Thursday, January 10, 2013

કળિયુગનાં કેટલાંક સનાતન સત્ય


મોટિવેશનલ, સ્પિરિચ્યુઅલ, ઇન્સ્પીરેશનલ- આ પ્રકારનાં વિશેષણ ધરાવતાં સેમિનાર, પુસ્તકો, કાર્યક્રમોનું બજાર ગરમાગરમ છે. આંબાઆંબલીની ખેતી બારમાસી થઇ ગઇ છે. પરંતુ તેમાં જીવનનાં અસલી રહસ્યો, વ્યવહારુ સત્યો અને રોજિંદી જિંદગીને  સ્પર્શતી બાબતોનો ભાગ્યે જ સમાવેશ થતો હોય છે. તેમાં આપણે શું કરવું જોઇએ એ બહુ કહેવાતું હોય છે - અને એવી ગળા સુધીની ખાતરી સાથે જ કે, તમે ભલે અહીં ડોકાં ઘુણાવો, પણ બહાર જઇને તમારાથી આમાંનું કશું જ થવાનું નથી.

એવાં સત્યોમાં વખત બગાડવાને બદલે - કે બગાડી લીધા પછી- થોડાં વ્યવહારુ છતાં સનાતન સત્ય પ્રકારનાં વિધાનો વધારે ચોટદાર લાગે છે. આ એવાં સત્ય છે જેનો છૂટથી પ્રયોગ કરનારને કોઇ હરિશ્ચંદ્ર કહેતું નથી. ખરેખર તો, સત્યવાદી રાજા હરિશ્ચંદ્રે આ સત્યવચનોમાંથી કેટલાકનો પ્રયોગ કર્યો હોત -જેમ કે, તેણે વિશ્વામિત્રની માગણીઓ સ્વીકારવાને બદલે, કહ્યું હોત કે ‘તમને આપેલું વચન ઠીક છે, પણ હવે પહેલાં જેવું ક્યાં રહ્યું છે? બદ્ધા ચોર છે.’- તો તેની ખરાબ દશા ન થઇ હોત.

ખાતરીથી કહી શકાય કે આવો હળાહળ કળિયુગ ન હોત, તો આ બધાં સનાતન સત્યવચનો કોઇ સારા ધર્મગ્રંથમાં સ્થાન પામ્યાં હોત અથવા શ્રીકૃષ્ણે અર્જુનને ગીતાના કોઇ અઘ્યાયમાં સંભળાવ્યાં હોત.

બદ્ધા જ ચોર છે

આર.કે.લક્ષ્મણના એક કાર્ટૂનમાં ચોકીમાં ઉભેલા બે પોલીસ  સામાન્ય માણસની જેમ કાયદો-વ્યવસ્થાની કથળી ગયેલી સ્થિતિ વિશે ચર્ચા કરતા હતા. જાણે કહેતા હોય, જવા દોને, બદ્ધા ચોર છે.

કેટલીક સમસ્યાઓની જેમ તેની પર અપાતા પ્રતિભાવ પણ સનાતન હોય છે. આ એવો એક પ્રતિભાવ છે, જે કોઇ પણ પ્રકારના બનાવો-પ્રસંગોમાં એકસરખી તીવ્રતાથી અને ખોટા પડવાની બીક વિના ફેંકી શકાય છે. વિષય ચાહે પાણીની અછત હોય કે સાહિત્યમાં ઉઠાંતરી, સ્ત્રી પર થતા અત્યાચાર હોય કે સરકારનાં કૌભાંડ.
માતાજીના પરચાનાં પોસ્ટકાર્ડની સાત નકલો કરનારને પુણ્ય મળશે એવું કહેવાય છે, તેમ આ વાક્ય વારંવાર બોલનારને પોતે જાગ્રત નાગરિક હોવાનો ઊંડો સંતોષ મળે છે. ‘હું બઘું જોઉં-જાણું છું. મારા ઘ્યાનબહાર કશું નથી.’ અને ‘બદ્ધા ચોર છે, પછી મારા જેવો એકમાત્ર શાહુકાર માણસ શું કરી લેવાનો? એટલે હું કંઇ કરતો નથી’ એવી જુદી જુદી અર્થચ્છાયાઓ આ સનાતન સત્યવચનમાં સમાયેલી છે. દિવસમાં ઓછામાં ઓછું બે વાર, જમ્યા પછીની ચર્ચામાં આ બોલવાથી પેટ સાફ આવે છે, એવો અનુભવી વૈદ્યોનો અભિપ્રાય છે.

હવે પહેલાં જેવું ક્યાં રહ્યું છે?

ભૂતમાં કેટલા લોકો માને છે એ જાણવું અઘરું છે, પણ મોટા ભાગના લોકો ભૂતકાળમા માનતા હોય છે. ૮૫ વર્ષના દાદા તેમના ૬૦ વર્ષના નિવૃત્ત દીકરાને કહે છે, ‘અમારા જમાનામાં બે પડી રોટલી ને કંસાર-ઘીની નાતો થતી હતી. તારી બા જોડે મારું ગોઠવાયું ત્યારે છેક લગ્ન સુધી મેં એનું મોં જોયું ન હતું. હવે પહેલાં જેવું ક્યાં રહ્યું છે? આપણો નાનો કેવો એની બહેનપણીઓને ઘરમાં લાવે છે. અમારી વખતે આવું કરીએ તો દાદા ટાંટિયા તોડી નાખે.’

