Monday, January 27, 2014
પચાસ વર્ષ પહેલાં થયેલી વિજ્ઞાન-આગાહી : કલ્પના અને હકીકત
૧૯૬૪માં આઇઝેક એસિમોવે કરેલી ૨૦૧૪ વિશેની આગાહીઓમાંથી કેટલી સાચી પડી? ને કેટલી ટાઢા પહોરની પુરવાર થઇ છે?
ભવિષ્ય વિશે જાણવું એ માણસજાતની કેટલીક મૂળભૂત જિજ્ઞાસાઓમાંની એક છે. તેના વિશે કૂતુહલથી માંડીને ઘેલછા સુધીની લાગણીઓ માણસમાં હોઇ શકે છે, જેનો ગેરલાભ ઉઠાવવાનો આખો ઉદ્યોગ સદીઓથી ફૂલ્યોફાલ્યો છે. હસ્તરેખાઓથી માંડીને કાચના ગોળા અને ગ્રહોની દશા જોઇને ભવિષ્ય ભાખનારા લોકોની સરખામણીમાં ભવિષ્યવેત્તાઓનો એક નાનો વર્ગ સાવ જુદો છે : વિજ્ઞાનકથાઓ દ્વારા ભાવિની સફર કરાવતા આ લોકો અંધશ્રદ્ધાના નહીં, પણ વિજ્ઞાનના આરાધક હોય છે. તેમની આગાહીઓમાં કલ્પનાની સાથોસાથ વિજ્ઞાનના પ્રવાહો અને તેના સિદ્ધાંતોની સમજણ પણ ભારોભાર ભળેલી હોય છે. જુલ્સ વર્ન, એચ.જી.વેલ્સ, આર્થર ક્લાર્ક જેવા ઘુરંધર વિજ્ઞાનકથાલેખકોની પંગતમાં લેવાતું એક નામ છે : આઇઝેક એસિમોવ/ Isaac Asimov
Isaac Asimov & his predictions (courtesy : freaking news) |
જન્મે રશિયન એવા એસિમોવ અમેરિકામાં બાયો-કેમિસ્ટ્રી ભણાવતા હતા, પરંતુ દુનિયાભરમાં તેમની ખ્યાતિ વિજ્ઞાનલેખક તરીકે થઇ. એસિમોવે ૧૯૬૪માં પચાસ વર્ષ પછીની દુનિયા કેવી હશે, તેની કલ્પના કરતો એક લેખ ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’માં લખ્યો હતો. તેનું મથાળું હતું : ‘વિઝિટ ટુ ધ વર્લ્ડ ફેર ઑફ ૨૦૧૪’.(મૂળ લેખની લિન્ક)
વર્ષ ૨૦૧૪ શરૂ થઇ ચૂક્યું છે ત્યારે, એસિમોવે પચાસ વર્ષ પહેલાં કરેલી આગાહીઓમાંથી કેટલી સાચી પડી ને કેટલી ટાઢા પહોરની કલ્પનાઓ પુરવાર થઇ, એ તપાસવાનું રસપ્રદ બની રહેશે.
ઘર અને રસોડું
આગાહી : માણસ કુદરતથી વઘુ ને વઘુ દૂર થઇને પોતાને અનુકૂળ એવું કૃત્રિમ વાતાવરણ રચશે. વીજળીની મદદથી દીવાલો અને છતો આપમેળે જુદા જુદા રંગો ચમકાવતી હશે. ઘરમાં બારીઓની જરૂર નહીં હોય ને હશે તો પણ તેમાં સૂર્યપ્રકાશ માટે ‘નો એન્ટ્રી’ હશે. બારીઓના કાચ પર પડતો પ્રકાશ ઓછો વત્તો થાય એમ તેની પારદર્શકતામાં વધઘટ થતી રહેશે. સમોટા ભાગના માણસો જમીનની નીચે - અન્ડરગ્રાઉન્ડ- વસતા હશે. તાપમાન અને પ્રકાશમાં ઇચ્છા મુજબની વધઘટ કરીને અન્ડરગ્રાઉન્ડ ઘરને હવામાનની દખલથી મુક્ત રાખી શકાશે. ખુલ્લી પડેલી જમીનસપાટી પર મોટે ભાગે ખેતી થતી હશે અથવા ઢોર ચરાવવા માટે કે પાર્કિંગ માટે વપરાશે.
