Thursday, December 27, 2012

અશ્વિનીભાઇને દિલથી યાદ કરવાની મહેફિલઃ આકંઠ અશ્વિની


અંજલિ, શ્રદ્ધાંજલિ, સ્મરણાંજલિ, સ્મૃતિસભા..આવા શબ્દો સાંભળીને હવે ફાળ પડે છે. થાય છે કે દિવંગત જણના નિમિત્તે વધુ એક વાર થોડા લોકો ભેગા થશે, તેમાંથી અમુક સ્ટેજ પરથી જાતનો મહિમા કરતાં પ્રવચનો આપશે, જેમાં વચ્ચે વચ્ચે દિવંગતનો ઉલ્લેખ પણ આવશે, એક સંચાલક હશે જે રાબેતા મુજબ 'મને જુઓ , મને જુઓ' કરતો હશે...અને રાબેતા મુજબ, સુજ્ઞ શ્રોતાએ હળવી ફરિયાદો કરતા અને 'કાર્યક્રમોના આવા માળખામાં ફેરફાર થવો જોઇએ' એવો આશાવાદ વ્યક્ત કરતા છૂટા પડશે.

એવા શ્રોતાઓમાં અમારી મિત્રમંડળીનો સમાવેશ થતો હોવાથી એક વાત નક્કી હતી કે અશ્વિનીભાઇને અમારી અંજલિ આવી તો નહીં જ હોય.

શું ન હોય તેની સ્પષ્ટતા આવી જાય, તો ઘણી ગરબડો થતી અટકી જાય છે. એટલે અશ્વિનીભાઇને મન ભરીને યાદ કરવાના કાર્યક્રમમાં એટલું નક્કી ઠર્યું કે કોઇ ભાષણબાજી નહીં થાય. કોઇ વક્તા નહીં. કોઇ સંચાલક નહીં. બસ, સ્ટેજ પર હશે અશ્વિનીભાઇનો શબ્દ-દૃશ્યદેહ અને સામે બેઠા હશે તેમના પ્રેમીઓ-ચાહકો. વચ્ચે કોઇની ખિટપિટ નહીં. કોઇએ તેમના અજવાળામાં પ્રકાશવાનું નહીં. કોઇએ કહેવાનું નહીં કે અશ્વિનીભાઇ તેમને કેટલા ખાસ ગણતા હતા. કોઇએ કહેવાનું નહીં કે અશ્વિનીભાઇએ તો કહ્યું હતું કે મારા પછી તું જ છે. પ્રિય લેખકના મૃત્યુને વટાવી ખાવાની ચેષ્ટાઓ ચંદ્રકાંત બક્ષીના મૃત્યુ પછી ઘણી થઇ હતી.

દરેકમાંથી કંઇક શીખવા મળે છે. શું ન કરવું એ શીખવા મળે તો તેની કિંમત પણ કંઇ ઓછી છે?
***

સોમવારે (10-12-12)અશ્વિનીભાઇની વિદાયના સમાચાર આવ્યા પછી બધાએ નક્કી તો કરી નાખ્યું કે રવિવારે (16-12-12)કાર્યક્રમ રાખી દઇએ. ધૈવત ત્રિવેદીએ લખેલા વિસ્તૃત લેખનું અમને બહુ ગમતું મથાળું તૈયાર જ હતું- 'આકંઠ અશ્વિની'. એમાં વિદાયનો કે શોકસભાનો કશો સંકેત નહીં, પણ પ્રિય વ્યક્તિ પ્રત્યેનું વહાલ અને તેનો ખુમાર છલકાતો હતો. એટલે કાર્યક્રમનું નામ પડ્યું, 'આકંઠ અશ્વિની'. ત્યાર પછીના ચાર-પાંચ દિવસમાં, બધા મિત્રોની મિટિંગ કર્યા વિના, સૌએ પોતપોતાનું કામ વહેંચી લઇને જે રીતે ડેડલાઇનમાં કામ સરસ રીતે પૂરું કર્યું એમાં ટીમવર્કની તાકાત, એકબીજાની ક્ષમતાઓ વિશેની ખાતરી અને અશ્વિનીભાઇ પ્રત્યેની લાગણી ઝળકતાં હતાં.

