Tuesday, December 04, 2012

લોકશાહીને ‘જોકશાહી’ બનાવતા ‘આયારામ-ગયારામ’

એની નવાઇ ભલે ન હોય, પણ તેનાથી થતી ચચરાટી ઓછી થતી નથી. દરેક વખતે ચૂંટણી આવે એટલે, મોટી સંખ્યામાં નેતાઓ પક્ષપલટા કરે છે. છેલ્લા થોડા વખતથી ગુજરાતમાં બે મુખ્ય પક્ષ હતા. તેમાં આ વખતે ત્રીજો ગુજરાત પરિવર્તન પક્ષ ભળ્યો, એટલે, મુરતિયાઓ માટે વઘુ એક જવાઠેકાણું ઊભું થયું.

કોણ કોને લાયક?

કોર્પોરેટ જગતની કંપનીઓ- ખાસ કરીને આઇટી કંપનીઓ- તેમના કર્મચારીઓના એટ્રિશન રેટ/આવનજાવનના પ્રમાણ અંગે સારી એવી ચિંતા કરે છે. ચોક્કસ સમયમર્યાદામાં કેટલા કર્મચારીઓએ નોકરી બદલી, તેનો દર એટ્રિશન રેટ કહેવાય છે. ધંધામાં તેનો સંબંધ તેજી સાથે હોય છે. દા.ત. ભારતમાં આઇ.ટી.ક્ષેત્રની તથા આઉટસોર્સિંનું કામ કરતી કંપનીઓમાં જાન્યુઆરી-જૂન ૨૦૧૧માં એટ્રિશન રેટ ૫૫ થી ૬૦ ટકા હતો. એટલે કે અડધાથી પણ વધારે કર્મચારીઓ વિના ખચકાટે એક નોકરી છોડીને બીજી નોકરી લઇ લેતા હતા. વૈશ્વિક મંદીની અસરોને કારણે આ વર્ષે જાન્યુઆરી-જૂન માટેનો એટ્રિશન રેટ ઘટીને ૧૫-૨૦ ટકા જેટલો થઇ ગયો. કર્મચારીઓને મળતી સારી તકોના પ્રમાણમાં ઘટાડો થયો. એટલે તે કૂદકો મારવા મળે તેની રાહ જોઇને, હાલની નોકરીઓમાં ચાલુ રહ્યા.

કર્મચારીઓ અને કંપનીઓ વચ્ચેના સંબંધમાં ‘વફાદારી’ જેવો શબ્દ લાવવાપણું બહુ ન હોય. એ મુખ્યત્વે બન્ને પક્ષોની આર્થિક જરૂરિયાત સંતોષતો વ્યવાસાયિક સંબંધ છે. તેમાં એક પક્ષ (કંપની) પોતાના મોટા આર્થિક લાભ માટે કર્મચારીને નાણાં ચૂકવે અને કર્મચારી એ નાણાંનું પોતાના કામ દ્વારા પૂરેપૂરું વળતર આપે, એટલે સંબંધનો તકાદો પૂરો. ‘પરિવારના સભ્ય’ જેવા ભ્રમમાં રહેવાનો બાધ નથી. સૌ પોતપોતાના હિસાબે ને જોખમ એવા ખ્યાલમાં રહી શકે છે. બાકી, પોતાના ઉજ્જવળ આર્થિક કે અન્ય ભવિષ્ય માટે કર્મચારી ચાલુ નોકરી છોડીને બીજી, હરીફ કંપનીમાં જવા માટે સ્વતંત્ર છે. તેમાં નૈતિકતાના પ્રશ્નો કે દ્રોહના આરોપોને સ્થાન ન હોવું જોઇએ. (સિવાય કે કર્મચારીએ જૂની કંપનીમાંથી તેને નુકસાન પહોંચે એવી અગત્યની કે ગુપ્ત માહિતી ચોરવા જેવી કોઇ ચેષ્ટા કરી હોય.)

