Tuesday, April 12, 2011

અન્ના, આંબેડકર અને ગાંધીઃ લડતની સાક્ષીએ

બે દિવસ પછી ડો.આંબેડકરની જન્મતારીખ છે, પણ છેલ્લા થોડા વખતથી એમની યાદ તીવ્રપણે આવી રહી છે. ચોક્કસ કહીએ તો, સામાજિક આગેવાન અન્ના હઝારેએ ‘જન લોકપાલ’ ખરડાને કાયદો બનાવવાની માગ સાથે ઉપવાસનો પ્રારંભ કર્યો ત્યારથી.

આંબેડકર અને અન્ના વચ્ચે મહારાષ્ટ્રનાં મૂળીયાં બાદ કરતાં બીજો શો સંબંધ? એવો સહજ સવાલ થાય. ડો.આંબેડકરની આખી જિંદગી અસ્પૃશ્યતા સામે ઝઝૂમીને દલિતોને નાગરિક તરીકેનો સમાન દરજ્જો, સમાન તક અને સમાન ગૌરવ અપાવવાના પ્રયાસમાં વીતી. અન્ના હઝારે દોઢેક દાયકાથી ભ્રષ્ટાચાર સામેના ઝુંબેશકાર તરીકે જાણીતા છે. ડો.આંબેડકર અસ્પૃશ્યતાનાબૂદી માટે કડક કાયદો ઇચ્છતા હતા. અન્ના રાજકીય નેતાઓ અને જાહેર સેવકોના ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે કાયદાકીય વ્યાપક સત્તા ધરાવતા લોકપાલની નિમણૂંક ઇચ્છે છે. બન્ને નેતાઓની વ્યક્તિગત નિષ્ઠા પોતપોતાના ઠેકાણે શંકાથી પર છે. અસ્પૃશ્યતા અને ભ્રષ્ટાચાર જેવાં દૂષણોને ગુનો ગણીને તેની સામે અસરકારક કાર્યવાહી અને કડક સજા થાય એ કોને ન ગમે?

સવાલ- અને ઇતિહાસનો બોધપાઠ- એ છે કે અસ્પૃશ્યતા અને ભ્રષ્ટાચાર જેવાં દૂષણો માટે કાયદો જરૂરી છે. છતાં, એ પૂરતો નથી. તેના માટે કાયદાકીય જોગવાઇ કરાવીને નાગરિકો નિરાંતે ઉંઘી શકતા નથી. ભ્રષ્ટાચાર હોય કે અસ્પૃશ્યતા, તે એવી ઉપરછલ્લી બાબતો નથી કે ફક્ત કાયદાથી - કે કાયદા અંતર્ગત રચાયેલી લોકપાલ જેવી સંસ્થાથી- નાબૂદ થઇ જાય અથવા મોળી પડી જાય. તેનો સીધો સંબંધ આખરે તો નાગરિક-જાગૃતિ અને સમાજની મૂલ્યવ્યવસ્થા સાથે હોય છે. જે સમાજમાં ધીરુભાઇ અંબાણી અને ગાંધીજીની સરખામણી સામે નાગરિકોને તીવ્ર વાંધા ન પડતા હોય, એ સમાજમાં પેદા થતા નેતાઓ માટે ગમે તેવા ભ્રષ્ટાચારવિરોધી કાયદા કેટલા અસરકારક થાય? આ અને આવી ઘણી ત્રિરાશી વિચારવા જેવી છે.

પરિવર્તનના બે વિકલ્પ
અસ્પૃશ્યતાની જેમ ભ્રષ્ટાચારના વિરોધ માટે પૂરતી કાનૂની જોગવાઇઓ છે. દેશનાં ૧૮ રાજ્યોમાં અત્યારે પણ લોકાયુક્તનું માળખું અસ્તિત્ત્વ ધરાવે છે. એ સિવાય સરકારી (જાહેર) વિભાગોમાં ગેરરીતિની તપાસ માટે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ), સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર (સીવીસી) જેવી બંધારણીય સંસ્થાઓ છે. પોલીસમાં એન્ટીકરપ્શન બ્યુરો છે. આર્થિક અથવા બીજા ગુનાની તપાસ માટે સીબીઆઇ છે. સરકારના આર્થિક અને બીજા વ્યવહારોની માહિતી પ્રજા સુધી પહોંચાડતો માહિતી અધિકારનો કાયદો/રાઇટ ટુ ઇન્ફર્મેશન પણ હવે થયો છે. તેનો અમલ પૂરેપૂરો સંતોષકારક નથી. છતાં, જેવા છે તેવા માહિતી અધિકારના કાયદાથી ઘણા ગોટાળા ખુલ્લા પડ્યા છે. મુદ્દાનો પ્રશ્ન એ છે કે કાગળ પરની જોગવાઇનું જોર કેટલું?

