Monday, January 28, 2013

ત્રણ મિત્રો, ત્રણ નાટકઃ યાદગાર અનુભવનાટકો વિશે લખવાનું તો ઠીક, નાટકો જોવાનું પણ બહુ બનતું નથી. ગમે તો બધું, છતાં પ્રાથમિકતાઓ નક્કી કરવી પડતી હોય છે – અને નાટકો તેમાં આવતાં નથી. 

છતાં રવિવારની વાત જુદી હતી. ગુજરાત સમાચાર-આઇ.એન.ટી. દ્વારા છેલ્લાં પચીસ વર્ષથી આયોજિત થતી નાટ્યસ્પર્ધાની ફાઇનલની એ રાત હતી. આગલી રાતે ફાઇનલનાં ચાર નાટક રજૂ થઇ ચૂક્યાં હતાં અને રવિવારે બીજાં ત્રણ તથા પરિણામ. એ ત્રણે નાટકો યોગાનુયોગે ત્રણ નજીકના મિત્રોનાં જ હતાં: કબીર ઠાકોર, કાર્તિકેય ભટ્ટ અને અભિષેક. તેમાંથી અભિષેક અને કબીરભાઇના નાટકનું કથાવસ્તુ જાણતો હતો-એ બન્ને દિલ્હીઘટના પછી ખળભળી ઉઠેલા માહોલમાં રોપાયેલાં હતાં. એટલે, રવિવારે મહેમદાવાદની બહાર નીકળવાનું અઘરૂં કામ કરીને પણ, રાત્રે ઠાકોરભાઇ દેસાઇ હોલ પર વેળાસર પહોંચી ગયો.

દરેક પ્રકારના કાર્યક્રમમાં ઓડિયન્સના જુદા જુદા રંગ હોય છે. ’ગ્રામોફોન ક્લબના ઓડિયન્સની એક છટા ને ’સપ્તકના ઓડિયન્સની બીજી. સાહિત્યના કાર્યક્રમોમાં અમુક રંગ ને નાટકોમાં બીજો. આંતરકોલેજ એકાંકી સ્પર્ધાને કારણે ભાગ લેનારા છોકરા-છોકરીઓ અને કેટલાકના કિસ્સામાં તેમના વડીલોને કારણે, હોલની બહારના વાતાવરણમાં નવરાત્રિ વખતે હોય એવો ચાર્જ હતો. બહાર અડધો કલાક ઊભા રહીએ એટલે જાણીતા-અજાણ્યા મિત્રો પરિચિતો સાથે બુફે મેળાવડો થઇ જાય એ વધારામાં.

પહેલું નાટક કબીર ઠાકોરનું હતું, જેના વિશે મને સૌથી વધારે ઉત્સુકતા હતી. એટલે એની વાત સૌથી છેલ્લે. બીજું નાટક ’પ્રોફેસરના લાડકા નામે ઓળખાતા મિત્ર અને પીલવાઇ કોલેજમાં અર્થશાસ્ત્રના અધ્યાપક કાર્તિકેય ભટ્ટનું હતું. ચાલો આપણે પરણી જઇએ (કે પૈણી જઇએ). 
Kartikey Bhatt/ કાર્તિકેય ભટ્ટ
હલકુંફુલકું, ફિલ્મી ગીતોના ઉપયોગ અને વન-લાઇનર્સથી ભરપૂર. ચિંતનપ્રેમી જનતાને પણ ગમે અને તેમની તાળીઓ ઉઘરાવે એવા જીવનની ફિલસૂફી ટાઇપના ઘણા સંવાદ તેમાં હતા. કાર્તિકેય બહુ સારા લેખક છે અને હળવાશ જેટલી જ સારી રીતે એ ગંભીર વિષયો પર એ લખે છે. સાંપ્રત વિષયો પર તેમની પકડ અને તેમનાં નિરીક્ષણ ચોટદાર હોય છે. નસીર ઇસમાઇલીના કથાબીજ પરથી બનેલા આ નાટકનો વિષય સાવ જુદો હોવાથી, પ્રોફેસરની મેં ધારેલી કેટલીક કમાલ એમાં જોવા ન મળી, જોકે મોટા ભાગના દર્શકોને નાટકે ભરપૂર મનોરંજન પૂરું પાડ્યું. નાટકમાં મૂજી માણસનું પાત્ર કરતો છોકરો તેના અભિનયથી મઝા કરાવી ગયો. બીજા કોઇનાં નામ યાદ રહ્યાં નથી, પણ એ છોકરાનું નામ તેના અભિનય જેવું જ વિશિષ્ટ હોવાથી યાદ રહી ગયું. એનું નામ હતું સદ્દામહુસૈન સિપાહી.