અવનવાં ઉપકરણો માણસની મહેનત બચાવશે. જેમ કે, રસોડામાં આપમેળે રસોઇ બનાવી શકે, પાણી ગરમ કરીને કોફી બનાવી શકે, બ્રેડની ટોસ્ટ બનાવી શકે એવાં ઉપકરણ આવી જશે. આગલી રાત્રે ચોક્કસ નાસ્તાનો ‘ઑર્ડર’ આપ્યો હોય તો એ બીજી સવારે નક્કી કરેલા સમયે મશીનો જ તૈયાર કરી રાખશે. એવી જ રીતે, અડધું રાંધેલું ભોજન પણ પ્રોસેસિંગ કરતાં પહેલાં ફ્રીઝમાં સંઘરી શકાશે. જોકે ૨૦૧૪માં પણ રસોડામાં થોડી જગ્યા હાથેથી ભોજન રાંધવા માટે રાખવી જોઇએ, એવું એસિમોવે હળવાશથી સૂચવ્યું હતું.
વાસ્તવિકતા : વિગતે લખવાની જરૂર નથી, પણ મોટા ભાગની માણસજાત હજુ જમીન ઉપર જ રહે છે અને ખેતીની જમીનો ઘટી ચૂકી છે. પાર્કિંગ માટેની જગ્યા દુર્લભ છે. દીવાલો અને ભીંતો એની મેળે પ્રકાશ પાથરતી નથી અને સૂર્યપ્રકાશ સાથે માણસનો નાતો છૂટી ગયો નથી. (કેટલાક અભ્યાસીઓના મતે, ખુદ એસિમોવને સૂર્યપ્રકાશ બહુ સદતો ન હતો. એટલે તેમની આ ભવિષ્યવાણી માટે અંગત પરિબળો જવાબદાર હોઇ શકે.) રસોડાની મહેનત બચાવતાં અનેક ઉપકરણ આવી ગયાં છે, પણ તૈયાર ભાણું પીરસે એવી ટેકનોલોજી હજુ આવવાની બાકી છે.
કમ્પ્યુટર અને રોબોટ
આગાહી : રોબોટ બહુ સામાન્ય પણ નહીં હોય કે બહુ સારા પણ નહીં હોય, છતાં હશે ખરા. નાનાં કમ્પ્યુટર રોબોટના દિમાગ તરીકે કામ કરશે. આઇબીએમ કંપનીએ બનાવેલું ઘરકામ કરનાર રોબોટનું એક મોટું, ધીમું ને વિચિત્ર મોડેલ નાનાં કામ કરી શકશે. બાગકામ કરતા રોબોટ પણ આવી ગયા હશે.
વાસ્તવિકતા : કમ્પ્યુટર અને રોબોટની ટેકનોલોજી એસિમોવની કલ્પના કરતાં ઘણી આગળ નીકળી ચૂકી છે. માણસનાં અનેક જોખમી, કડાકૂટિયાં અને યાંત્રિક કામ રોબોટ દ્વારા ચોક્સાઇપૂર્વક, અસરકારક રીતે થઇ રહ્યાં છે.
અણુવીજળી અને સૌરઉર્જા
આગાહી : ૨૦૧૪માં સાધનો સાથે ઇલેક્ટ્રિકના વાયર નહીં હોય. કારણ કે તે લાંબુ આયુષ્ય ધરાવતી અને રેડિયો આઇસોટોપ વડે ચાલતી બેટરીથી કામ કરતાં હશે. રેડિયો આઇસોટોપ સસ્તા ભાવે મળતા હશે કારણ કે વર્ષ ૨૦૧૪ સુધીમાં માણસજાત માટેની અડધાથી પણ વધારે વીજળી અણુવિખંડનથી પેદા થતી હશે. અલબત્ત, આ પ્રકારની બેટરી વપરાઇ ગયા પછી (તે અણુકચરો પેદા કરતી હોવાથી) તેમનો નિકાલ ફક્ત અધિકૃત એજન્ટો થકી જ થઇ શકશે. અણુસંયોજન (ફ્યુઝન)થી વીજળી પેદા કરનારા પ્લાન્ટ અજમાઇશી ધોરણે શરૂ થઇ ચૂક્યા હશે. રણપ્રદેશોમાં મોટા સોલર પાવર પ્લાન્ટ ચાલતા હશે. અંતરિક્ષમાં વિદ્યુતમથકો ચાલતાં હશે, જે મોટા અરીસાની મદદથી સૂર્યપ્રકાશ ઝીલીને તેની એકત્ર થયેલી શક્તિને પૃથ્વી પર મોકલી આપતાં હશે.