કાર્યક્રમનું માળખું એવું નક્કી થયું કે શરૂઆતમાં અશ્વિનીભાઇની નવલકથાઓમાંથી ધૈવત ત્રિવેદી ચાર ટુકડા ચૂંટે, તેની આગળ નાની ભૂમિકા લખે, આશિષ કક્કડ એ ટુકડાના પઠનનો મામલો સંભાળે, હું બાકીના કાર્યક્રમ માટે અશ્વિનીભાઇની અત્યાર સુધી લીધેલી વિડીયોના ખજાનામાંથી પસંદ કરેલા ટુકડા કાઢું અને તેની આસપાસ આછીપાતળી- ફક્ત વિડીયોને આધાર આપે એટલી સ્ક્રીપ્ટ લખું, વચ્ચે અશ્વિનીભાઇના પત્રોમાંથી અને નીતિભાભીએ અશ્વિનીભાઇ વિશે લખેલા એક લેખમાંથી થોડી સામગ્રી પણ પરોવું(જેનું પઠન થાય), અશ્વિનીભાઇની અપ્રગટ નવલકથા 'કડદો'નો થોડો અંશ પણ આવે અને છેલ્લે અશ્વિનીભાઇના અંતીમ પ્રવચનના (કાર્યક્રમમાં નહીં બોલાયેલા, પણ તેમણે લખેલા પ્રવચન પરથી 'નવનીત સમર્પણ'માં છપાયેલા) અંતીમ ભાગથી સમાપન થાય.
***

રાત થોડી ને વેશ ઝાઝા હતા. પણ અવાજ જેવો જ બુલંદ મૈત્રીનો રણકો ધરાવતા આશિષ કક્કડે આ બધી જવાબદારી ઉપાડી લીધી. એટલું જ નહીં, એમ પણ સૂચવ્યું કે આપણે આ બધું પહેલેથી છેલ્લે સુધી રેકોર્ડ જ કરી લઇએ, જેથી છેલ્લી ઘડીએ કોઇ કડાકૂટ નહીં. આપણે સામે બેસીને જોવાનું જ રહે અને મંચ પર કોઇએ એક લીટીના એનાઉન્સમેન્ટ માટે પણ જવાની જરૂર નહીં.

એ તો અમારે જોઇતું હતું. એનાથી આશિષનું કામ વધી ગયું. પણ એ તૈયાર હતા. તેમણે, તેમના મિત્રોએ અને અશ્વિનીભાઇના પ્રેમીઓએ જે ઝડપે અને જે ગુણવત્તાથી અશ્વિનીભાઇની નવલકથાઓના અંશોનું વાચન કર્યું, તેનાથી આખો માહોલ બંધાઇ ગયો.  દિલ રેડીને વાચન કરનાર મિત્રો હતાઃ આશિષ કક્કડ, અર્ચન ત્રિવેદી, આરજે દેવકી, નિસર્ગ ત્રિવેદી, બિંદુ ઉપાધ્યાય-કડવે, આરજે અંકિત, અંશિની પરીખ અને નૈષધ પુરાણી. આ રેકોર્ડિંગ વિજય દરજીનિશીત મહેતાના સ્ટુડિયોમાં કર્યું. વિજયે નવલકથાના ટુકડાને અનુરૂપ સંગીતના ટુકડા ભારે જહેમતથી શોધીને કળાકારોના પઠનને ઓર ઉઠાવ આપ્યો. ઓડિયો સાથે વિઝ્યુઅલનું કામ સચિન દેસાઇએ કર્યું. લગભગ દોઢ કલાકની આખી ઓડિયો-વિડીયોનું કામ રવિવારની બપોર સુધી ચાલતું રહ્યું અને આશિષ કક્કડ સચિન દેસાઇ સાથે લગભગ દોડતાં દોડતાં બપોરે સાડા ત્રણે રંગમંડળ પર આવી પહોંચ્યા. ત્યાં કબીર ઠાકોર જરૂરી સહકાર અને સુવિધાઓ આપવા માટે તત્પર હતા. અશ્વિનીભાઇએ જે નાટકમાં બાળકલાકાર તરીકે કામ કર્યું હતું તે 'બિંદુનો કીકો' કબીરભાઇના પિતા અરુણ ઠાકોરે દિગ્દર્શીત કર્યું હતું. એ રીતે પણ રંગમંડળમાં 'આકંઠ અશ્વિની' યોજાય તેનું અલગ ઔચિત્ય હતું. હોલમાં બહારના સાઉન્ડને બદલે કિરણ ત્રિવેદી તેમની મ્યુઝિક સીસ્ટમ લાવ્યા હતા, તે ગોઠવાઇ.

