Sunday, December 23, 2012

ફક્ત ફોન કે કમ્પુયટરને જ નહીં, તમામ ઉપકરણોને ‘સ્માર્ટ’ બનાવતો ઇન્ટરનેટનો નવો અવતારઃ ‘ઇન્ટરનેટ ફોર થિંગ્સ’


આસ્તિકોની કલ્પનાના ભગવાનની જેમ, ઇન્ટરનેટની લીલા અપરંપાર છે. દોઢેક દાયકા પહેલાં ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત થઇ ત્યારે તેનો મુખ્ય ઉપયોગ ઇ-મેઇલ પૂરતો મર્યાદિત હતો- અને એ પણ બહુ ચમત્કારિક લાગતો હતો. મોબાઇલ ફોનની જેમ ઇન્ટરનેટ કનેક્શન પણ મોંઘાભાવનાં. ઘરમાં લેન્ડલાઇન ફોન સાથે જોડાયેલું ડાયલ અપ કનેક્શન હોય, જે ચાલુ હોય ત્યારે ફોન વાપરી ન શકાય. સાયબરકાફેમાં  એક કલાક સર્ફિંગ કરવાનો ભાવ રૂ.૭૦ હતો. અમદાવાદના સૌથી પહેલા સાયબરકાફેમાં એક જ કમ્પ્યુટર પર એક જણ સર્ફિંગ કરતો હોય અને બીજો તેની બાજુમાં સ્ટુલ પર બેઠો હોય, તો કલાકના સર્ફિંગના ભાવમાં રૂ.૧૦ વધી જતા હતા. ઇન્ટરનેટ માટે મોંઘાભાવનું કમ્પ્યુટર હોવું અનિવાર્ય હતું. સ્વાભાવિક છે કે ઇન્ટરનેટ વાપરનારા મોટા ભાગના લોકો ઓફિસમાંથી જ તેનો ઉપયોગ કરતા હતા.

એક દાયકામાં સ્થિતિ અકલ્પનીય હદે બદલાવા લાગી. બે સંશોધનોએ મોંઘા ભાવના કમ્પ્યુટરને વૈકલ્પિક કરી નાખ્યું અને બન્ને બજાર અભૂતપૂર્વ ઝડપે વિકસ્યાં. સીડી માટે અલાયદાં અને કમ્પ્યુટરની સરખામણીમાં સાવ ઓછો ભાવ ધરાવતાં સીડી પ્લેયર બજારમાં આવી ગયાં. તેનાથી એક સમયે રૂ.૪૦૦-રૂ.૫૦૦માં મળતી સીડી જોતજોતાંમાં લારી પર ઢગલામાં વેચાવા લાગી. એવી જ રીતે, મોબાઇલ ફોનમાં  ઇન્ટરનેટ સર્ફિંગ શક્ય બનતાં ટેબ્લેટ અને સ્માર્ટ ફોન પોસાય એવી રેન્જમાં મળવા લાગ્યા અને ઇન્ટરનેટ મર્યાદિત વર્ગ માટેની ચીજ મટીને બહુ મોટા લોકસમુહ સુધી પહોંચી ગયું. ફેસબુક જેવી સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ અને ગુગલનું સર્ચ એન્જિન સંખ્યાબંધ લોકોનો રોજિંદા જીવનનો હિસ્સો બની ગયાં. ઇન્ટરનેટની સૌથી મોટી ખૂબી અને તેનું ક્રાંતિકારીપણું સિદ્ધ કરતી ખાસિયત એ છે કે તેનો કેવી કેવી રીતે ઉપયોગ થશે એ ધારી શકાતું નથી અને સમય વીત્યે તેમ તેના થકી અવનવી સેવાઓ ઉપલબ્ધ બનતી જાય છે.

અત્યાર સુધી ઇન્ટરનેટનો ઉપયોગ મુખ્યત્વે માણસો દ્વારા થતો રહ્યો છે. આઇટીની પરિભાષામાં તેને ‘H2M’- હ્યુમન ટુ મશીન- કહી શકાય. પરંતુ આવનારા દિવસોમાં ઇન્ટરનેટનો વ્યાપ વિસ્તરીને મશીન સુધી પહોંચવાનો છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઘણા અભ્યાસીઓ માને છે કે આવનારા ભવિષ્યમાં ક્રાંતિ સર્જનારી શોધો ‘M2M’- મશીન ટુ મશીન- ઇન્ટરનેટ થકી શક્ય બનવાની છે. આઇટી વિશ્વમાં M2M અથવા ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ/ Internet Of Things’ તરીકે ઓળખાતી આ નવતર દિશામાં મોટા પાયે કામ શરૂ થઇ ચૂક્યું છે અને તેમાં સફળતા પણ મળવા લાગી છે.


‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ’- માણસ માટે નહીં, પણ ચીજવસ્તુઓ  માટેની ઇન્ટરનેટ-પાછળનો મૂળભૂત ખ્યાલ એવો છે કે માણસ ઇન્ટરનેટની મદદથી મશીનો પાસે કામ લે, એની સાથોસાથ મશીનો પણ એકબીજા સાથે ઇન્ટરનેટની પરિભાષામાં સંવાદ કરતાં અને એકબીજા પાસે કામ કરાવતાં થઇ જાય તો? બધાં મશીનની ‘ભાષા’ સર્વસામાન્ય થઇ જાય તો માણસનું કામ કેટલું બઘું ઘટી જાય? વિજ્ઞાનકથા જેવી લાગતી આ કલ્પના નજીકના ભવિષ્યમાં મોટા પાયે વાસ્તવિકતા તરીકે આકાર લેવાની છે. એટલે જ, આવનારા વર્ષ અને સમયમાં આઇ.ટી.ના સૌથી નોંધપાત્ર પ્રવાહોમાં ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ’નું સ્થાન મોખરે ગણાય છે. એ વિષયને પાંથી પાડીને સમજાવતું એક પુસ્તક ‘ટ્રિલિયન્સઃ થ્રાઇવિંગ ઇન ધ ઇમર્જિંગ ઇન્ફર્મેશન ઇકોલોજી’ પણ પ્રકાશિત થયું છે.

પુસ્તકના ત્રણ લેખકોએ આ શોધને કૃષિક્રાંતિ, ઔદ્યોગિક ક્રાંતિ, માહિતીક્રાંતિ પછીની ચોથી ક્રાંતિ ગણાવી છે, જેમાં સેંકડો ચીજવસ્તુઓ એકબીજા સાથે ઇન્ટરનેટના માઘ્યમથી જોડાયેલી હશે. લેખકોએ એમ પણ નોંઘ્યું છે કે અત્યાર સુધી પર્સનલ કમ્પ્યુટર યુગ અને માનવકેન્દ્રી ઇન્ટરનેટનાં શીખરો સફળતાપૂર્વક સર થઇ ચૂક્યાં છે, પણ ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સગ્સ’માં લાખો-કરોડો-અબજો શીખરો સર કરવાનાં રહે છે. આ ઉદાહરણ માટે તેમણે પ્રયોજેલો શબ્દપ્રયોગ છે ‘ટ્રિલિયન્સ માઉન્ટેઇન’/ Trillions Mountain.  તેને પહોંચી વળવામાં અત્યાર સુધી વપરાયેલી ટેકનોલોજી સદંતર અપૂરતી નીવડવાની છે.

હાલમાં વિવિધ ઇન્ટરનેટ સુવિધાઓ આપતી કંપનીઓનાં સાધનો વચ્ચે સુમેળ નથી. ‘એપલ’ જેવી કંપનીઓ પોતાનો ધંધો ધીકતો રાખવા માટે નાનામાં નાનું સાધન કે તેના ચાર્જિંગની પીન સુદ્ધાં એવાં બનાવે છે કે બીજી કોઇ કંપનીનું ચાર્જર કે સ્પેરપાર્ટ તેમાં કામમાં લાગે નહીં. ગુગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સીસ્ટમને લીધે ‘વોલ્ડ ગાર્ડન્સ’ તરીકે ઓળખાતાં કંપનીઓનાં રજવાડાં વચ્ચે સેતુ ઊભો થયો છે. છતાં ઇન્ટરનેટ વિશ્વનું એકંદર ચિત્ર આઝાદી પહેલાંનાં રજવાડાં-આચ્છાદિત ભારત કરતાં ખાસ જુદું નથી. એ બધાનું ‘વિલીનીકરણ’ કરીને, તેમને એક નિયમ હેઠળ ચલાવવાનું કામ અશક્ય નહીં તો કપરું અવશ્ય છે.