બંધારણના ઘડતરમાં મહત્ત્વનો ફાળો આપનાર ડો.આંબેડકરે છ દાયકા પહેલાં કહ્યું હતું, ‘નવા બંધારણ પ્રમાણે રાજ્યનો કારભાર વ્યવસ્થિત રીતે ન ચાલે તો એમાં દોષ બંધારણનો નહીં હોય. મનુષ્યસમાજમાં જે અધમતા છે એને તેના માટે જવાબદાર ગણવી પડશે.’ બીજા પ્રસંગે તેમણે બંધારણસભામાં કહ્યું હતું, ‘બંધારણ ગમે તેટલું સારું હોય કે ગમે તેટલું ખરાબ, તે કેવું નીવડે છે તેનો છેવટનો આધાર ભાવિ રાજ્યકર્તાઓ તેનો કેવો ઉપયોગ કરે છે તેની પર છે.’

અમલ કરનારાની અધમતાનો નાગરિકોને બહોળો અનુભવ થઇ ચૂક્યો છે. એ સ્થિતિમાં નાગરિકો પાસે બે વિકલ્પ રહે છેઃ

૧) સ્થાનિકથી માંડીને રાજ્ય અને કેન્દ્ર કક્ષાએ નાગરિકોએ પોતાના પ્રતિનિધિઓ પર દબાણ આણવું, વર્તમાન જોગવાઇઓમાં સુધારાવધારા આણવા/ફાઇન ટ્યુનિંગ કરવું અને લોકશાહી બંધારણ હેઠળ અસ્તિત્ત્વ ધરાવતાં માળખાં વઘુ અસરકારક બને એવા પ્રયાસ કરવા. માહિતી અધિકાર જેવા કાયદા કે ન્યાયતંત્રનું ઉત્તરદાયિત્વ નક્કી કરતા કાયદા જેવાં ઓજારો આ કામ માટે ઉભાં કરી શકાય- વાપરી શકાય. આ પદ્ધતિમાં કામચલાઉ આવેશની નહીં, લાંબું ચાલે એવા ધીરજપૂર્વકના, દૃઢ સંકલ્પયુક્ત જુસ્સાની જરૂર પડે છે. તેની પ્રક્રિયા ધીમી, છતાં લાંબા ગાળે ટકાઉ પરિણામ આપનારી છે.

૨) વર્તમાન વ્યવસ્થા સુધારવાને બદલે, એક ઝાટકે, એક જ આંદોલનથી નવી સમાંતર વ્યવસ્થા ઉભી કરવી. આ પદ્ધતિ ટૂંકા ગાળે, જીતનો મઘુર છતાં આભાસી અહેસાસ આપનારી છે. તેમાં ભાગ લેનારને ટૂંકા ગાળામાં, ઓછામાં ઓછો ભોગ આપીને, ‘આઝાદી આંદોલન’માં ભાગ લીધાનો અને ક્રાંતિના એક મશાલચી હોવાનો સંતોષ મળે છે. અન્ના હઝારે અને સાથીદારોના આંદોલને મહદ્‌ અંશે બીજો રસ્તો લીધો છે.

લડતની ફિલ્મી રજૂઆત
હઝારે અને તેમના સાથીઓએ સરકાર દ્વારા તૈયાર કરાયેલા મોળા લોકપાલ ખરડાને બદલે ‘જનલોકપાલ’ તરીકે ઓળખાતો નાગરિક-મુસદ્દો તૈયાર કર્યો. તેમની માગણી હતી કે સરકાર પોતાના નબળા ખરડાને બદલે, નાગરિક-સંગઠનોના પ્રતિનિધિઓ દ્વારા ઘડાયેલો ‘જનલોકપાલ’ ખરડો સંસદના ચોમાસુ સત્રમાં દાખલ કરે. એ માગણીના સ્વીકાર માટે અન્નાએ આમરણ ઉપવાસ શરૂ કર્યા.

બેફામ અને નિરંકુશ ભ્રષ્ટાચારથી ત્રાસી ગયેલા લોકોએ અન્નાના ઉપવાસને ‘ભ્રષ્ટાચાર સામેની બહાદુરીભરી લડત’ તરીકે બિરદાવ્યા. ફેસબુક-ટિ્‌વટર જેવી વેબસાઇટો પર અન્નાની લડતને ટેકો આપવાની ઝુંબેશો ચાલી. ટીવી ચેનલો તેમાં સક્રિય ભાગીદાર બની. ‘ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારત’, ‘આઝાદીની બીજી લડાઇ’ જેવાં ભવ્ય મથાળાં બાંધવામાં આવ્યાં. અન્નાએ પારણાં કર્યાં ત્યારે ‘(વર્લ્ડકપ પછી) ભારતનો બીજો વિજય’, ‘લોકશાહી અને લોકશક્તિનો વિજય’ જેવો જયજયકાર થયો.