મંગળ-બુધવાર પછી આયોજન પ્રમાણે કામ આગળ વધતું હતું ત્યારે અદભૂત આઇડીયા માટે જાણીતા પ્રણવ અધ્યારુએ કહ્યું કે અશ્વિનીભાઇનાં પોસ્ટકાર્ડ બનાવીએ તો? તેમાંથી વિચારે નક્કર સ્વરૂપ ધારણ કર્યું. કોઇ મિટિંગ નહીં, લાંબીપહોળી ચર્ચા નહીં. પ્રણવ રાયપુર, હું અમદાવાદથી રાજકોટની બસમાં, આશિષ કક્કડ સેટેલાઇટ, અપૂર્વ આશર સીજી રોડ અને કાર્ડનું કામકાજ આગળ વધવા માંડ્યું. સંજય વૈદ્ય અને વિવેક દેસાઇએ જુદા જુદા સમયે લીધેલી અશ્વિનીભાઇની તસવીરો ઉપરાંત અશ્વિનીભાઇના જૂના ફોટામાંથી બધું મળીને કુલ 13 ફોટા પસંદ કરાયા. તે દરેકની આગળ મુકવાનું અવતરણ પ્રણવે કાઢ્યું. પાછળના ભાગમાં તેમની તમામ કૃતિઓની યાદી. ડીઝાઇનની જવાબદારી અપૂર્વ આશરે સંભાળી લીધી.

રવિવારે સવારે અગિયારેક વાગ્યે 13 પોસ્ટકાર્ડની એક શીટ એવી 500 શીટ છપાઇને , કપાઇને પ્રણવના ઘરે આવી ગઇ (જેનો એક નમૂનો બ્લોગના આરંભે મૂક્યો છે). એટલે અમે- પ્રણવ, કેતન રૂપેરા, કિરણ કાપુરે અને હું તેના તેર-તેરના સેટ કરવા બેઠા, તે (જમવાના વિરામ સાથે) બપોરના દોઢ-બે વાગ્યા સુધી. ત્યાર પછી કટિંગ થયેલાં કાર્ડ લઇને અમે હોલ પર પહોંચ્યા- અને કાર્યક્રમ પછી અશ્વિનીભાઇની કાયમી યાદગીરી તરીકે કુટુંબદીઠ તેર કાર્ડનો એક સેટ અમે- અશ્વિની ભટ્ટના ચાહકોએ- વહેંચ્યો.

