એ તાજું થયું. પણ દાદા સાથેની દોસ્તી તારીખટાણાં કે વ્યવહારમાં સમાઇ જાય કે એમાં જ આટોપાઇ જાય એવી ન હતી. એટલે ન જવાયાનો કશો ચચરાટ ન હતો. થોડા દિવસ પછી શનિવારે ૧૮ જાન્યુઆરી, ૨૦૧૪ની બપોરે મિત્ર કાંચી પંડ્યાનો મેસેજ આવ્યોઃ પ્રાણલાલ દાદા ઇઝ નો મોર.

પુત્ર આનંદભાઇ અને તેમનાં પત્ની સિવાયનાં  કુટુંબીજનો જૂનાગઢ પારિવારિક લગ્નપ્રસંગે ગયાં હતાં. એટલે દાદાની અંતીમ યાત્રા શનિવારે સાંજે નીકળે કે રવિવારે સવારે એ વિશે પણ થોડી અવઢવ હતી. પણ કેતન મોદીના સહયોગથી દાદા પર ફિલ્મ બનાવનાર કાંચી અમારી દોસ્તી સમજતી હતી. એણે સાચી સલાહ આપી, ’અંતિમ યાત્રામાં ન જવાય એમ હોય તો કંઇ નહીં. ખરેખર તો અત્યારે (સાંજે) જઇ આવો. બહુ થોડા લોકો છે. શાંતિથી દાદાને મળાશે.’

હા, મળાશે. દાદાને તો મળવાનું જ હોય. તેમનાં દર્શન થોડાં કરવાનાં હોય?  પ્રિયજનોના મૃતદેહનાં દર્શનથી હું કતરાતો હોઉં છું. બને ત્યાં સુધી એ ટાળું છું. બહુ વસમું લાગે છે. સંયમ જાળવવાનું કઠણ પડી જાય છે. જાતે જ એવું આશ્વાસન લઉં છું કે ’મારે એમને હાલતાચાલતા-પ્રેમાલાપ ને ગપ્પાગોષ્ઠિ કરતા જ યાદ રાખવા છે.’ છતાં, દાદાને મળવા ગયો. કૈલાસ સોસાયટીના ’છાયાચિત્ર’ બંગલાની બહાર સ્કૂટર પાર્ક કરતી વખતે, અંદર જઇને દાદા મળવાના નથી, એ અહેસાસ તીવ્ર રીતે વાગ્યો. વરંડા સુધી પહોંચ્યો. થોડા લોકો હતા. આ જગ્યાએ બેસીને દાદા સાથે અનેક વાર સુખદુઃખની વાતો સાંભળી હતી. જાણવા મળ્યું કે દાદાને તેમના અંદરના રૂમમાં સુવડાવ્યા હતા. હું અંદર ગયો. દાદા તેમની પાટ પર સુતા હતા. માથું ખુલ્લું હતું. નાકમાં રૂનાં પૂમડાં ખોસેલાં અને બાકીના દેહ પર ચાદર ઓઢાડી હતી. હું થોડો વધુ નજીક ગયો. દાદાનો ચહેરો ધ્યાનથી જોયો. તેમનો ટચુકડો દેહ સંકેલાઇ ગયો હતો, પણ આંખોનાં પોપચાં લોખંડી રીતે ભીડાયેલાં લાગતાં ન હતાં. એવું લાગતું હતું કે હમણાં ’દાદા’ કહીશ, એટલે એ ૧૦૫ વર્ષની ઉંમરે આશ્ચર્યજનક - ચમત્કારિક કહેવાય એવી સ્ફુર્તિથી બેઠા થઇ જશે. ખરેખર એવું લાગતું હતું કે દાદા બેઠા થશે ને અમે વાતો ચાલુ કરીશું.