વાસ્તવિકતા : ‘વર્લ્ડ ન્યુક્લિઅર એસોસિએશન’ના વર્ષ ૨૦૧૩ના આંકડા પ્રમાણે, વિશ્વની કુલ વીજળીમાંથી ૧૧ ટકા વીજળી અણુવિદ્યુત મથકોમાં (અણુવિખંડન દ્વારા) પેદા થાય છે. એટલે કે એસિમોવનો અંદાજ ઘણો ઉદાર હતો. એવી જ રીતે, અંતરિક્ષમાં વિદ્યુતમથકો સ્થપાયાં હશે, એવો તેમનો આઇડીયા પણ હજુ ફળીભૂત થયો નથી.
વાહનવ્યવહાર
કલ્પના : વર્ષ ૨૦૧૪માં હવામાં ચાલતાં વાહનો પર વઘુ પડતો ભાર અપાતો હશે. એરક્રાફ્ટ તો હશે જ. ઉપરાંત જમીન પર ચાલતાં વાહનો પણ (યુધિષ્ઠિરના રથની પેઠે) જમીનસપાટીથી એક-બે ફૂટ ઉપર, હવામાં ચાલતાં હશે. ઊંચા દબાણે ભરેલી - કમ્પ્રેસ્ડ- હવાના જોરે વાહનો હાઇ-વે પરથી સીધાં હવામાં ઉંચકાતાં હશે. એટલે હાઇ-વેને અપ-ટુ-ડેટ રાખવાની જરૂર નહીં પડે. સમથળ જમીન કે લોન ઉપરથી પણ વાહનો હવામાં ઉંચકાઇ શકશે. હવામાં ઉડતાં વાહનોને કારણે પુલનું મહત્ત્વ ઘટી જશે, પણ સ્થાનિક કાયદા કદાચ વાહનોના ઉડ્ડયન સામે વાંધા પાડી શકે. ‘રોબોટ બ્રેઇન’ ધરાવતાં વાહન બનાવવાનો ઘણો પ્રયાસ થશે. તે ડ્રાઇવરની જેમ જ ધીમેથી પ્રતિક્રિયા દાખવીને નક્કી કરેલા ચોક્કસ સ્થળે આપમેળે પહોંચી જશે અને ભીડવાળા રસ્તામાં પણ સલામત રીતે ચાલશે.
સરકતી ફૂટપાથો ચલણમાં આવશે, જેની બન્ને કિનારે બાંકડા અને વચ્ચે ઊભા રહેવાની જગ્યા હશે. શેરીઓમાં પાર્કિંગ કરવામાં નહીં આવે. ટ્રકો પરથી માલ ઉતારવા માટે શહેરની ફરતેના વિસ્તારમાં અમુક ઠેકાણાં નક્કી કરવામાં આવશે. ભારે દબાણથી ભરેલી હવા ધરાવતી ટ્યુબ ટૂંકાં અંતરમાં માલવાહક તરીકે કામ આપશે. એ ટ્યુબમાં સ્વિચિંગ ડીવાઇસની મદદથી ચોક્કસ સંપેતરાને ચોક્કસ સ્થળે પહોંચાડવામાં આવશે.
વાસ્તવિકતા : આપણે જાણીએ છીએ કે હજુ પણ વિમાન સિવાયનાં વાહનો જમીનની સપાટી પર જ ચાલે છે. અલબત્ત ‘રોબોટ બ્રેઇન’ ધરાવતા વાહનની કલ્પના સાથે (૨૦૧૩માં વાસ્તવિકતા બનેલી) ‘ગૂગલ’ની ડ્રાયવર વગરની કારનો મેળ ખાય છે. એવી જ રીતે, ભલે કમ્પ્રેસ્ડ એર ટ્યુબ દ્વારા નહીં, પણ ‘ડ્રોન’ (માનવરહિત ઉડ્ડયન યંત્રો) દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે ચીજવસ્તુઓ મોકલવાના સફળ અખતરા થયા છે.
