Friday, February 25, 2011

'PIC' nic

FaceBook

મશીનને જે ખબર પડે, તે માણસને ન પડે?

બાળકની મુદ્રા જોઇને એવું લાગે કે માના દૂધ પછીની સૌથી પૌષ્ટિક ચીજ એક રૂપિયામાં વેચાતું પાણીનું પાઉચ હશે.

Wednesday, February 23, 2011

કોઇનું પ્રવચન, કોઇના માથે

આર.કે.લક્ષ્મણના એક કાર્ટૂનમાં નેતાશ્રી પોતાનું પ્રવચન ત્રણ વાર વાંચી જાય છે. કારણ? સેક્રેટરીએ સરકારી રીત પ્રમાણે તેમને પ્રવચનની ત્રણ નકલ (ટ્રિપ્લિકેટ) આપી હતી.

ભારતભૂમિ એવી પ્રતાપી છે કે ત્યાં જૂના જમાનામાં ઋષિમુનિઓ સ્વરૂપે અને નવા જમાનામાં કાર્ટૂનિસ્ટ સ્વરૂપે આર્ષદૃષ્ટાઓ પ્રાપ્ત થતા રહે છે. થોડા દિવસ પહેલાં ભારતના વિદેશી બાબતોના મંત્રી એસ.એમ.કૃષ્ણાએ સંયુક્ત રાષ્ટ્રસંઘની બેઠકમાં પોતાના ભાષણને બદલે પોર્ટુગલના એક પ્રધાનનું પ્રવચન વાંચવાનું શરૂ કરી દીઘું. પાછળથી એવો ખુલાસો કરવામાં આવ્યો કે ‘બધાં પ્રવચનોની શરૂઆત એકસરખી ઔપચારિક (અર્થહીન) હોય છે કે આવી ચૂક થઇ જાય એમાં નવાઇ પામવા જેવું નથી.’ સાર એટલો કે પાંચમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીથી થાય તે ભોપાળું અને મંત્રીથી થાય તે સરતચૂક.

‘કોઇનું મીંઢળ કોઇના હાથે’ એવો પ્રયોગ તો જાણીતો છે, પણ કોઇનું પ્રવચન કોઇના માથે મારવામાં આવે- અને એ વાગી પણ જાય તો?

***

રાહુલ ગાંધીઃ કોંગ્રેસની બેઠકમાં

આપણે ભલે બહુ મળવાનું ન થાય, પણ હું જાણું છું કે એક મહિલાને કારણે તમારી હાલત કેટલી ખરાબ છે. એ પોતાની જાતને સર્વેસર્વા સમજે છે અને લોકશાહી હોવા છતાં સરમુખત્યારશાહી ચલાવે છે. એ માને છે કે પોતે જ પક્ષ છે અને પોતે જ સરકાર છે. પોતાના ગણ્યાગાંઠ્યા સલાહકારો સિવાય બીજા કોઇનું એ સાંભળતાં નથી. આવું કેવી રીતે ચલાવી લેવાય?

મને ખબર છે કે તમે મારી પર બહુ મોટી આશા બાંધીને બેઠા છો. હું મારી રીતે એ મહિલાનો પ્રતિકાર કરવા કોશિશ કરી રહ્યો છું, પણ સત્તા આગળ શાણપણની જીત એમ ઝડપથી થોડી થઇ જાય? આટલાં વર્ષથી એક મહિલાનું એકહથ્થુ અને મનસ્વી રાજ ચાલતું હોય ત્યાં વૈકલ્પિક માળખું ઊભું કરવાનું કેટલું અઘરૂં છે, એ તમે સૌ સમજી શકો છો. પણ તમારે હિંમત હારવાની જરૂર નથી. કોઇનું રજવાડું અમર તપતું નથી. દરેકનો ક્યારેક અંત આવે છે. મારે તમને એટલું જ કહેવાનું કે તમે લોકો અંતની રાહ જોઇને બેસી રહ્યા વિના, તમારી જાતે એ દિશામાં સક્રિય બનો અને ફગાવી દો એ મહિલાની ગુલામીને....

...સોરી...પ્રવચન બદલાઇ ગયું લાગે છે...આ તો મારે ઉત્તર પ્રદેશના કોંગ્રેસીઓ સમક્ષ કહેવાનું હતું અને હું માયાવતીની વાત કરતો હતો. ખબરદાર જો કોઇએ ગેરસમજણ કરી છે તો...

નીતિન ગડકરીઃ કર્ણાટકની જાહેરસભામાં

તમે સૌ જાણો છો કે અમારો પક્ષ ભય,ભૂખ અને ભ્રષ્ટાચાર સામે લડનારો છે. અમારાં ચાલ, ચરિત્ર અને ચહેરાથી તમે વાકેફ છો. આ સરકાર તમને લૂંટવા બેઠી છે. તેનાં કૌભાંડોનો પાર નથી. તેના પરિણામે દેશની તિજોરીને કરોડો-અબજો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. છતાં સરકાર બેશરમીથી સત્તાને ચીપકી રહી છે. હું પૂછું છું ઃ આ તે સરકાર છે કે ગરોળી?

મારી તમને લોકોને અપીલ છે કે આવી સરકારને તમારે, અમારે, આપણે સૌએ ભેગા થઇને રવાના કરવી જોઇએ. તેના બોરિયાબિસ્તરા ફગાવી દેવા જોઇએ. માનનીય વાજપેયીજીએ ભ્રષ્ટાચારની સામે લડવામા સક્રિય જીવન વીતાવી દીઘું અને માનનીય અડવાણીજીએ વડાપ્રધાનપદની રાહ જોવામાં...એટલે, સત્તાલાલસાની રીતે નહીં, પણ દિલ્હીની ગાદી પર પોતાના નેતૃત્વ હેઠળ સ્વચ્છ સરકાર આવે એવી અભિલાષા સાથે. આવા મહાનુભાવોના પક્ષપ્રમુખ તરીકે હું તમને સાફ શબ્દોમાં કહેવા માગું છું કે ભ્રષ્ટાચાર કરનાર જ નહીં, તેને પોષનાર- છાવરનાર પણ ભ્રષ્ટાચારી કહેવાય. કોઇ પણ સ્વરૂપનો ભ્રષ્ટાચાર ઇમમોરલ જ નહીં, ઇલલીગલ પણ છે....

...એક મિનિટ...આ ક્યાંથી આવી ગયું? આ પ્રવચન તો ચૂંટણીપ્રચાર વખતે મનમોહનસિંઘ સરકાર સામે કરવાનું હતું. (મનોમન) કર્ણાટકમાં અમારા પક્ષની સરકાર સામે ભ્રષ્ટાચારના આરોપ છે અને મુખ્ય મંત્રીના બચાવમાં મેં કહેલું કે તેમનું કામ ઇમમોરલ હોઇ શકે, ઇલલીગલ નહીં.

ગુજરાતના મુખ્ય મંત્રીઃ અમેરિકાના વિઝા મળવાની ઉજળી શક્યતા અંગે નિવેદન

અમેરિકામાં સેંકડો ગુજરાતીઓ વસે છે. આપણા કવિ ‘ખબરદારે’ કહ્યું છે કે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.’ મને આ પંક્તિ બહુ ગમે છે. કારણ કે તેમાં ગુજરાતનો મહિમા થાય છે અને બીજું ખાસ કારણઃ જ્યાં જ્યાં એક ગુજરાતી વસતો હોય, ત્યાં ગુજરાત હોવાથી મારે ત્યાંના અલગ વિઝા રહેવાની જરૂર રહેતી નથી.
મને કવિની પંક્તિ જ નહીં, તેમનું ઉપનામ પણ બહુ ગમે છે. કવિનું કામ જનતાને ખબરદાર કરવાનું છે- પોતાની કવિતાથી નહીં, તો પોતાના નામથી. હું કવિ છું, પણ હું મારા કામથી લોકોને ‘ખબરદાર’નો સંદેશો આપું છું. કવિ તરીકે મારૂં કોઇ ઉપનામ નથી. મારાં બધાં ઉપનામ શાસક તરીકે છે અને મારા વિરોધીઓએ પાડેલાં છે. પણ હું એટલે કે ગુજરાત વિરોધીઓની પરવા કરતા નથી.

અમેરિકા દુનિયભરના સરમુખત્યારોને, હત્યારાઓને અને આપખુદ શાસકોને વિઝા આપે છે, તો મને વિઝા આપવામાં તેનું શું જાય છે? તેમને બીક છે કે હું અમેરિકામાં ચૂંટણી લડીશ તો ત્યાંના ગુજરાતીઓના જોરે જીતી જઇશ..કારણ કે જ્યાં જ્યાં એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત અને જ્યાં જ્યાં સદાકાળ ગુજરાત, ત્યાં ત્યાં મારો જયજયકાર.

...મને ક્યારની કંઇક ગરબડ લાગતી હતી...આ તો અમેરિકાના વિઝા હજુ ન મળે, તો પછી જાહેરસભામાં કરવાના ભાષણના મુદ્દા છે...

ગુજરાતી સાહિત્યકારઃ સાહિત્યસંસ્થાનું પારિતોષિક સ્વીકારતી વખતે

આજે મને કેટલી ધન્યતાની લાગણી થાય છે, તે હું શબ્દોમાં વર્ણવી શકું એમ નથી. આ દિવસ માટે મેં સાહિત્યસાધનાનો આરંભ કર્યો હતો એવું તો સાવ નથી, પણ ઘણા સમયથી મનમાં એવી ઊર્મિ આકાર લઇ રહી હતી ખરી કે આ દિવસ જરૂરથી આવશે. આ પવિત્ર સ્થળે, આટલા પવિત્ર વાતાવરણમાં ઉપસ્થિત રહેવાનો અને આટલી ઉમદા મહેમાનગતિ માણવાનો મોકો મળ્યો, એ મારા માટે ન ભૂલાય એવો લહાવો છે. મારા પહેલાં બીજાં ઘણાં મોટાં નામ અહીં આવીને ધન્યતા અનુભવી ગયાં છે એ હું જાણું છું અને એટલા માટે હું વધારાની ધન્યતા અનુભવી રહ્યો છું. અહીં આવીને મને એ વાતની પણ ખાતરી થઇ કે ગુજરાતી ભાષા-સાહિત્યનું અને મારા જેવા તેને સેવકોનું ભવિષ્ય સલામત છે, જ્યાં સુધી પૂજ્ય...

....ના, ના...ભૂલ્યો..આ તો અસ્મિતાપર્વમાં વાંચવાનું પ્રવચન આવી ગયું.

Saturday, February 19, 2011

ગુજરાતી ભોજન સમારંભઃ દેખાડાનો આનંદ, ખર્ચ્યાનો સંતોષ

ભારતમાં રોજ કેટલા લોકો જમવા ભેગા થયા વિના સુઇ જાય છે અને કેટલા ભૂખે મરે છે એ વિશે ક્યારેક લખાતું હોય છે. પરંતુ આ વાસ્તવિકતા નજરઅંદાજ કરીને યોજાતા મોટા જમણવારો વિશે, તેની સમાંતર દુનિયા વિશે ભાગ્યે જ કંઇ વાંચવા-સાંભળવા મળે છે.

‘દુનિયામાં ચોતરફ સમસ્યાઓનો પાર ન હોય, ત્યારે ભોજન સમારંભ જેવા ક્ષુલ્લક મુદ્દા વિશે શા માટે લખવું જોઇએ?’ એવા સવાલનો સીધોસાદો જવાબ છેઃ ભોજન સમારંભો આપણી સમાજવ્યવસ્થાને અને રીતરિવાજોને જ નહીં, માનસિકતાને અને વર્તમાન સામાજિક પ્રવાહોને પણ અમુક અંશે પ્રતિબિંબિત કરે છે.

ભારતમાં સામુહિક ભોજનસમારંભની પ્રથા ઘણી જૂની અને મુખ્યત્વે જ્ઞાતિ સાથે સંકળાયેલી હતી. તેના લીધે ભોજન સમારંભો મોટે ભાગે ‘જ્ઞાતિભોજ’ કે ‘ન્યાતના જમણવાર’ કહેવાતા હતા. તેમાં જમીન પર બેસીને પતરાળા-પડિયામાં (અને પછીનાં વર્ષોમાં સ્ટીલની થાળી-વાટકીમાં) ખાવાનો મહિમા હતો.

અત્યારે નવાઇ લાગે, પણ પડિયાં-પતરાળાનાં યુગમાં એટલે કે માંડ વીસ-પચીસ વર્ષ પહેલાં સુધી આપણા ‘જ્ઞાતિભોજન’માં ચમચીને ક્યાંય સ્થાન ન હતું. સમજણ એવી હતી કે ગુજરાતી ભોજનમાં ચમચીની શી જરૂર? દૂધની બનાવટો પડિયાથી કે માટીના બટેરાથી પીવાની હોય, મીઠાઇ અને ફરસાણ બટકું ભરીને તોડવાનાં હોય અને દાળ-ભાત? એ તો હાથથી જ ખવાય. નહીંતર જમીને હાથ ધોયા પછી એકાદ કલાક સુધી હાથમાંથી ઘીની સુગંધ શી રીતે આવે! કેશાકર્ષણના નિયમનો વ્યવહારૂ અમલ કરીને, હાથથી દાળ પીવી એ જ્ઞાતિભોજનનો લહાવો ગણાતો હતો.

બુફે પ્રકારની ‘ઉભડક’ ભોજન વ્યવસ્થા ઘણા સમય સુધી શહેરો અને સમૃદ્ધ વર્ગો પૂરતી મર્યાદિત રહી, પરંતુ છેલ્લા દોઢેક દાયકાથી ‘જમણવારમાં બુફે રાખવું કે બેઠક?’ એ ચર્ચા થાળે પડી ગઇ છે. બુફે પદ્ધતિને વર્ષો સુધી શહેરી અને કૃત્રિમ ગણનારા વિરોધીઓએ આખરે હથિયાર હેઠાં મૂકીને શરણાગતિ સ્વીકારી લીધી છે. ‘ઊભાં ઊભાં તે જમવાનું હોતું હશે? ખાધાનો સંતોષ શી રીતે મળે?’ એવા ઉદ્ગારો હવે સંભળાય તો પણ તેમાં વિરોધના જુસ્સા કરતાં મજબૂરીભર્યા સ્વીકારનો ભાવ વધારે પ્રમાણમાં હોય છે.

જમવા અંગે પહેલી રકઝક ‘પલાંઠી વિરૂદ્ધ ડાઇનિંગ ટેબલ’ની થઇ હતી. પલાંઠી વાળીને જમવાની પદ્ધતિને શ્રેષ્ઠ ગણનારા માટે આયુર્વેદથી માંડીને ઋષિમુનિઓના દાખલા હાથવગા રહેતા.પરંતુ પલાંઠી વાળીને અડધો કલાક સુધી બેસી રહ્યા પછી ઊભા થવાનું આકરૂં પડવા લાગ્યું, તેમ એ ચર્ચા (ડાઇનિંગ ટેબલની તરફેણમાં) ઠરતી ગઇ.
હવેની સમસ્યા જરા જુદી અને પાયાની છેઃ બેસીને જમવું કે ઊભા રહીને, ટેબલ પર જમવું કે નીચે એનો પ્રશ્ન નથી. શું જમવું એ સવાલ છે.

સૂપ-સ્ટાર્ટરથી માંડીને આઇસક્રીમ-ડેઝર્ટ-મુખવાસનો ખડકલો ધરાવતા અત્યારના ભોજન સમારંભોમાં ‘શું જમવું?’ એવો સવાલ કેવી રીતે થઇ શકે? બસોથી પાંચસો રૂપિયા જેવો ભાવ ધરાવતી ડીશમાં, જોઇને ધરાઇ જવાય એટલી વાનગીઓ હોય, ત્યાં પેટ કેવી રીતે ભરવું એ તો કંઇ સવાલ છે?

હા. છે. એ સવાલ ત્યારે થાય છે, જ્યારે મહેમાન વાનગીના ખડકલાથી કે ડિશની કિંમતથી અંજાવાને બદલે,
ભોજનના સ્વાદની સામે જુએ. તેને ઘ્યાનમાં લે અને ચાખવાને બદલે જમવાનો પ્રયાસ કરી જુએ.

અત્યારના મોટા ભાગના જમણવારોમાં રસોઇનો સ્વાદ એકસરખો ખરાબ હોય છે. સ્વાદ બેશક વ્યક્તિગત બાબત છે, પરંતુ છેલ્લા થોડા સમયથી ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ગુજરાતી ભોજનના નામે જે અંધાઘૂંધી ચાલે છે, તે ઊડીને આંખે- કે દાઢે- વળગે એવી છે. ભોજન સમારંભના ખર્ચને બગાડ ગણીને ટાળનારા ભારે અભિનંદનને પાત્ર છે, પરંતુ તેમના પછીના ક્રમે એવા લોકોને અભિનંદન આપવાનાં રહે છે, જે ભોજન સમારંભમાં રૂપિયા ખર્ચવા સિવાયની બાબતો પર પણ ઘ્યાન આપે છે.