રાજકારણ ધંધો નથી. સૈદ્ધાંતિક રીતે અને લોકશાહીની આદર્શ, બંધારણીય સમજણ પ્રમાણે તો નહીં જ. લોકશાહીમાં લોકપ્રતિનિધિત્વ માટે વિવિધ રાજકીય પક્ષો હોય છે, પણ તેમને કંપની સાથે અને પક્ષના નેતાઓ-આગેવાનોને કંપનીના ઉચ્ચ અધિકારીઓ સાથે સરખાવી શકાય?   નેતાઓના પક્ષપલટાને કોર્પોરેટ જગતના ‘એટ્રિશન રેટ’ સાથે સાંકળીને ક્ષમ્ય- કે તેનાથી પણ આગળ વધીને સ્વાભાવિક- ગણી શકાય? એવો સવાલ ચૂંટણી પહેલાં મોટા પાયે થયેલી નેતાઓની અવરજવરને કારણે થઇ શકે છે.

 જવાબ તરીકે, વાસ્તવિકતા પર આધારિત કેટલાક સવાલ છેઃ  

રાજકારણમાં જુદા જુદા પક્ષના નેતાઓ આટલી સરળતાથી એકબીજા પક્ષમાં જઇ શકતા હોય અને સ્વીકૃત ઉમેદવાર પણ બની શકતા હોય, તો જુદા જુદા પક્ષો અને એ રીતે વિવિધ વિકલ્પો હોવાનો મતદાર માટે શો અર્થ?

લોકપ્રતિનિધિ ગણાતા નેતાઓ સાવ સામા છેડાની નેતાગીરી ધરાવતા પક્ષો વચ્ચે સહેલાઇથી અને એકથી વઘુ વાર ઉડાઉડ કરતા હોય, તો મતદાર લોકશાહીનો આ ધજાગરો લાચારીપૂર્વક જોઇ રહેવા સિવાય બીજું શું કરી શકે?

મતદારો પાસે મતનું કાતિલ હથિયાર હોવાનું વારંવાર કહેવામાં આવે છે. મતદાનનો મહિમા પણ માતાજીના પરચાની જેમ વર્ણવાય છે. એ બધી કેવળ સાંભળવી ગમે એવી અને ભ્રમમાં રાખનારી કવિતાઓ છે? કે વર્તમાન રાજકારણમાં તેનું કશું વજૂદ રહ્યું છે?

બેફામપણે અને બેશરમીથી ચૂંટણીએ ચૂંટણીએ પક્ષ બદલતા નેતાઓ અને તેમને અપનાવતા રાજકીય પક્ષો સામે નાગરિકો શું કરી શકે?

પક્ષપલટાવિરોધી કાનૂન આ પ્રકારના કિસ્સામાં કેમ લાગુ પાડી ન શકાય? આ પ્રકારની ઉડાઉડ અટકાવતો કોઇ કાયદો હોવો જોઇએ? એવા સૂચિત કાયદામાં પક્ષપલટો કરનાર નેતાની સાથોસાથ તેમને સ્વીકારીને, ટિકીટ આપનાર રાજકીય પક્ષ માટે પણ દંડ-સજાની જોગવાઇ હોવી જોઇએ?

આવું કશું ન થાય ત્યાં સુધી, પાટલીબદલુ ઉમેદવારોને અને તેમને ટિકીટ આપનાર રાજકીય પક્ષોને મતદારો પોતાના મત-હથિયાર દ્વારા બોધપાઠ ન શીખવી શકે?

‘એક પક્ષમાં ટિકિટ ન મળવાથી બીજા પક્ષમાં જોડાઇ ગયેલો અને ત્યાંથી તત્કાળ ધોરણે ટિકિટ મેળવનાર ઉમેદવાર ગમે તે પક્ષનો હશે, તો પણ અમે તેને મત નહીં આપીએ.’ એટલું કરતાં મતદારને કોણ રોકે છે?

અને આ બધી પંચાતમાં પડ્યા વિના, પોતાના ગમતા પક્ષના કોઇ પણ ઉમેદવાર સામે સિક્કો મારવામાં મતદારને સંતોષ થઇ જતો હોય, તો પછી એ આવી જ લોકશાહીને લાયક ન ગણાય?