થોડા વખત પહેલાં એવું થયું હતું. હું આવ્યો, અંદરના રૂમમાં ગયો, પણ દાદા સુઇ ગયા હતા. ઢળતી બપોરનો સમય હતો. મારા જવાથી પણ ન જાગ્યા, એટલે હું પાછા પગલે નીકળી ગયો હતો. આ વખતે પણ એવું જ હોત તો? પણ એવું ન હતું. દાદા સાથેની આ છેલ્લી મુલાકાત હતી. એવું કેવી રીતે બને? ૧૦૫ વર્ષ સુધી કડેધડે રહેલા દાદા અમરપટ્ટો લખાવીને આવ્યા હોય એવું જ સમીકરણ મનમાં ગોઠવાઇ ગયું હતું. તેમની તબિયત એકદમ મસ્ત, આપણને લઘુતાગ્રંથિ થાય એવી રહેતી. આનંદભાઇના જણાવ્યા પ્રમાણે, ૯-૧૦-૧૧ના ત્રણ દિવસ તેમને મુન્શી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પણ ત્યાંથી તો એ સાજા થઇને આવી ગયા હતા. એટલે એ છેક સુધી તંદુરસ્તી ભોગવીને ગયા એવું આશ્વાસન હાથવગું હતું. વાજબી, વ્યવહારુ અને વાસ્તવિક પણ હતું. છતાં એ પૂરતું લાગતું ન હતું.

થોડા મહિના પહેલાં દાદાને મળવાનું થયું ત્યારે દાદા ’વિસામો, વિસામો’ કરતા હતા. ’હવે બહુ થયું. વિસામો મળવો જોઇએ.’ એવી તેમની લાગણી હતી. મને જરા નવાઇ લાગી. દાદા થાકે, કંટાળે ને ફોટોગ્રાફીની દુનિયામાંથી, પોતાના તસવીરી જગતમાંથી તેમનો રસ ઓછો થાય, એ શી રીતે બને? ’કેમ આવી વાત કરો છો?’ એ મતલબનું એમને પૂછ્યું, એટલે કહે, ’આ જન્મમાં બહુ થયું. હવે વિસામો મળે તો વેળાસર આવતા જન્મમાં કામ શરૂ થાય.’ શબ્દોમાં ફેરફાર હોઇ શકે છે, પણ આ ધ્વનિમાં મીનમેખ ન હતી. આ માણસને મુક્તિ જોઇતી ન હતી. મૃત્યુ તેમના માટે પૂર્ણવિરામ નહીં, અલ્પવિરામ હતું.

દાદા વિશે ઘણું લખવાનું, ઘણું વહેંચવાનું છે. આ બ્લોગ નિમિત્તે બે ભાગમાં શક્ય એટલી વાત કરીને લાગણીનો ઉભરો હળવો કરવા પ્રયાસ કરીશ. છતાં, ગમે તેટલું લખ્યા પછી મને પૂરો સંતોષ નહીં થાય. તેમના જેવા વડીલ મિત્રો જિંદગીમાં સીધી કે આડકતરી રીતે એટલું બધું આપે છે કે એ જાય ત્યારે આપણા અસ્તિત્ત્વની થોડી પોપડીઓ ખેરવતા જાય. પણ એ તેમનો અધિકાર છે અને આપણા તરફથી અપાયેલી શ્રેષ્ઠ અંજલિ પણ- કે તેમનું સ્થાન મારા જીવનમાં હવેથી હંમેશાં ખાલી રહેશે. એ સ્થાન એક જ હતું ને હવે ત્યાં વ્યક્તિને બદલે ખાલીપો ભરાયો છે.
***
રવિશંકર રાવળ આર્ટ ગેલેરી (લો ગાર્ડન, અમદાવાદ)માં તેમની તસવીરોનું પ્રદર્શન હતું ત્યારે લીધેલી આ તસવીર મારી પ્રિય તસવીરોમાંની એક છે. કારણ કે તેમાં તસવીર અને ચિત્રની વચ્ચથી ડોકિયું કરતો માણસ જાણે કહી રહ્યો છે, ’બધી કળાકૃતિઓ-બધાં કળાસ્વરૂપોને ટપી જાય એવો, અસલી ધબકતો માણસ તો આ રહ્યો.’
Pranlal Patel / પ્રાણલાલ પટેલ (photo : urvish kothari)