કાર્ડની પાછળ એ બનાવનારનાં નામ-ક્રેડિટ કશું ન હતું. બસ, એટલું જ લખ્યું હતું, 'આકંઠ અશ્વિની- ફેન્સ ઓફ અશ્વિની ભટ્ટ'.  આખા કાર્યક્રમમાં ઓડિયો-વિઝ્યુઅલમાં પોતાની વ્યાવસાયિક કુશળતા, સમય-શક્તિ આપનાર સૌ મિત્રોમાંથી કોઇએ પણ કેશ કે ક્રેડિટ - કશું લીધા વિના, કેવળ હૃદયના ભાવથી આખું કામ પાર પાડ્યું. એટલે સ્ટેજ પર માત્ર ને માત્ર અશ્વિની ભટ્ટ જ રહ્યા. નામ પૂરતું પણ બીજું કોઇ નહીં.

- અને આશિષ કક્કડના કંઠે અશ્વિનીભાઇના અંતીમ પ્રવચનના અંતીમ ફકરા સાથે કાર્યક્રમનું સમાપન થયું, પછી નાનકડા પોઝ સાથે 'જવાય છે હવે...ચા પીને જજો' એ અશ્વિનીભાઇનું ધ્રુવવાક્ય બોલાયું. ત્યાર પછી હોલમાં ઉપસ્થિત આશરે સવાસોથી દોઢસો લોકોમાં થોડી ક્ષણો માટે સ્તબ્ધતા પથરાઇ. અંધારું હતું. ધીમે ધીમે અજવાળું થયું. ત્યારે ખ્યાલ આવ્યો કે મોટા ભાગની આંખો ભીની હતી. ચહેરા ધીમે ધીમે સ્વસ્થ થઇ રહ્યા હતા. એક સાથે અશ્વિની ભટ્ટને પ્રત્યક્ષ મળ્યાનો આનંદ અને તેમને કાયમ માટે ગુમાવ્યાનો તીવ્ર અહેસાસ ઘણા લોકોએ અનુભવ્યાં હશે.

અમને તો એવો અનુભવ થયો જ. એ યાદગાર સમારંભની થોડી તસવીરો. (તસવીરકારઃ લંકેશ ચક્રવર્તી)

(ડાબેથી) કબીર ઠાકોર, સચિન દેસાઇ, આશિષ કક્કડ, કિરણ ત્રિવેદી
(ડાબેથી) રજનીકુમાર પંડ્યા, વિનોદ ભટ્ટ, ભોલાભાઇ ગોલીબાર, (અશ્વિનીભાઇના
ખાસ મિત્ર) પરિમલભાઇ તથા બે બનેવી (- અને હિમાંશુ યાજ્ઞિક)
(પાછળની હરોળોમાં) પ્રકાશ ન. શાહ, રતિલાલ બોરીસાગર,
ચંદ્રેશેખર વૈદ્ય, વી.રામાનુજ અને સિદ્ધાર્થ રામાનુજ

છેક જમણે અશ્વિનીભાઇનાં ત્રણ બહેન, છેક ડાબે અરુણ ઠાકોર
ખરા અર્થમાં 'આકંઠ અશ્વિની' 
કાર્યક્રમ પછીઃ (ડાબેથી) અશ્વિનીભાઇના પહેલા ધોરણસરના પ્રકાશક 'વોરા'ના
શિવજીભાઇ આશર, અપૂર્વ આશર, વિનોદ ભટ્ટ, ભોલાભાઇ ગોલીબાર
(ડાબેથી) ક્ષમા કટારિયા, પ્રકાશ ન. શાહ, અનિલ દેવપુરકર અને સ્વાતિ દેવપુરકર