ભ્રષ્ટાચાર સામેની કોઇ પણ પહેલ- ખાસ કરીને તે નાગરિકોને સાંકળતી હોય ત્યારે- આવકારદાયક ગણાય. પરંતુ અન્નાના ઉપવાસને ભવ્ય સ્ટોરી તરીકે રજૂ કરવામાં, ઘણા મુદ્દે પ્રમાણભાન જળવાયું નહીં અને આખી લડતનો ખાસ્સા ફિલ્મી રંગે પ્રચાર થયો. અન્નાના ઉપવાસ અને તેની લાર્જર ધેન લાઇફ રજૂઆત એકથી વધારે કારણોસર ઘ્યાન અને વિચાર માગી લે છેઃ

અન્ના અને સાથીદારો તરફથી રજૂ કરવામાં આવેલો ‘જનલોકપાલ’ ખરડાનો મુસદ્દો વર્તમાન બંધારણ અને લોકશાહી કાર્યપદ્ધતિથી સાવ વિપરીત ગણાય એવી માગ કરતો હતો. જેમ કે, પ્રતિષ્ઠિત નાગરિકોની સમિતિ દ્વારા કેન્દ્રમાં નીમાયેલા લોકપાલને ભ્રષ્ટાચાર-ગેરરીતિના કેસમાં તપાસ કરવાની, ફરિયાદ નોંધવાની, ધરપકડ કરવાની, ભ્રષ્ટાચારની રકમ જપ્ત કરવાની અને ભ્રષ્ટાચારીને સજા કરવાની- એ તમામ સત્તા મળે. તેમની કામગીરીમાં પોલીસતંત્ર કે ન્યાયતંત્ર બિલકુલ દખલ કરી શકે નહીં. એક વર્ષમાં દરેક કેસનો નિકાલ લાવવામાં આવે. બંધારણ મુજબ નિમાયેલા વિજિલન્સ કમિશનને લોકપાલમાં ભેળવી દેવામાં આવે.
ટૂંકમાં, લોકપાલ તરીકે નીમાયેલો એક માણસ પોલીસતંત્ર અને ન્યાયતંત્રના સરવાળા જેટલી સત્તાઓ ધરાવતો થઇ જાય.

‘કાયદો કામ ન કરે તો પછી કાયદો હાથમાં લેવો’ એવી ટોળાન્યાયની પ્રચલિત બનેલી માનસિકતાને મહાશક્તિમાન લોકપાલનો ખ્યાલ બહુ પસંદ પડે. બીજું કારણ એ પણ ખરું કે એક વાર સર્વશક્તિમાન લોકપાલ નિમાઇ જાય, એટલે અપેક્ષાનો બધો ભાર તેમના ખભે ઢોળીને નિરાંત અનુભવી શકાય. પણ એક જ વ્યક્તિના હાથમાં, કોઇ પણ પ્રકારના ઉત્તરદાયિત્વ વિના આટલી મોટી સત્તા આપી દેવાનું ઇચ્છનીય ખરું? એ હોદ્દે નીમાયેલો માણસ સારો જ હશે અને આટલી સત્તા મળ્યા પછી સારો જ રહેશે, એ આશાવાદ નથી? અને એ આશા નિષ્ફળ જાય તો તેના માટે ચૂકવવી પડતી કંિમત ઘણી વધારે ન હોય? આ સવાલો વાસ્તવિક અને અણીદાર છે. એ ઘ્યાનમાં રાખીને, ગણ્યાંગાંઠ્યાં પ્રસાર માઘ્યમોએ તથા કેટલાક સામાજિક અગ્રણીઓએ સર્વશક્તિમાન લોકપાલના ખ્યાલનો વિરોધ કર્યો છે. લોકશાહીનાં વર્તમાન માળખાંની ઉપેક્ષા કરીને, તેમની સમાંતરે, તેમનાથી ચડિયાતું અને યોગ્ય ઉત્તરદાયિત્વ વગરનું માળખું રચવાની માગણીને તેમણે લોકશાહી માટે ખતરનાક ગણાવી છે.

જીત કેટલી દૂર?
ટીવી ચેનલો અને ઇન્ટરનેટ પરના બહુમતી પ્રચારથી એવી છાપ ઉભી થાય કે ભારતીયો અને ભ્રષ્ટાચાર વચ્ચેની વન ડે મેચ ચાલી રહી હતી, જેમાં આખરે ભારતીયોનો વિજય થયો છે. આ (ગેર)સમજણ મુગ્ધ અને ખોટી છે. શરૂઆતમાં અન્ના હઝારેના ઉપવાસને ભાવ નહીં આપવાનાં તેવર દેખાડનારી સરકાર સમાધાન કરવા માટે ઝૂકી, તેને આંદોલનની એક ઉપલબ્ધિ કહી શકાય, પણ જીત? એ તો બહુ દૂરની વાત છે.

