Tuesday, February 08, 2011

કાળાં નાણાંની ‘સ્વિસ ચોકલેટ’

દૃશ્ય-૧: સ્વિત્ઝર્લેન્ડના પાટનગર જીનીવાના એરપોર્ટ પર ભારતીય રાષ્ટ્રઘ્વજની છાપ ધરાવતું એક જમ્બો જેટ ઊભું છે. થોડી વારમાં રન વે પર ચહલપહલ વધી જાય છે. એક પછી એક ટ્રકોની લંગાર સુરક્ષાવાહનોના કાફલા સાથે આવી પહોંચે છે. વિમાનની નજીક આવીને ટ્રકો ઊભી રહી જાય છે. વારાફરતી તેમાંથી કોથળા વિમાનના ભંડકિયામાં ભરાવા લાગે છે. દરેક કોથળામાં હજારો ડોલરની ચલણી નોટો ભરેલી છે અને કોથળાનું મોં સિલ કરેલું છે. મોન્તેકસિંઘ અહલુવાલિયા કે મનમોહન સિંઘ જેવા દેખાતા કોઇ જણ આખી કાર્યવાહી પર ઉચ્ચક જીવે નજર રાખી રહ્યા છે. કોથળા ભરાઇ ગયા પછી ટ્રકો રવાના થાય છે અને ધીમી ઘરઘરાટી સાથે વિમાનનું એન્જિન શરૂ થાય છે. જોતજોતાંમાં વિમાન રન વે પર દોડ મૂકીને આકાશે ચડે છે અને દિલ્હીની દિશા પકડે છે.

દૃશ્ય-૨ (ક): નવી દિલ્હીના એરપોર્ટ પર અફસરો બેચેનીપૂર્વક આંટા મારી રહ્યા છે. સ્વિસ બેન્કમાં ભારતીયોએ જમા કરાવેલું બે નંબરી નાણું લાદીને પાછું ફરતું વિમાન આવવાની તૈયારીમાં છે. આખરે વિમાન હવાઇપટ્ટી પર ઉતરે છે. ફરી ચલણી નોટોના કોથળા ટ્રકોમાં ભરવામાં આવે છે. ‘માલ’ ભરેલી ટ્રકો પોતપોતાના નક્કી થયેલા મુકામે, ભારતનાં બધાં રાજ્યોનાં પાટનગર તરફ રવાના થાય છે...ત્યાર પછી ભારતની ગરીબી દૂર થઇ જાય છે.

અથવા

દૃશ્ય -૨ (ખ): સ્વિત્ઝર્લેન્ડથી નોટોના કોથળા ભરીને આવતા વિમાનને દિલ્હી ઉતાર્યા વિના, આખા ભારતના આકાશ પર ઉડાડવામાં આવે છે. તેમાંથી ચલણી નોટોનો વરસાદ કરવામાં આવે છે...અને આખા ભારતની ગરીબી દૂર થઇ જાય છે.

અથવા

દૃશ્ય-૨ (ગ): જીનીવાના એરપોર્ટ પરથી ઉડેલું વિમાન દિલ્હીને બદલે અમેરિકાની સિલિકોન વેલીની દિશા પકડે છે. નાદાર અમેરિકાએ સિલિકોન વેલી વેચવા કાઢી છે. સ્વિસ બેન્કમાંથી પાછાં મળેલાં કાળાં નાણાં વડે ભારત આખેઆખી સિલિકોન વેલી તેની કંપનીઓ સહિત ખરીદી લે છે. પછી સિલિકોન વેલીમાં થયેલી શોધોના પ્રતાપે ભારતની ગરીબી દૂર થઇ જાય છે.

***

આગળ વર્ણવેલાં દૃશ્યો માત્ર કાલ્પનિક નહીં, શેખચલ્લીની યાદ આપેવા એવાં છે. પરંતુ ‘સ્વિસ બેન્ક’નું નામ પડે એટલે મોટા ભાગના- અને અચ્છાખાસા સમજુ- ભારતીયો શેખચલ્લી બની જાય છે. તેમના મનમાં આવી અનેક કલ્પનાઓ સળવળી ઉઠે છે. રાજકીય પક્ષો તેમાં પોતપોતાના સ્વાદ- અને સ્વાર્થ- પ્રમાણે મરીમસાલા ઉમેરે છે અને પ્રજાને એવું ઠસાવવાનો પ્રયાસ કરે છે કે સ્વિસ બેન્કનું કાળું નાણું ભારત પાછું આવી જાય, તો દેશની બધી સમસ્યાઓ ઉકલી જશે. આ જાતના પ્રચારમાં પોતાના અણગમા-પૂર્વગ્રહો ઉમેરીને ઘણા લોકો એવું માનવા પ્રેરાય છે કે ‘સ્વિસ બેન્કનું કાળું નાણું પાછું આવશે, તો જ દેશની બધી સમસ્યાઓ ઉકલશે.’

