Wednesday, December 19, 2012

કાર્યકરોનાં ડરામણાં સ્વપ્નાંચિંતકો અને કવિઓ જગતને વિરાટનો હિંડોળો કહે છે, પણ મને અત્યારે મારી આજુબાજુનું વિશ્વ એક વિરાટ ચગડોળ જેવું લાગે છે. એવું ચગડોળ જેનાં જુદાં જુદાં ખાનાંમાં ગુજરાતના રાજકારણના વિવિધ પક્ષના જુદા જુદા નેતાઓ બેઠેલા છે. વાતાવરણમાં ઘુમ્મસ એટલું પથરાયેલું છે કે ચગડોળના એક ખાનામાં બેઠેલા લોકોને બીજા ખાનામાં બેઠેલા લોકો દેખાતા નથી.

આ ચગડોળ વિશેની બે વાતો સૌથી ભયંકર છેઃ એક તો, તેની નીચે જમીન નથી. એ અદૃશ્ય ટેકા પર અથવા હવામાં લટકે છે. બીજું, તેમાં બેસવાનાં બધાં ખાનાં ખુલ્લાં છે અને ઝડપ એટલી હદે વધી રહી છે કે થોડી વારમાં ઘણા બધા લોકો ખાનાંથી બહાર ફંગોળાઇ જવાના છે. નીચે જમીન તો છે નહીં, એટલે ફંગોળાયેલા લોકોનું શું થશે તેની કલ્પના માત્રથી ઘુ્રજી ઉઠાય છે - અને આંખ ખુલી જાય છે.

હા, આવતી કાલે આવનારાં પરિણામના ખ્યાલથી ફક્ત મુખ્ય મંત્રી કે મુખ્ય નેતાઓની જ નહીં, અમારા જેવા કાર્યકરોની પણ ઉંઘ હરામ થઇ ગઇ છે. એમની જેમ અમને પણ અમારા પક્ષો વિશેનાં ખરાબ સ્વપ્નાં આવે છે.
***

અમારા એકમાત્ર, એકના એક, પહેલા ને છેલ્લા, અનેક મીંડાંના એકડા જેવા નેતાનો એક થ્રી-ડી અવતાર ગાંધીનગરના રેલવે સ્ટેશને જાય છે અને શ્રી હસ્તિનાપુર નગરીની એક મૂલ્યપત્રિકા માગે છે. ટિકિટ માસ્તર ‘ભદ્રંભદ્ર’ની કથામાં આવતા પારસી માસ્તર જેવો છે. તે સાહેબની હસ્તિનાપુરવિજયની મહત્ત્વાકાંક્ષાથી અજ્ઞ એવો દુષ્ટ, પતીત સુધારાવાળો છે.

સાહેબ ભદ્રંભદ્રની જેમ જ માને છે કે આખું જગત માધવબાગની સભામાં તેમના વિજયની ઘડીની રાહ જોઇને, તેમને વધાવી લેવા માટે ઉત્સુક છે. રસ્તામાં મળે એટલા બધા માણસોને જોઇને સાહેબને લાગે છે કે આ સૌ હસ્તિનાપુર જ જઇ રહ્યાં છે- તેમની વિજયસભામાં સામેલ થવા. પરંતુ ન્યાય અને કાયદાના શાસન જેવા પાશ્ચાત્ય દર્શનના મોહમાં અંધ બનેલો દુષ્ટ સુધારાવાળો ટિકિટ માસ્તર સાહેબની લાગણી સમજી શકતો નથી. તેથી સાહેબનો પુણ્યપ્રકોપ ફાટે છે. તે ટિકિટમાસ્તરને ગુજરાતવિરોધી ટોળકીનો સભ્ય, સેક્યુલરિસ્ટ, ગુજરાતનું અપમાન કરનાર, રાષ્ટ્રદ્રોહી જેવાં અનેક વિશેષણથી નવાજે છે.

ટિકીટ માસ્તર બીજું કંઇ કરવાને બદલે, સાહેબના નાક પર એક મુક્કો મારે છે. અલબત્ત, એ મુક્કો શારીરિક ચેષ્ટા નથી. કારણ કે સામે સાહેબ નહીં, પણ તેમનો થ્રી-ડી અવતાર ઊભો છે. તેને નાક પર મુક્કો મારવાની એક જ રીત છેઃ ટિકિટ માસ્તર સાહેબને દિલ્હીની ટિકીટ આપવાને બદલે, ફરી એક વાર મણિનગરની ટિકીટ આપીને રવાના કરી દે છે

- અને હું ઝબકીને પથારીમાંથી બેઠો થઇ જાઉં છું.
***

ઘેરો પણ ખુશ્બુભર્યો નહીં એવો અંધકાર ચોમેર પ્રસરેલો છે.  ચંદ્ર પણ પરિણામોની બીકે વાદળાંમાં મોં નાખીને ક્યાંક સંતાઇ ગયો છે. ચૂંટણીપ્રચાર પછી ઠુસ થઇ ગયેલા ત્રીજા-ચોથા દરજ્જાના કાર્યકરો જેવા નિસ્તેજ લાગતા તારા વેરવિખેર પડ્યા છે. વાતાવરણ જોતાં એવું લાગે છે કે જાણે હવે કદી સવાર પડવાની ન હોય- કમ સે કમ અમારા પક્ષ માટે તો નહીં જ.