૬૦ વર્ષના નિવૃત્ત પિતા તેમના ૩૫ વર્ષના પ્રવૃત્ત પુત્રને કહે છે,‘આવી રીતે ધંધો થતો હશે? અમારા જમાનામાં બે આંખની શરમે કામ ચાલતું હતું. હવે પહેલાં જેવું ક્યાં રહ્યું છે? નાગાઓનું રાજ છે હવે તો..’

૩૫ વર્ષના પ્રવૃત્ત ભાઇ તેમના ટેણીયાને કહે છે,‘આખ્ખો દહાડો ટીવી ને ગેમ. એ સિવાય બીજો ધંધો જ નહીં. અમને તો આંક ના બોલીએ ત્યાં સુધી ખાવાનું જ ન મળે.’ એટલે ટેણીયાની મમ્મી ટાપસી પૂરશે, ‘હવે પહેલાં જેવું ક્યાં રહ્યું છે?’

ટેણીયું વળતા વ્યવહારે પરદાદાને પૂછશે,‘દાદા, પહેલાં કેવું હતું? મારા જેટલા હતા ત્યારે તમને એબીસીડી આવડતી હતી?’
 ‘ના.’
 ‘ગેમ્સ.. ટીવી..મોબાઇલ..?’
 ‘ના.’
 ‘તમે અમારા જેટલી ધમાલ કરતા હતા?’
 ‘હા, તમારાથી વધારે, પણ તમારા બાપાઓની માફક અમારા બાપાઓ ધમાલથી રાજી થવાને બદલે, અમને ઝુડી પાડતા હતા.’
એ સાંભળીને ટેણીયું કહી શકે છે, ‘હવે ખબર પડી કે પહેલાં કેવું હતું. સારું છે, હવે પહેલાં જેવું નથી.’

કોઇ જાણભેદુ હોવો જોઇએ

લાક્ષાગૃહમાં આગ લાગી ત્યારે સહીસલામત રીતે બહાર નીકળતી વખતે ઘુંઆપુંઆ થયેલા ભીમે પૂછ્‌યું, ‘કોનું કારસ્તા હશે આ?’ ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે મંદ મંદ સ્મિત સાથે કહ્યું હતું, ‘કોઇ જાણભેદુ હોવો જોઇએ.’ ફક્ત યુધિષ્ઠિર જ નહીં, કોઇ પણ આર્યપુરૂષ કે આર્યનારી આ સંજોગોમાં આવું જ કહે.

ગુનાખોરીની ઘટનાઓમાં ‘બદ્ધા ચોર છે’ એ સત્ય કામ લાગતું નથી. એટલે ઘટના વિશેની બારીક ચર્ચા અને ગુસપુસ પછી શેરલોક હોમ્સ- જેમ્સ બોન્ડના મિશ્ર લક્ષણો ધરાવનારા સજ્જનો કહે છે, ‘ગમે તે કહો, પણ કોઇ જાણભેદુનું કામ લાગે છે. એ સિવાય આવું થાય નહીં.’ આવું બોલનાર એટલો ગંભીર હોય છે કે ઘણી વાર તે પોતે પોતાના આવા અદ્‌ભૂત નિરીક્ષણ પર ફીદા થઇને વિચારે છે, ‘આટલું ઊંડું અને મૌલિક તારણ આપવા બદલ મને પોલીસમાંથી કે સીબીઆઇમાંથી ઉચ્ચ હોદ્દા માટે કહેણ આવશે તો હું ના પાડી દઇશ. એ બધામાં આપણા જેવા સારા માણસનું શું કામ?’

ભારતમાં સસ્પેન્સ નવલકથાઓ અને ફિલ્મો અમુકથી વધારે લોકપ્રિય થઇ શકી નથી, તેનું સસ્પેન્સ પણ આ સનાતન સત્યમાં છુપાયેલું હોઇ શકે છે. સસ્પેન્સ સ્ટોરીમાં ખૂન થાય એટલે લોકો વિચારતા થઇ જવા જોઇએ કે ખૂની કોણ હશે? એને બદલે મોટા ભાગના લોકો વિચારે છે, ‘નક્કી કોઇ જાણભેદુ હોવો જોઇએ.’