ટેક્સ-હેવન(જન્નત)ની હકીકત જાણ્યા વગરનો આ ભ્રમ, ગાલિબના શબ્દોમાં કહીએ તો, દિલ બહેલાવવા માટે ઠીક છે. પણ એને ગંભીરતાથી પોષવા જેવો નથી. સ્વિસ બેન્કનાં કાળાં નાણાંના છાશવારે ચગતા મુદ્દાને જાહેર જીવનમાં કેટલો અગ્રતાક્રમ આપવો એ ટાઢકથી વિચારવી જેવી વાત છે.

‘જન્નતકી હકીકત’
‘સ્વિસ બેન્કમાં રહેલાં નાણાં’ પાછાં લાવવાની કલ્પનાને સરળતા ખાતર મુખ્ય ત્રણ તબક્કામાં વહેંચી શકાયઃ ૧) સ્વિસ બેન્કમાં રહેલાં નાણાંની વિગત મેળવવી ૨) એ નાણાં સરકારી રાહે પાછાં મેળવવાં ૩) તેના વડે દેશનો ઉદ્ધાર કરવો.

સૌ પ્રથમ તો એ સ્પષ્ટતા કરી લઇએ કે ‘સ્વિસ બેન્ક’ એ કોઇ એક બેન્કનું નામ નથી, જ્યાંની તિજોરીમાં ભારતીયોનાં નાણાં પાછાં જવાની રાહ જોતાં પડ્યાં હોય. જીનીવા જેવાં સ્વિત્ઝર્લેન્ડનાં જુદાં જુદાં શહેરોમાં કાર્યરત ૪૦૦થી પણ વઘુ બેન્ક અને નાણાંકીય સંસ્થાઓ બહારની દુનિયામાં ‘સ્વિસ બેન્ક’ના સામાન્ય નામે ઓળખાય છે. તેમાં ફક્ત ભ્રષ્ટાચારી માલેતુજારોનાં બે નંબરી નાણાં જ હોય છે, એવું પણ નથી. છતાં બેન્કને- અને સરવાળે સ્વિસ સરકારને- ખરી કમાણી ‘પ્રાઇવેટ સર્વિસ’ માગતા અનામી આસામીઓનાં તગડી રકમનાં ખાતાંમાંથી થાય છે.

સ્વિસ બેન્કનાં- ખરેખર તો સ્વિસ બેન્કોનાં- ખાતાંની વિગત મેળવવાનું બહુ અઘરૂં ગણાય છે, તેનું બીજું, વધારે મોટું કારણ છેઃ સ્વિસ સરકાર પોતે. કારણ કે દેશના કુલ ઘરેલુ ઉત્પાદન/ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં સ્વિસ બેન્કો થકી થતી કમાણીનો હિસ્સો ૧૧-૧૨ ટકા જેટલો મોટો છે. તગડી કમાણી કરાવતાં ખાનગી ખાતાંની વિગત આપવાની થાય, ત્યારે બેન્ક કરતાં વધારે તકલીફ સ્વિસ સરકારને પડે, એ દેખીતું છે. એટલા માટે જ, બેન્કનાં ખાતાંની વિગત જાહેર કરનાર ‘ગદ્દાર’ માટે સ્વિસ કાયદામાં છ મહિનાની જેલ અથવા ૫૦ હજાર સ્વિસ ફ્રાન્કના દંડ જેવી જોગવાઇ પણ રાખવામાં આવી હતી.

તેનો અર્થ એવો નથી કે સ્વિસ બેન્કમાં રહેલાં ખાતાંની વિગતો ન જ મેળવી શકાય. અમેરિકાના લાંબા ગાળાના પ્રયાસો અને ધાકધમકીઓ પછી આખરે ઓગસ્ટ, ૨૦૦૯માં અમેરિકા અને સ્વિત્ઝર્લેન્ડની સરકારો વચ્ચે સમજૂતિ થઇ. એ પ્રમાણે, ધંધાની દૃષ્ટિએ બીજો નંબર ધરાવતી સ્વિસ બેન્ક ‘યુબીએસ’ ૪,૪૫૦ અમેરિકન ખાતેદારોની વિગત એક વર્ષમાં અમેરિકાની સરકારને આપવા તૈયાર થઇ. કેમ કે, આ લોકોએ અમેરિકામાં કરવેરા ગુપચાવીને નાણાં સ્વિસ બેન્કમાં જમા કરાવ્યાં હોવાની આશંકા હતી.