બન્ને પક્ષોએ સમાધાનમાં થોડું થોડું જતું કર્યું છે. સરકારે લોકપાલ ખરડાનો નવો મુસદ્દો બનાવવા માટેની સમિતિમાં પાંચ સરકારી સભ્યોની સાથે બિનસરકારી સભ્યો નીમવાનું સ્વીકાર્યું છે. પરંતુ કડક અમલ માટે જેનો સૌથી વધારે આગ્રહ રખાતો હતો તે ‘પોલીસતંત્ર-ન્યાયતંત્રની સહિયારી સત્તા’ સ્વીકારવાનું સરકારે કોઇ વચન આપ્યું નથી. લોકપાલ ખરડાનું આખરી સ્વરૂપ કેવું આવે છે, એ માટે થોડી રાહ જોવી પડશે. તૈયાર થયેલો ખરડો ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં મૂકવાનું સરકારના હાથમાં છે, પણ તેને પસાર કરવાની ખાતરી સરકાર આપી શકે એમ નથી. આંદોલનની અત્યારની આબોહવા જોતાં બીજા પક્ષો એ ખરડાની આડે ન આવે અને ખરડો બન્ને ગૃહોમાં પસાર થઇને રાષ્ટ્રપતિની સહી સાથે કાયદો બને, તો એ આંદોલનની બીજી ઉપલબ્ધિ બની રહે.

પણ જીત? જીત તો ત્યાર પછી પણ દૂર રહે છે.

ભ્રષ્ટાચારનો વ્યાપ એટલો મામૂલી નથી કે કેન્દ્રસ્તરે એક લોકપાલની નિમણૂંકથી લડાઇનો અંત આવી જાય. ભ્રષ્ટાચાર સામેની વ્યાપક લડાઇનું એ પહેલું કદમ જરૂર બની શકે, જેનાં પછીનાં પગલાંમાં સ્થાનિક અને રાજ્યસ્તરે, પક્ષાપક્ષીથી પર રહીને, જાગ્રત નાગરિકો દ્વારા ભ્રષ્ટાચાર સામે લોકઆંદોલનો થતાં રહે. એ ફેસબુક પર સ્ટેટસ અપડેટ કરીને કે ટ્‌વીટર પર ટ્‌વીટ કરીને ‘ક્રાંતિના હિસ્સેદાર’ બન્યાનો સંતોષ મેળવવા જેટલું સહેલું નથી. તેમાં પ્રસાર માઘ્યમોના ટેકા વિના સત્તાધીશો સામે બાથ ભીડવાની હામ અને ધીરજની જરૂર પડે છે. (મહુવાના આંદોલનકારીઓ પાસેથી આ વિશે વઘુ જાણી શકાય.)

અન્ના હઝારેના આમરણ ઉપવાસ અને આંબેડકરજયંતિ નિમિત્તે પૂના કરાર પહેલાં ગાંધીજીના આમરણ ઉપવાસની યાદ તાજી થાય છે- જોકે, મહાનતાના સંદર્ભે નહીં, ભ્રષ્ટાચાર અને અસ્પૃશ્યતા જેવા સંકુલ મુદ્દામાં આમરણના ઉપવાસના શસ્ત્રની મર્યાદાના સંદર્ભે. ગાંધીજીએ દલિતોને અલગ મતદાર મંડળ આપવાના- તેમને હિંદુઓથી અલગ ગણવાના વિરોધમાં ઉપવાસ કર્યા હતા. તેમની હૈયાધારણ એવી હતી અસ્પૃશ્યતા હિંદુઓનું પાપ છે અને તેનું પ્રાયશ્ચિત પણ હિંદુઓ જ કરશે. એ વખતે ગાંધીજીનો જીવ બચાવવા માટે ડો.આંબેડકરે પરાણે પૂનાકરાર કરવો પડ્યો. પૂનાકરારના પગલે આવેલો અસ્પૃશ્યતાનિવારણનો જુવાળ ત્યાર પછી થોડા સમયમાં ઓસરી ગયો હતો.

અન્ના હઝારેના ભ્રષ્ટાચાર સામેના ઉપવાસ અને તેના પહેલા તબક્કાને મળેલી આંશિક સફળતાથી ભ્રષ્ટાચારનો જંગ જિતાઇ ગયો હોય એવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે- જાણે પૂનાકરાર પછી ઉભો થયેલો અસ્પૃશ્યતાનિવારણનો માહોલ! પણ અસ્પૃશ્યતા હોય કે ભ્રષ્ટાચાર, તેમાં એક લડાઇથી યુદ્ધ જીતાતું નથી. માટે, નાની લડાઇની જીતથી રાજી થવું, પણ તેનાથી સંતોષ માનીને બેસી જવું નહીં. લાંબું-મોટું યુદ્ધ હજુ બાકી છે અને પોતાની ખરા અર્થમાં સક્રિય હિસ્સેદારી વિના જીતાવાનું નથી એ નાગરિકોએ યાદ રાખવું.

