Saturday, January 07, 2012

‘લાઇફ’ની એક તસવીર બરાબર કેટલા શબ્દો?


‘કોઇ પણ પ્રકારનું યુદ્ધ થાય તો ફોટો-મેગેઝીન માટે એ બહુ ઉપયોગી બને’- આવો વિચાર ‘લાઇફ’ /LIFE મેગેઝીનના આયોજન વખતે મુકવામાં આવ્યો ત્યારે એ કેવળ તરંગતુક્કો હતો. 

આઘાતજનક લાગે તો પણ સચ્ચાઇ એ છે કે મોટી દુર્ઘટનાની કથાઓ પ્રસાર માઘ્યમોને ફુલવાફાલવા માટે ઉત્તમ તકો પૂરી પાડે છે. ઇરાક પર અમેરિકાના આક્રમણ વખતે સી.એન.એન.ની લોકપ્રિયતામાં જબ્બર ઉછાળો આવ્યો હતો. ગુજરાતના ભૂકંપ- કોમી હિંસાને કારણે એ વખતની ગણીગાંઠી ન્યૂઝચેનલને પગદંડો જમાવવામાં ભારે મદદ મળી.પરંતુ ‘ટાઇમ’ અને ‘ફોર્ચ્યુન’ જેવાં સફળ સામયિકો શરૂ કરનાર હેન્રી લ્યુસે ૧૯૩૬માં અઠવાડિક તરીકે ‘લાઇફ’ બજારમાં મૂક્યું, ત્યારે ક્ષિતિજ પર યુદ્ધ ક્યાંય ડોકાતું ન હતું. 

‘લાઇફ’ની શરૂઆત અમેરિકાના સામાન્ય અને અસામાન્ય લોકોના જીવનની તસવીરોથી થઇ. પહેલા જ અંકમાં મુખપૃષ્ઠ પર વિખ્યાત મહિલા તસવીરકાર માર્ગારેટ બોર્ક-વ્હાઇટની તસવીર હતી. 


આલ્ફ્રેડ આઇસનસ્ટેટ/ Alfred Eisenstaedt જેવા જર્મન ફોટોગ્રાફર પહેલા અંકથી ‘લાઇફ’ સાથે સંકળાયેલા હતા. એ સિવાય ‘એસોસિએટેડ પ્રેસ’ જેવી સંસ્થા તરફથી કરારના ભાગરૂપે કંપનીને એટલા જથ્થામાં તસવીરો મળતી હતી કે તેમાંથી ઘણી બધી ‘ટાઇમ’ અને ‘ફોર્ચ્યુન’માં વપરાયા વિનાની પડી રહેતી. મામલો ‘વેસ્ટ’માંથી ‘બેસ્ટ’નો નહીં, પણ વણવપરાયેલા ‘બેસ્ટ’નો દૃષ્ટિપૂર્વક ઉપયોગ કરવાનો હતો. 

અમેરિકાના પહેલા ફોટોમેગેઝીન તરીકે ‘લાઇફ’નો સિક્કો ઝડપથી જામી ગયો અને શરૂ થયું બીજું વિશ્વયુદ્ધ. ‘લાઇફ’ના આયોજન વખતે કેવળ સૈદ્ધાંતિક મુદ્દા તરીકે રજૂ થયેલી યુદ્ધની કલ્પના વાસ્તવિકતા બની. વિશ્વયુદ્ધમાં ઘણા સમય સુધી અમેરિકા પક્ષકાર ન હતું. તેમ છતાં, ‘લાઇફ’ના તસવીરકારો અને પત્રકારો યુદ્ધના બધા મોરચા ખૂંદી વળ્યા.  લગભગ ૪૪ મહિનાનો એ સમયગાળો ફક્ત ‘લાઇફ’ના જ નહીં, પત્રકારત્વના અને યુદ્ધના દસ્તાવેજીકરણના ઇતિહાસમાં પણ યાદગાર છે. યુદ્ધની ભયાનકતા અને તેનાં વિવિધ સ્વરૂપોથી લાખો વાચકોને પરિચિત કરાવનાર ‘લાઇફ’ના દરેક તસવીરકારની કથા લખવી શક્ય નથી, પણ થોડા નમૂના પરથી - અને આ લેખની સાથે મુકેલી તસવીરો પરથી- તેમના અંદાજમિજાજનો ખ્યાલ આવશે. 