પક્ષપલટા અંગેનો ટાંચો કાયદો

પક્ષ છોડી જતા નેતાઓની બાબતમાં કોંગ્રેસની હાલત દયનીય અને શરમજનક બની છે, તો રાજ્ય, પક્ષ અને વ્યક્તિ વચ્ચેનું અંતર ભૂંસીને ‘વ્યક્તિકેન્દ્રી લોકશાહી’નું વિકૃત સ્વરૂપ સફળતાપૂર્વક ઊભું કરનાર ગુજરાતના મુખ્ય મંત્રી પણ અસંતોષના ભડકા ટાળી-ખાળી શક્યા નથી.  સત્તાધારી પક્ષ હોવા છતાં ટિકિટ ન મળવાને કારણે ભાજપ છોડી જનારા ઉમેદવારોને લીધે, વઘુ એક વાર સિદ્ધ થયું છે કે પક્ષના સર્વોચ્ચ નેતા ગમે તેટલી ખાંડ ખાતા હોય, પણ ઘણા ખરા નેતાઓ માટે વ્યક્તિગત હિત સર્વૌપરી હોય છે. અસંતોષને પગલે સર્જાયેલા વાતાવરણમાં મુખ્ય મંત્રીએ અપીલ કરવી પડી છે કે મતદારોએ મતવિસ્તારના ઉમેદવારો સામે જોઇને નહીં, પણ તેમની (મુખ્ય મંત્રીની) સામે જોઇને મત આપવા.

મુખ્ય મંત્રીના મુગ્ધ સમર્થકો આ પરિસ્થિતિની સરખામણી ‘અમેરિકા પ્રકારની-પ્રમુખકીય લોકશાહી’ સાથે કરી શકે છે, જેમાં પ્રમુખપદની ચૂંટણી વખતે લોકો રાજ્યમાં પક્ષના પ્રતિનિધિઓને જોઇને નહીં, પણ કેન્દ્રમાં પ્રમુખપદ માટેના એક જ ઉમેદવારને જોઇને એક યા બીજા પક્ષને પોતાના મત આપે છે.

આ સરખામણી ભારતમાં ટકે એવી નથી. હજુ સુધી આપણે પ્રમુખપદ્ધતિની લોકશાહી સ્વીકારી નથી એવા પાયાના કારણ ઉપરાંત, અમેરિકાની પ્રમુખશાહીનાં સગવડીયાં ગુણગાન ગાનાર ભક્તસમુદાય એ ભૂલી જાય છે કે અમેરિકાનો પ્રમુખ ‘બઘું હું જ કરું’ની માનસિકતા રાખવાને બદલે, સક્ષમ લોકોને મંત્રીમંડળમાં સાથે રાખે છે. તેમાં બિનરાજકીય નિષ્ણાતોનો પણ સમાવેશ થાય છે. (મંત્રી બનવા માટે લોકસભામાં ચૂંટાવું અમેરિકામાં જરૂરી ગણાતું નથી.) પ્રમુખની અમર્યાદ સત્તાઓ પર (ક્યારેક અડચણની હદનો) અંકુશ રાખવાનું કામ સંસદ કરે છે. પ્રમુખ એક પક્ષનો હોય અને સંસદમાં બહુમતી બીજા પક્ષની હોય, એવું અત્યારે બન્યું છે અને ઘણી વાર બનતું હોય છે. ચૂંટાયેલી સંસદને પ્રમુખ પોતાની સત્તાના જોરે અવગણી કે બાયપાસ કરી શકતા નથી. પોતાના પક્ષની સફળતાઓની સાથોસાથ નિષ્ફળતાઓનો બોજ પણ પ્રમુખ ઉપાડે છે. ‘જમવામાં જગલો ને કૂટવામાં ભગલો’નો ગુજરાતી હિસાબ ત્યાં ચાલતો નથી.