16 comments:

  1. "જે સમાજમાં ધીરુભાઇ અંબાણી અને ગાંધીજીની સરખામણી સામે નાગરિકોને તીવ્ર વાંધા ન પડતા હોય, એ સમાજમાં પેદા થતા નેતાઓ માટે ગમે તેવા ભ્રષ્ટાચારવિરોધી કાયદા કેટલા અસરકારક થાય?" Absolutely brilliant exposition of an inherently flawed movement Urvish. I also particularly love this analogy: "ટીવી ચેનલો અને ઇન્ટરનેટ પરના બહુમતી પ્રચારથી એવી છાપ ઉભી થાય કે ભારતીયો અને ભ્રષ્ટાચાર વચ્ચેની વન ડે મેચ ચાલી રહી હતી, જેમાં આખરે ભારતીયોનો વિજય થયો છે."

    ReplyDelete
  2. And Urvish, I am deeply suspicious of any revolution which can be brought about by giving a few missed calls.

    ReplyDelete
  3. Good. Valid. Timely. Relevant. Needful. Thankyou. - Kiran Trivedi

    ReplyDelete
  4. ઉર્વીશભાઈ,
    બહુ જ સચોટ પૃથ્થક્કરણ. નવી સંસ્થાઓ અને નવા કાયદા બનાવવાથી જૂની સંસ્થાઓ અને ગેરરીતિઓ ઢાંકી શકાશે તે બહુ મોટી ગેરમાન્યતા છે. આ તો હાઈવે પર ટ્રાફિક જામ હોય તો તેની આંટીઘૂંટી દૂર કરવાને બદલે એક બાયપાસ બનાવવા જેવું કામ છે. છતાં ભ્રષ્ટાચારને નાથવાનું કામ કરતી એક ઔર સંસ્થા બંધારણના દાયરામાં રહીને બનતી હોય તો તેનો વિરોધ ન હોઈ શકે. પણ એવું માનવું કે તેનાથી ભ્રષ્ટાચાર દૂર થઇ જશે અને આપણે ખાશું-પીશું ને રાજ કરશું તે તો પરીકથામય સ્વપ્ન બની રહે. અન્ના હઝારેની ભૂખ હડતાલના લીધે દેશમાં આ અંગે સભાનતા કેળવાય હોય કે રચનાત્મક સંવાદ રચાય તો અલગ વાત છે. પણ ભ્રષ્ટાચારની બાબતમાં લાંબી ટેસ્ટ મેચ રમવાની તૈયારી હોવી જોઈએ પછી એમાં ૨૦-૨૦ ન ચાલે!

    ReplyDelete
  5. કલ્પેશ સથવારા6:44:00 PM

    ટીવી ચેનલો અને ઇન્ટરનેટ પરના બહુમતી પ્રચારથી એવી છાપ ઉભી થાય કે ભારતીયો અને ભ્રષ્ટાચાર વચ્ચેની વન ડે મેચ ચાલી રહી હતી, જેમાં આખરે ભારતીયોનો વિજય થયો છે. આ (ગેર)સમજણ સભાનપણે ફરી વાંચો ગેરસમજણ મુગ્ધ અને ખોટી છે. શરૂઆતમાં અન્ના હઝારેના ઉપવાસને ભાવ નહીં આપવાનાં તેવર દેખાડનારી સરકાર સમાધાન કરવા માટે ઝૂકી, તેને આંદોલનની એક ઉપલબ્ધિ કહી શકાય, પણ જીત? એ તો બહુ દૂરની વાત છે.

    ReplyDelete
  6. સંપુર્ણપણે અસંમત.

    તમે ઉઠાવેલા લગભગ બધા જ મુદ્દા સાથે.