અમે અહીં રહેવા આવ્યા ત્યારે જંગલ હતું, હવે આ એરિયા વચ્ચોવચ આવી ગયો

આ શહેરીકરણ પામેલી સંસ્કૃતિનું અત્યંત પ્રચલિત સનાતન સત્ય છે. શહેરમાં પાંચ વર્ષથી કે પચીસ વર્ષથી રહેતા સૌ કોઇ હકપૂર્વક આ વાત કહી શકે છે. બહારથી શહેરી યજમાનને ત્યાં આવેલા લોકોને આ સત્ય અચૂક સાંભળવા મળે છે. પુખ્ત વયના યજમાનો આવું કહે ત્યારે તેમાં થોડો ગૌરવનો પણ ભાગ હોય છે કે ‘આ જંગલને આબાદ કરવામાં અમારો પણ ફાળો છે. અમે હંિમત ન કરી હોત તો હજુ અહીં વરૂ-શિયાળવાં ફરતાં હોત.’ કેટલાક શહેરી યજમાનોના ઘરમાં સભ્યોની  અને ખાસ કરીને બાળવર્ગની અસભ્ય રીતભાત જોયા પછી મહેમાનો મનમાં વિચારે છે, ‘તમારો વિસ્તાર ભલે વચ્ચે આવી ગયો, પણ જંગલના સંસ્કાર તમારા ઘરમાંથી છેક નીકળ્યા નથી.’ અને પ્રગટપણે ઉત્સાહથી યજમાનની વાતને ટેકો આપતાં કહે છે, ‘હા, અહીં પહેલાં જંગલ હશે એ તો લાગે જ છે.’

7 comments:

  1. Anonymous8:59:00 AM

    કળિયુગનાં તમે જણાવેલા -તથા અન્ય ઘણા બધા- સનાતન સત્ય અમે પણ જાગૃત-અજાગૃત પણે સતત બોલતા હોવાથી તમારા વિચારો માણ વાની સાથે સાથે સમજવામાં પણ ઘણી સરળતા રહી ! અમે પણ આ શ્રેણી નાં અન્ય - ખાસ તો અમે પાલન કરતા તેવા- સત્ય નું લીસ્ટ બનાવી જ લઈશું અને અમારી અંદર છુપાયેલા સંશોધક ને પણ બહાર કાઢીશું !... વાહ વાહ ,ક્યાં બાત હૈ ! -Malay,Bharuch.

    ReplyDelete
  2. Brilliant- Humorous article-

    અમે અહીં રહેવા આવ્યા ત્યારે જંગલ હતું, હવે આ એરિયા વચ્ચોવચ આવી ગયો

    Made me laugh.

    ReplyDelete
  3. ‘તમારો વિસ્તાર ભલે વચ્ચે આવી ગયો, પણ જંગલના સંસ્કાર તમારા ઘરમાંથી છેક નીકળ્યા નથી.’
    Too Good...

    ReplyDelete
  4. ‘ગમે તે કહો, પણ કોઇ જાણભેદુનું કામ લાગે છે. એ સિવાય આવું થાય નહીં.’ આવું બોલનાર એટલો ગંભીર હોય છે કે ઘણી વાર તે પોતે પોતાના આવા અદ્‌ભૂત નિરીક્ષણ પર ફીદા થઇને વિચારે છે, ‘આટલું ઊંડું અને મૌલિક તારણ આપવા બદલ મને પોલીસમાંથી કે સીબીઆઇમાંથી ઉચ્ચ હોદ્દા માટે કહેણ આવશે તો હું ના પાડી દઇશ. એ બધામાં આપણા જેવા સારા માણસનું શું કામ?’ Hilarious, hilarious!!!

    ReplyDelete
  5. saro સારો લેખ છે , સાથે આપને એક સજેશન , તમારા ફેસબુક એકુંત માં તમારા જે સ્ટેટસ છે એમાં અમે કોમેન્ટ નથી કરી શકતા , જો કોઈ પ્રોબ્લેમ ના હોય તો કોમેન્ટ કરી શકીએ એવા સેતીન્ગ્સ રાખો એ વધુ સારું , જેથી અમારા જેવા જે ફ્રેન્ડ નથી બની શકતા એ પણ કોમેન્ટ તો કરી શકે

    ReplyDelete
  6. થેન્ક્સ દિયા શાહ,
    હું ખરેખર ઇચ્છું છું કે સબસ્ક્રાઇબર્સ કમેન્ટ કરી શકે.
    તકલીફ એક જ છે કે ફેસબુકની કમેન્ટમાં કાં 'ઓપન ફોર ઓલ' રાખી શકાય છે કે પછી ફક્ત 'ફ્રેન્ડ્સ' માટે. હું 'ફ્રેન્ડ્સ પ્લસ સબસ્ક્રાઇબર્સ'માટે રાખવા ઇચ્છું છું, પણ એવી સુવિધા નથી. અને 'ઓપન ફોર ઓલ' કરવામાં ભૂતકાળના અનુભવો સારા નથી. કારણ કે પ્રજા ગમે તેવો કચરો ઠાલવી જાય છે ને હું ચોવીસે કલાક એની સાફસફાઇ કરવા ફેસબુક પર હોતો નથી. આશા છે કે મારો ખચકાટ તમે સમજી શકશો.

    ReplyDelete
    Replies
    1. diyashah4:11:00 PM

      ઉર્વીશભાઈ એ વાત પણ સાચી , કેટલાક તત્વો ને વિવેક બુદ્ધિ નથી

      Delete