Sunday, December 02, 2012

સ્વપ્ન અને હકીકત વચ્ચેનું ઘટતું અંતર: ઇન્ટરનેટ દ્વારા શિક્ષણમાં 'સંપૂર્ણ ક્રાંતિ'



ઓનલાઇન એજ્યુકેશન, ઇ-લર્નિંગ અને તેનાથી પણ પહેલાં ઓપન યુનિવર્સિટી, ડિસ્ટન્સ લર્નિંગ જેવા શબ્દો વર્ષોથી ઉછળી રહ્યા છે. ઇન્ટરનેટના માઘ્યમથી માહિતી અને અમુક અંશે જ્ઞાનનો અભૂતપૂર્વ પ્રસાર થયો. છતાં, સ્કૂલ-કોલેજના સ્તરે ઇન્ટરનેટનો સીધો ઉપયોગ શી રીતે કરવો, તેની મથામણ ચાલુ છે. શિક્ષણની અસલી કામગીરીમાં ઇન્ટરનેટનો ખાસ ઉપયોગ કેમ થતો નથી, એવો સવાલ બિલ ગેટ્‌સની જેમ ઘણાને થાય છે.

અત્યાર સુધીની આ સ્થિતિમાં મોટા પાયે ફેરફાર આવી રહ્યા છે. તેની નક્કર શરૂઆત પણ થઇ ચૂકી છે. એ ક્રાંતિ હશે કે ઉત્ક્રાંતિ, ધરમૂળથી પરિવર્તન હશે કે વર્તમાન વ્યવસ્થાને બહેતર બનાવનારા સુધારા એ કહેવું બહુ વહેલું છે. એટલું નક્કી કે આવનારા દિવસોમાં શિક્ષણને લગતી ચર્ચામાં ઇ-લર્નિંગ અથવા ‘મેસીવ ઓપન ઓનલાઇન કોર્સીસ’ - MOOC- કેન્દ્રસ્થાને રહેશે. ઓનલાઇન કોર્સીસની બહુ નવાઇ નથી, પણ સૌથી અગત્યનાં વિશેષણો છેઃ ‘મેસીવ’ અને ‘ઓપન’. એટલે કે એક સાથે સેંકડો-હજારો બલ્કે લાખો વિદ્યાર્થીઓને લાભ મળે અને તેના દરવાજા સૌ કોઇ માટે ખુલ્લા હોય, એવો ખ્યાલ આ શિક્ષણ વ્યવસ્થાના પાયામાં છે. વ્યવહારમાં તે કેવી રીતે શક્ય બને, એ જોતાં પહેલાં હાલનું માળખું ટૂંકમાં જોઇ લઇએ.

વર્તમાન પદ્ધતિમાં વિદ્યાર્થીઓ કોલેજમાં પ્રવેશ મેળવે, ક્લાસમાં અઘ્યાપક પાસે ભણે, વિદેશી યુનિવર્સિટીઓમાં અઘ્યાપકોએ ઇન્ટરનેટ પર મુકેલાં તેમનાં લેક્ચર વિદ્યાર્થીઓ ક્લાસમાં ગયા વિના ભરે, તેમાંથી શીખે, જરૂર લાગ્યે અઘ્યાપકોને મળે, ખાનગી ટ્યુશન બંધાવે, જાતે વાંચે-અભ્યાસ કરે, કોલેજમાં જઇને પરીક્ષાઓ આપે અને ડિગ્રી મેળવે. ભારતમાં પણ ઓનલાઇન લેક્ચર સિવાય બાકી બઘું આ પ્રમાણે જ છે.

ક્રાંતિકારી હોવાનો દાવો કરતી નવી, ઇન્ટરનેટ-આધારિત શિક્ષણવ્યવસ્થામાં બે સૌથી અગત્યની બાબતોની મહદ્‌ અંશે બાદબાકી થઇ જાય એવો ખ્યાલ છેઃ મોંઘીદાટ ફી અને અઢળક સુવિધાઓ ધરાવતી કોલેજ. તેનું માળખું એવું છે કે નિષ્ણાત અઘ્યાપકો ઇન્ટરનેટ પર વિડીયોના માઘ્યમથી શીખવાડે, દુનિયાભરમાં પથરાયેલા વિદ્યાર્થીઓ તેમના જ્ઞાનનો લાભ મેળવે. આ શૈક્ષણિક વિડીયો જોવાની કે ઓનલાઇન ક્લાસ ભરવાની ફી સાવ મામુલી હોય. ક્લાસ લેવા માટે એક નિષ્ણાત, એક બોર્ડ અને રેકોર્ડિંગ માટે વિડીયો કેમેરા સિવાય બીજા કશાની જરૂર ન પડે. જે કંપની આવી સેવાઓ આપવા માગતી હોય તેણે નાણાં ખર્ચીને વિષયનિષ્ણાતોને રોકવા પડે અને વેબસાઇટ તૈયાર કરવી પડે. પોતાની વેબસાઇટનો ખર્ચ કરતાં પહેલાં થોડા જાણીતા બની જવું હોય તો યુટ્યુબ/youtubeની વેબસાઇટ ક્યાં નથી? તેની પર એક પછી એક વિડીયો સાવ મફતમાં મૂકીને કામની શરૂઆત થઇ શકે.

