Thursday, January 24, 2013

બાયો-ડેટાની કળાઃ અરે દીવાનોં, મુઝે પહચાનો..

એ જમાનો ગયો, જ્યારે બાયો-ડેટાની જરૂર લોકોને ફક્ત નોકરી કે 'લગ્નવિષયક' માટે પડતી હતી. એવાં કામ માટેના પરિચય મોટે ભાગે કલ્પનાશીલતાને બદલે કારકુની ભાવથી તૈયાર કરાતા હતા. ઇસમની પ્રાથમિક વિગતો, બહુ તો શોખની વાત, થોડાં હોંશીલાં જનો યુવક મહોત્સવમાં કે સ્કૂલની સ્પર્ધામાં મેળવેલા ઇનામની વિગત પણ મૂકે. બસ. બાયો-ડેટા પૂરો.

હવેના સમયમાં છાકા પાડવા ઇચ્છતાં તમામ ઉંમરનાં બાબા-બેબીઓ માટે આવો પરિચય બિલકુલ ન ચાલે- અને બધાના બાયો-ડેટામાં અસાધારણ વિગતો ક્યાંથી લાવવી? મહાન દેખાવું છે એ હકીકત છે. બાયો-ડેટામાં નક્કર સિદ્ધિઓ નથી, એ પણ એટલું જ સાચું છે. છતાં છવાઇ જવું છે એ દિલી તમન્ના છે, તો શું કરવું?

હતાશ થવાની જરૂર નથી. કેટલાક જૂના-નવા મશાલચીઓએ પોતાનાં વખાણની બાબતમાં હૈયું બાળવાને બદલે હાથ બાળીને, આ દિશામાં અજવાળું પાથર્યું છે. સમજદાર લોકોમાં હાસ્યાસ્પદ-હાંસીપાત્ર બનીને પણ એ લોકો બાયો-ડેટા 'બનાવવાના' રસ્તે આગળ વધ્યા, એ બદલ તેમને ધન્યવાદ આપવા જોઇએ.  

સામાન્ય રીતે બાયો-ડેટા વ્યક્તિગત મામલો હોય છેઃ એક વ્યક્તિ આપે ને બીજો વાંચે, પણ જાહેર સમારંભોમાં તે 'પરિચય' નો દરજ્જો પામીને જાહેર હિતનો મુદ્દો બની જાય છે. વક્તાના પરિચય અને અનુસંધાન કાઢવું પડે એટલા લાંબા બાયો-ડેટાથી ત્રાસેલા શ્રોતાઓ એ મુદ્દે જાહેર હિતની અરજી કરતા નથી, એ તેમની ઉદારતા છે. આવા ત્રાસદાયક બાયો-ડેટાવાચન ઉર્ફે પરિચયનો મુખ્ય આશય શ્રોતાવર્ગના મનમાં એવું ઠસાવવાનો હોય છે કે 'જુઓ, તમારા મનોરંજન માટે અમે સાયકલ ચલાવતા રીંછ, ક્રિકેટ રમતા બંદર  કે દરેક સવાલના સચોટ જવાબ આપતા બળદ જેવું પ્રખ્યાત (પણ બેપગું) પ્રાણી લાવીને ખડું કરી દીધું છે. હવે તમે જાણો ને એ જાણે. અમે છૂટા.'

વક્તાઓ પોતાના વિશે ગમે તેટલો ઊંચો અભિપ્રાય ધરાવતા હોય, પણ આગળ જેમની વાત કરી એવા સંચાલકોને- આયોજકોને વક્તાના બાયો-ડેટામાં કે તેમની સિદ્ધિમાં નહીં, કેવળ તેમની ખ્યાતિમાં રસ હોય છે. વક્તાએ ઘણી હોંશથી તૈયાર કરેલો બાયો-ડેટા એ લોકો પોતાની મૌલિક ભૂલોના ઉમેરણ સાથે વાંચી જાય છે. ત્યાર પછી બોલવા ઊભા થયેલા વક્તાની શરૂઆતની ઓવર શુદ્ધિપત્રકમાં ખર્ચાઇ જાય છે. કેટલાક વક્તાઓને લાગે છે કે 'આપણો પરિચય આપવાનું સંચાલકનું શું ગજું?' એટલે, તે પોતાના આખા પ્રવચન દરમિયાન સંચાલક દ્વારા વંચાયેલા બાયો-ડેટાનો દાખલાદલીલો-ઉદાહરણ સાથે અર્થવિસ્તાર કરે છે.

