Wednesday, January 22, 2014
પ્રાણલાલ પટેલ ’દાદા’ : યાદોત્સવ (૨)
પાછલાં વર્ષોમાં પોતાની તસવીરો જેટલાં જ કે તેના પણ વધારે પોતાની ઉંમર માટે જાણીતા, ૧૦૫ વર્ષના ફોટોગ્રાફર પ્રાણલાલ પટેલનું ૧૮ જાન્યુઆરીની બપોરે અવસાન થયું. તેમની સાથેની વિશિષ્ટ પ્રકારની દોસ્તીના નાતે તેમને અંજલિ આપતી એક પોસ્ટ અગાઉ મૂકી હતી (એ પોસ્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો) આ તેનો બીજો ભાગ છે. પહેલી પોસ્ટમાં લખ્યું હતું તેમ, દાદા વિશે ગમે તેટલું લખ્યા પછી પણ એ પૂરતું નહીં લાગે. છતાં, પ્રિય વ્યક્તિને લાગણીભીની વિદાય આપવાની- તેમને અલવિદા કહેવાની ચેષ્ટા તરીકે આટલું મૂક્યું છે.
એ જ મેળાવડામાં દાદા સાથે મસ્તીભરી ક્ષણો/ Pranlal Patel & Uvish Kothari (photo : Nikunj) |
દાદાની સોમી વર્ષગાંઠ નિમિ્તે પૌત્ર પિયુષ પટેલે ઘરે સત્યનારાયણની પૂજા રાખી હતી. આસ્થાની પણ એ જ દિવસે વર્ષગાંઠ હોવાથી સોનલ, આસ્થા અને હું સવારે અમદાવાદ ગયાં હતાં. સૌથી પહેલાં દાદાને ત્યાં પહોંચ્યાં ત્યારે પૂજા ચાલતી હતી અને ફોટોગ્રાફ્સ કે વિડીઓ કોઇ લેતું હોય એવું લાગતું ન હતું. એટલે મને એ કામ કરવાની વિશેષ મઝા આવી અને એ પ્રસંગની એક કાયમી યાદગીરી બની ગઇ.. આ પ્રસંગે દાદાની ચુસ્તી અને સ્ફુર્તિ દર્શાવતી વિડીયો ઝલક પોસ્ટના અંતે મૂકી છે.
દાદાનાં સો વર્ષની ઉજવણી નિમિત્તે પૌત્ર પિયુષ પટેલે તૈયાર કરેલા નિમંત્રણ કાર્ડમાં દાદાનાં વિવિધ રૂપ (વચ્ચેની ફેંટાવાળી તસવીર દાદાના પિતાની છે) |
સોમી વર્ષગાંઠના પ્રસંગે યોજેલી સત્યનારાયણની કથામાં પૌત્ર-પૌત્રવધુ સાથે સહેલાઇથી પલાંઠી વાળીને પૂજામાં બેઠેલા દાદા / Pranlal Patel |
સો વર્ષની ઉંમરે સહેલાઇથી પલાંઠી વાળીને બેસી જવું અને એટલી જ ઝડપથી પલાંઠી છોડીને ઊભા થઇ જવું દાદા માટે સહજ હતું. સોમી વર્ષગાંઠે કથા પછી આરતી ઉતારતા દાદા |
દાદા પાસે જૂના અને ચાલુ અવસ્થામાં સચવાયેલા કેમેરાનો મોટો સંગ્રહ હતો. એ દરેક કેમેરા માટે તેમને જબરો લગાવ હતો. એ વિશે વાત કરતાં એ પ્રેમિકાની વાત કરતા મુગ્ધ યુવાન જેવા બની જતા હતા. જૂના કેમેરા બતાવતી વખતે તેના વિશે વાત કરતા દાદાની વિડીયો ઝલક છેક છેલ્લે મૂકી છે..
Pranlal Patel with his vintage camera collection |
દાદાની તસવીરી કળા જેટલી જ મોટી ખૂબી તેમની સાચવણીમાં હતી. કલાકારો સાથે અવ્યવસ્થિતતાને (ખોટી રીતે) સાંકળી દેવામાં આવતી હોય અથવા તેને કળાકારના ભૂષણ તરીકે ગણવામાં આવતી હોય ત્યારે દાદા પાસે પાંચ-છ દાયકા જૂની તસવીરોની પ્રિન્ટ અને નેગેટિવ એકદમ હાથવગી હોય. તેના એક નમૂના લેખે વિવિધ વિષયો આધારે વર્ગીકૃત કરીને ગોઠવેલી પ્રિન્ટોનાં ખોખાં
દાદાની અસંખ્ય બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરોમાં કેવળ વિષય જ નહીં, એ સમયનો ચહેરો જોઇ શકાય છે. જેમ કે, વરાળ છોડતા વરાળીયા એન્જિનની પાસે ઊભેલી પાણીવાળી છોકરીની મુદ્રા. સૌંદર્યનો વ્યાપક અર્થ લઇએ તો આ તસવીરને Beauty & The Beast જેવું શીર્ષક આપી શકાય.
રવિશંકર રાવળ ગેલેરીમાં યોજાયેલા તેમના તસવીર પ્રદર્શનમાં મારી અત્યંત ગમતી એક તસવીર સાથે પ્રાણલાલ પટેલ / Pranlal Patel |
Pranlal Patel & Biren Kothari |
કાંચી પંડ્યાએ બીજા મિત્રોની મદદથી અને ફોટોગ્રાફર મિત્ર કેતન મોદીના સહયોગથી, ખાસ્સી જહેમત લઇને, સૂઝપૂર્વક દાદા વિશે એક ડોક્યુમેન્ટરી બનાવી હતી. અમદાવાદના સીઇસમાં તેના પહેલા જાહેર પ્રદર્શનસમારંભનું, નેગેટીવ પર તૈયાર કરાયેલું આ વિશિષ્ટ આમંત્રણ કાર્ડ. ફિલ્મનું નામ છે ’એનું સર્વસ્વ’
દાદા સાથેની છેલ્લી મુલાકાત. સાથે મારી ભાણી નીશા પરીખ પણ હતી. એણે તેના ફોનમાં પાડેલી આ તસવીર. દાદાને મેં હોમાય વ્યારાવાલા વિશેનું પુસ્તક જોવા આપ્યું હતું. મારી એવી તીવ્ર ઇચ્છા હતી કે દાદાના જીવનકાર્યને બે પૂઠાં વચ્ચે સમાવતું આ બરનું એક પુસ્તક તૈયાર થાય. પરંતુ એ શક્ય બન્યું નહીં.
Pranlal Patel & Urvish Kothari (Photo : Neesha Parikh) |
...અને આ દાદાનું જીવંત- જીવનથી છલકાતું સ્વરૂપ, જે કાયમ યાદ રહેશે.
Labels:
Obit/અંજલિ,
photo,
pranlal patel,
Urvish Kothari/ઉર્વીશ કોઠારી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment