Thursday, January 31, 2013

પ્રાથમિક શિક્ષણ: ડગુમગુ પાયા પર ભવિષ્ય

માણસ માટે શિક્ષણ અને આરોગ્ય એવા બે પાયાના મુદ્દા છે, જે સૌ કોઇને ડીઝલ-રાંધણગેસના ભાવ કરતાં કે શેરબજારના સેન્સેક્સ કરતાં કે નેતાઓના કૌભાંડ કરતાં અનેક ગણા વધારે સ્પર્શે છે. છતાં, તેનાં મથાળાં બનવાનાં દૂર રહ્યાં, ભાગ્યે જ તે ચર્ચાય છે. 

કોઇ ઓમપ્રકાશ ચૌટાલા મુખ્ય મંત્રીપદે રહીને 3,206 શિક્ષકોની ભરતીમાં ગોટાળા કરાવે, લાયકાત વગરના લોકોને યાદીમાં ઘુસાડી દે, એમનો જ કોઇ આઇએએસ સાગરિત ફુટી જઇને ફરિયાદ કરે, દસ વર્ષે અદાલત ન્યાય કરે, ભૂતપૂર્વ મુખ્ય મંત્રી એવા ચૌટાલા, તેમના પુત્ર તથા બે આઇએએસ સહિતના ગુનેગારોને દસ-દસ વર્ષની સજા થાય  ત્યારે એ સમાચાર માધ્યમોમાં ચમકે છે, પણ વચ્ચેનાં વર્ષોમાં લાયકાત વગરના શિક્ષકોની મોટા પાયે ભરતીને કારણે હરિયાણામાં પ્રાથમિક શિક્ષણની જે અવદશા થઇ હશે, તે બહુ ચર્ચા કે ચિંતા જન્માવતી નથી.

હરિયાણા કે ઉપ્રદેશ- બિહાર જેવાં રાજ્યો ન હોત, તો આપણું શું થાત? એવો વિચાર ગૌરવઘેલી માનસિકતાના વાતાવરણમાં ઘણી વાર આવી જાય. હરિયાણા છે એટલે જ્ઞાતિવાદી અત્યાચારો ને સ્ત્રી-પુરૂષ ગુણોત્તર જેવા મુદ્દે "આપણું સાવ હરિયાણા જેવું નથીએમ કહીને કોલર ઊંચા રાખી શકીએ છીએ. કાયદો-વ્યવસ્થાની વાત આવે એટલે ગુજરાતની સ્થિતિ "યુ.પી.-બિહાર જેવી નથીએ કાયમી આશ્ર્વાસનનો મુદ્દો બની રહે છે. બાહરી વિકાસની અને ધંધાઉદ્યોગોમાં મૂડીરોકાણની વાત આવે ત્યારે રાજ્યની સરખામણી ચીન-જાપાન સાથે કરવાની અને નાગરિકોના હક-હિતની અને તેમની અવદશાની વાત આવે ત્યારે યુ.પી.-બિહાર-હરિયાણા યાદ કરવાનાં, આ દંભ સૌને સદી ગયો છે. એટલે જ, ચૌટાલાના શિક્ષકભરતી કૌભાંડને લીધે હરિયાણામાં પ્રાથમિક શિક્ષણની કેવી અવદશા થઇ હશે, એ વિચારતી વખત "વિકસિતગુજરાતની કેવી હાલત છે એ વિચાર આવતો નથી.

ફ્લાયઓવર, રસ્તા અને વિદેશી મૂડીરોકાણ આવી જાય એટલે સારા શિક્ષણની જરૂર નહીં પડે એવું તો ગુજરાતીઓ નહીં જ માનતા હોય.
                -કે પછી એક વાર બનાસકાંઠામાંથી ક્રુડ ઓઇલ મળી આવ્યું ત્યારે મુખ્ય મંત્રીએ તેમની હવા ભરેલા બલૂન જેવી શૈલીમાં કહ્યું હતું તેમ, "લોકોના ઘરે નળ ખોલતાં ક્રુડ ઓઇલ આવશે’, એટલે ભણવાનું ઠેકાણા વગરનું હશે તો ચાલશે?

