Tuesday, June 18, 2013

‘મોદીનીતિ’ એટલે ?

ગુજરાતના મુખ્ય મંત્રીને ગોવા સાથે લેણું લાગે છે.૨૦૦૨માં તેમના શાસનના માથે કોમી હિંસાનું કલંક હતું. છતાં એ વર્ષે ગોવામાં ભાજપની રાષ્ટ્રિય કાર્યકારિણીમાં તેમને ‘પોસ્ટરબોય’નો - એટલે કે પક્ષ જેનું મહિમાગાન કરી શકે એવા નેતાનો-દરજ્જો મળ્યો. તેમના વિશેની શરમને પક્ષીય ગૌરવમાં ફેરવવામાં અડવાણીનો મોટો ફાળો હતો. ૨૦૧૩માં ફરી એક વાર ગોવામાં, આ વખતે અડવાણીને કારણે નહીં પણ તેમના વિરોધ છતાં, નરેન્દ્ર મોદીને ભાજપની ચૂંટણીપ્રચાર સમિતિના અઘ્યક્ષ બનાવાયા.

મહત્ત્વાકાંક્ષાથી ફાટફાટ થતા ગુજરાતના મુખ્ય મંત્રીની સાથે રહીને કે સામે રહીને, અડવાણીના ભાગે ‘ધોબીશ્વાનત્વ’ જ આવવાનું હતું. કારણ કે ૮૫ વર્ષના અને છેલ્લાં થોડાં વર્ષથી વિપક્ષી નેતા તરીકે સાવ બિનઅસરકારક નીવડેલા અડવાણીને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે રજૂ કરવાનું ભાજપ માટે અઘરૂં હતું. કેવળ રાહુલ ગાંધીની વયનું પરિબળ જ અડવાણી-ભાજપને મહાત કરવા પૂરતું થઇ પડે. આ વાજબી કારણમાં ગુજરાતના મુખ્ય મંત્રીની ભડભડતી મહત્ત્વાકાંક્ષા ઉમેરાય, એટલે અડવાણીનું એ જ થાય, જે થયું.

બાકીના કોઇ ભાજપી નેતા પાસે ગુજરાતના મુખ્ય મંત્રી જેટલી મજબૂત ‘તિજોરી’ નથી. રાજકારણમાં કેવળ વ્યક્તિત્વ કે ભાષણોથી પ્રભાવ પાડી શકાય ને સાથી-નેતાઓને પોતાની તરફેણમાં ખેંચી શકાય, એ જમાનો ક્યારનો વીતી ગયો. છટા-શૈલી-વાક્ચાતુર્ય આ બધું જાહેરમાં  દેખાડા પૂરતું કામ લાગે, પણ સત્તા ખાતર ટેકો મેળવવાની વાત આવે ત્યારે તિજોરીનાં બારણાં ખોલી નાખ્યા વિના છૂટકો નહીં. દેખીતું છે કે એ માટે તિજોરી ભરવી પણ પડે. કેટલાક પોતાની તિજોરી વાપરે અને એ ભરવા જતાં ભ્રષ્ટાચારી તરીકે વગોવાય. કેટલાક બીજાની તિજોરી વાપરે, બદલામાં તિજોરીમાલિકોને ફાયદા કરી આપે અને આખા વ્યવહારમાં પોતે ક્યાંય વચ્ચે નથી એવું દુનિયાને બતાવે. આ પદ્ધતિ વિશે સુફિયાણી ભાષામાં એવું કહેવાય કે, ‘એમને કોર્પોરેટ વર્લ્ડનો ટેકો છે.’

ભાજપમાં મુખ્ય મંત્રી મોદીને ચૂંટણીસમિતિના અઘ્યક્ષપદે આગળ કરવામાં આવ્યા છે. અડવાણીનું ત્રાગું બ્રહ્માસ્ત્રને બદલે બૂમરેન્ગ સાબીત થતાં પક્ષની અંદર તેમનો રસ્તો સાફ થઇ ગયો છે. બીજા ભાજપી નેતાઓ, કમ સે કમ અત્યારે તો ‘મોદીનો કોઇ વિકલ્પ નથી’ એવું માનતા લાગે છે. એ જોતાં નરેન્દ્ર મોદી ભાજપ તરફથી વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર થાય એ નક્કી લાગે છે.

વાસ્તિકતાનાં પારખાં

મુખ્ય મંત્રી મોદીને વડાપ્રધાનપદના શ્રેષ્ઠ ઉમેદવાર અને દેશના ઉદ્ધારક તરીકે રજૂ કરવાનાં ઉદ્યોગ અને ઉદ્યમ મોટા પાયે આરંભાઇ ચૂક્યાં છે. તેમના ભક્તોથી માંડીને પેઇડ પ્રચારકો ટીવી- પ્રિન્ટ અને ઇન્ટરનેટ એમ ત્રણે લોકમાં ગાઇવગાડીને કહે છે કે મોદી ઉત્તમ શાસક છે અને ગુજરાતનો વિકાસ તેમના સુશાસનનો ઉત્તમ નમૂનો છે. માટે દેશના હિતમાં એ જ વડાપ્રધાન બનવા જોઇએ.