‘લાઇફ’ સાથે સંકળાયેલા ત્રણેક ડઝન તસવીરકારોમાં સૌથી જુદાં તરી આવતાં બે પાત્રો હતાં: માર્ગારેટ બોર્ક-વ્હાઇટ અને રોબર્ટ કાપા. ‘લાઇફ’નો ફોટોગ્રાફર કેવો હોય? અપ ટુ ડેટ, બહાદુર, જોખમથી ન ડરનાર, રંગીન મિજાજ, ફોટોગ્રાફીમાં નિપુણ, પાર્ટી હોય કે યુદ્ધનો મોરચો, એ બીજા ફોટોગ્રાફરથી જુદો તરી આવે. આ પ્રકારની છબી ઉભી કરવામાં કાપાનો મોટો ફાળો હતો. અર્નેસ્ટ હેમિંગ્વે જેવા લેખક તેના મિત્ર અને ઇન્ગ્રીડ બર્ગમેન જેવી અભિનેત્રી સાથે તેનાં ચક્કર ચાલતાં હોય. ‘યુદ્ધ હવે બુઢી અભિનેત્રી જેવું થતું જાય છે- ઓછું ફોટોજેનિક અને વઘુ ખતરનાક.’ આ પ્રકારનાં નિવેદનો આપવા માટે જાણીતા હંગેરીયન ફોટોગ્રાફર કાપા (અસલ નામઃ એન્દ્રે ફ્રીડમેન) નોર્મન્ડીના કિનારે મિત્રરાષ્ટ્રોના આક્રમણ (‘ડી-ડે’) જેવા અનેક ઐતિહાસિક યુદ્ધપ્રસંગોના ફોટોગ્રાફર હતા. પેરીસ જેવાં યુરોપનાં શહેરોમાં ને જર્મનીના લિપઝિગમાં મિત્રરાષ્ટ્રોએ નાઝીઓને હરાવ્યા. ત્યારે કાપા કેમેરા સાથે હાજર હતો. 

Robert Capa/ રોબર્ટ કાપા
લિપઝિગમાં એક મકાનની બારીમાંથી આખા રસ્તા પર નજર રાખી શકાય એ રીતે એક સૈનિક મશીનગન ગોઠવી રહ્યો હતો. કાપાએ તેને જોયો, પણ ફોટો ક્લિક કરે તે પહેલાં જ કોઇ ખૂણેથી ‘સ્નાઇપર’ કહેવાતા (નાઝી) શાર્પશૂટરની ગોળી આવી અને સૈનિકને વીંધી નાખ્યો.   યુદ્ધ હોય કે મોટી દુર્ઘટનાઓ, પત્રકારો અને તસવીરકારોએ મન કઠણ રાખીને કામ ચાલુ રાખવું પડે છે. તેમાંથી મળતાં નામ-નાણાં કેટલાક માટે પ્રેરક બળ બને છે, તો થોડા લોકો ‘અમારું આ જ કામ છે’ એ વિચારીને લાગણીઓ પર અંકુશ રાખવાનું શીખી જાય છે. કાપાએ સૈનિકને પટકાતો જોયો. સ્નાઇપરનું નિશાન આબાદ હતું. સૈનિકના મૃત શરીરમાંથી લોહીનો રેલો નીકળ્યો. કાપા પેટે ઘસડાતો એ સૈનિકની નજીક ગયો અને યુદ્ધની ભયંકરતાના દર્શન તરીકે, હજુ ઘડી પહેલાં હાલતાચાલતા એ સૈનિકના મૃતદેહનો ફોટો પાડ્યો. 

