Sunday, November 11, 2012

ફિલ્મઉદ્યોગની શતાબ્દિનો અજાણ્યો ખૂણો: મૂંગી ફિલ્મો, બોલકી જાહેરખબરો



સમય, સમાજ અને પ્રચલિત ભાષાનું પ્રતિબિંબ સાહિત્યમાં, સમાચારોમાં અને લખાણોમાં શોધવાની પ્રથા જાણીતી છે. આ યાદીમાં જાહેરખબરોનો ભાગ્યે જ સમાવેશ થાય છે.

જાહેરખબરો- એડવર્ટાઇઝમેન્ટ્‌સ નથી કળા કે નથી સાહિત્ય. તેમાં સમાચાર પણ નથી હોતા ને સચ્ચાઇ પણ ઘણી વાર સંદેહાસ્પદ હોય છે. એ બઘું બરાબર. છતાં, જાહેરખબરોમાં વીતેલા સમયની ઘણી રંગછટાઓ ભળેલી હોય છે. માત્ર ધંધાદારી કે ‘પેઇડ’ હોવાને કારણે, તેમનું મૂલ્ય ઓછું આંકી શકાય નહીં. હા, એ માપવા માટેની ફૂટપટ્ટી જરા બદલવી પડે.

જેમ કે, ફિલ્મની જાહેરખબરો. એ કામ હવે મોભાદાર અને સર્જકતા માગી લેતું ગણાય છે. તેમાં છાપાં-સામયિકો ઉપરાંત વિડીયો, રેડિયો અને ઇન્ટરનેટ જેવાં માઘ્યમોનો ઉમેરો થતાં, જાહેરખબરોનું સ્વરૂપ બદલાયું છે. પરંતુ ભારતમાં ફિલ્મોનો આરંભ થયો ત્યારે પ્રસારમાઘ્યમોનો વ્યાપ - અને સાક્ષરતાનું પ્રમાણ- આટલાં વિશાળ ન હતાં. વર્ષો સુધી ફિલ્મ અને તેની સાથે સંકળાયેલી તમામ બાબતો પ્રત્યે કહેવાતો ‘સભ્ય સમાજ’ નાકનું ટીચકું ચઢાવતો હતો. પ્રતિષ્ઠિત ગણાતાં સામયિકોને ફિલ્મોની જાહેરખબરો છાપવામાં શરમ આવતી હતી ને હીણપત લાગતી હતી. પરંતુ ‘વીસમી સદી’ (હાજી મહંમદના મૃત્યુ પછી તેમના પુત્રે ચાલુ કરેલો બીજો અવતાર), ‘બે ઘડી મોજ’ જેવાં સાહિત્યિકતાના ભાર વગરનાં ભેળપુરી સામયિકોને એવો કોઇ છોછ નડતો ન હતો.


પરિણામે, ફિલ્મઉદ્યોગનાં ૧૦૦ વર્ષ નિમિત્તે જૂની- ખાસ કરીને બોલતી ફિલ્મ પહેલાંના સમયની જાહેરાતો શોધવાની થાય, ત્યારે એ ગાળાનાં ‘કુમાર’ જેવાં માતબર સામયિકો ખપ લાગતાં નથી ને ‘પરચૂરણ’ ગણાયેલાં સામયિકો ઘણુંખરું જોવા મળતાં નથી.  અખબારોમાં ફિલ્મની જાહેરખબરો આવતી હતી, પણ જાહેર પુસ્તકાલયોના સંગ્રહમાં એટલાં જૂનાં અખબાર મળે નહીં.

ભારતની પહેલી બોલતી ફિલ્મ ‘આલમઆરા’ ૧૯૩૧માં રજૂ થઇ. ત્યાર પહેલાં ૧૯૧૩થી મૂંગી ચાલુ થયેલી મૂંગી ફિલ્મોનો દૌર કેવો હતો? એ ઇતિહાસ પર પ્રકાશ પાડતાં થોડાં સંશોધન થયાં છે, પણ જાહેરખબરોના માઘ્યમથી એ સમય તપાસવાની જુદી જ મઝા છે. તેમાં આઠ-નવ દાયકા પહેલાંની ફિલ્મી દુનિયા ઉપરાંત એ સમયની ગુજરાતી ભાષા તથા પ્રચારના તરંગતુક્કાગતકડાંનો પણ આબાદ અને કંઇક અંશે રમૂજી ખ્યાલ મળે છે.