કાર્તિકેય ભટ્ટની મઝા એ છે કે તે પિલવાઇ જેવા નાના કેન્દ્રની કોલેજમાં, કેવળ નાટ્યપ્રેમથી દોરવાઇને વર્ષોથી નાટકો કરાવે છે અને એ કામમાં દિલથી ખૂંપી જાય છે. તેમની એ તીવ્રતા- અને સટાકેદાર વન લાઇનર્સ- નાટ્યક્ષેત્રના જાણકારોમાં પણ વખણાય છે. મારા જેવા બહારના લોકો એમની આ પ્રવૃત્તિ વિશે મજબૂત આદર ધરાવે છે..  

Abhishek Shah/ અભિષેક શાહ
અભિષેક શાહ વિવિધભારતીમાં એનાઉન્સર તરીકે કામ કરે છે. એક સાથે અનેક ઘોડા પર સવારી કરવાના ઉદ્યમ કે મનોરથને કારણે ઘણી વાર તે લાંબા સમય સુધી અંતર્ધ્યાન થઇ જાય છે, પણ એ બદલ તેને પ્રેમથી ઠપકો આપી શકાય- અને તે સ્વીકારના ભાવ સાથે સાંભળી પણ લે- એવો મિત્ર છે.  અભિષેકે પહેલી વાર લેખક-દિગ્દર્શક તરીકે આ સ્પર્ધામાં ભાગ લીધો અને ઉત્તમ નાટક આપ્યું તું લડજે, અનામિકા’. નાટકની સ્ટોરી કહીને તેની મઝા ઓછી કરવાનો ઇરાદો નથી, પણ ધૈવત ત્રિવેદી જેવા નાટકના જાણક-માણક અને ભૂતકાળમાં આ જ સ્પર્ધામાં ઉતરી ચૂકેલા મિત્રે અભિષેકના નાટકને નાટ્યકલાનાં વિવિધ પાસાંની દૃષ્ટિએ સંપૂર્ણ અને શ્રેષ્ઠ ગણાવ્યું. કોલેજનાં યુવક-યુવતીઓ પાસેથી તેમની મર્યાદાઓ સહિત સંવેદનશીલ અભિનય કરાવવો એ દિગ્દર્શકનું કામ અભિષેકે સરસ રીતે કર્યું. લેખન પણ અસરકારક હતું. બળાત્કારની દેખીતી કરુણતાથી આગળ વધીને અભિષેકે આપણી વચ્ચે જ રહેલા પણ ભાગ્યે જ ચર્ચાતા અંધારિયા ખૂણા પર શબ્દાર્થમાં અને ધ્વન્યાર્થમાં પ્રકાશ પાડ્યો. 
Kabit Thakore/ કબીર ઠાકોર
અભિષેકના નાટકની જેમ કબીર ઠાકોર- પરેશ વ્યાસે લખેલું ’એ ટેલ ઓફ ટીઅર્સ જોનારને ઘસરકા પાડી દે એવું નાટક હતું, પરંતુ તેનું કથાવસ્તુ વધારે ’બોલ્ડ અને ગુજરાતમાં રજૂ કરવા માટે ’છપ્પનની છાતી ટાઇપ, તાળીઉઘરાઉ કટારલેખકિયા હિંમત’ નહીં, પણ સમજણ-સ્પષ્ટતા સાથે ઊંડી આત્મપ્રતીતિ માગી લે એવું હતું. કારણ કે બન્ને મિત્રોએ હાલમાં બળાત્કાર નિમિત્તે થયેલા ઉહાપોહને ૨૦૦૨માં થયેલા બળાત્કારો સાથે સાંકળી લીધો હતો. વાસનાને બદલે વિચારધારાથી અને ધીક્કારથી પ્રેરાઇને થતો બળાત્કાર પણ વધારે નહીં તો એટલો જ ઘૃણાસ્પદ અને અમાનવીય હોય છે, તે વાત એમણે બહુ કળાત્મક રીતે અને જરાય ગલગલિયાં ન થાય- બલકે જોનાર સ્તબ્ધ થઇ જાય-એ રીતે મૂકી આપી. એવા નાટક પર ગુજરાતમાં અને એ પણ અમદાવાદમાં વિરોધની નહીં, પણ સમર્થનની તાળીઓ પડે અને કોલેજિયનો એ વિશે સ્વસ્થતાથી વિચારતા-સમજતા થાય એ આ મિત્રોની મોટી ઉપલબ્ધિ ગણાય. દિગ્દર્શક-લેખક તરીકે કબીરભાઇ ઢંઢોળનારાં નાટકો માટે જાણીતા છે. આ નાટક એ જ પરંપરાનો ઉત્તમ નમૂનો છે.

