Sunday, December 30, 2012

સચિનઃ ક્રિકેટજગતના ‘સુપરમેન’નું ફ્‌લેશબેક

ઓક્ટોબર 23- નવેમ્બર 3, 1990
ધ ઇલસ્ટ્રેટેડ વિકલી ઓફ ઇન્ડિયાનું કવર

સચિન તેંડુલકર એટલે ક્રિકેટજગતની સૌથી મોટી બ્રાન્ડ? સચિન એટલે ક્રિકેટનો દેવતા? સચિન એટલે રેકોર્ડનો ભંડાર? સચિન  એટલે જાહેરખબરોનો ખડકલો? સચિન એટલે સફળતાનો પર્યાય? સચિન એટલે...

ગયા સપ્તાહે વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તીની જાહેરાત કરનાર સચિનમાં હવે એટલાં તત્ત્વોનું મિશ્રણ થઇ ગયું છે કે કયા સચિનની વાત થાય છે, તે નક્કી કરવું અઘરૂં પડે. સમયની તાસીર ઘ્યાનમાં રાખતાં બને છે એવું કે મોટે ભાગે જે ગુણગાન, ભક્તિભાવ અને પૂજાઆરતી થાય છે, તે સચિનની સફળતા, પ્રસિદ્ધિ અને સમૃદ્ધિના લાભાર્થે હોય છે. ક્રિકેટમાં અને ભારતમાં માત્ર ને માત્ર મઘ્યાહ્‌નના સુરજને પૂજવાનો રીવાજ છે. ઉગતા ને આથમતા સૂર્યો તરફ જોવાની ભાગ્યે જ કોઇને ફુરસદ હોય છે. તેનો પરચો છેલ્લા થોડા સમયથી થઇ રહેલી સચિનની બેફામ અને બેજવાબદાર ટીકાઓ પરથી મળી રહેશે. ‘સચિન મહાન હોય તો એના ઘરનો. ફેસબુક પર તો અમને વધારે ખબર પડે.’ આવો અભિગમ કોઇ પણ મુદ્દે જોવા મળતો હોય, તો સચિન પણ તેમાંથી શી રીતે બચી શકે?

બે દાયકાથી પણ વઘુ સમય સુધી ભારતીય ક્રિકેટજગતમાં ટોચનું સ્થાન ટકાવી રાખવું કેટલું અઘરું છે, તે સૌ ક્રિકેટપ્રેમીઓ જાણે છે. આ સિદ્ધિ મેળવનાર સચિનની વન ડે-વિદાય નિમિત્તે તેમના વિક્રમોની કે જાહેરખબરોની કમાણીની કે દેવતાઇ દરજ્જાની વાત માંડવાને બદલે, સચિનના આરંભિક સંઘર્ષ, નિષ્ઠા, પરિશ્રમની વાતો યાદ કરવા જેવી લાગે છે. એના વિના સચિનનાં સિદ્ધિ-સફળતા બીજી કોઇ પણ ‘સેલિબ્રિટી’ જેવાં લાગી શકે છે. સચિનને ‘જિનિયસ’ કહીને આગળ વધી જવાનું બહુ સહેલું છે, પણ ભલભલા જન્મજાત પ્રતિભાશાળીઓ ચોટલી બાંધીને મહેનત ન કરે અને થોડી સફળતા મળે એ સાથે જ ઉડવા માંડે, તો એમની પ્રતિભા ઠેરની ઠેર રહી જાય છે.

એપ્રિલ 1990ના 'વિકલી'ના અંકમાં 'માય આર્ટ'
વિભાગમાં છપાયેલી સચિનની તસવીર
ત્રણ ભાઇ અને એક બહેનના પરિવારમાં સચિન એટલો નસીબદાર કે તેનાથી દસ વર્ષ મોટા અને પોતે ક્રિકેટર નહીં બની શકેલા ભાઇ અજિતનો મજબૂત સધિયારો અને માર્ગદર્શન મળ્યાં. મઘ્યમ વર્ગીય પરિવાર. પિતા અઘ્યાપક. માતા નોકરિયાત. મોટાં ભાઇ-બહેન પાસે ઉછરવાનું. અજિત તેંડુલકરને ભણતર અને ક્રિકેટમાંથી એકની પસંદગી કરવાની આવી ત્યારે ક્રિકેટમાં કારકિર્દી બને કે કેમ એવી શંકાઓ હતી, પણ દસ વર્ષ પછી સચિનનો વારો આવ્યો ત્યારે ફક્ત ભાઇ જ નહીં, માતાપિતા પણ ક્રિકેટની કારકિર્દીની તરફેણમાં હતાં.