જેમ કે, માર્ચ ૧૯૨૮માં છપાયેલી ‘કોહિનૂર ફિલ્મ કંપની’ની  ‘વીરાંગના’ ફિલ્મની જાહેરખબર. તેના લખાણમાં મથાળે આગાહી કરવામાં આવી છે, ‘આ અઠવાડીયામાં- સીનેમા બજારમાં મોટી ઉથલપાથલ થશે તમાશબીનોનાં ટોળેટોળાં સીનેમા મેજેસ્ટીકમાં ઉતરી પડશે. કારણ- ગંજાવર ખરચે તૈયાર કરેલી મી.દવેની લખેલી નવી કોહીનુર ફીલ્મ- વીરાંગના.’ (જોડણી અસલ પ્રમાણે) ‘આ અઠવાડીયામાં જ રજૂ થઇ છે કે જેમાં જાણીતા નટ મી.ખલીલ, મી. ગનીબાબુ ને મુંબઇની રંગભુમીનો માનીતો કોમેડીયન શીવોભાઇ, મીસ યકબાલ, મીસ હીરા વીગેરે કમાલ કરે છે.’

જાહેરખબરમાં હજુ વજન ખૂટતું હોય તેમ, તળીયે ઉમેરવામાં આવ્યું છે,‘આ ફીલ્મમાં ૧૦૦૦ આદમી, ૫૦૦ પોઠીયા, ૨૦૦ ઘોડા, ૧ ઊંટ, ૧ હાથીનો ઉપયોગ કરી આરય (આર્ય) રમણીઓનાં શીયળ, વીરતા, ક્ષમા ને ગૃહીણીના ઉચ્ચ ગુણોની અદ્‌ભૂત આદર્શ ઘટના રજુ કરવામાં આવી છે.’

સાર્થ જોડણી કોશ તૈયાર થયો એ પહેલાંની આ જાહેરખબરોમાં જોડણીની અને ભાષાની અપરંપાર અરાજકતા જોવા મળે છે. (એનો અર્થ એમ નહીં કે પછી એ સુધરી ગઇ.) ‘કોહિનૂર’ની જ ૧૯૨૯ની ફિલ્મ ‘વીરપૂજન’ની જાહેરખબરમાં લખ્યું છે, ‘આ ફિલ્મ ત્હમને ખરેખરા અભિનય અને લલિત્વનું ભાન કરાવશે...માટે બઘું ભૂલજો! પરંતુ આ અઠવાડીએ આ ફીલ્મ જોવાનું રખે ચૂકતા’ એવી તાકીદ કરવામાં આવી છે.


સામાજિક સમસ્યાઓના નામે ફિલ્મની જાહેરાતોમાં થતી મસાલેદાર રજૂઆતો પણ અત્યારે મનોરંજક લાગે એવી છે.  કનૈયાલાલ મુનશીની નવલકથા પરથી ‘કૃષ્ણ ફિલ્મ કંપની’એ બનાવેલી ફિલ્મ ‘કોનો વાંક?’ (૧૯૨૯)ની જાહેરખબરના મથાળે લખ્યું છે, ‘હિન્દુ સમાજ માને છે- શું? યુવતિ વિધવા એટલે સંસારની પતિતા, સમાજ ત્હેને અધઃપતનની ઉંડી ગર્તામાં હોમી દે છે. એવી સંસારની પતિત કહેવાતી વિધવાની કરૂણ કહાણી ત્હમે કોઇ વખત સાંભળી છે?’  મોટા અક્ષરે ફિલ્મનું નામ લખ્યા પછી બે જ લીટીમાં અપાયેલો કથાસારઃ ‘એક વિધવાનો એક એક આંસુ સમાજનું નખ્ખોદ વાળવાનો ભયંકર ઘોરી શાપ આપી રહ્યો છે. અહા! એ વિધવાનો કરૂણ અવાઝ અને ચિતાર જોવો હોય તો, જરૂર ત્હમારા કુટુંબ સહિત આ ફિલ્મ જોવાને ચૂકવું નહિં.’