અત્યાર લગી જુદા જુદા ટીવી માટે અલગ અલગ રીમોટ કન્ટ્રોલ આવતા હતા, તો વળી ડીવીડી પ્લેયરનું અને મ્યુઝિક સીસ્ટમનું રીમોટ પણ જુદું. આ બઘું ઘરમાં હોય તો ત્રણ-ચાર રીમોટ રખડતા હોય. હવે બધા ટીવી માટેનું અને ડીવીડી પ્લેયર માટેનું એક જ રીમોટ કન્ટ્રોલ આવવા લાગ્યું છે. ‘યુનિવર્સિલ રીમોટ કન્ટ્રોલ’નો ખ્યાલ રૂઢ બની ચૂક્યો છે. પરંતુ ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ’માં ઇન્ટરનેટનો વ્યાપવિસ્તાર ફક્ત કમ્પ્યુટર-ટેબ્લેટ-સ્માર્ટ ફોન પૂરતો મર્યાદિત નહીં રહે. ઇન્ટરનેટ ધરાવતાં ટીવી તો આવી જ રહ્યાં છે. એ સિવાય ઘરના રેફ્રિજરેટર, વોશિંગ મશીન અને લાઇટના બલ્બથી માંડીને સ્કૂટર -કાર જેવાં વાહન, રસ્તા પરના ટ્રાફિક સિગ્નલ, પાર્કિંગ, જાહેરખબરોનાં ડિસ્પ્લે બોર્ડ જેવી અનેક ચીજવસ્તુઓ એકબીજા સાથે સંકળાયેલી અને સીધો સંવાદ સાધી શકે એવી બની જશે. તેના નિયમન અને ઉપયોગ માટે માણસે તસ્દી લેવી નહીં પડે. એક વાર ગોઠવણ કરી દીધા પછી, તે પોતાની મેળે માલિકની ઇચ્છા પ્રમાણે અને માલિકની જાણબહાર કામ કરી નાખશે.


‘ગુગલ’ના લેરી પેજે આપેલા એક ઉદાહરણ પ્રમાણે, ‘સ્માર્ટ કાર’ તેના માલિકને ઓફિસના દરવાજે ઉતારી દઇને પછી, જાતે પોતાના પાર્કિંગ માટેની જગ્યા શોધી લેશે. ઓફિસમાંથી કામ પૂરું થયા પછી કારનો માલિક દાદર ઉતરતો હશે ત્યારે માલિકનો ફોન આપોઆપ પાર્ક થયેલી કારને સંદેશો પાઠવી દેશે. એટલે માલિક ઓફિસની બહાર નીકળે ત્યારે તો કાર આપમેળે હાજર.  એ અર્થમાં કહી શકાય કે ફક્ત કમ્પ્યુટરને કે સ્માર્ટ ફોનને જ નહીં,  માણસ સિવાયની બધી ચીજોને એક જ ‘ડિજિટલ કુટુંબ’ના સભ્ય જેવી બનાવી દેવામાં આવશે.

ગુગલ જેવી માતબર કંપનીએ તૈયાર કરેલા, આંખના પલકારે હુકમો ઝીલતા ને ફ્રેમ પરના એક બટનથી ઘણાં કામ કરતા ‘ગુગલ ગ્લાસ/ Google Glass’ વિશે આ કોલમમાં અગાઉ લખ્યું હતું.
http://urvishkothari-gujarati.blogspot.in/2012/07/blog-post_08.html

એવી જ રીતે, ગુગલ દ્વારા સ્વયંસંચાલિત- ભરટ્રાફિકમાં ડ્રાઇવર વિના જાતે જ પોતાને હંકારતી  ‘ડ્રાઇવરલેસ કાર’ના સફળ અખતરા થઇ ચૂક્યા છે. ‘વેરેબલ (અલગ રાખવાને બદલે શરીર પર ધારણ કરી શકાય એવાં, અનેકવિધ ઉપયોગ ધરાવતાં ડિજિટલ ઉપકરણો બજારમાં આવી રહ્યાં છે. પરંતુ અત્યારે એ બધાં એકબીજાથી સ્વતંત્ર છે. તેમની વચ્ચે અંદરોઅંદર સુમેળ કે સંવાદની વ્યવસ્થા નથી. ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ’ એ મહાકાર્ય સિદ્ધ કરીને ક્રાંતિ સર્જવા ધારે છે.

આઇટીના કેટલાક નિષ્ણાતો માને છે કે ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ’ આવતા વર્ષે જ અસ્તિત્ત્વમાં આવી જાય એ શક્ય નથી. તેને વ્યાપક બનતાં પાંચ-સાત-દસ વર્ષ લાગી જશે. ૧૯૯૦ના દાયકામાં કમ્પ્યુટરનાં ઠેકાણાં ન હતાં, એ ઘ્યાનમાં રાખતાં ‘ચોથી ક્રાંતિ’ માટે પાંચ-સાત-દસ વર્ષનો સમયગાળો કેટલો ઓછો ગણાય, એ કહેવાની જરૂર ખરી?  

2 comments:

  1. Superbbbb...!! Nice one sir The best article

    ReplyDelete
  2. Wah... the shape of things to come indeed!

    ReplyDelete