Tuesday, January 01, 2013

કેટલીક પુરૂષપ્રધાન ગેરમાન્યતાઓ


આંતરરાષ્ટ્રિય ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર અને વડીલ મિત્ર વૃંદાવન
સોલંકી/ Vrundavan Solankiએ વર્તમાન ઘટનાક્રમ વિશે કરેલું ચિત્ર.
બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્રો માટે પંકાયેલા વૃંદાવનભાઇએ આ ચિત્રમાં
ભારતના નકશાના આકારમાં મુક્લો તિરંગો, ખરેખર રંગનો જરૂરી
અને સચોટ ઉપયોગ જણાય છે
‘પુરૂષપ્રધાન’ જેવો શબ્દ વાંચીને ભડકનારા ભાઇઓ-બહેનોના લાભાર્થે પહેલી ચોખવટઃ આ લેખ ‘નારીવાદી’ નહીં, પણ ‘માણસવાદી’ છે.

બીજી અગત્યની સ્પષ્ટતાઃ ફક્ત પુરૂષો જ પુરૂષપ્રધાન માનસિકતા ધરાવતા હોય, એવું માની લેવું નહીં. લોખંડી સકંજા જેવી પુરૂષપ્રધાન સમાજવ્યવસ્થાના લાંબા ઇતિહાસને, ઘણી સ્ત્રીઓ પણ પુરૂષપ્રધાન માનસિકતાથી વિચારતી થઇ ગઇ છે.

આ ચર્ચા છેડવા માટે દિલ્હીમાં થયેલા સામુહિક અત્યાચાર જેવા બનાવની રાહ જોવી પડે, એ પહેલી કરૂણતા છે. આશ્વાસન એટલું કે ક્યારેક તો જાગ્યા. બીક એ છે કે આ જાગૃતિ કેટલું ટકશે? એ ‘સ્મશાન-જાગૃતિ’ તો પુરવાર નહીં થાય? અને પાકી આશંકા એ છે કે આપણે ખરેખર જાગ્યા છીએ ખરા? અત્યાચારી માટે ફાંસીની સજા કે ખસીકરણની માગણી કરવી, એ જ આપણો ન્યાયનો અને સ્ત્રીગૌરવનો ખ્યાલ છે? બનાવ પછી કેવળ અત્યાચારીને જ સજા આપવાપણું છે? આપણે, પુરૂષપ્રધાન સમાજનાં સ્ત્રીપુરૂષો, સદંતર નિર્દોષ છીએ? કે થોડીઘણી જવાબદારી આપણા માથે પણ આવે છે?

આ અણીયાળા સવાલોના જવાબ, પુરૂષપ્રધાન સમાજની કેટલીક (ગેર)માન્યતાઓમાં ઊંડા ઉતરીશું એમ મળતા જશે.

ગેરમાન્યતા ૧: સ્ત્રી તો સમાજનું ઘરેણું છે. તેને સાચવી-સંતાડીને રાખવી જોઇએ

સાંભળવામાં બહુ ગળચટ્ટી અને ભવ્ય લાગે એવી વાત છે. હજી એનાથી બે-ચાર પગથિયાં ઉપર જવું હોય તો ‘જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે’ એ શ્વ્લોક ફટકારી શકાય અને ભારતવર્ષમાં આદિકાળથી નારીચરિત્રનો કેવો મહિમા છે તેની કથાઓ માંડી શકાય છે. પરંતુ નારીનો બધો મહિમા કરી લીધા પછી, તેમને પૂજનીય જાહેર કરી લીધા પછી, તેમની સાથે કરવાનું શું?

બસ, એ જ જે ‘પૂજનીય’ ચીજો સાથે કરવામાં આવે છે. મૂર્તિને શું કરાય? તેની પૂજા-અર્ચના થાય, શણગાર કરાય, રોજેરોજ નવા-નવા વાઘા પહેરાવાય, પણ તેણે આ બધાને લાયક બનવું હોય તો કઇ રસ્તા પર થોડા હાલી નીકળાય? મર્યાદામાં-માપમાં રહેવું પડે, પોતાના સ્થાનકની બહાર પગ ન મુકાય, પોતાની ‘પવિત્રતા’ જાળવી રાખવી પડે, કોનાથી સ્પર્શાય અને કોનાથી ન સ્પર્શાય તેના કડક નિયમો અને વિધિવિધાનો પાળવાં પડે. ટૂંકમાં, પૂજાવું હોય તો માણસની જેમ જિંદગી ન જીવાય. પથ્થર બનીને રહેવું પડે.