ગુજરાતમાં એક પક્ષ વ્યક્તિકેન્દ્રી છે  અને બીજો વેરવિખેર.  સ્વસ્થ લોકશાહી માટે બન્ને બાબતો એકસરખી નુકસાનકારક છે. એ સ્થિતિમાં જાહેરખબરો દ્વારા રજૂ થતું ચિત્ર ગમે તે હોય, પણ બન્ને પક્ષોનું આંતરિક, વાસ્તવિક ચિત્ર કેટલું કરૂણ છે તેનો ખ્યાલ ચૂંટણી નિમિત્તે થયેલી નેતાઓની ઉડાઉડ અને વંડી ઠેકીને આવેલા નેતાઓને હોંશે હોંશે ટિકીટ આપી દેવાની બન્ને પક્ષોની ઉત્સુકતામાં આવી જાય છે. ‘નો રીપીટ થીયરી’ જેવા વ્યક્તિગત- સ્વકેન્દ્રી નિર્ણયને રાજકીય સિદ્ધાંતમાં ફેરવી નાખનારા ગુજરાતના મુખ્ય મંત્રી પોતે ‘ઉમેદવાર ગૌણ છે. લોકો મને મત આપે છે’ એવી પોતાની જ થિયરી વિશે શું ધારે છે? તેનો અંદાજ ૮૦ ધારાસભ્યોને રીપીટ કરવાના- ફરી ટિકીટ આપવાના તેમના નિર્ણય પરથી મેળવી શકાય છે.

બન્ને જૂના પક્ષોએ ટિકિટ આપવામાં જ્ઞાતિનાં સમીકરણોથી માંડીને બીજાં અનેક પરિબળ ઘ્યાનમાં લીધાં હોવા છતાં, પાર વગરની શરમજનક ઠેકાઠેકી થઇ. એ જોઇને પક્ષપલટાને લગતા કાનૂનના હાથ વધારે લાંબા થવા જોઇએ કે કેમ, એવો પણ વિચાર આવે. હાલનો પક્ષપલટાવિરોધી કાનૂન બંધારણીય પરિભાષામાં દસમા શીડ્યુલ તરીકે ઓળખાય છે. ઇંદિરા ગાંધીની હત્યા પછી પ્રચંડ બહુમતીથી ચૂંટાઇને આવેલા રાજીવ ગાંધીની સરકારે બંધારણમાં બાવનમા સુધારા દ્વારા આ કાયદો અમલી બનાવ્યો. એ કાયદા પ્રમાણે કોઇ પણ પક્ષના એક તૃતિયાંશથી ઓછા ચૂંટાયેલા સભ્યો પક્ષ બદલે અથવા મહત્ત્વપૂર્ણ બાબતોમાં પક્ષના આદેશનો અનાદર કરે તો તેમનું ગૃહનું સભ્યપદ રદબાતલ ઠરે. તેથી વધારે સંખ્યામાં સભ્યો આવું કરે તો તે કાયદા અંતર્ગત પક્ષપલટો નહીં, પણ જોડાણ ગણાય.  આ કાયદાનો સકંજો વધારે મજબૂત બનાવવા માટે ૨૦૦૩ના ૯૧મા બંધારણીય સુધારા પ્રમાણે, એવું ઠરાવવામાં આવ્યું કે પક્ષના બે તૃતિયાંશ સભ્યો પક્ષપલટો કરે તો જ એને ‘જોડાણ’નો દરજ્જો મળે.

પહેલી નજરે આવકાર્ય લાગતા પક્ષપલટાવિરોધી કાનૂનની ઘણી મર્યાદાઓ છે. આ કાયદાથી પક્ષનાં માળખાં વધારે લોખંડી બને અને પક્ષના ચૂંટાયેલા સભ્યોના વ્યક્તિગત અભિપ્રાય-સ્વાતંત્ર્ય પર તરાપ વાગે, એવી ટીકા થાય છે. તેની પાછળનો તર્ક એવો છે કે ચૂંટાયેલો સભ્ય સૌથી પહેલાં તેના મતવિસ્તારનો પ્રતિનિધિ છે અને ત્યાર પછી પક્ષનો સભ્ય. આ કાયદા અંતર્ગત ચૂંટાયલા સભ્યનું સભ્યપદ રદ કરવાનો નિર્ણય ગૃહના અઘ્યક્ષ લઇ શકે છે, પરંતુ તેને અદાલતમાં પડકારી શકાય છે.

