Thursday, January 05, 2012

ભારતની રાજધાની અમદાવાદ હોત તો?

ભારતની રાજધાની તરીકે દિલ્હીને સો વર્ષ પૂરાં થયાં. એ પ્રસંગે ‘તહલકા’ સામયિકમાં ભારતની રાજધાની દિલ્હીને બદલે બેંગ્લોર, કલકત્તા કે મુંબઇ હોત તો દેશ અત્યારે કેવો હોત, તેની કલ્પનાઓ રજૂ થઇ હતી. એ તરાહ પર વિચારી શકાય કે ૧૪મી ઓગસ્ટ, ૧૯૪૭ની મધરાતનું ઘ્વજવંદન લાલ કિલ્લા પર નહીં, ભદ્રના કિલ્લા પર થયું હોત અને એ વખતે સાડા પાંચ સદીનો ઇતિહાસ ધરાવતું અમદાવાદ ભારતની રાજધાની બન્યું હોત તો? કાલ્પનિક ઇતિહાસ કેવી રીતે લખાયો હોત?

(સત્યઘટના શૈલીમાં લખાયેલો આખો ઘટનાક્રમ સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેમાંની એક પણ લીટી સાચી માનવી નહીં- એ બનવાજોગ કે તાર્કિક લાગે તે જુદી વાત છે.)

***
આઝાદી સમયે ગુજરાત અને મુંબઇ-મહારાષ્ટ્ર એક હતાં. મરાઠી માણૂંસોએ માગણી કરી કે દેશની રાજધાની મુંબઇ થવી જોઇએ. એટલે હિંસક તોફાન ફાટી નીકળ્યાં. તેના જવાબમાં રાજધાની અમદાવાદમાંથી ખસવી ન જોઇએ એવી માગણી સાથે અમદાવાદમાં મરાઠીઓ વિરુદ્ધ તોફાન થયાં, જે જોતજોતાંમાં અમદાવાદની પરંપરા પ્રમાણે કોમી તોફાનોમાં ફેરવાઇ ગયાં. મોરારજી દેસાઇએ મુંબઇમાં રહ્યે રહ્યે અમદાવાદનાં તોફાન સામે ઉપવાસ કરવાની જાહેરાત કરી પણ સરદાર પટેલે તેમને કહેવડાવ્યું કે ‘બાપુ હજુ જીવે છે. તમે રહેવા દો.’ એટલે મોરારજીભાઇએ ઘૂંધવાઇને ઉપવાસનો વિચાર પડતો મૂક્યો.

મુંબઇમાં ગુજરાતીઓ વિરુદ્ધ તોફાનો પછી અમદાવાદમાં થયેલાં મરાઠીઓ વિરુદ્ધનાં તોફાનોને વાજબી ઠરાવવાને બદલે કે ન્યૂટનનો આઘાત-પ્રત્યાઘાતનો નિયમ ટાંકવાને બદલે સરદારે કડક હાથે કામ લીઘું. તોફાનો શમ્યા પછી પણ રાજધાનીના મુદ્દે ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચેનો ઉકળાટ ચાલુ રહ્યો, જેના કારણે આગળ જતાં બન્ને રાજ્યો અલગ પડ્યાં.

ગાંધી-સરદારની વિદાય પછી જવાહરલાલ નેહરુએ દેશની રાજધાની અમદાવાદથી અલાહાબાદ લઇ જવાનું વિચાર્યું, પણ પછી ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ના લેખક એવા જવાહરલાલનો ઇતિહાસ પાકો હોવાને કારણે ‘દિલ્હીથી દોલતાબાદ’ સાથે સરખામણી થવાની બીકે તેમણે ફેરબદલનો વિચાર પડતો મૂક્યો.