રોબર્ટ કાપાને લોકપ્રિય થવા માટે આ પ્રકારની તસવીરો ખેંચવાની જરૂર ન હતી. ઉત્તર આફ્રિકા, ઇટાલી, ફ્રાન્સ અને જર્મનીમાં જાન હથેળી પર રાખીને ફોટોગ્રાફી કરી ચૂકેલા કાપાને સૈનિકો સામેથી પોતાની ટુકડીમાં બોલાવતા. પોતાનાં વખાણ કરવા માટે જાણીતા કાપાએ ‘લાઇફ’ના એક સાથીને લખ્યું હતું,‘હું આજકાલ વધારે પડતો લોકપ્રિય થઇ રહ્યો છું.’ સૈનિકો દરેક ઓપરેશન વખતે કેવી રીતે પોતાને સાથે લઇ જવાનો આગ્રહ રાખતા હતા તેનું વર્ણન કરીને કાપાએ લખ્યું હતું,‘આ લોકપ્રિયતા જ કોઇ દહાડો મને મરવી નાખશે.’ આ ઉદ્‌ગાર કરુણ રીતે સાચા પડ્યા. વિયેતનામમાં ૧૯૫૪માં ફ્રેન્ચ સૈનિકટુકડીના આક્રમણની ફોટોગ્રાફી કરવા માટે ગયેલા કાપાનો પગ સુરંગ પર આવી ગયો. સુરંગ ફાટી અને ચાળીસ વર્ષની વયે, યુદ્ધના તસવીરકાર તરીકેની મજબૂત આંતરરાષ્ટ્રિય પ્રતિષ્ઠા સાથે કાપાનું મૃત્યુ થયું. 

યુદ્ધના મોરચે ફોટોગ્રાફરોને સૈનિકો સાથે જવાનું હોય, પરંતુ સલામતીની કોઇ ખાતરી નહીં. મિશન જેમ ખતરનાક, તેમ ફોટોગ્રાફરનું કામ વધારે અગત્યનું-પ્રતિષ્ઠાભર્યું અને જીવનું જોખમ મોટું. આખા વિશ્વયુદ્ધ દરમિયાન ‘લાઇફ’નો યુજીન સ્મિથ એકમાત્ર એવો ફોટોગ્રાફર હતો, જે જાપાન પરના હવાઇ હુમલામાં ફોટોગ્રાફર તરીકે સામેલ થયો.  ટોકિયો શહેર પરના એ હુમલામાં સાથે આવવું હોય તો અમેરિકાના ફૌજી અફસરે સ્મિથ સામે એક શરત મૂકીઃ  ‘કોઇ પણ કારણસર આપણું વિમાન જાપાનની ધરતી પર તૂટી પડે, તો તમને ઠાર મારવાની મને સત્તા હોવી જોઇએ.’  સ્મિથે સંભારણાંમાં લખ્યું છે કે ‘ગંભીર વિચાર કર્યા પછી મેં આ લેખિત શરત પર સહી કરી. અમારા જીવતા પકડાઇ જવાથી, ઇવો જીમા પર અમેરિકાના હુમલાની આગોતરી જાણકારી મળી જાય અને સેંકડો સૈનિકોના જીવ જોખમમાં મુકાય, એ શક્યતા ઘ્યાનમાં રાખતાં મને આ શરત વાજબી લાગી.’

યુજીન સ્મિથ/  W.Eugene Smith

એક તરફ ‘લાઇફ’ તસવીર માટે આ હદે જતું હોય, ત્યારે ઇવો જીમા પર અમેરિકન સૈન્યનો વિજય અને થોડા સૈનિકો ભેગા મળીને અમેરિકાનો ઘ્વજ ફરકાવે છે એવો ઐતિહાસિક ફોટો ‘લાઇફ’ના તંત્રી લોંગવેલે છાપવાની ના પાડી દીધી હતી. એક ફોટો એજન્સીના ફોટોગ્રાફરે ઝડપેલું એ દૃશ્ય અમેરિકાના સૈનિકોએ ખાસ ફોટો પડાવવા માટે ઊભું કરેલું છે એવું તેમને લાગ્યું હતું.