સ્ત્રીને પૂજનીય ગણવા અંગે જોરશોરથી વાતો કરનારામાંથી ઘણા લોકો સ્ત્રી પાસે પથ્થરની મૂર્તિ જેવી જ અપેક્ષાઓ રાખતા નથી? તેમને સમાજનું ઘરેણું કે ઝવેરાત ગણીને તિજોરીમાં બંધ રાખવાની હિમાયત કરનારાને એટલો સાદો વિચાર નહીં આવતો હોય કે સ્ત્રી નિર્જીવ જણસ નહીં, જીવતોજાગતા માનવમનની આસપાસ રચાયેલું માનવશરીર છે? તેને પૂજનીયતા તો ઠીક, સલામતી ખાતર પણ બંધનમાં રાખવાનું સૂચવવું, એ તેની પૂજનીયતાનો સ્વીકાર નહીં, તેને નિર્જીવ જણસ ગણવાનું સૂચન છે?

ગેરમાન્યતા-૨: સ્ત્રીઓએ અમુક સમય પછી ઘરની બહાર નીકળવું જ ન જોઇએ. જાણીને જોખમ લેવાની શી જરૂર?

આ દલીલમાં ફક્ત તમાશબીન પુરૂષો કે પુરૂષપ્રધાન સમાજને આત્મસાત્‌ કરી ચૂકેલી સ્ત્રીઓ જ નહીં, જાતિવિહીન એવું સરકારી તંત્ર પણ વિશ્વાસ ધરાવે છે. એટલે, અત્યાચારના કિસ્સા ચગે તેની સાથે જ, સાંજ પછી સ્ત્રીઓના હરવાફરવા પર અથવા એ પ્રકારની અવરજવરને ઉત્તેજન આપતાં સ્થળો પર પોલીસની ધોંસ ઉતરે છે.

સ્ત્રીઓ સાંજે બહાર નીકળે તો તેમની એકલતાનો ગેરલાભ લેવાવાનો પ્રશ્ન ઊભો થાય ને? એને બદલે એવું દબાણ ઊભું કરો કે સ્ત્રીઓ અંધારું થયા પછી બહાર જ ન નીકળે. (ધોળા દિવસે થતા અત્યાચારો કે છેડછાડ વિશે પછી જોઇ લઇશું.) અત્યારે અંધારું, એકલતા અને ગેરલાભ જેવા શબ્દોના ઓળા નચાવીને સ્ત્રીઓને ભયભીત કરો, જેથી તે ગમે તે સમયે નિર્ભયતાથી હરીફરી શકે એવું વાતાવરણ પેદા કરવાની કડાકૂટ બચી જાય. ત્યાર પછી પણ કોઇ સ્ત્રી મોડેથી બહાર નીકળે અને ફરિયાદ કરવા આવે તો સૌથી પહેલાં ઠપકો એને જ આપી શકાય કે, અત્યારે બહાર નીકળવાની શી જરૂર હતી?

ગેરમાન્યતા ૩: પુરૂષોને પણ શરમ આવે એવાં કપડાં પહેરે, પછી બીજું શું થાય? 

સ્ત્રી પર અત્યાચાર વિશેની વાત ચાલતી હોય ત્યારે બીજું કંઇ પણ જાણ્યા વિના, ઉપરની દલીલ કરીને ચર્ચામાં ભારપૂર્વક સામેલ થઇ શકાય છે અને બહુ મોટું સામાજિક સત્ય શોધી કાઢ્‌યાનો સંતોષ પણ લઇ શકાય છે.

આ વિધાન પાયામાંથી ખોટું છે. કારણ કે તેમાં પુરૂષમાં રહેલી મૂળભૂત વૃત્તિનો ધરાર અસ્વીકાર કરીને, દોષનો આખો ટોપલો સ્ત્રીઓના માથે ઢોળવાની વાત છે.