ફિલ્મની જાહેરખબરના મથાળે પંક્તિઓ કે નવા-જૂના દુહા મૂકવાનું ચલણ ઘણી જાહેરખબરોમાં જોવા મળે છે. ‘સુરેશ ફીલ્મ્સનું માસ્તરપીસ પ્રોડક્ષન’ ગણાવાયેલી ૧૯૩૦ની ફિલ્મ ‘સોનેરી ખંજર’ની જાહેરખબરમાં મથાળે પંક્તિઓ છેઃ ‘ખેલાડી પેંતરા જાણે, બીજા ખેલાડીના/ અંધારે પણ ઉંદરને, શોધશે ડોળા બિલાડીના’. આવી ‘ભેદી’ પંક્તિ પછી એક શ્વાસે રજૂ થયેલો ફિલ્મનો કથાસાર, ‘મુતસદીગીરીનો મહાન ઉસ્તાદ મુછ પર લીંબુ ઠરાવનાર બાપ, પોતાની સગી પુત્રીને રાજ ખટપટની શેતરંજની એક સોગઠી બનાવી બે ભાઇ વચે એક વેશયા તરીકે વેચાવી પોતાનો અધઃપાત સોનેરી ખંજરથી કરી મૂકે છે તેનો ત્રાસ- અતી ત્રાસ- દારૂણ ત્રાસ ઉપજાવતો ચીતાર રજૂ કરતું...’

‘મિત્ર મિત્રમાં ફેર છે, બહુધા મતલબી માન/ સમય પરે પરખાય છે, સન્મિત્ર કે શયતાન!’ એવી પંક્તિના મુગટ સાથે આવેલી ‘સન્મિત્ર કે શયતાન’ (૧૯૨૯)ની જાહેરખબરમાં ‘ફક્કડ ફોટોગ્રાફી’નું વર્ણન આ શબ્દોમાં કરવામાં આવ્યું છેઃ ‘ઉંચ્ચા ટેકરા, ડોલતા પર્વતો અને ખીણોમાં ખાબકતા ઘોડાનાં ધમાસાણોનાં દૃશ્યો શ્રી ચતુરભાઇએ કેમેરાની કાતિલ ખુબીથી ઉતાર્યાં છે. તમાશબીનોને ખરે જ તાજુબ કરે એવી આ ફીલમ જો કોઇ નહીં જુએ તે ખરેખર જીંદગીની એક અમુલ્ય તક ગુમાવશે.’


‘કૃષ્ણ’ની ફિલ્મ ‘શૂરાના સંગ્રામ’ની જાહેરાતમાં સૌથી પહેલાં વીસમી સદીનાં યુદ્ધોની ઝાટકણી આ રીતે કાઢવામાં આવી છેઃ ‘વીસમી સદીનાં યુદ્ધો એટલે? વિશ્વાસઘાત, દાવપેચ, કુટીલતા અને કાયરતાનાં પ્રદર્શનો, યાંત્રિક સાધનો અને વૈજ્ઞાનિક વિઘાતક વસ્તુઓના નિર્દય પ્રયોગો.’ પછી જાહેરખબર ‘મેરા ભારત મહાન’ના રસ્તે વળી જઇને કહે છે, ‘પરંતુ હિંદુસ્તાનના એ સુવર્ણ યુગમાં તો સામસામા શૂરાના સંગ્રામ ખેલાતા- નીતિ અને ધર્મપૂર્વક વીરનાં વેર લેવાતાં- શત્રુની મુસીબતનો લાભ લઇને કાયરતાભર્યા હુમલાઓ ન થતા- બલ્કે દુશ્મનની દીકરીને પોતાની દીકરી માની મદદ કરતા. એ જમાનાની, સોરઠના ઇતિહાસમાંથી ઉતારેલી એક વીરરસથી ભરપૂર ફિલ્મ...’ ‘આર્યન ફિલમ કુંપની’ કૃત ‘ઠકસેન રાજપૂત્ર’ (૧૯૨૯)ની જાહેરખબરમાં કરાયેલો દાવો જ વીરરસથી ભરપૂર છેઃ ‘જૂના જમાનાની શમશીર ને પટાબાજીની રમતોને ઉલથાપ આપનારા દાવપેચો જોઇને તમારામાં એક શેર તાજું લોહી આવશે.’