તેમના ટીકાકારો અગિયાર વર્ષ પહેલાંની કોમી હિંસામાં તેમની સરકારની નિષ્ક્રિયતાને માફ કરી શક્યા નથી. મોદીભક્તો પ્રચાર કરે છે તેમ, મામલો ફક્ત ૧૧ વર્ષ પહેલાં બની ચૂકેલા એકમાત્ર ઘટનાક્રમનો નથી. ત્યાર પછી થવી જોઇતી ન્યાયપ્રક્રિયામાં રાજ્ય સરકારની ભૂમિકા સંદેહાસ્પદ રહી છે. સરકાર ન્યાય થાય એમ ઇચ્છતી હોય, એવું ભાગ્યે જ લાગ્યું છે. ત્યાર પછીના સમયગાળામાં થયેલાં બનાવટી એન્કાઉન્ટર, હરેન પંડ્યાની હત્યા જેવા અનેક મુદ્દે મુખ્ય મંત્રીની પાટી  કોરી ગણાતી નથી.

તેમ છતાં, મુખ્ય મંત્રીના ટેકેદારોનો નવેસરથી આગ્રહ છે કે જૂના જખમ ખોતરવાને બદલે, છેલ્લાં થોડાં વર્ષોમાં મુખ્ય મંત્રીએ પાર પાડેલાં વિકાસકાર્યો નજર સામે રાખવાં જોઇએ. તેમની દીર્ઘદૃષ્ટિ અને મહાન નેતાગીરીને બિરદાવવાં જોઇએ. જ્યાં સુધી ટીકાકારોની કોટે વળગેલું કોમી હિંસાનું ભૂત નહીં ઉતરે, ત્યાં સુધી તે મુખ્ય મંત્રી મોદીનું ‘વિરાટ સ્વરૂપ’ જોઇ નહીં શકે... વગેરે.

ભલે. થોડી વાર માટે મુખ્ય મંત્રી મોદીને કોમી હિંસા અને નકલી એન્કાઉન્ટર વિશેની ચર્ચાના મેદાનમાં ન લઇ જઇએ. કારણ કે એમ કરવાથી તેમની બીજી ઘણી સિદ્ધિઓને અન્યાય થાય છે, એવું તેમના સમર્થકો માને છે. એને બદલે, અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી પહેલાં યોજાતી ચર્ચાની ઢબે, મુખ્ય મંત્રી મોદીનાં કોમી હિંસા-નકલી એન્કાઉન્ટર સિવાયનાં પાસાં તપાસી જોઇએ.

શરૂઆત આર્થિક બાબતોમાં તેમના વલણથી કરીએ. કારણ કે યુપીએની સરકાર સામે અત્યારે સૌથી મોટી સમસ્યા દેશના અર્થતંત્રને સ્થિર ગતિએ આગળ ધપાવવાની અને ખાઇમાં ધસતું અટકાવવાની છે. અર્થતંત્રને કાબૂમાં રાખવાનાં પગલાંમાં એક હતુંઃ ડીઝલના ભાવ પરનો સરકારી અંકુશ દૂર કરવો. યુપીએ સરકારે માંડ માંડ મરતાં મરતાં આ પગલું લીઘું. ત્યાર પહેલાં પેટ્રોલના ભાવ પરનો સરકારી અંકુશ સત્તાવાર રીતે દૂર થઇ ચૂક્યો છે. છતાં હજુ પણ બિનસત્તાવાર રીતે સરકારની ઇચ્છા વિના ઓઇલ કંપનીઓ ભાવ વધારતી નથી.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં બહારનાં પરિબળોના આધારે વધઘટ થતી રહે તો સરકારને ફાળવવી પડતી અબજો રૂપિયાની સબસીડીની રકમ બચે. પરંતુ નેતાઓ વિપક્ષમાં હોય ત્યારે આવી બાબતો વિશે ભાગ્યે જ વિચાર કરતા હોય છે. એ વખતે તેમનું મુખ્ય ઘ્યેય શક્ય એટલા મુદ્દે સરકારવિરોધી લાગણી ઉભી કરવાનું અને તેને હવા આપવાનું હોય છે. મોદી પણ એ જ માળાનો મણકો પુરવાર થયા છે. તે ડીઝલના ભાવવધારાનો વિરોધ કરી ચૂક્યા છે. (કારણ કે તેનાથી લોકલાગણીની સાથે રહી શકાય છે.)

ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણના એમઓયુના મસમોટા આંકડા આપીને છાકા પાડવા પ્રયત્નશીલ નરેન્દ્ર મોદી મલ્ટીબ્રાન્ડ રીટેલમાં સીધા વિદેશી મૂડીરોકાણનો વિરોધ કરે છે. કારણ કે આ બઘું ‘ઇટાલિયન વેપારીઓના લાભાર્થે’ હોવાનું તે માને છે. ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ (૧૨-૬-૧૩)માં મિહિર શર્મા લખે છે, ‘ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સનો અમલ કરવાનું શક્ય છે અને જરૂરી પણ છે. તેનાથી દેશના અર્થતંત્રને બે પર્સન્ટેજ પોઇન્ટનો ફાયદો થાય એમ છે. મોટા ભાગનાં ભાજપશાસિત રાજ્યો પણ એ માટે તૈયાર છે. છતાં મોદી એમાં નન્નો ભણે છે...(સબસીડી રાજમાંથી અર્થતંત્રને બહાર કાઢવાનું અનિવાર્ય છે, પણ) મોદી ખેડૂતો માટે લોનમાં ૧૦૦ ટકા રાહત અને વીજળીના બિલમાં ૫૦ ટકા રાહતની જાહેરાત કરે છે.’ મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર યોજનાને કોંગ્રેસ હુકમના એક્કા જેવી ગણીને તેમાં થતા નાણાંના વેડફાટ અંગે આંખ આડા કાન કરે તે સમજી શકાય એવું છે, પણ મોદી આ અંગે શું વિચારે છે? તેમણે વિરોધ તો બાજુએ રહ્યો, આ યોજના અંતર્ગત ગુજરાતમાં રોજની મજૂરીનો દર રૂ.૧૩૪માંથી રૂ.૧૪૭ કરાવ્યો છે.