દાયકાઓથી સત્તાના સૂર્યની ગેરહાજરીમાં, ઘેરા અંધકારમાં અટવાતા પક્ષને આ વખતે અજવાસની આશા બંધાઇ હતી. પોતાના સૂર્યોદયથી નહીં, પણ પારકી બેટ-રીની અજવાળાથી અંધકાર પરાસ્ત થાય એવું લાગતું હતું. લાંબો સમય અંધકારમાં રહ્યા પછી એકદમ અજવાળામાં આંખ ખોલવાનું અઘરું પડે. એટલે અમારા નેતાઓ ધીમે ધીમે પ્રકાશથી ટેવાવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સૂર્યોદય ભલે ન થાય, પણ બેટર્યોદય થવાની આ છેલ્લી તક હતી, એવું સૌ સ્વીકારતા હતા. આટલા અનુકૂળ સંજોગો છતાં જો આ વખતે અજવાળું ન થાય, તો અમારો પક્ષ સદા અંધારામાં રહેવાને કારણે ઉલ્લુ (ઘુવડ)માં ખપી જશે. અને ધુવડનો ઉપયોગ તાંત્રિક વિધીમાં બલિદાન આપવા સિવાય બીજે ક્યાંય થતો હોય એવું સાંભળ્યું નથી.

ચૂંટણી હારી ગયા પછી ધુવડમાં ફેરવાઇ ગયેલા અમારા પક્ષને એક પિંજરામાં કેદ કરવામાં આવે છે. જીતેલા પક્ષે જંગલમાં ભવ્ય વિજયયજ્ઞનું આયોજન કર્યું છે. તેમાં એનું રાજ અમર તપે એ માટે ધુવડનું બલિદાન આપવાનું સૂચવવામાં આવે છે. એટલે પિંજરામાં ધુવડ તરીકે કેદ અમારા પક્ષને વધેરી નાખવામાં આવે છે અને ગુજરાતમાંથી તેનું નામોનિશાન મટી જાય છે...

 -આટલી કરુણ કલ્પનાઓનો દોર ચાલ્યા પછી કયો સંવેદનશીલ માણસ ઉંઘતો રહી શકે? હું અચાનક બેઠો થઇને આંખો ચોળતો આજુબાજુ યજ્ઞકુંડ, ખાલી પિંજરું, ધુવડનાં પીંછાં અને હવામાં ઘુમાડાની ગંધ શોધવા મથું છું.
***

ચોતરફ રણવાદ્યો વાગી રહ્યાં છે. અમારા નેતાઓ ભારે હૈયે ને ગંભીર વદને આયના સામે ઊભા રહીને બખ્તર સજાવી રહ્યા છે. બખ્તરના પાછળના ભાગમાં મોટા અક્ષરે અંગ્રેજીમાં ‘પી’ ચીતરેલો છે. બખ્તરમાં ખાસ કરીને પીઠના ભાગમાં ઠેકઠેકાણે ભૂતકાળના ઘાને કારણે કાણાં પડેલાં છે, જે પુરાયાં નથી. અમારા નેતાઓ જીવ બચાવવા માટે નહીં, પણ રણમેદાને ઉતરવાની તૈયારી તરીકે બખ્તર સજાવી રહ્યા હોય, એવું તેમની મુખમુદ્રા પરથી લાગે છે. અમારા વયોવૃદ્ધ સેનાનીએ જાહેર કરી દીઘું છે કે આ તેમની છેલ્લી લડાઇ છે. એ તો બખ્તર પહેરવા પણ તૈયાર નથી. રણમેદાનમાંથી જીવતા પાછા ફરવાની આશા રાખ્યા વગર, તે આરપારની લડાઇ માટે  શસ્ત્રસજ્જ થઇ રહ્યા છે. તેમનું સૈન્ય બાકીની બે સેનાઓની તાકાત સામે નગણ્ય છે. છતાં, બાકીની બે સેનાઓ વચ્ચે ભયંકર જંગ ખેલાય, ત્યારે અમારું સૈન્ય કઇ બાજુથી લડે છે અને કોના પક્ષે ખુવારી મચાવે છે તેની પર યુદ્ધના પરિણામનો મોટો આધાર છે.

થોડી વારમાં દૃશ્ય બદલાઇ જાય છે. કેસરિયાં વસ્ત્રો પહેરીને રણવાટે સિધાવેલા અમારા નેતાઓ જીતવા માટે નહીં, પણ એક પક્ષને હરાવવા માટે જીવ પર આવીને લડે છે. મોટા પાયે જનસંહાર થાય છે, પરંતુ યુદ્ધ પૂરું થાય ત્યારે અમારી સૌની કુરબાની એળે જાય છે અને પરિણામમાં કશો ફરક પડતો નથી. રણમેદાનમાં પડેલાં અમારા શરીર સામે જોઇને લોકો અમારી મજાક ઉડાવે છે અને અમારી મૂર્ખામી સામે જોઇને ખીખીયાટા કરે છે. એ કેવી રીતે સહન કરી શકાય?

અપમાનબોધથી મારી આંખ ખુલી જાય છે.
***

યુદ્ધ પૂરું થયા પછી ત્રણે પક્ષોને વેઠવું પડેલું નુકસાન એટલું મોટું છે કે એ ત્રણેમાં સ્વાર્થી કલિંગબોધ પ્રગટે છે. તેમને થાય છે કે યુદ્ધો નિરર્થક છે. આપણે ત્રણે અંદરોઅંદર લડીને કપાઇ મરીએ તેમાં આપણને ફાયદો છે એના કરતાં ઘણું વધારે નુકસાન છે. એટલે, આપણે લડવું ખરું, પણ રણમેદાનમાં ઉતરીને નહીં- શબ્દોથી.
 અનેક કાર્યકરોનાં શરીર રણમેદાનમાં પડ્યાં છે અને બધા સેનાપતિઓ એકબીજા સાથે  ગોઠવણ કરી નાખે છે.

આ નાગરિકોનું દુઃસ્વપ્ન છે.

No comments:

Post a Comment