(ડાબેથી) વિશાલ પટેલ અને ઇશાન ભાવસાર સાથે વિનોદભાઇઃ
'વહાલા, એક સેટથી મારે નહીં ચાલે' જેવી મુદ્રામાં
અશ્વિનીભાઇની યાદ ચા અને સીકેકે વિના અધૂરી જ ગણાય.
કાર્યક્રમ પછી એ બન્નેનો દૌર. 
છેલ્લે રહેલા મિત્રો પોસ્ટકાર્ડના વિમોચનની મુદ્રામાં: (ડાબેથી) મયુરિકા, બીરેન કોઠારી,
કબીર ઠાકોર, બિનીત મોદી, અંગીરસ-પ્રણવ અધ્યારુ, ઉર્વીશ, અભિમન્યુ મોદી, ધૈવત
ત્રિવેદી, અભિષેક શાહ, દિવ્યેશ ત્રિવેદી, લલિત ખંભાયતા, ઝીલી બુંદેલા, ક્ષમા કટારિયા

10 comments:

 1. ગુજરાતી સાહિત્યમાં કયા લેખક કેટલી કમાણી કરે છે તેની આંકડાકીય માહિતી 'ફોર્બ્સ' (એટલે કે પરિષદનું પરબ) માસિક બહાર પાડે ત્યારે ખરું. બાકી વાચકો - ચાહકોના નિર્વ્યાજ પ્રેમની બાબતમાં તો અશ્વિની ભટ્ટ જ અવ્વલ નંબરે રહેવાના.
  ગુજરાતી લેખકો વસિયતનામામાં હવે આ પ્રકારે સ્મરણાંજલિ સભાનું આયોજન કરવાની ઇચ્છા લખતા થાય તો નવાઈ નહીં.

  બિનીત મોદી (અમદાવાદ)

  ReplyDelete
 2. Anonymous10:48:00 PM

  આકંઠ અશ્વિની ભટ્ટ ના કાર્યક્રમની માહિતી આપતો તમારો sms મળ્યો અનિવાર્ય સંજોગોમાં ના આવી શક્યો પણ એ કાર્યક્રમ કેવો અદભૂત હશે તેની માહિતી તો આજના બ્લોગમાંથી મળીજ પરંતું તમે લોકોએ એ કાર્યક્રમ માટે કેટલી બધી મહેનત કરી હતી તે પણ જાણવા મળ્યું। કાશ અશ્વિનીભાઈ આ કાર્યક્રમમાં હાજર હોત તો !!!!!- અશ્વિની ભટ્ટ નો અનન્ય ચાહક અમિત શાહ -ઇસનપુર અમદાવાદ

  ReplyDelete
 3. કિરણભાઈ ઉર્વીશભાઈ અને અન્યો '
  જો શક્ય હોય અને વાંધો ના હોય તો આ અંજલિ ઓનલાઈન કરી દેવા જેવી છે ,
  અમારા જેવા ગેરહાજર ફેંસ ને પણ આકંઠ અશ્વિની નો લાભ મળી શકે

  ReplyDelete
 4. Anonymous1:52:00 AM

  Aa lakhan vanchvu e pan mara mate ek lahvo bani rahyo. Thank you, Urvishbhai!
  - Nikunj

  ReplyDelete
 5. @all friends: sure, we hope to put it online.

  ReplyDelete
 6. oh, grumbling on my own indifference for missing out on such a novel event, the In Memoriam event that was so meticulously and ingeniously planned and executed by the friends and lovers of a departed writer! i am sorry Ashwinibhai, rather i feel ashamed to disclose that i haven't read a word from your vast corpus; and had i attended this function, i would have at least got glimpses of your greatness.

  ReplyDelete
 7. ખુબ મજા આવી "જાગરણ કરાવતા લેખક" સાથે... :)

  ReplyDelete
 8. A wonderful tribute Urvish. All of you who came together for this ought to be commended for the thoughtfulness and the dignity with which this was put together. You have made the man you loved and admired very proud.

  ReplyDelete
 9. Veryy thoughtful gesture and commendable efforts.

  ReplyDelete
 10. મને તો પહેલી વખત ખબર પડી કે કોઈ મરણને બાદ મુક્તિ ઝંખતા માણસને આ રીતે પણ યાદ કરી શકાય.. અને કાયદેસર જીવતા કરી શકાય...

  ReplyDelete