‘તાલાબકા પાની ઘી બન જાય ઔર પત્તે રોટી બન જાય તો બંદા ઝબોલ ઝબોલકે ખાય’ - એવી વાત લાગી? બનવાજોગ છે. કારણ કે નવી ટેકનોલોજી આવે એટલે તેનો ઉપયોગ કરીને શિક્ષણમાં પરિવર્તન આણવાની વાતો આ પહેલાં ઘણી વાર થઇ ચૂકી છે. ટીવીનું માઘ્યમ નવું હતું ત્યારે તેનો શૈક્ષણિક ઉપયોગ કરીને ઘરે ઘરે ક્લાસરૂમનું સ્વપ્ન જોવાયું હતું. સ્ટુડિયોમાં એક જ નિષ્ણાત ક્લાસ લે અને એક સાથે લાખો લોકો પોતાના ઘરેબેઠાં તેનો લાભ લઇ શકે, તો શિક્ષણજગતમાં કેવી ક્રાંતિ આવે? પરંતુ એવું બન્યું નહીં. ટીવી પર શૈક્ષણિક કાર્યક્રમો તો આવે છે, પણ તેમાં ક્રાંતિના પવનનો તો ઠીક, પરિવર્તનની આછીપાતળી લહેરખીનો પણ અહેસાસ થતો નથી.

તો પછી ટીવી પર શિક્ષણના મામલે જે બન્યું, તેનું જ પુનરાવર્તન ઓનલાઇન કોર્સીસમાં ન થાય? ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ છે, પણ બે-ત્રણ મુખ્ય કારણોને લીધે સાવ એવું નહીં થાય એવી આશા છે. ટીવી માટે પ્રસારણની ઊંચી કિંમત અને તેના માટે જરૂરી મોંધુંદાટ માળખું મોટી મુશ્કેલીરૂપ હતાં. માઇક્રોસોફ્‌ટ- ગુગલ જેવી માલેતુજાર કંપનીઓને નાણાંની સમસ્યા નડે નહીં. પરંતુ ટીવી પ્રસારણની કદાચ સૌથી મોટી મર્યાદા એ છે કે તે જ્યારે રજૂ થતું હોય ત્યારે સૌએ પોતાનાં સાતેય કામ પડતાં મૂકીને, ત્યાં બેસી જવું પડે. ટીવી પરથી રેકોર્ડિંગગ કરવાનું પણ અઘરૂં અને મોટા ભાગના લોકો માટે અશક્ય છે. એટલે, પોતાની ફુરસદે ટીવી પરથી શિક્ષણ મેળવવાનું શક્ય નથી. ટીવી પરથી થતું પ્રસારણ એકપક્ષીય હોય છે, એ બીજી મુશ્કેલી.

દ્વિપક્ષી કે અનેકપક્ષી વ્યવહાર શક્ય બનાવતા ઇન્ટરનેટના માઘ્યમમાં આ સમસ્યાઓ નડતી નથી. નિષ્ણાતો એક મુદ્દાની શૈક્ષણિક વિડીયો એક જ વાર રેકોર્ડ કરીને  ઇન્ટરનેટ પર મુકી દે, એટલે સૌ પોતપોતાની અનુકૂળતાએ, મન પડે એટલી વાર તે જોઇ-સમજી શકે છે અને જરૂર લાગ્યે અઘ્યાપકનો ઇ-મેઇલથી કે વધારે સુવિધા હોય તો વિડીયો ચેટિંગ દ્વારા સંપર્ક કરી શકે છે. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય એવા MOOC મોડેલમાં અઘ્યાપકનો વ્યક્તિગત સંપર્ક શક્ય ન બને, પરંતુ તેમાં વિદ્યાર્થીઓ નાના જૂથમાં વહેંચાઇને એકબીજાનો સંપર્ક-પરામર્શન અને માર્ગદર્શન કરી શકે છે. ‘ફેસબુક જનરેશન’ તરીકે ઓળખાતી નવી પેઢી વર્ગખંડમાં બેસીને પરંપરાગત શિક્ષણ મેળવવાને બદલે. કમ્પ્યુટર કે ટેબ્લેટમાં મોં ઘાલીને ભણવાનું વધારે પસંદ કરે, એવી સંભાવના પણ વધારે છે.