અમદાવાદમાં જવાહરલાલે શાહીબાગમાં જહાંગીરે બંધાવેલા મહેલમાં વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન રાખ્યું. રોજ સવારે તે નદીના પટમાં મોર્નિંગ વોક કરતી વખતે લોકોની ફરિયાદો સાંભળતા હતા. અમદાવાદમાં સંસદ અને રાષ્ટ્રપતિભવન ક્યાં કરવા એની સઘન તલાશ ચાલી. રાષ્ટ્રપતિભવન રાષ્ટ્રપિતાના આશ્રમની એકાદ કુટિરમાં કરવાનું સૂચન થયું, પણ દિલ્હીમાં વાઇસરોયનું રજવાડું જોયા પછી ભારતના રાષ્ટ્રપતિઓને સમજાયું હતું કે કુટિરો રાષ્ટ્રપિતા માટે બરાબર છે- રાષ્ટ્રપતિ માટે મહેલ જોઇએ. તેમના માટે શાહીબાગમાં વડાપ્રધાનના નિવાસસ્થાનની આજુબાજુ જગ્યા ફાળવવામાં આવી.

આગળ જતાં ઇંદિરા ગાંધી વડાપ્રધાન બન્યાં ત્યારે તેમણે વડાપ્રધાનના મહેલનું બાંધકામ વધારીને તેની એક બારી સાવ રાષ્ટ્રપતિભવન પાસે પડે એ રીતે તૈયાર કરાવી, જેથી કટોકટીના હુકમ પર રાષ્ટ્રપતિની સહી કરાવવામાં વાર ન લાગેઃ ફક્ત બારીમાંથી હુકમ લંબાવીને સામેની બારીમાં ઉભેલા રાષ્ટ્રપતિની સહી લઇ શકાય.

સરદાર પટેલે સૂચવ્યું હતું કે સંસદ બારે મહિના ને ત્રણસો પાંસઠે દિવસ તો ચાલુ હોતી નથી. પછી એના ભવ્ય મકાન પાછળ નકામો ખર્ચ શું કરવા કરવો? એને બદલે સંસદ ચાલુ હોય એના ચાર દહાડા પહેલાં નદીના પટમાં વિશાળ તંબુ ઉભા કરી દેવા અને ઉપર ભારતનો રાષ્ટ્રઘ્વજ ફરકાવી દેવો. એટલે સંસદ તૈયાર. પછી તેમણે સરદારશૈલીમાં એમ પણ કહ્યું કે ‘અમસ્તાં બધાં સરકસ અમદાવાદમાં આવી રીતે જ ઉતરે છે.’ જવાહરલાલ એ સાંભળીને ચીડાઇ ગયા હતા અને સરદાર ખડખડાટ હસી પડ્યા હતા. છેવટે સાંસદોના ખરીદ-વેચાણની ભાવિ સંભાવનાઓને ઘ્યાનમાં રાખીને, અત્યારે જ્યાં બજાર ભરાય છે તે રાણીના હજીરામાં સંસદ બેસાડવાનું નક્કી થયું. એ માટે આસપાસના વિસ્તારને ખાલી કરાવવાનું બિલકુલ અઘરું પડ્યું ન હતું. સંસદમાં થનારા શોરબકોરની કલ્પના માત્રથી આજુબાજુના સમજુ રહેવાસીઓ પોતાનાં ઘર વેચીસાટીને નદીપાર રહેવા જતા રહ્યા. એ રીતે નદીપારની વસ્તીમાં વધારો થયો અને પશ્ચિમ અમદાવાદ વિકસ્યું.

વડાપ્રધાન નેહરુની ચીન મુલાકાત પછી કાંકરિયાની આસપાસ ચાઇનીઝની લારીઓ ખુલી ગઇ હતી. ભાજીપાંઉ-પંજાબી-પિત્ઝા પહેલાં અમદાવાદમાં ‘મેઇનલેન્ડ ચાઇના’ પ્રકારની લાલ રંગે રંગાયેલી લારીઓ પાણીપુરીની સ્પર્ધા કરવા લાગી. કેટલાક ઉત્સાહીઓએ ચાઇનીઝ પાણીપુરી અથવા પાણીપુરીના ચણા-બટાટાના મસાલામાં નુડલ્સ ભેળવવાનાં શરૂ કર્યાં. અમદાવાદમાં ચાઇનીઝ ખાણીપીણીનો પગપેસારો જોઇને ચીનના જાસૂસોએ બેજિંગ ને મોકલેલા ખાનગી અહેવાલોમાં લખ્યું હતું કે ‘આ દેશને જીતવા માટે સૈન્યની જરૂર નથી. સોયા સોસ, નુડલ્સ ને મંચુરિયન કાફી છે.’