મુખ્ય મંત્રી પાસે ચબરાકીયાં સૂત્રો-શબ્દપ્રયોગોની ખોટ નથી. ચીન સાથે સ્પર્ધા માટે તેમનું સૂત્ર છે : ‘સ્કીલ, સ્કેલ, સ્પીડ.’ આ મહાન સૂત્ર કેવી રીતે અમલમાં મૂકી શકાય? મુખ્ય મંત્રી કહે છે, ‘આખા ચીનની ચર્ચા ક્યાંય થતી નથી. એ લોકો ફક્ત શાંઘાઇ જ દેખાડે છે. એવી રીતે આપણે પણ શક્તિપ્રદર્શન તરીકે કંઇક કરવું જોઇએ. અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ બુલેટ ટ્રેન શરૂ કરવાથી દુનિયાને આપણી શક્તિનું ભાન થશે.’

આવી ડાયલોગબાજી પર તાળીઓ પાડનારાને ચીનના શેનઝેન જેવા તોતિંગ ઔદ્યોગિક વિસ્તારો યાદ નથી આવતા અને એ પણ યાદ રહેતું નથી કે ચીન શાંઘાઇની ઝાકઝમાળથી નહીં, પણ લશ્કરી દાદાગીરી-ટેકનોલોજીની તાકાતના જોરે દુનિયાને ડારે છે. મુખ્ય મંત્રી વાતો ચીનના સ્કેલની કરે છે અને એ લાગુ પૂતળાને પાડે છે. છવાઇ જવા માટે તેમને ‘ઇસરો’ની અવકાશી સિદ્ધિઓ કરતાં વિશ્વનું ઊંચામાં ઊંચું પૂતળું વધારે ખપનું લાગે છે. તેમની આ પ્રકારની વિચારસરણી-કાર્યપદ્ધતિને  ગવર્નન્સનું ‘ડીઝનીલેન્ડ મોડેલ’ કહી શકાય.

તત્કાળ તાળી ઉઘરાવે એવા સંવાદો એ પૂરી છટાથી બોલી શકે છે, પણ એ આવડત તેમને ગુજરાતી નાટકોમાં અભિનય-કારકિર્દી માટે થોડીઘણી કામ લાગે. દેશનું શાસન ચલાવવું હોય તો એનાથી ઘણું આગળ જવું પડે. પરંતુ રસ્તા અને ફ્‌લાયઓવર, બીઆરટી અને મેટ્રો, લેકફ્રન્ટ અને રીવરફ્રન્ટ જેવા ‘વિકાસ’થી તથા વાઇબ્રન્ટથી પશુમેળા સુધીના તમામ કાર્યક્રમોમાં મુખ્ય મંત્રીની મોટી તસવીરોથી લોકો અંજાયેલા રહેતા હોય તો બીજું કંઇ કરવાની શી જરૂર?

નક્સલવાદના મુદ્દે તે ‘ઝીરો ટોલરન્સ પોલિસી’ની વાત કરે છે. એ ચિદમ્બરમના નામે ચડેલા ‘ઓપરેશન ગ્રીન હન્ટ’ના પ્રસ્તાવ કરતાં કેવી રીતે જુદી હશે, એ તો એ જ જાણે. આર્થિક નીતિના મામલે કોંગ્રેસ અને મોદી વચ્ચે ભાગ્યે જ કશો ફરક હશે. મળતિયાઓને ફાયદો કરાવનારા મૂડીવાદ (ક્રોની કેપિટાલિઝમ)ના આરોપ પણ બન્ને પર થયા છે. યુપીએ સરકારને ડૂબાડનારું એક મોટું પરિબળ ભ્રષ્ટાચાર છે. તો એમાં મોદીની મથરાવટી ક્યાં ચોખ્ખી દેખાઇ છે? અન્ના આંદોલન યુપીએ સરકારના વિરોધની હવા જમાવી રહ્યું હતું ત્યારે અન્નાને પત્ર લખવાનું તિકડમ કરનાર મોદી ઘરઆંગણે લોકાયુક્તની નિમણૂંકની વાત આવે ત્યારે શિંયાવિંયા થઇને કેવા છટકબારીઓ અને વિલંબનીતિનો આશરો લેવા માંડે છે, એ ખુલ્લી આંખો ધરાવતા સૌએ જોયું જ છે.