સંદેશાવ્યવહાર
આગાહી : સંદેશાવ્યવહારમાં અવાજની સાથે દૃશ્ય ઉમેરાયું હશે. જેમની સાથે વાત કરીએ તેમને જોઇ પણ શકાશે. (ફોનના) સ્ક્રીનનો ઉપયોગ ફક્ત વાત કરવા માટે જ નહીં, ડોક્યુમેન્ટ્સ વાંચવા, તસવીરો જોવા અને પુસ્તકના હિસ્સા વાંચવા માટે થઇ શકશે. (જિઓ)સિન્ક્રોનસ (ભૂસ્થિર) ઉપગ્રહોના પ્રતાપે આખી પૃથ્વી પર ગમે ત્યાં ડાયરેક્ટ ડાયલિંગથી વાત થઇ શકશે. હકીકતે ચંદ્ર પર રહેલા મનુષ્યો સાથે પણ વાત થઇ શકશે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચે એકસામટા અનેક વાર્તાલાપનું પ્રસારણ લેસરના શેરડાની મદદથી શક્ય બનશે. અલબત્ત, એક છેડેથી બોલાતું વાક્ય બીજા છેડે તરત સંભળાવાને બદલે અઢી સેકન્ડ પછી સંભળાશે. પૃથ્વી પર લેસરના શેરડા સાથે વાતાવરણનું અને વસ્તુઓનું ઘર્ષણ ટાળવા માટે પ્લાસ્ટિકની પાઇપમાં વહેતા કરવા પડશે.
વાસ્તવિકતા : ચંદ્ર પર માનવ વસવાટની કલ્પનાને બાદ કરતાં બાકીનું બઘું વર્ણન આજના સ્માર્ટ ફોનને ઘ્યાનમાં રાખીને કરાયું હોય એવું નથી લાગતું? જ્યારે હકીકત એ છે કે એસિમોવે આ લખ્યું ત્યારે ઇન્ટરનેટ પણ શોધાયું ન હતું.
વસ્તી અને સંબંધિત સમસ્યાઓ
આગાહી : અમેરિકાની વસ્તી ૩૫ કરોડ સુધી પહોંચી હશે. બોસ્ટનથી વોશિંગ્ટન સુધીનો આખો પ્રદેશ ૪ કરોડની વસ્તી સાથે એક આખા શહેરમાં અને વિશ્વના સૌથી વઘુ વસ્તી ધરાવતા વિસ્તારમાં ફેરવાઇ ચૂક્યો હશે. વસ્તી વિસ્ફોટને કારણે લોકો રણમાં અને ધ્રુવપ્રદેશોમાં રહેવા ગયા હશે. એક નવી શરૂઆત તરીકે, ખંડીય છાજલીઓ તરીકે ઓળખાતા, કિનારા નજીકના છીછરું પાણી ધરાવતા વિસ્તારમાં લોકો વસવા લાગ્યા હશે. પાણીમાં- સમુદ્રની સપાટીના તળીયે વસવાટ પણ શરૂ થયો હશે અને વોટર સ્પોર્ટ્સમાં રસ ધરાવતા લોકોને તેનું ઘણું આકર્ષણ હશે. તેના લીધે મહાસાગરોમાં રહેલી ખાદ્યસંપત્તિ અને ખનીજસંપત્તિ વધારે અસરકારક રીતે બહાર કઢાતી હશે. ૨૦૧૪ના વર્લ્ડ ફેરમાં સમુદ્રના તળીયે વસતાં શહેરોનાં મોડેલ દર્શાવાયાં હશે.