    તમે કાનુની જોગવાઈ કરતા સમાજની જાગૃતિ અને મુલ્યવ્યવસ્થા સુધારવા ઉપર ભાર મુકો છો. એવી કોઈ જાદુઈ છડી નથી કે તે ફેરવતા સમાજ સફાળો જાગી જાય કે લોકોની ખોપરીમાં મુલ્યોના પાઠ ઘુસી જાય. મુલ્યવ્યવસ્થાને લગતા વિચારો તો રોજ આશ્રમવાળાઓ ટનબંધ ઠાલવે છે. એથી શું ફરક પડવાનો? ઉંઘતા લોકોમાં જાગૃતિ લાવનારૂ સૌથી મોટું પરિબળ જ કાનુન છે. કોઈ માથાભારેને એવો કુવિચાર આવી જાય કે અબ ઘડી ચપ્પુ ઘુમાવીને છ-સાત ખુન કરી નાખું પણ તુરંત છ-સાત ખુનમાં કાનુની જોગવાઈઓનો વિચાર આવતા એનો અમલ માંડી વાળશે. એ રોજ મંદિરે જાતો હોય તો પણ તે વખતે એને ભગવાનની બીક નહી લાગે એટલી કાયદાની બીક લાગશે, સંભવ છે કે દુષ્કૃત્યમાં ભગવાનને ઘડીભર કોરાણે મુકી દેવામાં આવે છે. એક સવાલઃ માહિતી અધિકારના કાયદાથી જેટલા ગોટાળા ખુલ્લા પડ્યા તે આરટીઆઇ ન હોત તો ખુલ્લા પડત?
    સવા-અબજની વસ્તીમાંથી એક માઇના લાલ અણ્ણાએ ભ્રષ્ટાચાર સામે આમરણાંતનું શસ્ત્ર ઉગામ્યું. સાંપ્રત ભારતના સૌથી મહત્વના મુદ્દે એ મરવા તૈયાર થયા. જંતરમંતર ઉપર એમણે ઉચ્ચારેલી વાણી અને એનો રણકાર સાંભળીને કહુ છુ કે દેશ આખો આ માણસને માથે ઉપાડીને નાચે તો એમાં હરખાવુ જોઈએ. મિડિયામાં કેટરીના-કરીના કે શાહરૂખ-સલમાનને રોજ ચંદન હાર પહેરાવવામાં આવે છે. એકાદ હીટ ફિલમ કે નાટકના નામે મિડિયામાં કુલ લાખો સલામો બોલતી હોય એનો કશો વાંધો નહી અને બે-ચાર દિવસ બધે અણ્ણા-અણ્ણા થઈ ગયુ એમાં ત્રાજવું કાઢીને લાર્જર ધેન લાઇફ તોળી દેવાનું? અત્ર તત્ર સર્વત્ર અણ્ણાની આણ ન સંભળાતી હોત તો સરકાર તો છેલ્લી પાટલીએ બેસી ગઈ હતી. નહીતર શરદ પવારને કમિટિના અધ્યક્ષ બનાવે?
    ગાંધી, આંબેડકર ભુતકાળ બની ગયા, અણ્ણા વર્તમાન છે.

    ReplyDelete
  7. Just Impressive. You must be eating something very special to come up with brilliant views three times a week. Care to share a secret with me? Haha.

    ReplyDelete
  8. @હિંમતઃ
    1)અસંમતિ તો બરાબર, પણ એના મુદ્દા વાંચીને એવી છાપ પડી કે તમે લેખ નિરાંતે વાંચ્યો નથી. બાકી, તમે નોંધ્યું હોત કે લેખમાં ક્યાંય કાનૂનનો ઇન્કાર નથી. બલ્કે, આ મુદ્દે કેટલા કાનૂન અને જોગવાઇઓ છે તેનો ઉલ્લેખ પણ થયેલો છે. લેખમાં સાફ લખ્યું છે કે 'કાનૂન જરૂરી છે, પણ પૂરતો નથી.' આનાથી વધારે સ્પષ્ટ શું લખી શકું?
    2)એવું જ આરટીઆઇ વિશેના તમારા સવાલ વિશ. લેખમાંથી જ અવતરણ ટાંકું છુ, તમે એ ચૂકી ગયા હો એમ જણાય છે, એટલેઃ
    સરકારના આર્થિક અને બીજા વ્યવહારોની માહિતી પ્રજા સુધી પહોંચાડતો માહિતી અધિકારનો કાયદો/રાઇટ ટુ ઇન્ફર્મેશન પણ હવે થયો છે. તેનો અમલ પૂરેપૂરો સંતોષકારક નથી. છતાં, જેવા છે તેવા માહિતી અધિકારના કાયદાથી ઘણા ગોટાળા ખુલ્લા પડ્યા છે.
    3)કેટરીના કે સલમાનને લોકો માથે ચડાવીને ફરે, તો અન્નાને માથે ચડાવીને ફરવામાં શું ખોટું? એવા તમારા તર્ક સાથે હું સંમત થઇ શકતો નથી. મારો વાંધો બિલકુલ આ જ છેઃ અન્ના અને કેટરિના વચ્ચેનો ફરક લોકોના મનમાં ઉભો થવો જોઇએ, જે મીડિયાએ ઉભો થવા દીધો નથી.
    4)મીડિયાએ અન્નાની છબી 'લાર્જર ધેન લાઇફ' ઉભી કરી છે, એવા મારા અભિપ્રાય સાથે તમે અસંમત છો. એ અભિપ્રાયભેદનો પ્રશ્ન છે. એમાં ચર્ચા થઇ શકે. પણ સંમતિ સધાવી જરૂરી નથી.