આ નાટકો અમદાવાદમાં અને ગાંધીનગરમાં થવાનાં છે. એ સિવાય બીજાં ગામ-શહેરમાં એ નાટક કરવા  ઇચ્છતા પ્રેમીઓ નાટકના દિગ્દર્શકોનો સંપર્ક સાધી શકે છે. આ ત્રણે મિત્રો ફેસબુક પર પણ છે.
કબીર ઠાકોર 93270 03795
કાર્તિકેય ભટ્ટ 98792 16030
અભિષેક શાહ 90990 11319

(નોંધ-નાટકોમાં ભાગ લેનારા માટે નંબરોનું મહત્ત્વ હોય એ સ્વાભાવિક છે, પણ સ્પર્ધાનો દિવસ વીતી ગયા પછી મારા જેવા કંઇક દર્શકો માટે નંબરો ગૌણ બની જાય છે. એટલે અહીં ઇનામોની વિગત મૂકી નથી. તેમાં રસ ધરાવતા મિત્રોએ મંગળવાર ૨૯-૧-૧૩નું ગુજરાત સમાચાર જોઇ લેવું.)

3 comments:

 1. Good to hear this from a Friend and favorite writer.

  ReplyDelete
 2. Mittal Patel4:17:00 PM

  આ લેખનું પહેલું વાક્ય ખૂબ ગમી ગયું... આજના મોટા ભાગના થોડું ઘણું સારું કામ કરતા લેખકો, કટારલેખકો કે પત્રકારો એવી જ વાત કહેતા સાંભળ્યા છે કે, અરે ભાઈ તેં ફલાણું નાટક નથી જોયું? અરે, તેં ફલાણા સાહિત્યકારની ફલાણી વાર્તા નથી વાંચી? તેં ફલાણા કવિનો કાવ્યસંગ્રહ નથી વાંચ્યો? અને આવું કહેતી વખતે તેમનામાં એવો ભારોભાર ભાવ હોય છે કે, લ્યાનત છે તારા પર... આવો ભાવ રાખીન તેવો કંઈક જાણવા માગતા નવા આવેલા પત્રકારોનું અજાણતા કે જાણતા અપમાન કરે છે, અને પોતાની આસપાસ એવું ફેન્સિંગ કરી દે છે કે, પેલો તેમને જઈને મળી જ ના શકે.
  ઉર્વીશભાઈ, દોડધામવાળી જીંદગીમાં સાહિત્યનું રસપાન કરવાનો અને આધુનિક કવિની અત્યાધુનિક કવિતાઓ વાંચે કોણ? ફિલ્મ વિશે ‘મારફાડ’ લખતા ગુજરાતી કટારલેખકોથી તો તમે પરીચિત છો જ. તમે શું જોયું ફિલ્મમાં? ફિલ્મમાં તમે કલર્સ, ડિરેક્શન, ફલાણો શોટ અને ફલાણી હીરોઈનને કેવી કાવ્યાત્મક રીતે પેલા ગીતમાં રજૂ કરાઈ છે અને તે ગીતના શબ્દો સાંભળ્યા. અરે, મહામાનવો આવું બધુ કહીને ગુજરાતીઓને ગાળો દેવાની જરૂર નથી. ગુજરાતીઓને કલાની કદર નથી ને તેઓ શેરબજારિયા છે એવું કહેવાનીયે જરૂર નથી. બધા રાજ્યોમાં અને બધા દેશોમાં ઓછેવત્તે અંશે આવું જ હોય. એક એવરેજ અમેરિકન પોતાના ક્ષેત્ર સિવાયનું બહુ ઓછું જાણતો હોય છે. કારણ કે, એ જિંદગી જીવવામાં માને છે, અને એની પ્રાથમિકતામાં એ બધુ આવતું નથી. હા, ત્યાં કલાના કદરદાન વધારે હોય, કારણ કે તે ડેવલપ્ડ દેશ છે, આપણે નથી.
  મારે શેરબજારનો વ્યવસાય છે, પણ એકેય શેરબજારિયાએ હરામ બરાબર છે, ચંદ્રકાંત બક્ષીને પણ વાંચ્યા હોય તો. તેમનું નામ એટલે આપું છું કે, તેઓ જાણીતા લોકપ્રિય નવલકથાકાર, કટારલેખક હતા. બીજાનું છોડોને ભાઈ, છાપાના માલિકોએ પણ ગુજરાતના દસ નાટ્યકાર કે કવિ તો ઠીક નવલકથાકારની યાદી તૈયાર કરવા કસરત કરવી પડે. ગુજરાતની પહેલી નવલકથા કઈ, એ ભણવામાં આવતું હતું, પણ પછી એ વાચવાની પ્રેરણા કોણ આપે? હું શોધવા ગયો હતો લાઈબ્રેરીમાં પણ મળી જ નહીં. બીજું, શિક્ષકોએ પણ વાંચી ના હોય. કોર્સ બહારનું ભણવાનું ના હોય. કેટલાક અપવાદરૂપ કિસ્સા હોય છે, જેને નાનપણથી વાચનલેખનમાં રસ હોય, પણ બધાને ના હોય, એવું સ્વીકારવું પડે કે નહીં?

  ReplyDelete
 3. કેટલાય દિવસોથી આ વાંચવાનું રહી જતુ હતુ...
  મજા પડી...
  આશા રાખીએ આ ત્રણેય પાસેથી આવા નાટકો મળ્યા કરે..

  ReplyDelete