સામાન્ય પદ્ધતિથી થતી ખેતી મહાપરાણે ચાલુ રહી હશે. ૨૦૧૪નાં ખેતરોમાં (પરંપરાગત પાકને બદલે) વધારે અસરકારક એવાં માઇક્રો-ઓર્ગેનિઝમ ‘ઉગતાં’ હશે. પ્રોસેસ્ડ યીસ્ટ અને આલ્ગીનાં ઉત્પાદનો છૂટથી બજારમાં મળતાં હશે. સભારે વસ્તીવધારાને લીધે તમામ લોકો સુધી ટેકનોલોજીનો લાભ નહીં પહોંચી શકે. વિશ્વની વસ્તીનો મોટો હિસ્સો આર્થિક રીતે અત્યારના કરતાં વધારે પામતો-પહોંચતો થયો હોય તો પણ, જગતના વિકસિત દેશોની ટેકનોલોજી સાથે તેમની સરખામણી કરતાં, બન્ને વચ્ચેનો તફાવત વઘ્યો હશે. વસ્તીનો બેફામ વધારો થાય તો ટેકનોલોજી પણ તેની સાથે તાલ મિલાવી નહીં શકે. પૃથ્વીની વસ્તી દર ચાળીસ વર્ષે બમણી થાય છે. એ સિલસિલો ચાલુ રહેશે તો ૫૦૦ વર્ષમાં આખું વિશ્વ ન્યૂયોર્કના મેનહટન જેટલું ગીચ બની જશે. એટલે કે દર ચોરસ માઇલે એક લાખ માણસોની ગીરદી થશે. આવા વિશ્વને ટકાવી રાખવાનું કપરું બનશે અને આ સ્થિતિ આવતાં પહેલાં જ સમાજ નષ્ટ થશે.
હૃદય અને કીડની જેવાં નુકસાન પામતાં અંગોના સ્થાને યાંત્રિક સાધનોનો ઉપયોગ વધતો હશે. રક્તવાહિનીઓ અને ચેતાઓ પણ બદલી શકાતી હશે. તેના કારણે મૃત્યુદર ઘટ્યો હશે અને વિશ્વના કેટલાક ભાગમાં સરેરાશ આયુષ્ય વધીને ૮૫ વર્ષ સુધી પહોંચ્યું હશે. તેના કારણે પણ વસ્તી વધશે. એટલે વસ્તી પર અંકુશ રાખવા માટેના પ્રયાસ મોટા પાયે હાથ ધરવામાં આવશે. જન્મદર ઘટાડવા માટેની વિવેકપૂર્ણ અને માનવીય પદ્ધતિઓનો જબરદસ્ત પ્રચાર ચાલતો હશે. છતાં તેને કાબૂમાં લેવામાં પૂરેપૂરી સફળતા નહીં મળી હોય.
વાસ્તવિકતા : વસ્તીના આંકડા વિશે એસિમોવનો અંદાજ સાચો હોવા છતાં બાકીની બાબતોમાં તેમની આગાહી સચ્ચાઇથી ઘણી દૂર છે. રહી છે. દરિયાની નીચે શહેરો બાંધવાનું નજીકના ભવિષ્યમાં પણ કોઇ આયોજન હોય એવું દેખાતું નથી. ખેતીની બાબતમાં ટેકનોલોજી અને યંત્રોનો ઉપયોગ વઘ્યો છે. છતાં, પરંપરાગત ખેતી સિવાય હજુ ઉદ્ધાર જણાતો નથી. હૃદયને કાબૂમાં રાખવા માટે પેસમેકર જેવું યંત્ર વપરાતું થયું છે, પણ કીડનીનું સ્થાન કોઇ યંત્ર લઇ શક્યું નથી. તેમ છતાં, તબીબી વિજ્ઞાનની પ્રગતિને કારણે લોકોનું સરેરાશ આયુષ્ય બેશક વઘ્યું છે. એસિમોવે ભાખ્યું હતું તેમ, જાપાન - સિંગાપોર- હોંગકોંગ સહિતન ૩૪ દેશ એવા છે, જ્યાંના નાગરિકોનું સરેરાશ આયુષ્ય ૮૦ વર્ષથી ૮૫ વર્ષ જેટલું છે.