પાકું આયોજન ફક્ત રૂપિયા ફેંકી દેવાથી થઇ જતું નથી. તેના માટે પ્રસંગ ‘પતાવવાની’ નહીં, પણ ઉજવવાની માનસિકતા અને ત્રેવડ જોઇએ. મોટા ભાગના મઘ્યમ કે ઉચ્ચ મઘ્યમ વર્ગના યજમાનો માને છે કે મોંઘી કિંમતની પ્લેટ અને એકાદ સારો પાર્ટીપ્લોટ રાખી દઇએ એટલે સમારંભ રંગેચંગે પૂરો. તેમાં મહેમાનોની સુવિધા કે ભોજનની ગુણવત્તા વિશે ભાગ્યે જ વિચારવામાં આવે છે. જેની કિંમત માટે યજમાનને બહુ નાઝ હોય છે એવી મોંઘી ‘ડિશ’ની વાનગીઓ મેનુના આધારે નક્કી કરી નાખવામાં આવે છે, પણ એ વાનગી કેવી બની તેની દરકાર કેટલા યજમાન રાખતા હશે?

રસોઇ બનતી હોય ત્યારે યજમાન પરિવારમાંથી કોઇ જવાબદાર વ્યક્તિ વાનગીઓ ચાખે અને જરૂર પ્રમાણે તેના સ્વાદમાં ફેરફાર કરાવે, એ રિવાજ જૂની પદ્ધતિના ભોજન સમારંભોમાં હતો. શહેરી, પાર્ટીપ્લોટ બ્રાન્ડ સમારંભો સિવાય હજુ પણ એ પ્રથા ચાલુ હશે, પરંતુ શહેરી વિસ્તારોમાં લોકોનો ‘ટેસ્ટ’ ઘ્વન્યાર્થમાં અને શબ્દાર્થમાં બદલાઇ ગયો છે.

રૂપિયાનું પૂરેપૂરૂં વળતર મેળવવું અને એમ કરવામાં કોઇ પણ જાતની શરમ ન રાખવી, એ આવડત અને હોંશિયારી ગણાતી હતી. હવે સઘળી હોંશિયારી માત્ર ને માત્ર રૂપિયા ખર્ચવામાં સમાઇ જાય છે. ભોજન સમારંભ હોય કે રેસ્ટોરાં, મોટા ભાગના લોકો સ્વાદિષ્ટ જમવાને બદલે રૂપિયા ખર્ચવા જતા હોય એવું લાગે છે. રૂપિયા ખર્ચીને મળતા ઠેકાણા વગરના ભોજન સામે ભાગ્યે જ કોઇ ફરિયાદ કરે છે. બલ્કે, ‘ફૂડ બહુ સારૂં છે’ એવા વ્યવહારિયા ઉદગાર કાઢે છે. તેમના આ અભિપ્રાયને પડકારવામાં આવે ત્યારે ‘ફૂડ પ્રમાણમાં સારૂં છે..એકંદરે સરસ છે...કંઇ સાવ નાખી દેવા જેવું નથી..’ એવી વ્યૂહાત્મક પીછેહઠો દ્વારા તે વાતનો પાર લાવવા પ્રયાસ કરતા રહે છે.

અઢળક રૂપિયા ખર્ચ્યા પછી વાહિયાત જમવાનું મળ્યું છે, એવું સ્વીકારી લઇએ તો મૂરખ ન લાગીએ? અને બે વાર મૂરખ બનવાનું કોને ગમે?

વ્યવહારડાહ્યા લોકો ‘ભોજન તો ઠીક છે. ખરૂં મહત્ત્વ મળવાનું છે’ એવું શાણપણ વહેતું મૂકે છે. કેટલાક કજિયાભીરૂ લોકો ‘જમવાના ટાઇમે ક્યાં માથાકૂટ કરવી’ એમ વિચારીને કકળાટ ટાળે છે. સરવાળે મોંઘોદાટ ભાવ ધરાવતી ડિશની વાનગીઓ કેવી ઠેકાણા વગરની હતી, તે યજમાનને કે રેસ્ટોરાંને કોઇ કહેતું નથી. એટલે વાનગીઓનો ખરાબ સ્વાદ અપવાદને બદલે નિયમરૂપ, કાયમી બની જાય છે. આ બગાડાના ઘણા દાખલા આપી શકાય, પણ તેનાં સૌથી મોટાં ઉદાહરણ છે દાળ, કઢી અને બટાટાના છાલવાળા શાક જેવી ગુજરાતી વાનગીઓ.

(ભાવની બાબતમાં) એકબીજાથી ચડિયાતી ગુજરાતી થાળી પીરસતા ડાઇનિંગ હોલ હોય કે ડિશ દીઠ ચારસો-પાંચસો રૂપિયાનો ભાવ વસૂલતા મહારાજ, તેમાંથી કોઇને સબડકા મારીને ખાવામાં આવતી હતી એવી ગુજરાતી દાળ બનાવતાં આવડતું નથી અથવા એવી દાળ બનાવવાની એ તસ્દી લેતા નથી. એવું જ ભોજન સમારંભની ઓળખ ગણાતા છાલવાળા બટાટાના શાક માટે પણ કહી શકાય. વર્ષો પહેલાં કોઇના લગ્નમાં ખાધેલી કઢી બે-ત્રણ દાયકા પછી પણ સગાંવહાલાં યાદ કરતાં હોય, એવાં ઉદાહરણો જોયાં છે. તેની સામે અત્યારે ભોજન સમારંભોમાં અને ડાઇનિંગ હોલમાં જોવા મળતી ગુજરાતી વાનગીઓમાં રાજસ્થાની સ્વાદ એવો પ્રસરી ચૂક્યો છે કે વહેલામાં વહેલી તકે, બને તો કોળિયો મોંમાંથી અન્નનળી સુધી પહોંચે તે પહેલાં જ, એનો સ્વાદ ભૂલી જવાનું મન થાય.

ગાલાપાગોસ ટાપુ પર જોવા મળતા ‘ફાંટાબાજ કુદરત’ના ખાનામાં મૂકી શકાય એવા જીવોની જેમ, અત્યારે બહાર મળતી ઘણીખરી ગુજરાતી વાનગીઓનો સ્વાદ ‘ફાંટાબાજ’ થઇ ગયો છે. છેલ્લા દસ વર્ષમાં સમજણા અને બહાર જમતા થયેલા શહેરી ગુજરાતીઓના ભાગે ગુજરાતી ભોજનની બગડેલી આવૃત્તિ જ આવી છે, જેને તે ‘ઓરિજિનલ ગુજરાતી’ માની લે છે. એટલું જ નહીં, બગડતા સ્વાદ અને વધતી કિંમતો છતાં વેઇટિંગ રૂમમાં લાઇનો ધરાવતા ડાઇનિંગ હોલ અને બુફે ડિનરમાં ૫૦-૬૦ વાનગીઓની યાદી જોઇને ‘ગુજરાત શાઇનિંગ’ના વિચારે તે હરખાય છે.

ભોજન માટે ખર્ચેલા રૂપિયામાંથી જ ઓડકાર આવી જતો હોય, તો સ્વાદની કોને પરવા છે? અખો અત્યારે હોત તો તેણે લખ્યું હોત, ‘જીભને શું વળગે ભૂર, બિલમાં જે ચડે તે શૂર’.

Thursday, February 17, 2011

અભિનેત્રીઓની ટપાલટિકિટ


સરકારી પુરસ્કારોની જેમ ટપાલટિકિટોનું કોઇ ધોરણ રહ્યું નથી. રૂપિયા ખર્ચવા તૈયાર હોય એવા ઘણા લોકોની ટપાલટિકિટો બહાર પડી શકે છે. પત્રકારત્વમાં આવ્યા પહેલાં, મિત્ર બિનીત મોદી થકી હું ફિલાટેલિક બ્યુરોનો સભ્ય થયો હતો, ત્યારે બહાર પડતી મહાનુભાવોની ટિકિટોમાંથી મોટા ભાગના એવા હતા, જેમનાં નામ પહેલી વાર - અને છેલ્લી વાર- એ ટિકિટ પર જ વાંચ્યાં હોય.

પરંતુ ફિલ્મી હસ્તીઓની ટપાલટિકિટ બહાર પડે ત્યારે આનંદ થાય છે. પ્રિય ગાયક કુંદનલાલ સાયગલ, પૃથ્વીરાજ કપૂર, ગુરૂદત્ત, નરગીસ, મઘુબાલા જેવાં કલાકારોની ટપાલટિકિટ એ વિષયમાં ઉંડો ન ઉતર્યો હોવા છતાં સંભાળીને રાખી છે. દાદાસાહેબ ફાળકે, સત્યજીત રાય, શાંતારામ, બિમલ રોય જેવા ડાયરેક્ટરો પણ ખરા. થોડાં વર્ષ પહેલાં બહાર પડેલી ચાર પાર્શ્વગાયકો- હેમંતકુમાર, મુકેશ, રફી અને કિશોર કુમારની ટિકિટો પણ તેમનાં ગીતો જેટલા જ પ્રેમથી રાખી છે. પંડિત ઓમકારનાથ ઠાકુર, દિનાનાથ મંગેશકર, બેગમ અખ્તરની ટિકિટ પણ ખરી. (એવું જ ચાર્લી ચેપ્લિન અને મેરિલીન મનરોનું. એ તો અમેરિકા અને બ્રિટન રહેતા મિત્રો પાસેથી ખાસ મંગાવી હતી.)

ટિકિટપુરાણ યાદ આવવાનું કારણઃ આ મહિને ટપાલખાતાએ જારી કરેલી છ અભિનેત્રીઓની ટપાલટિકિટ. એ છ નામ છેઃ દેવિકા રાણી, કાનનદેવી, નૂતન, મીનાકુમારી, લીલા નાયડુ અને સાવિત્રી. આ નામો વાંચીને ફિલ્મસંગીત અને ફિલ્મના ચાહક તરીકે મઝા પડી ગઇ. દક્ષિણ ભારતીય ફિલ્મસૃષ્ટિનાં સાવિત્રીને બાદ કરતાં બાકીનાં પાંચે સાથે જુદી જુદી રીતે (અલબત્ત, એકપક્ષીયઃ-) દિલનો નાતો છે. કાનનદેવી મારાં પ્રિય ગાયિકા-અભિનેત્રીઓમાંનાં એક. તેમનું નામ પડતાં જ મનમાં વિદ્યાપતિ, જવાબ, હોસ્પિટલ, સ્ટ્રીટસિંગર જેવી ફિલ્મોનાં ગીત ગુંજવા માંડે છે. દેવિકારાણી અને લીલા નાયડુ બુદ્ધિ અને સૌંદર્યના કાતિલ સમન્વય જેવાં, નૂતન અને મીનાકુમારી જરાય મર્યાદાભંગ કર્યા વિના, પોતપોતાની રીતે સૌંદર્યવાન અને અભિનયમાં એક્કાં.

આ યાદીમાં લીલા નાયડુનું નામ જોઇને વિશેષ આનંદ થયો. કારણ કે તેમની ફિલ્મો પ્રમાણમાં બહુ ઓછી છે. (સૌથી પહેલી પંડિત રવિશંકરનું સંગીત ધરાવતી ‘અનુરાધા’ યાદ આવે.) થોડા સમય પહેલાં, મોટે ભાગે જેરી પિન્ટોએ લખેલી લીલા નાયડુની બાયોગ્રાફી જોઇ હતી.

આ ટિકિટો માટે જવાબદાર સૌને અભિનંદન અને એ મેળવવા ઇચ્છતા મિત્રો મોટા શહેરની જનરલ પોસ્ટ ઓફિસનો કે અમદાવાદના મિત્રો લાલ દરવાજા જીપીઓના ફિલાટેલિક બ્યુરોનો સંપર્ક કરે તો કદાચ ટિકિટો મળી શકે.

Wednesday, February 16, 2011

સેલોટેપનો છેડોઃ ઢૂંઢો રે સાજના ઢૂંઢો

દુનિયામાં અઘરાં કામનો પાર નથીઃ વિદ્યાર્થીઓને સ્કૂલમાં ભણવાનું અઘરૂં લાગે છે ને (મોટા ભાગના) શિક્ષકોને સ્કૂલમાં ભણાવવાનું. નેતાઓને ચૂંટાવાનું અઘરૂં લાગે છે ને પ્રજાને ચૂંટાયેલા નેતાઓના રાજમાં જીવવાનું. સામાન્ય માણસને બે છેડા ભેગા કરતાં મોઢે ફીણ આવે છે ને માલેતુજારોને અઢળક રૂપિયાનો વહીવટ કરતાં નાકે દમ આવે છે. કાર્યકરોને મંત્રી બનવાનું, મંત્રીને મુખ્યમંત્રી બનવાનું અને મુખ્ય મંત્રીને વડાપ્રધાન બનવાનું કઠણ લાગે છે, તો વડાપ્રધાનને શાંતિથી રાજ કરવાનું ભારે લાગે છે. પ્રેમીઓને પ્રેમનો એકરાર કરવાનું અઘરૂં લાગે છે ને પ્રેમનો ઇન્કાર સાંભળવાનું પણ વસમું લાગે છે. લેખકોને સારૂં લખવામાં મુશ્કેલી પડે છે ને તેના કારણે જે કંઇ લખાય, તે વાંચવાનું વાચકોને કાઠું પડે છે.

જ્યાં જ્યાં નજર પડે ત્યાં સંસાર અઘરાં કામોથી ઉભરાય છે. એવું એક અઘરૂં કામ છેઃ સેલોટેપના રોલમાં ખોવાયેલો તેનો છેડો શોધવાનું. કબૂલ કે એ કામ શ્રીનગરના લાલચોકમાં તિરંગો ફરકાવવા જેટલું અઘરૂં નથી. પણ લાલચોકમાં તિરંગો લઇને જવાના ન હોય એવા મોટા ભાગના લોકોને તે એનાથી પણ વધારે અઘરૂં લાગી શકે છે.

દૂધમાં સાકરની જેમ, સાહિત્યમાં રાજકારણની જેમ કે રાજકારણમાં ગુંડાઓની જેમ સેલોટેપનો છેડો તેના રોલમાં ભળીને એકરૂપ થઇ ગયો હોય છે. તેને શોધી કાઢવાનું, ખાસ કરીને લાંબા નખ ન હોય એવા લોકોને, ખાસ્સું કષ્ટદાયક, કસોટીરૂપ અને અઘરૂં લાગી શકે છે. ધારો કે કોલંબસને નખ ન હોત તો એણે અમેરિકા શોધી કાઢ્યું હોત, પણ સેલોટેપનો ચોંટી ગયેલો છેડો શોધવામાં તે ફાવ્યો હોત કે કેમ એ સવાલ.

રમખાણોની પરિભાષાથી પરિચિત ગુજરાતના લોકો જાણે છે કે કોઇ વસ્તુ ગમે તે ભોગે, ગમે તેના ભોગે શોધવાની હોય ત્યારે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. તેમાં હથિયારધારીઓ સંભવિત ઠેકાણાંનો ખૂણેખૂણો ફેંદી વળે છે. શબ્દાર્થમાં નખવિહોણા હોય એવા સજ્જનોને સેલોટેપની જરૂર પડે, ત્યારે તે સૌથી પહેલાં તેનો મોટો રોલ હાથમાં પકડે છે અને એવી રીતે ગોળ ગોળ ફેરવી જુએ છે, જાણે એમ કરવાથી છેડો આપમેળે ઉખડી પડવાનો હોય. હકીકતે, આ પ્રક્રિયા સેલોટેપના રોલનું સરસરી નજરે નિરીક્ષણ કરવાની હોય છે, જેથી તેની સપાટીની ભૂગોળથી અને છાપો મારવાની સંભવિત જગ્યાઓથી પરિચિત થઇ શકાય.

બે-ચાર વાર આ રીતે રોલ હાથમાં ફેરવ્યા પછી, વઘુ સમય આ ક્રિયા ચાલુ રહેશે તો ‘સમાજ’માંથી (એટલે કે કુટુંબીજનો તરફથી) મહેણાંટોણાં ચાલુ થઇ જશે, એમ વિચારીને તે આંગળીનાં બુઠ્ઠાં ટેરવાં સેલોટેપના રોલમાં ખુંપાવી જુએ છે. નખ વિનાનાં આંગળીનાં ટેરવાં ગઝલનો વિષય બન્યા સિવાય બીજાં કામમાં બહુ આવતાં નથી. એટલે ટૂંક સમયમાં નખવિહોણાઓમાં નિરાશા ઘર કરવા માંડે છે. ‘હું રીંછ હોત તો ઘડીના છઠ્ઠા ભાગમાં ટેપનો છેડો શોધી નાખ્યો હોત’ એવી કલ્પનાઓ તેના મનમાં રમવા માંડે છે, પણ કોઇ મદારી ‘સેલોટેપ ઉખાડતું રીંછ’ બતાવીને પોતાની પાસે ખેલ કરાવતો હોત, એવી કલ્પના પણ સાથે ચડી આવતાં, તે વાસ્તવની ધરતી પર પાછો ફરે છે અને ‘નખ નથી? કંઇ નહીં. મગજ તો છે ને’ એવો ઉત્ક્રાંતિનો બોધપાઠ યાદ કરે છે.

મથામણ કરનાર જણ પરણીત નર હોય, તો તેની પત્ની અમેરિકા જેવી ઉદારતાથી મદદ કરવાની ઓફર કરે છે. (વહુ માટે જૂના જમાનાની સાસુઓ ‘વીસનહોરી’ એવો શબ્દપ્રયોગ કરતી હતી, એ તેને યાદ આવે છે.) પત્નીના નખ અને નહોરની શક્તિઓથી તથા આંતરરાષ્ટ્રિય રાજકારણથી પરિચિત પતિ મનોમન સમજે છે કે અમેરિકાની મદદ કદી બિનશરતી હોતી નથી. કાંડાઘડિયાળ ભેટમાં આપ્યા પછી તે કાંડુ માગી શકે છે. આ બધા વિચારોમાં ને વિચારોમાં પોતાને સેલોટેપનો છેડો જડતો નથી, એવું આશ્વાસન તે લે છે- અને છેડો ન જડવાને પોતાના વિચારક હોવાની નિશાની ગણીને થોડો રાજી પણ થાય છે.

દરમિયાન, સહાયના પ્રસ્તાવો વધી પડતાં, તે નન્નો ભણીને ‘નખથી નહીં તો સાધનથી, પણ છેડો તો હું જ શોધીશ’ એવી પ્રતિજ્ઞા સાથે તે ઉભો થાય છે. રણે ચડેલા રજપૂતની જેમ કાતર, ચપ્પુ, બ્લેડ, પેપરકટર જેવાં આયુધોમાંથી હાથે ચડે તે હથિયાર ધારણ કરીને તે ફરી સેલોટેપનો રોલ હાથમાં પકડે છે. બ્લેડની કે કટરની અણી સેલોટેપના રોલની ધાર પર ધીમે ધીમે સરકાવીને ‘ક્યારે ખટકો લાગે અને હું છેડો શોધી કાઢું’ એની પ્રતીક્ષા કરે છે, પરંતુ આખા રોલનાં બે-ત્રણ રાઉન્ડ પૂરાં થઇ ગયા પછી પણ અણીને તો નહીં, પણ શોધનારને ખટકો લાગે છેઃ ‘ક્યારનો હું અણી ફેરવું છું ને છેડો પકડાતો જ નથી. ક્યાં ગયો?’

આદત પ્રમાણે પત્ની કે બાળકોને ઉદ્દેશીને ઘાંટો પાડવાનું મન થઇ આવે છે કે ‘ક્યાં મૂકી દીધો તમે લોકોએ આનો છેડો! તમારા કોઇ કામમાં ભલીવાર જ ન મળે.’ પણ પછી યાદ આવે છે કે સેલોટેપ મોટે ભાગે પોતે જ વાપરવાની થાય છે અને તેનો છેડો રોલની બહાર સંતાડવાનું કોઇ ઇચ્છે તો પણ શક્ય નથી. એટલે ઘાંટાઘાંટનો કાર્યક્રમ માંડવાળ કરીને તે વધારે જોશથી રોલમાં અણી ખુંપાવે છે. તેને લીધે થોડી ટેપ ઊંચી થાય છે, પણ તેને બહાર ખેંચતાં સમજાય છે કે આ તો અધવચ્ચે કાપો પડ્યો. હવે અસલી છેડા સુધી પહોંચીને ટેપ તૂટી જશે અને ટેપનો આટલો ટુકડો બગડશે.

ટેપ એકવાર તૂટવાની શરૂઆત થાય, એટલે તે હાથે ચોંટવા માંડે છે. હાથે ચોંટેલી ટેપનો મુખ્ય ગુણધર્મ એ છે કે તેને જેમ ઉખાડવા જાવ, જેમ હડઘૂત કરો તેમ, એ વધારે ચોંટતી આવે. એમાં પણ ટેપના બે-ચાર ટુકડા સાથે થઇ ગયા તો ખલાસ. ફેસબુક પરની ચેટની જેમ, એક ઉખાડો ને ત્રણ ચોંટે.

ઘુંધવાયેલો જણ સેલોટેપના વિકલ્પો શોધવા પ્રવૃત્ત થાય અને ગુંદર કે ફેવિકોલ લઇ આવે ત્યારે તેની હાલત ૧૦૦ ફટકા કે ૧૦૦ કાંદા ખાવાની સજા જેવી થાય છેઃ ફેવિકોલ સુકાયેલો છે. મંગળના ખડકો વચ્ચે રહેલા પાણીના અણસારની જેમ, સુકાયેલી પોપડીઓ વચ્ચે ક્યાંક ક્યાંક પ્રવાહીસ્વરૂપ હોવાનો ભાસ થાય છે, પણ તેને હસ્તગત કરવાનું અઘરૂં લાગે છે. ગુંદરની પીંછી અંદર પડી ગયેલી હોય છે. એને બહાર કાઢવા જતાં હાથ બગડે છે. બગડેલા હાથે ગુંદર લગાડવાનો થતાં, જે જગ્યાએ ગુંદર લગાડવાનો હોય તેના સિવાય બાકી બઘું ગુંદરવાળું થાય છે. તેને લૂછવા જતાં બઘું ભીનું થાય છે, કકડો બગડે છે અને એ કકડો ચાની તપેલીમાં લાગતાં ત્યાં પણ ગુંદર ચોંટે છે.

‘હવેથી સેલોટેપનો છેડો શોધતાં પહેલાં ચોઘડિયું જોઇ લેવું પડશે’ એમ વિચારીને તે ફરી સેલોટેપનો રોલ હાથમાં લે છે. સેલોટેપ રોલનાં સ્ટેન્ડ નીકળ્યાં છે. ઘરમાં એવું એક સ્ટેન્ડ પડેલું હોય છે, પણ કાયમ માટે લટકી રહેવાનું સેલોટેપની પ્રકૃતિમાં નથી. સ્ટેન્ડની દાંતાદાર સપાટી પરથી તે કાળક્રમે ઘણીવાર ઉખડીને પાછી રોલમાં વિલીન થઇ જાય છે. એટલે પોતાના નસીબમાં રોલમાંથી છેડો શોધવાની મહેનત લખાયેલી છે, એવો વિચાર દૃઢ બને છે.

થોડા નિષ્ફળ પ્રયાસો પછી, ‘પત્નીની મદદ લેવામાં બાધ નહીં. એમાં નીચા ના પડી જવાય.’ એવું પરાજયપ્રેરિત બ્રહ્મજ્ઞાન લાધતાં તે મદદ માટે માગણી કરે છે. અગાઉ સામેથી મુકાયેલી દરખાસ્તનો એક વાર ઇન્કાર થઇ ચૂક્યો હોવાથી, પત્ની હૃદયપરિવર્તનનું કારણ જાણવા માગે છે. બીજું કંઇ ન જડે ત્યારે સંસ્કૃત ઠપકારી દેવાની ભારતીય પરંપરા પ્રમાણે પતિ સપ્તપદીના ફેરાની યાદ અપાવીને ‘સહનાવવતુ, સહનૌભુનક્તુ, સહવીર્યંકરવાવહૈ..’ આવડે એવું બોલી જાય છે અને સાહચર્યની ભાવના કેટલી ઉદાત્ત છે તેનો ખ્યાલ આપે છે.

સમાજસુધારકના ઓતારમાં આવીને પતિ કહે છે, ‘નવા જમાનામાં સપ્તપદીમાં પણ ફેરફાર કરવો જોઇએ. પત્નીએ ફેરો ફરતી વખતે કહેવું જોેઇએ કે હે મારા સાથી, જ્યારે તારાથી સેલફોનની ટેપનો છેડો નહીં નીકળે ત્યારે હું, તારી સહચરી, મારા સગ્ગા નખ વડે એ છેડો કાઢી આપીને તારૂં અટકેલું કામ આગળ ધપાવી આપીશ...સ્વાહા...હે મારા સાથી, જ્યારે તારા એક્ટિવામાં પેટ્રોલ ખાલી થઇ ગયું હશે ને તારે જવાની ઉતાવળ હશે, ત્યારે હું મારી આવડતનો અને સામેવાળાના સ્ત્રીદાક્ષિણ્યનો ઉપયોગ કરીને ડબ્બામાં પેટ્રોલ લાવી આપીશ..સ્વાહા.’

પરંતુ પત્ની સુધારેલી સપ્તપદી તરફ ઘ્યાન આપવાને બદલે કાચી સેકંડમાં એક નખ મારીને, સેલોટેપનો ચોંટેલો છેડો ઉંચો કરી આપે છે. એ સાથે જ પતિને સ્વાવલંબનનો એટેક આવે છે. ‘બસ, બસ. મારે આટલું જ જોઇતું હતું. હવે તું રહેવા દે. હું કરી લઇશ.’ પણ એ ઉતાવળની ખેંચતાણમાં ફરી ટેપનો છેડો ચોંટી જાય છે.

ત્યારે પતિને સમજાય છે કે છેડો મેળવવાનું પૂરતું નથી. મળેલો છેડો પકડી રાખવાનું અને ટકાવી રાખવાનું વધારે અગત્યનું છે.

Monday, February 14, 2011

મારી દરખાસ્તનો યોગ્ય અમલ થયો હોત તો ૧૫ વર્ષમાં અદાલતો ‘પેપરલેસ’ બની જાત: સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ લાહોતી

RC Lahoti, ex-CJI/pics: Binit Modi
ભારતના ન્યાયતંત્ર વિશે દેશના લોકોનો અભિપ્રાય બહુ ઉંચો ન હોય, પરંતુ નિવૃત્ત જસ્ટિસ લાહોતીના મતે, અમેરિકા-બ્રિટન-ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ભારતીય ન્યાયતંત્ર પ્રત્યે અહોભાવની નજરે જોવામાં આવે છે. તેનું મુખ્ય કારણ છેઃ ન્યાયની ગુણવત્તા અને ન્યાયાધીશોની કાર્યક્ષમતા.

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં પુસ્તક વિમોચન માટે આવેલા સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ લાહોતી કહે છે કે ‘અમેરિકાની સુપ્રીમ કોર્ટ એક વર્ષમાં ૭૦૦-૮૦૦ કેસ ચલાવે છે, જ્યારે આપણી સુપ્રીમ કોર્ટ એટલા કેસ રોજ ચલાવે છે. વિકસીત દેશોની સરખામણીએ ભારતમાં ન્યાયાધીશો પાસે દસ ગણું વધારે કામ હોય છે. એક ઘોડા પર દસ ઘોડાનું વજન લાદો તો એ ઘોડો ક્યાં સુધી દોડે? છતાં એ હજુ ચાલે છે.’

‘ગુજરાત સમાચાર’ સાથેની ખાસ મુલાકાતમાં સૌથી પહેલાં જસ્ટિસ લાહોતીએ ‘ગુજરાત સમાચાર’ના પ્રકાશન ‘ઝગમગ’ને યાદ કરતાં કહ્યું હતું કે ‘પચાસેક વર્ષ પહેલાં હું ‘ઝગમગ’ વાંચીને ગુજરાતી ભાષા શીખ્યો હતો. હજુ પણ હું ગુજરાતી સમજી અને થોડુંઘણું બોલી શકું છું.’

જસ્ટિસ લાહોતી વર્તમાન ન્યાયતંત્રમાં બે પ્રકારના સુધારા સૂચવ્યા હતાઃ સંખ્યાત્મક અને ગુણાત્મક. સંખ્યાત્મક સુધારામાં ન્યાયાધીશોની સંખ્યા વધારવી, જે પ્રકારના કેસની સંખ્યા વધી રહી હોય- દા.ત. ચેક બાઉન્સ, ઇન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી- એ વિષયોની ખાસ અલગ અદાલતો સ્થાપવી, જજને સેક્રેટરી, સહાયક, ક્લાર્ક સહિતની બીજી સુવિધાઓ પૂરી પાડવી વગેરેનો સમાવેશ થાય છે. જસ્ટિસ લાહોતીના જણાવ્યા પ્રમાણે, ‘અત્યારે એવું થાય છે કે જજને દરેક બાબતનું થોડું થોડું જ્ઞાન હોવું જરૂરી છે. એક દિવસમાં તે એક કેસ લગ્નજીવનનો સાંભળે, પછીનો કેસ પ્રોપર્ટીનો હોય, ત્રીજો લેબરનો હોય, ચોથો ટેક્સનો, તો એક માણસ કેટલું કરી શકે? તેનાથી ઝડપ ઘટી જાય છે. ખાસ અદાલતો ઉભી કરવાથી કેસની ઝડપમાં બેથી ત્રણ ગણો વધારો થશે.’

‘૨૦૦૪માં મેં વડાપ્રધાન પાસે ૧૦ વર્ષનો પ્રોગ્રામ લોન્ચ કરાવ્યો હતો. તેનો આશય ન્યાયતંત્રમાં ઇન્ફર્મેશન ટેકનોલોજી કામે લગાડવાનો હતો. એ પ્રોગ્રામ સફળતાપૂર્વક અમલમાં મુકાયો હોત તો ૧૫ વર્ષમાં ભારતની અદાલતો પેપરલેસ બની જાત. તેમાં દેશની નાનામાં નાની અદાલતોથી માંડીને સર્વોચ્ચ અદાલત સુધીની તમામ અદાલતોને એકબીજા સાથે જોડી દેવાની યોજના હતી. પછી ગુજરાત હાઇકોર્ટની મિટિંગમાં હાજરી આપવા માટે સુપ્રીમ કોર્ટના જસ્ટિસે અમદાવાદ આવવાની જરૂર ન રહેત. ત્યાં બેઠાં બેઠાં જ એ થઇ શકત.’

ગુણાત્મક ફેરફારોમાં જસ્ટિસ લાહોતીએ ન્યાયતંત્રના સતત અભ્યાસ અને સમય સાથે તેમાં સુધારાવધારા પર ખાસ ભાર મૂક્યો. ‘પચાસ વર્ષ પહેલાં આપણને જે રીતે દવા અપાતી હતી, એમાં અત્યારે કેટલો ફરક પડી ગયો છે? કારણ કે તેમાં સતત રીસર્ચ થાય છે, નવી દવાઓ ને નવી પદ્ધતિઓ શોધાય છે. ન્યાયતંત્રમાં આ થતું નથી. ખરેખર, આખી સીસ્ટમનો અભ્યાસ કરીને, રીસર્ચ કરીને શોધવું જોઇએ કે આપણી કમી ક્યાં ક્યાં છે, તેમાં ક્યાં સુધારા કરી શકાય છે અને તે કેવી રીતે થઇ શકે. તેને જેમ છે તેમ છોડી દેવાની જરૂર નથી. સુધારો કરવો હોય તો હજુ મોડું થયું નથી.

જસ્ટિસ લાહોતી માને છે કે ન્યાયાધીશો માટે પણ દરેક તબક્કે તાલીમની સીસ્ટમ હોવી જોઇએ. ‘મારૂં શિક્ષણ ૧૯૬૦માં પૂરૂં થઇ ગયું અને અત્યારે આપણે ૨૦૧૧માં બેઠા છીએ. આ પચાસ વર્ષમાં જ્ઞાનનો વિસ્તાર ક્યાંથી ક્યાં પહોંચી ગયો. તો મારું જ્ઞાન અપડેટ અને અપગ્રેડ કરવા માટે મારી પાસે સુવિધાઓ અને સંસાધનો હોવાં જોઇએ, જે આપણા દેશમાં લગભગ નહીંવત્ છે. મારા સમયમાં નેશનલ જ્યુડીશયલ એકેડેમી ભોપાલની હતી. એ સારૂં કામ કરતી હતી, પણ આટલા મોટા દેશમાં એક સંસ્થાથી શું થાય? આઇ.એ.એસ. અને પોલીસ માટે દરેક રાજ્યમાં સંસ્થાઓ હોય છે. હવે ન્યાયતંત્ર માટે પણ રાજ્યસ્તરે સંસ્થાઓ થઇ છે, પણ તે હોવી જોઇએ એટલી સજ્જ નથી. તેમાં યોગ્ય શીખવનારા મળતા નથી.’

ન્યાયતંત્રના ઉત્તરદાયિત્વના મુદ્દે જસ્ટિસ લાહોતીએ કહ્યું કે ‘ભારતના બંધારણમાં ન્યાયતંત્રનું ઉત્તરદાયિત્વ ઇન બિલ્ટ છે. ેનો અમલ થતો નથી. એનું કારણ એ પણ છે કે એ માટેની જાગૃતિ નથી. સારા ન્યાયાધીશોની નિમણૂંક થાય તો આ સમસ્યા ન રહે. ન્યાયાધીશોની નિમણૂંકની પ્રથા સુધારવાની જરૂર છે. (તેની હાલની સ્થિતિ માટે) કેટલીક હદ સુધી અમે પણ જવાબદાર છીએ. જ્યારે પણ પ્રામાણિકતા અને તટસ્થતાથી ન્યાયાધીશોની નિમણૂંક થાય છે, ત્યારે એ સારી જ થાય છે, પણ ડાબેજમણે જોઇને ન્યાયાધીશો નીમવામાં આવે ત્યારે તકલીફો સર્જાય છે.’