કલ્પના નહીં, વાસ્તવિકતા

ગુજરાતના પ્રાથમિક શિક્ષણને લગતા વિચારો આવવાનાં ઘણાં કારણ છે. સૌથી તાજું કારણ એ કે આ વખતના "વાઇબ્રન્ટ ગુજરાતમેળાવડાના મુખ્ય વિષયોમાં એક હતો: શિક્ષણ. મુખ્ય મંત્રીની બેશરમી કહો તો બેશરમી અને હિંમત કહો તો હિંમતને દાદ દેવી પડે. શરમાવું જોઇએ એવા મુદ્દે છટાથી છવાઇ જવાનું તેમને ફાવી ગયું છે. એટલે ગુજરાતમાં રૂ.4,500 પગારના વિદ્યાસહાયકો દાખલ કરીને પ્રાથમિક શિક્ષણની હાલત કફોડી બનાવનાર મુખ્ય મંત્રી "વાઇબ્રન્ટના મંચ પરથી શિક્ષણને લગતી વાતો કરી શક્‌યા. 

પાંચ વર્ષ સુધી સરકારની શોષણનો ભોગ બનતા અને "વિદ્યાસહાયકજેવા રૂડારૂપાળા નામથી ઓળખાતા "વેઠિયાશિક્ષકોના હાથમાં ગુજરાતની ભાવિ પેઢી સોંપવાનું પાપ મુખ્ય મંત્રીના માથે છે. એ પેઢી કાચી રહી જાય તો એમાં કોનો વાંક કાઢીશું? પોતાના બે છેડા ભેગા ન કરી શકવાની ફિરાકમાં અડધા થઇ જતા "વિદ્યાસહાયકોનો કે પછી એક તરફ ગુજરાતની સમૃદ્ધિનાં ગુણગાન ગાનારા અને બીજી તરફ પ્રાથમિક શિક્ષકોને પૂરો પગાર આપવા માટે રાજ્ય પાસે નાણાં નથી એવી રીતે હાથ ઊંચા કરી દેનારા મુખ્ય મંત્રીનો?

મહત્ત્વની વાત: "ગુજરાતની ભાવિ પેઢી કાચી રહી જાય તો?’ એ ભવિષ્યની અમંગળ કલ્પના નથી, વર્તમાનની વાસ્તવિકતા છે. વિકાસના ગૌરવની મખમલી રજાઇ ઓઢીને પોઢી ગયેલા લોકોને ન દેખાય, પણ જાગ્રત અવસ્થા અને ખુલ્લી આંખો ધરાવતા લોકો માટે પુરાવાનો તોટો નથી. બહુ ઊંડા ન ઉતરવું હોય તો કોઇ પણ સરકારી પ્રાથમિક શાળામાં ભણતાં બાળકો સાથે સાદા સવાલજવાબ કરવા. તેની પરથી સ્કૂલમાં શું ચાલે છે- કેવું ચાલે છે, તેનો ખ્યાલ આવી જશે. એ સ્તરથી વધુ રસ ધરાવતા લોકો માટે દિલ્હીની સ્વૈચ્છિક સંસ્થા "પ્રથમ’ 2005થી શિક્ષણના સ્તરનો વાર્ષિક અહેવાલ પ્રસિદ્ધ કરે છે. "એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રીપોર્ટ (રૂરલ)’ - ટૂંકમાં "અસર’ - તરીકે ઓળખાતો અહેવાલ ભારતનાં તમામ રાજ્યોના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી અને ખાનગી શિક્ષણની હાલત કેવી છે, તેનો તલસ્પર્શી ખ્યાલ મેળવે છે. આ મહિને પ્રગટ થયેલા વર્ષ 2012ના કામચલાઉ છતાં વિસ્તૃત અહેવાલમાં સ્પષ્ટપણે નીકળતો સૂર એ છે કે ભારતભરમાં શિક્ષણનું સ્તર ઉારોર સુધરવાને બદલે કથળી રહ્યું છે.

તેમાં "દેશભરમાં વિકાસનું મોડેલતરીકે ઓળખાવાતું ગુજરાત ક્‌યાં છે? વાતોમાં ભલે છ કરોડ ગુજરાતીઓનો ઉલ્લેખ થતો હોય, પણ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ગુજરાતી વિદ્યાર્થીઓની અને એ જ્યાં ભણે છે તે શાળાઓમાં શિક્ષણની સ્થિતિ કેવી છે? તેની ઉંઘ ઉડી જાય અને આંખ ઉઘડી જાય એવી વાતો "પ્રથમના અહેવાલમાંથી મળે છે.