વિશ્વયુદ્ધના અંતની જાહેરાત પછી સાહજિક આવેગની ક્ષણને ઝડપી લેતો વિશ્વયુદ્ધના અંતને લગતો યાદગાર ફોટો હતોઃ લંડનના ટાઇમ સ્ક્વેરમાં એક યુવાન સૈનિકે અજાણી નર્સને ભાવવિભોર થઇને કરેલું ચુંબન. આલ્ફ્રેડ આઇસનસ્ટેટે પાડેલો એ ફોટો લોકસ્મૃતિમાં એટલો અંકાઇ ગયો છે કે વર્ષો પછી મહેનત કરીને એ પાત્રો સાથે એવું જ દૃશ્ય ફરી સર્જવામાં આવ્યું હતું. 
અસલી ફોટો (જમણે) અને તેની નવી આવૃ્ત્તિ- 90 વર્ષની ઉંમરે પહોંચેલાં એ જ નર્સ સાથે
‘લાઇફ’ જેવા તસવીરપ્રધાન સામયિકના એકેએક અંકમાં છપાયેલી તસવીરોની આવી કંઇક કથાઓ હશે. ‘લાઇફ’ તસવીરપ્રધાન ખરું, પણ તસવીરકારપ્રધાન ન હતું. તેના ઘણાખરા તસવીરકારોને પત્રકારો પ્રત્યે અને પત્રકારોને તસવીરકારો પ્રત્યે ઇર્ષ્યા અને અસંતોષની લાગણી રહેતી. બન્ને એકબીજા વિશે એવું માનતા કે આ લોકોને પોતાના કામ સિવાય- અને ઘણી વાર તો એમાં પણ- ખાસ ગતાગમ પડતી નથી. તસવીરકારો માટે વિષયો નક્કી કરવાનું કામ અથવા અવનવા વિષયો શોધી કાઢવાનું કામ મોટે ભાગે તંત્રીવિભાગના લોકો કરતા. કોઇ વાર ફોટોગ્રાફરે જાતે વિષય નક્કી કર્યો હોય તો પણ એક વાર તસવીરો ઓફિસમાં આપી દીધા પછી, તેની પસંદગી, પાનાં પર ગોઠવણ, ઓછુંવત્તું મહત્ત્વ અને તેને અનુરૂપ ફોટોલાઇન લખવા સહિતની આખી પ્રક્રિયામાંથી તેમને સદંતર બાકાત રાખવામાં આવતા હતા. તેના લીધે ફોટોગ્રાફરોને હંમેશાં એવું લાગતું કે તેમના કામને ન્યાય મળતો નથી. ઓફિસમાં બેેઠેલા પત્રકારોને હંમેશાં એ વાતની બળતરા રહેતી કે ‘લાઇફ’ના નામનો સૌથી વધારે ફાયદો ફોટોગ્રાફરોને મળે છે. એ મોટી હસ્તીઓ સાથે હળેમળે છે અને ક્યારેક તો લાભાર્થી કે લાભની અપેક્ષા ધરાવતી ફિલ્મી કે બીજી હસ્તીઓ સાથે, અંગતતાની તમામ હદ વટાવી દે છે. 

‘લાઇફ’ના ફોટોગ્રાફરોના વટ અને ઉત્તમ કામનો ભારતને અનુભવ ૧૯૪૬-૪૭-૪૮માં થયો. બીજા વિશ્વયુદ્ધમાંથી પરવારેલાં માર્ગારેટ બોર્ક-વ્હાઇટે ભારતના ઐતિહાસિક ઘટનાક્રમ, ભાગલાની કરુણતા, કુદરતી આપત્તિ, પાકિસ્તાનનું સર્જન અને મહત્ત્વના દેશનેતાઓની અનેક યાદગાર તસવીરો લીધી. ચરખા પાછળ બેઠેલા ગાંધીજીનો માર્ગારેટે પાડેલો ફોટો ગાંધીજીની ઉત્તમ તસવીરોમાં સ્થાન પામે છે. એવી જ રીતે, પલંગ પર બેઠેલા સરદાર અને નીચે બેઠેલાં મણિબહેનની જીવંત તસવીરો માર્ગારેટે લીધેલી છે. એ સમયગાળાના પોતાના અનુભવોનું સચિત્ર આલેખન તેમણે ‘હાફ વે ટુ ફ્રીડમ’ નામે પુસ્તકમાં કર્યું છે. ભારતના ઇતિહાસનો એ નોંધપાત્ર છતાં વિસરાઇ ગયેલો દસ્તાવેજ છે. 