છેલ્લાં થોડાં વર્ષોથી ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઘણો ચર્ચાય છે. એ સવાલનો જવાબ આપતાં જસ્ટિસ લાહોતી કહ્યું, ‘નિયુક્ત થતા ન્યાયાધીશો આવે છે ક્યાંથી? આ જ સમાજમાંથી! મારા આખા શરીરમાંથી દુર્ગંધ આવતી હશે અને તમે ફક્ત હાથને અલગ પાડીને કહેશો કે એમાંથી દુર્ગંધ આવે છે- એવી વાત છે.’

એક તરફ અદાલતોમાં પેન્ડિંગ કેસના ગંજ ખડકાયેલા હોય ત્યારે અદાલતોમાં લાંબાં વેકેશન ટાળી ન શકાય? એવી પણ લાગણી પ્રવર્તે છે. તેનો ખુલાસો કરતાં જસ્ટિસ લાહોતી કહે છે કે ‘આ બહુ વ્યાપક ગેરસમજણ છે. પરંતુ એ વિચારો કે ૫૦૦-૧૦૦૦ પાનાંના ચુકાદા ન્યાયાધીશો ક્યારે લખે છે? મોટા ભાગના લોકો જાણતા નથી કે ન્યાયાધીશો વેકેશનમાં પણ કામ જ કરે છે. જો તેમની રજાઓ બંધ કરી દેવામાં આવે, તો અદાલતમાં ન્યાયાધીશોની કાર્યક્ષમતા પર સીધી અસર પડે. રોજની કામગીરીનો દાખલો આપું: સોમવારે સમરી હિયરીંગ થાય, ત્યારે બે કલાકમાં ૧૦૦ કેસની યાદી પૂરી થઇ જાય છે. કારણ કે એ ન્યાયાધીશે શનિ-રવિ આઠ-આઠ કલાક એ ૧૦૦ કેસનો અભ્યાસ કરેલો હોય છે. સુપ્રીમ કોર્ટમાં હું ૧૪ કલાક કામ કરતો હતો અને ચીફ જસ્ટિસ બન્યો ત્યારે રોજના ૧૭-૧૮ કલાક. ન્યાયાધીશોની રજાઓ બંધ કરવામાં આવે અને ન્યાયાધીશોએ ફક્ત અદાલતોમાં જ કામ કરવું એવું નક્કી કરવામાં આવે, તો બે કલાકમાં ૧૦૦ કેસ પતે છે એને બદલે રોજના ૧૦ કેસ લેખે કામ આગળ ચાલે.

Friday, February 11, 2011

વિચારનિષ્ઠ, વિચારપ્રેરક, વિચારકર્મી : પ્રો.રાવજીભાઇ પટેલ ‘મોટા’



Binit Modi presenting a copy of both the books to Sam Pitroda. Ahmedabad, 13-1-11

Sam Pitroda happily posing with the English title. He gratefully remembered towering intellectual Raojibhai Patel'Mota''s contribution to his life

વર્તમાન ગુજરાત અને ગુજરાતીમાં વિચારક, ચિંતક, ફિલસૂફ, નિબંધકાર અને ચોકલેટી લેખક વચ્ચેની ભેદરેખાઓ ભૂંસાઇ ગઇ છે. એકબીજાની અવેજીમાં આ શબ્દો ખોટી રીતે અને છૂટથી વપરાય છે. સીમ-ગામ-વસંત-વેલેન્ટાઇન-કોયલ-આંબા-હિંચકા-ઉપનિષદ-ગાંધી-ઇશ્વર જેવા વિષયોની ભેળપુરી પર ઉછીનાં અવતરણોનો મસાલો ભભરાવેલી ચીજો ‘ચિંતન’ના નામે ચપોચપ ઉપડી જાય છે. અક્ષરજ્ઞાન ધરાવતો કોઇ પણ જણ ગઝલકાર ન હોય તો એ ચિંતક હોવાનો ભય રહે છે. આ વાતાવરણમાં ‘મોટા’ તરીકે જાણીતા પ્રો.રાવજીભાઇ પટેલની ઓળખ ‘ચિંતક’ કે ‘ફિલસૂફ’ તરીકે આપવામાં જોખમ તો ખરૂં જ.

કોણ હતા રાવજીભાઇ ‘મોટા’, જેમને પ્રો.રજની કોઠારી જેવા ખ્યાતનામ અભ્યાસી-બૌદ્ધિક અને રાષ્ટ્રિય સ્તરે નોંધપાત્ર પ્રદાન કરનારે પોતાના ‘એન અર્લી કેટલિસ્ટ’(આરંભકાળના ઉદ્દીપક) તરીકે ઓળખાવ્યા હતા અને પોતાનું પુસ્તક ‘પોલિટિક્સ ઇન ઇન્ડિયા’ તેમને અર્પણ કર્યું હતું? કોણ હતા મોટા, જેમને પ્રો.ભીખુ પારેખે સોક્રેટિસ સાથે સરખાવ્યા અને જેમના ઘરને ‘વૈકલ્પિક વિશ્વવિદ્યાલય’ ગણાવ્યું હતું? અને જેમના ગુરૂભક્તિ વગરના શિષ્યવૃંદમાં પ્રો.ડી.એલ. (ધીરૂભાઇ) શેઠથી માંડીને ધવલ મહેતા જેવાં બૌદ્ધિક જગતનાં અનેક મોટાં નામનો સમાવેશ થાય છે એ ‘મોટા’નું નામ સાંભળીને મોટા ભાગના ગુજરાતીઓના મનમાં પરિચયનો ભાવ કેમ પ્રગટતો નથી?

આ સવાલોમાંથી ઘણાના જવાબ પ્રો.રાવજીભાઇ પટેલ (૧૯૧૨-૨૦૦૨)ના ચરિત્રના સંકલિત અંશોમાંથી મળી આવે છે. (‘ક્રાંતિકારી વિચારક’, લેખન-સંપાદનઃ બીરેન કોઠારી)મોટાના પ્રખર બૌદ્ધિક વ્યક્તિત્વ અને વિચારવફાઇનો બહુઆયામી પરિચય આ પુસ્તકમાંથી થાય છે, જે તેમની સાથે પ્રત્યક્ષ મુલાકાતનો અહેસાસ કરાવે એવો છે. ‘ક્રાંતિકારી વિચારક’ ઉપરાંત મોટાનાં અંગ્રેજી લખાણોનું પુસ્તક ધ કલેક્ટેડ વર્ક્સ ઓફ રાવજીભાઇ પટેલ (સંપાદકઃ બિપિન શ્રોફ) મોટાના પરિવાર તરફથી ‘પ્રો.રાવજીભાઇ પટેલ મેમોરિયલ કમિટી’ દ્વારા પ્રકાશિત થયું છે. આ બન્ને પુસ્તકો ત્રણ-ચાર દાયકા પહેલાંના ગુજરાતની વિચારસમૃદ્ધિની યાદ તાજી કરી આપે છે.

મહેસાણાના દહેગામ જેવા સાવ નાના ગાયકવાડી ગામમાં જન્મેલા અને ગણિત સાથે (૧૯૩૮માં) એમએસ.સી. થયેલા રાવજીભાઇ વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં ગણિત શીખવતા હતા, પણ ગણિત તેમના માટે વ્યવસાય નહીં, પ્રેમ હતો. તેમનું ગણિત વિશેનું એક પુસ્તક હાર્વર્ડ યુનિવર્સિટીમાં રેફરન્સ બુક તરીકે મુકાયું હતું. છતાં એમ.એસ.યુનિવર્સિટીમાં ચાલતા રાજકારણને લીધે ૧૯૫૧માં વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે જોડાયેલા મોટા ૧૯૭૨માં નિવૃત્ત થયા લેક્ચરર જ રહ્યા હતા!

મોટાની મુખ્ય ખ્યાતિ જોકે ગણિતશાસ્ત્રી કે અઘ્યાપક કરતાં પણ વધારે એક વિચારક-ફિલસૂફ તરીકેની રહી. કાર્લ માર્ક્સ અને પછીથી માનવવાદના પ્રણેતા એમ.એન.રોયના વિચારોથી મોટા આકર્ષાયા હતા, પણ ફિલસૂફી, રાજ્યશાસ્ત્ર, ધર્મ જેવા વિષયોનું બહોળું અને સ્વતંત્ર બુદ્ધિ સહિતનું વાચન ધરાવતા મોટા કોઇની કંઠી બાંધી શક્યા નહીં. કોઇ સત્તાનો કે વિચારનો આંખ મીંચીને સ્વીકાર કરવાનું મોટાના સ્વભાવમાં ન હતું. તેમની આ લાક્ષણિકતાનો સૌથી મોટો ફાયદો દોઢેક દાયકા દરમિયાન ‘રેનેસાં ક્લબ’ના નામે મળતા અનૌપચારિક ચર્ચાવર્તુળના સભ્યોને મળ્યો. પ્રો.રજની કોઠારી અને પ્રો.ભીખુ પારેખ જેવા તેજસ્વી અઘ્યાપકોથી માંડીને ધીરૂભાઇ શેઠ, ધવલ મહેતા, પ્રકાશ દેસાઇ જેવા કેટલાક વિદ્યાર્થીઓ ‘રેનેસાં ક્લબ’ નિમિત્તે, મોટાના ઘરમાં બેસીને, તેમનું આતિથ્ય માણતાં તેમની જ સાથે ગરમાગરમ સૈદ્ધાંતિક ચર્ચાઓ કરી શકતા હતા. મોટા એવા વડીલ હતા જેમની સામે ઘુમ્રપાન-મદ્યપાન કરી શકાય. એ વાતમાં મહત્ત્વ દારૂ-સીગરેટ પીવાનું નહીં, પણ પ્રચંડ બૌદ્ધિક અને પિતૃવત્ વડીલ તરફથી મળતી મોકળાશનું છે.

સાચા બૌદ્ધિકે સતત પોતાના વિચારો ચકાસતા રહેવું જોઇએ અને ભલભલા વિચારવિરોધી સાથે પણ સૌજન્યપૂર્વક, મુદ્દાસર ચર્ચા કરવાની હોંશ રાખવી જોઇએ, એવો પાઠ ‘રેનેસાં ક્લબ’માં આવતા સૌએ પોતપોતાની ક્ષમતા પ્રમાણે અંકે કર્યો અને પોતે જ્યાં ગયા ત્યાં યથાશક્તિ, યથામતિ તેનો પ્રસાર કર્યો. દિલ્હીના ‘સેન્ટર ફોેર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ’ના પ્રો.ધીરૂભાઇ શેઠે નોંઘ્યું છે તેમ, ‘મોટાએ તેમના સંપર્કમાં આવનારાઓના જીવનમાં જે વૈચારિક પ્રદાન કર્યું છે તે એટલું પ્રચંડ છે કે ઘણી વખત ઘણા લોકોને તેનો સ્વીકાર કરવામાંય પોતાનું પ્રદાન ઓછું અંકાઇ જવાની બીક લાગે.’

‘રેનેસાં ક્લબ’ના એક સભ્ય કુંતલ મહેતાએ મોટાને તેમની ઉત્તરાવસ્થામાં પૂછ્યું હતું, ‘આપણા ગુ્રપમાંથી ક્રાંતિકારી મિજાજ અને આઘુનિક સત્યને વળગી રહેવાનો જુસ્સો તમે કોનામાં જુઓ છો?’ ત્યારે મોટાનો જવાબ હતો, ‘કોઇનામાં નહીં...પણ માત્ર વિદ્વાન એકેડેમીશ્યન થવાને બદલે આગવા વિચારોથી પ્રભાવિત થયેલી તમારી એક બૌદ્ધિક પેઢી ઉભી થઇ છે તેનો મને સંતોષ છે.’

સાઠના દાયકામાં અઘ્યાપક જગતમાં સ્થાપિત હિતોની ખટપટ વધવા લાગી, ત્યારે મોટાએ ૧૯૬૬માં ‘બરોડા યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન’ (બુટા)ની સ્થાપના કરી. ગુજરાત યુનિવર્સિટીનું ‘ગુટા’ ત્યાર પછી રચાયું. શરૂઆતમાં ‘બુટા’ના પ્રમુખ બનવા માટે પણ કોઇ જલ્દી તૈયાર ન થાય એવી સ્થિતિ હતી. સત્તાધીશોની આંખે કોણ ચડે? ત્યારે મોટા પોતે તેના પહેલા પ્રમુખ બન્યા. અઘ્યાપકોનાં એ સંગઠન છેવટે રાજકારણનો અખાડો બની ગયાં એ જુદી વાત છે, પણ રાવજીભાઇએ ‘બુટા’ની રચના કરી, ત્યારે ઘણા અઘ્યાપકોમાં નવી ચેતનાનો સંચાર થયો હતો.

મોટાની ખૂબી એ હતી કે તે ફક્ત ખુરશીબંધા-ખુરશીખંધા (આર્મચેર) વિચારક ન હતા. ‘બુટા’ના સ્થાપનાના બે દાયકા પહેલાં તે જાહેર જીવનના અગ્રણી અને નામી વકીલ ચંદ્રકાંત દરૂ સાથે ટ્રેડ યુનિયન પ્રવૃત્તિમાં પણ સંકળાયેલા હતા. ચંદ્રકાંત દરૂ ઘણી વાર કહેતા કે ‘મટીરિયાલિઝમ અને ફિલોસોફીમાં રાવજીભાઇની કક્ષાનો કોઇ ઇન્ટલેક્ચુઅલ અત્યારે દેખાતો નથી.’ પરંતુ ઈંદિરા ગાંધીએ જાહેર કરેલી કટોકટી વખતે મોટા અને દરૂના રસ્તા ફંટાયા. મોટા કટોકટીના તરફી અને જયપ્રકાશ નારાયણની ચળવળના વિરોધી હતા, જ્યારે દરૂ કટોકટીના કટ્ટર ટીકાકાર.

પ્રો.ધીરૂભાઇ શેઠે ‘ક્રાંતિકારી વિચારક’માં મોટાના કટોકટીતરફી વલણનું કારણ આ શબ્દોમાં આપ્યું છેઃ ‘મોટા માનતા કે રાજ્યનો વિકાસ અને પ્રગતિ કે આઘુનિકીકરણ રાજસત્તા જ કરી શકે છે. આ બાબતે તેમનો અતિશય આશાવાદ જવાબદાર હતો. એમને સદાય લાગતું કે કશે નહીં તો ગુજરાત પુરતું જનસંઘનું (ભાજપના માતૃપક્ષનું) રાજ આવી જશે અને રાજ્ય ફરી એક વખત એ જ પરંપરા અને સંકુચિતતા તરફ ધકેલાઇ જશે. આ પરિસ્થિતિ નિવારવા માટે તે ઈંદિરા ગાંધીની તરફેણ કરતા હતા.’

મોટા તેમની ઉત્તરાવસ્થામાં ‘સ્ટેલિનિસ્ટ’ (સ્ટેલિનવાદી- રાજ્યની સત્તામાં વઘુ પડતી શ્રદ્ધા ધરાવનારા) થયા હોવાની છાપ પ્રો.ઘનશ્યામ શાહ જેવા ઘણા અભ્યાસીઓની હતી. છતાં, મોટાની વૈચારિક નિષ્ઠા માટે કોઇના મનમાં શંકા ન હતી. ઘનશ્યામભાઇ કહે છે, ‘રાજ્યસત્તા થકી કામ થઇ શકે એવું તે મક્કમતાપૂર્વક માનતા હતા અને એ પ્રમાણે વર્તતા હતા. એટલે કટોકટી હોય કે નર્મદા આંદોલન વખતે ચીમનભાઇ પટેલની સરકાર દ્વારા મણિબેલીમાં થયેલું પોલીસદમન, મોટા તેમાં સરકારપક્ષે રહ્યા. તેમના વલણ સાથે અસંમત હોવા છતાં એટલું માનવું પડે કે તેમના આ નિર્ણય પાછળ કોઇ પણ જાતનો તકવાદ કે સરકાર પાસેથી લાભ ખાટી લેવાની વૃત્તિ ન કારણભૂત ન હતાં.’ સુરત યુનિવર્સિટીને પ્રો.ઉપેન્દ્ર બક્ષી અને એમ. એસ.યુનિવર્સિટીને પ્રો.ભીખુ પારેખ જેવા વિદ્વાન વાઇસ ચાન્સેલર મળ્યા, તેમાં પણ મોટાની ભૂમિકા નોંધપાત્ર હતી.