એટલે ચીને ૧૯૬૨માં ભારત પર લશ્કરી આક્રમણ કરવાને બદલે, તેની કંપનીઓને અમદાવાદમાં-ભારતમાં વેપાર માટે છૂટી મુકી દીધી. જવાહરલાલે ‘પંચશીલ’ અને વિશ્વશાંતિ માટે થઇને ચીનને ભારતમાં વેપાર કરવાની છૂટ આપી. ત્યાર પછી, ૧૯૬૪થી દર સ્વાતંત્ર્ય દિવસે અને પ્રજાસત્તાક દિને ભદ્રના કિલ્લા પર ફરકતા રાષ્ટ્રઘ્વજ ‘મેઇડ ઇન ચાઇના’ હતા.

ભારતનું ખુલેલું બજાર જોઇને અમેરિકા-રશિયા પણ પગપેસારો કરવા માટે ઉત્સુક બન્યાં. અમેરિકાના ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ અને રશિયાના અખબાર ‘પ્રવદા’એ પોતાની ગુજરાતી આવૃત્તિઓ શરૂ કરી. તેના કારણે ગુજરાતી પત્રકારત્વ આંતરરાષ્ટ્રિય ધોરણનું બન્યું કે આંતરરાષ્ટ્રિય પત્રકારત્વ ગુજરાતી ધોરણનું, એની કલ્પના થઇ શકતી નથી, પણ સામ્યવાદી ‘પ્રવદા’એ પોતાની ઓફિસ લાલ દરવાજા વિસ્તારમાં રાખી.

પાકિસ્તાને ૧૯૬૫માં કરેલા આક્રમણ વખતે અમદાવાદની પોળોમાં ઘણા લોકો રોજ રાતે ડંડા લઇને વારાફરતી જાગતા હતા- ચોકી કરતા હતા. તેમની સાથે ભજિયાં-ચાની દુકાનો પણ રાતભર ધમધમતી હતી. ઇંદિરા ગાંધીએ કટોકટી લાદતી વખતે અમદાવાદનાં ‘કોફીહાઉસ’ જેવા પાનના ગલ્લે ઉભા રહીને ચર્ચા કરવા ઉપર કડક પ્રતિબંધ ફરમાવ્યો. તેનો ભંગ કરનારને રોજ છ કલાક સુધી સુરેશ જોશીની નકલ કરનારા લેખકોનું ગદ્ય વંચાવવાની સખત કેદની સજા કરવામાં આવતી હતી. ગુજરાતીના ઘણા ફાજલ અઘ્યાપકોનું જેલમાં એ કામગીરી માટે પોસ્ટિંગ થયું હતું.

વેળાસર ઉદારીકરણ થઇ જવાને કારણે અને સાબરમતીનું પાણી પ્રજાસત્તાકનાં મૂળીયાંમાં ઉંડે સુધી ઉતરવાને લીધે ત્રાસવાદની સમસ્યા સાથે પનારો પાડવાનું સહેલું બન્યું. અમદાવાદમાં બેસનાર વડાપ્રધાને ત્રાસવાદીઓ પાસેથી યોગ્ય કંિમત વસૂલ કરીને કાયદેસર રીતે તેમને એ રાજ્યોનો વહીવટ સોંપી દીધો. પાકિસ્તાન સાથેનો કકળાટ કાયમી ધોરણે દૂર કરવા માટે એક વડાપ્રધાને પાકિસ્તાનને કાશ્મીર ૯૯ વર્ષની લીઝ પર આપી દીઘું- એ શરતે કે નકશામાં કાશ્મીર ભારતનો હિસ્સો રહેશે, ત્યાં રોડ, ફ્‌લાયઓવર, મૉલ-મલ્ટીપ્લેક્સ અને જેલમ-ચિનાબ જેવી નદીઓ પર પાકિસ્તાને રીવરફ્રન્ટ બાંધવા જેવો વિકાસ કરવા માટે પાકિસ્તાને અલગ બજેટ ફાળવવાનું રહેશે અને કાશ્મીર જનારા ભારતીય પ્રવાસીઓ તથા ફિલ્મ યુનિટને હોટેલથી માંડીને ખાણીપીણીમાં ૨૫ ટકા ડિસ્કાઉન્ટ આપવાનું રહેશે.