તેમની સરકાર પર થયેલા ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપ અંગે મોદીનું વલણ કેવું રહ્યું છે? જે ‘કેગ’ના આંકડાના જોરે કેન્દ્ર સરકાર સામે તે ઉછળી ઉછળીને આરોપો કરતા હતા, એ જ ‘કેગ’ની રાજ્ય શાખાએ ગુજરાત સરકારની કુંડળી કાઢી, ત્યારે તેનો અહેવાલ વિધાનસભામાં છેક છેલ્લા દિવસે મુકીને મુખ્ય મંત્રીએ પોતાની દાનતનો ખ્યાલ આપી દીધો. લોકશાહી સંસ્થાઓ માટેનો તેમનો અનાદર જાહેર છે. ગુજરાતના શિક્ષણમાં વિદ્યાસહાયકોના રૂપાળા નામે સરકારી શોષણની પરંપરા શરૂ કરીને અને સરકારી શાળાઓને રેઢી મૂકીને બંધ થવાના રસ્તે ધકેલીને તેમની સરકારે ગુજરાતના શિક્ષણનું અને વિદ્યાર્થીઓનું ભારે અહિત કર્યું છે. શિક્ષણના ખાનગીકરણના નામે બેફામ વ્યાપારીકરણને છૂટો દોર મળી ગયો હોવાથી મઘ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ-વાલીઓની મુસીબતનો પાર નથી...

યુપીએના કુશાસનમાંથી દેશનો ઉદ્ધાર આ મહાપુરૂષ કરશે?  શાંતિથી વિચારી જોજો. 

24 comments:

  1. ગુજરાતની નિષ્ફળતાઓ=મોદીની નિષ્ફળતાઓ અને ગુજરાતની સફળતાઓ=મોદીની સફળતાઓ.આ બંને અભિપ્રાયો મિડિયાની જ દેન છે. પ્રજાના મતેથી હું એટલું માનું છું કે મોદી જો PM બને તો એ સંજોગો પણ 2002 ની માફક જ હશે, પરંતુ 2002ની જેમજ દેશની બાબુશાહીને કામ કરતા કરવાની તેમની આવડત દેશના ફાયદામાં છે.કોંગ્રેસ કે અન્ય પક્ષોની માફક ગઠબંધન નામની નપુંસકતા આગળ નહિ કરે.આટલો મહત્વનો મુદ્દો આપ ચુકી ગયા. મને જ્યારે આ લેખમાં આપે આપની તટસ્થ રીતે મુલ્યાંકનની વાત કરી ત્યારે આપ મોદીની વહિવટી ક્ષમતા, ગુજરાતમાં કોમી શાંતિ જાળવી રાખવાની પ્રતિબધ્ધતા,દેશના આત્મસમ્માન માટે એક શાસકમાં જરુરી એવું સ્વાભિમાન(જે કોંગ્રેસના માત્ર ત્રણ નેતાઓમાં હતું:સરદાર પટેલ, લાલબહાદુર શાસ્ત્રી અને ઇંદિરા ગાંધી) આ બધા મુદ્દા પર પણ લખશો પરંતુ ફરી એક વખત આશા પર પાણી ફરી ગયું.

    ReplyDelete
  2. દોસ્ત, તમારી કમેન્ટ વાંચીને હસવું કે રડવું એ સમજાતું નથી. તમે બાબુશાહી પાસે કામ કરાવવાની કઇ આવડતની વાત કરો છો? કદી પૂછ્યું છે કોઇ ગાંધીનગર સાથે કામ પાડનારાને? તમે ’ગઠબંધનની નપુંસકતા’ની ક્યાં માંડો છો? અહીં એકેય ગઠબંધન નથી તો પણ એ પોતાના ગુનેગાર મંત્રીનું રાજીનામું લેતા નથી. અને ’કોમી શાંતિ જાળવી રાખવાની પ્રતિબદ્ધતા’ - લખીને તો તમે હદ જ કરી નાખી છે. તમારી આશા આવી જ હોય તો એની પર પાણી ફેરવવું જ રહ્યું. આંખ સામે દેખાતું ન જોવાની પ્રતિજ્ઞા લીધી હોય તો શું થઇ શકે?

    ReplyDelete
    Replies
    1. 1)બાબુશાહીના સંદર્ભે: મારા ઘરમાંથી જ સરકારી નોકરી કરતા લોકોની સાથે વાતચીત કરેલી તે પરથી લાગ્યું કે ગૌરવ દિન અને દરેક વર્ષને અલગ અલગ કાર્યક્રમો સાથે જોડીને(જેમકે શહેરી વિકાસ વર્ષ) ઉજવવાના કારણે મીંઢા થયેલા સરકારી તંત્રને યુધ્ધના ધોરણે કામ કરતા જોયાનો પ્રત્યક્ષ અનુભવ પણ છે.તેમાં મુખ્યમંત્રીની પ્રશશ્તિ થતી હોવા છતાં કામ તો થાય જ છે એ નજરઅંદાજ ન કરી શકાય.
      2)છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં મોટા રમખાણો થઈ શકયા નથી. બાકી દરેક વખતે અમદાવાદને રથયાત્રા વખતે સેન્સિટિવ થતું જોવું બહુ સામાન્ય હતું.

      લેન્ડમાફિયા,બિલ્ડર,સટ્ટોડિયાને અને ખંડણીખોર પોલીસને રોકવામાં ભાજપ પણ સદંતર નિષ્ફળ છે.