‘લીટલ ફિલમ કુંપની’ તેની ફિલ્મ ‘ખૂની કોણ?’ (૧૯૨૯) વિશે કહે છે, ‘અત્યારે મારફાડ ને દોડધામની ફિલમો સાધારણ  થઇ પડી છે. તેમાં આ ફિલમની કળા તમને કાંઇ જુદો જ ખ્યાલ આપશે...માર મારના વરસાદમાં પણ આવજો. આવી ફિલમ જોવાની તક ફરી ફરી હાથ આવતી નથી...દિલ્ચષ્પ પ્લોટ અને વાર્તા જોઇ છક્ક થશો.’ ‘રૂક્ષ્મિણીહરણ’ (૧૯૨૯)જેવી ફિલ્મોમાં પ્લોટ તો જાણીતો જ હોય. ત્યારે દર્શકોને કહેવામાં આવતું,‘જેનું રહસ્ય તમે જાણો છો તથા વાંચ્યું હશે, પણ તેનો આબેહૂબ ચીતાર જોવા તમે ત્હમારા બાળગોપાળ સહિત જરૂર પધારો.’

(મૂંગી ફિલ્મોની અને શરૂઆતના ગાળાની બોલતી ફિલ્મોની અજબગજબ જાહેરાતો વિશે વઘુ આવતા સપ્તાહે)

6 comments:

  1. નોખો વિષય--- સરસ રજૂઆત-

    ReplyDelete
  2. Salil Dalal (Toronto)8:41:00 PM

    ‘લગે રહો મુન્નાભાઇ’ની ગુજરાતી આવૃત્તિ બને તો નામ શોધવા જવાની જરૂર નહીં. શિર્ષક ઉપલબ્ધ છે જ... રેડીઓની રમણી!

    ‘અત્યારે મારફાડ ને દોડધામની ફિલમો સાધારણ થઇ પડી છે.....'' એવું ૮૦ વરસ પહેલાં ૧૯૨૯માં પણ કહેવાતું હતું અને લોકો એક્શન ફિલ્મોની શરૂઆત માટે બિચ્ચારા અમિતાભ બચ્ચનને દોષ દે છે!

    ‘સાત ખૂન માફ’ જેવી ફિલ્મની ઍડમાં ‘સોનેરી ખંજર’ની અદામાં લખી શકાય “‘ખેલાડી પેંતરા જાણે, બીજા ખેલાડીના/ અંધારે પણ ઉંદરને, શોધશે ડોળા બિલાડીના’

    તો ‘જોધા અકબર’ માટેની જાહેરાતમાં‘ઠકસેન રાજપૂત્ર’નું આ વાક્ય કેવુંક રહે?... ‘જૂના જમાનાની શમશીર ને પટાબાજીની રમતોને ઉલથાપ આપનારા દાવપેચો જોઇને તમારામાં એક શેર તાજું લોહી આવશે.’

    અંતમાં એટલું જ કે
    ‘તમે ત્હમારા તમાશબીનોને ખરે જ તાજુબ કરે એવો આ લેખ કાતિલ ખુબીથી ઉતાર્યો છે. માર મારના વરસાદમાં પણ જો કોઇ નહીં વાંચે તે ખરેખર જીંદગીની એક અમુલ્ય તક ગુમાવશે...’
    ખ્હરેખર છક્ક થવાય એવી મ્હજા આવી!... લગે રહો મી૦ કોઠારી

    ReplyDelete
  3. આજે ફિલ્મમાં અભિનય કરતા કલાકારોને 'સ્ટાર' કે 'સુપરસ્ટાર' લખીને ક્રેડીટ આપવામાં આવે છે, જ્યારે ગુજરેલા એ જમાનામાં અભિનય એ પણ એક કામ હતું અલબત્ત મહત્વનું, અને એટલે જ કોઈ પણ પ્રકારના ગ્લેમર વગર નટ-નટીના અભિનયને 'મુખ્ય કામ' કહીને જ પ્રેક્ષકોને પ્રમાણીકતાથી આકર્ષવામાં આવતા હતા એ કેટલી મજાની વાત જાણવા મળી !

    ReplyDelete
  4. મનહર રસક્પુર નું 'મહેંદી રંગ લાગ્યો' (૧૯૬૦) નું પોસ્ટર અમારા જુના ઘરની દીવાલ ઉપર જોયાનું યાદ છે. આવી જ ભાષા સાથે :)

    ReplyDelete
  5. Maut ne zamaane ko woh samaa dikha daala, Kaise kaise Rustom ko khaak mein mila daala. What big names and what do we remember of them today? Loved your 'reading' of ads as a reflection of the times and the innocence of the era they came from. Fabulously put together piece.

    ReplyDelete
  6. Anonymous11:12:00 AM

    mare alam ara jovani khub ichha chhe e kyaythi mali shake?

    ReplyDelete