સ્વિસ સરકારની આ કૃપાના બદલામાં અમેરિકાના ન્યાય વિભાગે બેન્ક સામેની તોતિંગ કાનૂની કાર્યવાહી પડતી મૂકી. એટલું જ નહીં, અપ્રમાણસરની સંપત્તિ ધરાવતા ૫૨ હજાર અમેરિકનોનાં સ્વિસ બેન્કનાં ખાતાંની વિગતોની માગણી પણ પાછી ખેંચી લીધી. સ્વિસ બેન્કનું આ પગલું પણ અનેક શરતો સાથેનું હતું. તેમાંથી કેટલીક જાણવા જેવી શરતોઃ ખાતેદારનું નામ અમેરિકાની સરકારને આપતાં પહેલાં સંબંધિત ખાતેદારને સ્વિસ બેન્ક તરફથી આ અંગે જાણ કરવામાં આવશે. એટલું જ નહીં, આ નિર્ણય સામે ખાતેદાર સ્વિત્ઝર્લેન્ડની કોર્ટમાં અપીલ પણ કરી શકશે.

ત્રિરાશિ માંડવા જેવી બાબત એ છે કે અમેરિકા જેવા જગત જમાદારને સ્વિસ બેન્ક પાસેથી ખાતેદારોની યાદી મેળવવામાં આટલી તકલીફ પડતી હોય અને ત્યાર પછી પણ ઘણા આગ્રહો જતા કરવા પડ્યા હોય, તો ભારત માટે આ માહિતી મેળવવાનું કેટલી હદે શક્ય બને?

નામ પૂરતા કરાર
યાદ રહે કે અત્યાર સુધી થયેલી વાત જમા થયેલાં નાણાં નહીં, પણ ખાતેદારોનાં નામ મેળવવાની જ હતી. નામ મેળવવામાં આટલી પળોજણ હોય, તો બેન્કમાં જમા થયેલાં નાણાં પાછા દેશમાં આવી જશે, એવું સ્વપ્ન કયો શાણો માણસ જોઇ શકે?

‘ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટ’ તરીકે ઓળખાતા કરચોરી નિવારવાના પરસ્પર કરાર અંતર્ગત ૧૦૦થી વઘુ દેશો એકબીજા સાથે સંકળાયેલા છે. આ કરાર અંતર્ગત સરકારો વચ્ચે કરચોરી કરનારનાં નામની આપ-લે થઇ શકે, પણ કરારની શરતો પ્રમાણે એ નામ જાહેર કરી શકાતાં નથી.

ભૂતપૂર્વ કાનૂનમંત્રી અને વિવાદાસ્પાદ અસીલોના વકીલ તરીકે પંકાયેલા રામ જેઠમલાણીએ વિદેશી બેન્કોમાં ઠલવાયેલું કાળું નાણું દેશમાં પાછું લાવવામાં સરકારની નિષ્ક્રિયતા અંગે સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરી છે. તેને કારણે થોડા સમયથી ફરી એક વાર સ્વિસ બેન્ક અને કાળાં નાણાં ચર્ચામાં આવ્યાં છે. અરજદાર જેઠમલાણી વતી તેમના વકીલ અનિલ દીવાને અદાલતમાં એવી દલીલ રજૂ કરી કે બીજા દેશો સાથેના કરારની શરતો ફક્ત કરચોરોને લાગુ પડે છે, જ્યારે વિદેશી બેન્કોમાં જમા થયેલાં નાણાં ફક્ત કરચોરીનાં નથી. તે બીજી અનેક ગુનાઇત પ્રવૃત્તિઓમાંથી પેદા થયેલાં હોઇ શકે છે.