પ્રાણલાલદાદા સાથે સંબંધ બંધાવામાં નિમિત્ત બન્યું ’સીટીલાઇફ ન્યૂઝ’. નગેન્દ્રવિજયના તંત્રીપદે અને હર્ષલ પુષ્કર્ણાના સંપાદકપદે ૧૯૯૮માં શરૂ થયેલું આ પખવાડિક મોલ-મલ્ટીપ્લેક્સ વગરના અમદાવાદનું વિશિષ્ટ અને સમૃદ્ધ સીટીમેગેઝીન હતું. તેના વિચારના તબક્કેથી હું તેમાં સંકળાયેલો હતો.  અમદાવાદના આ સામયિકના છેલ્લા પાના પર ’તબ ઔર અબ’ પ્રકારનો તસવીરી વિભાગ શરૂ કરવાનું વિચાર્યું, એટલે પ્રાણલાલ પટેલને મળ્યા. રાબેતા મુજબ હું ચોક્કસ ઘટનાક્રમ ભૂલી ગયો છું. હું એકલો મળ્યો કે હર્ષલ સાથે હતો એ પણ યાદ નથી. પણ એવું નક્કી થયું કે આખા પાનાની કોલમમાં ઉપર દાદાએ લીધેલો એક સ્થળનો જૂનો ફોટો અને એ જ સ્થળનો અત્યારનો ફોટો મૂકવો, જેનાથી શહેરની બદલાતી તાસીરનો ખ્યાલ આવે. એ એન્ગલથી દાદાના થોડા ફોટા પસંદ કર્યા. પહેલા જ અંકમાં તેમણે પાડેલી નેહરુ બ્રિજ બંધાયા પહેલાંની તસવીર લીધી. તેમાં દેખાતું એક ઘર એ વખતે (૧૯૯૮)માં પણ ઊભું હતું અને બન્ને તસવીરો વચ્ચેનું સીધું સામ્ય તથા તફાવત પણ સ્થાપિત કરી આપતું હતું. એટલે નવી તસવીર મેં પાડી- ભૂલતો ન હોઉં તો નદીના પટમાં ઉતરીને, પહેલા અંકનું માસ્ટ અને દાદાની તસવીરો ધરાવતું છેલ્લું પાનું અહીં મૂક્યું છે. એ વખતે ગુજરાતી સામયિકોમાં લેખકો કે કન્ટ્રીબ્યુટરોની તસવીરો છાપવાનો રિવાજ ન હતો. પણ દાદા માટે અમે અપવાદ કર્યો અને તસવીરો સાથે તેમનો ફોટો પણ છાપતા હતા (અને એ વ્યવસ્થા મહેનતાણાની અવેજીમાં ન હતી.)
Citylife News : City magazine of ahmedabad, 1st issue


એ અરસામાં હું પેન્ટેક્સ કે-૧૦૦૦નો જૂનો અને જાણીતો એસએલઆર કેમેરા લઇને ફરતો હતો. એક દિવસ દાદાને ઘરે ગયો અને થયું કે તેમના ફોટા પાડું. બહાર સરસ લાઇટ હતું. ખુરશી પર તેમને બેસવા કહ્યું, એટલે એ બેઠા તો ખરા, પણ પણ ફોટોગ્રાફરે ’સબ્જેક્ટ’ના હાથ કેવી રીતે રખાવા જોઇએ, એના વિશે સરસ વાત કરી. (જૂના જમાનાના ફોટામાં આ પ્રકારની ગોઠવણને કારણે જ, ભલે ક્યારેક નૈસર્ગિકતાના ભોગે પણ, સૌંદર્યનો અહેસાસ આવતો હતો.) આ તસવીર એમણે જૂની સ્ટાઇલમાં, પોતે પોતાના સબ્જેક્ટને બેસાડતા હતા, એવી મુ્દ્રા સાથે પડાવી.
Pranlal Patel / પ્રાણલાલ પટેલ (photo : urvish kothari)
એ જ સિરીઝમાં પાડેલાં દાદાનાં કેટલાંક પોર્ટેઇટ, જેમાં મને મઝા આવી હતી. 
Pranlal Patel / પ્રાણલાલ પટેલ (photo : urvish kothari, 2001)