હેલિકોપ્ટરમાંથી લટકતાં માર્ગારેટ બોર્કવ્હાઇટ- ભારત-પાકિસ્તાનની મુલાકાત વખતે સાડીમાં
મુખ્યત્વે પરાક્રમકેન્દ્રી પ્રસંગો સાંકળતા આ લેખમાં કુદરતી સૌંદર્ય, પ્રાકૃતિક અજાયબીઓ, પ્રાણીપક્ષીજગત, વિજ્ઞાન અને આખું વ્યક્તિત્વ ઉપસાવી આપે એવી ચહેરાની તસવીરો લેનારા અનેક ફોટોગ્રાફરોની કળા વિશે વાત થઇ શકી નથી. એ કસર પૂરી કરવા માટે ‘લાઇફ’ની વેબસાઇટ http://www.life.com/ પર જઇને તેનો તસવીરી ખજાનો જોઇ શકાય છે. એ સિવાય ‘ગૂગલ બુક્સ’ ‘લાઇફ’ના પહેલા અંકથી માંડીને બધા જ અંક મફત જોઇ-વાંચી શકાય, એ રીતે મુકવામાં આવ્યા છે. 
૧૯૩૬થી શરૂ થયેલા ‘લાઇફ’નો ટીવી યુગ પછી ૧૯૭૨માં અંત આવ્યો. ત્યાર પછી વખતોવખત તેનું પ્રકાશન થતું રહ્યું છે અને તસવીરોની બાબતમાં તેણે પોતાની વિશિષ્ટતા જાળવી રાખવાના ભરપૂર પ્રયાસ કર્યા છે. પરંતુ તેનો પહેલો અવતાર, ગુણવત્તા ઉપરાંત એ સમયમાં તેના અસ્તિત્ત્વને કારણે પણ પત્રકારત્વના ઇતિહાસનું  કદી ન ભૂલાય એવું પ્રકરણ બની રહ્યો છે. 
(સંદર્ભઃ ‘લાઇફ, ધ ગ્રેટ અમેરિકન મેગેઝીન’- લુડન વેઇનરાઇટ)

12 comments:

  1. Thanks a lot for well research article, narrating the impact of photography for 'news' vis-a-vis 'views' of crucial history of mankind.

    Nice hairline difference for educational & professional experience for Mediapersons.

    Your article reminded a SYMBIOSIS's Media Seminar held in Ahmedabad. A photo-journalist of renowned Agency, was quoting his experience of previous riots in the State, said: "If I would have not off my Camera, the worst experience would have prolonged for an indefinite period".

    ReplyDelete
  2. ખુબજ સરસ સર
    એક અદભુત લેખ છે
    મેં એક વાર ડિસ્કવરી માં આવું જોયેલું જેમાં લડાઈ માં જતા ફોટોગ્રાફર હતા

    ReplyDelete
  3. Pradip Raval12:55:00 AM

    હાઆઆઆ ને ઉર્વીશ ભાઈ, ખરું 'સંશોધન' કર્યું તમે તો! ત્રિરાશી માંડો જોઉં: 'Life ' મેગઝીન વિષેનું એક પુસ્તક વાંચીને એમાંથી ત્રણ લેખો લખો તો ખરેખરનું Life મેગઝીન વાંચતા હોત તો કેટલા લેખ લખત!?

    પ્રદીપ રાવલ

    ReplyDelete
  4. @પ્રદીપ રાવલઃ તમે આને મારું 'સંશોધન' કેવી રીતે ગણી લીધું? મારા લેખોની નીચે ચોખ્ખું લખ્યું છે કે એ કયા પુસ્તક પરથી આધારિત છે.
    અને રહ્યો તમારા સવાલનો જવાબ- તો આ લેખો 'લાઇફ'માં આવેલી સ્ટોરી વિશેના નહીં, પણ એ સ્ટોરી પાછળની સ્ટોરી અંગેના છે. તેની પ્રક્રિયા અંગેના છે. પણ વાંધો નહીં. મનગમતી ત્રિરાશી માંડવા બેસીએ ત્યારે આવું બધું ધ્યાન ન રહે એ હું સમજી શકું છું.