નોંધવા જેવી હકીકત એ છે કે સર્વોચ્ચ અદાલતે પણ આ જ બાબત સામે ગંભીર વાંધો લીધો છે. અદાલતે સરકાર વતી ઉપસ્થિત રહેલા સોલિસિટર જનરલને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ‘સરકારે ફક્ત કરચોરીની દૃષ્ટિએ વિચારવાને બદલે, બીજાં પાસાં પણ ઘ્યાનમાં લેવાં જોઇએ...કોઇ માણસ વિદેશી બેન્કમાં આટલાં નાણાં જમા કરાવે ત્યારે સરકારે તેને પૂછવું જોઇએ કે આટલું બઘું તે કમાયા ક્યાંથી? શસ્ત્રોની સોદાબાજીમાંથી? ત્રાસવાદી નેટવર્કમાંથી? નશીલા દ્રવ્યોના ધંધામાંથી?’ આ લેખના સંદર્ભે અદાલતની ચર્ચા જોતાં સમજાશે કે તેમાં મુખ્ય નિશાન ભ્રષ્ટાચારનાં નાણાં પર નહીં, પણ ગુનાઇત પ્રવૃત્તિમાંથી પેદા થઇને પરદેશ પગ કરી જતાં નાણાં પર તકાયેલું છે.

સ્વિત્ઝર્લેન્ડ નજીક આવેલા ટચૂકડા દેશ લિક્ટનસ્ટાઇનની એક બેન્ક પાસેથી જર્મન સરકારે થોડાં ખાનગી ખાતાંની વિગત મેળવી છે. ભારત સરકારને પણ એ વિગત મળી શકે એમ છે અથવા મળી ચૂકી છે. પરંતુ સરકારના જણાવ્યા પ્રમાણે, અત્યારે નામ જાહેર કરવાથી તપાસ પર તેની અવળી અસર પડે અને કરારનો ભંગ થાય. એટલે આ તબક્કે સરકાર શાં પગલાં લઇ રહી છે, એટલું જ કહી શકાય એમ છે.

આ સંજોગોમાં સ્વિસ બેન્કમાંથી નાણાં પાછાં આવે એવી આશા રાખવામાં શાણપણ જણાતું નથી. સ્વિત્ઝર્લેન્ડ કરતાં ભારત વધારે નજીક ન પડે? ખરેખર તો, ઘરઆંગણાના કોમનવેલ્થ કલમાડી, સ્પેક્ટ્રમ રાજા, કર્ણાટકના ‘બેલ્લારી બંઘુઓ’ જેવા કૌભાંડીઓ પાસેથી નાણાં વસૂલ કરી શકાય તો પણ ઘણું.

ચોકલેટી રાષ્ટ્રવાદ
ધારો કે જાદુઇ લાકડી ફરી જાય, ચમત્કાર થાય અને સ્વિસ બેન્કમાં ભારતીયોએ જમા કરાવેલાં બધાં બે નંબરી નાણાં ભારત પાછાં આવી જાય તો?

અત્યારે જે છે એવા જ નેતાઓ એ વખતે હોય તો, ગમે તેટલાં નાણાંથી દેશનો ઉદ્ધાર થવાનો છે? દેશ સદ્ધર નથી, તો પણ જે લોકો આટલાં તોતિંગ કૌભાંડો કરી શકે છે, તેમની પાસે સ્વિસ બેન્કનો દલ્લો આવે તો એ શું ન કરે? શક્ય છે કે એ સ્વિત્ઝર્લેન્ડની જગ્યાએ ‘ટેક્સ હેવન’ (કરવેરાનું સાવ ઢીલું માળખું ધરાવતો) દેશ શોધી કાઢે અને નાણાં ત્યાં જમા કરાવે.

પછી?

કંઇ નહીં. પછીની પેઢીઓએ સ્વિત્ઝર્લેન્ડને બદલે બીજા દેશમાંથી નાણાં પાછા આવશે તો દેશનો ઉદ્ધાર થઇ જશે, એવી ચોકલેટ ચગળવાની અને એવા ચોકલેટો વહેંચતા નેતાઓથી અભિભૂત થઇને રાષ્ટ્રવાદી હોવાનું ગૌરવ અનુભવવાનું.

5 comments:

  1. In depth research done and good information reader can get from this article. Thanks Urvishbhai for this article to write on Swissbank.

    ReplyDelete
  2. Our 'honorable' politicians will continue to distribute such "chocolates" to divert public mind from the real issues like inflation, corruption, scams etc. They do not want a Egypt like situation here.

    Chocolate chuso, aish karo !

    Jay ho!

    ReplyDelete
  3. vaah kavi... jamaavat kari...
    thanks...

    ReplyDelete
  4. i am sending this link to all to "the mail" spreading... misguiding people about the issue...

    ReplyDelete
  5. Anonymous12:53:00 AM

    Very Well Researched !

    ReplyDelete