Pranlal Patel / પ્રાણલાલ પટેલ (photo : urvish kothari,,2001)
’સીટીલાઇફ’ના ગાળાથી દાદા સાથે સ્નેહગાંઠ બંધાઇ અને મજબૂત થઇ. તેમની પાસે તસવીરોનો એવો અદભૂત ખજાનો હતો કે મને હંમેશાં એવી ચટપટી રહે કે દાદાના ફોટા ક્યારે વાપરું. તેમાં મુશ્કેલી એક જ હોય- દાદા પોતાની તસવીરોની કિંમત જાણે. એ વખતે દાદાનાં પત્ની દમયંતિબહેન હયાત. એ કાબેલ મેનેજર. દાદા ભોળા છે ને લોકો એમને છેતરી જાય છે, એવું તેમને સતત લાગ્યા કરે અને એ લાગણીમાં તથ્ય પણ ખરું. એટલે તેમની સાથે માફકસરનું બિઝનેસ ડીલીંગ કરવું પડે. વારંવારના ડીલીંગ પછી વિશ્વાસ પડતાં એમની સાથે કામ પાડવાનું મારા માટે ઓછું અઘરું- લગભગ સરળ કહી શકાય એવું બન્યું. છતાં આપણે ત્યાં લેખકોની જેમ બલ્કે લેખકો કરતાં પણ વધારે ફોટોગ્રાફરોને રૂપિયા આપવાના થાય ત્યારે બધાને કીડીઓ ચડે. છતાં, બન્ને પક્ષ નારાજ ન થાય એ રીતે કામ કરવાનો મેં શક્ય ત્યાં સુધી પ્રયાસ કર્યો. અહીં મુકેલી તસવીરમાંથી જૂનો ભાગ મારી બહુ જ ગમતી દાદાની તસવીરોમાંની એક છે. એ ’આરપાર’ના ફિલ્મસંગીત વિશેષાંક માટે અમે વાપરી હતી. એ તસવીરમાં ગ્રામોફોન પ્રત્યે લોકોનું વિસ્મય અને તેમના હાવભાવ જે રીતે ઝીલાયા છે, તે જોનારને એવા જકડી લે છે કે તસવીરમાં તેડેલાં બે બાળકો સાવ સહજતાથી સ્તનપાન કરી રહ્યા છે, એ તરફ ધ્યાન જ ન જાય.


દાદાએ આખા ગુજરાતમાં પિક્ટોરિઅલ ફોટોગ્રાફી કરી, પણ અમદાવાદનું તો તેમણે વ્યવસ્થિ દસ્તાવેજીકરણ કર્યું એમ કહી શકાય. આવો શબ્દ એ કદાચ વાપરતા નહીં, પણ અમદાવાદ નસીબદાર કે તેને પ્રાણલાલ પટેલ જેવા દસ્તાવેજીકરણ કરનાર મળ્યા. અમદાવાદનાં જે સ્વરૂપોને જેટલી માત્રામાં અને જે લાંબા સમયપટ દરમિયાન દાદાએ ઝીલ્યાં છે એટલાં ભાગ્યે જ કોઇએ ઝીલ્યાં હશે.


’દિવ્ય ભાસ્કર’માં એક સમયે એવો મણિકાંચન યોગ સર્જાયો જ્યારે આકાર પટેલ ગ્રુપ એડિટર હતા અને દીપક સોલિયા પૂર્તિ સંપાદક. એ વખતે આકારના કહેવાથી મેં બુધવારની પૂર્તિને આખેઆખી નવેસરથી બનાવવાનું કામ હાથમાં લીધું. ’કળશ’ની જગ્યાએ તેને નામ આપ્યું ’અસ્મિતા’ પૂર્તિ. સોળ પાનાંની ને આકારનાં વળતાં પાણી પછી સંસ્થાકીય કારણોસર કદી નહીં છપાયેલી- ગર્ભમૃત્યુ પામેલી એ પૂર્તિનું છેલ્લું પાનું. તેમાં દાદાની તસવીરી તફાવતની કોલમને અમે આપેલું નામ હતું ’જનરેશન ગેપ’.