મેરિલીન મનરોના નામે ચડેલો એક કિસ્સો એવો છે કે એક વાર મનરો ફક્ત-હા, ફક્ત- સ્લીપર પહેરીને બહાર ફરવા નીકળ્યાં ત્યારે લોકો તેમના પગ ભણી ટીકી ટીકીને જોઇ રહ્યા હતા. આ વાત સાચી છે કે નહીં એ ગાૌણ છે. પણ તેમાં સૂચવાયેલી માનસિકતા એકદમ સચોટ છે. જાડા સાધારણીકરણ પ્રમાણે જેને પુરૂષવૃત્તિ કહી શકાય એ માનસિકતા એવી છે કે તેને ઉત્તેજન માટેનું બહાનું જ જોઇતું હોય છે.  સ્ત્રીનાં વસ્ત્રો સાથે તેનો સંબંધ સાવ ઓછો સંબંધ હોય છે અથવા તો પુરૂષ માનસિકતાને ઉત્તેજતાં પરિબળોમાં સ્ત્રીનો પોશાક બહુ પછીના ક્રમે આવે છે - અને તે બહુ ઓછા પ્રમાણમાં કારણભૂત હોય છે.

એવું ન હોત તો શહેરી વિસ્તારોમાં, લંબાઇ કે ટૂંકાઇની પરવા કર્યા વિના પોતાને મનગમતાં-અનુકૂળ વસ્ત્રો પહેરીને ફરતી સ્ત્રીઓની સલામતી જ ન હોત. પરંતુ આપણે જાણીએ છીએ કે એ સાચું નથી. બીજી તરફ સ્ત્રીની છેડતી કે તેનાથી વઘુ આગળ વધનારા લોકો માટે વસ્ત્રો ઘણે ભાગે ગૌણ હોય છે. તેમની ‘ઉશ્કેરણી’ માટે સ્ત્રીદેહ જ સૌથી મોટો ભાગ ભજવે છે.

એટલે, ‘સ્ત્રીઓનાં વસ્ત્રોથી પુરૂષોની વૃત્તિઓ ઉશ્કેરાય છે અને તે અત્યાચાર કરવા પ્રેરાય છે’ એવું જો કહેવું હોય, તો એ વિધાનનો થોડોક જ તર્કવિસ્તાર કરીને કહી શકાય કે ‘ખરેખર તો સ્ત્રીઓના દેહથી જ પુરૂષની વૃત્તિઓ ઉશ્કેરાય છે અને તે અત્યાચાર કરવા પ્રેરાય છે. એટલે ખરો વાંક પુરૂષો કરતાં પણ વધારે સ્ત્રીઓનો છે કે તે આવો દેહ લઇને જન્મી.’

આ દલીલ હાસ્યાસ્પદ કે વાહિયાત લાગે તો સારી વાત છે. બાકી, ઘણા નમૂના એવા પણ હશે જે આવી દલીલ ગંભીરતાપૂર્વક કરતા હશે.

ગેરમાન્યતા ૪: એ તો છે જ એવી

સ્ત્રીઓ વિશે પ્રમાણપત્રો ફાડવા સરેરાશ પુરૂષોને કે પુરૂષપ્રધાન સમાજના પૂરજા જેવી સ્ત્રીઓને ઘણી વાર કાચી સેકંડ પણ લાગતી નથી.‘એ તો છે જ એવી’ અથવા સાવ દેશી ભાષામાં જેને ‘લૂઝ કેરેક્ટરની’ કહેવામાં આવે, એવી સ્ત્રીઓની ટીકા કરનારા પુરૂષોમાં મોટે ભાગે પોતે રહી ગયાનો ભાવ વધારે કામ કરતો હોય છે- અને એવી ટીકા કરતી સ્ત્રીઓ ‘બીજું જે હોય તે, પણ આ બાબતમાં આપણે  કેટલાં ચડિયાતાં છીએ’ એવો સંતોષ લે છે. કેટલીક ટીકાકાર સ્ત્રીઓ પોતે જે કરવા ઇચ્છે છે, પણ નથી કરી શકતી તેની કસર, ‘મુક્ત વર્તણૂંક’ ધરાવતી સ્ત્રીઓની ટીકા દ્વારા પૂરી કરે છે.