લાખો રૂપિયાનો કે ડોલરનો સવાલ એ છે કે આવું બને ખરું? અને તેમાં કેટલી હદે સફળતા મળે? પહેલા પ્રશ્નનો જવાબઃ હા. એ કાગળ પરની કલ્પના નહીં, પણ વેબવિશ્વની વાસ્તવિકતા છે. મેસેચુસેટ્‌સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (એમઆઇટી/ MIT) અને હાર્વર્ડ/Harward જેવી વિશ્વપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થાઓએ આ વર્ષથી edX વેબસાઇટ દ્વારા પોતાના કેટલાક કોર્સ ઇન્ટરનેટ પર મફત શીખવવાનું ચાલુ કર્યું છે. આ બિનધંધાદારી સાહસ માટે બન્ને સંસ્થાઓએ ત્રણ-ત્રણ કરોડ ડોલર કાઢ્‌યા છે. www.edx.com  પર આ બન્ને ખ્યાતનામ યુનિવર્સિટી ઉપરાંત બીજી કેટલાક યુનિવર્સિટીના અભ્યાસક્રમ પણ ઓનલાઇન ઉપલબ્ધ છે. સાઇટના મથાળે શિક્ષણની ક્રાંતિની એંધાણી આપતું ટૂંકું ને ટચ લખાણ છેઃ ધ ફ્‌યુચર ઑફ ઓનલાઇન એજ્યુકેશન. ફોર એનીવન, એનીવ્હેર, એનીટાઇમ. (ઓનલાઇન શિક્ષણનું ભવિષ્ય. ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તેના માટે.)

બીજી નામી અમેરિકન શિક્ષણસંસ્થા સ્ટેનફર્ડ યુનિવર્સિટીના એક અઘ્યાપકે બીજા સાથીદારો સાથે મળીને આ વર્ષે ઓનલાઇન યુનિવર્સિટી શરૂ કરીઃ www.udacity.com આ સાઇટ ધંધાદારી છે, પરંતુ અત્યારના તબક્કે તે વિદ્યાર્થીઓની ફી પર આધારિત નથી. ‘હાયર એજ્યુકેશન ફોર ફ્રી’(ઉચ્ચ શિક્ષણ, વિના મૂલ્યે) એવું સૂત્ર ધરાવતી આ સાઇટ હાલમાં ગણિત, કમ્પ્યુટર સાયન્સ અને પ્રોગ્રામિંગને લગતા કોર્સ ઓનલાઇન અને તે પણ સાવ મફતમાં શીખવાડે છે.

ઓનલાઇન કોર્સીસના પ્રવાહે આ વર્ષે એવો વેગ પકડ્યો છે કે હવે સિલિકોન વેલીના સાઇટ-બહાદુરો પણ તેમાં ઝંપલાવવા લાગ્યા છે.  સ્નેપફિશ જેવી વેબસાઇટના સીઇઓ તરીકે જાણીતા બેન નેલ્સને ૨.૫ કરોડ ડોલરનું રોકાણ કરીને ધંધાદારી ધોરણે ‘મિનરવા પ્રોજેક્ટ’નો આરંભ કર્યો છે. ૨૦૧૪થી શરૂ થનારા આ કોર્સમાં, ઓછી ફીએ ઉત્તમ કોલેજોને ટક્કર આપે એવું ઓનલાઇન ભણતર આપવાનો નેલ્સનનો ઇરાદો છે. આ બધાના પૂર્વસૂરિ જેવા, મૂળ બાંગ્લાદેશી પણ અમેરિકામાં રહેતા સલમાન ખાન અને તેમની ખાન એકેડેમીની વાત જ જુદી છે.

(ખાન એકેડેમી અને ‘મેસીવ ઓપન ઓનલાઇન કોર્સીસ’ના વર્તમાન-ભવિષ્ય અંગેની વઘુ ચર્ચા આવતા સપ્તાહે)

No comments:

Post a Comment