    ReplyDelete
  5. Pradip Raval2:33:00 AM

    તે આમાં 'સંશોધન' જરાય નથી એવી ચોખવટ ઉપરની કમેન્ટ વાળા 'jabir' ને કાં ના કરી, ઉર્વીશભાઈ તમે ?
    અને સ્ટોરી પાછળની સ્ટોરી કે એની પાછળનીય સ્ટોરી હોય તોય અંતે તો તમે એક ચોપડી વાંચી ને ત્રણ લેખો લખ્યા કે નહિ? સાદો તો સવાલ છે ભાઈ.
    પ્રદીપ રાવલ

    ReplyDelete
  6. પ્રદીપ રાવલઃ સાદા સવાલનો સાદો જવાબ. ગુજરાતીનુ અક્ષરજ્ઞાન ધરાવતા સૌ કોઇ માટે લેખની નીચે જ લખેલું છે.
    બાકી કારણ-અકારણ દ્વેષ ધરાવનારા માટે પાંથીએ પાંથીએ તેલ નાખીએ તો પણ તેમનું માથું કોરું જ રહેવાનું. ચાલો ત્યારે, હવે વાંધો પાડવાનો કોઇ નક્કર મુદ્દો શોધી કાઢજો.

    ReplyDelete
  7. Pradip Raval11:10:00 AM

    ઉર્વીશભાઈ, તમે આટલો સરળ મુદ્દો સમજી નથી રહ્યા કે ઢાંકવા પ્રયાસ કરી રહ્યા છો? તમે ફક્ત એક 'Life' મેગઝીન વિષે લખાયેલું પુસ્તક વાંચ્યું છે. તમે એ મેગેઝીન તો ક્યારેય વાંચ્યુંય નથી એતો તમે પોતે જ લખ્યું છે. એટલે કોઈ વસ્તુ (જે તમે પોતે તો જોઈ પણ નથી) પર બીજા જ કોઈના લખાણ વાંચીને એ વસ્તુની 'ઉંચી ગુણવત્તા' અને 'વિશિષ્ટતા' વિષે અભિપ્રાયો બાંધી લીધા! અને બાંધ્યા તો બાંધ્યા, એના પર તૈન તૈન લેખો લખી કાઢ્યા?
    બીજું, આ તૈનેય લેખોમાં તમારું contribution કેટલું? અંગ્રેજી વાંચી ને ગુજરાતી માં ઉતારવાનું એટલુજ!
    ત્રીજું, તમે લખ્યું ' સાદા સવાલનો સાદો જવાબ. ગુજરાતીનુ અક્ષરજ્ઞાન ધરાવતા સૌ કોઇ માટે લેખની નીચે જ લખેલું છે.'
    તેમ કહીને તો 'jabir ' અભણ છે એમ ચોક્ખું કહી દીધું!
    પણ તમનેય કેટલું કહીએ. તમારા જેવા ગુજરાતી પત્રકાર પાસે કેટલી અપેક્ષા રાખીએ ભાઈ.
    પ્રદીપ રાવલ

    ReplyDelete
  8. પ્રદીપભાઇ,
    તમારે પહેલી કમેન્ટથી એટલું સમજી જવું જોઇતું હતું કે ઢાંકવાનો પ્રયાસ કરનાર લેખના છેડે પુસ્તકનું નામ શું કરવા લખે?
    બીજું, 'લાઇફ' જ્યારે ચાલતું હતું ત્યારે નથી વાંચ્યું, પરંતુ ત્યાર પછી સેકન્ડહેન્ડમાંથી તેનાં બાઇન્ડેડ વોલ્યુમ ખરીદ્યાં છે. મિત્રો પાસેથી મેળવ્યાં છે. મેં આપેલી ગૂગલની લિન્ક પર કોઇ પણ માણસ એ જોઇને એનો અંદાજ મેળવી શકે છે.
    'લાઇફ'નાં સ્ટાર ફોટોગ્રાફર માર્ગારેટ બોર્કવ્હાઇટની તસવીરોથી ભરપૂર તેમનું ભારત વિશેનું પુસ્તક વાંચ્યું છે અને એના વિશે લખ્યું પણ છે. એટલે તમે ચાવળાશથી જેને 'તૈન તૈન' લેખ કહો છો, એવા તૈન નહીં, પણ તેવીસ લેખ લાઇફ વિશે લખી શકાય એવી તેની ગુણવત્તા જાતે જોઇ છે.