‘એ તો છે જ એવી’ એ વાક્યનો સૌથી ખતરનાક સૂચિતાર્થ એ છે કે તેને આટલા પુરૂષમિત્રો હોય કે છોકરાઓ સાથે તે આટલી હળતીભળતી હોય, તો પછી એની પર અત્યાચાર થાય તેમાં હાયવોય શાની? આ ‘સમજણ’ ભયંકર છે. કારણ કે, તેમાં સ્ત્રીના સ્વતંત્ર વ્યક્તિત્વને અને તેની મરજી-નામરજીને સદંતર નજરઅંદાજ કરવામાં આવે છે. પુરૂષો સાથે અંગત કે વ્યાવસાયિક સંબંધ ધરાવતી સ્ત્રી ઉપર પણ અત્યાચાર કરવાનો અધિકાર કોઇને નથી- ન હોઇ શકે, એટલું સાદું સત્ય ભૂલી જવામાં આવે છે.

ગેરમાન્યતા ૫: સર્વસ્વનો સવાલ છે

એ ખરું કે જાતીય અત્યાચારની શારીરિક ઉપરાંત માનસિક અસરો પણ ઊંડી હોય છે. છતાં, માનસિક ઘા માટેનાં કેટલાંક મુખ્ય કારણોમાંનુ એક છેઃ અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રીનું ‘સર્વસ્વ’ લૂંટાઇ ગયાની પુરૂષપ્રધાન માન્યતા- અને અત્યાચાર કરનારને બદલે ભોગ બનનારની થતી બદનામી.

સ્ત્રીનું ‘સર્વસ્વ’ સોફ્‌ટ ડ્રિન્કની બોટલમાં ભરેલો કાર્બન ડાયોક્સાઇડ છે કે એક વાર ઢાંકણ ખુલે એટલે ખલાસ. તેનું ‘સર્વસ્વ’ લૂંટાઇ જાય? સ્ત્રીની આબરૂ-ઇજ્જત લક્ષ્મી છાપ ટેટાની લૂમ છે કે એક વાર ફૂટી જાય એટલે તે કાયમ માટે નકામી થઇ જાય? પરંતુ સ્ત્રીને જણસ ગણીને, તેને ‘કાબૂમાં’ રાખવાની પુરૂષપ્રધાન માન્યતા ખુદ સ્ત્રીઓના જ મનમાં ઊંડે ઉતારી દેવા માટે, આ ભ્રમ ઉભો કરવામાં આવ્યો હશે, એવું ધારી શકાય.

સ્ત્રીને પોતાના જ જેવી માણસ ગણવાને બદલે માલિકીની ‘ચીજ’ બનાવવાની માનસિકતાને કારણે ‘ઓનરકિલિંગ’થી માંડીને અત્યાચાર જેવા અનેક ધૃણાસ્પદ ગુના થાય છે. ‘ઓનરકિલિંગ’ના નામે હત્યા કરતાં કુટુંબીજનો માને છે કે તેમની ‘માલિકીની’ છોકરીએ કુટુંબની ઇચ્છાવિરુદ્ધ લગ્ન કરીને, કુટુંબની ‘આબરૂ બગાડી છે.’ એવી જ રીતે, ઘણા અત્યાચાર જાતીય વાસનાપૂર્તિ માટે નહીં, પણ બદલો લેવાના કે પાઠ શીખવવાના ઝનૂનથી કરવામાં આવે છે.

સ્ત્રીઓ પોતે આવડત, સ્વમાન, સ્વત્વ જેવા પોતાના માનવીય ગુણોને બદલે, સ્થૂળ એવી શારીરિક બાબતોને ‘સર્વસ્વ’ ગણવા લાગે, પછી પુરૂષપ્રધાન સમાજે બીજું કંઇ કરવાનું રહેતું નથી. અત્યાચાર વેઠનાર સ્ત્રીને ન્યાય મળે અને તે નવેસરથી જીવતી થઇ જાય, એમાં સમાજની ભૂમિકા સૌથી અગત્યની હોઇ શકે છે. પરંતુ સહાનુભૂતિના નામે પુરૂષપ્રધાન સમાજ ‘અરર, બિચારીનું સર્વસ્વ લૂંટાઇ ગયું’ કહીને, આઘાતમાંથી બહાર આવવા મથતી સ્ત્રીને બળ આપવાને બદલે નિર્બળતા ભણી ધક્કા મારે છે. સમાજના સરેરાશ લોકોનો - અને પ્રસાર માઘ્યમોનો પણ- આ અત્યાચાર એટલો મોટો હોય છે કે ક્યારેક તે મૂળ અત્યાચારને ટપી જતો લાગે.

