Sunday, December 09, 2012

ઇન્ટરનેટ દ્વારા શિક્ષણમાં ‘સંપૂર્ણ ક્રાંતિ’ : આ સલમાનખાન શિક્ષણક્ષેત્રના ‘દબંગ’ છે?


ખાન એકેડેમી. નામ તો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા  અને રૂપિયાનાં ઝાડ ખંખેરતા કોઇ ખાનગી કોચિંગ ક્લાસ જેવું લાગે. પણ આ કોચિંગ ક્લાસ ઘણી રીતે વિશિષ્ટ છે. તેના કોચિંગમાં જીમેટ -જીઇઇ જેવી પરીક્ષાઓનો સમાવેશ થતો હોવા છતાં, ક્લાસનું મુખ્ય ઘ્યેય એ નથી.  વિદ્યાર્થીઓને તે કશા વાયદા કરતા નથી. હકીકતમાં, તેના વિદ્યાર્થીઓ કોણ છે એ પણ આ ક્લાસના સંચાલક જાણતા નથી. કારણ કે, આ ક્લાસ ઇન્ટરનેટ પર વિડીયો સ્વરૂપે ચાલે છે. http://www.khanacademy.org/

ખાન એકેડેમીના સલમાનખાન (‘સલમાનસર’) કોઇ પણ વિષયનો એક મુદ્દો પસંદ કરે છે, એ વિશે સામે બેઠેલા વિદ્યાર્થીઓ સમક્ષ વાત કરતા હોય એવા જ અંદાજમાં બોલે છે, સાથે ઇલેક્ટ્રોનિક બોર્ડ પર લખતા પણ જાય છે. કમ્પ્યુટરના સ્ક્રીન પર તેમની વિડીયો જોતા વિદ્યાર્થીઓને સરનો ચહેરો દેખાતો નથી. તેમને જોવા મળે છે માત્ર ઇલેક્ટ્રોનિક બ્લેકબોર્ડ પર આવતું લખાણ અને તેની સાથે રણકતો સલમાનખાન/ Salman Khan નો અવાજ.


ખાન ગોખણપટ્ટીના અંદાજમાં બોલી જતા નથી, પણ ખરેખર સામે બેઠેલા વિદ્યાર્થીઓને ભણાવતા હોય એવી રીતે મુદ્દો સમજાવે છે, વચ્ચે અટકે છે, વિચારે છે અને આગળ વધે છે. કોઇ પણ મુદ્દા અંગેની તેમની વિડીયો આઠ-દસ-બાર મિનીટથી લાંબી હોતી નથી. સલમાનખાનનું કામ જુદા જુદા વિષયોની આવી વિડીયો ‘તરતી’ મૂકવાનું છે. તેનો કોણ, કેવો, કેટલો ઉપયોગ કરશે એ ખાન જાણતા નથી. તેમનો પ્રયાસ સામાન્ય જ્ઞાનલક્ષી નહીં, પણ અભ્યાસક્રમલક્ષી અને વિદ્યાર્થીઓને કામ લાગે એવા મુદ્દાની વિડીયો મૂકવાનો હોય છે. સમજૂતીની સાથોસાથ પ્રેક્ટિસ માટે દાખલા અને સવાલો પણ આપવામાં આવે છે.

મોટે ભાગે મસ્તીમનોરંજન કે ટાઇમપાસ માટે વપરાતા ઇન્ટરનેટમાં અભ્યાસના માથાદુઃખણ વિષયો સાથે લમણાં લેવાનું કોને ગમે? આવી વિડીયો જોનારા મળી રહે? તેના જવાબમાં આંકડા બોલે છેઃ ખાને અત્યાર સુધીમાં તેમની સાઇટ પર ૩,૪૦૦ થી પણ વઘુ વિડીયો મૂકી છે. ‘ફોર્બ્સ’ (૧૯-૧૧-૨૦૧૨)ના અહેવાલ પ્રમાણે, છેલ્લા બે વર્ષમાં ૨૦ કરોડથી પણ વઘુ વખત ખાન્સ એકેડેમીના વિડીયો લોકોએ જોયા છે. દર મહિને ૬૦ લાખ ‘યુનિક’ (એકના એક નહીં, પણ જુદા જુદા) વિદ્યાર્થીઓ સાઇટની મુલાકાત લે છે. ખાન એકેડેમીની અભ્યાસલક્ષી વિડીયો સામગ્રી એક યા બીજા સ્વરૂપે વિશ્વભરમાં આશરે ૨૦ હજાર ક્લાસમાં ઉપયોગમાં લેવાય છે.