પરંતુ ભારતમાં ક્રિકેટની કારકિર્દી એટલે ખાવાના ખેલ છે? અન્ડર-૧૫, અન્ડર-૧૭, અન્ડર-૧૯, રણજીટ્રોફી અને ત્યાર પછી ચુનંદા લોકો ટેસ્ટ મેચની ટીમ સુધી પહોંચી શકે. ત્યાં પહોંચ્યા પછી પણ નોકરીઓ તો ટીચવી જ પડે- ભલે ત્યાં હાજરી ભરવામાંથી છૂટછાટ મળતી હોય. ટેસ્ટ ટીમમાં સામેલ થયા પછી રમવાની તક મળે અને તેમાં આવડતનો પરચો બતાવ્યા પછી કાયમી સ્થાન મળે ત્યાં સુધીના ‘જો’ અને ‘તો’ રસ્તામાં પથરાયેલા હોય. પણ શેરીમાં બાળકો સાથે રમતા ભાઇ સચિનને જોઇને અજિતને થયું કે તેનામાં ક્રિકેટર બનવાનાં પૂરાં લક્ષણ છે. ભારતમાં - અને મુંબઇમાં તો વિશેષ- એ સમયે સુનિલ ગાવસ્કરનો દબદબો હતો. ક્રિકેટ રમતાં બધાં છોકરાંને ‘લીટલ માસ્ટર’ બનવું હોય, પણ એંસીના દાયકામાં ધીમે ધીમે ક્રિકેટની જૂની ઢબમાંથી ઉત્ક્રાંતિ આવી રહી હતી. પાંચ દિવસની ટેસ્ટ મેચની સાથોસાથ ૫૦ ઓવરની વન ડે ક્રિકેટ પ્રચંડ લોકપ્રિયતા મેળવી રહી હતી. ઔપચારિક તાલીમ માટે અજિતે જાણીતા કોચ રમાકાંત આચરેકરનો સંપર્ક કર્યો. આચરેકર શિવાજી પાર્કના મેદાનમાં છોકરાઓને તાલીમ આપતા હતા. તેમણે પૂછ્‌યું, ‘સીઝન બોલથી રમ્યો છે?’ અજિતે એ તાલીમ ભાઇને નાનપણથી આપવાનું શરૂ કરી દીઘું હતું. એટલે, આચરેકરના ક્લાસમાં સચિનને પ્રવેશ મળી ગયો.

ક્રિકેટર બનતાં પહેલાં સચિનને ટેનીસનો જબરો શોખ હતો. જોન મેકેન્રો તેનો પ્રિય ખેલાડી. એની જેમ સચિન પણ માથે પટ્ટી બાંધતો હતો. પણ ટેનિસ મુખ્યત્વે અમીરોની રમત. એના માટેની સાધનસુવિધાઓ તેંડુલકર પરિવારની પહોંચની બહાર હતી. એટલે સચિનનું સંપૂર્ણ ઘ્યાન ક્રિકેટ તરફ કેન્દ્રિત થયું. થોડા દિવસ સુધી તેની રમત જોયા પછી આચરેકરે સચિનના ઘરે ફોન કરીને કહ્યું,‘તમે એને ખરેખર ક્રિકેટર બનાવવા ઇચ્છતા હો તો શારદાશ્રમ હાઇસ્કૂલમાં મૂકો.’ એ સ્કૂલમાં આચરેકર સત્તાવાર કોચ હતા. ત્યાં પહોંચવું હોય તો બાંદ્રા રહેતા સચિને બે બસ બદલવી પડે.  માંડ ૧૧ વર્ષના બાળકને આવી રીતે એકલો અને તે પણ મુંબઇમાં શી રીતે મોકલાય? એટલે સવારે પિતા તેને સાથે લઇ જાય અને વળતાં પરિવારમાંથી બીજું કોઇ સચિનને લઇ આવે. આખો દહાડો રમવાનું, ભણવાનું અને બસમાં મુસાફરી. એટલે સાંજ પડ્યે ૧૧ વર્ષનું ટાબરિયું લોથ થઇ જાય. થોડા દિવસ પછી બસમાં અપ-ડાઉન આકરું લાગતાં, શિવાજી પાર્કમાં રહેતા કાકાને ત્યાં સચિને મુકામ કર્યો.