      પરંતુ સારી બાબતોને આંખ સામે દેખાતું ન જોવાની પ્રતિજ્ઞા લીધી હોય તો શું થઇ શકે? એવું તો મને પણ આપના માટે લાગે છે. :D

      થોડા લોકોને લાંબા સમય સુધી મુર્ખ બનાવી શકાય કે ઘણા લોકોને થોડા સમય માટે મુર્ખ બનાવી શકાય પરંતુ 6 કરોડ લોકોને 10 વર્ષ સુધી અને ત્રણ ચુંટણીઓમાં મુર્ખ ન બનાવી શકાય.

      મોદીએ પ્રચાર ઉપરાંત કાંઈક તો કર્યું હશે તો જ આટલી સ્થિર સરકાર આપી શકે.

      Delete
    2. લાગે છે કે તમને સરકારી સ્ટાફને દોડતો જોઇને જ સંતોષ થઇ જાય છે. શું કામ થયું ત્યાં સુધી પહોંચવાની તમને જરૂર જણાતી નથી.
      રમખાણોવાળી તમારી દલીલ કેટલી કરૂણ રીતે હાસ્યાસ્પદ છે એ તમે સમજી શકતા નથી એ દુઃખની વાત છે.
      આ બાબતે આપણી ભૂમિકાઓ ચર્ચા થઇ શકે એટલી પણ સરખી લાગતી નથી.

      Delete
    3. ભાઈ શ્રી તક્ષના વિચારો જાણ્યા. એમને ખબર જ હશે કે ૨૦૧૨માં (હું એ વર્ષ વિશે જાણું છું, આજે શું છે તે નથી જાણતો) સરકારી નોકરોને કેટલાંયે ખાતાંઓમાં ત્રણ ત્રણ મહિને પગાર મળતો. આ બિહારની વાત નથી, ગુજરાતની છે.

      કોમી શાંતિ જાળવવાની પ્રતિબદ્ધતા? જે એનો ભોગ બન્યા હોય એમને જઈને પૂછો કે તેઓ શું માને છે! જે લોકોએ રમખાણો કરાવ્યાં તેઓ પોતાને વધારે નુકસાન ન થાય તે માટે, પોતાને અનુકૂળ હોય ત્યાં સુધી કોમી શાંતિ ટકાવી રાખે. હવે કોમી રમખાણો નથી થતાં તો પહેલાં કેમ થયાં? એ વખતે મોદી નબળા હતા, એમ માની લઈએ?

      જે વિકાસ થયો છે તે શહેરોનો થયો છે. બહુચરાજી માંડલના સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજ્યનમાં ૪૪ ગામોના ખેડૂતોની જમીન વિના વળતરે લઈ લેવાશે અને ઉદ્યોગપતિઓને આપી દેવાશે. ખેડૂતો આની વિરુદ્ધ આંદોલન ચલાવે છે. એમને અમદાવાદ ગાંધીનગરમાં રેલી કરવાની મંજૂરી ન આપવામાં આવી. ખેડૂતો ભલે મરે, ઉદ્યોગપતિ ખુશ થવો જોઇએ.

      નરેન્દ્ર મોદી નરસિંમ્હા રાવ અને ડૉ. મનમોહન સિંહે ૧૯૯૨માં શરુ કરેલી આર્થિક ઉદારીકરણની નીતિના ઉત્તમ પોસ્ટર બૉય છે, એ વાત સમજાઈ જાય તો આજનું બીજેપી અને યૂપીએનું આખું રાજકારણ સમજાઈ જશે. આ બન્નેની આર્થિક નીતિઓ સમાન છે, ફેર જ કોમી મુદ્દા પર છે.

      Delete
    4. ઉર્વિશભાઈ, આપના ઘણા બધા લેખોમાં તટસ્થતા જોવા મળી છે, પરંતુ જયારે પણ આપ નરેંદ્ર મોદી વિશે લખો છો ત્યારે સરકારી પ્રચારતંત્રની માફક જ એકપક્ષીય રીતે, નરેંદ્ર મોદીની કુટનીતિ, આપખુદશાહી,અને પ્રશશ્તિને જ રજુ કરતા હોય તેવું લાગે છે.

      મારી વાતનો સંદર્ભ કાર્યક્ષમતા હતો જ્યારે આપની વાતનો સંદર્ભ દાનત છે એમ લાગ્યું.દાનતતો માપી શકાતી નથી તેમજ જો તેના વિશે અન્યના મનમાં કોઈ પૂર્વગ્રહ હોય તો કેટલીય બદલાયા છતાં ન બદલાયાનો આભાસ રાખે છે.

      આ બધી બાબતો છતાં અમુક પ્રશ્નો મનમાં ઉદભવે છે કે
      1> અહીં લખેલી મોદીનીતીમાં એક પણ વખત જ્યોતિર્ગ્રામબકે ગુજરાત પ્રવાસન મંત્રાલયની એવોર્ડવિનીંગ યોજનાઓનો ઉલ્લેખ પણ નથી. જો આપના મતે આ એક Marketing Gimmick છે અને કશા નક્કર પરિણામો નથી આપતી તો વિરોધ પક્ષની કેંદ્ર સરકાર તેને એવોર્ડ કેમ આપે છે?