ગેરમાન્યતા ૬: ભ્રમરવૃત્તિ પૂરૂષોમાં જન્મજાત હોય છે. તેમાં એ લોકો પણ શું કરે?

ઐતિહાસિક રીતે આ વાત સાચી હોય તો પણ, એ જ્યારે પુરૂષો દ્વારા થતા અત્યાચારોના ખુલાસા, સમજૂતી કે બચાવ માટે વપરાય ત્યારે બિનપાયાદાર લાગે છે. કારણ કે, આદિમાનવથી સભ્ય અને સામાજિક બનવા સુધીની હજારો વર્ષની પ્રક્રિયાનો આ એક જ લીટીમાં છેદ ઉડા જાય છે. વૃત્તિ-પ્રકૃતિ ગમે તેટલી જન્મજાત હોય, લાંબા સમયગાળા પછી તે અંકુશમાં આવી શકે છે. ‘આ નહીં ચાલે’ એવો ચોખ્ખો સંદેશો સમાજ તરફથી અને કાનૂનીતંત્ર-ન્યાયતંત્ર તરફથી મળે, તો પ્રકૃતિ પણ માપમાં રહેતી થઇ જાય.

તેમાં અપવાદ જરૂર હોય, પણ એ પ્રકૃતિ નહીં, વિકૃતિ કહેવાય.

13 comments:

 1. diyashah9:08:00 AM

  સંપૂર્ણ સહમત ઉર્વીશભાઈ

  ReplyDelete
 2. I would have liked to comment in Gujarati but can't because I can't type in Guj. But I want to say hats off to your sharp analysis and your courage in writing something like this in Gujarat! Such sharply progressive writing is sadly missing in the present 'Gujarati asmita'. In solidarity!

  ReplyDelete
 3. utkantha2:42:00 PM

  એકદમ સ્પષ્ટ અને સચોટ લેખ . સાચા અર્થમાં માણસવાદી અભિગમથી લખાયેલો .. આભાર ઉર્વીશભાઈ ...

  ReplyDelete
 4. Excellent stuff! Especially point number 5.

  ReplyDelete
 5. Completely agree with Urvish. That is what I say it is not the act but the mentality behind the act which needs to be removed in Indian thinking. The rapist did it in karma but there are many who do it mentally in thoughts because basically they do not respect woman as people. Our parents need to change the way they think and treat girls and boys differently.

  ReplyDelete
 6. સરસ લેખ। કન્યાદાન પવિત્ર ગણાય છે પરંતુ કન્યા એ દાન માં આપવાની વસ્તુ છે? રાખડી બંધાવીને ભાઈ બહેનની રક્ષા કરે। બહેન 30 વર્ષની હોય અને ભાઈ 5 વર્ષનો તો પણ રક્ષા તો પુરુષ જ કરે।।।

  ReplyDelete
 7. વાહ ઉર્વિશભાઇ, ખુબ જ સરસ રીતે - મૂદ્દાસર તમે વિશ્લેષણ કર્યું છે... છાપામાંથી કટ કરી ને સમયાંતરે ફરી ફરી ને વાંચતા રહેવું પડે એવો લેખ છે...
  વાંચતા અમુક વિચારો આવ્યા... જે તે મૂદ્દાના નંબર સાથે...
  1 આ પવિત્રતા વાળી વાતને લીધે જ તેના અમુક ગુણોને ગ્રાંટેડ લેવામાં આવે છે.. અને અંતે થેન્કલેસ પણ.. કૃતઘ્ન થવાની હદ સૂધી...
  2 બહાર નીકળવાની મનાઇ ફરમાવવી એ પણ એક પ્રકારનો બળાત્કાર જ નથી...?
  (ખરેખર - લોજીકલી તો એવું ના હોવું જોઇએ કે, પૂરૂષોના બહાર ફરવા પર પ્રતિબન્ધ લદાય... નીચે વાંચો
  'જનરલી સ્ત્ર્રીઓ' ભોગ બને છે એટલે ઘરે રહે..
  ' 'જનરલી પૂરુષો' અત્યાચાર કરે છે એટલે ઘરે રહે.. કયું લોજીકલ લાગે છે....?
  3 આ હીસાબે તો દરેક પ્રકારની સજાવટ પર પ્રતિબન્ધ ના લાદવો જોઇએ...? શોરૂમ્સ અને બધે જ... "દેખાતી" વસ્તુ ચોરાય તો ગુનો ના બને...
  અને અમૂક લોકો એવા હોય છે કે એમને જોઇને જ લાફો મારવાનું મન થાય.. તો એવા લાફા પણ કાયદેસર થૈ જાય ને....!!!!