    ReplyDelete
  9. Navneet Thakkar5:16:00 AM

    Urvish,
    Exactly how I predicted in my previous comments on this blog which you did not publish for you being fascist, you have started bashing Anna Hazare because he praised Narendra Modi's vikaas work in Gujarat! I knew you were traitor to the Gujarati people and to India, same as Teesta Setalwaad/Arundhati Roy/Javed Akhtar/Shabana Aazmi etc. but you are also dumb and predictable !!! It is a funny combination );
    Navneet

    ReplyDelete
  10. નવનીતભાઇઃ તમારા જેવા ભક્તમંડળનો આ જ પ્રોબ્લેમ છે. પોતાની બુદ્ધિ વાપરવી નહીં અને વાપરનારને ગાળો દેવી. 'ડમ્બ અને પ્રીડિક્ટેબલ'નાં વિશેષણ તમે અરીસા સામે બેસીને જ લખ્યાં હશે એવું લાગે છે. બાકી, તમે એટલું જાણવાની તસ્દી લીધી હોત કે મંગળવારે પ્રગટ થયેલો આ લેખ શનિવારે લખાયેલો છે. તેને મુખ્ય મંત્રીની ટીપ્પણી સાથે કશી લેવાદેવા નથી.
    પણ તમારા જેવા આંખે અને મગજ પર પાટા બાંધેલા ભક્તમંડળને સાહેબે બત્તી પકડાવી અને તમે હોંશેહોંશે બત્તી પકડીને અમને ગાળો દેવા- તમારી ધારી લીધેલી પંગતમાં બેસાડવા કૂદી પડ્યા. બાકી તમને દેખાયું હોત કે આખા લેખમાં અન્નાનું 'બેશિંગ' ક્યાંય નથી. જમીન પર રહેવા-રાખવાની જ વાત છે.
    ભાઇ, ગુજરાત તમારી કે તમારા સાહેબશ્રીની જાગીર નથી,અમારો ગુજરાતપ્રેમ તમારા જેવાઓ આગળ સાબીત કરવાની કશી જરૂર નથી અને તમને એની સાબિતીઓ માગવાનો કશો અધિકાર પણ નથી.
    અંગ્રેજીમાં લખવાથી એલફેલ લખીને હોંશિયાર દેખાવાનો તમને ભ્રમ હોય તો કાઢી નાખજો. અંગ્રેજીમાં જ કહું તો, યુ આર બાર્કિંગ એટ રોંગ ટ્રી.

    ReplyDelete
  11. બહુ જ સરસ અને સાચો લેખ.
    તમે સાચુ જ લખ્યુ છે કે માત્ર સમિતીની રચના ને ‘જીત’ હરગીજ ન કહી શકાય. કમનસીબે આપણા દેશની ‘કાયર’ જનતા પોતે કંઇ કરવાને બદલે હંમેશા ક્યારેક કોઇ ‘સુપરમેન’ આવી ને બધીજ તકલીફો દુર કરી દેશે એ આશામા જીવે છે. કદાચ અણ્ણામા તેમને એવો કોઇ ‘સુપર/સ્પાઇડર મેન’ દેખાઇ ગયો છે. તમે સાચુ જ લખ્યુ છે કે પોલીસ+ન્યાયતંત્રની તમામ સત્તાઓ એક જ વ્યક્તિને આપવી એ પણ ‘ખતરોસે ખાલી નહી હૈ’.
    આપણા દેશનો આઝાદી પછીનો ઇતહાસ બાતાવે છે કે સ્વાયત્ત સંસ્થાઓએ ખાસ કશુ ઉકાળી નથી દીધુ. ચુંટણી-પંચ, સતર્કતા-આયોગ(વિજીલંસ-કમીશન) અને સી.બી.આઇ. આના ઉદાહરણો છે. ચુંટણી-પંચે શ્રી શેશાનના સમય ગાળામા જે કંઇ સુધારા કર્યા તે કર્યા. બાકી ચુંટણી અંગેની ફરિયાદોમા કોઇ દાખલારુપ સજા કોઇ રાજકારણીને હજુ સુધી થઇ નથી. થોમસ-કાંડ બહાર આવ્યો એ પહેલા તો સતર્કતા-આયોગ કઇ ચિડીયાનુ નામ છે એ પણ બહુ લોકોને ખબર નહોતી, કારણ કે આજ સુધીમા એ સંસ્થાએ કોઇ એવુ મહત્વ્નુ કામ જ નથી કર્યુ. દેશમા ભ્રષ્ટાચારનુ સ્તર જોતા સહુથી વધુ મહત્વનુ કાર્ય સતર્કાતા-આયોગ કરી શકે તેમ છે. અને સી.બી.આઇ. તો હંમેશા સત્તધારી પક્ષનુ પ્યાદુ જ રહી છે.
    લોકપાલ પણ આ સંસ્થાઓથી વિશેષ કશુ જ નહી હોય.
    જય હો!