ગુજરાતમાં છેલ્લા ઘણા વખતથી સવાલો પૂછવાને બદલે સરકાર કે કથાકારના કૃપાપાત્ર બનીને મોક્ષ મેળવવાની મોસમ ચાલે છે, યુનિવર્સિટીઓમાં શિક્ષણ સિવાયનું બઘું જ ધમધમે છે, ભિન્ન મત ધરાવનાર પર ગુજરાતદ્રોહીથી માંડીને રાજદ્રોહી સુધીનાં લેબલ લગાડી દેવાય છે ત્યારે જેનામાં બૌદ્ધિક અજંપો હોય, બૌદ્ધિકતા જેના માટે વ્યક્તિગત કલ્યાણની નહીં, પણ લોકહિત માટેની જણસ હોય, જે સવાલો ઉઠાવે, માનવવાદ અને સમાનતા જેવા આદર્શ સ્થાપિત કરે અને વાસ્તવિક પરિસ્થિતિનું કડક પૃથક્કરણ કરે એવા - બીજા શબ્દોમાં કહીએ તો મોટા જેવા- ગુરૂપણા વગરના ગુરૂજનની ભારે ખોટ સાલે છે.

'Socrates' for the likes of Prof. Rajani Kothari, Prof.Dhirubhai (D.L.) Sheth, Prof.Sam Pitroda, Prof. Bhikhu Parekh, Prof.Dhaval Maheta, Raojibhai Patel 'Mota''s body of work as well as life has been compiled into two volumes.

For further details, contact :
biren kothari : birenkamini@yahoo.com
bipin shroff : shroffbipin@gmail.com, bipin_shroff@yahoo.com

Thursday, February 10, 2011

ડાકોરદર્શન - 2

ડાકોરના ડેપ્યુટી રણછોડરાય સિવાય બીજું કોણ હશે? કોઇ આઇડીયા?

ધર્મસ્થાનોમાં બધી જગ્યાઓ 'મુંડન'ની નથી લાગતી?

'જુમ્મા મસ્જિદ, ડાકોર' કેવું લાગે છે? 'રણછોડજી મંદિર, મક્કા' જેવું

રેલિંગ ઉપર વરિયાળી 'ઉગે' એનું નામ વસંત ઋતુ

મોટી માછલી નાની માછલીને ખાય ને નાની માછલી?...લોટની આ ગોળીઓને?

બનાવતાં-વેચતાં આવડે તો કઇ ચીજ એવી છે, જેમાં 'વેલ્યુ એડિશન' કરી ન શકાય?


Tuesday, February 08, 2011

કાળાં નાણાંની ‘સ્વિસ ચોકલેટ’

દૃશ્ય-૧: સ્વિત્ઝર્લેન્ડના પાટનગર જીનીવાના એરપોર્ટ પર ભારતીય રાષ્ટ્રઘ્વજની છાપ ધરાવતું એક જમ્બો જેટ ઊભું છે. થોડી વારમાં રન વે પર ચહલપહલ વધી જાય છે. એક પછી એક ટ્રકોની લંગાર સુરક્ષાવાહનોના કાફલા સાથે આવી પહોંચે છે. વિમાનની નજીક આવીને ટ્રકો ઊભી રહી જાય છે. વારાફરતી તેમાંથી કોથળા વિમાનના ભંડકિયામાં ભરાવા લાગે છે. દરેક કોથળામાં હજારો ડોલરની ચલણી નોટો ભરેલી છે અને કોથળાનું મોં સિલ કરેલું છે. મોન્તેકસિંઘ અહલુવાલિયા કે મનમોહન સિંઘ જેવા દેખાતા કોઇ જણ આખી કાર્યવાહી પર ઉચ્ચક જીવે નજર રાખી રહ્યા છે. કોથળા ભરાઇ ગયા પછી ટ્રકો રવાના થાય છે અને ધીમી ઘરઘરાટી સાથે વિમાનનું એન્જિન શરૂ થાય છે. જોતજોતાંમાં વિમાન રન વે પર દોડ મૂકીને આકાશે ચડે છે અને દિલ્હીની દિશા પકડે છે.

દૃશ્ય-૨ (ક): નવી દિલ્હીના એરપોર્ટ પર અફસરો બેચેનીપૂર્વક આંટા મારી રહ્યા છે. સ્વિસ બેન્કમાં ભારતીયોએ જમા કરાવેલું બે નંબરી નાણું લાદીને પાછું ફરતું વિમાન આવવાની તૈયારીમાં છે. આખરે વિમાન હવાઇપટ્ટી પર ઉતરે છે. ફરી ચલણી નોટોના કોથળા ટ્રકોમાં ભરવામાં આવે છે. ‘માલ’ ભરેલી ટ્રકો પોતપોતાના નક્કી થયેલા મુકામે, ભારતનાં બધાં રાજ્યોનાં પાટનગર તરફ રવાના થાય છે...ત્યાર પછી ભારતની ગરીબી દૂર થઇ જાય છે.

અથવા

દૃશ્ય -૨ (ખ): સ્વિત્ઝર્લેન્ડથી નોટોના કોથળા ભરીને આવતા વિમાનને દિલ્હી ઉતાર્યા વિના, આખા ભારતના આકાશ પર ઉડાડવામાં આવે છે. તેમાંથી ચલણી નોટોનો વરસાદ કરવામાં આવે છે...અને આખા ભારતની ગરીબી દૂર થઇ જાય છે.

અથવા

દૃશ્ય-૨ (ગ): જીનીવાના એરપોર્ટ પરથી ઉડેલું વિમાન દિલ્હીને બદલે અમેરિકાની સિલિકોન વેલીની દિશા પકડે છે. નાદાર અમેરિકાએ સિલિકોન વેલી વેચવા કાઢી છે. સ્વિસ બેન્કમાંથી પાછાં મળેલાં કાળાં નાણાં વડે ભારત આખેઆખી સિલિકોન વેલી તેની કંપનીઓ સહિત ખરીદી લે છે. પછી સિલિકોન વેલીમાં થયેલી શોધોના પ્રતાપે ભારતની ગરીબી દૂર થઇ જાય છે.

***

આગળ વર્ણવેલાં દૃશ્યો માત્ર કાલ્પનિક નહીં, શેખચલ્લીની યાદ આપેવા એવાં છે. પરંતુ ‘સ્વિસ બેન્ક’નું નામ પડે એટલે મોટા ભાગના- અને અચ્છાખાસા સમજુ- ભારતીયો શેખચલ્લી બની જાય છે. તેમના મનમાં આવી અનેક કલ્પનાઓ સળવળી ઉઠે છે. રાજકીય પક્ષો તેમાં પોતપોતાના સ્વાદ- અને સ્વાર્થ- પ્રમાણે મરીમસાલા ઉમેરે છે અને પ્રજાને એવું ઠસાવવાનો પ્રયાસ કરે છે કે સ્વિસ બેન્કનું કાળું નાણું ભારત પાછું આવી જાય, તો દેશની બધી સમસ્યાઓ ઉકલી જશે. આ જાતના પ્રચારમાં પોતાના અણગમા-પૂર્વગ્રહો ઉમેરીને ઘણા લોકો એવું માનવા પ્રેરાય છે કે ‘સ્વિસ બેન્કનું કાળું નાણું પાછું આવશે, તો જ દેશની બધી સમસ્યાઓ ઉકલશે.’

ટેક્સ-હેવન(જન્નત)ની હકીકત જાણ્યા વગરનો આ ભ્રમ, ગાલિબના શબ્દોમાં કહીએ તો, દિલ બહેલાવવા માટે ઠીક છે. પણ એને ગંભીરતાથી પોષવા જેવો નથી. સ્વિસ બેન્કનાં કાળાં નાણાંના છાશવારે ચગતા મુદ્દાને જાહેર જીવનમાં કેટલો અગ્રતાક્રમ આપવો એ ટાઢકથી વિચારવી જેવી વાત છે.

‘જન્નતકી હકીકત’
‘સ્વિસ બેન્કમાં રહેલાં નાણાં’ પાછાં લાવવાની કલ્પનાને સરળતા ખાતર મુખ્ય ત્રણ તબક્કામાં વહેંચી શકાયઃ ૧) સ્વિસ બેન્કમાં રહેલાં નાણાંની વિગત મેળવવી ૨) એ નાણાં સરકારી રાહે પાછાં મેળવવાં ૩) તેના વડે દેશનો ઉદ્ધાર કરવો.

સૌ પ્રથમ તો એ સ્પષ્ટતા કરી લઇએ કે ‘સ્વિસ બેન્ક’ એ કોઇ એક બેન્કનું નામ નથી, જ્યાંની તિજોરીમાં ભારતીયોનાં નાણાં પાછાં જવાની રાહ જોતાં પડ્યાં હોય. જીનીવા જેવાં સ્વિત્ઝર્લેન્ડનાં જુદાં જુદાં શહેરોમાં કાર્યરત ૪૦૦થી પણ વઘુ બેન્ક અને નાણાંકીય સંસ્થાઓ બહારની દુનિયામાં ‘સ્વિસ બેન્ક’ના સામાન્ય નામે ઓળખાય છે. તેમાં ફક્ત ભ્રષ્ટાચારી માલેતુજારોનાં બે નંબરી નાણાં જ હોય છે, એવું પણ નથી. છતાં બેન્કને- અને સરવાળે સ્વિસ સરકારને- ખરી કમાણી ‘પ્રાઇવેટ સર્વિસ’ માગતા અનામી આસામીઓનાં તગડી રકમનાં ખાતાંમાંથી થાય છે.

સ્વિસ બેન્કનાં- ખરેખર તો સ્વિસ બેન્કોનાં- ખાતાંની વિગત મેળવવાનું બહુ અઘરૂં ગણાય છે, તેનું બીજું, વધારે મોટું કારણ છેઃ સ્વિસ સરકાર પોતે. કારણ કે દેશના કુલ ઘરેલુ ઉત્પાદન/ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં સ્વિસ બેન્કો થકી થતી કમાણીનો હિસ્સો ૧૧-૧૨ ટકા જેટલો મોટો છે. તગડી કમાણી કરાવતાં ખાનગી ખાતાંની વિગત આપવાની થાય, ત્યારે બેન્ક કરતાં વધારે તકલીફ સ્વિસ સરકારને પડે, એ દેખીતું છે. એટલા માટે જ, બેન્કનાં ખાતાંની વિગત જાહેર કરનાર ‘ગદ્દાર’ માટે સ્વિસ કાયદામાં છ મહિનાની જેલ અથવા ૫૦ હજાર સ્વિસ ફ્રાન્કના દંડ જેવી જોગવાઇ પણ રાખવામાં આવી હતી.

તેનો અર્થ એવો નથી કે સ્વિસ બેન્કમાં રહેલાં ખાતાંની વિગતો ન જ મેળવી શકાય. અમેરિકાના લાંબા ગાળાના પ્રયાસો અને ધાકધમકીઓ પછી આખરે ઓગસ્ટ, ૨૦૦૯માં અમેરિકા અને સ્વિત્ઝર્લેન્ડની સરકારો વચ્ચે સમજૂતિ થઇ. એ પ્રમાણે, ધંધાની દૃષ્ટિએ બીજો નંબર ધરાવતી સ્વિસ બેન્ક ‘યુબીએસ’ ૪,૪૫૦ અમેરિકન ખાતેદારોની વિગત એક વર્ષમાં અમેરિકાની સરકારને આપવા તૈયાર થઇ. કેમ કે, આ લોકોએ અમેરિકામાં કરવેરા ગુપચાવીને નાણાં સ્વિસ બેન્કમાં જમા કરાવ્યાં હોવાની આશંકા હતી.

સ્વિસ સરકારની આ કૃપાના બદલામાં અમેરિકાના ન્યાય વિભાગે બેન્ક સામેની તોતિંગ કાનૂની કાર્યવાહી પડતી મૂકી. એટલું જ નહીં, અપ્રમાણસરની સંપત્તિ ધરાવતા ૫૨ હજાર અમેરિકનોનાં સ્વિસ બેન્કનાં ખાતાંની વિગતોની માગણી પણ પાછી ખેંચી લીધી. સ્વિસ બેન્કનું આ પગલું પણ અનેક શરતો સાથેનું હતું. તેમાંથી કેટલીક જાણવા જેવી શરતોઃ ખાતેદારનું નામ અમેરિકાની સરકારને આપતાં પહેલાં સંબંધિત ખાતેદારને સ્વિસ બેન્ક તરફથી આ અંગે જાણ કરવામાં આવશે. એટલું જ નહીં, આ નિર્ણય સામે ખાતેદાર સ્વિત્ઝર્લેન્ડની કોર્ટમાં અપીલ પણ કરી શકશે.

ત્રિરાશિ માંડવા જેવી બાબત એ છે કે અમેરિકા જેવા જગત જમાદારને સ્વિસ બેન્ક પાસેથી ખાતેદારોની યાદી મેળવવામાં આટલી તકલીફ પડતી હોય અને ત્યાર પછી પણ ઘણા આગ્રહો જતા કરવા પડ્યા હોય, તો ભારત માટે આ માહિતી મેળવવાનું કેટલી હદે શક્ય બને?

નામ પૂરતા કરાર
યાદ રહે કે અત્યાર સુધી થયેલી વાત જમા થયેલાં નાણાં નહીં, પણ ખાતેદારોનાં નામ મેળવવાની જ હતી. નામ મેળવવામાં આટલી પળોજણ હોય, તો બેન્કમાં જમા થયેલાં નાણાં પાછા દેશમાં આવી જશે, એવું સ્વપ્ન કયો શાણો માણસ જોઇ શકે?

‘ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટ’ તરીકે ઓળખાતા કરચોરી નિવારવાના પરસ્પર કરાર અંતર્ગત ૧૦૦થી વઘુ દેશો એકબીજા સાથે સંકળાયેલા છે. આ કરાર અંતર્ગત સરકારો વચ્ચે કરચોરી કરનારનાં નામની આપ-લે થઇ શકે, પણ કરારની શરતો પ્રમાણે એ નામ જાહેર કરી શકાતાં નથી.

ભૂતપૂર્વ કાનૂનમંત્રી અને વિવાદાસ્પાદ અસીલોના વકીલ તરીકે પંકાયેલા રામ જેઠમલાણીએ વિદેશી બેન્કોમાં ઠલવાયેલું કાળું નાણું દેશમાં પાછું લાવવામાં સરકારની નિષ્ક્રિયતા અંગે સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરી છે. તેને કારણે થોડા સમયથી ફરી એક વાર સ્વિસ બેન્ક અને કાળાં નાણાં ચર્ચામાં આવ્યાં છે. અરજદાર જેઠમલાણી વતી તેમના વકીલ અનિલ દીવાને અદાલતમાં એવી દલીલ રજૂ કરી કે બીજા દેશો સાથેના કરારની શરતો ફક્ત કરચોરોને લાગુ પડે છે, જ્યારે વિદેશી બેન્કોમાં જમા થયેલાં નાણાં ફક્ત કરચોરીનાં નથી. તે બીજી અનેક ગુનાઇત પ્રવૃત્તિઓમાંથી પેદા થયેલાં હોઇ શકે છે.

નોંધવા જેવી હકીકત એ છે કે સર્વોચ્ચ અદાલતે પણ આ જ બાબત સામે ગંભીર વાંધો લીધો છે. અદાલતે સરકાર વતી ઉપસ્થિત રહેલા સોલિસિટર જનરલને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ‘સરકારે ફક્ત કરચોરીની દૃષ્ટિએ વિચારવાને બદલે, બીજાં પાસાં પણ ઘ્યાનમાં લેવાં જોઇએ...કોઇ માણસ વિદેશી બેન્કમાં આટલાં નાણાં જમા કરાવે ત્યારે સરકારે તેને પૂછવું જોઇએ કે આટલું બઘું તે કમાયા ક્યાંથી? શસ્ત્રોની સોદાબાજીમાંથી? ત્રાસવાદી નેટવર્કમાંથી? નશીલા દ્રવ્યોના ધંધામાંથી?’ આ લેખના સંદર્ભે અદાલતની ચર્ચા જોતાં સમજાશે કે તેમાં મુખ્ય નિશાન ભ્રષ્ટાચારનાં નાણાં પર નહીં, પણ ગુનાઇત પ્રવૃત્તિમાંથી પેદા થઇને પરદેશ પગ કરી જતાં નાણાં પર તકાયેલું છે.

સ્વિત્ઝર્લેન્ડ નજીક આવેલા ટચૂકડા દેશ લિક્ટનસ્ટાઇનની એક બેન્ક પાસેથી જર્મન સરકારે થોડાં ખાનગી ખાતાંની વિગત મેળવી છે. ભારત સરકારને પણ એ વિગત મળી શકે એમ છે અથવા મળી ચૂકી છે. પરંતુ સરકારના જણાવ્યા પ્રમાણે, અત્યારે નામ જાહેર કરવાથી તપાસ પર તેની અવળી અસર પડે અને કરારનો ભંગ થાય. એટલે આ તબક્કે સરકાર શાં પગલાં લઇ રહી છે, એટલું જ કહી શકાય એમ છે.

આ સંજોગોમાં સ્વિસ બેન્કમાંથી નાણાં પાછાં આવે એવી આશા રાખવામાં શાણપણ જણાતું નથી. સ્વિત્ઝર્લેન્ડ કરતાં ભારત વધારે નજીક ન પડે? ખરેખર તો, ઘરઆંગણાના કોમનવેલ્થ કલમાડી, સ્પેક્ટ્રમ રાજા, કર્ણાટકના ‘બેલ્લારી બંઘુઓ’ જેવા કૌભાંડીઓ પાસેથી નાણાં વસૂલ કરી શકાય તો પણ ઘણું.