    તમારા જેવા કેટલાક લોકો એવું માને છે કે 400-500 પાનાંનું અંગ્રેજી પુસ્તક વાંચીને, તેને યોગ્ય ક્રેડિટ આપીને, તેમાંથી પોતાની પસંદગીના મુદ્દા ધરાવતો લેખ કરવો એ 'ઉતારો' છે. આવી તમારી 'સમજણ' હોય તો એના વિશે મારે કશું કહેવાનું નથી. મારા કન્ટ્રીબ્યુશન વિશે લેખમાં મારો કોઇ દાવો નથી. છતાં તમારા જેવા પૂછે ત્યારે કહેવાનું કે 'લાઇફ' વિશે જેમને ખ્યાલ ન હોય એવા ગુજરાતી વાચકો 'લાઇફ' અને પત્રકારત્વના એક વિશિષ્ટ પ્રકાર વિશે જાણે, જે પહોંચવા ઇચ્છતા હોય તે એના સુધી પહોંચે અને એ માટે પુસ્તકમાં વેરાયેલી રસ પડે એવી વિગતો પરોવીને અથવા એકસૂત્રે બાંધીને આપવી, એ મારું કતૃત્વ છે.
    હવે થોડું તમારા વિશેઃ એક સવાલનો જવાબ મળે એટલે બીજો ને બીજાનો મળે એટલે ત્રીજો- અને બધું પતે એટલે છેવટે 'તમારા જેવા ગુજરાતી પત્રકાર પાસેથી કેટલી અપેક્ષા'ની વાત ઉભી જ હોય. તો ભાઇ, અપેક્ષા જ નથી અને સામેના માણસના જવાબ સાંભળવા-સ્વીકારવાની ઇચ્છા જ નથી, તો પછી ચર્ચાનો ડોળ શું કરવા? તમે જે કહેવાનું હતું એ કહી દીધું. જવાબમાં તમારે જે જાણવું હતું એ મેં જણાવી દીધું. હવે તમે તમારો દ્વેષ અહીં ઠાલવવાને બદલે જે ધારવું હોય તે ધારીને મઝા કરો.

    ReplyDelete
  9. Pradip Raval2:31:00 AM

    કર્તૃત્વ-ફર્તૃત્વ ની વાત તમે જવા દો ઉર્વીશભાઈ. આ તમારું પેટીયું રળવાનું સાધન છે. છાપા વાળા પૈસા ફેંકે છે એટલે તમે લખો છો. એટલેજ તમારે તૈન નહિ પણ તેવીસ લેખ પણ લખવા પડે.
    તમને એક જ સાદો પ્રશ્ન પહેલો-બીજો-ત્રીજો સવાલ લાગ્યો?
    અપેક્ષા ના હોય, પણ છાપું તો અમારા ગાંઠના પૈસાનું ખરીદીએ છીએને ભાઈ. એના લેખ-લેખકની ગુણવત્તા આટલી ઉતરતી હોય એની અમને ફરિયાદ કરવાનો તો હક્ક છે જ. પહેલા સરળ રીતે લેખકને અમારો અભિપ્રાય પહોચાડીયે અને એમને મોકો આપીએ. પણ લેખકને ગુણવત્તાના જ સુધારવું હોય, અને પાછા Einstein ના સિદ્ધાંતોના નામે ખોટેખોટું છાપે રાખવું હોય (એની માફી એ જ column માં આપવાના બદલે કોઈ બીજી જગ્યાએ આપવી હોય), તો અમને કહો. અમે પછી છાપાના તંત્રીને ફરિયાદ કરીએ. એ ય ના માને તો એ છાપું ખરીદવાનું બંધ કરીએ. તમે અમને કહી દો કે તમારાથી કઈ થઇ શકે એમ નથી એટલે અમે અમારા રસ્તે અને તમે તમારા રસ્તે.