  ઇન શોર્ટ... ખુબ સરસ લેખ...

  ReplyDelete
 8. i completely agree with this final stroke : ‘આ નહીં ચાલે’ એવો ચોખ્ખો સંદેશો સમાજ તરફથી અને કાનૂનીતંત્ર-ન્યાયતંત્ર તરફથી મળે, તો પ્રકૃતિ પણ માપમાં રહેતી થઇ જાય.

  ReplyDelete
 9. આપે લખ્યું છે કે,
  ગેરમાન્યતા ૩: પુરુષોને પણ શરમ આવે એવાં કપડાં પહેરે, પછી બીજું શું થાય?
  ... ઉપરોક્ત મત સાથે સહમત પરંતુ વસ્ત્રોથી પુરુષોની વૃત્તિઓ ઉશ્કેરાતી નથી... (થોડાક અંશે તો ક્યાંકને ક્યાંક વસ્ત્રો પણ જવાબદાર હોય છે. કુપ્રવૃત્તિને નાની-મોટીના ત્રાજવે ન તોલી શકાય, માટે એમ કહીશ કે આ મુદ્દે જે કંઈ ખરાબ છે એ ખરાબ જ ગણી શકાય પણ તમે લખો છો કે, પુરુષ માનસિકતાને ઉત્તેજતાં પરિબળોમાં સ્ત્રીનો પોશાક બહુ પછીના ક્રમે આવે છે - (આ હકીકત સ્વીકાર્યા પછી પણ આ દલીલને હાસ્યાસ્પદ અને વાહિયાત ગણાવો છે તે મત સાથે સહમત નથી)
  BBC હિંદી વેબસાઇટ જે કંઈ બન્યું એ વિશે અને આવી ચર્ચાના મુદ્દે વિવિધ સ્ટોરીઝ અને મંતવ્યો રજૂ કરી રહી છે. એમાંની આ લિંકનું લખાણ વાંચવા જેવું છે. क्या दोष परवरिश का है?
  http://www.bbc.co.uk/hindi/india/2013/01/130101_rape_and_society_aa.shtml

  ReplyDelete
 10. Anonymous7:07:00 PM

  પુરુષ પ્રધાન સમાજ અને સ્ત્રી પ્રધાન સમાજ અને બીજા અન્ય સમાજે છેલ્લા 30 થી 40 વર્ષ ગાળા દરમ્યાન કરેલ અનુભવો નો સર્વેક્ષણ અ ગંભીર પ્રકાર ની સમસ્યા નો સચોટ ઉકેલ મેળવવો હોય ત્યારે જે તે સમાજ માં પ્રવર્તિત કાયદા, પોલીસ, judiciary નો survey સામે રાખી એક દિશા સુચન કરી શકાય જેથી જે તે સમાજ માં નિર્દોષ, ગુનેગારો ની સંખ્યા થી એક વસ્તુ સામે આવશે। કાયદો અને અમલદાર કડક હશે તો સમાજ કાબુ માં રહેશે. Else is fantasy of criminalization we recently witnessed, monsters of riots who allowed parading of communal hatred are empowered.

  ReplyDelete
 11. વાત આખી ત્યાં જ અટકે છે કે સમાજ દ્વારા સ્ત્રીને વારંવાર તેનું સ્ત્રી (બિચારી) હોવાનું ભાન કરાવાય છે.

  જોરદાર લેખ.

  ReplyDelete
 12. સચોટ વિશ્લેષણ...

  ReplyDelete