    ReplyDelete
  12. ભાઇ નવનીત ઠક્કરે રાબેતા મુજબ મારા એકેય મુદ્દાનો જવાબ લખ્યા વિના કાશ્મીર-અરુંધતિ રોય ને એવું બઘું ઘસડીને પોતે સવાયા દેશભક્ત હોવાનો અને મને ‘ટ્રેઇટર’ સહિત બીજું ઘણું કહેવાની અભદ્રતા દાખવી છે- અને પછી એ મને લોકશાહી ને ફ્રીડમ ઓફ સ્પીચના પાઠ શીખવવા નીકળ્યા છે. પાછા પડકાર પણ આપે છે કે તાકાત હોય તો મારી આ કમેન્ટ પ્રકાશિત કરો.

    ભાઇ ઠક્કર, મામલો તાકાતનો નથી. વિવેક અને વિવેકબુદ્ધિનો છે અને એ મારામાં છે. એટલે તમારી કમેન્ટ તેની યોગ્ય જગ્યાએ- કચરાટોપલીમાં- જાય છે. તમારા પડકારથી ઉશ્કેરાઇને, તમારી પાસેથી મારા લોકશાહી વલણનું પ્રમાણપત્ર મેળવવા હું તમારો બકવાસ પબ્લિશ કરી દઇશ એવું ન માનતા.
    ગ્રો અપ, મેન!

    ReplyDelete
  13. Amit Chauhan12:30:00 PM

    શ્રી ઉર્વીશભાઈ હમેશ ની જેમ ખરેખર માહિતીપ્રદ લેખ. સિક્કા ની બીજી બાજુ ને ભાગ્યે જ કોઈ ઉજાગર કરે છે. અમુક વાચકો તેમની સમજણ અને સહિષ્ણુતા ના અભાવે ગાંડા ની જેમ ગાળો પણ આપે છે. અભિનદન!!!!!!!!!! આવા જ સુંદર લેખ લખતા રહો એવી આશા અને અભ્યર્થના.

    ReplyDelete
  14. shailesh modi, ahmedabad3:48:00 PM

    i am surprised that the article has evoked few adverse reactions. While I share the assessment made by Urvishbhai, the apparent support for the quick-fix among the urban elite is widespread.The Eco Times today carries an article by Prof T T Rammohan of IIM-Ahmedabad, which articulates the "unpopular" perspective and Rammohan, going by comments, has been less lucky than Urvishbhai!

    ReplyDelete
  15. Anonymous10:04:00 PM

    The sweet & poisonous capsule of 'development' rather political vision could be well understood in the light of facts and figures.

    A mandate of developmental scheme has to be long term basis which we all & our future generation have to experience.

    Critical issues of nature, natural resources, water, farming land, infrastructure development, urban & rural development against nature are overseen or are not paid attention, or drawn notice so that we all may not re-experience scarcity & disaster.

    J

    ReplyDelete
  16. ઉર્વીશભાઈ, ખુબ જ સચોટ અને ધારદાર લેખ, ...માત્ર બોમ્બલાસ્ટ કરતા કે ખૂન ની હોળીઓ ખેલતા જૂથો જ આતંકવાદીઓ ના ગણાય...દેશ નું નામક ખાઈ ને હોદ્દા ઉપરથી કરપ્શન આચરતા ગદ્દાર મંત્રીઓ કે ભ્રષ્ટ અમલદારો ની નાપાક ટોળકીઓ પણ સવાયા આતંકવાદીઓ જ છે, " હિન્દુસ્તાની " ફિલ્મ માં કમલ હસન ભ્રષ્ટાચારીઓ નો ખાત્મો કરવા માટે જયારે પોતાના કમર પટ્ટામાં થી છરો કાઢે છે ત્યારે પબ્લિક તાળીયો પડે છે તેજ રીતે હાલમાં દેશની સરેરાશ જનતાને અન્ના હઝારે માં , " હિન્દુસ્તાની " ફિલ્મના નાયક ના દર્શન થઇ રહ્યા છે, અન્ના હઝારે એ કાંડી ચાંપી તો દીધી જ છે, જનતા ભ્રષ્ટાચારીઓની ચિતા સળગવાની જ બસ રાહ જોઈ રહી છે. પણ હા, એના માટે ત્રિશુળ વિતરણ ના કાર્યક્રમો ને બદલે કમલ હસન ના કમર પટ્ટા જેવા " અન્ના હઝારે બેલ્ટ વિતરણ " ના કાર્યક્રમો ઠેર ઠેર યોજાય તે જરૂરી છે, ભ્રષ્ટાચાર થી ગળે આવી ગયેલી જનતા લાંચિયા અમલદારોને કમ સે કમ તેમનીજ ઓફીસો માં એ બેલ્ટ કાઢી ને ફટકારી તો શકે. એક વાર આ ટ્રેન્ડ ચાલુ થશે તો અટકવાનું નામ નહિ લે ...બીજી કોઈ અસર થાય કે ના થાય ખુલ્લેઆમ કરપ્શન આચરનારા લુખ્ખા અધિકારીઓમાં ફફડાટ તો જરૂર થઇ જશે ...

    ReplyDelete