ચેતવણી: ગુજરાતનું ગૌરવ બધા ગુજરાતીઓને હોય છે, પરંતુ મુખ્યમંત્રીપ્રેમને "ગુજરાત માટેનું ગૌરવગણતા લોકોએ "પ્રથમનો અહેવાલ મન કઠણ કરીને વાંચવો. તેનાથી આંખ ઉઘડી જવાની અને સુખભ્રાંતિમાં ભંગ પડવાની ભારે સંભાવના છે.

પરિવર્તન અને અધ:પતન

ભારત જેવા વૈવિધ્યપૂર્ણ અને વિશાળ દેશમાં સર્વેક્ષણોની વિશ્ર્વસનિયતા સામે હંમેશાં પ્રશ્ર્નાર્થ રહે છે. પરંતુ "પ્રથમનાં સર્વેક્ષણો બીજાની સરખામણીમાં વ્યાપક જનસમુદાય આવરી લેતાં હોવાથી, તેની પરથી મળતું ચિત્ર સંપૂર્ણ ન હોય તો પણ, એ સાચી દિશા ચીંધનારું અવશ્ય હોય. જેમ કે, વર્ષ 2012ના સર્વેક્ષણ માટે સંસ્થા સાથે સંકળાયેલી વ્યક્તિઓ અને કાર્યકરોએ ભારતભરનાં રાજ્યોની 14,951 શાળાઓની મુલાકાત લીધી હતી.

બીજો અગત્યનો મુદ્દો: આ અહેવાલ કેવળ દોષદર્શન માટેનો નથી હોતો. એટલે તેમાં વર્ષોવર્ષ થતાં હકારાત્મક પરિવર્તનો પણ નોંધવામાં આવે છે. જેમ કે, ભારતભરમાં 6 થી 14 વર્ષની ઉંમરનાં (એકથી નવ ધોરણમાં ભણતાં) શાળામાં દાખલ થતાં બાળકોનું પ્રમાણ વધ્યું છે. વીતતી સમયની સાથે નિશાળોમાં પીવાના પાણીની અને શૌચાલયની સુવિધા પણ વધ્યાં છે. ભારતની સરેરાશની વાત કરીએ તો, 2010માં સર્વેક્ષણમાં આવરી લેવાયેલી શાળાઓમાંથી 47.2 ટકા પાસે ઉપયોગમાં લઇ શકાય એવાં શૌચાલય હતાં. તેમનું પ્રમાણ 2012માં વધીને 56.5 ટકા થયું છે.

આખા દેશમાં વિદ્યાર્થીઓ સરકારીને બદલે ખાનગી શાળાઓ તરફ વધુ ને વધુ પ્રમાણમાં વળી રહ્યા છે. "પ્રથમના અહેવાલમાં જણાવાયા પ્રમાણે, વર્ષ 2006માં 6 થી 14 વર્ષની વયજૂથનાં કુલ બાળકોમાંથી 18.7 ટકા ખાનગી નિશાળોમાં પ્રવેશ લેતાં હતાં. વર્ષ 2012માં એ પ્રમાણ વધીને 28.3 ટકા સુધી પહોંચ્યું  છે.
વર્ષ 2012ના અહેવાલનો સૌથી ચિંતાજનક સૂર એ છે કે (ફરજિયાત શિક્ષણના કાયદા જેવાં પરિબળોને લીધે) શિક્ષણક્ષેત્રે આંકડાકીય પ્રગતિ દેખાઇ રહી છે, પરંતુ ગુણવત્તામાં ભારે ધબડકો છે. "પ્રથમના સ્વયંસેવકો એકથી આઠ ધોરણના વિદ્યાર્થીઓનાં વાચન, ભાષા અને ગણિતનાં કૌશલ્યની પણ ચકાસણી કરે છે. તેમાં ગુજરાતનો દેખાવ દેશભરમાં સૌથી તળિયે ન હોય, તો ટોચે પણ નથી અને બીજાં રાજ્યો સાથેની સરખામણી છોડીએ તો, ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોના પ્રાથમિક શિક્ષણના વિદ્યાર્થીઓની મર્યાદા શરમ ઉપજાવે એવી છે.

સંસ્થાના કાર્યકરોએ વર્ષ 2012માં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોની 692 શાળાઓની તપાસ કરી હતી. તેમની પદ્ધતિ એવી છે કે નક્કી કરેલા ગામમાં ગયા પછી એ ગામની જે સૌથી મોટી સરકારી પ્રાથમિક શાળા હોય એને તે સર્વેક્ષણ માટે પસંદ કરે. ત્યાં વિદ્યાર્થીઓ-શિક્ષકોની હાજરી, વર્ગદીઠ અને શિક્ષકદીઠ વિદ્યાર્થીઓની સંખ્યા જેવી સંખ્યાત્મક બાબતોથી માંડીને વિદ્યાર્થીઓને ભણતર કેવું ચડ્યું છે તે પણ માપવામાં આવે. એ માટેની સામાન્ય પદ્ધતિઓ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે, જેના થકી દેશભરમાં શિક્ષણના સ્તરને સર્વસામાન્ય "ફુટપટ્ટીથી માપી શકાય. વર્ષ 2012માં ગુજરાતના તમામ 26 જિલ્લામાં સંસ્થાએ એકથી ચાર-પાંચ ધોરણની 70 અને એકથી સાત-આઠ ધોરણની 622 શાળાઓમાં સર્વેક્ષણ કર્યું. તેમાંથી જાણવા મળ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં 6 થી 14 વર્ષનાં 85 ટકા બાળકો હજુ સરકારી શાળાઓમાં ભણે છે.

યાદ રહે કે રાજ્યમાં અને દેશમાં સરકારીમાંથી ખાનગી શાળાઓ તરફનો પ્રવાહ વધી રહ્યો છે. તેમ છતાં, આ સ્થિતિ  પ્રવર્તે છે. 15-16 વર્ષનાં વિદ્યાર્થીઓમાંથી ફક્ત 52.5 ટકા સરકારી શાળાઓમાં અને 24 ટકા ખાનગી શાળાઓમાં ભણવા જાય છે. 3 વર્ષની ઉંમરનાં 76.2 ટકા બાળકો અને 4 વર્ષનાં હોય એવાં 77  ટકા બાળકો કે.જી.માં નહીં, પણ બાલવાડી કે આંગણવાડીમાં ભણવા જાય છે.

ખરી આઘાતજનક હકીકત સ્કૂલમાં - અને એ રીતે સરકારના સાક્ષરતા રેકોર્ડમાં- દાખલ થઇ ગયેલાં વિદ્યાર્થીઓની આવડત વિશેની છે. સર્વેક્ષણમાં જણાવ્યા પ્રમાણે, પાંચમા ધોરણમાં ભણતાં બધાં બાળકોમાંથી અડધોઅડધ (47.6 ટકા) બાળકો એવાં છે, જેમને બીજા ધોરણથી આગળના સ્તરનું ગુજરાતી વાંચવામાં ફાંફાં પડે છે. બીજાં 28.6 ટકાને તો વળી પહેલા ધોરણથી આગળનું - એટલે કે બીજા ધોરણનું- ગુજરાતી વાંચવાનાં ઠેકાણાં નથી. ગ્રામ્ય વિસ્તારમાં પાંચમાં ધોરણમાં ભણતાં 13.6 ટકા એટલે કે 100માંથી 13 બાળકોને ગુજરાતી ભાષામાં ફક્ત શબ્દો વાંચતાં જ આવડે છે- એ આખું વાક્‌ય વાંચી શકતાં નથી અને પાંચમા ધોરણનાં 100માંથી 8 બાળકો એવાં પણ છે, જેમને શબ્દના પણ વાંધા છે. એ કેવળ અક્ષર વાંચી શકે છે.

ધોરણનાં પગથિયાં ચડીએ તેમ સ્થિતિ સુધરવાને બદલે બગડતી જાય છે. આઠમા ધોરણમાં ભણતાં વિદ્યાર્થીઓમાંથી 80.9 ટકા વિદ્યાર્થીઓ ફક્ત બીજા ધોરણના સ્તરનું જ ગુજરાતી વાંચી શકે છે. બીજા 13.2 ટકા વિદ્યાર્થીઓ તો છેક આઠમા ધોરણમાં પહોંચ્યા પછી પણ પહેલા ધોરણના ગુજરાતીથી આગળ વધી શકતા નથી.

ગુજરાતીમાં આવી સ્થિતિ હોય તો અંગ્રેજી અને ગણિતમાં કેવી હાલત હશે? તેની વિગતો સાથેની વધુ ચર્ચા આવતા સપ્તાહે.                

12 comments:

  1. Anonymous10:48:00 PM

    આ ચર્ચા ગુજરાતના બુધ્ધિજીવીઓએ ઘણી વહેલી કરવી જોઈતી હતી. પણ ગુજરાતમા તો તેઓ છે જ ક્યા ?! બસ બધા ભક્તો છે ! શિક્ષકોની વેદના કહી નથી શકાતી તેમ સહી નથી શકાતી ! મોદી સાહેબ હિન્દુ ધર્મગ્રંથોની જાણકારી રાખતા હશે તો ખબર જ હશે કે દ્રોણાચાર્યના (શિક્ષકના) દિકરાને દુધના મલ્યુ તો તે રાજ સત્તાના શરણે જાય છે અને શિક્ષક ભ્રષ્ટ બને છે !!!!

    ReplyDelete
  2. Manjira mandal chalu padi jashe... amara CM ne aavu kehvay???!!!

    An eye opener....

    ReplyDelete
  3. Anonymous11:37:00 PM

    Excellent eye-opening article with facts. Our political leaders are not properly educated how can we expect to improve education by them? As far as English language is concerned the standard is so poor in Gujarat that our ministers do not address International events in English where people from abroad are present. They have to depend on translators to get what is going on. Vice-Chancellors of Universities in Gujarat have VERY LITTLE or NO knowledge of English language!

    ReplyDelete
  4. Anonymous1:22:00 AM

    A sad state of education....for which perhaps the officer & staff at district level, school authorities, teachers & parents too are to be blamed. Education should be made interesting & children will automatically be drawn to schools. Lack of proper selection of teachers,low pay structure,absence of work culture,No accountability set for nonperforming staff,lack of care & intersest by parents that children should study etc also contribute to the poor performance of children.

    ReplyDelete
  5. Anonymous2:06:00 AM

    AA babat no Aek Samajik prashna tarike ullekh thavo joiae parantu prashnani charcha rajkiy rite karavathi prasnanu aakhu hard mari gayu chhe.saru shikshan aapavani javabdari jetli sarakarni chhe aetali j samajni pan chhe. Atyare samajik mulyo j nathi rahya tya koi ne pan javabdar manavo ti nyay ni vat to nathi j.Vidhansabha thi mandi ne gam ni panchayat sudhi na sabhyo aapana samaj nu j pratinidhitva kare chhe.lokshahi kone kahevay te babatnu j bhan na oy te samaj pase thi unchi apeksha rakhavi nakami vat ganashe.sarkari school ma shikhak ni vrutti ane vartan joine unchi fee hova chhata ma-bap potana balkone khangi schoolo ma mokalvanu pasand kare chhe jya pan shikshako ni vrutti ane vartan sarakari school na shikshko jeva j hoy chhe ane balkone tyushan prathna bhog banavu pade chhe. tuk ma aapana rajya ma ke desh ma shikshan no vishay bahu vistrut aatma parikshan no vishay chhe.

    ReplyDelete
  6. ઉર્વીશભાઈ, અમે તો આંધળા અને અબુજ છીએ. માતાજીને માથુ ટેકવીએ. અભ્યાસ, અક્ષર, વાક્ય કે વાંચન એ કોઈ શાકભાજી જેવું લાગે છે...ગ્રામ્ય વિસ્તારમાં પાંચમાં ધોરણમાં ભણતાં 13.6 ટકા એટલે કે100માંથી 13 બાળકોને ગુજરાતી ભાષામાં ફક્ત શબ્દો વાંચતાં જ આવડે છે- એ આખું વાક્‌ય વાંચી શકતાં નથી અને પાંચમા ધોરણનાં 100માંથી 8 બાળકો એવાં પણ છે,જેમને શબ્દના પણ વાંધા છે. એ કેવળ અક્ષર વાંચી શકે છે.

    ReplyDelete
  7. Anonymous12:24:00 PM

    ઘણા ખોટા ખર્ચાઓ થાય છે. નાગરિકો પોતાની નજર સામે જુએ છે પણ તેમને તો આંખો આંજી નાખે એવી બાબતો વિશે ક્યાંય ખોતું લાગતું નથી. પણ સરકારી તંત્ર ને ભાંડવું છે. પણ સરકારમાં કામ કરતાં કર્મચારીઓ કેવી પરિસ્થિતિમાં કામ કરે છે તે વિશ્લેષણ કરવું નથી. ફિક્સ પગારમાં કામ કરતાં તમામ કર્મચારીઓ પાસે ૨૫૦૦ કે ૫૦૦૦ માં શું આશા રાખી શકો. તેઓ શું માનવ નથી, ઘર માં કમાનાર એક હોય અથવા ૨૫ થી ૩૦ ની વચ્ચે નો અપરણીત પુરુષ હોય તો તે તેના ભવિષ્ય વિશે શું અનુમાન કરી શકે.
    ખોટા ખર્ચાઓ પૈકી એક મોટો ખર્ચો BRTS (ભંગાર રોડ ટ્રાંસપોર્ટેશન સિસ્ટમ) લાલી લિપ્સ્ટીક સાથેની રૂપાળી લલના જેવો લાગે છે. ૫૦-૬૦ લાખ ની વસ્તી માં આટલી બસો હાઉસફુલ જાય તેમાં શું નવાઈ કહેવાય. ટેક્નોલોજી ના જમાનાં મા, મોનોરેલ કરવાની જગ્યાએ BRTS અને એના જેવા ઘણા ખોટા ખર્ચાઓ છે જે નાગરિકોને અગવડ રૂપ છે..... અને સામે જ્યાં ખર્ચ કરવાની જરૂર છે ત્યાં કરકસરને નામે શોષણ છે......કોઈ દિવસ સરકારે કચેરીઓમાં જજો ત્યાની હાલત જોજો. જુજ ક્ચેરીઓ સિવાય બધે કોઈ ફરનિચર કે મોર્ડન સગવડ નહિ મળે.

    ReplyDelete
  8. Anonymous12:33:00 PM

    અને શિક્ષણમાં વૈજ્ઞાનિક ઢ્બ નો ક્યાંય ઉપયોગ થતો નથી. નવી પેઢી પ્રોગ્રામ ફીડ કરેલા રોબોટ ની જેમ ભવિષ્યમાં ફરતી હશે. આ રોબોટો પાસે લાગણી, શોખ, ક્રીએટીવીટી, દેશદાઝ, ગરીબો અને પછાતો પ્રત્યે કરુણા(કરુણા તો નહી હોય પણ ઘૃણા તો જરૂર હશે), કુદરતી સૌંદર્ય માણવાની ઇચ્ચા અને આવડત, કુદરતને સાચવવાને સમજ અને આવું તો ઘણુ બધું નહિ હોય. અત્યારનું ભણતર રોજી રોટી કમાવવા પુરતું સીમિત થઈ ગયું છે અને ભણ્યા પછી પણ રોજી રોટીની કોઈ ગેરંટી નથી.

    ReplyDelete
  9. મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો નહોતો ત્યાં સુધીમાં ખાનગી પ્રાથમિક શાળાઓ ખોલવા 'માગો ત્યારે મંજૂરી' આપવામાં આવી. એ પછી બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, ૨૦૦૯ મળ્યો. આ અધિકાર પછી પણ 'માગો ત્યારે મંજૂરી' ચાલુ જ રહી છે. કોઈએ સર્વોચ્ચ અદાલતમાં જઈને સરકારના કામ આમળવા જોઈએ કે, બાળકોને મફત ભણવાનો કાયદો બનાવો છો તો મફત ભણાવતી શાળાઓમાં સુવિધાઓ પણ મફતમાં ભણવાની ઈચ્છા ન થાય એવી ન હોવી જોઈએ. બીજી વાત, મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ, ૨૦૦૯ પછી પણ ખાનગી પ્રાથમિક શાળાઓને મંજૂરી આપવી એનો મતલબ એમ થાય છે કે સરકાર દ્વારા મફત શાળામાં મફત ભણાવવાની માત્ર કાગળ પર વાતો જ થાય છે.
    s chaudhari

    ReplyDelete
  10. શિક્ષણ અને શિક્ષક વિશે" આવું " વિચારવા બદ્દલ અભિનન્દન.
    ડો.સંતોષ દેવકર.

    ReplyDelete
  11. Anonymous6:38:00 PM

    Dear UrvishBhai,

    ગુજરાતમાં શિક્ષણ કેવું છે? એવું સર્ચ કરતા તમારો આ લેખ વાંચવા મળ્યો.
    આ લેખ વાંચીને ખુબ દુ:ખ થયું.
    તમને ઈ-વિદ્યાલય (Evidyalay)ની મુલાકાત લેવાનું ગમશે.
    જ્યાં ગુજરાતીમાં ગુણવત્તા વાળું શિક્ષણ આપવાનો દિલથી પ્રયત્ન થી રહ્યો છે.
    હમણાં તો હજુ વિડીઓ લાઈબ્રેરી બની રહી છે. પણ એને જરુરીયાતમંદ બાળકો સુધી કેવી રીતે પહોંચાડવી?
    એ વિષે આપના સૂચનો આવકાર્ય રહેશે.

    ReplyDelete