કેટલાક આયોજકો-સંચાલકો તેમના મહેમાન બની ચૂકેલા વક્તાઓના નામોલ્લેખ એવી રીતે કરે છે, જાણે કોઇ શિકારી પોતાના હાથે હણાયેલાં પ્રાણીઓનાં ડોકાં બતાવતો હોય. અમુક આયોજકો વક્તાએ હોંશથી આપેલા લાંબા બાયો-ડેટાનો સહર્ષ સ્વીકાર કરે છે, પણ ખરે વખતે બાયો-ડેટા હાથમાં ભૂંગળાસ્વરૂપે રહી જાય છે અને આયોજક કે સંચાલક 'ફલાણાભાઇનો પરિચય આપવાની તો જરૂર જ ન હોય' એમ કહીને લાંબો પણ અદ્ધરતાલ પરિચય આપવા બેસી જાય છે. સૌથી લોકપ્રિય અને બધાને બંધ બેસે એવું વિશેષણ એટલે 'ચિંતક'. કારણ કે ચિંતક હોવા માટે કોઇ ડિગ્રીની જરૂર નથી. મધ્ય ગુજરાતમાં ખમણહાઉસ અને સૌરાષ્ટ્રમાં ગાંઠિયાની દુકાનો કરતાં વધારે સંખ્યામાં ચિંતનની દુકાનો ગુજરાતમાં ચાલે છે. એટલે એ વિશેષણ સહેલાઇથી લોકોના ગળે ઉતારી શકાય છે.

'છોરુ કછોરુ થાય, પણ માવતરથી કમાવતર ન થવાય' એવી ભારતીય પરંપરા પ્રમાણે, આયોજકો વક્તાના બાયો-ડેટાનું જે કરવું હોય તે કરે, પણ તેથી કરીને વક્તાઓથી પોતાનો બાયો-ડેટા બનાવવામાં કચાશ ન છોડાય. વક્તા ફક્ત પરિચય નહીં, પોતાનાં વખાણ લખી આપે તેમાં કોઇને અસલામતીનાં દર્શન થાય, તો કોઇને ફૂંફાડા મારતી લઘુતાગ્રંથિનાં. પણ એની ચિંતા નહીં. શ્રોતાઓમાં માનસશાસ્ત્રીઓ કેટલા હોવાના? તેમની પરવા કર્યા વિના, કેવી રીતે બાયો-ડેટા - અને બાયો-ડેટા થકી શ્રોતાઓને- બનાવી શકાય? ગુજરાતમાં પ્રચલિત કેટલીક તરકીબઃ

અસંબદ્ધ માહિતી
'ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર', એમ નવી કહેણી છેઃ આંકડાબાજી વિના બાયોડેટા અસાર. ઉમાશંકર જોશીએ લખ્યું હતું, 'એ તે કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી?' એ તરાહ પર કહી શકાય, 'એ તે કેવો બાયો-ડેટા, જે હો કેવળ બાયો-ડેટા?' તેમાં ભભક અને વજન ઉમેરવા માટે આંકડાનો છંટકાવ કરી શકાય. જેમ કે, બાયો-ડેટામાં જ લખી દેવાનું: 'મારા ઘરમાં રૂમે રૂમે ડીવીડી પ્લેયર છે. મારા કમ્પ્યુટરમાં ફિલ્મ જોવાના આઠ જુદા જુદા સોફ્ટવેર છે. એટલે મારે કબૂલવું જોઇએ કે ફિલ્મોમાં મારી માસ્ટરી છે. ફિલ્મો વિશેના મારા અભિપ્રાયો રોહિત શેટ્ટીથી સ્ટીવન સ્પીલબર્ગ સુધીના સૌ કોઇ એકસરખા માનથી જુએ છે. મારો લખેલો એક અભિપ્રાય વાંચીને સ્પીલબર્ગ ગુજરાત આવવા તૈયાર થઇ ગયા હતા. પછી મેં રોક્યા અને કહ્યું કે તમે ખર્ચો કરીને શું કામ આવો છો? આપણે મોરારીબાપુને કહીને તમારા માટે એકાદ એવોર્ડનું જ ગોઠવી દઇશું.' ભારતની એ કમનસીબી ગણાય કે આ ક્ષેત્રમાં આગામી પચાસ-સો વર્ષમાં મને આંટી શકે એવું કોઇ નજરે ચડતું નથી. એટલે ન છૂટકે મારે એટલાં વર્ષ સુધી નંબર વનનું પદ ભોગવ્યે જ છૂટકો છે. તમારા સૌની શુભેચ્છાઓ બદલ થેન્ક્સ.