ચોકલેટી રાષ્ટ્રવાદ
ધારો કે જાદુઇ લાકડી ફરી જાય, ચમત્કાર થાય અને સ્વિસ બેન્કમાં ભારતીયોએ જમા કરાવેલાં બધાં બે નંબરી નાણાં ભારત પાછાં આવી જાય તો?

અત્યારે જે છે એવા જ નેતાઓ એ વખતે હોય તો, ગમે તેટલાં નાણાંથી દેશનો ઉદ્ધાર થવાનો છે? દેશ સદ્ધર નથી, તો પણ જે લોકો આટલાં તોતિંગ કૌભાંડો કરી શકે છે, તેમની પાસે સ્વિસ બેન્કનો દલ્લો આવે તો એ શું ન કરે? શક્ય છે કે એ સ્વિત્ઝર્લેન્ડની જગ્યાએ ‘ટેક્સ હેવન’ (કરવેરાનું સાવ ઢીલું માળખું ધરાવતો) દેશ શોધી કાઢે અને નાણાં ત્યાં જમા કરાવે.

પછી?

કંઇ નહીં. પછીની પેઢીઓએ સ્વિત્ઝર્લેન્ડને બદલે બીજા દેશમાંથી નાણાં પાછા આવશે તો દેશનો ઉદ્ધાર થઇ જશે, એવી ચોકલેટ ચગળવાની અને એવા ચોકલેટો વહેંચતા નેતાઓથી અભિભૂત થઇને રાષ્ટ્રવાદી હોવાનું ગૌરવ અનુભવવાનું.

Sunday, February 06, 2011

ડાકોરમાં નહીં, ડાકોરનું દર્શન-1

'શું માંડ્યું છે ભાઇ? ગયા શનિવારે રેશનાલિસ્ટોની બેઠકમાં પ્રવચન ને આ રવિવારે ડાકોર?' એક મિત્રે મજાકમાં ઠપકો આપ્યો.
મારો જવાબ હતોઃ 'રેશનાલિસ્ટોની બેઠકમાં મેં એમ કહ્યું કે હું રેશનાલિસ્ટ નથી...અને ડાકોરમાં હુ આસ્તિક નથી.

વર્ષના વચલા દિવસે થોડા કલાક માટે ક્યારેક ડાકોર જવાનું થાય, ત્યારે એ 'ગોટાનગર' મારું સાસરું હોવા છતાં હું ત્યાં પ્રવાસી તરીકે જ જાઉં છું. એક મહાલોકપ્રિય ગુજરાતી યાત્રાધામના રંગઢંગ એ રીતે જોવાની મને મઝા આવે છે. એમાંથી થોડી સામગ્રી અહીં મૂકી છે. થોડી વધુ તસવીરો ભાગ-2માં.

ગોટાવાળા (ફરસાણવાળા યાર, ગોટાળાવાળા નહીં) મગનલાલ વલ્લભદાસનું ઓછું જાણીતું સર્જનઃ રણછોડરાય મંદિરના મુખ્ય પ્રવેશદ્વારની સામે આવેલી અને ભક્તજનોની નજરથી મોટે ભાગે ઓઝલ રહેલી, મેઘાણીની પંક્તિથી સજ્જ એવી શહીદોની ખાંભી. મંદિરોની જોડે કાશ થોડો આનો પણ મહિમા થતો હોત.


નોટ સો ફાઇન પ્રિન્ટ. પાટિયું કહે છે કે ન્યાતજાતના ભેદભાવ વગર દરેકને આવવાની છૂટ છે.

ગૌશાળાઓ એની જગ્યાએ અને ગાયો એમની જગ્યાએ- એટલે કે રસ્તા પર.


માગ...માગ...માગે તે ભગવાન આપું

માળાઃ પહેરો, વીંટો, લપેટો, ફેરવો...પાંચ-પાંચ રૂપિયા

રામરોટી અને હરામરોટી વચ્ચે શો ફરક? એવો સવાલ ઘણા 'સાધુઓ'ને જોઇને થાય.

Saturday, February 05, 2011

હોમાય વ્યારાવાલા (97) : આજકાલ લોકો સાઠ-સિત્તેર વર્ષે સિનિયર સિટિઝન થઇ જાય છે

photo: Biren Kothari, 26-1-2011

26 જાન્યુઆરી, 2011 નિમિત્તે હોમાય વ્યારાવાલાને ‘પદ્મવિભૂષણ’ જાહેર થયો. સરકારી પુરસ્કારો વિશેનો વિગતો આધારિત મારો અભિપ્રાય અગાઉની પોસ્ટમાં મૂક્યો છે. તેમાં કોઇ ફેરફાર વિના, પણ હોમાયબહેન જેવાં વડીલ સ્નેહીની 97 વર્ષે પ્રજાને ખ્યાલ આવે એ રીતે કદર થઇ, તેનો આનંદ. ગયા વર્ષે (24-10-10) વડોદરા ગયો ત્યારે રાબેતા મુજબ બીરેન સાથે હોમાયબહેનને મળ્યો હતો. એકાદ કલાક ગપ્પાંગોષ્ઠિ કરી હતી. બીરેન અને મારો મહેમદાવાદી મિત્ર- હવે વડોદરાસ્થિત- પરેશ પ્રજાપતિ હોમાયબહેનની અત્યંત નિકટ હોવાને કારણે, હોમાયબહેન સાથે અનેક જાતની વાતો થાય, જેની નોંધ વડોદરાથી મહેમદાવાદ પાછા ફરતાં મેં કરી હતી. ત્યાર પછી એ નોંધ મુકવાની રહી ગઇ, તે પદ્મવિભૂષણ પ્રસંગે યાદ આવી. તેનું સ્વરૂપ નોંધનું જ છે. એટલે લેખ જેવી સળંગસૂત્ર નથી.

સી ધ ઓડેસીટી ઓફ ધેટ વુમન

મારો હસબન્ડ બહુ ઓછું બોલે. કોઇની સાથે બહુ લેવાદેવા નહીં. દીકરો નાનો. એટલે સિનેમામાં જવાનું હોય તો પણ એ પહેલાં જઇ આવે અને કહે કે સારી ફિલ્મ છે, એટલે પછી હું અલગથી જોવા જઉં. એક વાર એક સ્ત્રી ફોટોગ્રાફીના કામે બપોરે મારા (દિલ્હીના) ઘરે આવી. પછી મને કહે, ‘તમારા હસબન્ડ કાં રે’ છે?’ મેં કહ્યું, ‘બીજે કાં વલી? અહીં જ.’ તો કહે, ‘તમે તો અલગ નથી રહેતાં?’ સી ધ ઓડેસીટી ઓફ ધેટ વુમન. અમને અલગ જુએ એટલે સીધું ધારી જ લીધું કે અમે સાથે રહેતા નથી. મારો હસબન્ડ એ જ વખતે જમીને ઓફિસે જવા નીકળ્યો હતો. એટલે મેં એ લેડીને કહ્યું,’તમે રસ્તામાં આવ્યા ત્યારે તમે કોઇ માટીરો જોયો?’ ‘હા, હું આવી ત્યારે દાદરમાંથી કોઇ નીચે ઉતરતો હતો...’ ‘એ જ મારો હસબન્ડ...’

હેલ્પ! હેલ્પ!

આપણા લોકોને આવી બહુ ટેવ. અહીં મને મળવા આવે એ લોકો અવનવા સવાલો પૂછે. ‘તમે આ ઘરનું શું કરશો?’ ‘અમે તમને હેલ્પ કરી શકીએ?’ અહીં (ડ્રોઇંગરૂમમાં) બેઠા હોય તો પણ અંદર ડોકીયાં કરીને બધું જોવા પ્રયત્ન કરે. ઘણા તો ઘંટી પણ વગાડ્યા વિના છેક અંદર સુધી આવી જાય. બારણું ખુલ્લું હોય ને હું રસોડામાં હોઉં કે અંદર બેઠી હોઉં તો એ લોકો સીધા મારી પીઠ પાછળ આવીને ઉભા રહે, નમસ્કાર કરે અથવા એકદમ બોલે. હું ભડકી જાઉં. એટલી પણ ગમ ન પડે કે ઘંટી મારીને આવે. એક જણને તો મેં બહાર આવીને બતાવ્યું કે ઘંટી અહીં છે. તો પણ કશી અસર નહીં. કેટલાક ચીટકુઓ આવે તો કેમે કરીને જાય નહીં. તેમની સાથે શું વાત કરવી એ સવાલ થાય. કેટલાકને તો મારે કહેવું પડ્યું હતું તે વિલ યુ પ્લીઝ ગો નાઉ? તેમ છતાં ત્રણ જણ એવા હતા કે એ મારા થોડા વધારે ફોટા માગતા હતા. એટલે હું રસોડામાં જતી રહી તો પણ એ અહીં ઉભા જ રહ્યા. એટલે ન છૂટકે મારે બહાર આવીને કહેવું પડ્યું કે ‘યુ વીશ મી ટુ ફિઝીકલી પુશ આઉટ ઓફ ધ હાઉસ?’ ત્યાર પછી એ ગયા.

થેન્ક્સ? સોરી !

(ફોટોગ્રાફી માટે લાઇફટાઇમ એચીવમેન્ટના નવા સ્થપાયેલા એવોર્ડ) માટે સરકારી ફોટોગ્રાફી વિભાગના હેડ આવ્યા હતા. તેની સાથે એક માણસ આવ્યો હતો એ મારો ફોટો લેવા માટે ટીપોઇ અને બેડની વચ્ચે એવો ઘૂસ્યો કે ઉભા થતી વેળા જોરથી ધક્કો લાગતાં તેનાથી ટીપોઇ પડી, તૂટી ગઇ. તેની પરનો ફ્લાવરપોટ તૂટી ગયો અને ફોટોની ફ્રેમ પણ તૂટી ગઇ. તેમ છતાં ‘સોરી’ પણ કહ્યું નહીં. આપણા લોકો સોરી કે થેન્કયુ શીખ્યા જ નથી.

જુવાનિયા આવું કરે એ તો સમજ્યા, પણ સિનિયર સિટીઝનો પણ વિચિત્ર વર્તન કરે. સીખેલા-ભણેલા માણસો પણ. સિનિયર સિટીઝનોમાં ઘણા લઠ જેવા હોય છે. આજકાલ સાઠ-સિત્તેર વર્ષે લોકો સિનિયર સીટીઝન થઇ જાય છે. એ ઉંમરે તો ખરી જિંદગી શરૂ થાય. મને મળવા કે આમંત્રણ આપવા કે ફોટા પડાવવા આવતા લોકોને મારા થકી પબ્લિસીટી લઇ લેવામાં જ રસ હોય છે. એક વાર સિનિયર સીટીઝન ગ્રુપના લોકો મને આમંત્રણ આપવા આવ્યા હતા. તમારું સન્માન કરવું છે એમ કહીને. મેં કહ્યું, મારી તબિયત ઠીક નથી. એટલે અવાશે તો જ આવીશ. આઠ-દસ દિવસ પછી કાર્યક્રમના દિવસે એ લોકો આવ્યા. મેં કહ્યું કે મારાથી નહીં આવી શકાય. તબિયત ઠીક નથી. એટલે ‘શું થયું છે? અમે કંઇક મદદ કરી શકીએ? એવું કશું પૂછ્યા વિના તે દાદરો ઉતરી ગયા. આવું પણ ઘણા લોકો કરે છે.

બીજા ઘણા લોકો અહીં આવીને અનેક વાયદા કરી જાય. મદદ કરવાની વાતો કરી જાય. તમને ઢીંચણમાં દુઃખે છે? એક સરસ દવા છે. હું તમને મોકલાવીશ. અથવા હું તમને ફલાણી મદદ કરીશ. હું કદી ના ન પાડું. પણ તેમાંથી કોઇ અહીંથી ગયા પછી ફરી દેખાય નહીં. તો પછી શું કામ જબાન વગોવવાની? હું સામેથી મદદ માગતી હોઉં તો જુદી વાત છે. મેં કશું કહ્યું પણ ન હોય, છતાં પોતાની મેળે જ વાત કરે અને પછી તેનો અમલ ન કરે.

શોબાજીનું બ્લેક એન્ડ વ્હાઇટ

દિલ્હીના ફંક્શનની વાત કરી. સિક્યોરિટીવાળાની તુંડમિજાજી વિશે અસંતોષ વ્યક્ત કરીને કહ્યું કે એ લોકો જાણે બધાના સાહેબ હોય એવી રીતે વર્તે છે. ચાર સન્માનિત ફોટોગ્રાફરોમાં હોમાયબહેન સિવાય બીજા બે તો શાંત બેસી રહ્યા હતા, પણ રઘુ રાયનો મોટો ભાઇ એસ.પોલ હોમાયબહેનના કહેવા પ્રમાણે વારેઘડીએ જાતજાતના ઓર્ડર આપીને કે બધાને બોલાવીને બહુ શોબાજી કરતો હતો. સન્માન પામેલા બાકીના ત્રણે ફોટોગ્રાફરોની કારકિર્દી શરૂ થઇ ત્યારે હોમાયબહેનની કારકિર્દી પૂરી થઇ ચૂકી હતી. એ અરસામાં હોમાયબહેનનો દિલ્હીમાં એક શો હતો ત્યારે રઘુ રાય આવ્યા, ‘ફોટોગ્રાફીના જાત જાતના ફન્ડા માર્યા. એ તો ઠીક છે. પછી મારી જોડે શેકહેન્ડ કર્યા. પછી એ ગયો ત્યારે મેં જોયું તો એણે હાથ પર સેન્ટ લગાડેલું જે મારા હાથ પર આવી ગયું હતું. ઇઝન્ટ ઇટ વલ્ગર? તમે તમારા હાથ પર સેન્ટ લગાડો ને બૈરાં સાથે હાથ મિલાવીને તેમના હાથ પર સેન્ટની સુગંધ છોડી જાવ.’

હાલચાલ

હવે કામવાળી ઘરકામ કરે છે. પણ તેને ચિકનગુનિયા થયો હોવાથી હમણાંથી આવતી નથી. એટલે કચરો હોમાયબહેન જ વાળે છે. પણ હવે તેમને થાક લાગે છે.

મિસિસ મિશ્રા તેમનું બહુ ધ્યાન રાખતાં હતાં. અત્યારે છ મહિના માટે અમેરિકા ગયાં છે તો પણ મને બધું પૂછીને બધી જરૂરિયાતો તપાસીને જાય. પહેલાં ત્રણ મહિના માટે ગયાં ત્યારે પણ તે મારા ઘરમાં દાળચોખા બધું જોઇને- ભરીને જાય. જ્યારે બીજા બધા ‘કંઇ કામકાજ હોય તો કહેજો’ એમ કહે ખરા, પણ ‘મારે જારે ગરજ હોય ત્યારે કામ ન લાગે. એટલે બહુ હેલ્પલેસનેસ ફીલ થાય.’ ‘(પરેશ) પ્રજાપતિ પણ વિચારતો હશે કે આ ડોશી હવે જલ્દી જાય તો સારું.’

એમના પાડોશી મુસલમાનોનાં છોકરાં બારીના કાચ તોડે ને ઘણી ધાંધલ કરે. પછી હોમાયબહેન ફરિયાદ કરવા જાય એટલે બિરાદરો કહે, ‘તમારે પોલીસમાં જ કહેવું.’ દાવત થાય તો તેનો એંઠવાડ રસ્તા પર જ નાખે. આ વખતે હોમાયબહેને દાવત વખતે પોલીસને ફોન કર્યો. એટલે પોલીસે આવીને પેલા લોકોને ખખડાવ્યા અને બધું સાફ કરાવ્યું. એટલે એ કહે, ‘પોલીસને કહેવાની શી જરૂર? અમને ન કહેવાય?’

ઘણા લોકો તેમને એક અજાયબી તરીકે જોવા આવે અને એક જીવતાજાગતા, ખુદ્દાર, વૃદ્ધ, એકલાં રહેતાં સ્ત્રીને બદલે એક સંગ્રહસ્થાનની ચીજ ગણીને જ તેમની સાથે વર્તે. તેનાથી હોમાયબહેનને બહુ ખીજ ચડે છે.

આજે (24-10-10) પણ શરબત બનાવીને લાવ્યાં. હવે એક હાથે લાકડી પકડે એટલે ગ્લાસ પકડવા માટે બીરેનને બોલાવ્યો. બાકી, પહેલાં તો એ ટ્રે લઇને આવતાં હોય ને આપણે અધરસ્તે જઇએ તો પણ પાછા બેસાડી દે.