પક્ષપલટાને લગતી કાર્યવાહી સમીસુતરી પાર ઉતરે તો પણ, પોતાનું સભ્યપદ રદ થતાં ખાલી પડેલી બેઠક પર એ જ સભ્ય ફરી, બીજા પક્ષની ટિકીટ પર ચૂંટણી લડી શકે છે. તેને ફરીથી ચૂંટાવા માટે ખર્ચ કરવો પડે અને દરમિયાન ગૃહના સભ્ય તરીકે મળતા ફાયદા ગુમાવવા પડે એ જ સજા. મુખ્યત્વે બીજા કોઇ પક્ષની સાંઠગાંઠથી પોતાના પક્ષના આદેશનો અનાદર કરનારા સભ્યોને આવી ‘સજા’ની કશી અસર ન થાય કે એ સજાનો કશો વ્યાપક દાખલો પણ ન બેસે એ સ્વાભાવિક છે.

ગુજરાતમાં ટિકિટની વહેંચણ વખતે સર્જાયેલા ઉભયપક્ષી ફારસ પછી, કોઇ પણ પક્ષ પોતાના પાંચ વર્ષથી વઘુ જૂના સભ્યને જ ટિકિટ આપી શકે, એ પ્રકારની કોઇ જોગવાઇની તાતી જરૂર લાગે છે.પરંતુ આવી જોગવાઇઓ ઘડવાની સત્તા એ જ લોકોના હાથમાં છે, જેમને આ જોગવાઇઓ તોડવામાં સૌથી વઘુ રસ હોય.  

7 comments:

  1. મુદ્દો અને લેખ બંને મજબૂત .
    નાગરિકશાસ્ત્રમાં જે ભણ્યા 'તા એ યાદ કરીએ તો
    મહદ અંશે એવું કહી શકાય કે
    આ વખતની ચુંટણીમાં
    લોકો ઉર્ફે મતદારોને કાંઈ લેવા-લેવા નથી :( !

    ReplyDelete
  2. Anonymous1:18:00 AM

    UrvishBhai, SAFARI na chhella 4-5 issue ma dekhadato gujrat prem ane tamaro anti CM mood ghanu badhu kahi jaay che....

    But, what should readers have to understand and do??? --

    & what about ur personal opinian to vote for which party??? -- &

    how should Voter have to vote--means as CM says"Umedvarne dhyan ma rakhine nahi , pan mane CM ne dhyanma rakhine mat aapo...."

    Plz...U should give ur personal view & fearless answer on this ques....Bcoz I cant understand the differnce line b/w SAFARI's view on Gujarat is best & ur anti CM mood....plz.....

    ReplyDelete
  3. @anonymous: 'સફારી' એક સામયિક તરીકે જે કરી શક્યું છે, તેના એક ટકાએ પણ પહોંચવાની મારી કે ગુજરાતીમાં લખતા કોઇની લાયકાત નથી. એટલે એના વિશે, ફેસબુક પરની સામાન્ય ફેંકાફેંક સ્ટાઇલમાં કશું કહેવું-લખવું જોઇએ નહીં. સાથોસાથ, એ પણ સમજવું રહ્યું કે અપરંપાર આદર અને ગાઢ મિત્રાચારીમાં પણ અભિપ્રાયભેદ હોવાના. એવા કિસ્સામાં બાકીના લોકોએ આ બન્નેને આમનેસામને મૂકવાને બદલે, પોતાની સમજણ પ્રમાણે અર્થ ઘટાવવો.

    મત આપવા માટે તમે મારો અંગત અભિપ્રાય પૂછ્યો છે, એટલે કહું છું- બધા શાસકો સરખા ખરાબ હોય ત્યારે હું શાસકવિરોધી મત આપવાના મતનો છું. દર પાંચ વર્ષે શાસકો બદલતા રહેવું અને તેમને તેમની કામચલાઉ નોકરીની યાદ અપાવતા રહેવું. એટલે કે, 2012માં મત ભાજપના વિરોધમાં અને 2014માં મત કોંગ્રેસના વિરોધમાં.