એકવીસમી સદીના પહેલા દાયકામાં ગુજરાતમાં એક મુખ્ય મંત્રી થયા. તેમણે ૨૦૧૧માં ચીનની મુલાકાત લીધા પછી જાહેર કર્યું હોત કે ‘૧૯૬૨માં ચીન ભારત પર આક્રમણ કરવાનું હતું. તેનાં સૈન્યો આપણી સરહદ સુધી આવી ગયાં હતાં, પણ મારા કહેવાથી તેમણે એ યોજના માંડવાળ કરી.’ એ મુખ્ય મંત્રીની બહાદુરી પર મોહી પડેલી પ્રજાએ તેમને વડાપ્રધાન બનાવવાનું નક્કી કર્યું- ભારતના નહીં, ચીનના વડાપ્રધાન.

***
કેટલીક કલ્પનાઓ એટલી વાસ્તવાભાસી હોય છે કે તેની સામે વાસ્તવિકતા કાલ્પનિક લાગે.

9 comments:

  1. તકલીફ એટલી જ થાત કે ચીનાઓને અંકગણિત અને એકડી ના આવડત... કારણ એટલું જ કે સાહેબને જ એકડે એક થી આગળ નથી આવડતુંને ! એટ્લે ચીનાઓ ખાલી નંબર વન પર જ અટકી જાત ! :P

    ReplyDelete
  2. 'સાહેબ' ચીનના વડાપ્રધાન થાત તો તકલીફ એટલી જ થાત કે ચીનાઓને અંકગણિત અને એકડી ના આવડત.. કારણકે 'સાહેબ'ને જ એકડે એકથી આગળ નથી આવડતુંને ! એટ્લે ચીનાઓ ખાલી નંબર વન પર જ અટકી જાત !
    ....
    અને પછી ઓબામાજીના ભાષણની બે લાઇન ઓછી થઈ જાત.... "ભારત અને ચીનના વિદ્યાર્થીઓ અમેરિકનોથી આગળ વધી રહ્યા છે અને આપણે મહેનત કરવી જોઈએ..." એવા વાકયોને બદલે ઓબામાજીના ભાષણમાંથી પણ ચીનાઓ નીકળી જાત... અને ઓબામાજી આટલું કામ ઓછું કરવા બદલ ખુશ થઈને 'સાહેબ'ને અમેરિકાના વિઝા આપી દેત.... !

    જય જય ગરવી ગુજરાત ! :D

    ReplyDelete
  3. ઉર્વિશભાઈ ખરેખર મજા આવી ગઈ, અદભુત કલ્પના છે

    ReplyDelete
  4. Anonymous7:49:00 AM

    આ ભાઈને જો ચીનાનાં વડા પ્રધાન ચીન બનાવી દે –તો આપણે લાલ પાણીએ ખસ જાય. અને એમને ચીનમાં બે મહત્વનાં કામો કરવાની તકા મળે.શ્વાન અને શ્વાન વંશ વધ પ્રતિબંધ,અને સર્પ અને સર્પ વંશ વધ પ્રતિબંધ. પરંતુ એ બંધ અમલમાં આવે ત્યાં સુધી શ્વાન અને સર્પની મહામુલી આરોગવાનું ભાગ્ય પ્રાપ્ત થાય.

    ReplyDelete
  5. Anonymous9:18:00 AM

    E Bhaisahebni saathe Ambani,Adani,Mehta,Ruia,Karsandas,Jivraj Dharuka,Chuni Gajera,Savji Dholakia,Vallabh Topi jeva kimati pat htharo ane hira onep an Chin parcel kari devana nirnaythi Gujaratna khedutone apar shanti thai gai . Tethi be dactero Kanu Kalsaria a ne Bankim Reliancewala taddan navra dhup thai ga ya.

    ReplyDelete
  6. hii..

    Nice Post Great job.

    Thanks for sharing.

    ReplyDelete
  7. khub j sundar and vistvik kalpnao ni sathe gani kadavi vastvikta no parichay ape karavyo... parantu apni kalpnsakti ne dad apvi j pade ho.......

    ReplyDelete
  8. utkantha8:36:00 PM

    પણ સામ્યવાદી ‘પ્રવદા’એ પોતાની ઓફિસ લાલ દરવાજા વિસ્તારમાં રાખી. :)

    ReplyDelete
  9. Anonymous1:43:00 PM

    black comedy article

    ReplyDelete