’આરપાર’ના અમે તૈયાર કરેલા ’સરદાર વિશેષાંક’ (૨૦૦૪)નો શાહીબાગ સરદાર સ્મારકમાં સમારંભ યોજાયો ત્યારે સરદારની તસવીરો લેનારાં બે તસવીરકાર હોમાય વ્યારાવાલા અને પ્રાણલાલ પટેલ એ સમારંભમાં હાજર હતા. બીજા વર્ષે મેં અંકની સામગ્રીમાં ખાસ્સા ફેરફાર-ઉમેરા-વધારા કરીને ’સરદારઃ સાચો માણસ, સાચી વાત’ પુસ્તક કર્યું. તેનું રાજકોટના હેમુ ગઢવી હોલમાં વિમોચન થયું ત્યારે પણ દાદા ખાસ અમદાવાદથી આવ્યા હતા. વિમોચન સમારંભ પછીની આ યાદગાર તસવીર
L to R : Biren Kothari, Binin Modi, Pranlal Patel, Urvish Kothari
ઘણા સમય સુધી (એકવીસમી સદીમાં પણ) દાદા સાથે પત્રનો વ્યવહાર રહેતો. એ પોસ્ટકાર્ડ અથવા ઇનલેન્ડ લખે. લખવામાં ભારે વ્યવહારુ. મીઠા. વિવેકી. નમૂનાલેખે આ એક પોસ્ટકાર્ડ. એમની ૯૦મી વર્ષગાંઠ પર મેં તેમને કંઇક લખ્યું હશે અને ૧૦૦મી વર્ષગાંઠનો ઉલ્લેખ કર્યો હશે, તેનો એમણે આપેલો  જવાબ સ્વયંસ્પષ્ટ  અને વાંચી શકાય એવો છે. એ વિશે મારે કંઇ લખવાની જરૂર નથી. 


હજુ દાદાની વાત પૂરી થઇ નથી. પણ વધુ તસવીરો- વધુ યાદો બીજા બ્લોગમાં. અત્યારે તો એમનાં સ્મરણનો જલસો.
Pranlal Patel / પ્રાણલાલ પટેલ (photo : urvish kothari)

4 comments:

 1. Bhai mazo padi gayo .. dada ne malya jetlo j anand.. phota pan saras...

  ReplyDelete
 2. Salil Dalal (Toronto)9:04:00 PM

  બહુ સરસ અને યોગ્ય શ્રદ્ધાંજલિ.
  ઉર્વીશને ભાવુક થઈ લખતા અનુભવવાનો આ દુર્લભ લેખ છે. ‘સીટી લાઇફ’નાં જે વર્ષોની વાત છે એ દરમિયાનની લગભગ દૈનિક નિકટતાને લીધે અને ‘આરપાર’ સાથે નિયમિત લેખક તરીકે સંકળાયેલા રહેવાને લીધે અત્રે ઉલ્લેખાયેલા અમુક પ્રસંગો મનમાં ફરી તાજા થયા... જેમ કે ફિલ્મ વિશેષાંક!
  બીજા ભાગનો ઇન્તેજાર છે, ઉર્વીશ.

  ReplyDelete
 3. ઉર્વિષભાઈ

  પ્રાણલાલભાઈ પટેલ ફોટોગ્રાફિની એક સંસ્થા જેવા હતા. તેમની સુદીર્ઘ તસ્વીરકલા યાત્રાએ
  તેમને સારી પ્રતિષ્ઠા અપાવેલી.
  કિશોરાવસ્થાથી લઈને જુદા જુદા મેગેઝિનોમા તેમની તથા એ. એલ. સૈયદ અને પોમલની
  લીધેલી સુંદર તસવીરો જોઈ તેમની કલા માણી છે.
  તમે આવા મહાન કલાકરની તમે પાડેલી સુંદર તસ્વીરો લેખ સાથે મુકી વધારે રસાળ બનાવ્યો.
  Very fitting and deeply touched tribute to a centurion artist.

  આભાર!

  દિનેશ પંડ્યા
  ઘાટકોપર, મુંબઈ.

  ReplyDelete
 4. What a tender piece! I can only imagine how much he must have meant to you!

  ReplyDelete