      2>નરેંદ્ર મોદીના આવતા Powerનું Centralization થયું છે તે જગજાહેર છે અને માટે જ રમખાણનો અપયશનો કળશ તેમની પર જ ઢોળાય છે. પરંતુ જ્યારે મોદીનીતિ વડે સારા નોંધપાત્ર કામ થાય ત્યારે એટલો યશ ન આપીને સમગ્ર ઘટનાને Fixing કે Gimmick બતાવીને રજુ કરાય છે. વળી પત્રકાર હોવાના નાતે કોઈ પણ વાતને પુરાવા વગર રજુ કરવાનું Licence પણ કામ લાગે છે. મોદીના દસ વર્ષના શાશનકાળમાં જ્યારે અઢળક લોકોને કંઈક ફેર તો પડયો હોવાનું લાગે છે ત્યારે આપને એમની એક પણ સારી વાત કેમ દેખાતી જ નથી?

      હું મોદી મંજીરા મંડળનો સભ્ય પણ નથી(બલ્કે હું તો Referendum and Initiative Based government નો સમર્થક છું) અને આ લેખ તેમજ અહીંની બધી Comments કોઈ મોદીના વિરોધપક્ષની છાવણી બનાવીને લખાય છે તેવું પણ માનતો નથી. :D
      પરંતુ સગવડિયા અર્ધસત્ય આ મુદ્દે લોકો સુધી જાય છે અથવા મારા મનમાં છે. જે પણ સત્ય હોય તે મને આપના દ્વારા જાણવા મળશે તેવી આશા છે.

      Delete
    5. અહીં જે લખાયું છે એના વિશે તમારે કંઇક જ કહેવાનું નથી? જેના આધારપુરાવા છે એના વિશે તમારે કંઇ જ કહેવાનું નથી? અને 'મોદીના દસ વર્ષના શાશનકાળમાં જ્યારે અઢળક લોકોને કંઈક ફેર તો પડયો હોવાનું લાગે'- ત્યારે હું પણ એ અઢળક લોકોમાં જોડાઇને સામે દેખાતી ચીજો જોવાનો ઇન્કાર કરું એવી તમારી અપેક્ષા છે? તમે મને જ્યોતિગ્રામ અને પ્રવાસનના અવોર્ડ ગણાવો છો. પ્રવાસનની વાસ્તવિકતા જોઇ છે તમે?
      પણ તમારી અપેક્ષા એવી છે કે હું મોદીની સિદ્ધિઓને કેમ લક્ષમા નથી લેતો ને કેમ ટીકા જ કરું છું. તો તમારે સમજવું જોઇએ કે મોદી જે દાવા કરે છે અથવા એમના વિશે જે દાવા કરવામાં આવે છે, એના વિશે આ રીતે જ લખાવું જોઇએ એવું મને લાગે છે. અને આ બાબતમાં આપણા વિચાર સાવ સામા છેડાના છે.

      Delete
  3. ઉર્વિશભાઇ, તમે મધપૂડો છંછેડ્યો છે... મોદીસાહેબના પેઈડ-અનપેઈડ ચાહકો તુટી પડશે તમારા પર,

    બાકી તમારી વાત ૧૦૦ % સાચી છે... વળી તેઓ દિલ્હી જાય તો ગુજરાત કોણ સંભાળશે તે બાબતમા સૌ મૌન છે..

    ReplyDelete
  4. Anonymous10:54:00 PM

    I would vote for Congress provided a better, cleaner and most importantly decisive leader is announced as a PM candidate who can govern country in a better direction. But currently, except Ramesh, I can't see this happening on horizon. On the other hand, even if Modi becomes PM, I fear of bhagva brigade (Bajrang dal and sort of organizations) will keep trying to take India into stone age. I will not for Modi but however, I will not vote for Congress that is for damn sure. They have not only had scams worth of billions of dollars, they also have became arrogant towards commom man. They have became blind because of power. Personally, I don't believe something like 2002 happen again provided Modi becomes PM. He has too much on his hands now and he can't escape from this again. Hence, I will like to see him as a PM, just for a term to see in which direction country is headed.

    ReplyDelete
  5. Anonymous6:04:00 AM

    વિચાર જેવી વિગતો રજુ કરી છે! મોદી પાસેથી હાલમાં‌ કેવળ આશા જ રાખી શકાય એમ છે, કારણ કે જ્યાં સુધી‌ આપણી પ્રજા નહિં સુધરે ત્યાં સુધી કોઇ પણ નેતા કે સાધુ બાબા ભારતનો ઉદ્ધાર નહિં કરી શકે. ગાંધીજીએ કહ્યું છે તે દેશનાં‌ દરેક નાગરિકે અનુસરવાનું છે. "Be the change you want to see!"

    ReplyDelete
  6. આ લેખ વાંચ્યા પછી થયું કે એ ૧૦ મિનિટ બીજે વાપરી હોત તો ફાયદો થાત. બધા જ મુદ્દા છેલ્લા ૧૦ વર્ષમાં ઠેર ઠેર ચર્ચાયા છે (અને ચૂંટણીઓમાં પ્રજા દ્વારા ભૂડી રીતે ફગાવાયા છે.) મોદીનો વિરોધ કરવો જ હોય તો જરા નવા મુદ્દા લાવો. ૧૦વર્ષથી ગવાતા મુદ્દાથી તો હવે ત્રાસી ગયા છે સહુ.

    ReplyDelete
  7. ગિરિરાજ1:46:00 PM

    પોતાની વાહવાહ થાય એવા એકમાત્ર હેતુસર સરકારી ખર્ચે ઉત્સવોના તાયફા કરવા અને એના માટે સરકારી કર્મચારીઓને દોડાવવાને કારણે જે 'ખરા કામો' છે તે સાવ જ અટવાઇ ગયા છે. સચિવાલયના કોઇ પણ અધિકારીને પૂછવાથી આ વાતનો તાળો મળી જશે. બાકી સરકારી તંત્ર ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં આજની તારીખે 'પોશ' ગણાતા વિસ્તારોમાં પણ પૂરતું પાણી આવતું નથી. ફેલ ગયેલી બી.આર.ટી. અને રૂપિયાનો ધુમાડો કરીને બનાવાયેલું રિવર ફ્રન્ટ એ કંઇ વિકાસ નથી. 'મેનેજ' કરેલા મિડિયાએ ફેલાવેલી આભાથી પ્રજા અંજાઇ ગઇ છે. એ સિવાય બીજું કંઇ જ નથી.

    ReplyDelete
  8. નીરવ પટેલ2:19:00 PM

    ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન તો ફક્ત કાગળ પર છે. ગીફ્ટ સીટીના બે મકાનો બાંધી દીધા પછી એના ભાડૂઆત નથી મળતા અને વધારાના મકાનો બાંધવા માટેનું સરકાર પાસે પૂરતું ભંડોળ નથી. મોદીભક્તોને વિનંતી કે આ બંને સ્થળે જઇને જાતતપાસ કરી આવે અને પછી જ મંજીરા વગાડે. શાંઘાઇની મોટી મોટી વાતો કરવાથી કશું નહિ વળે.અદાણીને સી.એન.જી.ના ભાવો છાશવારે વધારીને બેફામ લૂંટ ચલાવવાનો ખુલ્લેઆમ પરવાનો આપ્યો છે એનો વિરોધ કેમ થતો નથી?

    ReplyDelete
  9. કૌશિક આચાર્ય2:24:00 PM

    મોદી સરકારે મહિને રૂ.૩,૫૦૦/- માં વિદ્યાસહાયકો રાખ્યા છે એની સામે મોદીભક્તોને કેમ કોઇ વાંધો નથી પડતો? પ્રામાણિક રહીને આટલામાં અઠવાડિયું તો કાઢી બતાવો? શિક્ષણના વિકાસમાં શું તેઓને શિક્ષકોનું યોગદાન નથી દેખાતું? એનો ઉકેલ ન આવે તે માટે મોદી સરકાર છેલ્લા કેટલાય મહિનાઓથી કરોડોના ખર્ચે વકીલો રોકીને સુપ્રિમ કોર્ટમાં મુદતો પડાવ્યા કરે છે એનો ખ્યાલ નથી? પોતાની પસંદગીનો લોકાયુક્ત ન આવે તે માટે કરોડોની ફી આપીને સુપ્રિમમાં 'ખેલ' ચાલી રહ્યો છે તે પણ નથી દેખાતું?

    ReplyDelete
  10. પાયલ શાહ3:01:00 PM

    @ દીપકભાઇઃ- આજની તારીખે પણ સરકારી બોર્ડ-નિગમોમાં દસમી સુધી પગાર થતો નથી. તેમ છતાં સરકારી બેંક ખાતાઓમાં વપરાશ વિના ફક્ત બાબુશાહીને કારણે જ કરોડો રૂપિયા પડ્યા રહે છે. આને કારણે દર વરસે સરકારને વ્યાજનું જ લાખો રૂપિયાનું નુકસાન જઇ રહ્યું છે. બાબુશાહી મોદીરાજમાં જરાય બદલાઇ નથી.

    ReplyDelete
  11. પ્રમોદકુમાર સંઘવી3:04:00 PM

    શાંતિથી વિચારવા માટે 'ઓપનનેસ' જોઇએ, જે મંજીરા મંડળીમાં ક્યાંથી હોય?
    --પ્રમોદ

    ReplyDelete
  12. Anonymous3:29:00 PM

    आम आदमी : मोदी जी, जन लोकपाल पे आपका क्या कहेना है ?
    मोदी जी : ??? विकास ...विकास ..विकास ...

    आम आदमी : मोदी जी, क्या CBI स्वायत नहीं होनी चाहिए ?
    मोदी जी : ??? विकास ...विकास ..विकास ...

    आम आदमी : अभी तक गुजरात में लोकायुक्त ने काम क्यों शरु नहीं कीया ??
    मोदी जी : ??? विकास ...विकास ..विकास ...

    आम आदमी : यदि हमे सचमुच में स्वराज मिल गया है तो क्या सत्ता का विकेंद्रीकरण नहीं होना चाहिए ?
    मोदी जी : ??? विकास ...विकास ..विकास ...

    आम आदमी : क्या आम आदमी के पास राईट टु रिकॉल और राईट टु रिजेक्ट नहीं होना चाहिए ?
    मोदी जी : ??? विकास ...विकास ..विकास ...

    आम आदमी : माफ़ करना मोदी सा'ब, मगर ये "विकास" कौन है ?
    मोदी जी : मेरा कुत्ता गुम हो गया है,कही देखा है आपने ?

    आम आदमी : ???? आम आदमी जिंदाबाद !
    मोदी जी : मुजे आदत नहीं है ऐसा सुनाने की ...फिर भी ठीक है,एक बार मुजे मेरा "विकास" मिल जाये बाद में तेरा भी "विकास" कर दूंगा... और कुछ ??

    आम आदमी : छोटा मुंह,बड़ी बात…. मुजे एक बार 'स्वराज' की सत्ता देदो, विकास में खुद अपने आप अपने तरीके से कर लूँगा !

    जय हिन्द !!
    (by Aam Aadmi of Gujarat)

    ReplyDelete
  13. Anonymous3:42:00 PM

    Many common people think that they have no other choice and they have to vote for Narendra Modi's party (After comparing Modi's party with other party).Until Jan Lokpal movement,they might be right.Now,an alternative politics of Aam Aadmi is an option which is available in the next loksabha election to make corrupt free India with real "Swaraj".Search in free(Internet/Social) media like Google/Facebook to know more about this "alternative politics".Don't expect much from paid media to know anything about this new kind of movement for political revolution.

    -Mahesh Patel,Vadodara.

    ReplyDelete
  14. Anonymous3:47:00 PM

    100 % Correct.Very Good article,Urvish bhai.Please continue to share your views with us.
    (Bharat Bhatt)

    ReplyDelete
  15. Very nicely written article. Appriciate your views but fact is All politician's are same.

    ReplyDelete
  16. મારેને રાજકારણને બાર ગાઊનુ છેટું છે, પણ મારું એક ઓબ્ઝર્વેશન છે કે મોદીનો પ્રચાર જેટલો તેના તરફેણ કરનારાઓએ કર્યો છે તેનાથી અનેક ગણો પ્રચાર તેના વિરોધીઓએ કર્યો છે. પરિણામે કોઈપણ ન્યુઝ ચેનલ ખોલો કે કોઈપણ છાપું ખોલો તો ૨૦ થી ૫૦ ટકા જેટલો સમય/જગ્યા મોદીના નામે જોવા મળશે. પછી તે તરફેણમાં હોય કે વિરોધમાં. મોદી મોદી મોદી... ૨૦૦૨....રમખાણ....ગુજરાત......મોડલ... બસ આ જ છેલ્લા દસ વર્ષથી જનતાને પીરસાઈ રહું છે ત્યારે આમ જનતાને એમ તો અચુક થાય આ મોદી રામ હોય કે રાવણ પણ છે તો નોંધપાત્ર અને તેના વગર રામાયણ બે કોડીની છે.

    ReplyDelete
  17. મેહુલ ગજ્જર10:47:00 AM

    વિકાસના ગાણા ગાનારાઓને અમદાવાદ શહેરમાં ગુજરાત પોલીસ દ્વારા ઠેરઠેર જે વિઘ્નો મૂકાયા છે તે કેમ નથી દેખાતા? આખા જગતમાં બધા જાણે છે કે ગુજરાત પોલીસ શાના માટે નામચીન છે. લગભગ દર કીલોમીટરે ઉભી કરાયેલી બેરિકેડ પાસે ટ્રાફિક જામ થઇ જાય છે. મોંઘી ગાડીવાળાને પોલીસ રોકી શકતી નથી. ફક્ત મહેનત કરીને પેટિયું રળતાં ટેમ્પાવાળાઓ અને છોટા હાથીવાળાઓને રોકીને એમની પાસેથી રોકડી કરવામાં આવે છે. ગુજરાત પોલીસ રીતસરની ગરીબોને રંજાડી રહી છે. જો આજે પણ આવી જ રંજાડ હોય તો અંગ્રેજોની રંજાડ શું ખોટી હતી? મૂરખની જેમ સતત મંજીરા વગાડવાને બદલે આંખો ખોલીને આસપાસ જોવું તો સત્ય તરત દેખાઇ આવશે.
    -મેહુલ ગજ્જર, અમદાવાદ

    ReplyDelete
  18. નંદકિશોર પરીખ, કેલિફોર્નિયા10:54:00 AM

    દેશ ચલાવવો અને રજવાડું ચલાવવું એમાં જમીન આસમાનનો ફરક હોય છે. ફક્ત ડાયલોગબાજી કરીને અને હળાહળ જૂઠ્ઠું બોલીને દેશ ચલાવી શકાય નહિ. દેશ ચલાવવા માટે અટલજીની જેમ બધાને સાથે લઇને ચાલવું પડે અને નીલકંઠ બનવું પડે જેમાંનું એક પણ લક્ષણ આ મહાપુરૂષમાં નથી. મને આનંદ છે કે જીવનસંધ્યાએ હું અમદાવાદમાંથી નીકળી ગયો છું નહિતર આ બધું જોઇએ વધુ દુઃખી થાત. આભાર ઉર્વીશભાઇ, તમે આટલું સાચું લખવાની હિંમત બતાવી તે બદલ.

    ReplyDelete
  19. Anonymous5:52:00 PM

    100% Fact and true Urvishbhai! Hats of to you and for your courage. Otherwise in nowadays no one can even speak anything negative abt Mr. Modi. And one more thing now he had started "Narendra Modi Sena". So as we call in gujarati "Je Rajya no raja vepari, e rajya ni praja bhikhari."

    ReplyDelete