    મુખ્ય મંત્રી મોદીના મારા વિરોધ અંગેનાં પૂરતાં કારણ છે અને તેમનો વિરોધ એ બીજા પક્ષ પ્રત્યેનો પ્રેમ નથી- આ બે બાબતો ભૂતકાળમાં એટલી વાર કહી ચૂક્યો છું કે હવે એ વિશે વધુ કહેવાની જરૂર જોતો નથી. વધુ જાણકારી મેળવવી હોય તો આ બ્લોગના જૂના લેખ વાંચી જશો.

    તમે પ્રામાણિક જિજ્ઞાસાથી સવાલ પૂછ્યો હશે, એમ માનીને આ જવાબ આપ્યો છે. બાકી વિચારભેદના નામે ચરી ખાતા દોઢડાહ્યા અને શિષ્ટતાનું સામાન્ય ધોરણ ન ધરાવનારા સાથે 'ચર્ચા'માં વખત બગાડવાનું ક્યારનું બંધ કર્યું છે.

    તમારું સાચું નામ- પરિચય?

    ReplyDelete
  4. Anonymous4:17:00 PM

    ઉર્વિશભાઇ, સૌ પ્રથમ તો કોઇ કટારલેખક અને તમારા કરતા તમારી વિચારધારા તથા આજના મેગેઝિનો કરતા 'સફારી' અને તેના આદર્શો વધારે સારાં,યોગ્ય અને અનુકૂળ લાગતા હોય તમને અને સફારીને આમનેસામને મુકવાની વાત જ નથી... અને માટે જ ફક્ત અને ફક્ત પ્રામાણિક જિજ્ઞાસાથી સવાલ પૂછ્યો હતો....અને એટલે જ 'અપરંપાર આદર અને ગાઢ મિત્રાચારીમાં પણ અભિપ્રાયભેદ'ને સારી રીતે સમજુ છું......જેની આપ ખાસ નોંધ લેશો....

    બાકી તમારો અંગત અભિપ્રાય પણ સારો લાગ્યો કે 'સરખા ખરાબ હોય ત્યારે હું શાસકવિરોધી મત' અને 'કામચલાઉ નોકરીની યાદ અપાવવી'.....

    અને રહી વાત તમારા બ્લોગ પરના જુના લેખ વાંચવાની તો... તમારા જુનાં લેખ વાંચેલા જ છે....અને એ બધાં લેખ પરથી જ Anti CM mood જાણી શકાય છે...... એટલે જ તો હવે ચૂંટણીટાણે તમને આવો અંગત સવાલ પૂછવો પડ્યો.....

    અને તમારા દરેક જુના લેખોમાં સંભળાતો મુખ્યમંત્રીનો લોકશાહીવિરોધી ધ્વની એ કોઇ 'આભાસી કે 3D' પડઘા નથી...એ તો વૈચારિક દ્રષ્ટીએ સમજી શકાય છે......

    ... એટલે જ તમારા કારણો-અભિપ્રાયો વિશે સંમત થવુ યોગ્ય જણાઇ આવે છે.... પણ એ મારો પણ વિરોધપક્ષ કે અન્ય પ્રત્યેનો પ્રેમ નથી....

    .. બાકી વિચારભેદના નામે ચરી ખાતા દોઢડાહ્યા અને શિષ્ટતાનું સામાન્ય ધોરણ ન ધરાવનારા સાથે 'પક્ષાપક્ષીની ચર્ચા' નહોતી કરવી એટલે જ તમને સવાલ પૂછ્યો હતો..... બાકી ગામના ઓટલા ક્યા નથી મળતા....

    ... By the way... I got my answer with satisfaction From You....

    Thanks for fearless and quick answer ..... --

    ReplyDelete
  5. :-) happy to note you found the answers satisfactory. also noted your honest curiosity.
    3D' પડઘા:-)))

    would love to know your identity.
    can send me at uakothari@gmail if you are reluctant to reveal here for some reasons. It would help us in our future dialogue.

    ReplyDelete
  6. Loved the piece and loved the honest conversation here equally.

    ReplyDelete
  7. Anonymous10:25:00 PM

    Watching U & ur frnds cmpny live on VTv .....first time.....feeling grt to listen voice of all frnds for Ashwineebhai....

    ReplyDelete