ખાન એકેડેમીની સાઇટ પર વિષયોને મુખ્ય આટલા ભાગમાં વહેંચવામાં આવ્યા છેઃ ગણિત, વિજ્ઞાન, કમ્પ્યુટર સાયન્સ, માનવવિદ્યાઓ, ફાયનાન્સ અને ઇકોનોમિક્સ તથા જુદી જુદી પ્રવેશપરીક્ષાઓની સામગ્રી. એમ.બી.એ. થયેલા અને અમેરિકાના મૂડીબજારમાં નોકરી કરી ચૂકેલા ખાને મોટા ભાગની (આશરે ત્રણેક હજાર) વિડીયો તૈયાર કરી છે. ભારતીય માતા અને બાંગલાદેશી પિતાના પુત્ર ખાને અમેરિકામાં તેમના ભારતીય મિત્ર શાંતનુ સિંહા સાથે મળીને  ખાન એકેડેમીની શરૂઆત સાવ નાના પાયે કરી હતી.

દૂર રહેતી પોતાની ભત્રીજીને ઇન્ટરનેટના માઘ્યમથી ભણાવતા ખાનને એક મિત્રે સૂઝાડ્યું કે આના કરતાં સમજૂતીનું વિડીયો રેકોર્ડિંગ કરીને યુટ્યુબ પર જ મૂકી દીઘું હોય તો? પરંતુ યુટ્યુબ પર પોતાની ભત્રીજીના લાભાર્થે મૂકેલી શૈક્ષણિક વિડીયોને મળેલા પ્રતિભાવ જોઇને ખાનને સોલો ચડ્યો. ૨૦૦૯માં તેમણે નોકરીધંધો છોડીને આ જ કામને મુખ્ય બનાવ્યું. ત્યાં સુધી એ લોકોની મદદ પર નભતું હતું, પણ ટૂંક સમયમાં સિલિકોન વેલીનાં મોટાં માથાં ખાન એકેડેમી વિશે જાણીને પ્રભાવિત થયાં. અમેરિકામાં ખાડે ગયેલા ભણતરની તેમને ચિંતા હતી. ખાનનો પ્રયોગ એ દિશામાં ક્રાંતિ સર્જી શકે છે એવું બિલ ગેટ્‌સ ઉપરાંત ગુગલ, નેટફિ્‌લક્સ જેવી કંપનીઓને લાગ્યું. બિલ ગેટ્‌સે કુલ મળીને ૫૫ લાખ ડોલર, ગૂગલે ૨૦ લાખ ડોલર અને નેટફિ્‌લક્સના રીડ હેસ્ટિંગ્સે ૩૦ લાખ ડોલર ખાન એકેડેમીને આપ્યા. આયરિશ માલેતુજાર શોન ઓ’સલિવને ૫૦ લાખ ડોલર કાઢી આપ્યા.(‘ટાઇમ’, ૯-૭-૨૦૧૨)

હવે ખાન માટે નાણાંનો પ્રશ્ન નથી, પણ શિક્ષણને વઘુમાં વઘુ લોકો સુધી પહોંચાડવાનું મહાકાર્ય તેમની સામે છે. ખાનની વિડીયો અંગ્રેજીમાં હોય છે, જે સ્વૈચ્છિક રીતે લોકો પોતપોતાની ભાષામાં તૈયાર કરી શકે છે. અત્યાર લગી બાંગ્લા અને ઉર્દુને બાદ કરતાં એક પણ ભારતીય ભાષામાં ખાનની શૈક્ષણિક વિડીયો ઉપલબ્ધ નથી. સાઇટ પર ગુજરાતી ઉપરાંત હિંદી અને કન્નડ સામગ્રી માટેના વિભાગ ખુલી ગયા છે, પણ અનુવાદ કરી આપનારા સ્વયંસેવકોના અભાવે ત્યાં કશી સામગ્રી જોવા મળતી નથી.

ખાન એકેડેમી અને ગયા સપ્તાહે જેની વાત કરી હતી તે, માસ ઓનલાઇન ઓપન કોર્સીસનો આરંભ ઉત્સાહપ્રેરક છે, પરંતુ તેની સામે પડકારો પણ ઓછા નથી. ખાન એકેડેમીની સફળતાના પગલે કેટલાકે ‘ફિ્‌લપ્ડ ક્લાસરૂમ’ (શિક્ષણપદ્ધતિનું શીર્ષાસન)નો વિચાર મૂક્યો હતો. સામાન્ય રીતે ક્લાસમાં વિદ્યાર્થીને નવો વિષય ભણાવાય અને ઘરે જઇને તે મહાવરાથી વિષય પાકો કરે. પરંતુ ખાન એકેડેમીની વિડીયો ઉપલબ્ધ હોય તો, પહેલાં વિદ્યાર્થી વિડીયો થકી નવો વિષય ઘરેથી જ સમજીને આવે અને એમાં કોઇ મુશ્કેલી પડી હોય તો એ ક્લાસમાં શિક્ષક દૂર કરે. આવા વિચારનો પરંપરાગત  શિક્ષણ સાથે સંકળાયેલા ઘણા લોકોએ વિરોધ કર્યો છે. તેમને લાગે છે કે વિદ્યાર્થી-શિક્ષક એકબીજાની સામે ન હોય, ત્યાં સુધી શિક્ષણમાં ભલી વાર ન આવે.