‘ડિજિટલ ડીવાઇડ’ - આ શબ્દ એસિમોવે ભલે વાપર્યો ન હોય, પણ તેમનો ઇશારો એ તરફ જ છે. ફક્ત આર્થિક બાબતમાં જ નહીં, ટેકનોલોજીમાં પણ ‘હેવ્સ’ અને ‘હેવ નોટ્સ’ (વંચિતો અને લાભાર્થીઓ) વચ્ચેનો તફાવત વધશે, એવી તેમની આગાહી કમ્પ્યુટરયુગમાં સાચી લાગતી હતી, પણ સ્માર્ટ ફોન ડિજિટલ ડીવાઇડ પુરવાની દિશામાં કામ કરી રહ્યા છે. સવસ્તી જગતની એક સમસ્યા હોવા છતાં, એસિમોવે ધારી હતી એવી કેન્દ્રીય સમસ્યા તે બની નથી. ઉલટું, ભારત કે ચીન જેવા દેશોમાં ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’- (વઘુ વસ્તીના અને સરવાળે કામ કરનાર લોકોના પ્રમાણમાં વધારો)ની વાત થાય છે.
કમ્પ્યુટર અને શિક્ષણ
આગાહી : ૨૦૧૪ના વિશ્વમાં રોબોટથી ન થાય અને ફક્ત માણસ જ કરી શકે એવાં બહુ ઓછાં કામ બચ્યાં હશે. માણસજાત મશીન વાપરનારી પ્રજાતિ બની જશે. સ્કૂલોમાં શીખવવાની પદ્ધતિની સાથોસાથ શીખવવાના વિષય પણ બદલાશે. હાઇસ્કૂલના સ્તરે કમ્પ્યુટર ટેકનોલોજીની પ્રાથમિક જાણકારી આપવામાં આવશે અને તેમને કમ્પ્યુટરની વિવિધ ‘લેન્ગ્વેજ’ શીખવવામાં આવશે.
વાસ્તવિકતા : તાત્ત્વિક રીતે સાચું છે કે હવે રોબોટ દ્વારા થઇ શકે એવાં કામની યાદી લંબાતી જાય છે. ઘણાં જોખમી કામો તેમણે ઉપાડી લીધાં છે. છતાં, માણસજાત કામમાંથી સમૂળગી પરવારી જાય એવી સ્થિતિ બહુ દૂર લાગે છે. હાઇસ્કૂલના સ્તરે કમ્પ્યુટર આવી ગયાં છે ખરાં, પણ હજુ તેમનો અભ્યાસક્રમ સાવ પ્રાથમિક હોય છે. સઆ આગાહીઓ ઉપરાંત એસિમોવે (સચોટ રીતે) એમ પણ કહ્યું હતું કે ૨૦૧૪ સુધીમાં મંગળ પર અમાનવ યાન ઉતરી ચૂક્યાં હશે અને સમાનવ યાત્રાની તૈયારી ચાલતી હશે અને ૨૦૧૪માં મંગળ પર વસાહતોનાં મોડેલ દર્શાવાતાં હશે. આ બન્ને અટકળો સાચી પડી છે.
લેખના અંતે એસિમોવે એવી ધારણા રજૂ કરી હતી કે ૨૦૧૪માં માનવસમાજ પરાણે આરામ ભોગવનારો બનશે. એટલે કે યંત્રોએ બઘું કામ ઉપાડી લીઘું હશે, એટલે માણસને આરામ ભોગવ્યા વિના છૂટકો નહીં રહે. ૨૦૧૪માં ‘કામ’ એ સૌથી ભવ્ય શબ્દ બની રહેશે. સપરંતુ તેમની આ આગાહી સદંતર ખોટી પડી છે અને તેમની અગાઉની આગાહી પ્રમાણે, અગાઉ ગરીબ લાગતા વર્ગોમાં થોડી સરખાઇ આવવા છતાં, સમૃદ્ધ વર્ગો સાથેનો તેમનો તફાવત વઘ્યો છે. માનવસમુદાયનો બહુ મોટો વર્ગ પેટિયું કૂટવા માટે વૈતરાં કરે છે.
એસિમોવની છેલ્લી આગાહી સાકાર થાય એ માટે હજુ કેટલાં વર્ષ રાહ જોવી પડશે? ખબર નથી. માણસને પરાણે આરામપ્રિય બનાવી દેવામાં આવે કે તેને કામમાંથી નિવૃત્ત કરી દેવામાં આવે, એ કેટલું ઇચ્છનીય છે? એ પણ ચર્ચાસ્પદ મુદ્દો છે. તેની ચર્ચા હજુ બીજાં પચીસ-પચાસ વર્ષ પછીની આગાહીઓ માટે બાકી રાખવાની થાય.
Labels:
future,
science/વિજ્ઞાન
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment