Thursday, January 03, 2013

હમ અંગ્રેજકે જમાનેકે સુપરવાઇઝર હૈં


જેમ ભ્રષ્ટાચારના આરોપ  વિના જેમ જાહેર સેવક અઘૂરો છે, ધક્કામુક્કી વિના લાઇન અઘૂરી છે, ‘હાય, હાય’ના સૂત્રોચ્ચાર વિના કુલપતિનો કાર્યકાળ અઘૂરો છે, તેમ સુપરવાઇઝર વિના પરીક્ષા અઘૂરી છે. ‘સુપરવાઇઝર’નો  ડિક્શનેરીનો અર્થ ભલે ‘દેખરેખ રાખનાર’ એવો થતો હોય, પણ ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ જાણે છે કે વ્યવહારમાં સુપરવાઇઝરના અનેક પ્રકાર હોય છે અને પ્રકારે પ્રકારે એ શબ્દના અર્થ બદલાતા હોય છે.  જેમ કે,

સુપર-વાઇઝર
 ડાહ્યા અને દોઢડાહ્યા વચ્ચે, તેમ ‘વાઇઝ’ અને ‘સુપર-વાઇઝ’ વચ્ચે પણ ફરક હોય છે. કેટલાક લોકો સુપર- વાઇઝર હોય છે. ક્લાસમાં પ્રવેશતાંની સાથે એ, સેલ્સમેનની નિસ્પૃહતાથી, સામેવાળા પોતાનું સાંભળે છે કે નહીં તેની પરવા કર્યા વિના, બોલવાનું શરૂ કરી દે છે. સામે બેઠેલા વિદ્યાર્થીઓને લાગે છે કે આ ભાઇ પરીક્ષા લેવા નહીં, પણ ભાષણ ઝીંકવા આવ્યા છે. તેમના ભાષણનો મુખ્ય વિષય હોય છેઃ ‘હું અને મારી આવડત.’

પોતે કેટલા મૈત્રીપૂર્ણ છતાં કડક એટલે કે ‘યારોંકા યાર, દુશ્મનોંકા દુશ્મન’ ટાઇપ છે, પોતે કેટલા વર્ષથી (પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓના જન્મ પહેલાંથી) સુપરવિઝન કરે છે, પોતે (કેટલી દિવાળીઓની જેમ) કેટલી પરીક્ષાઓ જોઇ નાખી, પોતે કેવા કેવા માથાભારે વિદ્યાર્થીઓ સાથે પનારો પાડ્યો, પોતે સમયના અને શિસ્તના કેવા પાબંદ છે- આ બઘું તે એટલા ઉત્સાહથી અને હોંશથી કહેતા હોય છે કે સાંભળનારથી હસી પણ શકાય નહીં. સામે બેઠેલા પરીક્ષાર્થીઓની ગંભીર મુખમુદ્રા જોઇને તેમને લાગે છે કે વક્તવ્યની ધારી અસર પડી રહી છે. હકીકતમાં પરીક્ષાર્થીઓ પેપર કેવું નીકળશે અને તેમાં નહીં તૈયાર કરેલા સવાલ અચૂક પુછાશે, એવી પાકી આશંકાને કારણે ગંભીર હોય છે.

પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ જેવો આજ્ઞાંકિત શ્રોતાસમુદાય મળવો મુશ્કેલ છે. શરૂઆતમાં વિદ્યાર્થીઓ આદતવશ, સામાન્ય લેક્ચરમાં કરતા હોય એ રીતે, સૂચનાઓ એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે છે. પછી કેટલાંક ચબરાક પરીક્ષાર્થીઓને ખ્યાલ આવે છે કે સુપરવાઇઝર સાહેબની વાતમાં આપણે રસ લઇ રહ્યા છીએ એવું બતાવીશું, તો કદાચ એ  સાહેબ પરીક્ષામાં સહકારની ભાવના ચરિતાર્થ થવા દેશે, જેને ‘ચોરી’ જેવા હલકા શબ્દથી ઉતારી પાડવામાં આવે છે.

‘સહકારી પ્રવૃત્તિ’માં પ્રોત્સાહન મેળવવાના ઉમદા આશયથી કેટલાક વિદ્યાર્થી સાહેબની સામે જોઇને મુગ્ધ ભાવે તેમની આપવડાઇ અને બાળબોધી સૂચનાઓ સાંભળી લે છે. પછી ધીમે રહીને તે સાહેબની એકાદ બડાઇ પર પ્રશંસાસૂચક સ્મિત વેરે છે, જેથી સાહેબને વિદ્યાર્થી પર પ્રેમ જાગે અને ‘સહકારી પ્રવૃત્તિ’ કરતી વખતે વિદ્યાર્થીઓ એ પ્રેમને વટાવી શકે.

પરંતુ સુપર-વાઇઝર સાહેબો આવી તરકીબોથી પલળતા નથી. કેટલાક ગબ્બરસિંઘ-સ્વરૂપ સુપરવાઇઝરો પહેલાં પોતે હસે છે અને વિદ્યાર્થીઓને હસાવતા હોય એવો દેખાવ કરે છે, પરંતુ જેવા વિદ્યાર્થીઓ હસવાનું ચાલુ કરે કે તરત  તે ‘કિતને આદમી દે’વાળી ગબ્બર-મુદ્રામાં ‘ફાયરિંગ’ શરૂ કરી દે છે. વિદ્યાર્થીઓની આશાનાં ઢીમ ઢળી જાય છે. બીજા કેટલાક ‘શોલે’ના અસરાનીની જેમ ‘હમ અંગ્રેજકે જમાનેકે જેલર હૈ’ ની સ્ટાઇલમાં પોતાની ચુસ્તી-સ્ફુર્તિ-ચબરાકી પર પોતે જ મુગ્ધ થતા રહે છે. પરંતુ વિદ્યાર્થીઓ ત્રણ કલાક પૂરતા કેદીસ્વરૂપ હોવાથી, આવા સુપર-વાઇઝરો સામે પ્રગટપણે હસી શકતા નથી.

‘ભાઇ’ અને શાર્પશૂટર

સુપરવાઇઝરોનો એક વર્ગ કમરે બંદૂક લટકાવીને ફરતા ટપોરી જેવી માનસિકતા ધરાવે છે. વાતે વાતે ‘ભાઇ’નો હાથ બંદૂક પર જાય તેમ, આવા સુપરવાઇઝરો પૂર્ણવિરામની જગ્યાએ એક જ ધમકી ઉચ્ચારે છે: ‘કોપીકેસ થઇ જશે.’

દા.ત.‘મોબાઇલ જોડે હશે, તો કોપીકેસ થઇ જશે..સરખા નહીં બેસો, તો કોપીકેસ થઇ જશે... પાછળ જોશો, તો કોપીકેસ થઇ જશે... આગળ જોશો, તો કોપીકેસ થઇ જશે... બેન્ચમાં વચ્ચે બેસવાને બદલે બાજુ પર બેસશો તો કોપીકેસ થઇ જશે... પેપરમાં લીટી સરખી પાડશો, કોપીકેસ થઇ જશે...’ તેમનું આ રટણ એવી રીતે ચાલે છે કે કેટલાક વિદ્યાર્થીઓને બીક લાગે છેઃ સાહેબ ક્યાંક એવું ન કહી દે કે ‘ખબરદાર, શ્વાસ બહાર કાઢ્‌યો છે તો કોપીકેસ થઇ જશે...ને અંદર લીધો છે તો પણ કોપીકેસ થઇ જશે...’

લક્ષણો પરથી સ્પષ્ટ છે કે આ પ્રકારના સુપરવાઇઝર માટેનું વિશેષણ ‘ભાઇ’ જાતિસૂચક નથી. બહેન સુપરવાઇઝર પણ ‘ભાઇ’ હોઇ શકે છે.

‘ભાઇ’માં એક પેટાપ્રકાર ‘શાર્પશૂટર’નો હોય છે. તે જાહેર જનતાજોગ ધમકી આપવાને બદલે, ચોક્કસ નિશાન તાકીને કહે છે, ‘એય ગુલાબી લાઇનિંગ, હવે બોલ્યો છું તો પેપર લઇ લઇશ’ અથવા ‘એય બ્લેક ટીશર્ટ, હવે પાછળ જોયું છે તો...’ અથવા ‘એ વ્હાઇટ શર્ટ,..’ આવું કંઇ પણ બોલાય, વિદ્યાર્થીઓને તો ‘ટપકા ડાલુંગા’ જ સંભળાય છે.

મહેણાંમારુ

મહેણાં મારવાની બાબતમાં કેટલાક સુપરવાઇઝરોનો એવા પાવરધા હોય છે કે સ્ટીરીયોટાઇપ સાસુ-નણંદો તેમની આગળ પાણી ભરે. ‘પીનેવાલેકો પીનેકા બહાના ચાહીએ’ની જેમ મહેણાંમારુ સુપરવાઇઝરો ગમે ત્યાંથી મહેણાં મારવાનાં નિમિત્ત ઉભાં કરી લે છે. સામે બેઠેલા વિદ્યાર્થીઓ નાના હોય તો એ કહેશે, ‘હજુ ડેંટીયાં જેવડાં છો ને ચોરીઓની આશા રાખો છો? તો મોટાં થઇને શું કરશો?’    પરીક્ષાર્થીઓની ઉંમર વધે, તેમ મહેણામારુઓ ખીલે છે. કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને જોઇને એ કહે છે,‘આ વખતો તો તમે મત પણ આપ્યો હશે અને હવે ચોરીઓની આશા રાખો છો?’ આ બન્ને બાબતો વચ્ચે શો સંબંધ છે એ સમજવું પરીક્ષાર્થીઓને કઠણ પડે છે, પણ મહેણામારુઓને તેથી કશો ફેર પડતો નથી.

પહેલાંના વખતમાં ગામડાના લોકો શહેરી લોકોને ભેખડે ભરાવવા માટે ગમે તે વાતમાં ‘તમારા જેવા ભણેલાગણેલા થઇને..’ એવું મહેણું મારીને તેમને પછાડી નાખતા હતા. એવી જ રીતે આ પ્રકારના સુપરવાઇઝરો ‘તમને- આટલા મોટા વિદ્યાર્થીઓને કહેતાં પણ અમને શરમ આવે છે’ એમ કહીને, વિદ્યાર્થીઓને શરમમાં નાખવાનો અને એક જવાબદાર નાગરિક તરીકે તેમની જવાબદારીનું ભાન કરાવવાનો પ્રયાસ કરે છે, પણ તેમાં બહુ સફળતા ન મળતાં, ન્યૂઝચેનલની નીચે ચાલતી સમાચારપટ્ટી (સ્ક્રોલ)ની જેમ, તેમનું આ વિધાન દર થોડા વખતે પુનઃપ્રસારિત થતું રહે છે.

‘કલાપી’-કમ-‘કબીર’

‘રે પંખીડાં, સુખથી ચણજો’ (‘કલાપી’) અને ‘રામકી ચિડીયા, રામકા ખેત, ખા લો ચિડીયા, ભર ભર પેટ’ જેવી ફિલસૂફી ધરાવનારા સુપરવાઇઝર, ભલે ઓછી સંખ્યામાં, પણ હોય છે ખરા. તેમને મન આ સંસાર એક માયા હોય છે. ‘શું લાવ્યા ને શું લઇને જવાના?’ એવી અનુભૂતિ તેમના ચિત્તમાં કાયમ માટે ઠરેલી હોય છે. ‘કાપલી લઇને આવ્યા ને માર્ક લઇને જવાના’ એવી પરીક્ષાર્થીઓની સંકુચિત દુનિયાદારી તેમને સ્પર્શતી નથી. એટલે વિદ્યાર્થીઓની ચોરી કે અંદરોઅંદરની વાતચીત પ્રત્યે તે અનુકંપાથી જુએ છે.

કોઇ તેમને યાદ કરાવે કે ‘વિદ્યાર્થીઓને ચોરી કરવા ન દેવી એ તમારી ફરજ છે’ ત્યારે, ગાંધીજીના સત્યાગ્રહ વખતે અંગ્રેજી રાજની નોકરીઓમાંથી રાજીનામાં આપનારા મુખી-તલાટીઓ જેવો ભાવ તેમના મનમાં છવાઇ જાય છે. તેનો અર્થ હોય છેઃ ‘માસુમ, કાચાં-કુંવારાં બાળકો પર જુલમ કરવો એ જ ફરજ ગણાતી હોય, તો હું ફરજદ્રોહી બનવાનું વધારે પસંદ કરીશ.’ ઘણા એવું માની લેવા પ્રેરાય છે કે મમતાભર્યા હૃદયને કારણે સાહેબો કરતાં બહેનોમાં આ લક્ષણ વધારે જોવા મળે છે. પરંતુ છેવટે આ હૃદયનો મામલો છે. તેમાં જાતિ જેવા ભેદભાવ ગૌણ બની જાય છે. એટલે બહારથી નમણાં-નાજુક-માયાળુ દેખાતાં બહેનો શિસ્તના મામલે ‘હંટરવાલી’ નીવડી શકે છે અને ચહેરેમહોરે રૂક્ષ ભાઇં ‘જાવ તમતમારે, જલસા કરો.  બસ, અવાજ કર્યા વિના જે કરવું હોય તે કરજો.’ એવું અભયવચન આપી શકે છે.

તાજા રંગરુટો

અંગ્રેજીમાં નવા ‘રીક્રુટ’ માટે ગાંધીયુગમાં વપરાતો શબ્દ હતોઃ રંગરૂટ. પરીક્ષામાં કેટલીક વાર મુખ્ય સુપરવાઇઝર મોટા સ્ટારની જેમ સેટ પર આવીને પોતાના ડાયલોગ બોલી જાય, પછી બાકીનો સમય પરીક્ષાર્થીઓને રંગરૂટોના હવાલે કરવામાં આવે છે. અમૂલ ચોકલેટની જૂની પંચલાઇન પ્રમાણે, ‘ટુ ઓલ્ડ ફોર સ્ટુડન્ટ, ટુ યંગ ફોર સુપરવાઇઝર’ જેવા આ રંગરુટો ચહેરા પરથી નિર્દોષ-માસુમ અને વહાલથી ટપલી મારીને બોલતા બંધ કરી દેવાનું મન થઇ આવે એવા હોય છે. પરંતુ સત્તા ભલભલાને અભડાવતી હોય તો આ રંગરુટોનું શું ગજું? તેમાંથી ઘણા ત્રણ કલાક માટે મળેલી સત્તાના નશામાં મહાલે છે અને ખોટેખોટો કડપ બતાવવાના નિષ્ફળ પ્રયાસ કરે છે. તેમની અસલી સત્તા અને છેવટનું શસ્ત્ર ‘સાહેબને બોલાવીશ’ જ હોય છે. એટલે પરીક્ષાર્થીઓ તેમની દયા ખાઇને, તેમને વઘુ પરેશાન કરવાનું માંડવાળ કરે છે.

4 comments:

 1. hahaha... Interesting subject and article :)

  ReplyDelete
 2. હા ....હા .....હા ....હા ....સુપર્બ,.....

  "પરીક્ષાર્થીઓની ગંભીર મુખમુદ્રા જોઇને તેમને લાગે છે કે વક્તવ્યની ધારી અસર પડી રહી છે. હકીકતમાં પરીક્ષાર્થીઓ પેપર કેવું નીકળશે અને તેમાં નહીં તૈયાર કરેલા સવાલ અચૂક પુછાશે, એવી પાકી આશંકાને કારણે ગંભીર હોય છે...

  મજા આવી ગઈ ....ઉર્વીશભાઈ ...પરિક્ષા ખંડ માં ખોવાઈ ગયો ....જયારે પણ પરિક્ષા ખંડ માં ગણિત નું પેપર આવે ત્યારે મને એમ લાગતું કે બેઠેલાં આ બધા પરીક્ષાર્થીઓ માં સૌથી ડોબો પરીક્ષાર્થી હું જ છું.

  ReplyDelete
 3. Anonymous5:42:00 PM

  Urvish, thank you.

  'શિક્ષણ અને આપને કેટલું મેળવ્યું' તે ગંભીર વિષય ઉપર એક લેખ લખશો જેથી વિદ્યાર્થી, શિક્ષક, વહીવટદાર, સરકાર, Educationalist તથા અન્યો ની સમજણ માં પુષ્ટિ થાય। આભાર

  ReplyDelete
 4. ભરતકુમાર ઝાલા10:00:00 PM

  વાંચતા વાંચતા ઘણી જગ્યાએ મરક મરક નહીં, પણ ખડખડાટ હસી પડાયું. આજકાલ શિક્ષણની હાલત જોતા આમ જ હસી પડવું- એ એક જ વિકલ્પ દીસે છે.

  ReplyDelete