અપ-ડાઉનની મહેનત બચી, પણ મેદાન પર આચરેકર જરાય દયામાયા ન રાખે. વેકેશનમાં પણ સવારે ૭ વાગ્યામાં નેટ પ્રેક્ટિસ માટે પહોંચી જવાનું. બે કલાક પ્રેક્ટિસ પછી એક કલાકનો વિરામ. ૧૦ વાગ્યાથી પ્રેક્ટિસ મેચ શરૂ થાય. સાંજે ૫ વાગ્યાથી ફરી બે કલાકની નેટ પ્રેક્ટિસ. લગભગ બે મહિનાના વેકેશનમાં સચિને હોંશે હોંશે આ  મહેનત કરી. આચરેકરનો પ્રેક્ટિસ માટેનો આગ્રહ અને સચિનની સ્વયંશિસ્ત- એ બન્નેના મિશ્રણમાંથી એવું રસાયણ પેદા થયું કે સફળતાની ટોચે પહોંચ્યા પછી પણ સચિને કદી પ્રેક્ટિસમાં ગાફેલિયત ન રાખી.

છોકરાઓનું સારી પેઠે તેલ કાઢી નાખ્યા પછી પણ આચરેકર પાસે તેમને આપવા માટે કોઇ ખાતરી ન હતી. અજિત તેંડુલકરને તેમણે કહ્યું હતું, ‘હું એને શક્ય એટલી બધી મદદ કરીશ, પણ તકદીર અને રાજકારણ સામે હું કંઇ જ નહીં કરી શકું.’ ૧૯૮૮માં આચરેકરના બન્ને શિષ્યો સચિન અને વિનોદ કાંબલીએ હેરીસ શિલ્ડની સ્કૂલ ટુર્નામેન્ટમાં ત્રેવડી સદી ફટકારીને ૬૬૪ રનની વિક્રમસર્જક ભાગીદારી નોંધાવી. અન્ડર-૧૫ ટીમ, રણજી ટ્રોફી..એમ સચિન તેંડુલકર માટે આગળના રસ્તા ખુલવા લાગ્યા. સચિનની શારદાશ્રમ હાઇસ્કૂલની મેચ હોય ત્યારે બીજા સિનિયર ખેલાડીઓ પણ જોવા આવવા લાગ્યા. તેની રમત જોઇને સુનિલ ગાવસ્કર સાથે તેની સરખામણી પણ થવા લાગી.