    -પ્રદીપ રાવલ

    ReplyDelete
  10. પ્રદીપ રાવલઃ જેને હું દ્વેષ કહું છું તે એક્ઝેક્ટલી આ જ. તમે વાત ક્યાંથી ક્યાં લાવી દીધી? અને એ પણ તદ્દન જૂઠાણા સાથે. આઇન્સ્ટાઇનવાળી ભૂલ વિશે મેં એ જ કોલમમાં બીજા અઠવાડિયે લખ્યું હતું. પણ આંખે દ્વેષની પટ્ટી બંધાયેલી હોય ત્યારે એ ન દેખાય એ સ્વાભાવિક છે. દ્વેષને ગુણવત્તાનો રંગ આપવો તમે ધારો છો એટલો સહેલો નથી.

    ReplyDelete
  11. Pradip Raval5:32:00 AM

    કોઈ એક કારણ આપો કે અમને તમારા માટે દ્વેષ થાય. હું એક ઈજનેર છું એટલે આપણે એક ક્ષેત્ર માં નથી કે તમારી સાથે મારે સ્પર્ધા હોય. તમે કોઈ જાણીતી વ્યક્તિ નથી કે મને તમારા 'ફેમ' ની ઈર્ષા થાય. હું તમને રૂબરૂ મળ્યો નથી કે મને તમારા વ્યક્તિત્વ માટે દ્વેષ હોય. અમારે તો ફક્ત અમારા મહેનતથી કમાએલા પૈસાથી જયારે છાપું ખરીદતા હોઈએ ત્યારે કોઈ ગુણવત્તા વિનાના લેખો આવવા માંડે અને einstein ને નામે ખોટે ખોટા સિદ્ધાંતો છપાય (તમે કયા છપાયેલા છાપાની વાત કરી રહ્યા છો, ભાઈ, અમારે ત્યાં તો તમારી માફી નહોતી છપાઈ!) એનોજ વાંધો છે ઉર્વીશભાઈ. અહી તો તમે અમારા માટે પૂર્વગ્રહ બાંધીને દલીલો કરી રહ્યા છો. einstein વાળું ગપ્પુંતો કોઈકે પકડ્યું, પણ આવા તો કેટલાય ગપ્પા તમે પહેલા લખ્યા હશે અને હજી લખશો.
    પ્રદીપ રાવલ

    ReplyDelete
  12. પ્રદીપ રાવલઃ બધા દર્દીઓ પોતાને થતા દરદનાં કારણ જાણી શકતાં નથી. એ તો ફક્ત તેના થકી થયેલી બીમારી જ દર્શાવી શકે છે, જે તમે કરી રહ્યા છો.

    બધી પૂર્તિઓ એકસરખી છપાય છે (સિવાય કે કોઇ જાહેરખબરને કારણે અમુક લેખ આખા નીકળી જાય).એ સંજોગોમાં મેં લખેલી અને છપાયેલી દિલગીરી તમારી પૂર્તિમાં ન આવી હોય, એવું મોટે ભાગે ન બને- અને બન્યું હોય તો એનાથી તમને કોઇના વિશે પૂરું જાણ્યા વગર કે સામેવાળાની વાત સાંભળ્યા વગર મન ફાવે તેમ લખવાનું લાયસન્સ મળી જતું નથી.

    તમારા દ્વેષ કે દુર્ભાવનાં કારણ હું કેવી રીતે આપી શકું? પણ તમે તમારા 'મહેનતથી કમાયેલા રૂપિયા'નો ઉપયોગ કોઇના વિશે બેફામ આરોપાત્મક અભિપ્રાયો આપવામાં કરવા ઇચ્છતા હો અને કોઇની સહૃદયતાને પ્રમાણી શકવા જેટલો વિવેક પણ તમારામાં ન રહ્યો હોય, તો તમારી સાથે વાત કે ચર્ચા આગળ વધારવાનો મતલબ રહેતો નથી. માટે, હવે આ વિશે વધુ લખવાની અને જૂઠા તર્કની ઓથે તમારો દુર્ભાવ સંતાડવાની વધુ કોશિશ કરશો નહીં. તમને એ ફાવતું નથી. આ ચર્ચાભાસી એકપક્ષી આરોપબાજી પૂરી થાય છે. આગળ કોઇ કમેન્ટ પ્રગટ નહીં થાય.

    ReplyDelete