ઓનલાઇન શીખવાતા અભ્યાસક્રમોનો લાભ કોઇ પણ લઇ શકે, એવું મોડેલ અત્યારે વિકસી રહ્યું છે. તેના લીધે અભ્યાસક્રમમાં પ્રવેશ માટે કોઇ ગળણું રહેતું નથી અને અભ્યાસક્રમના અંતે પરીક્ષા લઇને, વિદ્યાર્થીની આવડત નક્કી કરવાની વિશ્વસનીય પદ્ધતિ હજુ ઉભી થઇ નથી. અત્યારે લેવાતી ઓનલાઇન પરીક્ષાઓ જુદી વાત છે. અહીં તો  કોર્સના અંતે હજારો-લાખો લોકોની પરીક્ષા લઇને તેમને ગ્રેડ કે પ્રમાણપત્ર આપવાનો મામલો છે. વિવિધ વિદ્યાર્થીઓની ગુણવત્તા નક્કી ન કરી શકાય અને સેંકડો લોકો હાર્વર્ડ-એમઆઇટીના ઓનલાઇન કોર્સનાં પ્રમાણપત્રો લઇને ફરતા થઇ જાય, તો એવાં પ્રમાણપત્રોનું મૂલ્ય કેટલું રહે એ પણ મોટો સવાલ.

ઓનલાઇન શિક્ષણમાં છેવટે ભાર ‘ઓનલાઇન’ પર નહીં, ‘શિક્ષણ’ પર છે, એ યાદ રાખવું પડે.  કોઇ પણ કોર્સ ઓનલાઇન હોવાથી તેની ગુણવત્તાની ખાતરી મળી જતી નથી. આ માઘ્યમથી જે શીખવવામાં આવે તેની વિશ્વસનીયતા અને ખરાઇ સૌથી મહત્ત્વનો મુદ્દો છે. કેટલાક શિક્ષકોએ ખાન એકેડેમીની અમુક વિડીયોમાંથી ટેકનિકલ ભૂલો શોધી કાઢી છે. અલબત્ત, એ ભૂલો આખા મોડેલને નકામું કે ખોટું ઠરાવે એવી નથી. ફ્રી ઓનલાઇન માસ કોર્સીસમાંથી ખોડ કાઢતી વખતે એ પણ વિચારવું પડે કે અત્યારે મોંઘીદાટ ફી વસૂલતી શાળા-કોલેજો વિદ્યાર્થીને શું બંધાવી આપે છે.

વિદ્યાર્થીઓ માટે સસ્તા ભાવે ટેબ્લેટ ઉપલબ્ધ બને અને સારા શિક્ષકોની મદદથી, પણ શાળાઓની મોહતાજી રાખ્યા વિના ઇન્ટરનેટના માઘ્યમથી તેમના સુધી શિક્ષણ પહોંચાડી શકાય, તો એ બેશક ક્રાંતિકારી નીવડે. એવું ન થાય અને વર્તમાન માળખામાં વધારાના ઉપકરણ તરીકે  વિડીયો શિક્ષણ ભળી જાય, તો પણ વિદ્યાર્થીઓને ફાયદો જ ફાયદો છે. અત્યારે આ દિશામાં ચાલતી ગતિવિધિ જોતાં, પાંચ વર્ષ પછી શિક્ષણજગતનું ચિત્ર પૂરેપૂરું નહીં તો થોડુંઘણું બદલાયેલું- અને સુધરેલું- જોવાની અપેક્ષા રાખી શકાય.

3 comments:

 1. 'ફ્રી ઓનલાઇન માસ કોર્સીસમાંથી ખોડ કાઢતી વખતે એ પણ વિચારવું પડે કે અત્યારે મોંઘીદાટ ફી વસૂલતી શાળા-કોલેજો વિદ્યાર્થીને શું બંધાવી આપે છે.'
  100% Agreed. Nice Article with information. Thanks Urvishbhai.

  ReplyDelete
 2. સરસ લેખ...

  ReplyDelete
 3. A good example of delivering....with capacity one own.

  Jabir

  ReplyDelete