આંકડાબાજી
કેટલાક શ્રોતાઓ કેવળ અસંબદ્ધ માહિતીથી અંજાતા નથી. તેમને લાગે છે કે શેટ્ટીથી સ્પીલબર્ગ સુધીના લોકો આ જણના અભિપ્રાયને એકસરખા ઉત્સાહથી કચરાટોપલીમાં નાખતા હશે. એટલે કહેવાય તો એવું જ કે એ લોકો તેને એકસરખું માન આપે છે.
આવા લોકોને પાડવા માટે બીજો દાવ હાજર છેઃ આંકડાની રમત. દા.ત. અત્યાર સુધી મેં બે લાખ સિત્તેર હજાર આઠસો નેવુ શ્રોતાઓ સમક્ષ પ્રવચન આપ્યું છે... મારી ઉંમર બાર હજાર આઠસો એક દિવસની છે... મારી ગાડી સત્તરની એવરેજ આપે છે...મારે ત્યાં સડસઠ દેશનાં ત્રણસો ત્રેવીસ છાપાં આવે છે (કારણ કે મારા કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ છે ને તેની પર આટલાં છાપાંની વેબસાઇટ તો હશે જ)...મારી પાસે રહેલાં બધાં પુસ્તકનો હું ઢગલો કરું તો એ ચંદ્ર સુધી પહોંચે. (ઢગલાની શરૂઆત ક્યાંથી થાય તેની ચોખવટ કરવી નહીં...આમ પણ બાયો-ડેટા ક્યાં સ્ટેમ્પ પેપર ઉપર આપવાના હોય છે!)

આંકડાના વરસાદથી મોટા ભાગના શ્રોતાઓનું મગજ બહેર મારી જશે. તેમની વિચારશક્તિ 'આ દાવો સાચો હોય તો પણ તેનાથી ખરેખર શો ફરક પડે છે?' એ વિચારવાને બદલે, 'ત્રણસો ત્રેવીસ છાપાં એટલે કેટલાં બધાં કહેવાય? આપણાથી તો એક પણ વંચાતું નથી.' એવી દિશામાં ચાલવા લાગશે. એ જ તો બાયો-ડેટા બનાવવાનો આશય હોય છે.  

સર્વજ્ઞાતા
આ તરકીબ આગળનાં અસ્ત્રની અવેજીમાં નહીં, પણ તેની સાથે વાપરવાની છે. આંકડા કે માહિતી કોરેકોરાં હોય તો કદાચ પચવામાં ભારે પડે. પણ તેની પર ચીઝના છીણની જેમ સર્વજ્ઞતા ભભરાવવાથી તે સહેલાઇથી ગળે ઉતરી જાય છે. જેમ કે, આર્થિક મંદીની વાત નીકળે ત્યારે કહી દેવાનું, 'મેં તો યુરોપીઅન યુનિયન બન્યું ત્યારે જ આ કહી દીધું હતું.' પાકિસ્તાનની અવ્યવસ્થા વિશે 'મેં તો બેનઝીર હતી ત્યારે જ કહી દીધું હતું કે તમે જુઓ સાહેબ, દસ વર્ષમાં આ દેશની દશા.' અથવા દિલ્હીની યુવતીના મુદ્દે કહેવાનું, 'મેં સત્તર વર્ષ પહેલાં આવો એક અત્યાચાર થયો ત્યારે કહેવા જેવું બધું જ કહી નાખ્યું હતું. હવે એમાં શું નવું કહેવાનું? પછી મને થયું કે (મારો માનસિક વિકાસ અટકી ગયો છે પણ) તમારામાંથી ઘણા નવા હશે. એટલે હું ફરી કહું છું.'

ટૂંકમાં, તમારો બાયો-ડેટા વાંચનાર કે સાંભળનારને થવું જોઇએ કે આ ભાઇએ મહાત્મા ગાંધીને ૧૯૧૫માં કહી દીધું હશે, 'તમે ખોટ્ટા મંડાણા છો. બીજા વિશ્વયુદ્ધ પછી અમસ્તી આઝાદી મળી જ જવાની છે.'

4 comments:

 1. Dhaivat Trivedi9:46:00 PM

  એકદમ મજેદાર.... સખત હસાવ્યા છે તમે... :-D

  ReplyDelete
 2. Anonymous11:52:00 AM

  Here in US - it's called Personal Branding and people officially encourage you to talk about yourself and create your own "brand". It's quite annoying in short :-)

  SP

  ReplyDelete
 3. ટૂંકમાં, તમારો બાયો-ડેટા વાંચનાર કે સાંભળનારને થવું જોઇએ કે આ ભાઇએ મહાત્મા ગાંધીને ૧૯૧૫માં કહી દીધું હશે, 'તમે ખોટ્ટા મંડાણા છો. બીજા વિશ્વયુદ્ધ પછી અમસ્તી આઝાદી મળી જ જવાની છે.'
  superb sir

  ReplyDelete
 4. Very funny article Urvishbhai. But very short, bio data part 2 lakho to vadhre maza aavse.

  ReplyDelete