સબીના (ગડીહોકે, હોમાયબહેન વિશેનું પુસ્તક લખનાર) ના રેફરન્સથી એક છોકરો એમના પર થીસીસ લખવા માટે આવ્યો અને રોજ મળતો હતો ત્યારે એક વાર લીધેલી કે ઉથામેલી વસ્તુ પાછી એ જ સ્થિતિમાં નહીં મૂકવાને કારણે હોમાયબહેને તેને ફાયરિંગ આપ્યું હતું. બીજા દિવસે આ જ રીતે શરબત પીધા પછી ગ્લાસ બહાર રાખ્યા. બધું સમેટી લીધું અને છેલ્લે પોતાનો થેલો ઉંચકીને જતાં જતાં પૂછે, ‘આ ગ્લાસનું શું કરીશું?’ હોમાયબહેને કહ્યું, ‘હું મૂકી દઇશ.’ પણ બીજા દિવસે એ માટે પણ તેને ઠપકો આપ્યો. ‘મારે એને ન છૂટકે કહેવું પડ્યું કે તું જ્યારે વાતો કરતો હતો ત્યારે તારા વિશે મારો ઉંચો અભિપ્રાય હતો, પણ તારું વર્તન જોયા પછી મારે અભિપ્રાય બદલવો પડ્યો છે.’

નેનોને ટાટા

છાપાવાળાને લીધે કાંદાપપેટાવાળા પણ મને પૂછતા થઇ ગયા (હાથથી સ્ટીયરીંગની એક્શન કરીને) કે કેવી ચાલે છે તમારી નેનો?...નેનો મોટી ઘોડાના તબેલા જેવી છે. ક્યાં સ્મોલ કાર છે?

છાપાવાળાએ મને એ પણ ન પૂછ્યું કે મેં રૂપિયા આપ્યા છે કે નહીં. એમ જ લખી દીધું કે તાતા મને ગિફ્ટમાં આપવાના છે.

(હોમાયબહેનને નેનોથી ઓળખનારાને જણાવવાનું કે નેનો મળ્યા પછી થોડા જ દિવસમાં તેમણે કાઢી નાખી હતી. વર્ષોજૂની ફિયાટની પ્રેક્ટિસને કારણે અને ઉંમરને કારણે હવે નેનો નહીં ફાવે એવું તેમને લાગ્યું હતું.)

Thursday, February 03, 2011

નાગરિક સન્માન, સરકારી ધારાધોરણ

એવી કઇ ચીજ છે, જેમાં (હવે મોટે ભાગે) લેનાર કરતાં આપનારની પાત્રતા ઓછી હોય છે? આ સવાલનો જવાબ છેઃ એવોર્ડ. દરેક પ્રજાસત્તાક દિનની આગલી સાંજે ભારત સરકાર દ્વારા જાહેર કરાતા પદ્મ પુરસ્કારોથી માંડીને સાહિત્યના રણજિતરામ ચંદ્રક સુધી આ ‘નિયમ’ લાગુ પાડી શકાય છે.

દરેક વર્ષની જેમ આ વર્ષે પણ ભારતના રાષ્ટ્રપતિએ ‘નાગરિક સન્માનો’ની જાહેરાત કરી. (મહત્ત્વના ઉતરતા ક્રમમાં) : ‘ભારતરત્ન’ કોઇને નહીં, ૧૩ પદ્મવિભૂષણ, ૩૧ પદ્મભૂષણ અને ૮૪ પદ્મશ્રી. કુલ સન્માનિતો ૧૨૮. છેલ્લા ઘણા સમયથી એવોર્ડની યાદી પર નજર ફેરવતાં ‘ટકે શેર ભાજી, ટકે શેર ખાજાં’ - કે નવા જમાના પ્રમાણે, ‘રૂપિયાની એક પાણીપુરી, રૂપિયાનો એક પિત્ઝા’- જેવી લાગણી થાય છે. મુખ્યત્વે સન્માનિતોની મોટી સંખ્યા અને પ્રમાણભાનના ગંભીર પ્રશ્નોને કારણે જગ્યા/સમયની મર્યાદા ધરાવતાં મોટા ભાગનાં પ્રસાર માઘ્યમો પુરસ્કૃતોની આખી યાદી પણ આપતાં નથી. બીજા શબ્દોમાં કહીએ તો, ફિલ્મસ્ટાર, કોર્પોરેટ જગતનાં માથાં, ખેલકૂદના સિતારા અને બીજા થોડા જાણીતા લોકોને બાદ કરતાં, આ વર્ષે કોને ‘નાગરિક સન્માન’ મળ્યું તેની દેશના નાગરિકોને ખબર હોતી નથી અને અમુક અંશે પરવા પણ હોતી નથી.

વફાદારીઃ સમાજની કે સરકારની?

અગ્રણી નાગરિકોને માન-ચાંદ આપવાની પ્રથા અંગ્રેજી રાજના વખતની છે. એ સમયે મુખ્યત્વે રાજના વફાદાર સેવકોને અંગ્રેજ સરકાર ખિતાબો આપતી હતી. ખાસ ભારતના સામ્રાજ્ય માટે થઇને ‘નાઇટ કમાન્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઇન્ડિયા’ (કેસીએસઆઇ) અને ‘નાઇટ કમાન્ડર ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર’ (કેસીઆઇઇ) જેવા બે ખિતાબ કાઢવામાં આવ્યા હતા. તે મેળવનારા પોતાના નામની આગળ ‘સર’નું લટકણીયું લગાડી શકતા હતા. ખિતાબો અને તેની લાલચ વડે સમાજના અગ્રણી વર્ગને કાબૂમાં રાખવાની નીતિ પ્રમાણે અંગ્રેજ સરકારે ‘સર’થી ઉતરતા ખિતાબ પણ રાખ્યા હતાઃ હિંદુઓને ‘રાયબહાદુર’ (અને તેનાથી ઉતરતા) ‘દીવાનબહાદુર’. મુસ્લિમો-પારસીઓ માટે ‘ખાનબહાદુર’. એ ખિતાબોને નામની આગળ લગાડીને સમાજમાં વટ પાડી શકાતો હતો,

સ્વદેશી ચળવળના પ્રારંભ પછી રાયબહાદુરો અને ખાનબહાદુરો ‘અંગ્રેજતરફી’ ગણાવા લાગ્યા અને તેમના સામાજિક મોભાનાં વળતાં પાણી થયાં. એટલે જ, દેશ આઝાદ થયો ત્યારે અંગ્રેજી રાજની વફાદારીના પ્રતીક જેવા આ ખિતાબ નાબૂદ કરવામાં આવ્યા. બંધારણ અમલમાં આવ્યા પછી ૧૯૫૪થી ફરી એક વાર સન્માનની શરૂઆત થઇ, પરંતુ અગાઉના અનુભવને ઘ્યાનમાં રાખીને સ્પષ્ટ શબ્દોમાં ચોખવટ કરવામાં આવી હતી કે ‘ભારતરત્ન’થી માંડીને ‘પદ્મશ્રી’ સુધીનાં તમામ સન્માન ‘નાગરિક સન્માન’ ગણાશે અને તેમનો (‘રાયબહાદુર’ કે ‘ખાનબહાદુર’ની જેમ) ખિતાબ તરીકે ઉપયોગ કરી શકાશે નહીં, તેમને પોતાના નામની આગળ કે પાછળ લટકણીયા તરીકે વાપરી શકાશે નહીં.

બીજા અનેક નિયમોની જેમ આ નિયમ પણ જોકે પોથીમાં રહી ગયો છે અને હોંશીલા સન્માનિતો પોતાના નામ આગળ વિના સંકોચે ‘પદ્મશ્રી’ જેવાં લટકણીયાં લગાડીને હરખાય છે. તેમના નામે બનતાં જાહેર સ્મારક કે સંસ્થાઓના નામમાં પણ સન્માનનો ઉલ્લેખ ખિતાબની જેમ થયેલો જોવા મળે છે.

‘સાન્તાક્લોઝ’ સરકાર

પદ્મ પુરસ્કારો અને ‘ભારતરત્ન’ સ્થાપિત કરવા પાછળનો આશય નોંધપાત્ર પ્રદાન કરનાર નાગરિકોને સન્માનવાનો હતો. ‘ભારતરત્ન’ સાહિત્ય, કળા, વિજ્ઞાન અથવા ઉચ્ચતમ પ્રકારની જાહેર સેવા કરનારને અને પદ્મ પુરસ્કારો કોઇ પણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા બદલ આપવાનું નક્કી થયું. ‘પદ્મશ્રી’ માટે જરૂરી પ્રદાનમાં ‘ઉચ્ચ કક્ષાનું’ (‘ઓફ હાઇ ઓર્ડર’) એવો શબ્દ પ્રયોજવામાં આવ્યો નહીં.

નાગરિક સન્માનના આ ઉપક્રમમાં પાયાની ખોડ એ રહી કે તેનો સઘળો કારભાર સરકારને હસ્તક રહ્યો. તાત્ત્વિક દૃષ્ટિએ સવાલ એ થાય કે દેશના ઘડતર સિવાયની કળા, વિજ્ઞાન કે સાહિત્ય જેવી બાબતમાં કોઇ વ્યક્તિનું પ્રદાન નક્કી કરવાની સરકારની લાયકાત કેટલી? કોઇ ચોક્કસ વિષયમાં વ્યક્તિનું પ્રદાન સન્માનયોગ્ય છે કે નહીં અને પદ્મશ્રીને યોગ્ય છે કે પદ્મભૂષણને કે પદ્મવિભૂષણને, એ સરકારી બાબુઓ કે નેતાઓ કેવી રીતે નક્કી કરી શકે? એ માટેની કોઇ પારદર્શક વ્યવસ્થા ન ગોઠવાઇ.

ખરેખર થવું એવું જોઇએ કે સંબંધિત વિષયોને લગતી સંસ્થાઓ દ્વારા જ એ વિષયનાં સર્વોચ્ચ સન્માન અપાય. સરકાર તેમાં કોઇ પણ હિસાબે દાખલ થવા ઇચ્છતી જ હોય, તો તેણે કમ સે કમ વિષયનિષ્ણાતોની સમિતિ બનાવીને તેમનો નિર્ણય માથે ચડાવવો રહ્યો. પરંતુ કઇ સરકાર ‘સાન્તાક્લોઝ’ બનવાની તક જતી કરે? તેને કારણે સન્માનો ‘નાગરિક’ મટીને ‘સરકારી’ રંગ ધારણ કરવા લાગ્યાં અને છેક રાયબહાદુર-ખાનબહાદુર જેવાં વરવાં નહીં, તો પણ એકંદરે સરકારની કૃપાદૃષ્ટિ, સત્તાધીશો સાથેના સંપર્કો કે સાંઠગાંઠના પ્રતીક બની ગયાં. તેમાં ઘાલમેલિયા ગોઠવણબાજોને મઝા પડી ગઇ.

સમય જતાં પદ્મ સન્માનો અને ‘ભારતરત્ન’ સુદ્ધાંમાં મુખ્યત્વે ચાર પ્રકારના લોકો આવ્યાઃ ૧) રાજકીય ગણિતમાં બંધ બેસે એવા ૨) માતબર પ્રદાન ઉપરાંત સત્તાધીશો સાથે સંપર્ક ધરાવતા- તે અવગણી ન શકે એવી જગ્યાએ કાર્યરત ૩) નોંધપાત્ર પ્રદાન અને તેને સરકારે બિરદાવવું જોઇએ એવું માનનારા શુભેચ્છકો ધરાવનારા ૪) સત્તાધીશો સાથેના છેડા શોધીને ધક્કા મારતાં મારતાં મહેનતપૂર્વક સન્માન સુધી પહોંચેલા.

અત્યાર સુધીના આશરે ૨૨૦૦થી વઘુ પદ્મશ્રી, ૧૦૫૦થી વઘુ પદ્મભૂષણ અને ૨૫૦થી વઘુ પદ્મવિભૂષણોમાં ત્રીજા અને ચોથા પ્રકારના લોકોની બહુમતિ રહી છે. એ જ રીતે, ૪૧ ‘ભારતરત્ન’ની યાદીમાં પહેલા અને બીજા પ્રકારનાં નામ મોટા પ્રમાણમાં જોવા મળે છે.

જેમ કે, પંડિત રવિશંકર મહાન સિતારવાદક છે તેમાં બેમત નથી. પરંતુ તેમને ૧૯૯૯માં ‘ભારતરત્ન’થી નવાજવાના નિર્ણયની ઠીકઠીક ટીકા થઇ હતી. ‘ભારતરત્ન હાંસલ કરવા માટે પંડિત રવિશંકરે સાંસદોને સાઘ્યા હતા’ એવો આક્ષેપ વિખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજે કર્યો હતો. ‘ભારતરત્ન’ મળ્યાનાં થોડાં વર્ષ અગાઉ પંડિત રવિશંકરે ભારતમાં પોતાની પૂરતી કદર ન થઇ હોવાનું જણાવીને પરદેશમાં વસવાની ચીમકી આપી હતી. તેને યાદ કરીને પંડિત જસરાજે કહ્યું હતું કે ‘જે માણસ દેશનું નાગરિકત્વ છોડી દેવાની વાત કરતો હોય તેને દેશનું સર્વોચ્ચ સન્માન શી રીતે આપી શકાય?’ ટોચના સિતારવાદક ઉસ્તાદ વિલાયતખાંએ જરા જુદી રીતે આ નિર્ણયની ટીકા કરતાં કહ્યું હતું કે ‘સરકારી સમિતિને સંગીતમાં શી ખબર પડે?’
આ પ્રકારની ટીકામાંથી માનવસહજ વ્યક્તિગત બળતરાનો ભાવ કાઢી નાખ્યા પછી પણ ઘણું તથ્ય બાકી રહે છે.

બહુ(ભારત)રત્ના વસુંધરા

‘ભારતરત્ન’ જેવા સર્વોચ્ચ એવોર્ડનો ઉપયોગ અનેક વાર રાજકીય હેતુઓ સિદ્ધ કરવા માટે થયો છે. બાકી, સરદાર પટેલ, એમ.જી.રામચંદ્રન અને રાજીવ ગાંધીને એક જ એવોર્ડ (ભારતરત્ન)થી શી રીતે સન્માની શકાય? સરદાર પટેલ, ડો.આંબેડકર અને બીજા સભ્યોએ આઝાદી પછી સંસદમાં ચર્ચા દરમિયાન સરકારી એવોર્ડ સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો. છતાં વી.પી.સિંહે દલિત મતબેન્કને ઘ્યાનમાં રાખીને ડો.આંબેડકરને મરણોત્તર ‘ભારતરત્ન’ આપ્યો. ગાંધીજી, સરદાર પટેલ, ડો.આંબેડકર જેવા નેતાઓ ‘ભારતરત્ન’થી પર છે એ હકીકત સાથે મતબેન્કનું રાજકારણ ખેલનારાને શી લેવાદેવા?

ખરેખર તો જવાહરલાલ નેહરૂ એ જ યાદીમાં આવે, પણ તેમણે હોંશીલી પ્રકૃતિને કારણે, સામાન્ય વિવેક ભૂલીને વડાપ્રધાનના ચાલુ હોદ્દે રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુના હસ્તે ૧૯૫૫માં ‘ભારતરત્ન’ સ્વીકાર્યો હતો. તેમની સરખામણીમાં તત્કાલીન શિક્ષણમંત્રી મૌલાના આઝાદ વધારે ઠરેલ સાબીત થયા. રાષ્ટ્રપતિ અને આઝાદીની લડતના સાથીદાર રાજેન્દ્રપ્રસાદે આઝાદને ‘ભારતરત્ન’ માટે સમજાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે સાફ શબ્દોમાં કહ્યું હતું કે પોતે જે સરકારમાં મંત્રી તરીકે કાર્યરત હોય, તેની પાસેથી કેવી રીતે એવોર્ડ સ્વીકારી શકે? ‘મારા માટે વિદ્વત્તાના પ્રતીક જેવું ‘મૌલાના’ તરીકેનું સન્માન પૂરતું છે.’ એવું તેમણે કહ્યું હોવા છતાં, રાજીવ ગાંધીને ‘ભારતરત્ન’ અપાયાના બીજા વર્ષે (૧૯૯૨માં) મૌલાનાને મરણોત્તર ‘ભારતરત્ન’ આપવામાં આવ્યો.

તમિલ નેતા એમ.જી.રામચંદ્રને જીવતાંજીવ એવોર્ડનું પ્રશસ્તિપત્ર હિંદી ભાષામાં હોવાના વિરોધમાં ‘પદ્મશ્રી’ ઠુકરાવી દીધો હતો, એટલે તેમના મૃત્યુ સુધી રાહ જોયા પછી રાજકારણના ભાગરૂપે તેમને મરણોત્તર ‘ભારતરત્ન’ જાહેર કરવામાં આવ્યા. આ સિલસિલામાં મોરારજી દેસાઇનો કિસ્સો સૌથી વિશિષ્ટ છે. જનતા સરકારના શાસન દરમિયાન વડાપ્રધાન બનેલા મોરારજીભાઇએ સરકારી બની ગયેલા એવોર્ડ બંધ કરી દીધા હતા, પરંતુ માંડ દોઢેક વર્ષ પછી ૧૯૮૦થી વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ફરી એવોર્ડ શરૂ કર્યા. ત્યાર પછી ૧૯૯૧માં ખુદ મોરારજી દેસાઇએ ‘ભારતરત્ન’ એવોર્ડ પ્રેમથી સ્વીકારી લીધો.