કાંબલી, માંજરેકર, તેંડુલકરઃ આ તસવીર વિશે માંજરેકરે કહ્યું હતું, 'ફેર એન્ડ લવલી'
ની જાહેરખબરની જેમ ઉઘડતા વાનના ક્રમમાં બધા ઉભા છીએ 
ભારતની ટીમ ૧૯૮૭માં પાકિસ્તાનના પ્રવાસે ગઇ, ત્યારે ઉંમરની રીતે અન્ડર-૧૭માં સ્થાન પામે એવા સચિનને ટેસ્ટ ટીમમાં સમાવવામાં આવ્યો. પાકિસ્તાનની ટીમમાં ત્યારે ઇમરાનખાન, વસીમ અકરમ, વકાર યુનુસ જેવા કાતિલ ફાસ્ટ બોલર અને અબ્દુલ કાદીર જેવા શ્રેષ્ઠ લેગસ્પિનર હતા. તેમની સામે તેંડુલકર સાવ વામનજી લાગે. કરાચીમાં રમાયેલી મેચમાં તો પ્રેક્ષકો પૂંઠાં પર ચીતરી લાવ્યા હતા, ‘ગો બેક હોમ ટુ મધર, કિડ’ (બાબા, જા ઘરે મમ્મી જોડે જતો રહે). પરંતુ એ જ સિરીઝમાં ‘બાબા’એ બતાવી આપ્યું કે ક્રિકેટમાં તેનું કદ ‘બાબા’ જેવું નહીં,‘દાદા’ જેવું છે. એ સિરીઝની એક ટેસ્ટમાં વકાર યુનુસનો એક બાઉન્સર નાકે ટીચાયા પછી લોહીલુહાણ થયા પછી સચિન હિંમત ન હાર્યો. ઊલટું, તેનામાં પોતાની રમત માટેનું ઝનૂન પેદા થયું અને પ્રાથમિક સારવાર પછી તેણે બેટિંગ ચાલુ રાખીને વકારની બોલિંગમાં ઉત્તમ ફટકા માર્યા. એવી જ રીતે, અબ્દુલ કાદીરની છેતરામણી સ્પિન બોલિંગમાં છગ્ગા પર છગ્ગા ફટકારીને તેણે કાદીરની એનાલિસિસ બગાડી નાખી. કાદીરે પછીથી સચિનની પ્રશંસા કરતાં કહ્યું હતું, ‘આ છોકરો અલગ છે. એ ગાવસ્કર કે વેંગસરકર કે અમરનાથ નથી. એ એન્ટરટેઇનર છે- રોહન કન્હાઇ જેવો.’

તેંડુલકરના આદર્શ હતા ગાવસ્કર અને વેસ્ટ ઇન્ડિઝના વિવિયન રિચાર્ડ્‌સ. ગાવસ્કરના પ્રિય ખેલાડી હતા વેસ્ટ ઇન્ડિઝના રોહન કન્હાઇ, જેમના નામ પરથી ગાવસ્કરે પોતાના પુત્રનું નામ રોહન પાડ્યું. - અને કાદીર સચિનને રોહન કન્હાઇ સાથે સરખાવી રહ્યા હતા. આગળ જતાં વિક્રમો અને મહાનતાને કારણે સચિનની સરખામણી ડોન બ્રેડમેન સાથે થવા લાગી. અગાઉના- છેક ગાવસ્કર સુધીના- મહાન ખેલાડીઓ અને સચિન વચ્ચેનો સૌથી મોટો તફાવત ક્રિકેટના બદલાઇ રહેલા સ્વરૂપનો અને એ દરેકમાં સચિનની મહારતનો હતો. પહેલી વાર સચિનની ટેસ્ટ ટીમમાં પસંદગી થઇ ત્યારે કમિટીના ચેરમેન એવા રાજસિંઘ ડુંગરપુરે સચિનની રમતમાં ટેલેન્ટ, ટેમ્પરામેન્ટ અને ટેક્‌નિક ત્રણેનો સમન્વય જોયો હતો. તેંડુલકરની સૌથી મોટી ખૂબીઓમાંની એક એ હતી કે તે વન-ડેના આક્રમણ જેટલી જ સહેલાઇથી ટેસ્ટ મેચની ‘ક્લાસિક’ રમત રમી શકતા અને એનાથી પણ મોટી સિદ્ધિ એ હતી કે ક્રિકેટની દુનિયામાં સર્વોચ્ચ દરજ્જો પામ્યા પછી પણ, તેની હવા કદી તેમના વર્તન કે રમતમાં જોવા મળી નહીં.

ભારતીય ક્રિકેટમાં ૧૯૯૦થી ૨૦૧૦ સુધીના બે દાયકા નિર્વિવાદપણે ‘સચિન તેંડુલકર- યુગ’ તરીકે ઓળખાશે.

3 comments:

  1. સૌથી અલગ અને સુંદર લેખ...
    આભાર

    ReplyDelete
  2. Very nice. Sometimes, it's much better to step back and look at where everything starts from. This was a lovely perspective and that Kambli / Manjrekar / Tendular pose is quite a find.

    ReplyDelete
  3. આહા....
    રસાળ.. અભ્યાસપૂર્ણ.. માહિતીપ્રદ.. અને સચોટ..

    ReplyDelete