ભારતરત્ન જેવા સર્વોચ્ચ એવોર્ડની આ દશા હોય તો પદ્મ પુરસ્કારની હાલત કલ્પી શકાશે. નાગરિક સન્માનોની ઘસાયેલી વિશ્વસનીયતાના મુદ્દે મઘ્ય પ્રદેશની હાઇકોર્ટમાં એક પીટીશન દાખલ થઇ હતી અને એ કેસ ચાલ્યો એ વર્ષો દરમિયાન એવોર્ડની વહેંચણી મોકૂફ રહી. ત્રણ વર્ષ પછી સર્વોચ્ચ અદાલતના તત્કાલીન વડા ન્યાયાધીશ જસ્ટિ અહેમદીના અઘ્યક્ષપણા હેઠળની બેન્ચે નાગરિક સન્માનોને બંધારણીય માન્યતા તો આપી. સાથોસાથ આકરા શબ્દોમાં એવી ટીકા પણ કરી કે ‘અંગ્રેજોના શાસન વખતે ઇલ્કાબના લોભી લોકો સમાજ માટે નુકસાનકારક સાબીત થયા હતા. આઝાદ ભારતમાં આ જ રીતે જથ્થાબંધ એવોર્ડ વહેંચાતા રહેશે તો એ બાબત સમાજ માટે, ઇલ્કાબના લાલચુ લોકો કરતાં પણ વધારે હાનિકારક પુરવાર થશે.’ ન્યાયધીશોની બેન્ચે એવોર્ડની સંખ્યા પર અંકુશ મુકવાની અને એવોર્ડના માપદંડ ચકાસવા માટે એક સમિતિ બનાવવાની ભલામણ પણ કરી હતી, જેનો કદી અમલ ન થયો.

પરિણામે કોઇ નિખિલ ચક્રવર્તી ‘પત્રકાર તરીકે હું સરકાર પાસેથી એવોર્ડ સ્વીકારી ન શકું’ એમ કહીને કે કોઇ રોમીલા થાપર ‘હું મારા વિષયની-ઇતિહાસની-સંસ્થાનું સન્માન સ્વીકારી શકું, પણ હું કેવી ઇતિહાસકાર છું એની સરકારને શી ખબર પડે?’ એમ કહીને સરકારી સન્માનો ફગાવે છે. પણ એવા જૂજ અપવાદોને બાદ કરતાં કે સરકારી નીતિના વિરોધમાં મળેલું સન્માન પાછું આપનાર ખુશવંતસિંઘ, બાબા આમટે, ઇન્દર મોહન જેવાને બાદ કરતાં મોટા ભાગના સન્માનિતાને આ પુરસ્કારો પોતાનાં માનપાન-શોભા વધારનારા લાગે છે.

એવોર્ડની શોભા વિશે વિચારવાનો કોની પાસે સમય છે?

Tuesday, February 01, 2011

ચંદુભાઇ દલાલ રચિત ગાંધીજીનું સાચું સ્મારક : ગાંધીજીની દિનવારી

એક સમય હતો જ્યારે ગાંધીજીને ૩૦ જાન્યુઆરી અને ૨ ઓક્ટોબર વિના યાદ કરવામાં આવતા ન હતા- અને તેનો રંજ રહેતો હતો. હવે તેમનું નામ લેવાયું જાણીને ફાળ પડે છેઃ શા માટે ગાંધીજીને યાદ કર્યા હશે? આ વખતે કયા ઉદ્યોગપતિ સાથે તેમની બેશરમ અને વલ્ગર સરખામણી થઇ હશે? કયા મુખ્ય મંત્રીની ખુશામત માટે કોઇ લાભખોર ઉદ્યોગપતિએ તેમની ગાંધીજી સાથે સરખાવ્યા હશે? ગાંધીજીના જીવનનાં મૂળભૂત મૂલ્યોથી તદ્દન સામા છેડાના આશયો સિદ્ધ કરવા માટે મહાત્મા મંદિર બને અને લોકો તેને ગાંધીજીનું સ્મારક ગણીને હરખાય, ત્યારે સવાલ થાય કે એસ્સેલ વર્લ્ડ અને ગાંધીજીના સ્મારક વચ્ચે લોકોને તફાવત લાગતો હશે ખરો?

ગાંધીજીનું જીવનકાર્ય, તેમનું સાહિત્ય કે તેમની સ્મૃતિ- આ કોઇ પણ બાબતની જાળવણી વિશે વાત થાય ત્યારે એક પુસ્તકનો ઉલ્લેખ અચૂકપણે કરવો પડેઃ ચંદુભાઇ ભગુભાઇ દલાલ સંપાદિત ‘ગાંધીજીની દિનવારી’. જરા પણ અતિશયોક્તિ વિના કહી શકાય કે ગાંધીજી વિશેનાં કોઇ પણ ભાષાનાં શ્રેષ્ઠ પાંચ પુસ્તકની યાદી બનાવવાની થાય તો તેમાં ‘દિનવારી’ને સ્થાન આપવું પડે.


૭૫૦થી પણ વઘુ પાનાં ધરાવતા આ ગ્રંથમાં ચંદુભાઇ દલાલે ગાંધીજી ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા ત્યારથી શરૂ કરીને તેમની હત્યા થઇ એ દિવસ સુધીના તેમના જીવનની તારીખ- વર્ષ અને સ્થળ વાર વિગતો ટૂંકાણમાં આપી છે. પુસ્તકને ગાંધીપ્રેમીઓ-અભ્યાસીઓ માટેની કિમતી ખાણ જેવું બનાવવા માટે અંતે સ્થળોના નામની કક્કાવાર સૂચિ, નામ સહિત બીજા શબ્દોની અલગ સૂચિ, ગાંધીજીએ વેઠેલા જેલવાસની તારીખવાર વિગતો અને ભારતમાં તેમણે કરેલા ઉપવાસની આવશ્યક વિગતો સાથેની યાદી પણ મુકવામાં આવી છે.

સૂચિ એટલે કે યાદીમાં હોઇ હોઇને શું હોય? અને એક તારીખની સામે ગાંધીજી એ દિવસે ક્યાં હતા, કયા કાર્યક્રમમાં ગયા, કોને મળ્યા- એવી વિગતો શુષ્ક ન લાગે? તેનો જરૂર પડ્યે ઉપયોગ કરી શકાય, પણ તેને વાંચવામાં શું સ્વાદ આવે? એવી શંકાઓ આગળનું વર્ણન વાંચીને થઇ શકે છે. પણ ચંદુભાઇના સંપાદનની સૌથી મોટી ખૂબી એ છે કે ઉંડા સંશોધન, સંદર્ભો અને પૂરક માહિતીઓથી તે સૂચિના પુસ્તકને વાચનક્ષમ જ નહીં, વાંચતાં રસના ધૂંટડા આવે એવું બનાવી શક્યા છે.

જેમ કે, સ્થળસૂચિ પરથી કોઇ પણ વ્યક્તિ પોતાના ગામમાં ગાંધીજી ક્યારે આવ્યા હતા, તેમણે શું કર્યું હતું એવી વિગતોથી માંડીને ભારતભરમાં ગાંધીજી કેટલે ઠેકાણે ઘૂમી વળ્યા હતા તેનો અંદાજ એક નજરે મેળવી શકે. એવી જ રીતે, કોણ ગાંધીજીને કેટલી વાર, ક્યારે અને ક્યાં મળ્યું હતું, તે પણ સાવ સહેલાઇથી પ્રકીર્ણ સૂચિમાંથી શોધી શકાય. ‘પ્રકીર્ણ સૂચિ’માં ‘કદરદાની’ની એન્ટ્રી સામે ભારતભરમાં ગાંધીજીને જ્યાં પદવી, માનચાંદ કે માનદ્ સભ્યપદ મળ્યા હોય તેની તારીખ-સ્થળ વાર વિગતો મળી જાય, તો ‘નાટક’ ની એન્ટ્રી સામે ગાંધીજી ભારતમાં જ્યાં પણ નાટક-સિનેમા-સરકસ-નૃત્ય-સંગીત-ભજન વગેરેના કાર્યક્રમમાં ગયા હોય તેની માહિતી હાજર!
મુખ્ય દિનવારીમાં દરેક પાને મથાળે વર્ષ અને મહિનો હોય અને પાના પર તારીખની સામે ટૂંકમાં વિગત આપેલી હોય. જેમ કે, ૧૯૧૫-જાન્યુઆરી. ‘૧૬. મહેમદાવાદ. ગાડી આવે ત્યારે નડિયાદ હિંદુ અનાથાશ્રમના મંત્રીએ આશ્રમ અંગે માહિતી આપી.’

આ એન્ટ્રી પરથી ખબર પડે કે ભારત આવ્યા પછી મુંબઇથી પહેલી વાર અમદાવાદ જતા ગાંધીજી અમદાવાદથી પણ પહેલાં મહેમદાવાદ સ્ટેશને ઉતર્યા હતા.

પરંતુ આટલું પૂરતું નથી. આ વિગત ધરાવતા પાનાના નીચેના હિસ્સામાં ચંદુભાઇની સંપાદકીય નોંધ મળે કે ‘આ માહિતી કાઠિયાવાડ ટાઇમ્સમાંથી લીધી છે. નડિયાદમાં આવેલા અનાથાશ્રમના મંત્રી મહેમદાવાદ સ્ટેશને કેમ મળ્યા હશે એ સમજાતું નથી.’

ચંદુભાઇની ટકોરાબંધ સંશોધનવૃત્તિની ગવાહી આપતી આવી નોંધો પાને પાને મળી આવે છે. તેમાં એમણે ગાંધીજીના અંતેવાસી બની રહેલા મહાનુભાવોની ગાંધીજી સાથેની પહેલી મુલાકાતોની તારીખ નોંધી છે. ભારત આવ્યાના બીજા જ દિવસે થયેલી સ્વામી આનંદની મુલાકાત (તા.૧૦ જાન્યુઆરી, ૧૯૧૫)થી શરૂ કરીને કાકાસાહેબ કાલેલકર, આચાર્ય કૃપલાની, મામાસાહેબ ફડકે, મહાદેવભાઇ દેસાઇ, નરહરિભાઇ પરીખ, ઇન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજ, ડો.સુમંત મહેતા, શંકરલાલ બેન્કર, કિશોરલાલ મશરૂવાળા, વિનોબા જેવાં નામો એ યાદીમાં આવી જાય. ચંપારણ સત્યાગ્રહના સાથી (અને આઝાદ ભારતના પ્રથમ રાષ્ટ્પતિ) રાજેન્દ્રપ્રસાદે તેમના પુસ્તકમાં ગાંધીજી-પ્રો.કૃપલાનીની પહેલી મુલાકાત પટણામાં થઇ હોવાનું લખ્યું છે, પણ એ બરાબર નથી એવું પૂરી નમ્રતા સાથે સંપાદક ચંદુભાઇ નોંધી શકે છે.

ટૂંકાં વાક્યોમાં પણ જરૂરી માહિતી કેવી રીતે સમાવી લેવી તેનો ‘દિનવારી’ આદર્શ નમૂનો છે. જેમ કે, ૧૯૧૫-મે-૨૦ની એન્ટ્રી છેઃ ‘નવા ઘેર (કોચરબ આશ્રમ) ટોપી પહેરીને વાસ્તુ કર્યું.’ ગાંધીટોપી પહેરેલા ગાંધીજીની જૂજ તસવીરો જોવા મળે છે એ ઘ્યાનમાં રાખતાં, આ નોંધમાં ‘ટોપી પહેરીને’ એ શબ્દોનું મહત્ત્વ સમજી શકાશે. ૧૯૧૮-ઓક્ટોબર-૫-અમદાવાદ સામે નોંધ છેઃ ‘મેલિન્સ ફૂડ લીઘું.’ પરંતુ એ પાનામાં નીચે ‘કલેક્ટેડ વર્ક્સ’ને ટાંકીને સંપાદકની વધારાની નોંધ છેઃ ‘ ૧૮-૨-૧૯૧૨ના રોજ પૌત્ર કાંતિને મેલિન્સ ફૂડ આપવામાં આવતું હતું તેનો વિરોધ કર્યો હતો.’
ગાંધીજીના જીવનની ઝીણી ઝીણી, પણ તેમની લાક્ષણિકતાઓનો પરિચય કરાવતી વિગતોથી આખું પુસ્તક છલકાય છે. અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (વિદ્યાસભા)માં આજીવન સભ્યપદ માટે ૧૪ એપ્રિલ, ૧૯૧૬ના રોજ અરજી કરતાં ગાંધીજી લખે છે,‘હું પેટવડીએ કામ કરતો શિક્ષક છું, એટલે માસિક ત્રીસ રૂપિયાના પગારની અંદરનો શિક્ષક ગણાઊં એમ માનું છું. તેથી રૂપિયા પચીસ મોકલ્યા છે.’ સંપાદકની નોંધ પ્રમાણે, વિદ્યાસભાના આજીવન સભ્યપદની ફી રૂ.૫૦ હતી, પણ સ્ત્રીઓ અને માસિક રૂ.૩૦ સુધીના પગારના શિક્ષકો માટે રૂ. ૨૫ હતી. એટલે ગાંધીજીએ (પાછળથી આપવા માંડેલી વણકર અને ખેડૂતની ઓળખાણ પહેલાં) શિક્ષક તરીકે પોતાની ઓળખાણ આપી હતી. એ જ પાના પર ઘટનાક્રમની સર્કિટ પૂરી કરતાં ચંદુભાઇએ નોંઘ્યું છે કે ‘તા.૧૯મીએ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ ગાંધીજીને સંસ્થાના માનદ્ આજીવન સભ્ય બનાવ્યા અને એમણે
મોકલેલા રૂ.૨૫ તા. ૨૬-૪-૧૬ના રોજ પાછા મોકલ્યા.’
મુખ્યત્વે સૂચિના પુસ્તકમાં ગાંધીજીની વિચારપદ્ધતિ ઝીલવાનું અઘરૂં પડે અને પુસ્તકનો એ આશય પણ નથી. છતાં ગાંધીપ્રેમી અને આઝાદીની લડતમાં ત્રણ વખત જેલમાં જઇ આવેલા ચંદુભાઇએ ભારે ખંતથી તક હોય ત્યાં ગાંધીજીની વિચારપદ્ધતિ સચોટ રીતે મૂકી આપી છે. ૧૯૧૮-માર્ચ-૩- અમદાવાદની એન્ટ્રી એવું એક ઉદાહરણ છેઃ એક પત્રમાં લખ્યું, ‘વગર સમજે લોકો મારી પૂજા કરે એ કેવળ કંટાળારૂપ છે.’

મહાત્મામંદિરના રચયિતાઓને કામ લાગે એવી એક એન્ટ્રી ૧૯૧૯-એપ્રિલ-૧૫-અમદાવાદની છે : ‘હુલ્લડમાં જખમી થયેલાની ખબર કાઢવા સિવિલ ઇસ્પિતાલની મુલાકાત. કલેક્ટરને પત્ર- ‘હુલ્લડમાં કયા કયા અંગ્રેજ મરણ પામ્યા અગર ઘવાયા છે એ જણાવશો. જે રાહતફાળો શરૂ કરવામાં આવ્યો છે તેમાંથી એમને પણ રાહત આપી શકાશે.’

સારગ્રાહી, ઝીણી અને સ્વસ્થ સંશોધક નજર ધરાવતા ચંદુભાઇ (જન્મઃ૬ નવેમ્બર, ૧૮૯૯, મૃત્યુઃ ૨ માર્ચ, ૧૯૮૦) ૧૯૩૬માં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ‘ડિપ્લોમા ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન’ ભણીને પહેલાં ગુજરાત વિદ્યાપીઠમાં અને પછીથી અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં જોડાયા હતા. ‘આંકડાશાસ્ત્રનાં મૂળ તત્ત્વો’ અને ‘વ્યાપારી ભૂગોળ’ જેવાં પુસ્તકો લખનાર ચંદુભાઇએ કોર્પોરેશનમાંથી ચીફ ઓડિટર તરીકે નિવૃત્ત થયા અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ તરફથી ‘સી.એ.’ની માનદ્ ડિગ્રી વડે સન્માનિત થયા.

નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ તરીકે તેમણે હાથ ધરેલું ‘ગાંધીજીની દિનવારી’નું મહાકાર્ય ગુજરાતી ઉપરાંત અંગ્રેજીમાં પ્રકાશિત થયું. ગુજરાતીમાં પહેલી આવૃત્તિ માર્ચ ૧૯૭૦માં (૧૧૦૦ નકલ) અને બીજી સંવર્ધિત આવૃત્તિ છેક ૧૯૯૦માં (૧૫૦૦ નકલ) થઇ, જે ગાંધી આશ્રમમાં હમણાં સુધી મળે છે. આવું ઉત્તમ પુસ્તક છે અને ઉપલબ્ધ છે, તેની ઘણા વાચનપ્રેમીઓને ખબર જ ન હોય અને તેની હજુ સુધી પૂરી ૨૫૦૦ નકલ પણ વેચાઇ ન હોય, તે ‘દિનવારી’માં ન નોંધાયેલી શરમજનક માહિતી છે.